દરેક મનુષ્ય જન્મે ત્યારે જ તેને કેટલાક અધિકારો પ્રાપ્ત થાય છે, જે કોઇ પણ સમાજની દરેક મહિલાને પણ મળે છે. મહિલાઓને આની જાણ છે ખરી? દર વર્ષે ૧૦મી ડિસેમ્બર ‘માનવ અધિકાર દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. માનવ અધિકારનો સરળ અર્થ એટલે દરેક મનુષ્ય પોતાના જીવનને ગૌરવવંતુ બનાવી શકે તેવા અધિકારો. ૧૯૪૮માં યુનાઇટેડ નેશન્સે માનવ અધિકારોનું વિશ્વવ્યાપી ધોરણે પાલન અને સન્માન થાય તે માટે ઘોષણાપત્ર તૈયાર કરેલો. મનુષ્યનો જન્મ થતાં જ માનવ તરીકે તેને કેટલાક જન્મસિદ્ધ અધિકારો આપોઆપ મળે, જે અધિકારો કોઇ આપી કે છીનવી શકતું નથી.
આવા અધિકારો માનવ અધિકારો તરીકે ઓળખાય છે અને આ અધિકારોને વિશ્વવ્યાપી અધિકારો તરીકેની સ્વીકૃતિ મળેલી છે. જેમાં જાતિ, જ્ઞાતિ, ધર્મ, લિંગ, ઉંમર, જન્મસ્થાન તેમ જ સામાજિક કે આર્થિક ભેદભાવ હોતો નથી. આ અધિકારોને રાષ્ટ્ર, ધર્મ, ભાષા, સંસ્કૃતિ કે નૈતિકતાના સીમાડા નડતા નથી. આ ઘોષણાપત્ર એટલે કે યુનિવર્સલ ડેકલેરેશન ઓફ હ્યુમન રાઇટ્સમાં સ્ત્રીઓના માનવઅધિકારોનો ખાસ ઉલ્લેખ છે. જેમાં મહિલાઓને સમાન હકો મળવા જોઇએ તેમ જણાવેલ છે. જેમાં મુખ્યત્વે સ્ત્રીઓ સામે થતા કોઇ પણ સ્વરૂપના અધિકારો માટે, ભેદભાવ સામે રક્ષણ, સ્ત્રીઓની ગુલામી, વેઠ પર નાબૂદી, સ્ત્રીઓના અનૈતિક વેપાર પર નિયંત્રણ, શ્રમિક મહિલાઓ અંગે ભૂગર્ભમાં કામ કરવા પર નિયંત્રણ, મહિલાઓને રાત્રે કામ કરવા પર પ્રતિબંધ, મહિલાઓને સમાન વેતન, રોજગાર અને વ્યવસાય સામે રક્ષણ અને મહિલાઓના રાજકીય અધિકારોનો સમાવેશ થાય છે. આપણા દેશમાં સ્ત્રીઓના અધિકારો અને રક્ષણ માટે શ્રમિક કાયદા, ભારતીય ફોજદારી ધારો, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, પુરાવા અધિનિયમ, કૌટુંબિક કાયદા, દીવાની કાયદા કે કાયદામાં ખાસ જોગવાઇઓ કરેલી છે. જુદા જુદા કાયદાઓની જોગવાઇઓ હેઠળ મહિલાનો દરજજો વધારવામાં આવ્યો અને મહિલાના રક્ષણ અને કલ્યાણ માટે પણ કાયદા થયા. મહિલાઓના રક્ષણ અને કલ્યાણને રાજ્યની ખાસ જવાબદારી ગણવામાં આવી છે. ભારતીય સંવિધાનની કલમ ૧૫(૧)માં ખાસ જોગવાઇ કરવામાં આવી છે કે રાજ્યએ કોઇ પણ કારણસર કોઇ સામે ભેદભાવ રાખવો નહીં અને રાજ્ય મહિલાઓ અને બાળકો અંગે ખાસ જોગવાઇઓ કરી શકશે અને આવી જોગવાઇથી ભેદભાવ થયો ગણાશે નહીં.
મહિલાઓના વિકાસ માટે તેમ જ કલ્યાણ માટે વિવિધ પ્રવૃત્તિઓને કાયદા દ્વારા મંજૂરી પણ અપાઇ છે. આપણી સર્વોચ્ચ અદાલતે એક કેસમાં જણાવ્યું છે કે જાતિના આધારે ભેદભાવ હોય તે મૂળભૂત સ્વતંત્ર અને માનવ અધિકારોનો ભંગ છે અને એવું પણ સૂચવ્યું કે સ્ત્રીના અધિકારો માનવ અધિકારોના અંતર્ગત ભાગ છે. માનવ અધિકારોની ખાસ અગત્યતા એ છે કે કોઇ પણ વ્યક્તિ બીજી વ્યક્તિથી ઉતરતી કે ચડિયાતી નથી. દરેક માનવીને ગૌરવપૂર્ણ રીતે જીવવાનો અધિકાર છે. આ અધિકાર સ્ત્રીનો પણ મૂળભૂત અધિકાર છે અને તેથી સ્ત્રી પર થતો ત્રાસ, યાતના, અમાનવીય અને અપમાનજનક વ્યવહાર એ માનવ અધિકારનો ભંગ છે. આપણા દેશમાં માનવ અધિકારો માટે એક ખાસ માનવ અધિકાર રક્ષણ ધારો ૧૯૯૩માં પસાર કરવામાં આવ્યો. તે ધારા નીચે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ પણ રચાયું છે. આ પંચ માનવ અધિકારોના ભંગની ફરિયાદોની પૂરી તપાસ કરવાની સત્તા ધરાવે છે. દરેક રાજ્યમાં રાજ્ય માનવ અધિકાર પંચ પણ રચાયા છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સમક્ષ કોઇ પણ વ્યક્તિ માનવ અધિકારના ભંગની ફરિયાદ કરી શકે છે અને પંચ તેની તપાસ કરે છે.
કોર્ટ સમક્ષ ચાલતા માનવ અધિકારના ભંગના કેસમાં દરમિયાનગીરી પણ કરી શકે છે. આ પંચ રાજ્યની જેલોની મુલાકાત લઇ ત્યાંના કેદીઓ અને અટકાયતીઓની સ્થિતિનો અભ્યાસ કરી ભલામણો કરી શકે છે. ખાસ કરીને માનવ અધિકારો અંગે માહિતીના પ્રસાર, પ્રચાર માટેના સંશોધનો અને પ્રકાશનોનો પંચના કાર્યોમાં સમાવેશ થાય છે. છેલ્લા દાયકામાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સમક્ષ અસંખ્ય ફરિયાદો થઇ છે. જેમાં પોલીસ કસ્ટડીમાં થયેલ મૃત્યુ, પોલીસ કસ્ટડીમાં થયેલ બળાત્કાર અને જુલમ, શાળામાં થતી જાતીય સતામણી, સામૂહિક બળાત્કાર, હુલ્લડમાં માર્યા ગયેલા વ્યક્તિઓ વગેરે જેવા કેસોનો સમાવેશ થાય છે. જ્યારે પંચને લાગે કે માનવ અધિકારનો ભંગ થયો છે અને જરૂર જણાય તો કોર્ટમાં પણ કાર્યવાહી કરી શકે છે. જો કોઇ સરકારી તંત્ર કે સરકારી નોકર દ્વારા માનવ અધિકારનો ભંગ થયો હોય તો તે અંગે કાનૂની કાર્યવાહી કરવાની પણ ભલામણ કરે છે. કોઇ વ્યક્તિ માનવ અધિકારના ભંગનો ભોગ બનેલી હોય તેને રાહત આપવા રાજ્ય સરકાર તેવી વ્યક્તિને મદદ કરે તેની ભલામણ કરે છે. જ્યારે માનવ અધિકારના ભંગનો કેસ બને તો તેની તપાસ, પૂછપરછ, અહેવાલ અને પછી રાજ્યનાં પગલાંની વિગતો પણ પ્રસિદ્ધ કરવાની રહે છે. આપણા રાજ્યમાં તો માનવ અધિકાર સેલ પણ છે. જે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અને રાજ્યની પોલીસ એજન્સી વચ્ચે મુખ્ય કડી તરીકે કામ કરી શકે તે માટે સ્થાપવામાં આવેલ છે. રોજ અસંખ્ય ફરિયાદો થાય છે, પરંતુ પ્રાપ્ત અહેવાલો બતાવે છે કે લોકોના માનવ અધિકારોનું રક્ષણ જે રીતે થવું જોઇએ એ રીતે થતું નથી. જે સમાજ પોતાના વધુ ને વધુ લોકોના માનવ અધિકારોને, વધુ ને વધુ સમય માટે, વધુ ને વધુ સંજોગોમાં, વધુ ને વધુ રક્ષણ કરતો હોય તે સુસંસ્કૃત સમાજ ગણાય છે. આપણે કાયદા લાવ્યા છીએ પરંતુ હજી માનવ અધિકારોના અમલીકરણમાં ઘણું કરવાનું બાકી છે. જ્યારે સમાજની સ્ત્રીઓ અને બાળકો શોષણરહિત, સમાનતાપૂર્વક, માનભેર, સ્વતંત્ર અને ગૌરવવંતી જિંદગી જીવતાં થશે ત્યારે આપણે ‘માનવ અધિકાર દિવસ’ને સાચા અર્થમાં મનાવી શકીશું.
અધિકાર : ડો.અમી યાજ્ઞિક, ધારાશાસ્ત્રી