অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્રાહક સુરક્ષા કાયદો

ગ્રાહક સુરક્ષા કાયદો

ગ્રાહક સુરક્ષા કાયદા વિષે જાણો

આ કાયદા અન્વયે ગ્રાહકના મુખ્ય છ હકકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેમ કે

  1. સલામતી મેળવવાનો અધિકાર (Right to Safety)
  2. જાણકારી મેળવવાનો અધિકાર (Right to be Information)
  3. પસંદગી કરવા માટે અધિકાર (Right to Choose)
  4. રજૂઆત સંભળવવાનો અધિકાર (Right to be heard)
  5. નિવારણ મેળવવાનો અધિકાર (Right to seek redressal)
  6. ગ્રાહક શિક્ષણ અધિકાર (Right to Consumer Education)

ગ્રાહક બજાર વર્તમાન વ્યવસ્થાને લીધે વસ્તુની ગુણવત્તા, જથ્થો, કિંમત અને સેવા એમ દરેક બાબતે છેતરામણીનો ભોગ બનતો હોય છે. તેથી ગ્રાહક સુરક્ષા અધિનિયમ-૧૯૮૬ મુજબ વિવિધ સ્તરેથી અસરકારક કાર્યો થવા જોઈએ. સદર કાયદો ગ્રાહકને તેની ફરિયાદનું સરળ, ઝડપી અને સસ્તી રીતે નિવારણ કરી યોગ્ય વળતર અપાવે છે. આ માટે અત્રે જણાવેલ માહિતી સર્વેને મદદરૂપ થશે.

  1. ગ્રાહક એટલે જે વ્યકિત પોતાના અંગત ઉપયોગ માટે વસ્તુ ખરીદે અથવા સેવા મેળવે.
  2. વપરાશકર્તાઓને આપવામાં આવતી કોઈપણ સેવાઓ જેવી કે બેંકિંગ, નાણાંકીય, વિમા, પરિવહન, પ્રક્રિયા, વીજ તથા અન્ય પૂરવઠો, રહેવા જમવાની સગવડ, મનોરંજન, સમાચાર, માહિતી પુરી પાડવી વગેરે. આમાં નિઃશુલ્ક સેવા કે વ્યકિતગત કરાર હેઠળની સેવાઓ ગણવાપાત્ર નથી.
  3. વસ્તુની ગુણવત્તા, જથ્થો, શુદ્ધતા, ક્ષમતા, નિયત ધોરણ મુજબની ન હોય તો તેને ખામીયુકત સામાન ગણાય.
  4. કાયદા પ્રમાણેના ધોરણો મુજબ ગુણવત્તા ન હોય કે કામગીરીમાં ખામી અથવા અપૂર્ણતા હોય તો તેને સેવામાં ઊણપ ગણાય છે.
  5. મોનોપલીઝ એન્ડ રિસ્ટ્રીકટીવ ટ્રેડ પ્રેકટાઈસીસ ( એમ. આર. ટી. પી. MRTP) એકટ ૧૯૬૯ની કલમ ૩૬/એ મુજબ ગ્રાહકના હિતના ભોગે માલ વેચવાની પ્રથા એટલે કે ટૂંકમાં અનુચિત વેપારધંધાની પ્રથા. છેતરામણી થાય તો ગ્રાહકે ફરિયાદ કરવી જોઈએ  ગ્રાહકને લાગે કે પોતે છેતરાયેલ છે તો તેણે તે બાબતે લેખિતમાં ફરિયાદ કરવી જોઈએ. ફરિયાદ કરવા માટે ગ્રાહક સુરક્ષા અધિનિયમ-૧૯૮૬ મુજબ ત્રિસ્તરીય માળખાની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં કેન્દ્રિય કક્ષાએ આ વિભાગના મંત્રીશ્રીના વડપણ હેઠળ કેન્દ્રિય સમિતિ, રાજય વિભાગના રાજય સરકારશ્રીના મંત્રીશ્રીના વડપણ હેઠળ રાજય સમિતિ અને જિલ્લા કક્ષાએ ગ્રાહક સુરક્ષા ફોરમની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગ્રાહકે જો વસ્તુ અથવા સેવા અને વળતરની રકમ રૂપિયા એક લાખ કરતાં ઓછી હોય તો તે અંગેની ફરિયાદ જિલ્લા ફોરમમાં અને રૂપિયા એક લાખ કરતાં વધુ પરંતુ દસ લાખ કરતાં ઓછી હોય તો રાજય સમિતિમાં અને રૂપિયા ૧૦ લાખ કરતાં વધુ રકમ હોય તો ફરિયાદ રાષ્ટ્રીય સમિતિ સમક્ષ કરવાની રહે છે.

સદર કાયદા મુજબ છેતરાયેલ ગ્રાહક ફરિયાદ કરે તેમાં પ્રક્રિયા સરળ અને ઝડપી હોઈ ગ્રાહકને વળતર સમયમાં મળી રહે છે. વળી ઉપરોકત ત્રણે માળખામાં કોઈ ફી આપવાની હોતી નથી. ફરિયાદી પોતે અથવા તેના ધ્વારા અધિકૃત કરેલ વ્યક્તિ પણ ફરિયાદ આપી શકે છે. આવી ફરિયાદ પોસ્ટથી પણ આપી શકાય છે. છેતરાયેલ ગ્રાહકે ફરિયાદમાં પોતાનું નામ તથા સરનામું, જેની સામે ફરિયાદ કરી હોય તેમનું પુરૂ નામ તથા સરનામું. ફરિયાદ સંબંધી વિગતો અને બિના કયારે બની તેની વિગતો તેમજ ફરિયાદ સંબંધી જરૂરી દસ્તાવેજો અને રાહત કે વળતર મેળવવાની ઈચ્છા વગેરે દર્શાવવી.

વળતર :

ફરિયાદીની વિગતો તથા માંગેલ વળતર મુજબ ફોરમ માલમાં રેલ ખામીનું નિરાકરણ કરવા, માલ બદલી આપવી, માલની કિંમત પરત કરવા કે નુકશાન ઈજા સહન કરવા બદલ વળતર આપવા અંગેના આદેશ કરી શકે છે.

અપીલ પ્રક્રિયા :

જિલ્લા ફોરમના નિર્ણયથી અસંતોષ હોય તો ૩૦ દિવસની સમય મર્યાદામાં રાજય સમિતિને અપીલ કરી શકાય છે. તદઉપરાંત રાજય સમિતિના નિર્ણયથી અસંતોષ થાય તો પછીના ૩૦ દિવસમાં કેન્દ્રિય સમિતિને અપીલ કરી શકાય છે. ત્યારબાદ કેન્દ્રિય સમિતિના નિર્ણયથી અસંતોષ હોય તો ૩૦ દિવસમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય છે.

ફરિયાદના નિકાલ માટે :

ગ્રાહક સુરક્ષા અધિનિયમનો મુળભૂત હેતુ ગ્રાહકને સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળે તે છે. તેથી જો ત્રણે કક્ષાએ જે કિસ્સામાં ચીજવસ્તુનું પરિક્ષણ કે વિશ્લેષણ જરૂરી ન હોય તો ત્રણ–પાંચ માસમાં ફરિયાદનું નિવારણ થાય છે. અપીલના કિસ્સામાં અપીલની પહેલી સુનાવણીથી ત્રણ માસના સમયગાળામાં તેનું નિવારણ કરાય છે.

ગ્રાહક સુરક્ષા અંગેનું માળખું :

ગ્રાહક સુરક્ષા અધિનિયમ-૧૯૮૬ હેઠળ ત્રિસ્તરીય માળખું કાર્યરત છે જે બે વિભાગમાં કામ કરે છે.

ગ્રાહક સુરક્ષા પરિષદ (કન્ઝયુમર પ્રોટેકશન કાઉન્સીલ) :

આ સુરક્ષા પરિષદની રચના ત્રણ કક્ષાએ થાય છે.

કેન્દ્રિય ગ્રાહક સુરક્ષા પરિષદ (ધી સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેકશન કાઉન્સીલ)


  1. જેના અધ્યક્ષ તરીકે કેન્દ્ર સરકારના ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રાલયના મંત્રીશ્રી અને કેન્દ્રિય પરિષદમાં ઠરાવેલ સરકારી અને બિનસરકારી સભ્યો હોય છે. તેના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે. ગ્રાહકના જીવન તેમજ મિલ્કત માટે જોખમી હોય તેવા સામાનના વેચાણ સામે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું.
  2. માલની ગુણવત્તા, જથ્થો, નિયત ધોરણો અને કિંમત અંગે ગ્રાહકને જાણકારી મેળવવાનાં અધિકારની જાળવણી કરવી અને અને અનુચિત વેપાર પ્રથાને રોકવી.
  3. શકય હોય ત્યાં સુધી વિવિધ વસ્તુઓ તેમજ સેવાઓ ગ્રાહકને વ્યાજબી દરે મળી રહે તે માટેના ગ્રાહકોના હકકો જાળવવી.
  4. ગ્રાહકની ફરિયાદને યોગ્ય ફોરમમાં રજૂ કરવાનાં હકકને જાળવવો.
  5. ગ્રાહકને અનૈતિક શોષણ તથા અનુચિત વેપાર સામે રક્ષણ મેળવવા અધિકારની જાળવણી કરવી. (૬) ગ્રાહક શિક્ષણ બાબતના અધિકારો જાળવવી.

રાજય ગ્રાહક સુરક્ષા પરિષદ (ધી સ્ટેટ કન્ઝયુમર પ્રોટેકશન કાઉન્સીલ) :

તેના અધ્યક્ષ તરીકે રાજય સરકારનાં ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રાલયનાં મત્રીશ્રી અને તેના અન્ય સભ્યો તરીકે રાજય સરકાર દ્વારા નિયુકત સરકારી તથા બિનસરકારી સભ્યો હોય છે. તેનો મુખ્ય હેતુ કેન્દ્રિય ગ્રાહક સુરક્ષા પરિષદના હેતુઓને સંરક્ષણ તેમજ પ્રોત્સાહન મળે તે માટેનું કાર્ય કરવાનો છે.

જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદ:

રાજય સરકાર દરેક જિલ્લામાં જાહેરનામું બહાર પાડી જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદોની રચના કરે છે જેના અધ્યક્ષ કલેકટર હોય છે અને રાજય સરકાર ઠરાવેલ સંખ્યા મુજબ સરકારી તથા બિન સરકારી સભ્યોની નિમણૂંક કરે છે.

આમ કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દરેક ક્ષેત્રે ગ્રાહકનાં હકકોની જાળવણી કરવા તેમજ આ કાયદા અંગે જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરે છે. આવા પ્રયત્નો બાદ પણ ગ્રાહકોને છેતરામણીનો ભોગ બનવું પડે છે. આ સંજોગોમાં ન્યાય મેળવવા સરકારશ્રી દ્વારા ત્રણ ક્ષેત્રે ગ્રાહક તકરાર નિવારણ પંચની રચના કરેલ છે જે ગ્રાહકને ખુબ ઉપયોગી છે.

જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ મંચ (ડિસ્ટ્રીકટ કન્ઝયુમર ડિપ્યુટ રીડ્રેસલ ફોરમ):

રાજય સરકાર દ્વારા દરેક જિલ્લામાં જાહેરનામું બહાર પાડી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ મંચની રચના કરવામાં આવે છે જેના પ્રમુખ તરીકે જિલ્લા ન્યાયાધીશ રહી ચૂકેલ હોય તેવી વ્યક્તિ અથવા તેની સમકક્ષ વ્યકિત હોય છે. અન્ય બે સભ્યોમાં એક મહિલા હોય છે. દરેક જિલ્લામાં એક અને જરૂર પડે તો એક કરતાં વધુ ફોરમ રાજય સરકાર રચે છે

રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચ (સ્ટેટ કન્ઝયુ મર ડીટ્યુટ રીફૅઅલ કમિશન) :

ભારતના દરેક રાજયમાં ગ્રાહક તકરાર | નિવારણ પંચ સ્થાપવામાં આવેલ છે. હાલ દેશમાં ૩૪ જેટલા રાજય કક્ષાનાં પંચ કાર્યરત છે. તેના પ્રમુખપદે રાજય વડી અદાલતના ન્યાયાધીશ અથવા તેની સમકક્ષ વ્યકિત હોય છે. ગુજરાત રાજયમાં તેનું સરનામું : ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચ, ગોતા ચાર રસ્તા પાસે, (એસ.જી. હાઈવે), ગોતા, અમદાવાદ (ઈમેલ : guj-forum@nic.in) રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ મંચ (નેશનલ કન્ઝયુમર ડીટ્યુટ રીડ્રેસલ કમિશન) :

કેન્દ્રિય કક્ષાએ આ પંચ સ્થાપવામાં આવેલ છે જેના પ્રમુખપદે સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ અથવા તેની સમકક્ષ વ્યક્તિ હોય છે. તેનું સરનામું : રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ મંચ, ઉપભોકતા ન્યાયભવન, એફ બ્લોક, જી.પી.ઓ. ભવન, આઈ.એન.એ., નવી દિલ્હી–૧૧૦૦૨૩, ફોન નં. : (૦૧૧) ૨૪૬૦૮૮૦૧, ફેકસ ૨૪ ૬૫૮૫૦૯ web : http//ncdrc.nic.in છે. ગ્રાહક સુરક્ષાને લગતી માહિતી તેમજ વિવિધ કેસોના ચુકાદાની વિગતો confonet.nic.in વેબસાઈટ ઉપરથી મળી શકે છે.

ટૂંકમાં ગ્રાહકે કોઈપણ ખરીદી ચોકસાઈપૂર્વક કરવી જોઈએ અને બિલ અવશ્ય લેવું જોઈએ. બિલ હોય તો જ પુરાવા સાથે ચીજવસ્તુ કે તેવી બાબતે અસંતોષ હોય તો તેની ફરિયાદ લેખિતમાં જે તે કક્ષાએ કરી શકાય અને તેનું નિવારણ ધ્વારા યોગ્ય વળતર મેળવી શકાય. અવારનવાર ગ્રાહક તકરાર નિવારણ પંચના ચૂકાદાઓ સમાચારોમાં આવતા હોય છે જે વાંચતા આપણને જણાય કે ગ્રાહક પોતાની સાચી વાતને યોગ્ય સ્તરે રજૂ કરે તો તેને ચોકકસ ન્યાય મળે છે.

સ્ત્રોત : માર્ચ-૨૦૧૬, વર્ષ :૬૮, અંક :૧૧, સળંગ અંક :૮૧૫, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate