অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બેંકનો ઈતિહાસ

બેંકનો ઈતિહાસ

આ બેંકની સ્થાપના સ્વ. શ્રી ઉદયભાણસિંહજી (પોરબંદર રાજ્યના યુવરાજશ્રી) દ્વારા વર્ષ ૧૯૫૧ માં સૌરાષ્ટ્ર રાજ્યમાં કરવામાં આવી હતી. દેશની આઝાદી અગાઉના સમયમાં ખેતીને લગત માળખાકીય સવલતો ઓછી હતી ત્યારે ખેડૂત વરસાદી ખેતી ઉપર આધારિત હતો. દુષ્કાળ જેવી પરિસ્થિતિઓમાં ખેડૂતને તેના વ્યવહારો ચલાવવા તથા ખેતી માટે નાણાંની જરૂરિયાત માટે શાહુકારોનો એકમાત્ર આશરો હતો. તેવા સમયમાં શાહુકારોના વ્યાજના વિષચક્રમાં ખેડૂત ફસાયેલો હતો. ખેડૂતની ખેતીની જમીનો શાહુકારોને ત્યાં ગીરોમાં હતી ત્યારે ખેડૂતને શાહુકારોના નાણાં ચુકવવા માટે ધિરાણ આપવા તથા ખેતીના લાંબાગાળાના વિકાસ માટે ધિરાણ આપવા જેવા ઉમદા હેતુથી પોરબંદર સ્ટેટના રાજવી, યુવરાજ ઓફ પોરબંદર સ્વ.શ્રી ઉદયભાણસિંહજીએ "સૌરાષ્ટ્ર સ્ટેટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ લેન્ડ મોર્ટગેજ બેંક લી". ના નામથી સૌરાષ્ટ્ર રાજ્યના પાંચ જીલ્લાઓનું કાર્યક્ષેત્ર ધરાવતી આ બેંકની સ્થાપના કરેલ હતી. આમ ખેડૂતોના હિતની ચિંતા કરનાર યુવરાજ ઓફ પોરબંદર સ્વ.શ્રી ઉદયભાણસિંહજી આ બેંકના આદ્યસ્થાપક હતા.

વર્ષ ૧૯૫૭ માં સૌરાષ્ટ્ર રાજ્ય બોમ્બે સ્ટેટમાં વિલીન થઇ ગયું પરંતુ આ બેંકનું કામકાજ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સ્વતંત્ર સંસ્થા તરીકે ચાલુ રહ્યું. વર્ષ ૧૯૬૦મા જયારે બોમ્બે સ્ટેટમાંથી વિભાજન થઇ અલગ ગુજરાત રાજ્યની નવરચના થઇ ત્યારપછી વર્ષ ૧૯૬૨ થી આ બેંકે પોતાનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત રાજ્યને બનાવ્યું. તેની સાથે બેંકનું નામ બદલીને "ગુજરાત સ્ટેટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ લેન્ડ મોર્ટગેજ બેંક લી." કરવામાં આવ્યું.

શરૂઆતમાં આ બેંક દ્વારા ખેડૂતોને શાહુકારોના સીકન્જામાંથી છોડાવવા તથા ગણોતિયાઓને જમીન માલિક બનાવવા માટે ધિરાણ આપવામાં આવ્યું. પરંતુ આ તબક્કો પૂર્ણ થવામાં હોઈ હવે બેંક દ્વારા કૃષિના લાંબાગાળાના વિકાસના હેતુઓમાં ધિરાણ અપાતું હોઈ વર્ષ ૧૯૬૫ માં બેંકનું નામ કામગીરીને અનુરૂપ "ધી ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ લેન્ડ ડેવલપમેન્ટ બેંક લી."કરવામાં આવ્યું. ત્યારબાદ પણ સમયની માંગ પ્રમાણે બેંક દ્વારા નોન-ફાર્મ સેક્ટર (કુટીર ઉદ્યોગ) અને ખેતીના આનુષાંગિક પ્રવૃતિઓ તથા ગ્રામ વિકાસને લગતના હેતુઓ માટે ધિરાણ આપવાનું શરુ કરાતાં બેંકનું નામ ફરી એકવાર બદલાયું.જે આજે "ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લી." નામથી ઓળખાય છે.

ખેડૂતોમાં અને ગામડાઓમાં આ બેંક "લેન્ડ મોર્ટગેજ બેંક""જમીન વિકાસ બેંક", અને "ખેતી બેંક" જેવા ઉપનામોથી પણ ઓળખાય છે.

સૌરાષ્ટ્ર લેન્ડ રીફોર્મ એક્ટ-૧૯૪૯ માં ગણોતિયાઓ, જે જમીનના કબજેદારો હતા તે જમીનના હક્કો ખરીદી શકે તેવી જોગવાઈ હતી અને તે સુધારાના ઝડપી અમલ માટે કોઈ એક બેન્કિંગ એજન્સીની જરૂરિયાત હતી, કે જે ગણોતિયાઓને ધિરાણ આપી શકે. આ સંજોગોમાં આ બેંકની સહકારી માળખા અંતર્ગત સ્થાપના થઇ અને બેંકની શરૂઆતના તબક્કામાં બેંક દ્વારા ૫૬૦૦૦ ગણોતીયાઓને રૂ. ૨.૬૪ કરોડનું ધિરાણ પૂરું પાડવામાં આવ્યું હતું અને આ બેંકના ધિરાણથી જ તેઓ જમીનના માલિક બની શક્યા. આ રીતે દેશમાં પ્રથમવાર જમીન અંગેના સુધારા કરવામાં રાજ્ય સરકારને સફળતા મળી અને તેનું ઝડપી અમલીકરણ કરવા સરકાર અને ગણોતીયાઓ વચ્ચે સેતુ બનવાનું કામ લેન્ડ મોર્ટગેજ બેંકે કર્યું. ત્યરબાદ આ બેંકે ખેડૂતોને કૃષિ અને કૃષિ વિષયક હેતુઓ માટે ધિરાણ આપવાનું કાર્ય આગળ ધપાવ્યું છે.

સ્ત્રોત; ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate