অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાજ્યનું વર્ષ ૨૦૧૬-૧૭ નું બજેટ

રાજ્યનું વર્ષ ૨૦૧૬-૧૭ નું બજેટ સમાજના દરેક વર્ગ માટે કલ્યાણકારી, સર્વસમાવેશક, અને રાજ્યના વિકાસને વધુ ગતિશીલ બનાવનાર: મુખ્યમંત્રીશ્રી (૨૩ -૦૨ -૨૦૧૬)

અંદાજપત્રની મુખ્ય જોગવાઈઓ:

  • રૂ. ૮૫૫૫૭.૭૮ કરોડનું વાર્ષિક વિકાસ યોજનાનું કદ
  • સતત ત્રીજી વાર જેન્ડર બજેટ, વિવિધ મહિલાલક્ષી યોજનાઓમાં નારીશક્તિ માટે રૂ. ૫૦,૦૦૦ થી વધુની જોગવાઈ
  • ધરતીપુત્રો માટે માત્ર ૧ ટકાના વ્યાજ દરે કૃષિ લોનની અભૂતપૂર્વ વ્યવસ્થા
  • પશુપાલન સાથે સંકળાયેલા પરિવારોને પશુ ખરીદવા ઓછા વ્યાજે લોન મળે તે માટે બજેટમાં વ્યાજ સહાયની નવી યોજના
  • સિંચાઈ માટે રૂ. ૧૪૨૯૪ કરોડથી વધુનું આયોજન
  • રૂ. ૨૨૫ કરોડથી વધુના ખર્ચે ખાતર સંગ્રહ વ્યવસ્થા
  • ઈંદુચાચાની ૧૨૫ મી જન્મજયંતીને ‘યુવા વિકાસ વર્ષ’ તરીકે ઉજવવાનો નિર્ણય
  • ‘સ્ટાર્ટઅપ પોલીસી’ અંતર્ગત નવા પ્રોજેક્ટ્સ અનેMSME પ્રોજેક્ટ્સ માટે વેન્ચર કેપિટલ ફંડની રચના કરાશે,જે માટે રૂ. ૫૦ કરોડની જોગવાઈ
  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ મેળવવા માટેની આવક મર્યાદા ૪.૫ લાખથી વધારીને ૬ લાખ
  • બી.પી.એલ પરિવારની દીકરી કોઈપણ જ્ઞાતિની હોય તે MBBS માં પ્રવેશ મેળવે તો ફી માં વિશેષ લાભ
  • આગામી બે વર્ષમાં ૪૧ સાયન્સ શાળા અને ૩૧ કોલેજની સ્થાપના
  • ખાનગી ક્ષેત્રે યુવાનો માટે રોજગારીની તકો વધારવા મીની GIDC, મલ્ટી લેવલ GIDC, સ્ટાર્ટઅપ પોલીસી હેઠળ સહાય, ફિનિશિંગ સ્કૂલ જેવી અનેક નવી યોજનાઓ
  • ગ્રામ્ય રસ્તાના સુદ્રઢીકરણ અને રિસરફેસીંગ માટે ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ જાહેર કરાઈ, જે માટે આગામી વર્ષોમાં રૂ. ૧૦,૦૦૦ કરોડનું માતબર આયોજન
  • ગ્રામ્ય જીવનમાં સુધાર માટે સ્માર્ટ વિલેજ યોજના
  • કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન માટે ‘રો મટિરીયલ બેંક’ની વ્યવસ્થા
  • પ્રત્યેક તાલુકામાં નારી અદાલતોની સ્થાપનાના નિર્ધાર સાથે વધુ ૭૫ નારી અદાલતોની સ્થાપના
  • જુદા-જુદા ક્ષેત્રોના હિતધારકો સાથે પરામર્શ બાદ ગુજરાત સરકારે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટે આજે રજૂ કરેલ અંદાજપત્રને મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે બિરદાવીને તેને સમાજના દરેક વર્ગ માટે કલ્યાણકારી સર્વસમાવેશક બજેટ ગણાવ્યું છે.
  • એક કિસાનપુત્રી તરીકે મુખ્યમંત્રીશ્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો કે રૂ. ૮૫૫૫૭.૭૮ કરોડનું વાર્ષિક વિકાસ યોજનાનું કદ ધરાવતું આ બજેટ સતત ત્રીજી વાર જેન્ડર આધારિત બનાવવામાં આવ્યું છે જેમાં વિવિધ યોજનાઓ હેઠળ મહિલાઓના કલ્યાણ માટે રૂ. ૫૦ હજાર કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ બજેટ પૈકી નીચેના મુદ્દાઓનો વિશેષ ઉલ્લેખ કરીને તેને આવકાર્યા હતા.

કૃષિ વિકાસ અને ખેડૂત સમૃધ્ધિ:

  • ખેડૂત સમાજ માટે રાજ્ય સરકારે હંમેશા હકારાત્મક વલણ રાખ્યું છે. અછત, અતિવૃષ્ટિ અને કુદરતી આપત્તિના સંજોગોમાં અને પાક નિષ્ફળ જાય ત્યારે ખેડૂતોને લોન અને વ્યાજનો ખર્ચ આર્થિક પાયમાલી તરફ દોરી જાય છે. તેનાથી રક્ષણ માટે ધરતીપુત્રો માટે માત્ર ૧ ટકાના વ્યાજ દરે કૃષિ લોનની અભૂતપૂર્વ વ્યવસ્થા આ બજેટ અંતર્ગત કરવામાં આવી છે, જે ખેડૂતોને આર્થિક સમૃદ્ધિ તરફ દોરી જશે તેવી આશા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
  • પશુપાલન સાથે સંકળાયેલા પરિવારોને પશુ ખરીદવા ઓછા વ્યાજે લોન મળે તે માટે બજેટમાં વ્યાજ સહાયની નવી યોજનાને મુખ્યમંત્રીશ્રીએ આવકારી હતી અને તેનો લાભ આ ક્ષેત્ર સાથે સંકળાયેલી અનેક મહિલાઓને મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
  • રાજ્યમાં સિંચાઈની પૂરી ક્ષમતાને વિકસાવવા માટે સૌરાષ્ટ્રમાં સૌની યોજના અને ઉત્તર ગુજરાતમાં સુજલામ-સુફલામ યોજનાને પૂર્ણ કરવા તથા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જળાશય અને કેનાલ નેટવર્કને મજબૂત અને વિસ્તૃત બનાવવામાં આવશે. આ માટે બજેટમાં સિંચાઈ માટે રૂ. ૧૪૨૯૪ કરોડથી વધુનું આયોજન કરીને રાજ્ય સરકારે ખેડૂતોની ચિંતા દૂર કરવા પ્રયાસ કર્યો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
  • સિંચાઈની સુવિધા વધારવા નર્મદા આધારિત સિંચાઈ, લિફ્ટ ઈરીગેશન અને તળાવ આધારિત સિંચાઈ એવા ત્રણેય પાસાઓ ઉપરાંત સૂક્ષ્મ સિંચાઈમાં સહાય પણ બજેટમાં આવરી લેવામાં આવી છે.
  • ખેડૂતોને પીક સીઝનમાં ખાતર મેળવવામાં ભૂતકાળમાં તકલીફો પડી હતી તે ધ્યાને રાખીને રૂ. ૨૨૫ કરોડથી વધુના ખર્ચે ખાતર સંગ્રહ વ્યવસ્થા ઉભી કરવાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.

યુવા વિકાસ વર્ષ:

  • આ વર્ષે ઈંદુચાચાની ૧૨૫ મી જન્મજયંતીને ‘યુવા વિકાસ વર્ષ’ તરીકે ઉજવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે જે અંતર્ગત યુવાશક્તિને પ્રોત્સાહિત કરીને રાજ્યના વિકાસમાં જોડાવાના ખાસ પ્રયાસો થશે.
  • મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ઉચ્ચ શિક્ષણમાં વધુને વધુ યુવાનો જોડાય તેવો નિર્ધાર મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો, જે અંતર્ગત રાજ્યનો એક પણ તાલુકો વિજ્ઞાનપ્રવાહની શાળા-કોલેજથી વંચિત ન રહે તે માટે બજેટમાં આગામી બે વર્ષમાં ૪૧ સાયન્સ શાળા અને ૩૧ કોલેજની સ્થાપના કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
  • યુવાશક્તિને સરકારી સેવામાં જોડવા આ વર્ષે લગભગ ૬૬૦૦૦ જેટલી જગ્યાઓ ભરવાની જાણકારી આપીને જિલ્લે-જિલ્લે સ્પીપા મારફતે યુવાનો માટે તાલીમની વ્યવસ્થા માટે અધિકારીઓને પોતે સૂચના આપી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
  • ખાનગી ક્ષેત્રે યુવાનો માટે રોજગારીની તકો વધારવા મીની GIDC, મલ્ટી લેવલ GIDC, સ્ટાર્ટઅપ પોલીસી હેઠળ સહાય, ફિનિશિંગ સ્કૂલ જેવી અનેક નવી યોજનાઓ આ અંદાજપત્રમાં જોવા મળે છે તેનો લાભ રાજ્યના યુવાવર્ગને મળશે.
  • મહિલા GIDC માટેની વધી રહેલી માંગનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ સાણંદ બાદ હાલોલ અને ભરૂચ જિલ્લામાં જુનૈદ ખાતે મહિલા GIDC બનાવવાના આયોજનની ભૂમિકા આપી હતી.બજેટમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ મેળવવા માટેની આવક મર્યાદા ૪.૫ લાખથી વધારીને ૬ લાખ જેટલી કરવામાં આવી છે જેના લીધે બીજા અનેક તેજસ્વી વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે. વળી, બી.પી.એલ પરિવારની દીકરી કોઈપણ જ્ઞાતિની હોય તે MBBS માં પ્રવેશ મેળવે તો ફી માં વિશેષ લાભ આપવાની જોગવાઈને પણ એક શિક્ષક તરીકે મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી હતી.

સ્ટાર્ટઅપ

  • યુવાનોની ઉદ્યોગસાહસિકતાને ખીલવીને તેમના ઈનોવેટીવ વિચારોને વાણિજ્યિક રીતે સફળ બનાવવા ‘સ્ટાર્ટઅપ પોલીસી’ અંતર્ગત નવા પ્રોજેક્ટ્સ અનેMSMEપ્રોજેક્ટ્સ માટે વેન્ચર કેપિટલ ફંડની રચના કરાશે,જે માટે રૂ. ૫૦ કરોડની જોગવાઈ
  • સ્ટાર્ટઅપ પોલીસીના અમલીકરણ માટે રૂ. ૨૨ કરોડનું આયોજન
  • ઈન્ક્યુબેશન, ઈનોવેશન અને સ્ટાર્ટઅપને વધુ વેગવંત કરવાiCreateસંસ્થામાં કોર્પસ ફંડ ઊભુ કરવા માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ

આદિવાસી કલ્યાણ:

  • આદિવાસી વિસ્તારમાં પોતાના પ્રવાસોને આધારે મુખ્યમંત્રીશ્રીએ આ વિસ્તાર માટે બજેટમાં ખેતી, પાણી, આરોગ્ય અને બાળકોના શિક્ષણ પર આ બજેટમાં વધુ ભાર મૂક્યો હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
  • આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણી માટે મળીને લગભગ રૂ. ૧૬૫૦ કરોડની વિશેષ જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે જે નોંધપાત્ર છે.
  • તળાવ, ચેકડેમ, એલ.આઈ સ્કીમ ઉપરાંત કરજણ, પાનમ, કડાણા, ઉકાઈ જળાશયોમાંથી સિંચાઈ આદિવાસી વિસ્તારોને મળે તે માટેનું આયોજન બજેટ અંતર્ગત કરાશે તેની જાણકારી મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
  • આદિવાસી વિસ્તારની બહેનોએ કરેલી રજૂઆતોને ધ્યાને રાખીને બજેટમાં દાહોદ, છોટાઉદેપુર, દેડિયાપાડા, સાગબારા, વલસાડ અને મહિસાગર જિલ્લાના ૬૯૬ ગામોમાં જૂથ પાણી પૂરવઠા યોજના દ્વારા પાણી પૂરા પડવા રૂ. ૩૫૦ કરોડની અભૂતપૂર્વ જોગવાઈને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી હતી.

ગ્રામ્ય જીવનનો કાયાપલટ:

  • ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી સેવાઓ પહોંચાડવા માટે રસ્તાઓના નિર્માણ સાથે ગ્રામ્ય રસ્તાઓ યુવાનોને રોજગારીના સ્થળ સુધી અને ખેડૂતોને બજાર સુધીનું લિન્કેજ આપતું હોઈ આ માટે બજેટમાં નોન પ્લાન રસ્તાઓ, દૂધ ડેરીના રસ્તાઓ, પેટા પરાના રસ્તાના સુદ્રઢીકરણ અને રિસરફેસીંગ જેવા કામો માટે ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ જાહેર કરવામાં આવી છે. આ માટે આગામી વર્ષોમાં રૂ. ૧૦,૦૦૦ કરોડનું માતબર આયોજન ગ્રામીણ ગુજરાતની કાયાપલટ કરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
  • ગ્રામ્ય જીવનની ગુણવત્તામાં સુધાર માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને મુખ્યમંત્રીશ્રીએ બજેટ અંતર્ગત જાહેર કરવામાં આવેલ ‘સ્માર્ટ વિલેજ યોજના’થી ગ્રામ્ય વિકાસમાં ગ્રામજનોની ભાગીદારી વધશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ યોજના ભૌતિક સુવિધાઓ ઉપરાંત માનવ વિકાસ સૂચકાંકના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ગામની સ્વચ્છતા, શિક્ષણની ગુણવત્તા, માતાઓની સુરક્ષિત પ્રસૂતિ, બાળકોનું રસીકરણ જેવી બાબતો પર ભાર મૂકવામાં આવશે
  • આ અંતર્ગત પ્રથમ વર્ષે ૩૦૦ ગામો પસંદ કરીને દરેક ગામને ત્રણ વર્ષમાં રૂ. ૨ કરોડ સુધીની ગ્રાન્ટ આપવાના આયોજનની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
  • આ ઉપરાંત વોટર બજેટિંગ અને વોટર સિક્યોરીટી પ્રોજેક્ટ હવે પાણી પુરવઠાની મુશ્કેલી ભોગવતા વિજાપુર, દહેગામ અને માણસા તાલુકાઓમાં શરૂ થશે.
  • કુટિર ઉદ્યોગ નીતિ જાહેર કરીને કલાકસબીઓને મદદરૂપ થવા તેમજ લુપ્ત હસ્તકલાઓને સાચવી રાખવા રાજ્ય સરકારે નવી પહેલ કરી છે. ગ્રામ્યજનો માટે કુટિર ઉદ્યોગ આવકનો મુખ્ય સ્ત્રોત હોય છે. તેઓને મદદરૂપ થવા અનેક યોજનાઓ બજેટમાં સૂચવવામાં આવી છે તે પૈકી ‘રો મટિરીયલ બેંક’ની વ્યવસ્થા ખૂબ ઉપયોગી બનશે અને નાના એકમો તથા મહિલા કારીગરોને ખાસ લાભ મળશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ જતાવ્યો હતો.

મહિલા અને બાળ કલ્યાણ:

  • સતત ત્રીજી વખત રાજ્ય સરકારે મહિલા-કેન્દ્રી જેન્ડર બજેટ રજૂ કર્યું તેનો આનંદ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આના લીધે મહિલાઓને લગભગ રૂ. ૫૦,૫૮૫ કરોડની યોજનાઓનો લાભ મળશે, તેમાં ૧૦૦ ટકા મહિલાલક્ષી ૧૩૬ યોજનાઓ અને અંશત: મહિલાલક્ષી ૪૭૫ યોજનાઓને શામેલ કરવામાં આવી છે.
  • આ બજેટમાં મહિલાઓની ક્ષમતા ખીલી ઉઠે તે માટે મુખ્યમંત્રીશ્રીએ તેમના સ્વાસ્થ્યની સંભાળ લઇને તેમના વિના મુલ્યે થયેલા મેડીકલ ચેકઅપનો મોટો અભિયાન ચલાવી કેન્સર પીડિત મહિલાઓને શોધી કાઢેલ હતા, જેહવે તેઓની સારવાર પણ સરકાર કરાવશે તેવો નિર્ણય આ બજેટમાં કર્યો છે.
  • અમદાવાદ ખાતે આગામી દિવસોમાં મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ શરૂ કરવાની બજેટની જોગવાઈને મુખ્યમંત્રીશ્રીએ આવકારદાયક ગણાવી હતી.
  • અતિકુપોષિત બાળકોને ઉપચારાત્મક આહાર અને તબીબી દેખરેખ મળી રહે તે માટેની જોગવાઇઓ પણ આ બજેટ હેઠળ થઇ છે.
  • માનસિક રોગથી પીડાતી નિરાધાર મહિલાઓ વિષે વિચારીને માતૃહૃદયી મુખ્યમંત્રીશ્રીએ આવી સ્ત્રીઓને સન્માનભેર આશ્રય મળી રહે તે માટે હાલ આવું એક જ આશ્રય સ્થાન હોઇ આવા વધુ બે નવા આશ્રય ગૃહ બનાવાના નિર્ણયની જાણકારી મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
  • રાજ્ય સરકારે વધુ ૭૫ નારી અદાલતોની સ્થાપના કરીને આ સુવિધા તમામ તાલુકા સુધી પહોંચે તેવી જોગવાઇ પણ આ બજેટ હેઠળ કરાઈ હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
  • વધુમાં બરોડા ખાતે બાળકોના જ્ઞાન-સંસ્કારસભર સર્વાંગી વિકાસ માટે સ્થાપવામાં આવેલ “બાલગોકુલમ” સુવિધા અમદાવાદ, સુરત,રાજકોટમાં પણ સ્થપાય તેવા આયોજન છે.

વંચિતોનો વિકાસ:

  • ચાલુ વર્ષે આદરણીય ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની ૧૨૫મી જન્મ જયંતી હોઇ ૫ યુનિવર્સીટીઓમાંડૉ. આંબેડકર ચેરની નિમણૂકનું આયોજન છે કે જે થકી તેઓશ્રીના વિચારો અને યોગદાન સાથે સમરસતા વિષયને વેગ મળે તે માટે એક પ્રયાસ કરવાનો હેતુ છે.
  • વંચિતોના વિકાસ માટે આ વર્ષે છાત્રાલયો, આશ્રમ શાળા, ૨૧ કસ્તુરબા વિદ્યાલયોના સુચિત વધારા સાથેSEBC વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ગ્રાન્ટ તેમજ ધોરણ-૯ અને ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિમાં વધારો કરવાના નિર્ણયની ભૂમિકા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
  • રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના સીનીયર સીટીઝન માટે તીર્થયાત્રાઓ વધુ સુવિધાજનક બને તેવો પણ આવકારદાયક પ્રસ્તાવ આ વખતે રજૂ કરવામાં આવેલ છે.

શહેરી વિકાસ:

  • ગુજરાતમાં ૪૨ ટકા નાગરિકો શહેરમાં વસે છે ત્યારે સ્માર્ટ સીટી યોજના હેઠળ અમદાવાદ અને સુરત શહેરનો રૂ. ૧૧૦૦૦ કરોડ થકી સુંદર વિકાસ થાય તેવું આયોજન છે.
  • સ્વચ્છતા મિશન અંતર્ગત વ્યક્તિગત, સામૂહિક અને જાહેર શૌચાલયોનું નિર્માણ, ઘન કચરાનું વ્યવસ્થાપન અને જાહેર જનતામાં જાગૃતિ કેળવવા રૂ. ૨૦૦ કરોડ સહિત શહેરી વિસ્તારોમાં પાણી અને ભૂગર્ભ ગટર માટે રૂ. ૧૦૨૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
  • મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત નગરપાલિકા-મહાનગરપાલિકાના જાહેર રસ્તાઓ માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઈ પણ બજેટ અંતર્ગત કરવામાં આવી છે.
  • આ ઉપરાંત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં શહેરની આગવી ઓળખના વિકાસકાર્યો માટે પણ બજેટમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.
  • ગુજરાત બજેટ ૨૦૧૬-૧૭ માં કરવામાં આવેલ મુખ્ય યોજનાકીય જાહેરાતો

સ્ત્રોત : ગુજરાત સરકારનું  પોર્ટલ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate