હ્યુમન રાઇટ્સ એક્ટના મૂળ બીજા વિશ્વયુદ્ધ સુધી જાય છે. યુદ્ધ બાદ યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સ (માનવ અધિકારો અંગે યુરોપનું કરારનામું, જે ઘણીવાર ”ધ કન્વેન્શન” તરીકે ઓળખાય છે) નું લખાણ થયું જેમાં મહત્વપૂર્ણ પાયાના માનવ અધિકારોને રજૂ કરવામાં આવ્યા. આ કન્વેન્શન 2000 ની સાલમાં હ્યુમન રાઇટ્સ એક્ટ થકી બ્રિટિશ કાયદાનો ભાગ બની ગયો.
કન્વેન્શનમાં અધિકારો અલગ અલગ કલમ તરીકે રજૂ થયા છે. કન્વેન્શન લખાયા બાદ એમાં નવા પ્રોટોકોલ (રાજદ્વારી શિષ્ટાચાર) ઉમેરાયા છે. આમાંના મોટા ભાગના પ્રોટોકોલ પ્રક્રિયાને લગતા છે પણ તેમાંથી કેટલાંક કન્વેન્શનમાં નવા અધિકારો ઉમેરે છે.
કન્વેન્શન દેઠળના પોતાના અધિકારોનું હનન થયું છે (કાયદાની ભાષામાં “ભંગ થયો” કહેવાય) એવો જેનો દાવો હોય તેવા લોકોના કેસ હાથમાં લેવા માટે સ્ટ્રાસ્બર્ગમાંની યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્સની સ્થાપના થઈ હતી. આ કોર્ટ ઘણા કેસમાં એ નિર્ણય ઉપર આવી છે કે બ્રિટિશ સરકારે કન્વેન્શનનો ભંગ કર્યો છે. આવા કેસને લીધે આ દેશના કાયદાઓમાં મહત્વપૂર્ણ ફેરફાર દાખલ કરાયા છે.
કેસને સ્ટ્રાસ્બર્ગની કોર્ટમાં લઈ જવામાં લાંબો સમય લાગી જાય છે. સ્ટ્રાસ્બર્ગની કોર્ટમાં કેસને લઈ જતા અગાઉ લગભગ બધા કેસમાં તમારે આ દેશમાં જ હ્યુમન રાઇટ્સ કોર્ટનો ઉપયોગ કરી કાનૂની પગલા લેવા જોઇએ. કેસને સ્ટ્રાસ્બર્ગ ત્યારે જ લઈ જઈ શકાય જો આ દેશમાં હ્યુમન રાઇટ્સ એક્ટ હેઠળ તમે કેસ જીતી ના શકો.
કન્વેન્શનમાંના તમામ અધિકારો બ્રિટિશ કાયદામાં નથી આવતા ખાસ કરીને, કલમ 1 અને 13 તથા કેટલાક પ્રોટોકોલને હ્યુમન રાઇટ્સ એક્ટમાં નથી સમાવવામાં આવ્યા. જે જે અધિકારોને બ્રિટિશ કાયદામાં સમાવેલા છે તે કન્વેન્શન અધિકારો તરીકે ઓળખાય છે. કેટલાક અધિકારો જે પડતા મુકાયા હતા તે કદાચ પછીથી ઉમેરવામાં આવશે. કન્વેન્શન અધિકારો ઘણા વ્યાપક છે અને કાયદાના ઘણા ક્ષેત્રોને આ ધારો અસર કરેછે. હ્યુમન રાઇટ્સ એક્ટ કહે છે કે શક્ય હોય ત્યાં સુધી કાયદાનું અર્થઘટન અને અમલીકરણ કોર્ટે એ રીતે કરવું જોઇએ જેથી લોકોના કન્વેન્શન અધિકારોનું સંમાન જળવાય અને એને બંધબેસતું હોય.
હ્યુમન રાઇટ્સ એક્ટ એવું પણ કહે છે કે જાહેર વહીવટીતંત્રે લોકોના ક્ન્વેન્શન અધિકારોનું સંમાન જાળવવું જોઇએ. જાહેર વહીવટીતંત્રોમાં સરકારી વિભાગો, પોલીસ ખાતું, સ્થાનિક નગરપાલિકા (કાઉન્સિલ) અને બેનિફિટ્સ એજન્સી આવી જાય છે. કેટલીક સંસ્થાઓ ક્યારેક જાહેર વહીવટીતંત્રો લેખાય છે અને ક્યારેક નહીં. દાખલા તરીકે, કોઈ સુરક્ષા કંપની જ્યારે જેલખાતા માટે કામ કરી રહી હોય ત્યારે તે જાહેર વહીવટીતંત્ર ગણાય પણ જ્યારે ખાનગી સુરક્ષા કાર્ય કરી રહી હોય ત્યારે નહીં.
વિભિન્ન લોકોના અધિકારો વચ્ચે ક્યારેક ધર્ષણ થાય તો કોર્ટે આ અધિકારો વચ્ચે સંતુલન સાધવાનું રહે છે. ઉદાહરણ તરીકે, પશુ અધિકારો વિશે ચળવળ કરનારાઓ કદાચ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકાર (કલમ 10) અને સભા ભરવાના અધિકાર (કલમ 11) નો ઉપયોગ કરી એવી દલીલ કરે કે જે વૈજ્ઞાનિક પશુઓ પર પ્રયોગ કરે છે તેના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવા પોલીસે (એક જાહેર વહીવટીતંત્ર) છૂટ આપવી જોઇએ. વૈજ્ઞાનિક કદાચ પોતાના ખાનગીપણા અને ઘર પ્રત્યેના આદરના અધિકાર (કલમ 8) નો ઉપયોગ કરી વિરોધ બંધ કરાવવા પોલીસને સમજાવવાનો પ્રયાસ કરી શકે.
જો તમને લાગે કે જાહેર વહીવટીતંત્રે તમારા કન્વેન્શન અધિકારોનો ભંગ કર્યો છે (અથવા કરશે) તો તમે તેની સામે કોર્ટની કાર્યવાહી કરી શકો છો. તમારે બતાવી આપવું પડશે કે એ જાહેર વહીવટીતંત્રે જે કોઇ કર્યું અથવા કરવા ધારે છે તેની તમને અસર થઈ છે.
નીચેની બાબત લાગુ પડતી હોય તો તમે ‘જ્યુડિશ્યલ રિવ્યુ’ તરીકે ઓળખાતી કાર્યવાહી (ન્યાયિક સમીક્ષા) માટે અરજી કરી શકો છો :
જાહેર વહીવટીતંત્રે લીધેલા નિર્ણયને તમે પડકારવા માગતા હો; અથવા જાહેર વહીવટીતંત્રને કાંઇક કરવાનો અથવા કાંઇક કરતા અટકાવવાનો આદેશ કોર્ટ કરે એમ તમે માગતા હો.
ન્યાયિક સમીક્ષા હેઠળ, ન્યાયાધીશ તમારો કેસ હાથમાં લેશે અને જાહેર વહીવટીતંત્રે કાંઇ ગેરકાનૂની કૃત્ય કર્યું છે કે કેમ તે નક્કી કરશે. તમારે કાર્યવાહી સત્વરે શરૂ કરવાની રહેશે, અને મોડામાં મોડું તો વહીવટીતંત્રના જે નિર્ણય અથવા પગલાને તમે પડકારી રહ્યા હો તેના ત્રણ મહિનાની અંદર. તમને લાગતું હોય કે તમારા અધિકારોનો ભંગ થયો છે તો ન્યાયિક સમીક્ષાની શક્યતા વિશે જેમ બને એમ જલદી વકીલની સલાહ લઈ લેવી, કેમ કે કોઇ નિર્ણય યા પગલાને પડકારવા માટે ન્યાયિક સમીક્ષા એક અસરકારક માર્ગ છે, અને માત્ર નુકસાનીના દાવાને બદલે આમાં જાહેર ભંડોળ (લીગલ એઇડ)ની મદદ મળવાનો સંભવ વધારે રહે છે.
તમારા કન્વેન્શન અધિકારોનો ભંગ થયો હોય તે કારણથી તમે માત્ર વળતર જ ઇચ્છતા હો તો નુકસાની માટે દાવો કરી શકો છો. અધિકારોના ભંગ થયા બાદ એક વર્ષની અંદર તમારે કેસ માંડવો જોઇએ.
જો કોર્ટને એવું જણાય કે તમારા કન્વેન્શન અધિકારોનો ભંગ થયો છે તો એ તમને વળતર અપાવી શકે છે. પરંતુ જો તે નિર્ણય કરે કે તમારા અધિકારોનો ભંગ થયો એ બાબતની સ્પષ્ટતા થઈ એટલું જ પૂરતું છે તો તે કદાચ વળતર ન અપાવવાનું પણ નક્કી કરે. કન્વેન્શન અધિકારોના ભંગ બદલ મળતા વળતરની રકમ ખાસ્સી ઓછી હોય છે.
કોર્ટમાં તમે જાતે જ તમારો બચાવ કરી રહ્યા હો તો કન્વેન્શન અધિકારો પર તમે કદાચ મદાર રાખી શકશો. આ મોટે ભાગે ફોજદારી કેસમાં બને છે પરંતુ જો, ઉદાહરણ તરીકે, નીચેની બાબતો લાગુ પડે તો પણ બની શકે છે:
તમે કાઉન્સિલના ભાડૂત હો અને કાઉન્સિલ તમને ઘરમાંથી હટાવવાનો પ્રયાસ કરી રહી હોય; અથવા દેશનિકાલ થવાનો સામનો કરી રહેલ વસાહતી યા શરણાર્થી.
તમારા અધિકારોનો ભંગ થવા બદલ ઘણી વાર કોર્ટ કાંઇ પણ કરવા અસમર્થ હોય છે. હ્યુમન રાઇટ્સ એક્ટ કોર્ટને પાર્લામેન્ટના કાયદાની ઉપરવટ જવાની છૂટ આપતો નથી. લોકોના કન્વેન્શન અધિકારોનો આદર કરે યા એને બંધ બેસે એ રીતે પાર્લામેન્ટના અમુક કાયદાનું અર્થઘટન અને અમલીકરણ કોર્ટ ના કરી શકે તો તે ‘અસંગતતાનું નિવેદન’ જારી કરવા સિવાય બીજું કાંઇ ના કરી શકે. સરકાર અને સંસદ ત્યાર બાદ નક્કી કરે કે કાયદો બદલવો જોઇએ કે કેમ. પરંતુ એ ન બને ત્યાં સુધી કોર્ટે કાયદો જેમ હોય તેમનો તેમ જ લાગુ કરવો જોઇએ, ભલે તે કન્વેન્શનના અધિકારો સાથે બંધબેસતો ના હોય. કોર્ટ તમને કોઇ જ વળતર નહીં અપાવી શકે.
જો તમે આવી પરિસ્થિતિમાં મુકાઈ જાવ તો યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સ માં આવેદન કરવા અંગે વિચારવું જોઇએ, કારણ કે સ્ટ્રાસ્બર્ગમાંની આ કોર્ટ વળતર અપાવી શકે છે.
હ્યુમન રાઇટ્સ એક્ટ માત્ર એવી સંસ્થાઓ સામે કેસ કરવાની છૂટ આપે છે જે જાહેર વહીવટીતંત્ર હોય. મતલબ કે કોઇ વ્યક્તિ, દા.ત. કાઉન્સિલની નોકરીમાં હોય તો તે એમ્લોયર સામે કાર્યવાહી કરી શકે પણ કોઇ ખાનગી પેઢીમાં નોકરી કરનાર એમ ના કરી શકે.
આમ છતાં, વ્યક્તિઓ અને ખાનગી સંસ્થાઓ વચ્ચેના કેસ ઉપર આ ધારાની અસર પડે છે. તેનું કારણ એ છે કે હાલમાં કાયદાઓનું કોર્ટમાં અર્થઘટન અને એનો વિકાસ કઇ રીતે કરવા તે પ્રક્રિયાને એ નવી દિશા આપે છે. ખાનગી વ્યક્તિઓ અને સંસ્થાઓ તેમ જ જાહેર વહીવટીતંત્રો ઉપર અસર પાડે એવો ખાનગીપણાનો કાયદો ઘડવા અર્થે કન્વેન્શનની કલમ 8 (ખાનગી અને પારિવારિક જીવનના સંમાન માટેનો અધિકાર) નો ઉપયોગ કોર્ટ કરી જ રહી છે.
સ્ત્રોત : માનવઅધિકાર પંચ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020