অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ભારતમાં માનવીય કટોકટીના સંજોગો અને વિકલાંગતા

પ્રસ્તાવના

વિકલાંગતા પરના તાજેતરના ર્વલ્ડ રિપોર્ટના અંદાજ અનુસાર વિશ્વની કુલ વસતિમાં વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની ટકાવારી 15 ટકા છે અને તેમાંથી 80 ટકા વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ, ઓછી આવક ધરાવનારા દેશોમાં વસવાટ કરે છે. વિકલાંગતા ધરાવનારા અડધો અબજ કરતાં પણ વધુ લોકો વારંવાર સંઘર્ષો તથા કુદરતી હોનારતોનો ભોગ બનનારા દેશોમાં વસે છે. કુદરતી અને માનવસર્જિત હોનારત, સમગ્ર રાષ્ટ્ર કે પ્રદેશને પ્રભાવિત કરી શકે છે, ત્યારે મહિલાઓ, બાળકો, વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ, વયોવૃદ્ધ વ્યક્તિઓ તથા વંચિત લોકોને સૌથી વધારે નુકસાન પહોંચે છે. મર્યાદિત ડેટા ઉપલબ્ધ હોવા છતાં, પુરાવાઓ સૂચવે છે કે તાકીદની દરમિયાનગીરીઓ અને પુનર્વસવાટના કાર્યક્રમોમાંથી બાકાત રહી જનારા વર્ગમાં વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ મોખરે છે. પુરાવાઓના આધારે એ માલૂમ પડે છે કે હોનારત, કટોકટી કે સંઘર્ષની સ્થિતિમાં તાકીદના સ્થળાંતર દરમિયાન વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને પાછળ રાખવામાં આવે અથવા તો છોડી દેવામાં આવે તેવી શક્યતા સૌથી વધુ હોય છે. વળી, હોનારતો અને સંઘર્ષો ઘણી વખત ઈજા અને કાયમી ખામીમાં પરિણમે છે. જેના કારણે પુનર્વસવાટની વિભિન્ન જરૂરિયાતો સાથેની વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની નવી પેઢી જન્મે છે.

ઉદાહરણ તરીકે, 1993માં મહારાષ્ટ્રના લાતુર ખાતે આવેલા ભૂકંપ તથા 2001માં ગુજરાતમાં આવેલા ભૂકંપને કારણે માનસિક આઘાત પહોંચ્યાના, શરીરનું કોઈ અંગ કાપી નાંખવાના તેમ જ પગ અને નીચેના અવયવો લકવાગ્રસ્ત થઈ જવાના ઘણા બનાવો બન્યા હતા. સક્ષમ હોય તેવી વિકલાંગ વ્યક્તિઓ ઘટનાસ્થળેથી ભાગી છૂટવામાં સફળ રહી હતી, પરંતુ વ્હિલચેર અને અન્ય સહાયક ઉપકરણો ઘટના સ્થળે જ છૂટી જવાથી તેઓ વધુ પરાવલંબી બન્યા હતા. હોનારતના સમયે વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ પર પરિવારના સભ્યોથી વિખૂટા પડી જવાનું જોખમ તોળાતું હોય છે. તેના પરિણામે, સામાન્ય વ્યક્તિઓની તુલનામાં વિકલાંગ વ્યક્તિઓમાં રોગિષ્ઠ મનોવૃત્તિ અને મૃત્યુનો દર ઊંચો હોય છે. તેમ છતાં, વિકલાંગતાના પ્રશ્નો તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે. ઉપરાંત, આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રે સંશોધન, કામગીરી અને નીતિઓને લગતા કાર્યનો અમલ કરતી વખતે તેના તરફ ખાસ ધ્યાન આપવામાં આવતું નથી.

'રાઈટ્સ ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટિઝ' (યુએનસીઆરપીડી) અંગે સંયુક્ત રાષ્ટ્રોના, ભારત દ્વારા 2007માં મંજૂર કરવામાં આવેલા ઘોષણાપત્ર મુજબ, સીઆરપીડીમાં પ્રસ્થાપિત કરવામાં આવેલા અધિકાર આધારિત અભિગમ સાથે સુસંગત હોય તે પ્રમાણે તમામ નીતિઓ અને કાયદા સુધારવા જરૂરી છે. 'સિચ્યુએશન્સ ઑફ રિસ્ક એન્ડ હ્યુમનિટેરિયન ઈમર્જન્સિઝ' પર સીઆરપીડીની કલમ-11 છે. તે સશસ્ત્ર સંઘર્ષ, કટોકટી તથા કુદરતી આફતો જેવી જોખમી પરિસ્થિતિમાં વિકલાંગતા ધરાવનારી વ્યક્તિના રક્ષણ તથા સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં હાથ ધરવાની રાજ્યના જવાબદાર હિતધારકોની ફરજ પર ભાર મૂકે છે (યુએન ઈનેબલ, 2012). ભારત તેના નવા 'રાઈટ્સ ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટિઝ બિલ' ને સીઆરપીડી સાથે સુસંગત કરવા માટે સજ્જ થઈ રહ્યું છે ત્યારે, આપત્તિ વ્યવસ્થાપનની નીતિઓ અને કામગીરીઓ, વિકલાંગતાના પ્રશ્નો માટે કેટલી સમાવેશક છે તેનું મૂલ્યાંકન કરવા માટે આ અનુકૂળ સમય છે.

કટોકટીની સ્થિતિમાં કેનેડા, ભારત અને અમેરિકામાં વિકલાંગતા પર કેવી રીતે ધ્યાન આપવામાં આવ્યું છે કે તેના તરફ કેવી રીતે દુર્લક્ષ સેવવામાં આવ્યું છે તે સમજવું જરૂરી છે. આ ત્રણેય દેશોનાં સરકારી અને બિનસરકારી સંગઠનોનાં વર્તમાન સંશોધન, નીતિઓ અને કામગીરીના દસ્તાવેજોની સમીક્ષા કરતા વ્યાપક અભ્યાસ પરથી આ પેપર લેવામાં આવ્યું છે. ભારત પર ભાર મૂકતાં, આ પેપર પ્રથમ, દેશમાં આપત્તિ વ્યવસ્થાપનની વ્યવસ્થાનું માપન કરીને સંક્ષિપ્ત પૂર્વભૂમિકા પૂરી પાડે છે. ત્યાર પછીના ભાગમાં સંશોધનના નીચેના પ્રશ્નોને લગતાં તારણો રજૂ કરવામાં આવ્યાં છે:

  • આપત્તિ વ્યવસ્થાપનની નીતિ અને શાસન વ્યવસ્થામાં વિકલાંગતાનો સમાવેશ કરવામાં આવ્યો છે? કેવી રીતે?
  • ચેતવણી, રાહત અને પ્રતિક્રિયા, પ્રબંધ, પુનર્વસવાટ, સજ્જતા અને જોખમમાં ઘટાડો વગેરે જેવા આપત્તિ વ્યવસ્થાપનના વિવિધ તબક્કાઓમાં વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની જરૂરિયાતો પર કેવી રીતે અને ક્યા સ્તરે ધ્યાન આપવામાં આવ્યું છે?
  • આપત્તિ વ્યવસ્થાપન અંગેની તાલીમ અને શિક્ષણમાં વિકલાંગતાના મુદ્દાને સમાવવામાં આવ્યો છે?
  • વ્યવસ્થાપન વિકલાંગતા-સમાવેશક છે, એ સુનિશ્ચિત કરવા માટે કઈ ત્રુટિઓ પર ધ્યાન આપવું જરૂરી છે?

સરકારી દસ્તાવેજો, સંશોધન-અહેવાલો, માર્ગદર્શિકાઓ, તાલીમી-સાહિત્ય, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના અહેવાલો તથા પ્રકાશનો, પ્રતિષ્ઠિત સંસ્થાઓના આપત્તિ વ્યવસ્થાપન પરના અભ્યાસક્રમોની સમીક્ષા કરવામાં આવી. વળી, વર્ષ 2000 અને 2010 દરમિયાન દેશની મહત્ત્વની માનવીય કટોકટીઓ અંગેના માધ્યમોના અહેવાલો તથા સંશોધન-સાહિત્ય સહિતના ગૌણ ડેટાની સમીક્ષાની પદ્ધતિ અપનાવવામાં આવી છે. યથાવત્ રહેલી ત્રુટિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને 'વંચિતતા', માનવીય કટોકટી સાથે સંબધિત હોવાથી તેની વિભાવના પર પુનર્વિચાર કરવા તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે.

ભારતમાં આપત્તિ વ્યવસ્થાપન: સંક્ષિપ્ત પૂર્વભૂમિકા

ભારતમાં આપત્તિ વ્યવસ્થાપન પરની નીતિનું માળખું રાહત-કેન્દ્રિત અને પ્રતિક્રિયાશીલ વ્યૂહરચનાવાળું હતું. તે બદલાઈને હવે આફતને રોકવા, જોખમ ઘટાડવા અને હોનારતની અસરને ઘટાડવા માટેની સજ્જતાનાં પાસાંને સમાષ્ટિ કરતું થયું છે. ઉપરાંત, તે બહુ-પરિમાણીય અભિગમ તરફ સ્થિર થયું છે (ભારત સરકાર, 2011). આ નવો અભિગમ દૃઢપણે માને છે કે, કુદરતી હોનારતો પ્રત્યેની દેશની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતાં, જો હોનારતની અસરના ઘટાડાને તથા પ્રતિક્રિયાને મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં ન આવે અને વિકાસની પ્રક્રિયા સાથે સાંકળવામાં ન આવે, તો વિકાસ બિનસાતત્યપૂર્ણ રહે છે. તેથી, આપત્તિ વ્યવસ્થાપન એ દેશની નીતિના માળખા માટે મહત્ત્વનું બન્યું છે. આપત્તિ વ્યવસ્થાપન માટેના ભંડોળમાં વધારો થવાથી, શાળા-સલામતીનું આયોજન કરવાનું અને શાળાના અભ્યાસક્રમમાં આપત્તિ વ્યવસ્થાપના મુદ્દાનો સમાવેશ કરવાનું કામ થઈ શક્યું છે.  તેમ જ આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ તથા વ્યવસાયિક કૌશલ્યો વધારવા માટેના વિવિધ ટૂંકા ગાળાના અભ્યાસક્રમો અને ડિગ્રી કાર્યક્રમોનો અમલ પણ કરવામાં આવ્યો છે.

જોકે, આપત્તિ અભ્યાસોની વિભાવનાઓ, સિદ્ધાન્તો તથા કામગીરીઓ મુખ્યત્વે છેલ્લાં 30 વર્ષ દરમિયાન વ્યાપકપણે હાથ ધરાયેલાં સંશોધનો પર આધારિત છે, અને હજી પણ તે વિકાસ અને એકત્રીકરણના પ્રાથમિક તબક્કામાં છે. ભારતમાં આપત્તિ અંગેના અભ્યાસો માટે ગણ્યાંગાંઠ્યા શૈક્ષણિક કાર્યક્રમો છે. તેના કારણે આપત્તિ અને સંઘર્ષના સંશોધકોનું વ્યવસાયિક સંગઠન હજી સુધી રચાયું નથી. વિવિધ તબક્કે જુદા-જુદા અંતરાયોનો સામનો કરવા માટે સજ્જ હોય તેવા તાલીમબદ્ધ વ્યવસાયિકોની ઊણપ પ્રવર્તે છે. વળી, ભારતમાં આપત્તિ પ્રતિક્રિયામાં ગેરવ્યવસ્થાપન, બેવડી પ્રક્રિયા અને અસરગ્રસ્ત સમુદાયોનો બહિષ્કાર થતો જોવા મળે છે. અગાઉના અનુભવોમાંથી સંસ્થાકીય શિક્ષણની હજી ઘણી તકો રહેલી છે.

ભારતમાં વિકલાંગતા અને આપત્તિ વ્યવસ્થાપન

આપત્તિ વ્યવસ્થાપનના આ ઊભરી રહેલા ક્ષેત્રમાં, વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની કાળજી  લેવાના વિષયનું અસ્તિત્વ જ નથી, અથવા તો તેને ગૌણ મહત્ત્વ આપવામાં આવે છે. ભારતમાં વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની સંખ્યા બાબતે પણ અનિશ્ચિતતા પ્રવર્તે છે. (ડબ્લ્યુએચઓ, 2011). ઉદાહરણ તરીકે, એનએસએસઓ (2003)એ ભારતમાં વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની કુલ સંખ્યા 1.85 કરોડ હોવાનું નોંધ્યું હતું, જ્યારે 2001ની વસતિ ગણતરી મુજબ આ પ્રમાણ 2.19 કરોડ નોંધાયું છે. (રજિસ્ટ્રાર જનરલ ઑફ ઈન્ડિયા, 2001). ભારતીય ગરીબ વસતિમાં વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓનું પ્રમાણ નોંધપાત્ર છે. શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સમાજ તથા સમુદાયમાં સહભાગિતા માટેની તકોના ક્ષેત્રે વિકલાંગ વ્યક્તિઓએ આજે પણ અસમાનતાનો સામનો કરવો પડે છે. (જુઓ હિરાનંદાણી અને સોનપાલ, 2010, નેશનલ ડિસેબિલિટી નેટવર્ક, 2012). કુદરતી હોનારતો અને સંઘર્ષોની અસર વિકલાંગ વ્યક્તિઓ તથા તેમનાં સંબંધીઓને વધુ તીવ્રતા સાથે વર્તાતી હોવા છતાં, માનવીય કટોકટીમાં વિકલાંગતા ધરાવનારી વ્યક્તિએ રોજિંદી પરિસ્થિતિ કરતાં પણ વધુ બહિષ્કાર વેઠવો પડે છે.

ભારતે 2007માં સીઆરપીડીનું સમર્થન કર્યું હોવા છતાં, 'નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ'માં કે રાજ્ય અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનનાં આયોજનોમાં વિકલાંગતાને સામેલ કરવા માટે કોઈ સુધારા કરવામાં આવ્યાં નથી. લાંબા ગાળાના વળતર ચૂકવણીના ગાળામાં અને તાકીદની પ્રતિક્રિયામાં સંસાધનની અછત વર્તાતી હોય, ત્યારે વિકલાંગતાના આધારે ભેદભાવ થતો હોવાનું નોંધાયું છે (જીપીડીડી એન્ડ ડબ્લ્યુબી, 2009). આગોતરી ચેતવણી, સ્થળાંતર, રાહત અને સહાય, રક્ષણ અને પુનર્વસવાટનાં બહુમતિ વસતિ માટે તૈયાર કરવામાં આવેલાં માપદંડો, વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની વિશિષ્ટ જરૂરિયાતો ભાગ્યે જ સંતોષતાં હોય છે. જરૂરી ચીજવસ્તુઓના વિતરણના સમય અને સ્થળ અંગેની માહિતી, ઘણી વખત દ્રષ્ટિની અને સાંભળવાની ખામી ધરાવનારા વ્યક્તિઓને પ્રાપ્ય થઈ શકતી નથી. તેથી તેઓ તે મેળવવામાંથી બાકાત રહી જાય છે.

સુનામી બાદ હાથ ધરાયેલી રાહત કામગીરી દરમિયાન, લાઈનમાં 5હેલા હોય તેમને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરિણામે, વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓએ ખોરાક અને પાણી મેળવવા માટે બિન-વિકલાંગ વ્યક્તિઓ સાથે હરીફાઈ કરવી પડતી હતી અને ખોરાક-પાણી મેળવવામાં તેમને ઘણી મુશ્કેલી પડતી હતી. તે જ રીતે તમિલનાડુ રાજ્યની રાહત છાવણીઓમાં શૌચાલયો, આશ્રયસ્થાનોથી ઘણે દૂર આવેલાં હતાં, જેના કારણે પણ વિકલાંગ વ્યક્તિઓને મુશ્કેલી પડતી હતી (આઈડીઆરએમ, 2005). ઘણી વખત બિન-અનુભવી ડૉક્ટરો દ્વારા અવિચારીપણે કરવામાં આવતા અંગવિચ્છેદનને કારણે પ્રૉસ્થેટિક લિમ્બ્ઝનું ફિટિંગ મુશ્કેલીપૂર્ણ બનતું હતું, જેના કારણે પુનર્વસવાટમાં સમસ્યા ઊભી થતી હતી (રાજેન્દ્ર અને મિત્રા, 2008). આ સમસ્યાઓ ફક્ત સુનામી પૂરતી જ મર્યાદિત નથી હોતી, અન્ય મોટા પાયાની કુદરતી અને માનવ સર્જિત હોનારતોમાં પણ તે પડકારજનક બની રહે છે. સારવારની યોગ્ય પ્રક્રિયાઓના અભાવ, નબળી સેવાઓ અને મર્યાદિત પહોંચને કારણે, વિકલાંગતા ધરાવનારા સેંકડો લોકો, મળવાપાત્ર માનવીય સહાયથી વંચિત રહી જાય છે. મહારાષ્ટ્રના લાતુરમાં 1993માં આવેલા ધરતીકંપ બાદના વિલંબિત પુનર્વસવાટને કારણે માનસિક આઘાત અને હતાશાનું મોજું ફરી વળ્યું હતું: પગ અને નીચેનાં અંગો લકવાગ્રસ્ત થઈ ગયા હોય તેવી ઘણી વ્યક્તિઓએ વર્ષો સુધી માનવીય પ્રતિક્રિયાની રાહ જોવી પડી હતી. 2001માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે હજ્જારો લોકો અંગવિચ્છેદન, પગ અને નીચેના અવયવોના લકવા અને અન્ય ખોડ-ખાંપણનો ભોગ બન્યા હતા. તેમના ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના પનુર્વસવાટ માટેનાં કોઈ યોગ્ય આયોજનો કરવામાં આવ્યાં નહોતાં (આઈડીઆરએમ, 2005).

જોકે, 2004માં આવેલી સુનામી બાદ, ભારત સરકારે ઘણાં પગલાં હાથ ધર્યાં છે. તેમાં વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ માટે આફત સામેની સજ્જતાની તાલીમનો પણ સમાવેશ થાય છે. તેમાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને કુદરતી હોનારતો દરમિયાન મદદ કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં 'ડિઝાસ્ટર ટાસ્ક ફોર્સ' (તાલીમબદ્ધ ટુકડીઓ)ને તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત, રાહત કામગીરીમાં જોડાયેલા બ્રેઈલ લિપિ, સ્પેશ્યલ કૉમ્પ્યુટર સૉફ્ટવેર, ઑડિયો વર્ઝન (શ્રાવ્ય આવૃત્તિઓ), મોટી પ્રિન્ટ, સાંકેતિક ભાષાના જાણકારનો ઉપયોગ કરવો અને પ્રત્યાયનનાં ટૂલ્સનો ઉપયોગ કરવો, વગેરે જેવી સાનુકૂળ બાબતો અંગે તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે (ભારત સરકાર, 2012). વળી, રાહત છાવણીઓમાં સુવિધાઓ પ્રાપ્ય બને તે સુનિશ્ચિત કરવા માટે સરકારે સ્થાનિક બિલ્ડર તથા સ્થપતિઓને સર્વસામાન્ય ડિઝાઈનની તાલીમ આપવાની યોજના ઘડી છે (ભારત સરકાર અને યુએનડીપી ભારત, 2008). કેન્દ્ર સરકારે વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની જરૂરિયાતો અંગેની સમજને વેગ આપવા માટેની ટૂલકિટ તૈયાર કરવા માટે યુએનડીપી સાથે તાજેતરમાં જોડાણ કર્યું છે. (ભારત સરકાર અને યુએનડીપી ભારત, 2008). જોકે, વિવિધ હિતધારકો દ્વારા ટૂલકિટના ઉપયોગ અને અમલીકરણનું આજ સુધી કોઈ મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી.

સજ્જતા માટેના આયોજનની પ્રક્રિયામાં વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની કાળજી લેવાય તે માટે 17 રાજ્યોને આવરી લેતો 'ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ' પ્રૉગ્રામ વિક્સાવવામાં આવ્યો છે (જીપીડીડી એન્ડ ડબ્લ્યુબી, 2009). તેમાં બચાવ, શોધ અને રાહત માટે વિગતવાર માહિતી ઉપલબ્ધ હોય તેમ જ અસરકારક પ્રતિભાવ માટે પ્રાથમિક સારવારની ટીમ ઉપલબ્ધ હોય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. હોનારત માટેની સજ્જતાના આ આયોજનમાં કુદરતી આફતોનું જોખમ રહેલું હોય તેવાં ગામડાં તથા કસ્બાઓમાં વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ અંગેની માહિતી એકત્રિત કરવાનો સમાવેશ થાય છે. (ભારત સરકાર, 2012). તેમ છતાં વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની વસતિ ગણતરીની માફક માહિતી એકત્રીકરણના પ્રયાસને પણ શંકાની નજરે જોવામાં આવે છે. નોંધણીની પ્રક્રિયાને કારણે ગુપ્તતાનો ભંગ થશે અને સરકાર દ્વારા અન્ય હેતુઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે એ ભયે વિકલાંગતા ધરાવતા સમુદાય તરફથી મિશ્ર પ્રત્યાઘાતો મળે છે (જીપીડીડી એન્ડ ડબ્લ્યુબી, 2009). ભારતમાં આપત્તિ વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રાજ્ય કક્ષાના કાર્યક્રમો (ભારત સરકાર, 2011), રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન માર્ગદર્શિકાઓ - રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન યોજના તૈયાર કરવી (ભારત સરકાર, 2017) અને કુદરતી હોનારતોનો સામનો કરવા માટેની આદર્શ કાર્યશીલ પ્રક્રિયા (ભારત સરકાર, 2010) જેવા આપત્તિ વ્યવસ્થાપનના અધિકૃત દસ્તાવેજોમાં વિકલાંગતાના મુદ્દાને નજરઅંદાજ કરવામાં આવ્યો છે. બાળકો, નાનાં બાળકો સાથેની મહિલાઓ તેમ જ ગર્ભવતી મહિલાઓને આદર્શ કાર્યશીલ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી છે, જ્યારે વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓને તેમાં સામેલ કરવામાં નથી આવી. તે જ રીતે, સુનામી, ન્યૂક્લિયર અને રેડિયોલૉજિકલ કટોકટી, દુકાળ, વાવાઝોડાં, તોફાન, પૂર; જૈવિક - રાસાયણિક અને ઔદ્યોગિક હોનારતો, ધરતીકંપ (એનઆઈડીએમ, 2013બી) વગેરે જેવી આફતોના વ્યવસ્થાપન અંગેની સરકારી માર્ગદર્શિકાઓમાં વિકલાંગતા પ્રત્યેની સંવેદનશીલતાનો સદંતર અભાવ વર્તાય છે. વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ માટે આગોતરી ચેતવણી અને પ્રત્યાયનની વ્યવસ્થાની પ્રાપ્યતા અત્યંત મહત્ત્વપૂર્ણ હોવા છતાં, આપત્તિ વ્યવસ્થાપનની માહિતી અને પ્રત્યાયન વ્યવસ્થા અંગેની રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓ હજી પણ વિકલાંગ સમુદાયની કાળજીને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ જાય છે.

 

તાજેતરમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (એનડીએમએ) દ્વારા વિવિધ હિતધારકો સાથે સાલહ-મસલતના આધારે તાજેતરમાં વિક્સાવવામાં આવેલી, રાહતના લઘુતમ માપદંડો પરની રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓમાં, વિકલાંગ વ્યક્તિઓને મહિલાઓ, બાળકો, વિધવાઓ, અનાથ, વયોવૃદ્ધ અને એચઆઈવી અને એઈડ્ઝગ્રસ્ત વ્યક્તિઓની હરોળમાં 'વંચિત જૂથ' તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે (ભારત સરકાર, 2012). લઘુતમ માપદંડોમાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારથી વિકલાંગતાનો 'મુખ્યપ્રવાહ'માં સમાવેશ કરવામાં આવ્યો એમ કહી શકાય. વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની 'વિશિષ્ટ જરૂરિયાતો' (જેમ કે, સરળ પ્રાપ્યતા માટે ખોરાક વિતરણનાં અલાયદાં કેન્દ્રો, સુવિધાજનક શૌચાલયોનું બાંધકામ) રાહતના કેટલાક
લઘુતમ માપદંડોની માર્ગદર્શિકાઓમાં નક્કી કરવામાં આવી છે, ત્યારે વિકલાંગતાને હજી પણ સમાવેશક તરીકે નહીં, પણ અલગ રીતે જોવામાં આવે છે.

આપત્તિ વ્યવસ્થાપન તરફ સરકારનું ધ્યાન દોરાયું છે અને તે માટે ભંડોળની પણ ફાળવણી કરવામાં આવતી હોવા છતાં, ખાસ કરીને નીતિ અને આયોજન કક્ષાએ 'સમાવેશક આપત્તિ સજ્જતા'માં વ્યવસાયિકોની ગેરહાજરી એ બીજો પડકાર છે. આપત્તિ શિક્ષણ ક્ષેત્રે ભારતમાં વેગ જોવા મળે છે, ત્યારે, આપત્તિ વ્યવસ્થામાં વિકલાંગતાને મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવ્યાના સરકારના દાવાથી વિપરીત, આ અભ્યાસક્રમમાં વિકલાંગતાના દ્રષ્ટિકોણની ગેરહાજરી પ્રવર્તે છે. વિકલાંગતા અને સમાવેશક આપત્તિ વ્યવસ્થાપનનો ઉલ્લેખ ફક્ત - આપત્તિ-પ્રત્યાઘાતલક્ષી બિન-સરકારી સંગઠન 'એસઈઈડીએસ' દ્વારા તૈયાર કરવામાં આવેલા પુસ્તક 'લેટ્સ મેક સ્કૂલ્સ સેફર'માં જ જોવા મળે છે (એસઈઈડીએસ ભારત, 2011). જોકે, સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓના તાલીમ કાર્યક્રમોમાં આ પુસ્તકનો કેટલો ઉપયોગ થયો છે તે તપાસનો વિષય છે.

'નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ', તેની વેબસાઈટમાં જણાવે છે કે, 'આપત્તિ એ વિકાસને લગતો ચાવીરૂપ પ્રશ્ન છે અને વિશ્વના તમામ આપત્તિ વ્યવસ્થાપન અને વિકલાંગતા વ્યવસ્થાપન હિતધારકો દ્વારા આપત્તિ જોખમના ઘટાડાના માળખાની હિમાયત કરવામાં આવે છે' (એનઆઈડીએમ, 2011, પરિચ્છેદ-7). જોકે, દેશભરમાં આપત્તિ વ્યવસ્થાપન સ્ટાફને તાલીમ આપવા માટે એનઆઈડીએમ દ્વારા તૈયાર કરવામાં આવેલા મૉડ્યૂલ્સમાં વિકલાંગતાના મુદ્દાની સદંતર ઉપેક્ષા કરવામાં આવી છે. દા.ત. શાળાની સલામતી, શહેરી જોખમ ઘટાડવું, પૂરનું જોખમ ઘટાડવું અને વ્યવસ્થાપન વગેરે વિષયના મૉડ્યૂલ્સમાં કે 'જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન આયોજન' (વિવિધ મૉડ્યૂલ્સ માટે જુઓ એનઆઈડીએમ, 2013એ)માં વિકલાંગતાનો ઉલ્લેખ જોવા મળતો નથી. આપત્તિ વ્યવસ્થાપનમાં મનોસામાજિક કાળજી વિશેના તાલીમ મૉડ્યૂલ્સમાં વિકલાંગતાના મુદ્દાને 'વર્કિંગ વિથ મોર વલ્નરેબલ ગ્રુપ્સ'ની વ્યાપક કેટેગરીમાં 'વર્કિંગ વિથ પિપલ વિથ ડિસેબિલિટિઝ' શીર્ષક ધરાવતાં બે પાનાંના યુનિટમાં ઉપરછલ્લી રીતે સમાવી લેવાયો છે (એનઆઈડીએમ, 2009). આમ, વિકલાંગતાના મુદ્દાને મુખ્યપ્રવાહમાં સામેલ કર્યાના દાવાઓ છતાં, આ રાષ્ટ્રીય તાલીમ સંસ્થાના અભ્યાસક્રમમાં વિકલાંગતાના મુદ્દાને સ્થાન આપવામાં આવ્યું નથી, કે તો પછી વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને હજી પણ 'વિશિષ્ટ સેવાઓ'ની જરૂરિયાત ધરાવનારું 'વંચિત જૂથ' ગણવામાં આવે છે. આમ, વિકલાંગતાને મુખ્યપ્રવાહમાં સામેલ કરવાને બદલે, સરકારના જ તાલીમ મૉડ્યૂલ્સ, વિકલાંગતા પર આધારિત ભેદભાવને મજબૂત કરે છે.

ઉપેક્ષિત ક્ષેત્રો અને ભાવિ દિશાઓ

માહિતીનો અભાવ એ ઘણી માનવીય પ્રતિક્રિયાઓમાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના બહિષ્કાર પાછળનું એક મહત્ત્વનું કારણ છે. અગાઉ જણાવ્યું તેમ, વિકલાંગતા ધરાવનારી પુખ્ત વ્યક્તિઓ તેમ જ બાળકોની ઘણી વખત પરિવાર અને સમુદાય દ્વારા જ ઉપેક્ષા કરવામાં આવતી હોય છે. શૈક્ષણિક કે રાજકીય સ્તરે તેમનું પ્રતિનિધિત્વ નહિવત્ હોવાને કારણે માનવીય દરમિયાનગીરીઓમાંથી તેમને બાકાત રાખવામાં આવે છે. જેમ કે, 2004માં આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં સુનામી આવ્યા બાદ વિકલાંગતા ધરાવનારા લોકો પાસે મૂળભૂત દસ્તાવેજો (ઓળખ કાર્ડ અને વિકલાંગતા પ્રમાણપત્ર) પણ નહોતા. વળી, સમાવેશકતાની સુવિધા પૂરી પાડતાં પ્રૉસ્થેટિક કે હિયરિંગ એઈડ જેવાં ઉપકરણો અને સહાયો કે સહાયક સેવાઓ પૂરી પાડવાની કોઈ સુવિધા, જિલ્લા પાસે ઉપલબ્ધ નહોતી. તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં, સ્થાનિક સરકારી સંસ્થાઓમાં નોંધણી ધરાવનારી વિકલાંગ વ્યક્તિઓને સુનામી બાદ મુખ્યત્વે ખોરાક, વસ્ત્રો અને દાક્તરી સહાય જેવી રાહત મળી હતી. પરંતુ, નોંધણી ન ધરાવનારા અને નિયત સરનામું ન ધરાવનારા (જેમ કે સ્થળાંતરિત કામદારો)ને રાજ્ય તરફથી કોઈ સહાય મળી ન હતી (આઈએફઆરસી, 2007).

ઑક્સફામ, હૅન્ડિકેપ ઈન્ટરનેશનલ અને અન્ય ઘણાં સંગઠનોએ સુનામી દરમિયાન વિકલાંગ વ્યક્તિઓના નોંધણી પત્રકોનું સંકલન કર્યું છે. જોકે, વિકલાંગતાની વ્યાખ્યાઓની માફક, નોંધણીનો મુદ્દો પણ સમસ્યારૂપ છે. વિકલાંગનું લેબલ લાગી જવાની અને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે તેવી બીકના કારણે વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ વિકલાંગ તરીકે પોતાની ઓળખ આપવા નથી માંગતી. તેથી, ફક્ત દ્રષ્ટિગોચર થતી ખામીઓ પર આધારિત આંકડાઓ અચોક્કસ હોઈ શકે છે અને તેના કારણે, વિકલાંગ વ્યક્તિઓની સંખ્યા ગણીગાંઠી જ છે. પરિણામે, પ્રાપ્યતાના પ્રશ્નો બિનમહત્ત્વના છે તેવા અભિગમને વેગ મળે છે (કેટ્ટ, સ્ટબ્સ અને યિઓ, 2005).

વિવિધ સામાજિક જૂથો અને દેશો માટે કુદરતી સંકટોના પ્રભાવ જુદા-જુદા હોય છે તે ધ્યાનમાં રાખતાં સામાજિક અને આર્થિક વંચિતતા તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેથી, આફતોની કારણદર્શક અસરોની સમજ કુદરતી સંકટથી હટીને, વંચિતતાની વિવિધ કક્ષાઓનું નિમિત્ત બનતી વિકાસ પ્રક્રિયાઓ તરફ સ્થિર થઈ છે (આએસડીઆર, 2004). જોકે, વિકલાંગ વ્યક્તિઓની દયનીય પરંતુ ટાળી ન શકાય તેવી શારીરિક, ઇન્દ્રિય સંબંધિત કે જ્ઞાનાત્મક મર્યાદાઓને કારણે તેમની સ્થિતિ દયનીય બને છે તે પરંપરાગત માન્યતાના આધારે વિકલાંગ વ્યક્તિઓની ગણના આજે પણ ખાસ પ્રકારના 'વંચિત જૂથ'માં કરવામાં આવે છે (હેમિંગ્વે એન પ્રિસ્ટલી, 2006). ભારતનું નવું 'રાઈટ્સ ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટિઝ' (આરપીડી) બિલ (જે હાલમાં ડ્રાફ્ટના તબક્કામાં છે) પણ ઘણું મર્યાદિત છે, કારણ કે તેમાં, રાહત, પુનર્વસવાટ અને વળતરની ચૂકવણીમાં વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની જરૂરિયાતોને ધ્યાનમાં લેવી જોઈએ તેવું જણાવવામાં આવ્યું હોવા છતાં આગોતરી ચેતવણી વ્યવસ્થામાં પ્રાપ્યતા અંગે કોઈ ચોક્કસ ઉલ્લેખ તેમાં જોવા મળતો નથી. આપત્તિ અંગેની સજ્જતા વિશે પણ તે ઉપરછલ્લું ધ્યાન દોરે છે. આરપીડી બિલનો મુખ્ય વિચાર એ છે કે આપત્તિની સ્થિતિમાં વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ એવો 'વિશિષ્ટ' અને 'વંચિત સમુદાય' બની રહે છે, જેમની સલામતી અને રક્ષણ સુનિશ્ચિત કરવાં જરૂરી છે.

વિકલાંગતાના અભ્યાસના ક્ષેત્ર અને વિકલાંગતાના સામાજિક મૉડલે એ સ્પષ્ટ કર્યું છે કે વિકલાંગતા એ ખોડ-ખાંપણનું ફક્ત કુદરતી પરિણામ નથી. શારીરિક, ઈન્દ્રિયલક્ષી કે જ્ઞાનાત્મક ખામીઓમાંથી ઉદ્ભવતી મર્યાદાઓ સામાજિક રીતે સર્જવામાં આવેલા બહિષ્કારનું પણ પરિણામ હોય છે. સુનામી અને ગુજરાતના ધરતીકંપના અહેવાલો અનુસાર, વિકલાંગ વ્યક્તિઓની મર્યાદાને કારણે જ નહીં, પરંતુ સામાજિક કારણોસર પણ વિકલાંગ વ્યક્તિઓના જીવન પર જોખમ તોળાતું હતું. તેમાં અવરોધયુક્ત ઈમારતો, બચાવના આયોજનનો અભાવ, પાડોશીનું વલણ વગેરે કારણો પણ હતાં. (હેમિંગ્વે અને પ્રિસ્લી, 2006, આઈએફઆરસી, 2007). ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દસ્તાવેજોમાં 'સમાવેશક આપત્તિ વ્યવસ્થાપન'ના સંદર્ભ છતાં, આપત્તિ-શામક આયોજનોમાં વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની જરૂરિયાતોને નજરઅંદાજ કરવામાં આવે છે. આપત્તિ-જોખમો ઘટાડવાના આયોજનમાં પણ વિકલાંગ સમુદાયને ભાગ્યે જ સામેલ કરવામાં આવે છે.

માળખાકીય અને સમાજિક-આર્થિક પરિણામો થકી થતી વંચિતતાને તપાસતાં માલૂમ પડે છે કે સામાજિક ગેરલાભ, ગરીબી, માળખાકીય બહિષ્કાર અને અસમાનતાને કારણે વિકલાંગતાનો સામનો કરવો પડે છે. હોનારતના સમયે, વિકલાંગ વ્યક્તિઓની ઘણી જરૂરિયાતો હોનારતોનો સામનો કરી રહેલા અન્ય સામાન્ય લોકોની જરૂરિયાતો સાથે મેળ ખાતી હોય છે (જેમ કે, પાણી, સ્વચ્છતા, આશ્રય, ખોરાક વગેરે). તેમ છતાં, આ સેવાઓ કેવી રીતે પૂરી પાડવામાં આવે છે અને સામગ્રીનું વિતરણ કેવી રીતે કરવામાં આવે છે તે ઘણું મહત્ત્વપૂર્ણ બની રહે છે. વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની અમુક ચોક્કસ જરૂરિયાતો રહેતી હોય છે, પરંતુ તેમને 'લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા ઈચ્છુક'માં ખપાવી દેવા એ તેમને નિરુત્સાહી કરવા સમાન છે.

સરકારી અને મુખ્ય પ્રવાહની વિકાસ સંસ્થાઓના પ્રયાસોની સરખામણીમાં 'ડિસેબલ્ડ પિપલ્સ ઑર્ગેનાઈઝેશન' (ડીપીઓએસ) અને સમુદાય-આધારિત હિમાયતી સંગઠનોમાં આપત્તિના પ્રત્યાઘાત માટે વધુ સજ્જતા અને ક્ષમતા જોવા મળે છે. સહાય અને પ્રત્યાયનના અનૌપચારિક નેટવર્કમાં તથા મુખ્ય પ્રવાહની આપત્તિ પ્રત્યાઘાત વ્યવસ્થાઓમાં સહજતાથી પ્રાપ્ય ન હોય તેવાં, વિકલાંગતા ક્ષેત્રે તજજ્ઞતાનાં નિશ્ચિત સ્વરૂપોમાં તે પ્રતિબિંબિત થાય છે. હેમિંગ્વે અને પ્રિસ્લી (2006) જણાવે છે  તેમ, સહાય માટે વિનંતીઓ દ્વારા અને મર્યાદિત સંસાધનોને ગતિશીલ (કામે લગાડીને) કરીને વિકલાંગોની સમસ્યાઓ નિવારવા પ્રયત્નશીલ સંગઠનો વધુ ઝડપથી કામ કરે છે. ઉદાહરણ તરીકે, 2004માં સુનામીએ સર્જેલા વિનાશના ગણતરીના કલાકોમાં જ, વિકલાંગતા નિવારણ ક્ષેત્રે કાર્યરત કાર્યકરો અને તેમના સહયોગીઓએ વેબસાઈટ અને ઈ-મેઈલ નેટવર્ક થકી વૈશ્વિક સહાય પ્રાપ્ય બનાવી હતી. મુખ્ય પ્રવાહના રાહત પ્રયાસોથી આ 5હેલ એ રીતે જુદી પડતી હતી કે તેમાં સમાવેશક, અધિકારો-આધારિત અભિગમ અપનાવાયો હતો તેમ જ વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ સામે આવતા માળખાકીય અને સામાજિક અવરોધો પર ઘ્યાન આપવામાં આવ્યું હતું.

આમ, સુનામીના અનુભવો સૂચવે છે કે, ડીપીઓએસ તથા અનૌપચારિક નેટર્વક્સ, સંકટની પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા અને નિપુણતા ધરાવે છે, અને આ ક્ષમતાને મજબૂત કરવી જરૂરી છે તથા આયોજન, નિવારણ અને આપત્તિનું જોખમ ઘટાડવાના તમામ સ્તરોએ તેને સામેલ કરવી જોઈએ. વિકલાંગ વ્યક્તિઓના પુનર્વસવાટ માટે અને તેમની સમાવેશકતા આડેના વર્તમાન અંતરાયોને દૂર કરવા માટે વિકલાંગ વ્યક્તિઓ જાણકારીનો શ્રેષ્ઠ સ્રોત બની શકે છે. વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ સાથે ચર્ચા કરીને કટોકટીના સમયનાં આશ્રયસ્થાનોની વ્યવસ્થા અને સુવિધાઓમાં સુધારો કરી શકાય છે.

વિકલાંગતા ધરાવતો સમુદાય, આપત્તિ વ્યવસ્થાપનનું કામ કરતાં સંગઠનોમાં આયોજન અને સજ્જતા અંગે સ્ટાફને તાલીમ પૂરી પાડી શકે છે. જેમ કે, ટર્કીમાં 1999માં ભૂકં5 આવ્યો, ત્યાર બાદ બધિર વ્યક્તિઓને સહાય કરવા માટેનો એક કાર્યક્રમ એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. બધિર વ્યક્તિઓના એક મુખ્ય જૂથને હોનારત અંગે જાગૃતિ ફેલાવનારા ઇન્સ્ટ્રક્ટર તરીકેની તાલીમ આપવામાં આવી હતી, તે જૂથને ત્યાર બાદ અન્ય લોકોને તાલીમ આપવા માટે દેશના અન્ય ભાગોમાં મોકલવામાં આવ્યું હતું (આઈએફઆરસી, 2007). 1989માં કૅલિફોર્નિયા ખાતે ધરતીકંપ આવ્યો ત્યાર બાદ આઈએફઆરસીએ એક સંશોધન પણ રજૂ કર્યું હતું. તેમાં માલૂમ પડ્યું હતું કે વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ મનોવૈજ્ઞાનિક રીતે સજ્જતા ધરાવતી હતી, જેના કારણે ભૂકંપ દરમિયાન અને ત્યાર બાદ તેમના ભયભીત થવાની કે ઈજાગ્રસ્ત થવાની શક્યતા ઘણી ઓછી હતી, કારણ કે મુશ્કેલ શારીરિક અને પરિસ્થિતિજન્ય અંતરાયો સાથે તેઓ રોજિંદા ધોરણે કામ પાર પાડે છે. અંતરાયોનો સતત સામનો કરવાનો તેમનો અનુભવ, જ્ઞાનનો અગાધ સ્રોત છે, જે આપત્તિ વ્યવસ્થાપનને વધુ સમાવેશક બનાવવામાં મદદરૂપ નીવડી શકે છે. ટૂંકમાં, વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ, તેમનાં સહાયક સંગઠનો અને નેટવર્ક સાથેની ભાગીદારીના આધારે આપત્તિનું જોખમ ઘટાડવા માટેના કાર્યક્રમો વિક્સાવવા જોઈએ.

ઉપસંહાર

ભારતમાં માનવતાવાદી પરિસ્થિતિમાં વિકલાંગતા પરના પદ્ધતિસરનાં સંશોધનોનો અભાવ વર્તાય છે. ઉપલબ્ધ દસ્તાવેજો વિકલાંગ વ્યક્તિઓની બહોળા પાયે થતી ઉપેક્ષા, ઉપલબ્ધ સ્થળાંતર, રાહત અને પ્રતિભાવ વ્યવસ્થાઓનો અભાવ, અને ગૌરવપ્રદ જીવન જીવવાના અધિકારની ઉપેક્ષા સૂચવે છે. સરકારી દસ્તાવેજોમાં વિકલાંગતાનો જ્યાં પણ ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યાં તેને વ્યક્તિગત મૉડલના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે છે. વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓને 'વંચિત જૂથ' કે 'વિશિષ્ટ જરૂરિયાતો ધરાવતા વિશિષ્ટ સમુદાય' તરીકે જોવામાં આવે છે. ભારતના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ, 2005માં વિકલાંગતાનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી, ત્યારે ભારતે 2007માં સીઆરપીડીનું સમર્થન કર્યું છે. તાજેતરનાં વર્ષોમાં, ભારતમાં તથા અન્યત્ર કાર્યરત કેટલાંક આંતરરાષ્ટ્રિય બિન-સરકારી સંગઠનોએ માનવતાવાદી કાર્યોમાં વિકલાંગતાના પ્રશ્ન તરફ ધ્યાન દોર્યું છે અને તેને લગતી જાણકારીઓ માહિતી-પુસ્તિકા અને તાલીમ-સામગ્રી સ્વરૂપે રજૂ કરી છે. આપત્તિ વ્યવસ્થાપન અને સજ્જતાને લગતા મહત્ત્વના શૈક્ષણિક અભ્યાસક્રમો અને સરકારી તાલીમ કાર્યક્રમોમાં વિકલાંગતાના મુદ્દાને પૂરતા પ્રમાણમાં સામેલ કરવામાં આવ્યો નથી.

વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓ માટે, તેમની સામે આવતા સામાજિક, સંસ્થાકીય અને પરિસ્થિતિજન્ય અંતરાયો તેમની ખામીઓ કરતાં પણ વધુ સમસ્યારૂપ હોય છે. જો સામાજિક-આર્થિક બહિષ્કાર અને માળખાકીય અસમાનતાઓ પર ધ્યાન આપવામાં ન આવે, તો જોખમની અને કટોકટીની સ્થિતિમાં વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓએ વેઠવી પડતી મુશ્કેલીઓ યથાવત રહેશે. આપત્તિ વ્યવસ્થાપન સંશોધન, નીતિ અને કામગીરી, હવે હોનારતોને પરિસ્થિતિજિન્ય કે પર્યાવરણીય અવરોધોના પરિણામ તરીકે નહીં, પણ માનવ પ્રવૃત્તિના પરિણામ તરીકે જુએ છે. ત્યારે જોખમની સ્થિતિમાં જીવતા ગરીબ સમુદાયોના વિકલાંગ વ્યક્તિઓના જીવનને પ્રભાવિત કરતા આ મહત્ત્વના ક્ષેત્રમાં, સામાજિક મૉડલના સંદર્ભમાં વિકલાંગતાની વિભાવનાને હજી સુધી દાખલ કરવામાં નથી આવી. આમ, આપત્તિ પ્રતિભાવ, પુનર્વસવાટ અને વળતરના તમામ તબક્કે વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓની સલામતી અને સમાનતા સુનિશ્ચિત કરવા માટે વિકલાંગતાના અભ્યાસો અને આપત્તિ વ્યવસ્થાપન વચ્ચે વિગતોની આપ-લે થાય તે જરૂરી છે. વિકલાંગતા ધરાવનારી વ્યક્તિઓને આયોજન અને સજ્જતાનાં તમામ સ્તરોએ સામેલ કરવાં એ વિકલાંગ વ્યક્તિઓના દ્રષ્ટિકોણથી હોનારતને જોવા માટેનો સૌથી અસરકારક માર્ગ છે. હોનારત બાદનો તબક્કો સામાજિક-આર્થિક અને માળખાકીય અસમાનતાઓ પર ધ્યાન આપીને તથા સમાવેશકતા માટેની તકો વધારીને વિકલાંગતા તરફના સામાજિક અભિગમોમાં બદલાવ લાવવામાં મદદરૂપ થઈ શકે છે. સમુદાયોને સૌ માટે ઉપલબ્ધ બનાવવા માટે સાર્વત્રિક ડિઝાઈનની લાક્ષણિકતાને સામેલ કરીને, માનવીય કટોકટીઓ બાદ સમુદાયના પુનર્ગઠનને સમાવેશક અનુભવ બનાવી શકાય છે. આ ઉપરાંત, વિકલાંગ સમુદાયને સાતત્યપૂર્ણ વિકાસની નીતિ અને કામગીરીમાં સામેલ કરવો પણ એટલો જ જરૂરી છે. વિકલાંગ સમુદાય કદાચ આપત્તિ અને વિકાસ વ્યવસાયિકોને પરિસ્થિતિ, પર્યાવરણ અને પરસ્પર પરના માનવના પરાવલંબન વિશે જાણકારી આપી શકે છે.

સ્ત્રોત:ઉન્નતી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/20/2019© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate