અહીં આપેલી કેટલીક કસરતો નિયમિત કરવાથી તમારા મનની ધ્યાન કેન્દ્રીત કરવાની શક્તિમાં અસાધારણ વધારો થઈ શકે છે.

એક અદ્ભૂત વાસ્તવિકતા એ છે કે આપણું મન આપણે જે બાબત ઉપર કેન્દ્રીત કરવા ઈચ્છતા હોઈએ છીએ તેના કરતાં બીજી નકામી બાબતો ઉપર સહેલાઈથી કેન્દ્રીત થઈ જાય છે!! દા.ત. વિદ્યાર્થીને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીત કરવા પ્રયત્ન કે મહેનત કરવી પડે છે, જ્યારે એ સમયે બીજા ફાલતું વિચારોમાં મન ખૂબ જ સહેલાઈથી આપમેળે પરોવાઈ જાય છે અને તે પણ ક્યારેક લાંબા સમય સુધી!! મનનો આ સ્વભાવ છે પણ, તમે જો તમારી માનસિક શક્તિઓ ખીલવવા ઇચ્છતા હોવ તો તે બદલવો જ પડશે. આ સ્વભાવ બદલી પણ શકાય છે અને એકાગ્રતા કેળવી પણ શકાય છે. સારી એકાગ્રતા માટે મનની હળવાશ, એક સમયે એક જ બાબતમાં ધ્યાન, જે તે બાબતમાં તમારો રસ અને તેની અગ્રીમતા (priority) મૂળભૂત જરૃરિયાતો છે. આ ઉપરાંત અહીં આપેલી કેટલીક કસરતો નિયમિત કરવાથી તમારા મનની ધ્યાન કેન્દ્રીત કરવાની શક્તિમાં અસાધારણ વધારો થઈ શકે છે. સેકંડ કાંટાવાળી એક ઘળિયાળ લો. (મોટી હોય તો વધુ સારૃ.) હવે તમારૃં ધ્યાન સેકન્ડના કાંટા ઉપર સ્થિર કરો. બસ તેની ગતિ સિવાય બીજો કોઈ વિચાર નહિ. મનમાં બીજા વિચારો આવે તો મનને પાછું પકડીને સેકંડ કાંટાની ગતિ ઉપર લાવો. બરાબર બે મિનિટ ધ્યાન એક કરવાનો પ્રયત્ન કરો. રોજ પાંચથી દસ વાર આ કસરત કરો. ધીમે ધીમે તમારી એકાગ્રતા વધશે. તેનાથી એક ડગલું આગળ - આ ઘડિયાળ ટી.વી.ના પડદા આગળ રાખો અને ખાસ કરીને જાહેરાતો ચાલતી હોય ત્યારે ટી.વી.નો અવાજ બંધ કરો અને ધ્યાન સેકંડના કાંટાની ગતિ પર સ્થિર કરો. બરાબર બે મિનિટ ટી.વી.ના પડદા પર ઝડપથી બદલાતા ચિત્રોને લઈને ધ્યાન વિચલિત થાય તો ફરીથી ધ્યાન કાંટા પર લાવો. અમુક દિવસોના મહાવરા પછી તમને લાગે કે તમારી એકાગ્રતા બે થી પાંચ મિનિટ જેટલી વધી ગઈ છે તો હવે આગળ વધો. સેકંડ કાંટાવાળી ઘડિયાળ બાંધો અને તમારૃં અડધું ધ્યાન સતત ગતિશીલ એવા કાંટા ઉપર અને બાકીનું ધ્યાન હાથ ઉપર રાખવાની કોશિશ કરો. થોડા મહાવરા પછી સેકંડ કાંટાની પ્રત્યેક હલન ચલન સાથે મનમાં ૨, ૪, ૬, ૮, ૧૦, ૮, ૬, ૪, ૨, ૪, ૬ એમ ગણતા જાવ. આ મહાવરાથી તમારૃં મન એક સાથે એક કરતાં વધુ બાબતો પર ધ્યાન રાખવા કેળવાશે. જ્યારે કંઈ પણ વાંચતા હોવ ત્યારે તમારૃં ધ્યાન વાંચવાની સાથે શ્વાસોશ્વાસની ક્રિયાને લઈને થતા પેટના હલનચલન પર રાખવાની કોશિશ કરો. રોજ આ પ્રકારનો મહાવરો કરવાથી વાંચતા વાંચતા મગજ બીજા વિચારોએ ચઢી જવાની સમસ્યામાં ઘણો ફાયદો થશે. હાથમાં પેન્સિલ કે પેન લો. મનમાં 'ફોકસ' એવો આદેશ આપીને તેના ધ્યાન પર કેન્દ્રિત કરવાની કોશિશ કરો. પેન કે પેન્સીલ તમને સ્પષ્ટ અને તેજસ્વી લાગવા માંડે ત્યારે ''રીલેક્સ'' એવો આદેશ આપીને તેના પરથી ધ્યાન હટાવો. ફરી પાછું 'ફોકસ' અને પછી 'રીલેક્સ' બસ આ ક્રિયા દસ બાર વાર કરો. ધીમે ધીમે તમારૃં સક્રિય ધ્યાન આપવાની શક્તિ વધશે.

સ્ત્રોત: હંસલ ભચેચ, ગુજરાત સમાચાર