অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ભણીશું સ્ટ્રીટલાઇટના અજવાળે

ભણીશું સ્ટ્રીટલાઇટના અજવાળે

આજના સમયે શિક્ષણનું મહત્ત્વ ખૂબ વધી રહ્યું છે. માતા-પિતા પોતાનાં સંતાનોને ઉચ્ચ અને ઉમદા શિક્ષણ અપાવવા માટે તનતોડ મહેનત કરે છે. રૂપિયા કમાય છે અને રૂપિયા ખર્ચે છે. બાળકોને સારામાં સારી સ્કૂલ, ટયુશન કલાસ, ટ્રેન્ડી અને મોઘીં સ્ટેશનરી, સ્કૂલ ડ્રેસ , ખીસ્સાખર્ચી અને વ્હીકલ અપાવે છે. છતાંય કેટલાય છોકરાંઓ ઉંધે રવાડે ચઢી જાય છે. મા-બાપને સંતાનોના ખૂબ કડવા અનુભવો થાય છે. જે સંતાનની સુવિધા માટે તેઓ વ્હીકલ કે મોબાઇલ આપે તેનો તેઓ દુરૂપયોગ કરતા હોય છે. ચાલુ કૂલાસમાં તેઓ મેસેજની આપ-લે કરે છે અથવા તો બંક મારીને ફરવા ઉપડી જાય છે. ઘરમાં હોય ત્યારે ટીવી કે વિડીયોગેમમાં રચ્યાંપચ્યાં રહે છે.જોકે કયારેક કયારેક એવા દાખલા પણ મળી જાય છે જેને જોઇને આપણને પણ ગર્વ થવા લાગે છે. આવો જ દાખલો વડોદરાના એક કુટુંબના બાળકોનો છે. જેઓ ખૂબ જ ગરીબ છે પરંતુ ભણવાની તેમની ધગશ એટલી છે કે તે ભાઇઓ રોજ રાત્રે જાહેર રસ્તા પરની સ્ટ્રીટ લાઇટની નીચે આવીને ચોપડીઓ લઇને ભણવા બેસી જાય છે ! વર્ષો પહેલાં જ્યારે વિજળીની સુવિધા નહોતી, ત્યારે હોંશિયાર વિઘાર્થીઓ દીવા કે ફાનસના અજવાળે વાંચતા અને ડાઁકટર, એન્જિનિયર બનતતા. વડોદરાના આ બાળકોના આંખોમાં પણ આવાં જ અનેરાં સ્વપ્નો છે.

વડોદરા શહેરના મકરપુરા ડેરી રોડ તરસાલી આઇ.ટી.આઇ. તરફના વળાંક તેઓ રોજ સાંજે ૭ થી ૧૦ના વાગ્યે પોતપોતાનાં પુસ્તકો લઇને ભણે છે.

રસ્તા પર રાતના અંધારામાં ઝેરી જનાવર રખડતા હોય તેવા નિર્જન રસ્તા પર ઝળહળતી સ્ટ્રીટ લાઇટના સહારે શ્રમજીવી કુટુંબના ત્રણ બાળકો રોજ રાત્રે ૭ થી ૧૦ નિયમિત વાંચન કરતા નજરે પડે છે. આ બાળકોની માતા છાયાબેન અભણ છે. પણ પુત્રોને ભણાવવા પાદરાની એક અગરબત્તી ફર્મમાં જઇ અગરબત્તી વણવાનું કામ કરે છે.તે કહે છે કે,”હું ચાર દિવસે ઘેર આવીને ખર્ચો આપી જાઉં છું. મારા દીકરાઓ શ્રીનિવાસ ઉ.વ.૧૫, સુવાસ ઉ.વ.૧૩ અને ચંદુ ઉ.વ.૧૧. પ્રતાપનગર ખાતેની જીવનપ્રકાશ વિઘાલય અને મકરપુરાની પી.એમ. યાદવ શાળામાં ધો. ૯, ૮ અને ૭માં ભણે છે.” મોટા દીકરો શ્રીનિવાસ તો સવારે ભણી સાંજે આમલેટની લારી પર કામ કરે છે. નવાઇની વાત એ છે કે આ કુટુંબ છેલ્લા ૧૦ વર્ષથી જ્યાં રહે છે. તે ઝુંપડુ પણ સાપ અને અન્ય જાનવરોે ધરાવતો વિસ્તાર છે. છતાંયે ત્રણેય બાળકોને ભણવાની ઘણી જ હોંશ છે.

છાયાબેન કહે છે કે,”અમે મુળ મહારાષ્ટ્રના લાતુરના છીએ. ધરતીકંપ દરમ્યાન મારા પતિનો સ્વર્ગવાસ થઇ જતાં હું પુત્રોને લઇ વડોદરા આવી ગઇ હતી. અહીં હું અગરબત્તીના ધંધા સાથે જોડાઇ હતી.” પિતાના મોત અને લાતુરનું ઘર તુટી જતા કોઇ જ માલમિલ્કત કે રૂપિયો રોકડો આ કુટુંબ પાસે બચ્યો ન હોય નવેસરથી એકડો ઘુંટવાનું એકલી સ્ત્રીને માથે આવી પડયું છે. તેના ત્રણેય પુત્રોને સારૂ શિક્ષણ મળી રહે તે માટે શરૂઆતમાં મજુરી કરી તરસાલી રોડ પર ઝુંપડું બાંધીને રહેતી છાયાબેને ત્રણેય બાળકોને શાળામાં મુકયા હતા. ત્યારબાદ પોતે મજુરી કરવા પાદરા જતી હતી. પરંતુ બાળકોની સ્કુલ બદલી કરવાની ઝંઝટ શકય ન હોવાથી ભગવાન ભરોસે પોતાના બાળકોને સ્વનિર્ભર બનાવવા સમજણ આપી મજુરી કરે છે. મોટો પુત્ર શ્રીનિવાસ આજીવિકા માટે આમલેટની લારી પર કામ કરવું પડે છે. તે કહે છે કે,”ભણીશું તો જીવનમાં કંઇક કરી શકીશું. પરંતુ ઘરમાં લાઇટની સુવિધા જ નથી. તેથી રસ્તા પરની લાઇટમાં ભણવું પડે છે.”

તેનો નાનો ભાઇ સુવાસ કહે છે કે,”રાત્રે રોડ ઉપર ભણીએ ત્યારે માખી-મચ્છરો અને કૂતરાં હેરાન કરે છે. કૂતરાં સતત ભસ્યા કરે તો ભણવામાં ધ્યાન લાગતું નથી. પરંતુ હવે તો અમને આ બધાની ટેવ પડી ગઇ છે.” અત્યારે જ્યારે વડોદરામાં મહી નદીમાં પૂર આવ્યાં ત્યારે પણ આ બાળકો ભણવાનું જ વિચારતા હતા. તેઓ કહે છે કે,”પાણી ભરાયા હતા. પરંતુ પાણી ઉતરતા જ અમે પાછુ લાઇટના અજવાળે ભણવાનું શરૂ કરી દીધું હતું.” આ બાળકોને યોગ્ય પ્રોત્સાહન મળી રહે તો આવતીકાલના ઉતમ નાગરિક બની શકે. સ્ટ્રીટ લાઇટ નીચે ભણતા બાળકો રહેવા ખાવા પીવાના કે આવકની બાબતે અચોક્કસ છે. પરંતુ તેઓ ભણવા બાબતે ચોક્કસ છે.

સ્ત્રોત: માયગુજરાત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate