આ લેખ ડૉ. તૃપ્તિ શાહ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેઓ વડોદરા સ્થિત 'સહિયર' (સ્ત્રી સંગઠન) સાથે સંકળાયેલાં છે, તેઓ ગુજરાતમાં અને ગુજરાત બહાર, પીડિત વર્ગોનાં આંદોલન ક્ષેત્રે સક્રિય કાર્યકર્તા છે. અહીં તેમણે 'The Sexual Harassment of Women at Workplace (prevention, Prohibition and Redressal) Act, 2013' વિશે મહત્ત્વની જોગવાઈઓ વિશે માહિતી આપી છે.
જાતીય સતામણી અને જાતીય શોષણથી સ્ત્રીના મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે. આ એક વ્યાપક સમસ્યા છે. કેટલાક અભ્યાસો મુજબ 40 ટકાથી 60 ટકા સ્ત્રીઓ કામના સ્થળે જાતીય સતામણી કે જાતીય શોષણનો ભોગ બને છે, પરંતુ આ એક એવો ગુનો છે કે જે ચૂપકીદીથી ચાદર હેઠળ ઢંકાયેલો રહે છે. જાતીય હિંસા એ સ્ત્રીને વ્યક્તિ નહીં, પરંતુ ચીજ કે વસ્તુ અને કુટુંબ કે સમુદાયની મિલકત માનવાની માનસિકતાનું પરિણામ છે. જાતીય હિંસાને ગુના તરીકે જોવાને બદલે તેને સ્ત્રીની ઈજ્જત સાથે જોડી દેવાની માનસિકતાને પરિણામે આ ગુનાનો ભોગ બનનાર સ્ત્રી માટે ન્યાય માંગવો ખૂબ મુશ્કેલ બની જાય છે.
કામના સ્થળે જ્યારે જાતીય હિંસા કે જાતીય શોષણ થાય ત્યારે એક વધારાની મુશ્કેલી એ આવે છે કે તે સ્ત્રીની રોજી-રોટી સાથે તેની આજીવિકા સંકળાઈ જાય છે. આવા સંજોગોમાં જો ન્યાય મળવાનું માળખું ન હોય તો સ્ત્રી પાસે નોકરી કે રોજગારી છોડી દેવી અથવા છોડી ન શકે તેવી મજબૂરી હોય તો ચૂપચાપ સહન કરવું એમ બે જ વિકલ્પો રહે છે. ભારતમાં પહેલી વાર આ વાતનો સ્વીકાર તા. 13-8-1997ના રોજ સુપ્રિમ કૉર્ટના - writ petition (criminal) nos. 666-70 of 1992, Vishaka & Ors. Vs State of Rajasthan & Ors.- વિશાખા જજમેન્ટ તરીકે જાણીતા ચુકાદામાં કરવામાં આવ્યો. આ ચુકાદાથી પ્રથમ વખત કામના સ્થળે થતી જાતીય હિંસાને કાયદાનું સ્વરૂપ મળ્યું અને આ જ ચુકાદામાં ભારતની સંસદને આ અંગે કાયદો બનાવવાની ભલામણ કરવામાં આવી હતી.
આ કેસ રાજસ્થાનમાં 'મહિલા વિકાસ કાર્યક્રમ'માં કામ કરતી સંઘર્ષશીલ મહિલા ભંવરીદેવીની લડતનું પરિણામ હતો. રાજસ્થાન સરકારના 'મહિલા વિકાસ કાર્યક્રમ'ના કાર્યકર તરીકે જ્યારે ભંવરીદેવીએ ગામમાં થતા બાળલગ્નોનો વિરોધ કર્યો ત્યારે ગામના મુખી સહિત વર્ચસ્વ ધરાવનાર જ્ઞાતિના આગેવાનોએ તેને પાઠ ભણાવવા તેની ઉપર સામૂહિક બળાત્કાર કર્યો.પ્રામાણિકપણે પોતાની ફરજ બજાવીને બાળલગ્નના કાયદાનું પાલન કરાવવાના પ્રયત્ન બદલ સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી આ સ્ત્રી-કાર્યકરને રાજસ્થાન સરકાર તરફથી કોઈ મદદ તો ના મળી, પરંતુ દિવસો સુધી તેના કેસમાં એફ.આઈ.આર. પણ નોંધવામાં ન આવી. રાજસ્થાન અને ત્યારબાદ દેશભરનાં સ્ત્રી-સંગઠનોના ટેકાથી આ કેસ ચાલ્યો. ભંવરીદેવીને ટેકો આપનાર 'વિશાખા' નામની સંસ્થાએ સુપ્રિમ કૉર્ટમાં કેસ દાખલ કર્યો અને માગણી કરી કે કામના સ્થળે થતી જાતીય સતામણી અને શોષણ રોકવાની જવાબદારી માલિકોની છે. આ કેસના ચુકાદામાં જાતીય સતામણી રોકવાનું માળખું અને ગાઈડલાઈન સુપ્રિમ કૉર્ટે જાહેર કર્યા અને તમામ કામનાં સ્થળોએ 'જાતીય સતામણી વિરોધી સમિતિ'ની રચના કરવા હુકમ કર્યો. આ વર્ષો દરમ્યાન સુપ્રિમ કૉર્ટના ચુકાદાનો અમલ ખૂબ ઓછા કામનાં સ્થળોએ કર્યો છે અથવા અધકચરો જ કર્યો છે.
ઉપરાંત, આપણા દેશમાં 90 ટકા કરતાં વધારે સ્ત્રીઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. તેમના માટે કામના સ્થળની વ્યાખ્યા અલગથી કરવી પડે. વિશાખા જજમેન્ટના અમલ માટેના પ્રયત્નો દરમ્યાન અનેક મુદ્દાઓ ધ્યાનમાં આવ્યા. તે અંગે દેશભરનાં સંગઠનોએ વખતો વખત ચર્ચાઓ કરી કાયદાના ખરડા બનાવ્યા અને તેને મંજૂર કરાવવા સરકારનાં વિવિધ ખાતાઓ, મંત્રીઓ સાથે મંત્રણા કરી, દબાણજૂથ ઊભું કર્યું, રજૂઆતો કરી, એમ સતત પ્રયત્નો બાદ આ કાયદો અસ્તિત્વમાં આવ્યો છે. આમ, ન્યાયી સમાજની રચના માટે “The Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal)” કાયદો - 2013 ખૂબ મહત્ત્વનો બની જાય છે.
“The Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal)” કાયદો - 2013માં વિશાખા જજમેન્ટની જેમ જ ભારતના બંધારણે બક્ષેલા 14 તથા 15 હેઠળના સમાનતાના અધિકાર, કલમ-21 હેઠળના ગૌરવપૂર્વક જીવન અને સ્વતંત્રતાના અધિકાર તેમ જ કલમ 19(1)(જી) હેઠળ કોઈ પણ વ્યવસાય કે ધંધો કરવાના મૂળભૂત અધિકારો ઉપરાંત, માનવ અધિકારોના જતન માટે ભારત સરકારે સહી કરેલા 'સીડો' - Convention on Elimination of All Forms of Discrimination Against Women (CEDAW) જેવા આંતરરાષ્ટ્રીય કરારોનો આધાર લેવામાં આવ્યો છે.
પ્રસ્તુત કાયદાની કલમ-2(એન)માં નીચે મુજબની અનિચ્છનીય વર્તણૂં૱કોનો સમાવેશ જાતીય સતામણીમાં કરવામાં આવ્યો છેઃ
(1) શારીરિક સંપર્ક/સ્પર્શ કરવો કે તેમ કરવાની કોશિશ કરવી.
(2) જાતીય સંબંધ બાંધવાની માગણી કરવી, તેમ કરવા દબાણ કરવું.
(3) જાતીય અર્થવાળી ટકોર કરવી. (સેક્સ્યુઅલ કલર્ડ રીમાર્ક)
(4) અશ્લીલ ચિત્રો, ફિલ્મો બતાવવાં.
(5) ઉપર જણાવેલી તમામ વર્તણૂં૱ક ઉપરાંત, શરીર દ્વારા, શબ્દો દ્વારા કે તે સિવાય ઈશારા વગેરે દ્વારા કરેલો કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય જાતીય વ્યવહાર, વર્તણૂં૱કનો જાતીય સતામણીમાં સમાવેશ થાય છે. ઉપરાંત, કલમ 3 (1) જાતીય સતામણી રોકવા માટેની જોગવાઈની સાથે 3 (2)માં જાતીય સતામણીની સાથે, જો નીચે મુજબના સંજોગો અસ્તિત્વમાં હોય તો તેને પણ જાતીય સતામણી ગણી શકાય તેમ જણાવેલું છેઃ
ક. રોજગારીમાં બીજા કરતાં વધારે સારો, ખાસ પ્રકારનો વ્યવહાર કરવાનો ગર્ભિત કે સ્પષ્ટ વાયદો કરવો.
ખ. રોજગારીમાં બીજા કરતાં વધારે ખરાબ વ્યવહાર કરવાની ગર્ભિત કે સ્પષ્ટ ધમકી આપવી.
ગ. હાલના કે ભવિષ્યના કામના દરજ્જાના સંદર્ભમાં ગર્ભિત કે સ્પષ્ટ ધમકી આપવી.
ઘ. કામમાં દખલગીરી કરવી, અથવા ડરાવી-ધમકાવીને કામનું પ્રતિકૂળ વાતાવરણ ઊભું કરવું.
ચ. અપમાનજનક વ્યવહાર કરવો કે જેથી તેના સ્વાસ્થ્ય કે સલામતીને અસર થવાની સંભાવના હોય.
કાયદાની કલમ 2(એ) મુજબ પીડિત સ્ત્રી એટલે કે કામના સ્થળના સંદર્ભમાં કોઈ પણ ઉંમરની સ્ત્રી કે જે ત્યાં કામ કરતી હોય કે ન હોય.... એટલે કે ગ્રાહક હોય કે અન્ય કોઈ કામ માટે આવેલી હોય તે તમામ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. કાયમી કામદાર, કૉન્ટ્રાક્ટના કામદાર કે ટ્રેનિંગ માટે આવેલી સ્ત્રી પણ ફરિયાદ કરી શકે છે.
કાયદાની કલમ 2(ઓ) મુજબ આ કાયદો
કાયદાની કલમ-4(2) મુજબ આ સમિતિના મુખ્ય અધિકારી સ્ત્રી હોવી જોઈએ અને ઓછામાં ઓછા 50 ટકા સભ્યો સ્ત્રીઓ હોય તે જરૂરી છે. તેમાં ઓછામાં ઓછી એક સભ્ય, એવી સ્વૈચ્છિક સંસ્થામાંથી હોય કે જેને જાતીય સતામણીના કેસમાં કામ કરવાનો અનુભવ હોય.
કાયદાની કલમ-5 હેઠળ દરેક જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હેઠળની સ્થાનિક ફરિયાદ સમિતિ બનાવવાની જોગવાઈ છે. કામના સ્થળે દરેક વહીવટી વિભાગ અને ઉપવિભાગમાં તેમ જ જિલ્લામાં, દરેક તાલુકા અને શહેરના દરેક વૉર્ડમાં નોડલ અધિકારી નિમવાની જોગવાઈ છે. કાયદામાં સ્થાનિક સમિતિની જોગવાઈ દ્વારા એ મહત્ત્વની માગણી સ્વીકારવામાં આવી છે કે જ્યારે માલિક કે વહીવટદાર પોતે જ જાતીય શોષણ કરે ત્યારે કામના સ્થળે બનેલી આંતરિક સમિતિ અસરકારક રહેતી નથી. ઉપરાંત, અનેક બહેનો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે, છૂટક કામ કરે છે. તેમના કામનું સ્થળ રોજેરોજ બદલાય છે. આવી અસંગઠિત ક્ષેત્રની બહેનો જે-તે વિસ્તારની સ્થાનિક સમિતિમાં ફરિયાદ કરી શકે છે. ઘર-નોકર તરીકે કામ કરનારી બહેનોના લાંબા સંઘર્ષ બાદ, અંતમાં તેમનો સમાવેશ પણ આ બીલમાં કરવામાં આવ્યો છે. તેઓ પણ આ કાયદા હેઠળ સ્થાનિક સમિતિમાં ફરિયાદ કરી શકશે.
• કાયદાની કલમ-5 મુજબ સરકાર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, કલેક્ટર કે ડેપ્યુટી કલેક્ટરની આ કાયદા હેઠળ ડિસ્ટ્રિક્ટ ઑેફિસર તરીકે નિમણૂંક કરશે.
• કાયદાની કલમ-6(1) મુજબ ડિસ્ટ્રિક્ટ ઑફિસર સ્થાનિક ફરિયાદ સમિતિ બનાવશે અને કલમ-6(2) મુજબ દરેક તાલુકા અને વૉર્ડમાં ફરિયાદ લેવા અને તેને જિલ્લાની સ્થાનિક સમિતિને પહોંચાડવા એક નોડલ ઑેફિસરની નિમણૂંક કરશે.
• કાયદાની કલમ-7(1) મુજબ ડિસ્ટ્રિક્ટ ઑફિસર, સ્થાનિક સમિતિની નિમણૂક કરશે: (ક) જેના ચેરપર્સન તરીકે જિલ્લાની જાણીતી સ્ત્રી કે જેણે સ્ત્રીઓના સવાલો અંગે કામ કર્યું હોય તેની નિમણૂ૱૱ક કરશે. તેમાં અન્ય સભ્યોમાં - (ખ) જે-તે જિલ્લા, તાલુકા કે વૉર્ડમાં કામ કરતી એક સ્ત્રી. (ગ) બિન-સરકારી સંસ્થાના બે સભ્યો જેમાંથી એક સ્ત્રી હશે, અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત જાતિ કે લઘુમતિ સમુદાયની એક સ્ત્રી-સભ્ય. (ઘ) જિલ્લાના, સ્ત્રીઓ અને બાળકોના વિભાગના સરકારી અધિકારી.
આ કાયદાની કલમ-19માં જાતીય સતામણીના બનાવો બને ત્યારે જ નહીં, પરંતુ તેને રોકવા માટેની, ન બને તે માટે જાગૃતિ કરવાની જવાબદારી, દરેક કામના સ્થળે માલિકો, વહીવટદારોને તેમ જ સરકારને આપવામાં આવી છે.
સંપર્કઃ સહિયર (સ્ત્રી સંગઠન), ઈમેઈલઃ sahiyar@gmail.com ફોનઃ 0265-2513482
સ્ત્રોત: વિચાર, ઉન્નતી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020