অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળકના સર્વાંગી વિકાસમાં વાલીની ભૂમિકા

બાળકના સર્વાંગી વિકાસમાં વાલીની ભૂમિકા
 • ઘર એ મકાન નથી. અનાથાશ્રમ નથી. વાત્સલ્ય ધામ છે. ઘરમાં બાળકોને વાત્સલ્યનો અહેસાસ થવા દઈએ.
 • ઘરને બાલમંદિર બનાવીએ.
 • બાળકોને અપેક્ષાઓના બોજ નીચે ન કચડીએ. ‘મારું બાળક દેખાવમાં સારું હોય, સ્માર્ટ હોય, ડાહ્યુંડમરું હોય, બુદ્ધિશક્તિમાં ચડિયાતું હોય, બીજા પાસે તેનો વટ પડે, બીજા બાળકથી મૂઠી ઊંચેરું હોય’-એવી અપેક્ષાઓ ન રાખીએ. આવી અપેક્ષાઓ બાળકની અસલિયતના વિકાસમાં અવરોધક બને છે.
 • બાળકના વર્તન-વ્યવહારનું નિયંત્રણ ભયથી ન કરીએ. પ્રેમ અને સ્વીકાર નિયંત્રણના ઉત્તમ રસ્તા છે.
 • ઘરમાં બાળકો વચ્ચેના ઉછેરમાં સહેજ પણ પક્ષપાત ન રાખીએ. ઓછી શક્તિ ધરાવતાં બાળકો અંગે ચિંતાજનક વાતો ન કરીએ.
 • બાળક પ્રત્યેના નકારાત્મક અભિગમથી બચીએ. ‘આમ ન કર’, તેમ નહિ કહેતાં, ‘કેમ કરવું’ તે બતાવીએ.
 • રોક-ટોક કે શિક્ષા ન કરીએ પરંતુ સ્વાતંત્ર્ય આપીએ.
 • બાળકના સારા કામની અને પ્રત્યેક સફળતાની પ્રશંસા કરીએ, કદર કરીએ.
 • બાળકના વ્યક્તિત્વને પૂર્ણ તરીકે સ્વીકારીએ.
 • ‘બીજા શું ધારશે ?’ એ ખ્યાલે બાળકના વર્તન વ્યવહારને ન ઘડીએ. શું ઇચ્છનીય છે તેને મહત્વ આપીએ.
 • ઘરમાં થતા બીજા બાળજન્મને તેનાથી મોટેરા બાળકને સન્માન આપી ઊજવીએ. નવા બાળકને વધુ મહત્વ ન આપીએ.
 • બાળકની અંત:તૃપ્તિ માટે પૂરતી તકો આપીએ.
 • બાળકોને પુષ્કળ સમય આપીએ.
 • બાળકને ઘરમાં સ્થાન આપીએ. તેની પસંદગીની પણ દરકાર કરીએ.
 • તેની કુતૂહલવૃત્તિને સંતોષીએ, માર્ગ આપીએ, અવકાશ આપીએ, બાળકની જિજ્ઞાસાને થપ્પડ મળે છે ત્યારે તેની અંદરના એક નાનકડા વિજ્ઞાનીનું બાળમરણ થતું હોય છે.
 • બાળકની હાજરીમાં બંને જણ (પતિ-પત્ની)નો ઝઘડો બાળકમાં ચિંતા અને બિનસલામતી પેદા કરે છે.
 • બાળકના મિત્રોને ઘરમાં આવકારીએ.
 • બાળકને માલિકીની વસ્તુ ન ગણીએ. તમે ઇચ્છો ત્યારે તેણે તે જ પ્રકારે કરવું જોઈએ તેવો આગ્રહ ન રાખીએ.
 • બાળકને આપેલું વચન પાળીએ.
 • બાળકને બધી જ વસ્તુઓ તુરત ન આપીએ, થોડો વિલંબ સહન કરતાં શીખવીએ.
 • પ્રેમ અને લાડ વચ્ચેનો તફાવત સમજીએ. વધુ પડતાં લાડ લડાવવાનાં માઠાં પરિણામો સમજીએ.
 • બાળક સાથેના વહેવારમાં જરૂર પડે ત્યાં દ્રઢતા રાખીએ. દ્રઢતા એ ક્રૂરતા નથી.
 • બાળકોની સર્જકતાને સંકોરીએ. સર્જકતાની ક્ષણને પકડીએ.
 • ધીરજ રાખીએ. બાળકનો ઉશ્કેરાટ કે કજિયો ઘડીકમાં શાંત પડી જતો હોય છે. તોફાન અને ઝઘડા પણ.
 • ઘરનાં બે બાળકોના ઝઘડામાં વચ્ચે કૂદી ન પડીએ. તેમને તેમના અધિકાર માટે લડવા દઈએ. ઝઘડો તમારી કોર્ટમાં આવે ત્યારે ન્યામુક્ત ફેંસલો આપીએ.
 • અન્યને મારતો અટકાવવા તેને મારીએ નહિ. જોરથી બોલતો તેને અટકાવવા આપણે રાડો પાડીએ નહિ. જે અટકાવવું છે તે કરવાથી આપણે અલગ રહીએ.
 • બાળકોના આવવા જવા અંગે આપણે બહુ ચિંતા ન સેવીએ. ચિંતા અને કાળજી બંને અલગ બાબતો છે.
 • બાળકની નિષ્ફળતાને ઉતારી ન પાડીએ. તે ભોંઠપ ન અનુભવે તેનું ધ્યાન રાખીએ. તે પોતાને હીન માનતો થઈ જાય તેવા વર્તન વ્યવહારથી દૂર રહીએ. તેની નિષ્ફળતાની ચર્ચા કરીએ, શું કરવું જોઈતું હતું તે અંગે ચર્ચા કરીએ.
 • બાળક માંગે નહિ ત્યાં સુધી મદદ ન કરીએ. તેને સ્વાવલંબી બનવાની ઝંખના હોય છે. સમય બગડવાની બીકે તેનું કામ આપણે કરી ન આપીએ. તેના પોતાના કામાં થતો વિલંમ સહન કરીએ.
 • બીજા સમવયસ્ક સાથીદારોની હાજરીમાં તેને ઉતારી ન પાડીએ.
 • બાળક પરમાત્માની પ્રાસદી છે એમ માનીને તે જેવું છે તેવું સ્વીકારીએ.
 • બાળકની નિષ્ફતા, વર્તન, વિકૃતિ માટે આપણે હંમેશાં આપણી જાતને દોષિત ન માનીએ. તેની પાછળ ઘણાં પરિબળો ભાગ ભજવતાં હોય છે.
 • બાળકમાં શ્રદ્ધા રાખીએ. તેના આત્મવિશ્વાસને વધારવાનો એ ઉત્તમ માર્ગ છે.
 • બાળકના પ્રત્યેક તોફાનને ‘તોફાન’નું લેબલ ન મારીએ. કેટલીક દોડધામ, ચડ-ઊતર, ઠેકંઠેક વિકાસની પ્રક્રિયા માટે અનિવાર્ય હોય છે.
 • બાળકની ભૂલથી થયેલો અપરાધ, જાણી જોઈને કરાયો છે તેવું ન માનીએ. નિર્દોષ અને સદોષ વર્તનને સમજવા વિવેક રાખીએ. ‘મને ખબર જ હતી કે આમ થશે’ – એ પરંપરાગત હથિયારને હેઠું મૂકીએ.
 • બાળકની ઇચ્છાઓને ઉછેરીએ, તેના વ્યક્તિત્વનો અને અસ્તિત્વનો સ્વીકાર કરીએ.
 • બાળકની ‘ના’નો પણ સ્વીકાર કરીએ.
 • આપણી સગવડ ખાતર તેને નાનો-મોટો ન બનાવીએ.
 • બાળકોની જાતીય વર્તણૂકને ગંભીર ન ગણતાં હળવાશથી જુઓ.
 • બાળકની પાસે ઉદારતાની અપેક્ષા ન રાખીએ.
 • બાળકના શિક્ષણની શરૂઆત તેની માતાના ખોળામાંથી જ થાય છે. તેથી તેમને માતાનો ખોળો આપજો પોતે આધુનિક બનીને આયાનો નહીં.
 • ભારત કદાચ એવો દેશ હશે જ્યાં લોઅર કે.જી. કક્ષાનું શિક્ષણ બાળકોને પોતાની માતૃભાષામાં આપવામાં આવતું ન હોય તેનો પણ થોડો વિચાર કરીએ.
 • પક્ષીઓ પોતાનાં બચ્ચાંને પાંખની તાકાત જોઈને એનો સમય આવે ત્યારે ઊડતાં શીખવે છે. તેવી જ રીતે આપણે આપણાં બાળકોની ક્ષમતા જોઈને શીખવવું જોઈએ. તેની ક્ષમતા કરતાં વધારે અને જલદી શીખવવામાં આપણે જાણે-અજાણે ગુનો કરી રહ્યા છીએ તેનો ખ્યાલ રાખજો.
 • તમે તમારાં બાળકોને એ શીખવજો કે રમત-ગમતમાં પણ કોઈ જીવ પ્રત્યે નિર્દય ન બને. કોઈ પક્ષી કે પ્રાણીને પાંજરામાં પૂરી ખુશ ન થાય.
 • તમારાં બાળકોને નોકરો સાથે હલકા પ્રકારનું કે તિરસ્કાર કરવાનું કદી શીખવશો નહીં.
 • બાળકો ભણીગણીને વિદ્વાન થાય, વકીલ થાય, દાક્તર થાય કે ઇજનેર થાય એ સારી વાત છે, પણ એ સજ્જન થાય એ અતિ મહત્વની વાત છે.

લેખ : ડો. પ્રવીણભાઈ શાહ

(સાદર ઋણસ્વીકાર : ‘માતૃમહિમા’માંથી)

સ્ત્રોત: માયગુજરાત© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate