યુનિક આઇડી નંબર સાથેના આઈકાર્ડથી ટિકિટ માટે વારંવાર વિકલાંગતાનું સર્ટિફિકેટ રજૂ કરવામાંથી મુક્તિ મળશે
રેલવેએ શારીરિક વિકલાંગ, બહેરા અને મૂંગા તેમજ માનસિક વિકલાંગ વ્યક્તિઓને મોટી રાહત આપતા હવે તેમના માટે પણ ઇ-ટિકિટની સુવિધા શરૂ કરી છે. જેના પગલે આવી વ્યક્તિને રિઝર્વેશન લેતી વખતે વારંવાર રજૂ કરવા પડતા વિકલાંગતાના સર્ટિફિકેટમાંથી મુક્તિ મળશે. જો તેના માટે રેલવે દ્વારા તમામ વિકલાંગોને એક યુનિક આઈડી નંબર સાથેનું આઈકાર્ડ આપશે. જેના પગલે ટિકિટ લેતી વખતે વિકલાંગ વ્યક્તિઓને રિઝર્વેશન ફોર્મમાં યુનિક આઈડી નંબર લખવો પડશે અને પ્રવાસ દરમિયાન તેમને આઈકાર્ડ સાથે રાખવાનું રહેશે.
અંગે રેલવે અધિકારીએ વધુમાં જણાવ્યું કે, તમામ પ્રકારના વિકલાંગ વ્યક્તિઓએ યુનિક નંબર વાળું આઈકાર્ડ મેળવવા માટે ઓફિસના કામકાજના દિવસો દરમિયાન નજીકની ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસમાં કોમર્શિયલ શાખાનો સંપર્ક કરી ત્યાં ચોક્કસ ફોર્મ ભરીને આપવાનું રહેશે. ફોર્મની સાથે સક્ષમ હોસ્પિટલ કે સિવિલ સર્જન ડોક્ટર દ્વારા પ્રમાણિત કરેલ સર્ટિફિકેટ, ઓળખનો પુરાવો, જન્મતારીખનો પુરાવો, સરનામાનો પુરાવો તેમજ બે પાસપોર્ટ સાઈઝના ફોટા આપવાના રહેશે. પ્રમાણપત્રોની ચકાસણી બાદ રેલવે અધિકારી દ્વારા જે તે વ્યક્તિને યુનિક નંબર સાથેનું આઈડી કાર્ડ રજૂ કરવામાં આવશે. જેના આધારે વિકલાંગ વ્યક્તિ રિઝર્વેશન ટિકિલ લેવા જશે ત્યારે તેને ફોર્મમાં માત્ર યુનિક આઈડી નંબર લખવાનો રહશે. જેના આધારે તે સ્ટેશન પર આવેલા રિર્ઝવેશન સેન્ટરની સાથે સાથે હવે ઇ-ટિકિટની સુવિધા પણ મેળવી શકશે. આઈકાર્ડની વેલિડિટી 5 વર્ષની રહેશે. કાર્ડ મેળવ્યા બાદ આવી વ્યક્તિએ કોઈ પણ પ્રકારનું રાહત ફોર્મ ફરવાનું નહીં રહે. તેમજ તેને વારંવાર વિકલાંગતા સર્ટિફિકેટ રજૂ કરવામાંથી કે મુસાફરી દરમિયાન ઓરિજિનલ સર્ટિફિકેટ સાથે રાખવામાંથી મુક્તિ મળશે.
ઈ-ટિકિટમાં વિકલાંગોની કેટેગરી ઊભી કરવાનો નિર્ણય
અત્યાર સુધીઆઈઆરસીટીસીની વેબસાઈટ પર ઈ-ટિકિટ વિભાગમાં વિકલાંગો માટે કોઈ કેટેગરી રખાઈ નહોતી. કારણે વિકલાંગોને રિઝર્વેશન દ્વારા ઈ-ટિકિટ તેમના ક્વોટામાં મેળવવામાં ખૂબ તકલીફ પડતી હતી. તેઓ કોઈ રીતે વિકલાંગની કેટેગરીમાં ઈ-ટિકિટ મેળવી શકતા નહોતા અને તેમણે ફિઝિકલ ટિકિટ મેળવવી પડતી હતી. જો કે, હવે રેલવે વિભાગે ઈ-ટિકિટ સેક્શનમાં પણ વિકલાંગો માટેની કેટેગરી ઊભી કરી દીધી છે. કારણથી વિકલાંગો આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઈ-ટિકિટ વિભાગમાં વિકલાંગો માટેની ઊભી કરાયેલી અલગ કેટેગરીમાં જઈને પણ પોતાના માટે ટિકિટ બુક કરાવી શકશે. આનાથી દેશના લાખો વિકલાંગોને ટિકિટ માટે પડતી હાલાકી પણ દૂર થશે.
સ્ત્રોત: ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/2/2020