દેશની યુનિવર્સિટીઓઃ વાસ્તવિકતા અને વિવાદ
બોર્ડ કે યુનિવર્સિટીની પરીક્ષાના પ્રશ્નપત્રમાં પલટાવીને પૂછેલા સવાલોથી વિદ્યાર્થીગણને પરસેવા છોડાવી દેતા બોર્ડ કે યુનિવર્સિટીઓનું તાજેતરમાં જ પરિણામ આવ્યુ. આ શૈક્ષણિક સંસ્થાઓનું પરિણામપત્ર જોઇને વાલીઓ-વિદ્યાર્થીઓ હરખાયા જ્યારે વિદ્યાસંકુલના ઉચ્ચ અધિકારીઓ મનોમન કરમાયા. પ્રશ્નપત્રોથી લઇને પરીક્ષાના હોલ ટિકિટ સુધી સંસ્થાઓના વહીવટ કેટલા પારદર્શક છે તે અનેક વખત સામે આવી ચૂક્યું છે. કેટલાય વિદ્યાર્થીઓ એ ભૂલનો ભોગ બની ચૂક્યા છે.કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલયે જાહેર કરેલી વિદ્યામંદિરોની યાદીમાં મોટા ઉપાડે ફી લેતી યુનિવર્સિટીઓનું કદ અને પાણી મપાય ગયું.
ટોપટેન પ્રોજેક્ટ અને પ્લેસમેન્ટના દાવા ઠોકતી યુનિવર્સિટીઓમાં ગુજરાતની એક પણ બહુમાળી શૈક્ષણિક ઇમારતનું ટોપ 100માં સમ ખાવા પૂરતું પણ નામ ન આવ્યું. વિવાદોની વિદ્યાપીઠ બનેલી યુનિવર્સિટીઓની સિઝન બોર્ડની પરીક્ષા બાદ સોળે કળાએ ખીલે છે.પોતાની એજ્યુકેશન અને ઇત્તર પ્રવૃતિઓના પચરંગી પેતરા વાલીઓ-વિદ્યાર્થીઓ સામે એવી રીતે રજૂ કરે છે જાણે નાથદ્વારામાં શ્રીજીને છપ્પનભોગ ધરતા હોય. રેકિંગનું રિઝલ્ટ આવતા જ આવી યુનિવર્સિટીઓની હાલત સુતડી બોંબના સુરસુરિયા જેવી થઇ ગઇ. ફોર્મ રૂપી કાગળિયાઓના રોકડા ભર્યા બાદ વર્ષે કરોડો ખંખેરતી સંસ્થાઓ અનેક વાર સંશોધન કરવામાં શૂન્ય માર્ક મેળવે છે. જેના વાવડ આવે ત્યારે ખ્યાલ આવે કે સંસ્થામાં વિષયલક્ષી સંશોધન સિવાઇ કોઇ ખાસ રિસર્ચ થતુ જ નથી.
વર્ષ 2016માં ગુજરાત યુનિવર્સિટીનો રેંક 73મો હતો. જ્યારે વડોદરાની એમએસ યુનિવર્સિટીનો રેંક 76મો હતો. ઉચ્ચ શિક્ષણ આપનારી સંસ્થાઓ બોર્ડના પરિણામો બાદ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે. પોતાની જાહેરાત એવી રીતે કરે જાણે એજ્યુકેશનના પ્રોડક્શનમાં પોતે ફસ્ટ કોપી હોય. બ્યુટીફુલ ચશ્માધારી ચહેરાઓ અને હેન્ડસમ મુખડાની ડીજીટલ પ્રિન્ટ જાહેર રસ્તે ગોઠવી હોય છે. સંસ્થાનું પ્રમોશન એવી રીતે થાય જાણે વિદ્યાર્થીગણને ગ્લેમરબોય કે ગ્લેમરગર્લ બનાવી આપવના હોય એ પણ તમારા પૈસે. ઉનાળાની ગરમીમાં ફોલ્લીઓ થઇ જાય એવી પીડાદાયક ફી, અળાયુ થઇ જાય એવા નિયમો અને રાજકિય પક્ષો પણ ન કરે એવો આંતરિક પરીક્ષાઓમા પક્ષપાત. આ સમસ્યા માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશની કોલેજ અને યુનિવર્સિટીઓમાં છે. વિદ્યાર્થીઓ વિષયલક્ષી જ્ઞાન મેળવે કે ન મેળવે વ્હાલા-દવલાની નીતિથી વાકેફ જરૂર થાય છે. દેશની અનેક શિક્ષણ સંસ્થાઓના અનોખા પ્રોજેક્ટ અને વાસ્તિવતાની જાણ ભાગ્યે જ આપણા સુઘી પહોંચે છે. જ્યારે વિવાદોને કોબ્રાના ઝેર જેટલી તીવ્રતાથી પીરસવામાં આવ છે.
રાષ્ટ્રની રાજનીતિનું પર્યાય બનેલું શહેર દિલ્લી દેશનું સૌથી શ્રેષ્ઠ એજ્યુકેશનલ સિટી કહેવાય છે. જ્યાં રાજનેતાઓના પોકળ દાવાઓ નહીં પણ વિષયોની પરીક્ષાઓનું પરિણામ બોલે છે. આ પિરિયડને થોડો રસપ્રદ બનાવીએ.નાલંદા યુનિવર્સિટીને વિશ્વની પ્રથમ યનિવર્સિટી માનવામાં આવે છે. આ સંસ્થાને સંપુર્ણ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો છે. નાલંદા દેશની પ્રથમ સ્પીરિચ્યુઅલ (આધ્યાત્મિક) વિદ્યાપીઠ છે. જેનો હેતુ વિદ્યાર્થીઓમાં સંપત્તિની શોધનું બિયારણ નહીં પણ અંતર આત્માના ખેતરમાં જ્ઞાનના ક્યાસ પાડવાનું છે. આ ક્વોટ આજે પણ ત્યાં અનોખી અનુભૂતિ કરાવે છે. સંસ્થા પાસે દેશની પ્રથમ એવી લાયબ્રેરી છે જેના ખંડના નામ સંસ્કૃતમાં આપવામાં આવ્યા છે. જેમ કે, રત્નાસાગરા કક્ષ. દેશામાં સૌથી વધુ યુનિવર્સિટી ધરાવતુ શહેર દિલ્લી છે જેની આસપાસ 26થી વધારે યુનિવર્સિટીઓ આવેલી છે. ત્યાર બાદ બીજા નંબરે જયપુર અને ત્રીજા નંબરે ચેન્નઇનું નામ આવે છે. દુરબીન લઇને શોધો ક્યાંય અમદાવાદ કે રાજકોટનું નામ નજરે ચડે છે. આ લીસ્ટમાં?? દેશની 22થી વધુ યુનિવર્સિટીઓના નામમાં રાષ્ટ્રપિતા ગાંધીનું નામ આવે છે. જ્યારે ઇન્દિરા ગાંધી યુનિવર્સિટી સૌથી વિશાળ ઓપન યુનિવર્સિટી છે.
દેશમાં સૌ પ્રથમ વખત કોમ્પ્યુટર સાઇન્સનો કોર્ષ આઇઆઇટી કાનપુરે શરૂ કર્યો. જેની પાસે પોતાનો રન-વે અને હેલિપેડ છે જેનું સંચાલન ત્યાંનું એરોસ્પેશ વિભાગ કરે છે. આઇઆઇટી મદ્રાસઃ દેશની એક માત્ર એવી કોલેજ જેના સાંસ્કૃતિક કાર્યક્રમને આઇએસઓનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયુ છે. હોસ્ટેલના જમવાનામાંથી ગરોળી નીકળે, પીવાના પાણીના ઠેકાણા ન હોય અને પ્રાથમિક સુવિધા નથી એવા સમાચાર હવે સિઝનેબલ થયા છે. એક જાણકારી ખાતર કે, બનારસ હિંદુ યુનિવર્સિટીની હોસ્ટેલ સૌથી બેસ્ટ હોસ્ટેલ છે. દાઢમાં રહી જાયે એવો જમવાનો સ્વાદ, એનઆઇટી (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી) એક માત્ર એવી યુનિવર્સિટી જેની પાસે પોતાના બીચ છે. હા, બરોબર વાંચ્યું બીચ છે હોજ કે સ્વીમિંગ પુલ નહીં. કમાલનું કેમ્પસ હોય ત્યાં ધમાલ મચાવવાની મોજ આવે. જી.બી.પંત યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર જે સમુદ્ર સપાટીથી 7000ફૂટ ઉપર આવેલી છે. દેશનું સૌથી મોટું કોલેજ કેમ્પસ આ કોલેજ ધરાવે છે. સૌથી વધુ ચર્ચા અને વિવાદના વર્તુળોમાં રહેલી જેએનયું નેશનલ રેકિંગમાં બીજા ક્રમે છે. જાણકારી ખાતર એનડીએમાંથી સેનામાં ભરતી થનાર દેશના જવાનોને જેએનયુ ડીગ્રી એનાયત કરે છે. જેએનયુમાંથી સૌ પ્રથમ પી.એચ.ડી કરનાર કોઇ ભારતીય નહીં પણ નેપાળના પ્રધાનમંત્રી બાબુરામ ભટ્ટાચાર્ય હતા.
જેએનયુમાં માત્ર આતંકવાદીઓની વરસી નહીં પણ બીફ ફેસ્ટિવલ પણ મનાવાતો જેના પર સુપ્રીમ કોર્ટે બ્રેક મારી પુર્ણ વિરામ મૂકી દીધુ. આજે મફતમાં કોઇ કંપનીનું બ્રોસર પણ નથી મળતું ત્યાં જેએનયુમાં માત્ર પાંચ રૂપિયામાં પ્રવેશફોર્મ મળે છે. આઇઆઇટી મદ્રાસે જાતિને ઘ્યાનમાં લઇન એડમિશન આપવાના શરૂ કર્યા હતા. જે મામલો કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલય સુધી પહોંચ્યો, મંજુરી રદ્દ કરવાની વાત આવી ત્યારે ઘીના ઠામમાં ઘી પડ્યું અને વિધિસર પ્રવેશપ્રક્રિયા શરૂ થઇ.
પંજાબ યનિવર્સિટીનું યુજીસીએ ફંડ અટકાવી દીધુ હતુ. કારણ કે યુનિવર્સિટીએ વધારાની ફી વસુલવાનું શરૂ કર્યું હતુ. હોસ્ટેલમાં જમવાના અલગ રૂપિયા, અન્ય ફી નાની મોટી પ્રવૃતિઓ પાછળ કેટકટલીયે ફી વસુલી હતી. કોઇ પણ પ્રકારના વિદ્યાર્થી સંગઠન વિના કોલેજના દરેક વિદ્યાર્થીઓએ સ્વયં કોલેજના સ્ટાફ અને ફેકલ્ટીનો વિરોધ કર્યો. પ્રોફેસરો જ નહીં પણ કુલપતિની સેલેરી પણ અટકી ગઇ. અંતે ફીના રૂપે ફંડ લેનારા લુખેશ પકડાયા અને શૈક્ષણિકકાર્ય શરૂ થયું. કવિ રવિન્દ્રનાથ ટાગોરને મળેલા નોબેલ પુરસ્કારની રકમમાંથી શૈક્ષણિક પ્રવૃતિ માટે કોલેજ શરૂ કરવામાં આવી. વિશ્વ ભારતી યુનિવર્સિટીના કુલપતિ સુષાંતા દત્તગુપ્તા શારીરિક શોષણના ખોટા કેસમાં સંડોવાયા હતા. હકિકતમાં આ એક પ્રિ પ્લાન વસ્તુ હતી અને લીધેલી કટકી (લાંચ)નો 'વહીવટ' કરવાનો પ્રોજેક્ટ હતો. શારીરિક શોષણ તો પુરવાર ન થયુ પણ જે કંઇ પણ ખોટું થયુ હતુ તેની તપાસ માટે કેન્દ્રમાંથી તપાસના આદેશ જ નહીં પણ એજ્યુકેશન ઇન્સેપેક્ટર ખુદ તપાસમાં આવ્યા. અંતે મામલો થાળે પડ્યો.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/7/2019