આંતરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ઉત્કર્ષ હેલ્થ કેર ફાઉન્ડેશન દ્વારા ગુજરાતની વિવિધ ક્ષેત્રની મહિલાઓને સત્કરવા માટે વીમેન એક્સેલન્સ એવોર્ડનું આયોજન કરાયુ હતું. જેમાં મેયર મીનાક્ષીબહેન પટેલ, જીસીસીઆઇની લેડિઝ વિંગના પૂર્વ ચેરમેન નયના પટેલ અને નિઓપોલિટન પિત્ઝા લિમિટેડના સીઇઓ આરતી પુરોહિત ખાસ હાજર રહ્યા હતાં.
લેખક અને કલાવિવેચક માટેનો એવોર્ડ સ્વીકારતાં એસ્થર ડેવિડે જણાવ્યું કે, ‘મહિલાઓ એકબીજાને સહકાર આપીને નારીત્વને સમૃદ્ધ કરશે તો સામાજિક સ્થિતિમાં જલ્દીથી બદલાવ આવશે, ત્યારે જ દરેક દિવસ વીમેન્સ ડે બની જશે. જ્યારે વૈજ્ઞાનિક અને સંશોધક પ્રોફેસર અમિતા દાસે કહ્યું કે, ‘મારી મા મારી પહેલી ટીચર બની રહી, તો મારી બહેને ઘરની બધી જ જવાબદારી ઉપાડી. જેથી હું મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. નવલકથાકાર અને કટારલેખક કાજલ ઓઝા વૈદ્યે જણાવ્યું કે, ‘મેં બારમાં બે પુરુષોને ડ્રિંકનો ગ્લાસ ઓફર કરતાં જોયા છે, પણ ક્યારેય કોઇ પુરુષને કોઇ બુક સ્ટોરમાં એક સ્ત્રીને પુસ્તક ઓફર કરતા નથી જોયા. સમાજની આ સ્થિતિ બદલાશે ત્યારે કોઇ બદલાવ શક્ય બનશે.
ગત ૨૬ જાન્યુઆરીએ ઇન્ડિયન એરફોર્સની રેજિમેન્ટને લીડ કરનાર સ્ક્વોડ્રન લીડર સ્નેહા શેખાવતે કહ્યું કે, ‘તમારું નસીબ તમારે જાતે જ ઘડવાનું છે. હવે કુંઠિત માન્યતાઓનો સમય બદલાયો છે, અને આજે અમારા જેવા યુવાનો કોઇ પણ પડકારને ઝીલવા માટે તૈયાર છે. ’ અનેક એવોર્ડ મેળવી ચૂકેલાં અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે કાર્યરત રુઝાન ખંભાતાએ કહ્યું કે,‘મને એવોર્ડ્ઝ લેવા બહુ જ ગમે છે, કારણ કે મને તેનાથી નવો ઉત્સાહ મળે છે. આજે મારો ગુસ્સો અને ફટકારને સહન કરતી મારી ટીમનો હું આભાર માનીશ.
આ પ્રસંગે જ્યુડી ફ્રેટરે એવોર્ડ સ્વીકારતાં કહ્યું કે, ‘હું છેલ્લા ૨૫ વર્ષથી કચ્છના ગામડાંની સ્ત્રીઓ સાથે કામ કરી રહી છું. તેમના અસ્તિત્વ સામે લડવાના જુસ્સાથી હું શીખી છું કે, ‘જો આપણી પાસે સપનું હશે તો સાકાર કરીશું જ.’
રાષ્ટ્રીય સ્તરે નં.૧ ટેનિસ પ્લેયર અંકિતા રૈના કહે છે, ‘મહેનત કરવા તૈયાર રહો અને પડકારો સામે મજબૂતીથી લડો કારણ કે હું માનું છું કે, જેટલું વધુ મજબૂત એટલું વધુ સુંદર.’ આ પ્રસંગે પોતાનો મત વ્યક્ત કરતાં આઇપીએસ ડૉ. કાનન દેસાઇએ જણાવ્યું કે, ‘સરકારે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાયદા ઘડ્યા છે, પણ હવે સ્થિતિ બદલવા માટે મહિલાઓએ જ હિંમતથી ખુલીને બોલવાની જરૂર છે.’ આ સન્માન પ્રાપ્ત કરતાં મોંઘીબેન મકવાણાએ સ્ત્રીના જીવનમાં સ્વતંત્રતા જેટલા જરૂરી શિસ્ત, શિક્ષણ અને કેળવણીને ગણાવ્યા હતા.
સ્ત્રોત: નવગુજરાત સમય , અમદાવાદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020