સ્તનપાન એટલે કે માતાના દૂધનું જો એક વાક્યમાં વર્ણન કરવું હોય તો એવું કહેવું સહેજ પણ અતિશયોક્તિ નથી કે તે ભગવાને મોકલેલું નવજાત બાળક માટેનું અમૃત છે. આજના રોકેટ યુગના જમાનામાં જીવનની દોડધામમાં ઘરમાં આર્થિક મદદ માટે અથવા કરિઅર ઓરિએન્ટેડ માતાઓ ઘણી વખત રેસ્ટ મિલ્કના ફાયદાની અજાણતામાં અથવાતો સંયોગાત્મક પરિબળોના કારણે પોતાના નવજાત બાળકને ગાય/બકરી કે અન્ય પ્રકારના બજારમાં મળતા દૂધ પર મૂકી દેતા હોય છે. પણ બ્રેસ્ટ મિલ્ક અને સ્તનપાન (બ્રેસ્ટ ફિડીંગ)ની એટલી બધી ખુબીઓ છે કે ના કરો વાત, જેમાંની મહત્વની વાત અહીં કરીએ સૌથી પ્રથમ તો માતાનું દૂધ કુદરતી રીતે જ સંપૂર્ણ જંતુમુક્ત હોય છે. બાહરનું વાતાવરણ ગમે તેવું હોય પણ માતાનું દૂધ બાળકને રૂમ ટેમ્પરેચર પર મળે છે. એમાં કંઈ મિક્સ કરવાની જરૂર હોતી નથી. સ્તનપાનની કોઈ સમય મર્યાદો હોતી નથી, તે કાયમ હાજર હોય છે અને ગમે ત્યારે બાળકને આપી શકાય છે.. માતાનું દૂધ રોગપ્રતિકારક શક્તિથી ભરપૂર હોય છે, ખાસ કરીને શરૂઆતના 3-4 દિવસનું દૂધ જેને આપણે કોલેસ્ટ્રમ કહીએ છીએ તેની અંદર કેલ્શિયમ, ફોસ્ફરસ સહિતના તત્વો જે બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી હોય છે તે સપ્રમાણ માત્રામાં હોય છે જે ગાયના દૂધમાં હોતા નથી.. આ કેલ્શિયમ/ફોસ્ફરસના સપ્રમાણના લીધે નવજાત બાળકની કિડની પર ઓછા ભાર પડે છે જે બાળકના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. માતાનું દૂધ ફોલિક એસિડ અને વિટામીન સી જેવા તત્વોથી ભરપૂર હોય છે જે બકરીના દૂધમાં હોતા નથી. સ્તનપાનની સૌથી અગત્યની વાત એ છે તેનાથી માતા અને બાળક વચ્ચેનું બોન્ડીંગ (પ્રેમ) વધે છે તે કલ્પના બહાર છે. આજકાલ સ્તનપાન માટે કાંગારૂ ટેક્નિક પ્રમોટ કરવામાં આવે છે જેમાં નવજાત બાળકને શરૂઆતના દિવસોમાં માતા એના શરીરને ચિપકાવીને રાખે તો બાળકને હાઈપોથર્મિયાના પ્રોબ્લેમ થતા નથી. સ્ત્રોત:ડો વિશાલ સી શર્મા. ગાયનેકોલોજિસ્ટ.નવગુજરાત હેલ્થ