অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખેતી કાર્યોમાં ટ્રેકટર/મીની ટ્રેકટર અને તેની સાથે વપરાતા સંલગ્ન ઓજારોનો કાર્યક્ષમ ઉપયોગ

ખેતી કાર્યોમાં ટ્રેકટર/મીની ટ્રેકટર અને તેની સાથે વપરાતા સંલગ્ન ઓજારોનો કાર્યક્ષમ ઉપયોગ

ખેતીમાં પાક ઉત્પાદન ખર્ચ ઘટાડવાના પ્રયત્નરૂપે ખેત યાંત્રિકીકરણ અપનાવાઈ રહયું છે. સુધારેલા તથા નવા– નવા ખેતયંત્રોનો ઉપયોગ ખેતીના કાર્યો કરવા માટે હાલમાં ખેડૂતમિત્રો ખૂબ જ રસ લઈ રહયા છે. સારા ખેતયંત્રોના વપરાશથી ખેડ કાર્યો સમયસર થાય છે, ઉત્પાદન ખર્ચ ઘટે છે અને પાકની ગુણવતા સારી રીતે જળવાય છે. આમ હવે ખેતીમાં યંત્રો – ઓજારોનો ઉપયોગ અનિવાર્ય બનતો જાય છે. આવા ઓજારોને મનુષ્યશકિત, પશુશકિત કે યાંત્રિકશકિતથી ચલાવાય છે. ખેતીમાં વધતી જતી મજુરીના ખર્ચને ઘટાડવાની, ઝડપથી અને સમયસર ખેતીનાં કાર્યો કરવાની જરૂરીયાત હંમેશા રહે છે. આ ઉપરાંત, ખેત ઉત્પાદન વધારવા, ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને ઉત્પાદનની કાચી ખેત પેદાશોનું રૂપાંતરણ કરી મૂલ્ય વૃધ્ધિ કરવાની જરૂરીયાત અત્યારે ખેતીમાં ઉભી થઈ છે. આ સંજોગોમાં ખેતી ક્ષેત્રે સુધારેલા, આધુનિક અને નવા ખેતયંત્રો, મશીનરી અને ઓજારોના વિકાસ અને ઉપયોગની બાબતનું મહત્વ ઘણુ વધતુ જાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે, જુદા જુદા ખેતીના પાકો માટે, જુદા જુદા કાર્યો કરવાના થાય છે. આવા કાર્યોમાં ખેડ કાર્યો કરી વાવણી માટે જમીન તૈયાર કરવી, ઉગેલા પાકનાં પાક સંરક્ષણનાં પગલાં લેવા, તૈયાર થયેલ પાકની લણણી–કાપણી (હાર્વેસ્ટીંગ) કરવી તથા સારી રીતે સાફ–સૂ ફ કરી કોથળાં – બેગ વગેરેમાં ભરી બજાર કે ઉદ્યોગો સુધી પહોંચાડવા જેવી ખેતીની મુખ્ય કામગીરીઓને ખેતકાર્યો કહેવાય છે. આવા ખેતકાર્યો કરવા ખેડ માટેના ઓજારો જેવા કે, ચવડાવાળું હળ, તાવડીવાળું હળ, જુદા જુદા પ્રકારની દાંતીઓ, ચાસ ખોલવાના, સાથો–સાથ ખાતર ભરતું / વાવતું ઓજાર, યાંત્રિક વાવણીયો, નીંદણ દૂર કરવાના બધા સાધનો, દવા–પાવડર છાંટવાના તમામ પ્રકારના સ્પ્રેયર્સ–ડસ્ટર્સ, પાકની કાપણી માટેનાં મોવર, રીપર, દાતરડાં, કમ્બાઈન હાર્વેસ્ટર, થ્રેશર વગેરે તથા ડેકોર્ટીકેટર (શીંગ ફોલ – એરંડા ફોલ મશીન) આવા બધા પ્રકારના ઓજારોને સુધારેલા ખેત ઓજારો કહી શકાય.

આ ઉપરાંત, વિશેષ ખેતકાર્યો કરવા માટે વપરાતા ઓજારો– ંત્રો જેવા કે વાવેલ / રોપેલ પાકમાં ખાલા પુરવા, ઝાડ કે રોપાંઓને વાવવા ખાડા કરતા પોસ્ટ હોલ ડીગર જેવા સાધનો, પાઈપલાઈન માટે ઉંડી ખાઈ કરવાના સાધનો, રોટાવેટર, પાકને સુકવવા માટેનાં સાધનો, પાકના ફળને – બીજને ગ્રેડીંગ કરવાનાં, પેકીંગ કરવાનાં સાધનો, જેવા યંત્રોને પણ ખેતીના આધુનિક, નવા અને સુધારેલ ખેતી યંત્રો – મશીનરી કહી શકાય.

પ્રવર્તમાન સમયે કેવા કેવા ખેતયંત્રોનો ઉપયોગ કયા કયા ખેત કાર્યો કરવામાં આવે છે, તે અંગેની ચર્ચા કરાયેલી છે. જેથી કરીને ખેતી સાથે સંકળાયેલ વાંચક વર્ગને ખેતકાર્યોમાં સરળતા, કાર્યક્ષમતા અને ગુણવત્તા જાળવવા તથા ખેત ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં ઉપયોગી થઈ શકશે.

સબ સોઈલર : જમીનમાં જળ સંગ્રહ કરવા માટેનું ઓજાર

સબ સોઈલરથી વધારે ઉંડાઈ સુધી ખેડાણ કરી જમીનનું કઠણ પડ તોડી શકાય છે. તેમજ ઉપરનાં ભાગમાં માત્ર ચીરો જ પડતો હોવાથી ઉપરની માટી પલટી ન ખાતા ઉપરના પડમાં જ રહે છે, જેથી વરસાદના પાણીને વધારે પ્રમાણમાં ઓછા સમયમાં ભૂગર્ભમાં ઉતારી શકાય છે. પ્રથમ વરસાદ થતાં જ જમીનની ઉપલી માટી પડેલ ચીરામાં પુરાઈ મુળ સ્થિતિમાં આવી જાય છે. જેથી આંતરખેડ કાર્યમાં પણ મુશ્કેલી પડતી નથી અને વરસાદ ખેંચાય ત્યારે પાકનાં મુળતંત્ર સંગ્રહ થયેલ ભેજનો ઉપયોગ કરી જીવતદાન મેળવે છે. સબ સોઈલીંગ કરવાથી જમીનમાં ભેજ સંગ્રહનું પ્રમાણ વધે છે, મુળનો વિકાસ પ્રમાણમાં વધારે થાય છે, વરસાદની ખેંચના દિવસોમાં પાકને જીવતદાન મળી જાય છે. આમ એકંદરે પાક ઉત્પાદન વધારવામાં ઉપયોગી થાય છે. આ ઓજારની અંદાજીત કિંમત રૂા. ર૦૦૦/– જેટલી છે.

ટ્રેકટર ચાલિત સાંઠીઓ ઉખાડવાનું ઓજાર (પ્લાન્ટ પુલર)

હળના ચવડા જેવા આકારનું આ સાધન કપાસ, એરંડા અને તુવેરની સાંઠીઓને જમીનમાંથી ઉખાડવા માટે વપરાય છે. આ ઓજાર, ઉપરોકત પાકની સાંઠીઓને સંપૂર્ણ રીતે ઉખેડી નાંખે છે, સાથે સાથે ખેડ કાર્ય પણ થતું જાય છે. આ સાધનનાં વપરાશથી જણાયું છે કે, કામ કરવા માટેની ઝડપ પ્રતિ કલાકે ૪ થી પ કિમી. ની રાખતા સારી કાર્ય ઉત્પાદકતા મળે છે. અંદાજે ૯પ થી ૯૮ ટકા સાંઠીઓને ચાસમાંથી ઉખેડી નાંખે છે.

રોટાવેટર (રોટરી કલ્ટીવેટર)

જમીન આ યંત્રથી એક જ વખત ખેડતા વાવણીલાયક બને છે. જમીનની 'ટીલ્થ' બહુ જ સારી રીતે તૈયાર થાય છે. આ સાધનથી ખેત ઉત્પાદન ખર્ચ ઘટાડી શકાય છે. ખૂબ જ ઓછા સમયમાં 'સીડબેડ' તૈયાર કરી શકાય છે. વાવણીનું કામ સારુ થાય છે તથા જમીનની ભૌતિક સ્થિતિ સારી થતી હોઈ પાક ઉત્પાદન વધે છે.

જુવાર, બાજરી, ઘઉં, ડાંગર અને શેરડી જેવા પાકો લીધા બાદ રોટાવેટરથી એક જ ખેડથી જમીન ખેડાઈ જવાની સાથે પાકના અવશેષો, મુળ, ડાંખળાં વગેરે ટૂકડા થઈ જમીનમાં ભળી જાય છે. અમુક કંપનીઓ આ યંત્રની સાથે લેવલીંગ તથા નીક–પાળા કરવા માટેની વધારાની ગોઠવણી પણ સાથે આપે છે. જેથી યંત્રનો વધુમાં વધુ કાર્યો માટે ઉપયોગ થઈ શકે. સામાન્ય રીતે ૩પ હો. પા. ના ટ્રેકટરની જરૂરીયાત આ યંત્ર ચલાવવા જરૂર પડે છે. યંત્રની સાઈઝ મોટી હોય તો ૩પ થી પણ વધુ હો. પા. ના ટ્રેકટરથી ચલાવવું હિતાવહ છે.

ટ્રેકટર સંચાલિત પાવર સ્પ્રેયર

પાકને જીવાત–રોગ વગેરે સામે રક્ષણ આપવા વિવિધ પ્રકારના સ્પ્રેયર વપરાય છે. ખાસ કરીને મનુષ્ય શકિતથી ચલાવાતા સ્પ્રેયરની કેપેસીટી ઓછી હોવાથી વધુ સમય લાગે છે, આથી મજુરી ખર્ચ વધે છે. ખેત ઉત્પાદન ખર્ચ ઘટાડવાના પ્રયાસરૂપે ઓછા સમયમાં દવાનો છંટકાવ થઈ શકે તે માટે ટ્રેકટર સંચાલિત સ્પ્રેયર વિકસાવવામાં આવેલ છે. આ પંપના મુખ્ય ભાગો ટ્રીપ્લેકસ પંપ, પ્રેસર ગેઈજ અને પ્રેસર રીલીફ વાલ્વ, ટાંકી, બુમ અને નોઝલ વગેરે છે. આ સ્પ્રેયર દરેક પ્રકારના પાકો તેમજ બાગાયતી પાકોમાં દવા છાંટવા માટે વાપરી શકાય છે.

આ સ્પ્રેયરમાં ૩૬ ફુટની લંબાઈ ધરાવતાં બુમ ઉપર ૩ ફુટના અંતરે કુલ ૧૧ નોઝલ બેસાડેલ છે. આઠ કલાકમાં એક માણસ દ્વારા ૦.ર હેકટરમાં થતા દવાના છંટકાવની સરખામણીમાં આ સ્પ્રેયરથી અંદાજે ૩ હેકટરમાં દવાનો છંટકાવ કરી શકાય છે.

પાકનું કાપણી યંત્ર ''રીપર''

આ યંત્ર જમીન પરથી પાકને કાપીને પાથરાની જેમ એક લાઈનમાં પાથરતું જાય છે. જેથી પુળા બાંધવા કે થ્રેશરમાં નાખવા માટે એકઠા કરવાનું સરળ રહે છે. આ યંત્ર ઘઉં, ડાંગર, કસુંબી, સોયાબીન વગેરે પાકોની કાપણી કરે છે. તેમજ બળતણનો વપરાશ ઓછો હોવાથી મજુરો દ્વારા કાપણીના ખર્ચ કરતા ખૂબ જ ઓછો કાપણી ખર્ચ આવે છે. એક કલાકમાં ૩પ થી ૪૦ મજુરો દ્વારા થતાં કામ જેટલું કામ આ યંત્ર આપે છે.

વિશેષતાઓ :

  • યંત્રની કટીંગ પહોળાઈ – ૩ ફુટ
  • બળતણ વપરાશ – ૧ લિટર / કલાક (કેરોસીન)
  • કેપેસીટી – ૦.રપ હે/કલાક
  • અંદાજીત વજન – ર૦૦ કિગ્રા.
  • અંદાજીત કિંમત – રૂા. પપ૦૦૦/–

સેલ્ફ પ્રોપેલ્ડ ટુલ કેરીયર (મિની ટ્રેકટર)

વસતી વધારા સાથે ખાતેદારોની સંખ્યા વધતાં, ખેતીલાયક જમીનનું નાના ટૂકડાઓમાં વિભાજન થતું જાય છે. આથી સામાન્ય ખેડૂતોને ટ્રેકટરની કિંમત પોષાતી નથી. તેમજ બળદની જોડીનો નિભાવ કરવાનું પણ નાના ખાતેદારોને પોષાય તેમ નથી. આ સંજોગોમાં નાના ખેડૂતોને પોષાય તેવા ઓછી કિંમતના યંત્રો વિકસાવવાની જરૂરીયાત જણાતાં, આ વિભાગ દ્વારા વર્ષ ૧૯૯૭ માં એક મિની ટ્રેકટર વિકસાવેલ છે.

વિશેષતાઓ :

  • એન્જીન – ૬.પ હો. પા. ડિઝલ એન્જીન
  • ટ્રેકટરનું વજન – ૪૦૦ કિગ્રા.
  • ખેંચાણ શકિત – ૧.પ ટન
  • બળતણ વપરાશ – ૦.૯ લિટર / કલાક (ખેડાણકાર્યમાં)
  • અંદાજીત કિંમત – રૂા. ૭૦૦૦૦/– (જે તે વર્ષમાં)

આ સાધનથી ખેડકાર્ય (ચવડાથી) ૦.૧૭પ હેકટર, આંતરખેડ ૦.પ૪ હેકટર, અને રાંપનું કામ ૦.૪૭ હેકટર પ્રતિ કલાકે થઈ શકે છે. અવારનવાર યોજાતા કૃષિ મેળા તથા ફીલ્ડ નિદર્શનો દરમ્યાન ઘણા ખેડૂતભાઈઓ, ગ્રામ્ય કારીગરો તથા ઉદ્યોગકારો આ યંત્રની સંતોષકારક કામગીરીથી પ્રેરણા લઈને, હાલમાં સૌરાષ્ટ્રમાં ઘણાં ઉત્પાદકો આવા મિની ટ્રેકટરના વિવિધ મોડેલો બનાવે છે.

લસણ રોપવા / વાવવાનું યંત્ર

મનુષ્ય શકિતથી ચાલતી, પૈડાંવાળી અને એક ચાસ ખોલતી, ચાલણગાડી જેવું આ યંત્ર ફાર્મ મશીનરી અને પાવર વિભાગ, પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા દ્વારા વિકસાવેલ છે. જેમાં ચમચી આકારનાં વર્ટીકલ રોલર જેવી સંરચના હોય છે, જે એક પછી એક લસણની કળીઓને જમીનમાં રોપવાનું કામ કરે છે. આ યંત્રની કામગીરીની ચકાસણી કરાતા સંતોષકારક માલુમ પડેલ છે. એક માણસ એક દિવસમાં (આઠ કલાક) ૦.૪ હેકટર જેટલા વિસ્તારમાં વાવી શકે છે. આ યંત્રથી લસણ ઉપરાંત વટાણા, સોયાબીન, મકાઈ અને કપાસ જેવા પાકની વાવણી પણ થઈ શકે છે, પરંતુ તે માટે ચમચી જેવા આકારનાં વર્ટીકલ રોલરને બદલે જે તે બીજ પ્રમાણે ફેરફાર કરવો પડે છે. ફાર્મ ઈજનેરી વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા પણ હાલમાં આવું યંત્ર વિકસાવવાનું કામ ચાલુ છે.

આધુનિક અને નવા – નવા વિકાસ થઈ બજારમાં વેચાતા ખેત ઓજારો–યંત્રો, મશીનરી – સાધનો વગેરેની ખરીદી જયારે પણ ખેડૂતમિત્રોને કરવાની થાય ત્યારે તેમણે પોતે થોડી બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે. આ યંત્ર / ઓજાર બાબતની સંપુર્ણ માહિતી, યંત્ર / ઓજારની કામગીરી, તેની રચના, તેમાંના મુખ્ય ભાગો, દરેક ભાગની રચના તથા કામગીરી, ઓજાર / યંત્રને ચલાવવાની પધ્ધતિ વિશે સંપુર્ણ માહિતી મેળવી લેવી જરૂરી છે. જે કામ માટે નવું કે સુધારેલ યાંત્રિક ઓજાર ખરીદવાનું હોય તે કામ, આ ઓજારથી થતું હોય તેવી પ્રત્યક્ષ કામગીરી, ધ્યાનપુર્વક જોવી – સમજવી જરૂરી છે. પોતાના મનમાં ઓજારની કામગીરી કે કામગીરી કરવાની પધ્ધતિ બાબત જે કંઈ સવાલ – મુંજવણ હોય તેનો સંતોષકારક રીતે ખુલાસો કરી લેવો જોઈએ. પોતાની પાસેનાં ટ્રેકટર, એન્જીન અથવા ઈલેકટ્રીક મોટર સાથે આ નવું ખરીદેલ યંત્ર કેવી રીતે જોડવાનું છે, કેવી રીતે ચલાવવાનું છે તે બાબતની પુરતી પ્રેકટીસ કરી લેવી જોઈએ. જરૂર પડયે વધુ ટ્રેનીંગ કે ટેકનીકલ જાણકારી જે તે કંપની પાસેથી મેળવ્યા પછી જ ખરીદી તથા વપરાશ થાય તે જરૂરી છે. ખાસ કરીને કિંમતી અને ભારે યંત્રો – ઓજારો માટે તો આવી બાબતો ખૂબ જ જરૂરી છે.

ખેતી કાર્યો કરવા ખેત મજુરી મોંઘી પડતી હોઈ, તેના વિકલ્પરૂપે યંત્રો – ઓજારોનો વપરાશ કરાય છે. જેથી ખેતીમાં ઉત્પાદન ખર્ચ ઘટાડી શકાય છે. સારા અને કાર્યક્ષમ ખેત યંત્રોના ઉપયોગથી પાકની કાપણી અને લણણી જેવા કાર્યોમાં પાકને નુકસાન ન થાય અને સમયસર એકઠો કરી લેવામાં આવે તો ગુણવત્તા સારી જળવાય છે, જેથી બજારમાં ભાવ સારો મળે છે. આમ, ખેતીને પરવડે તેવી બનાવવા યંત્રો ઓજારોના ઉપયોગનો ખાસ ફાયદો છે.

વધુમાં, ખેતયંત્રો – ઓજારોની કામગીરી, ઉપયોગ અને વપરાશ બાબતની પુરતી માહિતી ખેડૂતમિત્રોને હોય તો તેમનાં રીપેરીંગ – જાળવણી પેટે થતો ખર્ચ ઘટાડી શકાય છે. સમજણપૂર્વકનાં ઉપયોગથી વધુ કાર્યક્ષમતા મેળવી શકાય અને બળતણ ખર્ચ પણ ઘટાડી શકાય છે. સાથે – સાથે જે તે કામ કરવાની ઝડપ વધી જાય છે. જયારે જયારે માનવશકિતથી આવા યંત્રો – ઓજારો ચલાવવાના હોય ત્યારે ઓપરેટર કે ડ્રાઈવરની કાર્યક્ષમતા વધે તો ઓછા ખર્ચે વધુ કામ મેળવી શકાય છે. જયાં પિયતની સગવડ હોય અને વર્ષમાં એક જ જમીનમાં બે થી ત્રણ પાક લેવાના થાય ત્યારે સમયસર અને ઓછા સમયમાં બીજા પાકની વાવણી માટે જમીન તૈયાર કરી જમીનની ઉત્પાદન ક્ષમતા વધારવા જેવા ફાયદાઓ લઈ શકાય છે. સુધારેલા ખેત ઓજારોનાં ઉપયોગથી તૈયાર થયેલ પાકનાં હાર્વેસ્ટીંગમાં થતું નુકસાન ઘટાડી શકાય છે. જેમ કે, મગફળી કાઢવા માટે સુધારેલ કળીયા(રાંપ) નાં વાપરવાથી જમીનમાં તુટીને રહી જતાં ડોડવાનું પ્રમાણ ઘટાડી શકાય છે. કમ્બાઈન હાર્વેસ્ટરના ઉપયોગથી ઘઉંની ક્ષ્પડ

કાપણી તાત્કાલિક થઈ શકે છે અને વહેલાસર ઘઉં બજારમાં વેચી શકાય છે. આમ, આવા ઘણા ફાયદાઓ સુધારેલા ખેત ઓજારોના વપરાશથી ગણતરીમાં લઈ શકાય.

લેખ : શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ

સ્ત્રોત :કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate