સામાન્ય રીતે વિકલાંગતાને નકરાત્મક શબ્દોથી નવાજવામાં આવે છે. જેમ કે, આ તો તેનાથી નહિ થઈ શકે, એ બોજારૂપ છે, એનો કશો ઉપયોગ થઈ શકે તેમ નથી, એ એના પાપનું ફળ ભોગવે છે વગેરે. વિકલાંગ વ્યક્તિઓ વિશેના આપણા આ ખ્યાલો આપણાં મૂલ્યો પર આધારિત છે. આપણે આવા વિચારો, મૂલ્યો કે ખ્યાલો સાથે જન્મ્યા હોતા નથી. આપણામાં એ વિકસ્યા હોય છે. કેવી રીતે ? પરિવાર કે સાથીઓમાં સાંભળીને અને વિકલાંગ લોકોને જોઈને. જેઓ વધારે વિકલાંગ હોય છે તેઓ દૃશ્યમાન હોય છે. આપણે એ પણ જોયું છે કે મોટા ભાગના કિસ્સામાં જો કંઈ થઈ શકે તેમ હોય તો તે માત્ર વિશિષ્ટ સ્થળોએ, વિશેષ વ્યવસ્થા ધરાવતાં સ્થળોએ જ થઈ શકે છે. એ સ્થળો અલગ રીતે ઊભાં કરાયેલાં હોય છે અને તે કલ્યાણના ખ્યાલ ઉપર આધારિત હોય છે. આ ખ્યાલ વિકલાંગ લોકોને પણ અસર કરે છે. એને પરિણામે આત્મ ગૌરવ ઘટે છે અને અવલંબન વધે છે.
વિકલાંગ લોકો સાથેનું આપણું બધું કામ પ્રવર્તમાન ખ્યાલોમાં પરિવર્તન લાવવાનું ધ્યેય ધરાવે છે, કે જેથી વિકલાંગ લોકોને વધારે વિધાયક રીતે જોવામાં આવે. તેઓ પોતે પણ પોતાને એ રીતે જુએ. કેવી રીતે? આપણે રોજિંદા જીવનમાં વધુ ને વધુ વિકલાંગ લોકોને આપણે જોઈએ. જેમ કે, મારી શાળામાં, મારી સાથે રમતગમતમાં, મારી સાથે કામના સ્થળે, મારી સાથે ચાની કીટલીએ, મારા શિક્ષક, કામના સ્થળે મારા સુપરવાઈઝર, કોઈકનાં ભાઈ, બહેન, કાકા, કાકી, માતા-પિતા, પત્ની, પતિ વગેરે. સમય જતાં એનાથી સામાન્ય ખ્યાલોમાં પરિવર્તન આવે છે અને તેને લીધે રોજિંદા જીવનમાં વિકલાંગો માટે પહોંચ અને તકોમાં વધારો થાય છે. તેઓ વધારે સ્વતંત્ર અને સક્ષમ બને છે. તકો અને અનુભવને લીધે તેમનું આત્મગૌરવ પણ વધે છે. એને પરિણામે કલ્યાણના ખ્યાલ પર આધારિત નીતિઓ ઉપર તેમનો પ્રભાવ વધે છે.
કયાં કામ કરવાની જરૂર છે અને શું કરવાની જરૂર છે? વ્યક્તિગત સ્તરે, પારિવારિક સ્તરે અને સામુદાયિક સ્તરે ઔપચારિક અને અનૌપચારિક માળખાં અને સંસ્થાઓ દ્વારા એ માટે કાર્ય કરવાની જરૂર છે. સમાવેશ અને સક્રિય સહભાગિતાને પરિણામે રોજિંદા જીવનની ભૂમિકાઓ તેઓ અન્ય લોકોની જેમ ભજવી શકે છે. સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય અને નાગરિક જીવનમાં તેઓ સક્રિય રીતે ભાગ લે એ ઇચ્છનીય છે. તેને લીધે સમય જતાં નવા ખ્યાલો ઊભા થાય છે અને વધુ તકો જન્મે છે.
આપણે એ બાબત યાદ રાખવી જોઈએ કે વિકલાંગો અને અન્ય લોકો વચ્ચેના વર્તમાન સંબંધો બદલવાનું આપણું ધ્યેય છે. આપણે એ પણ યાદ રાખવાની જરૂર છે કે વિકલાંગ વ્યકિતની ઓળખ કંઈ તેની શારીરિક ખામી સાથે જ સંબંધિત નથી. વર્ગ, જ્ઞાતિ, જાતિ, ધર્મ, નીતિમત્તા વગેરે જેવી સામાજિક-સાંસ્કૃતિક ઓળખ પણ સત્તાના સંબંધો પર અસર કરે છે. વળી, જુદાજુદા પ્રકારની વિકલાંગતા ધરાવનારા લોકો સાથે પણ એ સંબંધો અલગઅલગ પ્રકારના હોય છે.
ખરેખર આ સમસ્યા કોની છે ? સ્પષ્ટ છે કે આ સમસ્યા વિકલાંગ લોકો અને તેમના પરિવારોની છે. પરિવર્તનની પ્રક્રિયાનું નેતૃત્વ કોણ કરે ? લોકોનાં સંગઠનો કે મંડળો પરિવર્તનની પ્રક્રિયા આગળ ધપાવે છે. તેઓ સમાન પહોંચ અને સમાન તકો માટે પરિવર્તન લાવે છે કે જેથી સમાવેશ શક્ય બને તથા પારિવારિક અને સામુદાયિક જીવનનાં તમામ પાસાંમાં વિકલાંગો સહભાગી બને. વિકલાંગ વ્યક્તિઓ એક બાજુ હડસેલાઈ ગઈ છે. તેમને સમાજમાં મુખ્ય પ્રવાહમાં સમાન વ્યક્તિઓ તરીકે સામેલ કરવાની છે. પડકાર એ છે કે એવી સામાજિક વ્યવસ્થાઓ હોવી જોઈએ કે જેમાં વિવિધતાનો સ્વીકાર થયેલો હોય, તેને માન આપવામાં આવતું હોય અને કોઈનાય પ્રત્યે કોઈ પ્રકારનો ભેદભાવ ન થતો હોય.
આપણા દેશમાં બંધારણ છે અને એવા કાયદા છે કે જે સમાવેશ વધારે છે. દા.ત. વિકલાંગ વ્ચક્તિ ધારો-1995 એમ જણાવે છે કે ગરીબી નિવારણની યોજનાઓમાં પાંચ ટકા કરતાં ઓછું નહિ તેટલું ખર્ચ વિકલાંગ લોકો માટે થવું જોઈએ. એનો અર્થ એ છે કે આરોગ્ય, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, અન્ન, કૃષિ, નાના અને મધ્યમ ઉદ્યોગો, ગૃહ નિર્માણ વગેરે તમામ વિભાગોની યોજનાઓમાં આ માપદંડ જળવાવો જોઈએ. આ કાયદો એમ જણાવે છે કે સૌ લોકોને માટે અવરોધમુક્ત પર્યાવરણ ઊભું કરવું જોઈએ અને તમામ સવલતો સૌને સલામતી સાથે પ્રાપ્ત થવી જોઈએ. 'સંયુક્ત રાષ્ટ્રો'નો જે ઠરાવ યુએનસીઆરપીડી નામે છે તે ભારત સરકારે 2007માં માન્ય ઠરાવ્યો છે અને તે પણ આ બાબતને મજબૂત ટેકો આપે છે.
દા.ત. નરેગા જેવા જીવનનિર્વાહ માટેના કાર્યક્રમોમાં વિકલાંગ લોકોનો સમાવેશ કરાયો છે. તેની છેલ્લી માર્ગરેખાઓમાં કે જુદાજુદા પ્રકારની વિકલાંગ વ્યક્તિઓ ક્યાં ક્યાં કામો કરી શકે એ જણાવાયું છે. નરેગામાં વ્યક્તિ કેટલું કાર્ય કરે તે અંગે નિશ્ચિત ધોરણો નક્કી થયેલાં છે. ઘણી વિકલાંગ વ્યક્તિઓ એટલું કામ કરી શકે તેવી હોતી નથી, કે જે કામ અમુક સમયમાં સામાન્ય વ્યક્તિઓ કરી શકે છે. એટલે એવી વ્યક્તિને પૂર્ણ વેતન ચૂકવવામાં આવતું નથી, પરંતુ, કામના અમુક ભાગ જેટલું જ વેતન ચૂકવવામાં આવે છે. આ જ યોજનામાં સ્ત્રીઓ અને પુરુષો માટે અલગઅલગ ધોરણો છે. એમાં કદાચ એવી ધારણા કામ કરે છે કે આપણે વિવિધતાનો આદર કરીએ છીએ, પરંતુ વિકલાંગ લોકો માટે એક સરળ હકીકતની અવગણના કરવામાં આવે છે.
આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં વ્યકિતઓને વ્યક્તિગત રીતે જોબ કાર્ડ આપવામાં આવે છે, તેમને 150 દિવસ કામ આપવામાં આવે છે, તેઓ એક જૂથમાં કામ કરી શકે છે, અને જો તેઓ ધોરણ મુજબના કામના 70 ટકા કામ કરે તો પણ તેમને પૂર્ણ વેતન મળે છે. ઉપરાંત, જમીન ખોદવા માટેનાં સાધનોની ડિઝાઈન એ રીતે ગોઠવાઈ છે કે જેથી વિકલાંગ લોકો એ કામ ઊભાં ઊભાં કરી શકે, શું આપણા દેશમાં વિકલાંગ લોકો બેઠાં બેઠાં કામ કરી શકે એવી ડિઝાઈનવાળાં સાધનો ન બની શકે ? શું નરેગા હેઠળ જે માળખાગત સવલતો બાંધવામાં આવે છે તે અવરોધ-મુક્ત છે ? રાષ્ટ્રીય ગ્રામીણ જીવનનિર્વાહ મિશન અને એસજીએસવાયમાં જે 3 ટકા અનામત છે એ પરિપૂર્ણ થાય છે ખરી? એમાં દા.ત. એસસી અને એસટી માટે અને ઉત્તરદાયિત્વ માટે કોઈ તંત્ર ઊભું કરવામાં આવ્યું છે ખરું? શું રાષ્ટ્રીય મિશનમાં વિકલાંગ વ્યક્તિઓ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે ખરું?
શિક્ષણ ક્ષેત્રે વિકલાંગ બાળકોની શાળામાં નોંધણી થાય છે. અભ્યાસો એમ દર્શાવે છે કે એ બાળકોમાં શાળા અધવચ્ચે છોડી જવાનું પ્રમાણ વધારે છે. તેથી સમાવેશી શિક્ષણ ઉપર ભાર મૂકાવો જોઈએ. નોંધણી એ સૌ પ્રથમ પગલું છે. ઘણાને એમ લાગે છે કે આ જ આરંભ છે અને આ જ અંત છે. શિક્ષણ વ્યવસ્થાને સમાવેશી બનાવવા માટે કઈ વ્યવસ્થાઓ છે એ મહત્ત્વનું છે. તેમાં વિવિધ પ્રકારના વિદ્યાર્થીઓનો સમાવેશ થવો જોઈએ. મુખ્ય પ્રવાહમાં જે શિક્ષકો છે તેમને અપાતી તાલીમમાં, શું વિવિધતા છે ખરી? શું અધ્યયન અને અધ્યાપનની પદ્ધતિઓ અને શાળાનો અભ્યાસક્રમ એવાં છે ખરાં કે જે વિદ્યાર્થીઓની વિવિધ જરૂરિયાતોને સંતોષી શકે? સૌને માટે જે શિક્ષક છે તેને સંસાધન શિક્ષકે ટેકો આપવો જોઈએ, સાથીઓને પણ ટેકો આપવો જોઈએ, માત્ર વિકલાંગ વિદ્યાર્થી પૂરતો તેનો ટેકો મર્યાદિત રહેવો જોઈએ નહિ. તેનો ઈરાદો સંસાધન શિક્ષકોના પુનર્વસનનો નથી, પણ વિકલાંગ વિદ્યાર્થીઓ સહિત તમામ વિદ્યાર્થીઓના પુનર્વસનનો છે. શું વિકલાંગ વ્યક્તિ અન્ય વ્યક્તિઓની જેમ જ શીખી શકે છે, સામાજિકરણની પ્રક્રિયા સિવાય પણ? શું શાળાઓ પહોંચક્ષમ છે ખરી? શું વિકલાંગ વિદ્યાર્થીઓ સ્વતંત્ર રીતે અને સલામતીપૂર્વક પાણી પી શકે અને શૌચાલયનો ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા છે ખરી?
ઇંદિરા આવાસ યોજના કે રાજીવ આવાસ યોજના હેઠળ મળતું ઘર પહોંચક્ષમ છે ખરું? શું એમાં કશા આધાર વિના જઈ શકાય છે અને કશા આધાર વિના એમાંથી બહાર નીકળી શકાય છે? જો જમીનનો પટ્ટો પિતાજીનો હોય અને વિકલાંગ વ્યક્તિને તે ઘર તરીકે ફાળવવામાં આવ્યું હોય તો, ખરો માલિક કોણ? શું શૌચાલય પહોંચક્ષમ છે ખરું?
શું ગ્રામ પંચાયતની કચેરીઓ, તાલુકા વિકાસ અધિકારીની કચેરી, બૅંકો, ટપાલ કચેરી, ગામનાં બજારો, રસ્તા, પીવાનાં પાણીની પરબો, સાર્વજનિક શૌચાલયો, ધાર્મિક સ્થળો, સામૂહિક મિલકતનાં સ્થળો અને પરિવહન પહોંચક્ષમ છે ખરાં? શું વિકલાંગ લોકો બીજા લોકોની જેમ જ એમનો ઉપયોગ કરી શકે છે? બધા જ લોકોને
ધ્યાનમાં રાખીને એમને ડિઝાઈન નક્કી થઈ છે ખરી? શું લઘુતમ વેતન મારી જરૂરિયાતો સંતોષે છે? શું અસંગઠિત કામદાર સામાજિક સલામતી ધારા-2008 દ્વારા વિકલાંગ કામદારોની સમસ્યાઓનો ઉકેલ આવે છે ખરો?
ઉપર જણાવેલાં કેટલાંક ઉદાહરણો મુખ્ય પ્રવાહનાં વિકાસ ક્ષેત્રના છે કે જેમાં વિકલાંગ લોકોની જરૂરિયાતો સમાન ધોરણે સમાવાય છે. વિકલાંગ લોકોનો સમાવેશ શાસન તંત્રમાં પણ થવો જોઈએ, નિર્ણય પ્રક્રિયામાં પણ થવો જોઈએ. શું તમામ વિકલાંગ વ્યક્તિઓ સક્રિય રીતે ગ્રામ સભામાં કે વૉર્ડ સભામાં સામેલ થાય છે ખરા? શું વિકલાંગ વ્યક્તિઓનો સમાવેશ વિવિધ કાર્યક્રમોની નિર્ણાયક સમિતિઓમાં કરાયો છે ખરો? એક અનૌપચારિક ક્ષેત્ર પણ છે કે જેમાં પરિવાર, ધાર્મિક સંસ્થાઓ અને નાગરિકોનાં વિવિધ જૂથો માટે ધોરણો નક્કી કરનારાં ચાવીરૂપ સત્તા-માળખાંનો સમાવેશ થાય છે. દા.ત. "આપણી સંસ્કૃતિમાં મહિલાઓ પોતાના ગામની બહાર ના જઈ શકે" અથવા "વિકલાંગ મહિલાઓ લગ્ન ના કરી શકે કે બાળકો પેદા ના કરી શકે" જેવી માન્યતાઓ પ્રવર્તે છે. આ ક્ષેત્ર સાથે કામ કરવા માટે યોગ્ય વ્યૂહરચનાની જરૂર છે. આપણે એ ભૂલવું ના જોઈએ કે તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લાના કલૅક્ટર કે કાયદાના ઘડવૈયા પણ સમુદાયમાંથી જ આવે છે અને તેઓ પ્રવર્તમાન ખ્યાલો ધરાવે છે. શું બિન-સરકારી સંગઠનો અને નાગરિક સમાજો સમાવેશી છે ખરા? શું વિકલાંગ લોકોના પ્રશ્નોનો મહિલાઓનાં આંદોલનો, જન સ્વાસ્થ્ય આંદોલન કે દલિત આંદોલન જેવી મુખ્ય પ્રવાહની ચળવળોમાં સમાવેશ થયો છે ખરો?
આ લેખમાં સમુદાય-આધારિત પુનર્વસન વિકલાંગો માટે શા માટે જરૂરી છે અને તેમના સમાવેશ માટે શી કાળજી રાખવાની જરૂર છે તેની ચર્ચા કરવામાં આવી છે. સમસ્યા શું છે અને તેના ઉપાયો કેવા હોવા જોઈએ તથા વિકલાંગો પોતે નિર્ણય પ્રક્રિયામાં કેવી રીતે સામેલ થઈ શકે તેની ચર્ચા, આ લેખમાં સંચાર એ.આર.ઓ.ડી.ના સ્થાપક શ્રી ગૌતમ ચૌધરી દ્વારા વિશદ રીતે કરવામાં આવી છે.
સ્ત્રોત: ઉન્નતી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/12/2019