બાળકના સ્વીકૃત વર્તનની આપણે નોંધ લેતા નથી તેથી બાળકના ધ્યાન પર તે આવતું નથી. તેનું રીઇન્ફોર્સમેન્ટ થતું નથી. બાળકનું વર્તન બદલવાં શું કરવું જોઇએ..? ણાં મા-બાપની ફરિયાદ હોય છે કે મારું બાળક નિશાળેથી આવી લેસન કરતું નથી, પોતાની વસ્તુઓ ઠેકાણે મૂકતું નથી, પેન્સિલ-રબર નિશાળે ભૂલીને આવે છે, પોતાનાં રમકડાં બીજાને આપતું નથી, રોજ નહાતું નથી, પોતાનાં કપડાંનું ધ્યાન રાખતું નથી, નિશાળેથી કપડાં ખૂબ મેલા કરીને આવે છે, નાનાં ભાઇ-બહેનને મારે છે, સતત ટીવી જોયાં કરે છે, મોટા અવાજે બોલે છે, ઇત્યાદિ. બાળકનું વર્તન બદલવા શું કરવું? યાદ રાખીએ કે આપણે જે વસ્તુની નોંધ લઇએ છીએ, વારંવાર યાદ કરાવીએ છીએ તે બાબતે કાયમી થઇ જાય છે. મોટા ભાગનાં મા-બાપ બાળકના સ્વીકૃત વર્તનની નોંધ લેતાં નથી અને અસ્વીકૃત વર્તન થાય ત્યારે તેની નોંધ લેવાનું ચૂકતાં નથી. બાળક શાંતિથી રમતું હોય ત્યાં સુધી કોઇ તરફ ધ્યાન આપે, કોઇ એમ કહે કે, 'તું કેવું મજાનું શાંતિથી રમે છે!', 'તને રમવાની કેવી મજા આવે છે, નહીં'? પણ જેવું બાળક તોફાન કરે કે તરત આપણે કહીએ કે 'તોફાન કરીશ નહીં', 'અવાજ કરીશ નહીં'. જે નહીં કરવાનું કહીશું તે બાળક કરશે કારણ કે આપણે તેની નોંધ લીધી છે અને બાળકના ધ્યાન પર તે બાબત આવે છે. આને મનોવિજ્ઞાનની ભાષામાં 'રિઇન્ફોર્સમેન્ટ' કહે છે. બાળકનાં સ્વીકૃત વર્તનની આપણે નોંધ લેતા નથી તેથી બાળકનાં ધ્યાન પર તે આવતું નથી. તેનું રિઇન્ફોર્સમેન્ટ થતું નથી. બાળક માત્ર એટલું જાણે છે કે તે અસ્વીકૃત વર્તન કરી શકે છે, સ્વીકૃત વર્તન કરવા તે સક્ષમ છે તેની તેને ખબર પડતી નથી. ઘણી વખત તો મા-બાપ નકારાત્મકતાની દિશામાં એક ઔર મજબૂત કદમ માંડે છે. બાળકને 'તોફાન કરીશ નહીં' તેમ કહેવાને બદલે કહે છે, 'તું તોફાની છે', 'તારાથી શાંત બેસાતું નથી' તેમ કહે છે. આમ બાળક અમુક સમયે તોફાન કરે છે એવું નહીં તે તોફાની વ્યકિત છે તેવું કહે છે. બાળકને તોફાનીનો બિલ્લો લાગી જાય છે. તેમાંથી નીકળવાનું બાળક માટે લગભગ અશકય બની જાય છે. યોગ્યવર્તન શીખવવાની સાચી રીત: બાળકનાયોગ્ય વર્તનની નોંધ લેવી તે યોગ્ય વર્તન શીખવવાની સાચી રીત છે. સામાન્ય અયોગ્ય વર્તન અવગણવાં અને તદ્દન અસ્વીકૃત વર્તન બાબતે સ્વીકૃત વર્તન શું છે તે યાદ દેવડાવવું, સમજાવવું. દા.ત. બાળક તોફાન કરતું હોય ત્યારે કહી શકાય, 'બેટા, શાંતિથી રમવાની વધુ મજા આવશે', 'શાંતિથી રમવાથી તારાં રમકડાં તૂટશે નહીં અને તને તે લાંબા સમય સુધી રમવા મળશે.' બાળક કોઇ બાબતમાં સતત અયોગ્ય વર્તન કરતું હોય તો પણ તે એક વખત પણ યોગ્ય વર્તન કરે તો તેની અવશ્ય નોંધ લો. દા.ત. બાળક કાયમ માટે પોતાની વસ્તુઓ ગમે ત્યાં નાખી દેતું હોય તો પણ જો તે એક વખત પોતાની વસ્તુઓ ઠેકાણે મૂકે ત્યારે તેની અવશ્ય નોંધ લો. 'અરે વાહ! તે તારી વસ્તુઓ ઠેકાણે મૂકી છે. કેવી સરસ લાગે છે! ભાઇ, તને તો આવડી ગયું.' તમારી ભાષા જુઓ. ઘણી વાર આપણે શાબાશી આપતી વખતે પણ તેની કુટેવની યાદ દેવડાવવાનું ચૂકતા નથી. દા.ત. 'તે પહેલી વાર તારી વસ્તુ ઠેકાણે મૂકી! હવે રોજ મૂકજે, પહેલાંની જેમ ગમે ત્યાં ફેંકતો નહીં.' તેણે કરેલા સારા વર્તનની શાબાશી નથી. આમ કરીને આપણે તેના અસ્વીકૃત વર્તનની ટેવને યાદ કરાવીએ છીએ. જાણે કે વખતે વસ્તુ ઠેકાણે મૂકી તે તેનાથી ભૂલથી થઇ ગયું હોય, તે એક અપવાદ હોય. આપણે રીતે કરીએ ત્યારે બાળક યોગ્ય વર્તન કરવા સક્ષમ છે તેવું તેને યાદ કરાવવાની તક ચૂકી જઇએ છીએ એટલું નહીં તે અયોગ્ય વર્તન કરનારી વ્યકિત છે તેવો સિક્કો તેના ઉપર મારીએ છીએ. બાળવર્તનની વધુ ચર્ચા આવતા અંકે કરીશું. (ક્રમશ:) parentingforpeace1@ gmail.com પેરેન્ટિંગ ફોર પીસ ડૉ. કમલેશ પારેખ
|