૧૯૨૯ની મહામંદી અને બજારની મૂડીનું ધોવાણ વિશ્વ બેન્કની સ્થાપના પાછળનું સૌથી મોટું કારણ ૧૯૨૦ના દાયકાના અંતમાં આવેલી વૈશ્વિક મહામંદી હતી. ૧૯૨૦ના ગાળામાં અમેરિકામાં શેરબજારમાં અતિશય તેજી હતી. સામાન્ય નાગરિકો પણ ઉધાર પૈસા લઈને રોકાણ કરી રહ્યા હતા, કારણ કે સૌને એમ હતું કે બજાર હંમેશા ઉપર જ જશે. ૨૪ ઓક્ટોબર ૧૯૨૯ના રોજ, જેને 'Black Thursday' તરીકે ઓળખવામાં આવે છે, તે દિવસે મોટા રોકાણકારોએ નફો બુક કરવા શેર વેચવાની શરૂઆત કરી. આ ઘટનાએ બજારમાં ડર (Panic) ફેલાવ્યો અને જોતજોતામાં વેચવા માટે રીતસરની ભાગદોડ મચી ગઈ. પરિણામે, કિંમતો એટલી હદે ઘટી ગઈ કે બજારની મૂડીનું મોટાપાયે ધોવાણ થયું અને રોકાણકારોએ પોતાની જીવનભરની કમાણી ગુમાવી દીધી. જ્યારે રોકાણકારો દેવું ચૂકવવામાં અસમર્થ બન્યા, ત્યારે તેનો સીધો ફટકો બેન્કિંગ સિસ્ટમ પર પડ્યો. બેન્કો પાસે રોકડની અછત સર્જાતા હજારો બેન્કોને તાળાં લાગી ગયા અને ફેક્ટરીઓ બંધ થવાને કારણે બેરોજગારી ચરમસીમાએ પહોંચી. આ આર્થિક સંકટ માત્ર અમેરિકા પૂરતું મર્યાદિત ન રહ્યું. પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના દેશો (જેમ કે જર્મની, બ્રિટન અને ફ્રાન્સ) પોતાની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે અમેરિકન લોન પર નિર્ભર હતા. અમેરિકાએ પોતાની ઘરેલું કટોકટીને ખાળવા માટે આ તમામ વિદેશી લોન અચાનક પાછી માંગી લેતા યુરોપમાં પણ આર્થિક પાયમાલી સર્જાઈ અને ત્યાંની પ્રતિષ્ઠિત બેન્કો પણ એકપછી એક ડૂબવા લાગી. આ આર્થિક આગની ઝપેટમાં ભારત જેવા વસાહતી દેશો પણ આવ્યા. તે સમયે ભારત બ્રિટિશ શાસન હેઠળ હતું અને ભારતનો મોટો હિસ્સો કૃષિ નિકાસ પર નિર્ભર હતો. વૈશ્વિક બજારમાં ખરીદનાર ન હોવાથી ઘઉં, કપાસ અને શણ (Jute) જેવા પાકોના ભાવમાં ૫૦% થી વધુનો ઘટાડો થયો. ખેડૂતોની આવક અડધી થઈ ગઈ પણ બ્રિટિશ સરકારનું 'મહેસૂલ' (Tax) તેટલું જ રહ્યું, પરિણામે ગ્રામીણ અર્થતંત્ર ભાંગી પડ્યું અને ભારતના ગામડે-ગામડે ગરીબી અને અસંતોષ વ્યાપી ગયો. આ રીતે આખા વિશ્વમાં એક ભયંકર મંદીનો દોર શરૂ થયો જેને ઇતિહાસમાં 'The Great Depression' તરીકે ઓળખવામાં આવે છે. મહામંદીમાંથી વિશ્વયુદ્ધનો માર્ગ આ વૈશ્વિક મંદી માત્ર આર્થિક સંકટ નહોતી, પણ તેણે બીજા વિશ્વયુદ્ધ માટેની જમીન તૈયાર કરી હતી. ભૂખ, અપમાન અને નિરાશા — આ ત્રણ પરિબળો જ્યારે ભેગા થાય ત્યારે જનતા ઉગ્રવાદી નેતાઓ તરફ વળે છે. મહામંદીએ બરાબર આ જ સ્થિતિ સર્જી હતી: જર્મનીમાં હિટલરનો ઉદય: પ્રથમ વિશ્વયુદ્ધની હાર અને 'Treaty of Versailles' ના આકરા દંડ નીચે દબાયેલું જર્મની મહામંદીના કારણે પાયમાલ થઈ ગયું હતું. લોકો ભૂખ્યા અને બેરોજગાર હતા. આવી સ્થિતિમાં હિટલરે આર્થિક દુર્દશા માટે યહૂદીઓ અને વિદેશીઓને જવાબદાર ઠેરવી જનતાનો ટેકો મેળવ્યો. જો મહામંદી ન આવી હોત, તો હિટલર માટે સત્તા મેળવવી અત્યંત મુશ્કેલ હોત.જાપાન અને ઇટાલીની આક્રમકતા: જાપાનમાં આર્થિક તંગી એટલી વધી ગઈ હતી કે તેણે સંસાધનો મેળવવા માટે ૧૯૩૧માં જ ચીન પર આક્રમણ કરી દીધું. ઇટાલીમાં પણ ગરીબી અને અસ્થિરતાને કારણે સરમુખત્યારશાહી મજબૂત બની.આમ, આર્થિક પાયમાલીએ રાષ્ટ્રોને આક્રમક બનાવ્યા, જે અંતે ૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધમાં પરિણમ્યું. ૧૯૪૫માં જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું, ત્યારે વિશ્વના મોટાભાગના દેશો ખંડેર બની ગયા હતા. યુરોપ અને એશિયામાં રસ્તા, પુલ, ઉદ્યોગો અને ખેતી બધું જ ધ્વંસ પામ્યું હતું. લાખો લોકો બેઘર હતા અને દેશો પાસે પુનઃનિર્માણ માટે કોઈ મૂડી નહોતી. ખાનગી બેન્કો ડૂબેલા દેશોને ઉધાર આપવા તૈયાર નહોતી. આ સમયે વિશ્વને સમજાયું કે જો ફરી આવી આર્થિક અરાજકતા રોકવી હોય, તો એક મજબૂત આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાની જરૂર પડશે. બ્રેટન વુડ્સ કોન્ફરન્સ: નવી આર્થિક વ્યવસ્થાનો પાયોબીજું વિશ્વયુદ્ધ હજી ચાલુ જ હતું ત્યારે ભવિષ્યની આર્થિક અરાજકતાને રોકવા માટે ૧ થી ૨૨ જુલાઈ ૧૯૪૪ દરમિયાન એક ઐતિહાસિક પરિષદ યોજાઈ, જે 'Bretton Woods Conference' તરીકે ઓળખાય છે. તેનું સત્તાવાર નામ 'યુનાઈટેડ નેશન્સ મોનેટરી એન્ડ ફાઈનાન્શિયલ કોન્ફરન્સ' હતું. · સ્થળ અને સહભાગીઓ: આ પરિષદ અમેરિકાના ન્યૂ હેમ્પશાયર (New Hampshire) રાજ્યના 'બ્રેટન વુડ્સ' નામના સ્થળે આવેલી પ્રસિદ્ધ માઉન્ટ વોશિંગ્ટન હોટેલમાં યોજાઈ હતી. જેમાં ૪૪ સાથી રાષ્ટ્રોના (Allied Nations) ૭૦૦થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. · મુખ્ય વિચારકો: આ કોન્ફરન્સના બે મુખ્ય સ્તંભો હતા - બ્રિટનના અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડ કેન્સ (John Maynard Keynes) અને અમેરિકાના ટ્રેઝરી વિભાગના અધિકારી હેરી ડેક્સ્ટર વ્હાઇટ (Harry Dexter White). આ બંને વિજ્ઞાનિકો વચ્ચે નવી આર્થિક વ્યવસ્થા કેવી હોવી જોઈએ તે અંગે લાંબી ચર્ચાઓ થઈ હતી. · બ્રેટન વુડ્સ ટ્વિન્સ (Twins): આ પરિષદના પરિણામે બે અત્યંત મહત્વની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો જન્મ થયો, જેને 'બ્રેટન વુડ્સની જોડિયા સંસ્થાઓ' કહેવામાં આવે છે: ૧. IMF (International Monetary Fund): જેનો હેતુ ટૂંકા ગાળાની નાણાકીય અસ્થિરતા દૂર કરવાનો અને ચલણના વિનિમય દર (Exchange Rates) ને સ્થિર રાખવાનો હતો. ૨. IBRD (International Bank for Reconstruction and Development): જેને આજે આપણે 'વિશ્વ બેન્ક' તરીકે ઓળખીએ છીએ. તેનો પ્રાથમિક હેતુ યુદ્ધગ્રસ્ત દેશોનું પુનઃનિર્માણ અને ગરીબ દેશોના વિકાસ માટે લાંબા ગાળાની લોન આપવાનો હતો. આ કોન્ફરન્સનો મુખ્ય સંદેશ એ હતો કે વિશ્વમાં શાંતિ જાળવવા માટે આર્થિક સહકાર અને સ્થિરતા પૂર્વશરત છે. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF): આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (International Monetary Fund - IMF) એ વૈશ્વિક સ્તરે આર્થિક સ્થિરતા જાળવતી સૌથી પ્રભાવશાળી સંસ્થા છે. તેનું મુખ્ય મથક અમેરિકાના વોશિંગ્ટન ડી.સી. ખાતે આવેલું છે. ૧૯૦ સભ્ય દેશો ધરાવતી આ સંસ્થા વૈશ્વિક નાણાકીય સહકારને પ્રોત્સાહન આપવા, નાણાકીય સ્થિરતા સુરક્ષિત કરવા, આંતરરાષ્ટ્રીય વ્યાપારને સુલભ બનાવવા અને વિશ્વભરમાં ગરીબી ઘટાડવા માટે કાર્યરત છે. ખાસ કરીને જ્યારે કોઈ દેશના 'Balance of Payment' (ચુકવણી સંતુલન) માં કટોકટી સર્જાય છે, ત્યારે IMF તેને પતનથી બચાવવા માટે 'લીન્ડર ઓફ લાસ્ટ રિસોર્ટ' (છેલ્લા ઉપાયના ધિરાણકર્તા) તરીકેની ભૂમિકા ભજવે છે. IMF ના મુખ્ય ઉદ્દેશ્યો અને કાર્યોIMF ના કાર્યોને મુખ્ય ત્રણ વિભાગોમાં વહેંચી શકાય છે: દેખરેખ (Surveillance), ધિરાણ (Lending), અને ક્ષમતા વિકાસ (Capacity Development). સંસ્થા દર વર્ષે તેના સભ્ય દેશોના આર્થિક સ્વાસ્થ્યની તપાસ કરે છે, જેને 'Article IV Consultation' કહેવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા તે દેશોને આર્થિક નીતિઓ સુધારવા માટે સલાહ આપે છે જેથી ભવિષ્યમાં કટોકટી ટાળી શકાય. ધિરાણ એ IMF નું સૌથી મહત્વનું પાસું છે. જ્યારે કોઈ દેશ પાસે તેની આયાત માટે ચૂકવવા માટે વિદેશી હૂંડિયામણ ખૂટી જાય છે, ત્યારે IMF તેને ટૂંકા ગાળાની લોન આપે છે. જોકે, આ લોન હંમેશા કેટલીક શરતો સાથે આવે છે, જેને 'Structural Adjustments' કહેવામાં આવે છે. આ શરતો મુજબ દેશે પોતાના ખર્ચમાં ઘટાડો કરવો પડે છે અને આર્થિક સુધારાઓ કરવા પડે છે. આ ઉપરાંત, IMF સભ્ય દેશોના સેન્ટ્રલ બેન્કર્સ અને નાણા મંત્રાલયના અધિકારીઓને તાલીમ અને ટેકનિકલ સલાહ આપીને તેમની આર્થિક ક્ષમતા વિકસાવવામાં મદદ કરે છે. ક્વોટા (Quota) અને વોટિંગ અધિકારIMF માં દરેક દેશનો પ્રભાવ તેની અર્થવ્યવસ્થાના કદ અને વિશ્વ વ્યાપારમાં તેના હિસ્સા મુજબ નક્કી થાય છે, જેને 'ક્વોટા' કહેવામાં આવે છે. આ ક્વોટા જ નક્કી કરે છે કે કયો દેશ કેટલા પૈસા IMF માં જમા કરાવશે, તેને કેટલો વોટિંગ પાવર મળશે અને મુશ્કેલીના સમયે તે કેટલી લોન લઈ શકશે. હાલમાં અમેરિકા પાસે સૌથી વધુ ક્વોટા (લગભગ ૧૭.૪%) છે, જે તેને IMF ના મોટા નિર્ણયોમાં 'વીટો' પાવર જેવી શક્તિ આપે છે. કારણ કે IMF ના મહત્વના નિર્ણયો માટે ૮૫% બહુમતીની જરૂર હોય છે અને અમેરિકા પાસે એકલા ૧૫% થી વધુ વોટિંગ પાવર હોવાથી તેના વગર કોઈ મોટો નિર્ણય લેવો અશક્ય છે. SDR (Special Drawing Rights): વૈશ્વિક અનામત મિલકતIMF નું પોતાનું કોઈ ભૌતિક ચલણ નથી, પરંતુ તેણે 'SDR' નામે એક આંતરરાષ્ટ્રીય અનામત મિલકત ઉભી કરી છે. SDR એ કોઈ ચલણ નથી, પરંતુ સભ્ય દેશોના વિદેશી હૂંડિયામણના ભંડારમાં તે એક અનામત તરીકે કામ કરે છે. તેનું મૂલ્ય પાંચ મુખ્ય ચલણોના 'બાસ્કેટ' પર આધારિત છે: યુએસ ડૉલર, યુરો, ચાઈનીઝ યુઆન, જાપાનીઝ યેન અને બ્રિટિશ પાઉન્ડ. સભ્ય દેશો જરૂર પડ્યે પોતાની પાસે રહેલા SDR ને અન્ય દેશોના હાર્ડ કરન્સી (જેમ કે ડૉલર) માં રૂપાંતરિત કરી શકે છે. ભારત અને IMFભારત IMF ના સ્થાપક સભ્યોમાંનું એક છે. ૧૯૯૧ની ભારતની આર્થિક કટોકટી વખતે IMF ની ભૂમિકા ઐતિહાસિક રહી હતી. જ્યારે ભારત પાસે માત્ર ૧૫ દિવસની આયાત જેટલું જ વિદેશી હૂંડિયામણ બચ્યું હતું, ત્યારે IMF એ ભારતને શરતી લોન આપી હતી. આ શરતોને કારણે જ ભારતે 'LPG' (Liberalization, Privatization, Globalization) સુધારાઓ લાગુ કરવા પડ્યા, જેણે આજના આધુનિક ભારતની અર્થવ્યવસ્થાનો પાયો નાખ્યો. હાલમાં ભારત IMF માં ૮મો સૌથી મોટો ક્વોટા ધરાવતો દેશ છે (લગભગ ૨.૭૫%). ભારત હવે લોન લેનારા દેશમાંથી લોન આપનારા દેશોની યાદીમાં સામેલ થયું છે, જે ભારતની આર્થિક પ્રગતિનું પ્રતીક છે. વર્તમાન પ્રવાહો અને પડકારો (Current Affairs)વર્તમાન સમયમાં IMF અનેક નવા પડકારોનો સામનો કરી રહ્યું છે. કોવિડ-૧૯ મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધ પછી વૈશ્વિક દેવાની કટોકટી (Global Debt Crisis) ગંભીર બની છે. શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશોના તાજેતરના આર્થિક પતન વખતે IMF એ 'બેલઆઉટ પેકેજ' આપીને તેમને સંપૂર્ણ વિનાશથી બચાવ્યા છે. · ૧૬મો જનરલ રિવ્યુ ઓફ ક્વોટા: તાજેતરમાં IMF માં ક્વોટામાં ૫૦% નો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. આનાથી IMF ની ધિરાણ ક્ષમતા વધશે, પરંતુ ઉભરતી અર્થવ્યવસ્થાઓ (જેમ કે ભારત અને ચીન) તેમના વોટિંગ પાવરમાં વધારાની માંગ કરી રહી છે જેથી વૈશ્વિક અર્થતંત્રમાં તેમનું સાચું પ્રતિનિધિત્વ દેખાય. · Resilience and Sustainability Trust (RST): IMF એ ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશોને 'હવામાન પરિવર્તન' (Climate Change) અને ભવિષ્યની મહામારીઓ સામે લડવા માટે લાંબા ગાળાનું ધિરાણ આપવા માટે આ નવો ટ્રસ્ટ શરૂ કર્યો છે. · ડિજિટલ કરન્સી અને AI: IMF હવે 'સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી' (CBDC) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આર્થિક અસરો પર પણ સંશોધન કરી રહ્યું છે. ટીકા અને સુધારાઓની જરૂરિયાતઘણીવાર IMF ની ટીકા કરવામાં આવે છે કે તે વિકસિત દેશો (ખાસ કરીને પશ્ચિમી દેશો) ના હિતોનું રક્ષણ કરે છે. તેની લોન લેવા માટે જે આકરી શરતો (Austerity measures) પાળવી પડે છે, તેનાથી ગરીબ દેશોમાં શિક્ષણ અને આરોગ્યના બજેટમાં કાપ મુકાય છે, જે સામાન્ય જનતા માટે મુશ્કેલ બને છે. વળી, વોટિંગ પાવરની જૂની પદ્ધતિને કારણે ભારત અને ચીન જેવા દેશોને તેમની ક્ષમતા મુજબનું સ્થાન મળતું નથી, તેથી 'ગ્લોબલ સાઉથ' ના દેશો IMF માં માળખાકીય સુધારાઓની સતત માંગ કરી રહ્યા છે. IMFCIMFC એટલે International Monetary and Financial Committee — આ IMF ની એક સલાહકાર સમિતિ છે જે વૈશ્વિક અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. IMF માં 190 થી વધારે સભ્ય દેશ છે. દરેક નાની-મોટી બાબત પર 190 દેશો ભેગા થઈ ચર્ચા કરે તો નિર્ણય ક્યારેય ન થાય. એટલે એક નાની, પ્રભાવશાળી સમિતિ બનાવવામાં આવી — જે મોટા આર્થિક સવાલો પર IMF ને માર્ગદર્શન આપે. આ સમિતિ એટલે IMFC. આ સમિતિમાં 24 સભ્યો હોય છે. આ 24 સભ્યો IMF ના 190 દેશોના પ્રતિનિધિ તરીકે કામ કરે છે — એટલે કે 7-8 દેશ મળીને એક પ્રતિનિધિ ચૂંટે. સભ્ય તરીકે સામાન્ય રીતે દેશોના નાણામંત્રી (Finance Minister) અથવા Central Bank ના ગવર્નર આવે છે. ભારત તરફથી RBI ગવર્નર અથવા નાણામંત્રી IMFC માં ભાગ લે છે. IMFC IMF ને બંધનકર્તા આદેશ આપી શકતી નથી, એ ફક્ત સલાહ અને દિશા આપે છે. પણ આ સલાહ એટલી પ્રભાવશાળી હોય છે કે IMF તેને લગભગ હંમેશા અનુસરે છે. IMFC વૈશ્વિક આર્થિક સ્થિતિ — જેમ કે મંદી, ફુગાવો, Currency સંકટ નું મૂલ્યાંકન કરે છે. IMF ની નીતિઓ, ઉધારની શરતો અને ભવિષ્યની દિશા નક્કી કરવામાં ભૂમિકા ભજવે છે. અને સૌથી અગત્યનું IMF ના Quota System (એટલે કે કયા દેશને કેટલો મત મળે) ની સમીક્ષા IMFC કરે છે. IMFC વર્ષમાં બે વખત બેઠક કરે છે. એક વખત એપ્રિલ-મેમાં અને એક વખત ઓક્ટોબરમાં. આ બેઠક IMF અને World Bank ની Annual Meeting સાથે જ થાય છે. બેઠક પછી એક "Communiqué" એટલે કે સંયુક્ત નિવેદન જારી થાય છે, જેમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા અંગેનો સૌનો સંયુક્ત અભિપ્રાય હોય છે. આ Communiqué ને આખી દુનિયા ઘણી ગંભીરતાથી લે છે કારણ કે એ 190 દેશોની સંયુક્ત આર્થિક સ્થિતિ દર્શાવે છે. · IMFC IMF ને સલાહ આપે છે પણ બંધનકર્તા નિર્ણય કરી શકતી નથી. · World Bank IMFC ની બેઠકોમાં Observer તરીકે ભાગ લે છે સભ્ય તરીકે નહીં. · ભારત IMFC માં South East Asia Constituency નું પ્રતિનિધિત્વ કરે છે. વિશ્વ બેન્ક વિશ્વ બેન્કનું સત્તાવાર નામ 'ઇન્ટરનેશનલ બેન્ક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ' (IBRD) છે. તેની સફર રસપ્રદ અને પરિવર્તનશીલ રહી છે. IBRD થી વિશ્વ બેન્ક બનવાની સફરવિશ્વ બેન્કની સ્થાપના ૧૯૪૪માં મુખ્યત્વે બીજા વિશ્વયુદ્ધમાં ખંડેર થયેલા યુરોપના દેશોને ફરી બેઠા કરવા માટે થઈ હતી. તેની સૌપ્રથમ લોન ૧૯૪૭માં ફ્રાન્સને પુનઃનિર્માણ માટે આપવામાં આવી હતી. જોકે, ૧૯૫૦ પછી જ્યારે યુરોપ સ્થિર થયું અને એશિયા-આફ્રિકાના દેશો આઝાદ થયા, ત્યારે બેન્કે પોતાનું ધ્યાન 'પુનઃનિર્માણ' થી હટાવીને 'વિકાસ' (Development) પર કેન્દ્રિત કર્યું. ૧૯૬૦માં IDA ની સ્થાપના સાથે, તે ગરીબ દેશોને પણ મદદ કરવા લાગી અને ધીમે ધીમે પાંચ સંસ્થાઓનું એક વિશાળ જૂથ બની ગયું, જેને આજે આપણે 'વિશ્વ બેન્ક ગ્રુપ' તરીકે ઓળખીએ છીએ. વિશ્વ બેન્ક ગ્રુપનું માળખું: પાંચ સ્તંભો (The 5 Pillars)વિશ્વ બેન્ક કોઈ એક સંસ્થા નથી, પણ પાંચ વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું બનેલું એક જૂથ છે. દરેક સંસ્થાનો હેતુ અને કાર્યક્ષેત્ર અલગ છે: ૧. IBRD (International Bank for Reconstruction and Development): આ વિશ્વ બેન્કની મૂળ સંસ્થા છે. તે મધ્યમ આવક ધરાવતા દેશો અને આર્થિક રીતે સદ્ધર ગરીબ દેશોને લોન આપે છે. આ લોન બજારના વ્યાજ દર મુજબ હોય છે. IBRD નું મુખ્ય ધ્યાન રસ્તા, ડેમ અને મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર રહે છે. ભારત આ સંસ્થા પાસેથી મોટાપાયે ધિરાણ લે છે. ૨. IDA (International Development Association): તેને વિશ્વ બેન્કની 'સોફ્ટ લોન વિન્ડો' તરીકે ઓળખવામાં આવે છે. તેની સ્થાપના ૧૯૬૦માં થઈ હતી. IDA વિશ્વના સૌથી ગરીબ દેશોને વ્યાજ વગરની (0% વ્યાજ) અથવા અત્યંત નજીવા દરે લોન અને ગ્રાન્ટ આપે છે. આ લોનની મુદત ૩૦ થી ૪૦ વર્ષ જેટલી લાંબી હોય છે. તેનું ધ્યાન મૂળભૂત જરૂરિયાતો જેવી કે શિક્ષણ, પીવાનું પાણી અને આરોગ્ય પર હોય છે. ૩. IFC (International Finance Corporation): IFC એ વિશ્વ બેન્કની એવી શાખા છે જે માત્ર ખાનગી ક્ષેત્ર (Private Sector) સાથે કામ કરે છે. તે વિકાસશીલ દેશોની ખાનગી કંપનીઓમાં રોકાણ કરે છે અને તેમને વિદેશી રોકાણ મેળવવામાં મદદ કરે છે. તે લોન આપવાની સાથે કંપનીઓના શેરમાં ભાગીદાર પણ બની શકે છે, જેથી ઉદ્યોગોનો વિકાસ થાય અને નવી નોકરીઓ સર્જાય. ૪. MIGA (Multilateral Investment Guarantee Agency): આ સંસ્થા એક પ્રકારની વીમા કંપની (Insurance Agency) જેવું કામ કરે છે. તે વિદેશી રોકાણકારોને 'રાજકીય જોખમો' (Political Risks) સામે ગેરંટી આપે છે. દાખલા તરીકે, જો કોઈ કંપની બીજા દેશમાં રોકાણ કરે અને ત્યાં યુદ્ધ ફાટી નીકળે અથવા સરકાર તે કંપનીની મિલકત જપ્ત કરી લે, તો MIGA તે નુકસાનની ભરપાઈ કરે છે. આનાથી ગરીબ દેશોમાં રોકાણ કરવાનું જોખમ ઘટે છે. ૫. ICSID (International Centre for Settlement of Investment Disputes): આ સંસ્થા વિદેશી રોકાણકારો અને જે દેશમાં રોકાણ થયું છે તે દેશની સરકાર વચ્ચે થતા કાનૂની વિવાદોના પતાવટ માટેનું પંચ છે. તે અદાલતની જેમ કામ કરે છે. નોંધવા જેવી બાબત એ છે કે ભારત આ સંસ્થાનું સભ્ય નથી, કારણ કે ભારત માને છે કે વિદેશી રોકાણના વિવાદો ભારતની પોતાની અદાલતોમાં જ ઉકેલાવા જોઈએ. કાર્યક્ષમતા અને ક્ષેત્રોવિશ્વ બેન્ક માત્ર પૈસા જ નહીં, પણ નિષ્ણાતોની સલાહ પણ આપે છે. તે શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને પર્યાવરણ જેવા પાયાના ક્ષેત્રોમાં રોકાણ કરે છે. તેનું મુખ્ય ધ્યેય 'આત્યંતિક ગરીબી નાબૂદ કરવી' અને 'સહિયારી સમૃદ્ધિ વધારવી' છે. ભારત અને વિશ્વ બેન્કભારત અને વિશ્વ બેન્ક વચ્ચેના સંબંધો ખૂબ જ જૂના અને અતૂટ છે. ભારત વિશ્વ બેન્કના સ્થાપક સભ્યોમાંનું એક છે. · ઐતિહાસિક પૃષ્ઠભૂમિ: ભારતને વિશ્વ બેન્ક તરફથી પ્રથમ લોન ૧૯૪૯માં ભારતીય રેલ્વેના આધુનિકીકરણ માટે મળી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ભારત વિશ્વ બેન્ક પાસેથી સૌથી વધુ લોન લેનારા દેશોમાંનો એક રહ્યો છે. · મહત્વના પ્રોજેક્ટ્સ: ભારતમાં હરિયાળી ક્રાંતિ, શ્વેત ક્રાંતિ (ડેરી ઉદ્યોગ), રાષ્ટ્રીય હાઈવે પ્રોજેક્ટ્સ, સર્વ શિક્ષા અભિયાન અને સ્વચ્છ ભારત મિશન જેવા મોટા પ્રોજેક્ટ્સમાં વિશ્વ બેન્કનું નાણાકીય અને તકનીકી યોગદાન રહ્યું છે. · ગ્રીન ટ્રાન્ઝિશન: હાલમાં વિશ્વ બેન્ક ભારતના રિન્યુએબલ એનર્જી (સૌર ઉર્જા) અને 'ક્લીન ગંગા મિશન' જેવા પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ્સમાં મોટું રોકાણ કરી રહી છે.