જો મને કેન્સર ન હોય તો પછી દસ-બાર મહિનાથી હું પીડાઉ છું, નિયમિત દવા લઉં છું, છતાં પણ મને મટે કેમ નહીં/ તમે મને લખી આપો કે મને કેન્સર નથી.alt148 ડોક્ટરે તમામ ટેસ્ટ કરાવ્યા પછી રિપોર્ટમાં લખ્યું - કેન્સર ફોબિયા. કેન્સર ના હોવા છતાં સતત તેના મિથ્યા ભયથી ફફડતા મનનભાઈનું ડોક્ટરે આ નિદાન કર્યું. દર્દનો સમય જેમ જેમ લંબાતો જતો હતો, તેમ મનનભાઈ માનવા માંડ્યા કે હું કોઈક ના મટે તેવા દર્દથી પીડાઈ રહ્યો છું. આવી ઘર કરી ગયેલી પ્રબળ માન્યતાને કારણે તેમને રાત્રે પૂરતી ઊંઘ પણ નહોતી આવતી. અન્ય ચિહ્નો : તેમની જીભ પર સફેદ છારી બાઝી ગયેલી હતી. જીભની કિનારીઓ લાલચોળ થઈ ગઈ હતી. જીભ પર અને ગાલની અંદરના ભાગે(ગલોફામાં) સફેદ પાકી ગયેલી ચાંદીઓ પડી ગઈ હતી. જીભની આવી સ્થિતિ પરથી તદ્દન સ્પષ્ટ થતું હતું કે પાચનની પ્રક્રિયામાં જ ક્યાંક ગરબડ છે. વધુ તપાસ કરતાં ખબર પડી કે ભૂખ પણ ખાસ લાગતી નહોતી. પેટ પણ સાફ આવતું નહોતું. (કોન્સ્ટિપેશન) ખાટા ઓડકાર, મોંઢું કડવું લાગે. આ બધાં ચિહ્નો પરથી સ્પષ્ટ હતું કે શરીરમાં પિત્તનું પ્રમાણ વધી ગયું છે. મુખપાક : આયુર્વેદના આચાર્યોએ આ રોગનું નામ મુખપાક આપ્યું છે. અંગ્રેજીમાં આને Stomatitis કહે છે. આચાર્ય સુશ્રુત કહે છે કે તમામ પ્રકારના પાક(Inflamation)નું કારણ પિત્ત છે. ચિકિત્સા : પિત્તદોષની ઉત્તમ ચિકિત્સા આયુર્વેદ પ્રમાણે વિરેચન છે. વિરેચન એટલે પિત્ત વિગેરે દોષો અને મળોથી મળાશયને રિક્ત એટલે કે ખાલી કરવું. આવિપત્તિકર ચૂર્ણ : એ માટે રોજ રાત્રે આવિપત્તિકર ચૂર્ણ એકથી દોઢ ચમચી જેટલું લેવાનું કહ્યું. ચંદ્રકલા રસ : પિત્ત અને રક્તદોષની ઉગ્રતા ઘટાડવા ચંદ્રકલારસની બે-બે ગોળી સવારે-સાંજે વાટીને ઘી+સાકર સાથે વાટીને લેવાની કહી શરીરમાં દાહ-બળતરા થોડા દિવસમાં શમી જાય છે. પિત્તથી આવતાં ચક્કર પણ પિત્તની માત્રા ઘટતાં મટે છે. જેઠીમધ : મોંઢામાં પડેલી ચાંદીમાં રુઝ લાવવા માટે જેઠીમધ એક્સટ્રેક્ટની ગોળીઓ ચૂસવા માટે આપી. બે-બે ગોળીઓ સતત મોંમાં રાખી દિવસ દરમિયાન તેનો રસ પેટમાં જવા દેવો. જેઠીમધના રોપણ (Healing Property) ગુણથી ચાંદીઓમાં ઝડપથી રુઝ આવવા માંડે છે. ન્યુટ્રલાઈઝેશન : એસિડિક પિત્તને ન્યુટ્રલાઈઝ કરવા માટે ક્ષારયુક્ત(આલ્કલાઈન) ઔષધો ઉપયોગી થાય છે. એ માટે કપર્દિકા, ભસ્મ શંખભસ્મ, સોડા બાય કાર્બ અને કપૂર-કાચલીને સમભાગે લઈ એક-એક ગ્રામ બપોરે અને સાંજે સાકર સાથે લેવાનું કહ્યું. પરેજીમાં કાંદા, લસણ, ટામેટાં, બાજરી, રીંગણ, લીલાં મરચાં, આથાવાળી ચીજો જેમ કે બ્રેડ, ઢોંસા, ઢોકળાં વગેરે બંધ કરવા. ઉપર પ્રમાણેના ઉપચાર ક્રમથી બાર મહિના જૂની સમસ્યા ત્રણ અઠવાડિયા પછી ૭૦% મટી ગયેલી.