অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સજીવ ખેતી એક એવું લાંબાગાળાનું આયોજન

સજીવ ખેતી એક એવું લાંબાગાળાનું આયોજન

 sajivkheti

સજીવ ખેતી એક એવું લાંબાગાળાનું આયોજન છે જેમાં સરકાર, ખેડૂત, કષિ વૈજ્ઞાનિક, વિસ્તરણ કાર્યકર તથા વપરાશકારની સહભાગીતા અને જવાબદારી રહેલી છે

ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં ખેતીની સમૃદ્ધિ જ દેશની સમૃદ્ધિ બની શકે છે. ખેતીની સમૃદ્ધિ જમીનની ઉત્પાદકતા તથા ગુણવત્તા તેમજ ખેતી પ્રક્રિયાની પર્યાવરણ પર અસર ઉપર આધારિત છે.

ખેતી સંલગ્ન વ્યવસાયનો જીડીપીમાં ૨૯ ટકા ફાળો છે તથા કષિ ક્ષેત્ર દ્વારા ૬૯ ટકા લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ દુનિયાના દેશોમાં આવેલી અૌધોગિક ક્રાંતિની અસર વિશ્વની ખેતી ઉપર પડી અને લોકો એવું વિચારતા થયા કે જે કુદરતી સંપત્તિ છે તેને ભેગી કરી તેનો વેપાર કરી શકાય તથા સમાજ ફકત માનવી માટે જ છે.

આપણો દેશ ખેતીપ્રધાન હોવા છતાં ત્રણેક દાયકા પૂર્વે પરદેશથી અનાજ, તેલ અને ખાંડની આયાત કરવી પડતી હતી. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા ખેતીને સક્ષમ અને આધુનિક બનાવવા હરિયાળી ક્રાંતિનો માર્ગ અપનાવ્યો અને અનાજ, રૂ, ખાંડ વગેરેના ઉત્પાદનમાં સ્વનિર્ભર બન્યા. જો કે હરિયાળી ક્રાંતિને પગલે કષિ રસાયણોના વપરાશની અપૂરતી જાણકારી તેમજ ખેતીકાર્યમાં ખેડૂતની ભાગીદારીના અભાવે કષિ રસાયણો, ખેડ અને પાણીની પર્યાવરણ, જમીન અને જૈવિકતા ઉપર વિપરિત અસર પડી. એટલું જ નહીં પરંતુ ઉત્પાદન ખર્ચ વધવાની સાથે જમીનની ફળદ્રુપતા અને પાક ઉત્પાદનોની ગુણવત્તા પણ ઘટી.

આ કારણોસર હવે નિષ્ણાતો ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળવાનાં પ્રયત્નો કરી રહ્યા છે. હવે સજીવ ખેતી શા માટે એવા પ્રશ્નોનાં જવાબ તથા કારણો આપતા કષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.રમણભાઇ પટેલ જણાવે છે કે, વારંવાર વાપરી ન શકાય તેવી ખેત સામગ્રીના ભાવોમાં વધારો થવાથી ખેતી ખર્ચાળ બની છે. ખેતી સામગ્રી તથા ખેતીકાર્યોની પર્યાવરણ ઉપર વિપરિત અસરો નોંધાવા લાગી. રોગ-જીવાત અને નિંદણનાં પ્રમાણમાં વધારો થયો. રાસાયણિક ખાતરો તથા જંતુનાશકોનાં આડેધડ વપરાશથી જમીન, છોડ તેમજ મનુષ્યની તંદુરસ્તીને વિપરિત અસર થઇ. કુદરતી સંપત્તિ તથા નફાની અસમાન વહેંચણી, વસતિ વધારા સાથે પર્યાવરણનો બગાડ ગુણવત્તાસભર ઉત્પાદનોની માંગ વધી તથા રસાયણોના વિષાણું અવશેષો ખાધ પદાર્થમાં નોંધાયા. રાસાયણિક ખાતરોથી જમીનની જૈવિક વિવિધતાને નુકસાન થતાં હવે તજજ્ઞો સજીવ ખેતીની ભલામણ કરી રહ્યા છે.

તેઓ વધુમાં જણાવે છે કે, સજીવ ખેતીને સેન્દ્રિય ખેતી, કુદરતી ખેતી અથવા ઋષિ ખેતી જેવા વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. સજીવ ખેતી એક એવી કષિ ઉત્પાદન પદ્ધતિ છે જેમાં કત્રિમ રીતે બનાવેલા રાસાયણિક ખાતરો, જંતુનાશકો, ફૂગનાશકો તથા વૃદ્ધિ નિયંત્રકોનાં વપરાશ ઉપર નિષેધ હોય. જેમાં વિકલ્પ રૂપે સેન્દ્રિય ખાતરો, લીલો પડવાશ, પાક ફેરબદલી, જૈવિક (ઓર્ગેનિક) ખાતરો તથા રોગ જીવાતનું જૈવિક નિયંત્રણ સાથે પાક પદ્ધતિ અને જરૂરત પ્રમાણે વનસ્પતિજન્ય બનાવટોનાં ઉપયોગથી નિયંત્રણ કરી જમીનની ઉત્પાદકતા તથા ફળદ્રુપતા જાળવી વધુ ઉત્પાદન મેળવી ખેતીને વધુ નફાકારક બનાવવી.

સજીવ ખેતી એટલે ફકત સેન્દ્રિય ખાતરોનો બહોળો વપરાશ એવું નથી પરંતુ આ એક લાંબાગાળાનું સતત ગુણવત્તાસભર ઉત્પાદન મેળવવાનું આયોજન છે. જેમાં કોઇ પણ તબક્કે ખેતી પ્રક્રિયાથી જમીન, પાણી અને હવા પ્રદૂષિત થવા ન જોઇએ. સજીવ ખેતી એક એવી ખેતી પદ્ધતિ છે કે જે સ્વીકારે છે કે ખેતી સજીવોનું વિજ્ઞાન છે. સજીવ ખેતીમાં સમતોલ વાતાવરણ તૈયાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે જેમાં જમીનની ફળદ્રુપતા અને રોગ, જીવાત, નિંદણ નિયંત્રણ સુચારૂં કુદરતી ચક્ર અને પ્રક્રિયાના વિનિયોગ દ્વારા ઓછામાં ઓછી કષિ સામગ્રી અને ઊર્જાનો વપરાશ કરી ગુણવત્તાસભર વધુ ઉત્પાદન મેળવવાની સાથે તેને પર્યાવરણ સુધારણામાં મદદરૂપ બનાવવું.

હાલમાં સજીવ ખેતીથી દેશની વસતિને જરૂરી અનાજ, કપડાં, બળતણ વગેરે તાત્કાલિક પુરા પાડી શકીએ નહીં. આથી વૈકિલ્પક વ્યવસ્થા સાથે કષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સાતત્યપૂર્ણ તથા ટકાઉ ખેતીની પસંદગી માટે ભલામણ કરે છે. જરૂરત પ્રમાણે સલામત કષિ રસાયણો સંકલિત રીતે ભલામણ મુજબ ઉપયોગ કરવાનો અભિગમ અપનાવવાની સલાહ આપવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણી હાલની વસતિ માટે જરૂરી કષિ ઉત્પાદનો મેળવીએ તથા સાથોસાથ જમીન, પાણી, જૈવિક વિવિધતા, હવા, સૂર્યપ્રકાશ વગેરેનું સંરક્ષણ જ નહીં બલકે સંવર્ધન કરીએ જેથી આવનારી પેઢીને કોઇ મુશ્કેલી ન પડે. આ એક લાંબાગાળાનું આયોજન છે જેમાં સરકાર, ખેડૂતો, કષિ વૈજ્ઞાનિકો, વિસ્તરણ કાર્યકરો અને વપરાશકારો સૌની સહભાગીતા અને જવાબદારી રહેલી છે.

સ્ત્રોત: સજીવ ખેતી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate