ગેલાર્ડીયાને આપણી ગામઠી ભાષામાં ગાદલીયો કહે છે. ગાદલીયાની ખેતી કોઈપણ પ્રકારની જમીનમાં કોઈપણ પ્રકારની આબોહવામાં કરી શકાય છે. ત્રણે પ્રકારની ૠતુમાં તે થઈ શકે છે. પરંતુ વધુ પડતી ઠંડી તેને અનુકુળ આવતી નથી આ ખડતલ છોડ હોવાથી હલકી જમીનમાં પણ તેને ઉછેરી શકાય છે. સામાન્ય ખારાશવાળી જમીનમાં પણ થઈ શકે છે. ગેલાર્ડીયાના ફુલનો છુટા ફુલ તરીકે, સુશોભન માટે તેના ફુલોની શેરો ખુબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં આવે છે. ગેલાર્ડીયાની સિંગલ ફુલની જાત ' ઈન્ડીયન ચીફ ' અને ડબલ ફુલવાળી '' લોરેન્ઝીઆના '' ઘણી જ પ્રચલિત છે. વર્ધન : ગાદલીયાનું વર્ધન બીજથી થાય છે. આ માટે ખેડૂતે જાતે સારા મોટા ભરાવદાર ડબલ ફુલવાળા છોડ પસંદ કરી બીજ એકત્ર કરવું એક હેકટરના વાવેતર માટે ૩૦૦ થી પ૦૦ ગ્રામ બીજની જરૂર પડે છે. રોપણી કરતા પહેલા દોઢ માસે બીજનું ધરૂવાડિયું તૈયાર કરી ધરૂ ઉછેરવું સામાન્ય રીતે મે અને નવેમ્બર માસમાં અનુક્રમે ખરીફ અને રવીૠતુ માટેના પાક લેવા ધરૂ ઉછેરવું જોઈએ. બીજને છંટકાવ કરવા કરતા લાઈનમાં વાવવા જોઈએ, જેથી નિંદામણ કરવામાં અનુકુળતા રહે. રૂવાડિયાને સવાર સાંજ ઝારાથી પાણી પાવું જોઈએ. ફેરરોપણી : ધરૂ ૪ થી પ અઢવાડિયે રોપવા લાયક થાય છે. ધરૂની ફેરરોપણી ૩૦ × ૩૦ , ૩૦ × ૪પ કે ૩૦ × ૩૦ સે.મીના અંતરે કરવામાં આવે છે. ખાતર તેમજ અન્ય માવજત : હેકટરે ૧ર થી ૧પ ટન છાણિયું ખાતર, ૧૦૦ કિલો નાઈટ્રોજન, પ૦ કિલો ફોસ્ફરસ, પ૦ કિલો પોટાશ આપવા આ પૈકી નાઈટ્રોજનનો અડધો જથ્થો રોપણી બાદ દોઢ માસે આપવો. શિયાળામાં ૧પ થી ર૦ દિવસના આંતરે અને ઉનાળામાં ૧ર થી ૧પ દિવસના આંતરે પાણી આપવું અને નિયમિત નિંદામણ કરવું. ફુલોનું ઉત્પાદન અને બજાર : એક હેકટરે ૧૮ થી ર૦ ટન ફુલોનો ઉતાર મળે છે. ફેરરોપણી બાદ પ૦ દિવસે ફુલોની પહેલી વીણી મળે છે. લગભગ ૧પ૦ દિવસ સુધી ફુલોની વીણી મળતી હોય છે. કુલ ર૦ થી રપ વીણી આંતરે દિવસે કરવી પડે છે. ચોખ્ખી આવક ર૦ થી રપ હજાર/ હેકટરે થાય છે. વહેલી સવારે ફુલ ઉતારી વાંસના કરંડીયા કે ટોપલામાં પેક કરી બજારમાં મોકલવા, જેથી કરીને સારો ભાવ મળે છે. રોગ–જીવાત : આ પાકને ખાસ કોઈ ગંભીર રોગ અને જીવાત લાગતા નથી. આમ છતાં ધણીવાર મોલોમશીનો ઉપદ્રવ થાય છે, ત્યારે કોઈપણ શોષક પ્રકારની દવાનો છંટકાવ કરતાં તેને કાબુમાં લઈ શકાય છે. સ્ત્રોત: એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ