દુધાળ પશુની ખરીદી વેળા શુ જોવુ ? દુધાળ પશુને ખરીદતા પહેલા તે પ્રથમ કે બીજા વેતરનું, તાજુ (એકાદ મહીનામાં) વિયાયેલુ, સુવિકસિત ચુસ્ત છાલીયા આકારના આઉવાળુ, લાંબી અને ગૂંચવાળી દુગ્ધશીરાઓવાળુ શરીરે તંદુરસ્ત,તરવરીયુ અને કોઇ ખોડ-ખાપણ વગરનું હોવુ જોઇએ ગાભણ ગાય/ભેંસની માવજતમાં શુ ધ્યાન રાખવુ ? ગાભણ પશુઓને અલગ વાડામાં રાખવા. ભોંયતળીયુ લપસી પડાય તેવુ સપાટ રાખવુ નહી. બિમાર પશુઓ કે તરવાઇ ગયેલી ગાય/ભેસોથી ગાભણ પશુઓને અલગ રાખવા. ગાભણ પશુઓને ચરાવવા માટે લાંબા અંતરે મોકલવા નહી. ર૪ કલાક પૂરતૂં સ્વચ્છ પાણી મળી રહે તેવુ ગોઠવવુ. તાપ-ઠંડી-વરસાદ થી રક્ષણ આપે તેવી કોઢમાં રાખવા. વિયાણના બે મહિના પહેલા વસુકાવવા. ઘઉં/ડાંગરના પરાળની સારી પથારી પૂરી પાડવી. પશુઓ માટે તબેલાનું બાંધકામ કરતી વેળા શું ધ્યાનમાં રાખવુ ? તબેલો હંમેશા ઉચાણવાળી જગ્યાએ બાંધવો. તબેલાના છાપરાની લંબાઇ પૂર્વ-પશ્રિમ રાખવી. દિવાલ, ગમાણ તથા ગટરના બાંધકામના છેડા ગોળાકાર બનાવવા જોઇએ. તબેલાની આજુબાજુ છાંયો આપે તેવા ઘટાદાર વૃક્ષો રોપવા. ભોંયતળીયુ ખરબચડુ રાખવુ તથા ૧:૬૦ નો ઢાળ આપવો જેથી મૂત્ર તથા પાણીનો નિકાલ થઇ શકે. હવાની અવર-જવર બરોબર થાય તે જોવુ. પશુ રહેઠાણમાં પશુઓને કેટલી જગ્યા જોઇએ ? ભારતીય માનાંક સંસ્થા અનુસાર પુખ્ત ગાયોને ગાયદીઠ ૩.૫. ચો.મી., ભેસદીઠ ૪.૦ ચો.મી., વોડકીઓને ૩.૦ ચો.મી., વાછરડી દીઠ ર.૦ ચો.મી., વિયાણઘરમાં ગાયદીઠ ૧ર.૦૦ ચો.મી. તથા સાંઢ દીઠ ૧ર.૦૦ ચો.મી. જગ્યા, તબેલો બાંધણી વેળા ગણતરીમાં લેવી. સ્ત્રોત : I-ખેડૂત કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર