હોમ પેજ / સમાજ કલ્યાણ / સમાજ સુરક્ષા / સ્ત્રીના અવસાનથી બાર વર્ષની મુદતમાં તેની મિલકત અંગે હક્ક દાવો કરી શકાય
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્ત્રીના અવસાનથી બાર વર્ષની મુદતમાં તેની મિલકત અંગે હક્ક દાવો કરી શકાય

સ્ત્રીના અવસાનથી બાર વર્ષની મુદતમાં તેની મિલકત અંગે હક્ક દાવો કરી શકાય

સમયમર્યાદાનો કાયદો, ૧૯૬૩ આર્ટીકલ-૬૫ (બી) મુજબ જ્યારે કોઇપણ સ્ત્રી પછી તે ભલે હિન્દુ હોય કે મુસ્લિમ પોતાની પાછળ પોતાની મિલકત મૂકી અવસાન પામે અને તેવી મિલકતમાં જે કોઇ વ્યક્તિને પોતાને હક્ક મળતો હોવાનું માનતી હોય તેવી વ્યક્તિએ તે સ્ત્રીના મરણના ૧૨ વર્ષની અંદર મરનાર સ્ત્રીની મિલકતનો કબજો મેળવવા અને મરનાર સ્ત્રીની મિલકત ઉપર હક્ક મેળવવા દાવો કરી શકે છે. અન્ય કિસ્સાઓમાં સામી વ્યક્તિને કબજો Adverse (વિરુદ્ધ) બને તેના બાર વર્ષની અંદર કબજા માટે દાવો કરી શકાય છે. પરંતુ મરનાર હિન્દુ કે મુસ્લિમ સ્ત્રીની મિલકત અંગે Adverse Possession (વિરુદ્ધ કબજો) આવી મરનાર સ્ત્રીના અવસાનની તારીખથી જ શરૂ થયેલ ગણાય, પરંતુ બાર વર્ષની મુદત બાદ મરનાર સ્ત્રીની મિલકત ઉપર હક્ક, કબજો મેળવવા કરવામાં આવેલ દાવો મુદત બહારનો ગણાય અને આવા દાવાને સમયમર્યાદાના સિદ્ધાંતનો બાધ નડે છે. ઉપરોક્ત સિદ્ધાંત નામદાર સુપ્રીમ કોર્ટે જગતરામ વિ. વરીન્દર પ્રકાશ, સિવિલ અપીલ નં. ૧૫૫૮/૧૯૯૯ ના કેસમાં પ્રસ્થાપિત કરેલ છે. આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.

સુંદર નામની વ્યક્તિ તેઓની પાછળ મિલકત મૂકી તા.૧૯/૦૭/૧૯૪૧ના રોજ અવસાન પામેલા. સુંદરના કાયદેસરના વારસદારો તરીકે તેઓની વિધવા કિરપી અને બે છોકરી સીતા તેમજ મેશન હતા. દીકરી મેશનને એક પુત્ર જગતરામ છે જ્યારે દીકરી સીતાને એક પુત્ર વરીન્દર પ્રકાશ છે જેને વિધવા કિરપીએ દત્તક લીધેલ છે. સુંદરે પોતાની હયાતી દરમ્યાન પોતાની મિલકત અંગે બક્ષિસના લેખથી તેમની પુત્રી મેશનની તરફેણમાં પોતાની મિલકત તબદીલ કરેલી. ત્યારબાદ સુંદરનું અવસાન થતા તે મિલકત બાબતે માતા કિરપી અને પુત્રી મેશન વચ્ચે તકરારો ઉપસ્થિત થયા જે અંગે માતા કિરપીએ તા.: ૦૩/૦૮/૧૯૪૫ના રોજ પોતાની પુત્રી મેશન વિરુદ્ધ દાવો દાખલ કરેલો જે કામે પક્ષકારો વચ્ચે એવું સમાધાન થયેલ કે માતા કિરપી જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેઓનો આ મિલકતમાં કબજો, ભોગવટો રહેશે. ત્યારબાદ તેના માલિક, કબજેદાર દીકરી મેશન થશે. પરંતુ ત્યારબાદ માતા કિરપીએ પોતાની બીજી પુત્રી સીતાના પુત્ર વરીન્દર પ્રકાશને તા.૨૩/૦૮/૧૯૫૮ના રોજ દત્તક લીધેલ. તેમજ આ મિલકત અંગે માતા કિરપીએ પોતાના દત્તકપુત્ર વરીન્દર પ્રકાશની તરફેણમાં બક્ષિસ અંગેનો લેખ કરી આપેલો. આથી પુત્રી મેશને આ બક્ષિસખત રદબાતલ ઠરાવવા તેમજ વરીન્દર પ્રકાશનું દત્તક ગેરકાયદેસર જાહેર કરાવવા તા.:૨૭/૦૫/૧૯૫૯ ના રોજ દાવો દાખલ કરેલો. જેમાં નામદાર સિવિલ કોર્ટે પુત્રી મેશનનો દાવો તા.: ૧૬/૦૧/૧૯૬૦ ના રોજ મંજૂર કરેલો. ત્યારબાદ માતા કિરપી તા.:૦૫/૦૯/૧૯૬૭ના રોજ અવસાન પામેલા.

નામદાર સિવિલ કોર્ટ/ ટ્રાયલ કોર્ટના હુકમથી નારાજ થઇ હાઇકોર્ટ સમક્ષ તા.:૧૮/૧૧/૧૯૮૧ના રોજ અપીલ દાખલ કરવામાં આવેલ. મજકુર અપીલ નામદાર સિવિલ કોર્ટના હુકમની તારીખથી આશરે ૨૧ વર્ષ બાદ તેમજ માતા કિરપીના અવસાન બાદ આશરે ૧૪ વર્ષ બાદ દાખલ કરવામાં આવેલ. ત્યારબાદ પુત્રી મેશને આ મિલકતનો કબજો મેળવવા તા.:૧૪/૧૨/૧૯૮૨ના રોજ સિવિલ કોર્ટ સમક્ષ હાલનો દાવો દાખલ કરેલો. મજકુર દાવો સમયમર્યાદાના સિદ્ધાંતનો બાધ નડતો હોવાનું જણાવી નામદાર સિવિલ કોર્ટ/ ટ્રાયલ કોર્ટે રદ જાહેર કરેલો. વધુમાં નામદાર નીચલી કોર્ટે ઠરાવેલ કે માતા કિરપીનું અવસાન તા.૦૫/૦૯/૧૯૬૭ના રોજ થયેલ હોવાથી વધુમાં વધુ તા.: ૦૫/૦૯/૧૯૭૯ સુધીમાં યાને ૧૨ વર્ષની મુદતમાં વાદીએ દાવો દાખલ કરવાની જરૂર હતી. જેને બદલે વાદીએ હાલનો દાવો તા.: ૧૪/૧૨/૧૯૮૨ના રોજ દાખલ કરેલો. લીમીટેશન એક્ટના આર્ટીકલ-૬૫(બી) મુજબ મરનાર સ્ત્રીના અવસાનની તારીખથી ૧૨ વર્ષની મુદતમાં જ દાવો થઇ શકે. તેમજ અવસાનની તારીખથી જ સમયમર્યાદા શરૂ થયેલ ગણાય. આથી આ કિસ્સામાં Adverse Possession (વિરુદ્ધ કબજો) મરનાર સ્ત્રીની મરણ તા.:૦૫/૦૯/૧૯૬૭થી જ શરૂ થયેલ ગણાય.

આ હુકમથી નારાજ થઇ અપીલ કોર્ટ સમક્ષ અપીલ કરવામાં આવેલી, જેમાં અપીલ કોર્ટે નામદાર સિવિલ કોર્ટનો હુકમ રદ જાહેર કરેલો. જેની સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવેલી. જેમાં હાઇકોર્ટે નામદાર સિવિલ કોર્ટ/ટ્રાયલ કોર્ટનો હુકમ માન્ય રાખેલો. વધુમાં નામદાર હાઇકોર્ટે ઠરાવેલ કે હિન્દુ યા મુસ્લિમ સ્ત્રીના મૃત્યુને કારણે તેની મિલકતના કબજા યા હક્ક મેળવવા બાબતના દાવાઓ તે મરનાર સ્ત્રીની મરણની તારીખથી ૧૨ વર્ષની મુદતમાં જ થઇ શકે છે. કાયદા મુજબ મરણની તારીખથી જ કબજો મેળવવાનો હક્ક ઉત્પન્ન થાય છે. નામદાર હાઇકોર્ટના હુકમની સામે સુપ્રીમ કોર્ટ સમક્ષ હાલની અપીલ દાખલ કરવામાં આવેલી. જેમાં નામદાર સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદાને સમર્થન આપેલ અને વધુમા ંનામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ કે હિન્દુ યા મુસ્લિમ વિધવાના મૃત્યુથી ઉભા થતા અધિકાર તેવી મરનાર સ્ત્રીના મૃત્યુની તારીખથી ૧૨ વર્ષની મુદતમાં દાવો કરી દાદ મેળવવી જરૂરી છે. અને સમયમર્યાદાના કાયદાના આર્ટીકલ-૬૫ (બી) મુજબ Adverse Possession (વિરુદ્ધ કબજો) હિન્દુ યા મુસ્લિમ વિધવાના મૃત્યુની તારીખથી શરૂ થયેલ ગણાય. આથી માતા કિરપીના દત્તકપુત્ર વરીન્દર પ્રકાશ કે જેઓ આ મિલકતનો કબજો સને ૧૯૬૭થી ધરાવતા હતા તેઓને Adverse Possession (વિરુદ્ધ કબજો) ના કારણે નામદાર સુપ્રીમ કોર્ટે માલિક ઠરાવેલા.

આમ ઉપરોક્ત કેસની તમામ હકીકતથી સ્પષ્ટ થાય છે કે અન્ય કિસ્સાઓમાં સામી વ્યક્તિનો કબજો Adverse  (વિરુદ્ધ) બને તેના ૧૨ વર્ષની અંદર કોઇપણ વ્યક્તિ કબજા માટેનો દાવો કરી શકે છે જ્યારે કોઇ હિન્દુ યા મુસ્લિમ સ્ત્રીના અવસાનને કારણે તેની મિલકત ઉપર હક્ક, કબજો મેળવવાનો દાવો તે સ્ત્રીના અવસાનના ૧૨ વર્ષની અંદર દાવો કરવો જોઇએ. મરનાર હિન્દુ કે મુસ્લિમ સ્ત્રીની મિલકત અંગે Adverse Possession (વિરુદ્ધ કબજો) આવી મરનાર સ્ત્રીના અવસાનની તારીખથી જ શરૂ થયેલ ગણાય, પરંતુ બાર વર્ષની મુદત બાદ મરનાર સ્ત્રીની મિલકત ઉપર હક્ક, કબજો મેળવવા કરવામાં આવેલ દાવો મુદત બહારનો ગણાય અને આવા દાવાને સમયમર્યાદાના સિદ્ધાન્તનો બાધ નડે છે. સમય મર્યાદાનો કાયદો, ૧૯૬૩ આર્ટીકલ-૬૫(બી) મુજબ જ્યારે કોઇપણ સ્ત્રી પછી તે ભલે હિન્દુ હોય કે મુસ્લિમ પોતાની પાછળ પોતાની મિલકત મૂકી અવસાન પામે અને તેવી મિલકતમાં જે કોઇ વ્યક્તિને પોતાને હક્ક મળતો હોવાનં માનતી હોય તેવી વ્યક્તિએ તે સ્ત્રીના મરણના ૧૨ વર્ષની અંદર મરનાર સ્ત્રીની મિલકતનો કબજો મેળવવા અને મરનાર સ્ત્રીની મિલકત ઉપર હક્ક મેળવવા દાવો કરી શકે છે. અન્ય કિસ્સાઓમાં સામી વ્યક્તિને કબજો Adverse (વિરુદ્ધ) બને તેના બાર વર્ષની અંદર કબજા માટે દાવો કરી શકાય છે.

લેખક : દિનેશ પટેલ,  રેવન્યુ પ્રેક્ટીસ

3.1935483871
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top