ભારતનો ખેડૂત મારો ગુરુ છે : સર હાવર્ડ
ભારતની અંગ્રેજ સરકારે સર આલ્બર્ટ હાવર્ડને વનસ્પતિશાસ્ત્રી તરીકે 1905માં પુસા (બિહાર-બંગાળ)માં મોકલેલા. તેમણે જોયું કે સરકારી ફાર્મમાં રાસાયણિક ખાતર વપરાતું. અનાજ, કઠોળ, શાકભાજી જેવા જુદા જુદા પાકમાં જીવાત અને રોગનો ઉપદ્રવ હતો. તેથી વિપરીત સ્વતંત્ર ખેતી કરતા ભારતીય ખેડૂતના ખેતરમાં આવો કોઈ ઉપદ્રવ નહોતો. પાક પણ સારો, પશુઓ પણ તંદુરસ્ત હતાં. ફાર્મના બળદ અને પશુ રોગીષ્ઠ હતાં.
સર હાવર્ડે ફાર્મમાંથી 70 એકર જમીન અલગ તારવીને ભારતીય ખેડૂતને અનુસરીને ખેતી કરી. જીવાતરહિત, સ્વસ્થ, ચોખ્ખો મોલ ઊતર્યો. પશુઓ પણ નીરોગી બન્યાં. તેમણે રાણી વિક્ટોરિયાને એક પત્રમાં લખ્યું કે : `ભારતના ખેડુતો મારા ગુરુ (પ્રોફેસર) છે. સજીવ પ્રાકૃતિક ખેતી જ પાકને જીવાત અને રોગથી મુક્ત રાખે છે, 1905 થી 1921 સુધી `પુસા'માં કામ કર્યા પછી ઇન્દોર (સી.પી. - સેન્ટ્રલ પ્રોવિન્સ) અને રાજસ્થાનના ખેડૂતો વચ્ચે તેમણે કામ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે રાસાયણિક ખેતીથી જમીન વિષાક્ત અને નિર્જીવ બની જાય છે. જમીનના કરોડો - અબજો પોષક સૂક્ષ્મ જીવાણુ મરી જાય છે. આવી જમીનમાં જરૂરી પ્રોટીન, એન્ઝાઇમ, વિટામિન ખામીયુક્ત હોવાથી જીવાત અને રોગ આવે છે. આવાં અનાજ, ફળ, શાકભાજી ખાવાથી મનુષ્ય અને પશુઓ રોગીષ્ઠ બને છે. સર હાવર્ડે કહ્યું હતું કે સન 1940 સુધીમાં મનુષ્યોની દવાઓ માટે 70 કરોડ ડૉલર વપરાયા હતા; 2000 સુધીમાં તો એ આંકડો એક હજાર કરોડથી પણ વધી ગયો છે. સર આલ્બર્ટ હાવર્ડે, 1940માં `એગ્રીકલ્ચરલ ટેસ્ટામેન્ટ : ધ વર્લ્ડ ક્લાસિક ઓન ઓર્ગેનિક ફાર્મિંગ' (પ્રકાશક : ધ અધર ઇન્ડિયા પ્રેસ, માપુસા (MAPUSA) - 403507, ગોવા, ભારત) લખ્યું હતું. તેમાં ઇન્દોર મેથડ ઓફ કોમ્પોસ્ટ (જૈવિક ખાતરની ઇન્દોર પદ્ધતિ) આપી છે. મહાત્મા ગાંધીએ 1933માં, ઇન્દોરમાં આવું ખાતર જોઈને લખ્યું હતું કે, `સ્વાવલંબી બનવા ખેડૂતોએ સજીવ ખેતીનો જ ઉપયોગ કરવો જોઈએ. સ્વાવલંબી કૃષિ અને ખેડૂત, સજીવ ખાતર અને પશુ આધારિત ખેતી જ સમૃદ્ધ ભારત માટે જરૂરી છે.'
પશ્ર્ચિમી દુનિયા સર હાવર્ડને ઓર્ગેનિક (સજીવ) ખેતીના ગુરુ તરીકે ઓળખે છે; અને હાવર્ડ પોતે ભારતના ખેડૂતને પોતાનો ગુરુ કહે છે.
બ્રિટનમાં શ્રીમતી ઈવ બાલ્ફોરે આવી સજીવ ખેતી પોતાના ખેતરમાં અપ્નાવી. એ અનાજ, ફળ, શાકભાજી ખાવાથી પોતે નીરોગી બની એવું જાહેર કર્યું હતું. જૈવિક ખાતરમાં કેટલા ટકા `એનપીકે' છે તેનું મહત્ત્વ નથી, હકીકતમાં એ કરોડો બેક્ટેરિયાનો ખોરાક બને છે, તેમાંથી જમીનમાં હ્યુમસ - સેન્દ્રીય તત્ત્વો બને છે. અળશિયાં દ્વારા વનસ્પતિના મૂળને જરૂરી પોષણ પૂરું પાડે છે. ડૉ. એરનફાઇડ પીફરે કેમોટોગ્રાફી અને ક્રિસ્ટલ પદ્ધતિથી સાબિત કર્યું કે સજીવ ખેતીના છોડમાં પ્રોટીન - એન્ઝાઇમ - વિટામિનનો પૂર્ણ વિકાસ થવાથી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે; પણ રાસાયણિક ખાતરથી ક્રિસ્ટલ બરાબર નથી થતા. જો નિકોલસ નામના એક અમેરિકન ઇંગ્લિશમેને પરંપરાગત ખેતી છોડીને પોતાના એક હજાર એકરના ફાર્મ ઉપર, સરકારની સૂચનાથી રાસાયણિક ખાતર વાપરવાનું શરૂ કર્યું. પાકમાં રોગ આવ્યો, જીવાત વધી. જંતુનાશકોનો ઉપયોગ વધતો ગયો. નફો કરતું ફાર્મ ખોટમાં જવા લાગ્યું. અન્ય વ્યવસાયની જરૂર જણાતાં નિકોલસ મેડિકલ અભ્યાસ કરીને સર્જન બન્યા, અને આટલાન્ટા, ટેક્સાસમાં દવાખાનું શરૂ કર્યું. તેને 37 વર્ષની ઉંમરે ભારે હાર્ટએટેકનો હુમલો આવ્યો, માંડ બચ્યો. પોતે ડૉક્ટર હોવાથી કારણો શોધવા મથ્યા અને તારણ એ મળ્યું કે `નેચરલ ફૂડ' - નૈસર્ગિક ખોરાક લેનારને હૃદયરોગનો હુમલો થતો નથી. પ્રશ્ર્ન થયો નૈસર્ગિક ખોરાક એટલે? એના ફાર્મની જમીનમાં ઊગે છે તે નૈસર્ગિક નથી? સર આલ્બર્ટ હાવર્ડનું પુસ્તક `એગ્રિકલ્ચર ટેસ્ટામેન્ટ' અને સર મેક કારિસનનું `ન્યુટ્રીશન એન્ડ નેચરલ હેલ્થ' વાંચ્યું. ત્રીજું પુસ્તક સર લિયોનેલ જે. પીકરનું `ન્યુટ્રીશન એન્ડ સોઇલ્સ' જોયું. તે પછી સમજાયું કે આજ સુધી, રસાયણિક ખાતરથી પકવેલું ખાધું તે ખરેખર જંકફૂડ હતુંં. એનાથી જીવલેણ રોગો થાય છે. રાચેલ કાર્ઝન લિખિત પુસ્તક `સાયલેન્ટ સ્પ્રિંગ'નું અમેરિકામાં પ્રકાશન થતું રોકવા એક કેમિકલ કમ્પ્નીએ પ્રમુખ કેનેડીનો સંપર્ક કર્યો. તેમણે પ્રમુખના વૈજ્ઞાનિક સલાહકારનો અભિપ્રાય માગ્યો. સલાહકાર ડૉ. જેરોમ વિઝનરે કમ્પ્નીના પ્રતિનિધિ મંડળને કહ્યું કે રાસાયણિક કીટનાશકો એટમ બોમ્બ કરતાં પણ વધારે હાનિકારક છે. તે પછી સજીવ ખેતી (બાયો-ડાયનેમિક ખેતી)ને અમેરિકામાં વેગ મળ્યો. ઇટાલિયન વૈજ્ઞાનિક એમેરિગો મોસ્કાને પણ ચેતવણી ઉચ્ચારતાં કહ્યું કે અમેરિકામાં જન્મતાં 15% બાળકો રાસાયણિક ખાતર - જંતુનાશકોને કારણે જ માનસિક રીતે ક્ષતિયુક્ત જન્મે છે.
આમ છતાં આઝાદી પછી ભારતે ગાંધીજીને વેગળા કરીને, બ્રિટિશ વનસ્પતિશાસ્ત્રી સર હાવર્ડના પ્રત્યક્ષ કાર્ય અને સલાહને અવગણીને રાસાયણિક ખેતી માટે દ્વાર ખોલ્યાં. અમેરિકાના પ્રમુખ ટ્રુમેને 1960માં, વિશ્ર્વબેંકની કેલિફોર્નિયા તથા ઇન્ટરનેશનલ મિનરલ એન્ડ કેમિકલ્સને ભારતમાં ખાતરનું કારખાનું નાખવા દેવા માટે, દબાણ લાવ્યા. તેને મંજૂરી આપવા ઉપરાંત બજાર મળે તે માટે ભારત સરકારે રાસાયણિક ખાતર અને જંતુનાશકોમાં 20 થી 25% સહાય આપવાનું ઠરાવ્યું. `હરિયાળી ક્રાન્તિ'ના બહાને રાસાયણિક ખેતીને પ્રોત્સાહન આપ્યું. 1966-67માં 11 મિલિયન (1.10 કરોડ) ટન વપરાશ, 1978-79 સુધીમાં વધીને 50 મિલિયન (50 કરોડ) ટન થયો. જગતનો તાત ખેડૂત બરબાદ થયો. આજે હજારો ખેડૂતો આપઘાત કરી રહ્યા છે, કારણ જમીનનો રસકસ જ ખલાસ થયો છે. પ્રાકૃતિક સજીવ ખેતી જ આપણને અને દુનિયાને ઉગારી શકે તેમ છે. ભારતના ગોધનને બચાવીને તેનો ખેતીમાં સમજપૂર્વક ઉપયોગ થાય તો સમૃદ્ધિ પાછી આવે. ગોમય (છાણ), ગોમૂત્ર વગેરેમાંથી ખાતર અને જંતુનાશક કઈ રીતે બનાવાય, એના વાડોદરિયાની વાડીમાં થયેલ સફળ પ્રયોગનાં પરિણામ, ત્રણ-ચાર વર્ષમાં આવક દોઢ લાખથી વધીને 12 લાખ શી રીતે શક્ય બની.
સ્ત્રોત : સાધના સાપ્તાહિક
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020