অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પરોપજીવી નીંદણો

કુદરતી નિવાસ્થાનમાં ખાસ ચાર વર્ગના છોડ જોવા મળે છે જેવાકે ખેતી પાકના છોડ, જંગલી છોડ, પાક કરતાં અલગ પડતા છોડ અને નીંદણના છોડ. પાકના છોડ સામાન્યરીતે ઉત્પાદન મેળવવા માટે ઉગાડવામાં આવે છે. જંગલી છોડ પોતાની મેળે કુદરતી રીતે ઉગી નીકળે છે જે મનુષ્ય જાતને હાનિ કે નુકશાન પહોંચાડતા નથી. અલગ પડતા છોડ પાકમાં ઉગી નીકળે છે પરંતુ ઉત્પાદન આપતા છોડ ને નુકશાન કરતા નથી. નીંદણો એ એવા પ્રકારના છોડ છે કે જે બિન જરૂરી, હઠીલા, અડીખમ, નુકશાન કર્તા, ઝેરી છે તેમજ ખેતીકાર્યોમાં અડચણ કરે છે.

 

પરોપજીવી પ્રકારના છોડમાં ફૂગ અને જીવાણુંની માફક નીલ કણો હોતા નથી જે ખોરાક માટે બીજા છોડ ઉપર જીવનનિર્વાહ કરે છે. અન્ય વનસ્પતિના મૂળ, થડ કે પાન ઉપર મૂળ નાખી, તેમાંથી રસ ચૂસીને જીવનક્રમ પુરો કરે છે. આમ ઉપયોગી છોડ ને ખૂબજ નુકશાન પહોંચાડે છે. આગિયો અને વાકુંબા યજમાન છોડના મૂળ પરથી સીધો ખોરાક ચૂસે છે. જયારે અમરવેલ યજમાન છોડના થડમાંથી રસ ચૂસીને નુકશાન કરે છે. પરોપજીવી પ્રકારના નીંદણોમાં કેટલીક વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતાઓ જોવા મળે છે. પુષ્કળ પ્રમાણમાં બીજ ઉત્પાદનશકિત અને અતિઆક્રમણકારી સ્વભાવ હોવાથી નીંદણ-નિયંત્રણના ઉપયોગથી કાબુમાં લેવા અઘરા છે. તેથી કેટલાક નીંદણો કેટલીક ખાસ પરિસ્થિતિમાં કાબૂમાં લેવા માટે મુશ્કેલ બની રહે છે. દા.ત. શેરડી અને જુવારમાં આગિયો, તમાકુ, ટામેટી, મરચી અને રાયડામાં વાકુંબા, રજકો, વરિયાળી તથા તુવેર પાકમાં અમરવેલ, આંબા તથા ચીકુમાં વાંદો.

પરોપજીવી નીંદણની જાતી ઓ પૈકી ૬૦ ટકા ઉપરાંત જાતિઓ સંપૂર્ણ પરોપજીવી પ્રકારની છે. યજમાન છોડના થડ, મૂળ અને પાનની પેશીઓમાં ઝીણા નહોર ઘુસાડી તેમાંથી રસનું શોષણ કરે છે. ફૂલ ધરાવતા પરોપજીવી નીંદણના નહોરમાં યજમાન છોડની પેશીઓ કરતા વધારે પ્રમાણમાં રસાકર્ષણ દાબ હોય છે. પરિણામે યજમાન છોડમાં પોષકતત્વોનું શોષણ થાય છે. સતત એકનો એક પાક લેવાથી, યોગ્ય પ્રકારની ફેરબદલી ન કરવાથી, કસ વગરની જમીન અને ઓછો વરસાદ, ખોટી ખેતી પદ્ધતિ (પરોપજીવી નીંદણના બી સહિત), પ્રતિરોધક ઉપાયો લેવાની બિનક્ષમતા વગેરે જેવા પરિબળો પરોપજીવી નીંદણનો ઉપદ્રવ વધારવામાં મદદરૂપ થાય છે. પરોપજીવી નીંદણો ને નીચે જણાવ્યા પ્રમાણે બે વિભાગમાં વહેંચી શકાય.

થડ પર નભનારા પરોપજીવી:

  • સંપૂર્ણ પરોપજીવી–અમરવેલ
  • અર્ધ પરોપજીવી–વાંદો

મૂળ પર નભનારા પરોપજીવી:

  • સંપૂર્ણ પરોપજીવી-વાકુંબા
  • અર્ધ પરોપજીવી–આગિયો

અમરવેલ (નમૂળી, પીળીવેલ)

અંગ્રેજી નામઃ Dodder

વૈજ્ઞાનિક નામઃ Cuscuta spp.

અમરવેલની ૨૭૪ જાતિઓનો ફેલાવો સમગ્ર દુનિયામાં જોવા મળે છે. પરંતુ તેમાંથી ૧૦ કરતા પણ ઓછી જાતિઓ ખેતીમાં નુકશાનકર્તા નીંદણ તરીકે જોવા મળે છે. અમરવેલ ફૂલો વાળો પરોપજીવી છોડ છે. શાકભાજીના પાકો, ફળઝાડ, ફૂદીનો, ડુંગળી, બીટ, ટામેટા, ટરનીપ જુદા જુદા પ્રકારના ઝાડ અને વાડ ઉપર ગંભીર નુકશાન પહોંચાડે છે. અમરવેલ કેરોટીનોઈડ રંજક દ્રવ્ય ધરાવે છે. જે બહુ જ અલ્પ પ્રમાણમાં પ્રકાશસંશ્લેષણ ક્રિયા કરવા શકિતમાન હોય છે. અમરવેલનો છોડ ભેજવાળી જગ્યા બાદ, જો યજમાન છોડ ન મળે તો બે અઠવાડીયા સુધી જીવીત રહી શકે છે. તેનો ફેલાવો બી મારફત તેમજ મનુષ્ય, પક્ષીઓ અને પ્રાણીઓ દ્વારા તથા હલનચલન મારફતે નાના તાંતણા દ્વારા થાય છે.

અમરવેલ પરોપજીવી છોડ છે તેને મૂળ અથવા પાન હોતા નથી.તે પુષ્કળ તાંતણાઓ તથા તાંતણા જેવું થડ ધરાવતો છોડ છે. અમરવેલ જમીનમાંથી પાણી તેમજ પોષકતત્વોનું શોષણ કરી કરી શકતી નથી. પરંતુ યજમાન છોડમાંથી તેનું સંશ્લેષણ કરીને જીવે છે. અમરવેલ છોડની આસપાસ વિંટળાય જાય છે. અને વિશિષ્ટ પ્રકારના નહોર ધુસાડીને રસ ચૂસે છે. દરેક જાતી ઓને પોતાના વિશિષ્ટ યજમાન હોય છે. જમીનમાં અમરવેલના બી ૮ થી ૧૦ વર્ષ સુધી જવીત રહી શકે છે. પશુઆહારમાં પાચન થઈ બહાર નીકળેલા બીજમાં ફુરણશકિત વધારે હોય છે. જમીનમાં ૪ થી ૮ સે.મી. ઉંડે સુધી દબાયેલ બીજ ઉગી શકે છે. જમીનમાં પડેલા બીજ વરસાદની ઋતુમાં ઉગી નીકળે છે અને યજમાન છોડ મળતા અમરવેલનો તાંતણો તેની આજુબાજુ વિંટળાઈ જાય છે. ધીરે ધીરે આ તાંતણા યજમાન છોડના થડની પેશીઓમાં તેના નહોર નાખે છે અને જમીનથી પોતાનો સંપર્ક તોડી નાંખે છે. આમ તે સંપૂર્ણ પરોપજીવી બની જાય છે.

અમરવેલગ્રસ્ત છોડનો વિકાસ રૂંધાઈ જાય છે અને તે પીળો પડી મરી જાય છે. પાક ઉત્પાદનમાં ઘટાડાની સાથે તેની ગુણવત્તા ઉપર પણ માઠી અસર પડે છે. અમરવેલથી અસરગ્રસ્ત છોડ ઉપર રોગ અને જીવાતનો હુમલો જલ્દી થાય છે.

રાસાયણીક ઉપાયો : પરાકવોટ જેવી સ્પર્શક નીંદણનાશક દવાનો સીધો જ અસરગ્રસ્ત છોડ ઉપર છંટકાવ કરવાથી છવાયેલ પરોપજીવી મરી જાય છે અને ઝાડની ડાળી બળે પરંતુ ફરીથી ઉગી ફૂટી નીકળે છે.

રજકાના પાકમાં અમરવેલના નિયંત્રણ માટે પેન્ટીમીથાલીન ૦.૫00 કિ.ગ્રા. / હે. રજકાની વાવણી બાદ ૧૦ દિવસે છંટકાવ કરવો. આણંદ કૃષિ યુનિવર્સિટની ભલામણ મુજબ કાપણી બાદ પેરાકોટ ૦.૫૦ કિ.ગ્રા./હે. પ્રમાણે છાંટવું.

વાક્બા (મકરવા) :

અંગ્રેજીનામઃ Broomrape

વૈજ્ઞાનિક નામઃ Orobanche spp.

વાકુંબા દ્વિદળી યજમાન પૂરતા સીમીત છે. વાકુંબા એ સંપૂર્ણ પરોપજીવી છે. અગત્યના ખેતી પાકોમાં નકશાનની દ્રષ્ટિએ પાક ઉત્પાદન ઘટાડનાર તેમજ પાકની ગુણવત્તા ઉપર માઠી અસર પહોંચાડનાર પરોપજીવી નીંદણ છે. ખેતી પાકો જેવાકે તમાકુ, ટામેટી, રાઈ, બટાટા, મરચી, રીંગણ વગેરે પાકમાં વાકુંબા વધુ પ્રમાણમાં જોવા મળે છે. સૂકા-ગરમ હવામાનમાં વાકુંબાનો ઉપદ્રવ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.

વાકુંબાએ વર્ષાયુ પ્રકારની બીજ દ્વારા પ્રજનન પામતી પરોપજીવી વનસ્પતિ છે. જમીનમાં યજમાન છોડના મૂળમાંથી ઝરતા રસ વાકુંબાના બીજને સ્કૂરણ માટે ઉત્તેજીત કરે છે. બીજનું સ્કૂરણ થતા યજમાન છોડના મૂળ ઉપર તેના નહોર વળગાડે છે. ત્યાર બાદ વાકુંબો જમીનની બહાર નીકળે છે. એક વાકુંબાનો છોડ બે મહિનાના સમયગાળામાં પાંચ લાખ બીજ ઉત્પન્ન કરે છે. બીજમાં બીલકુલ કલોરોફીલ ન હોવાથી તે સંપૂર્ણ પરોપજીવી છે. તેનું જીવનચક્ર ૩ મહિના જેટલું હોય છે. વાકુંબાના બીજનો ફેલાવો પવન પક્ષીઓ તેમજ પશુઓ દ્વારા થાય છે. બીજ જમીનમાં ૨-૧૨ વર્ષ સુધી પણ સુષુપ્ત અવસ્થામાં રહી શકે છે. વાકુંબા યજમાન છોડ મળે ત્યારે ઉપદ્રવ કરે અને યજમાન છોડના સંપર્કમાં હોય તો જ જીવી શકે છે.

ગુજરાતમાં તમાકુના પાકમાં વાકુંબાથી ૧૫ થી ૨૦ ટકા જેટલું નુકશાન થાય છે. રાઈના પાકમાં ૫૦ ટકા સુધી ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે અને તેની ગુણવત્તા પણ ઉતરતી કક્ષાની જોવા મળે છે.

કાબુમાં લેવાના ઉપાયો :

  • તમાકુના પાક સિવાયના સમયે તલ જેવા પીંજર પાકોનું વાવેતર કરવાથી વાકુંબાનો ઉગાવો થાય એટલે તેને ઉપાડી નાશ કરવો જેથી તમાકુના પાકમાં તેનો ઉપદ્રવ ઘટે છે.
  • ઉનાળાની ઋતુમાં જમીનમાં ઉંડી ખેડ કરી, જમીન તપવા દેવાથી વાકુંબાનું પ્રમાણ આશરે ૩૦ ટકા જેટલું ઘટાડી શકાય છે.
  • વાકુંબાને ફૂલ આવતાં પહેલા ઉપાડીને નાશ કરવો.
  • ખેતરમાંથી બહાર કાઢેલા વાક્બાને પશુઓના ખોરાક તરીકે ઉપયોગ કરવો નહિ અને જમીનમાં ઉંડે દાટી દેવા અથવા સુકાયા બાદ બાળીને નાશ કરવો.
  • વાકંબાગ્રસ્ત તમાકુના ખેતરમાં દર વર્ષે તમાકુનો પાક ન કરતા કપાસ, ડાંગર કે જુવાર જેવા પાકોની ફેર બદલી કરવાથી વાકુંબાનું પ્રમાણ ઘટે છે.
  • વાકુંબાની ટોચ ઉપર કેરોસીન, ડીઝલ અથવા લીંબોળી, કપાસીયાના તેલના બે -ત્રણ ટીપા મૂકવાથી વાકુંબાનું થોડા ઘણા અંશે નિયંત્રણ થાય છે.
  • સોઈલ સોલરાઈઝેશન (ઉનાળામાં) કરવાથી પણ વાકુંબાનું અસરકારક નિયંત્રણ થાય છે.

આગિયો:

અંગ્રેજી નામ: striga

વૈજ્ઞાનિક નામઃ striga spp.

આગિયો ૪૦ પ્રજાતિ ધરાવતો સવિશેષ પ્રબળ મૂળ પરોપજીવી છે. સમગ્ર ભારતવર્ષમાં તેનો ફેલાવો જોવા મળે છે. મોટે ભાગે આગિયો એકદળી વનસ્પતિ જેવીકે મકાઈ, બાજરી, જુવાર, કોદરા, ડાંગર, બાવટો વગેરેમાં જોવા મળે છે. કયારેક શેરડી અને કેટલાક ઘાસચારાના પાકોમાં તેનો ઉપદ્રવ જોવા મળે છે.

બદામી રંગના ખૂબજ ઝીણા બીજ જમીનમાં ઘણા વર્ષો સુધી સુષુપ્ત રહી શકે છે પરંતુ તેનો સાચો યજમાન ન મળે ત્યાં સુધી સ્કૂરણ પામી શકતા નથી. સ્કૂરણ માટે યજમાન છોડના મૂળસાથે ગાઢ સંપર્કમાં હોવું ખાસ જરૂરી છે. પ્રથમ વરસાદ પડી ગયા પછી આગિયાનું જમીનમાં સૂરણ શરૂ થાય છે. આગિયાનો છોડ જમીનની બહારની સપાટી ઉપર દેખાય તે પહેલા જમીનમાં મુખ્ય નુકશાન શરૂ થઈ ચૂકેલ હોય છે. જમીનની બહાર સપાટી ઉપર આવ્યા બાદ આગિયાના પાન ફૂટવાની શરૂઆત થાય છે. ત્યાર બાદ તે યજમાન છોડ ઉપર ઓછો આધાર રાખે છે. થોડા અઠવાડીયા પછી તેમાં ફૂલ આવવાની શરૂઆત થાય છે. દરેક છોડ પુષ્કળ પ્રમાણમાં બીજ ઉત્પન્ન કરે છે. ત્યાર બાદ જમીનમાં યજમાન છોડની પ્રતિક્ષા કરતા જીવિત પડયા રહે છે. આગિયાનો એક છોડ ૩૦,૦૦૦ થી ૭૫,૦૦૦ બીજ ઉત્પન્ન કરે છે. યજમાન છોડના મૂળમાંથી ઝરતા રસ આગિયાના બીજ સ્કૂરણને ઉત્તેજીત કરે છે. આગિયાના બીજ જમીનમાં ૨૦ વર્ષ સુધી જીવીત રહી શકે છે. આગિયાથી પાક ઉત્પાદનમાં ૧૫ થી ૭૫ ટકા જેટલો ઘટાડો જોવા મળે છે.

કાબુમાં લેવાના ઉપાયો :

  • જમીનની ફળદ્રુપતા સુધારવી જોઈએ. જમીનની ફળદ્રુપતા આગિયાના ઉપદ્રવ સાથે સંબંધ ધરાવે છે. ખૂબજ ફળદ્રુપ જમીનમાં આગિયાનું પ્રમાણ ઓછું હોય છે.
  • સેન્દ્રિય ખાતરો અને થોડા પ્રમાણમાં રાસાયણિક ખાતરો આગિયાને ફૂલ આવતા પહેલા જમીનમાં નાંખવાથી તેનું પ્રમાણ ઘટાડી શકાય છે.
  • આગિયાના બીજ આવતાં પહેલા તેને ઉપાડી નાંખવા જોઈએ.
  • જુવારના પાકમાં વાવેતર બાદ ૩૦ થી ૪૫ દિવસે ૨,૪-ડી (એસ્ટર)૧.૦ કિગ્રા./ હે. છંટકાવ કરવાથી આગિયાનું નિયંત્રણ થઈ શકે છે.
  • ૨૦ ટકા યુરિયા અથવા ૫ ટકા એમોનીયમ સલ્ફટ ફૂલ આવવાના સમયે છંટકાવ કરવાથી આગિયો સંપૂર્ણ નિયંત્રણમાં આવે છે.
  • કપાસ, શણ કે તુવેર જેવા પાકો લેવાથી આગિયાનું પ્રમાણ ઘટે છે.

વાંદો:

અંગ્રેજી નામઃ Loranthus

વૈજ્ઞાનિક નામ: Loranthus spp.

કુદરતમાં વાંદાના ૪00 થી પણ વધુ યજમાન નોંધવામાં આવેલા છે. ગુજરાતમાં વાંદો એ આંશિક થડ પર નભતો પરોપજીવી તરીકે પ્રથમ નોંધવામાં આવ્યો હતો. આંબામાં જયારે મોર આવે છે ત્યારે તે સમયે વાંદાની શરૂઆત થાય છે. સને ૧૮૮૫ થી આ પરોપજીવી ધ્યાનમાં આવેલ છે અને તેની પ૮ જાતિઓ ભારતમાં નોંધામાં આવી છે. આંબા, જામફળ,ચીકુ,લીંબવર્ગના ઝાડ, વન્ય ઝાડ જેવા કે સાલ, સાગ, સીસમ બાવળ, પેટોફોરમ વગેરેમાં તે ખૂબજ નકશાન કરે છે. વેલા જેવી લાંબી ડાળી ઉપર નાના પાન અને તેના રંગબેરંગી પુષ્પગુચ્છ તેના પર્ણો સદાય લીલા જોવા મળે છે. પર્ણો નીલકણો ધરાવે છે અને પોતાના ખોરાકની જરૂરીયાત માટે કાર્બોહાઈડ્રેટનું સંશ્લેષણ કરે છે. તેને મૂળ હોતા નથી. પરંતુ મૂળ જેવા નહોર ઉત્પન્ન કરે છે જે યજમાન છોડના થડમાં ઘૂસાડી રસ ચૂસે છે. ચાર-પાંચ વર્ષના જૂના વાંદામાં ફૂલ આવે છે. તેમાં દળદાર આર્કષક નાના ફળ બેસે છે જેમાં કઠણ મીઠા બીજ હોય છે. આ બીજ પક્ષી અને પ્રાણીઓ ખાઈ શકે છે.

વાંદાનો ફેલાવો મોટા ભાગે પક્ષીઓ દ્વારા અને થોડે અંશે પ્રાણીઓ દ્વારા થાય છે. વાંદાના રંગબેરંગી ફળોથી આકર્ષાઈ પક્ષીઓ ખાય છે. વાંદાના બીજ પક્ષીઓની ચાંચ સાથે ચોટી જાય છે અને જયાં ઝાડ ઉપર બેસે ત્યાં બીજ પડે અને વાંદાનો નવો છોડ જેતે ઝાડ પર પેદા થાય છે. ગંભીર રીતે નુકશાન પામેલા છોડના પાનનું કદ નાનું રહે છે અને ફળોનું ઉત્પાદન પણ ઘટે છે.

નિયંત્રણ:વાંદા થી પ્રભાવિત થયેલી ડાળીઓ ખૂબજ નીચેથી કાપી નાખવી જેથી વાંદાનો ઉપદ્રવ આગળ વધતો અટકાવી શકાય. ૨,૪-ડીના દ્રાવણના ઈજેકશન અને મોરથથ અસરગ્રસ્ત ડાળી ને લગાડવા.

સ્ત્રોત:સસ્ય વિજ્ઞાન વિભાગ, ન.મ, કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/27/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate