অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળ ઘડતર થકી વિશ્વશાંતિની દિશામાં - પેરેન્ટિંગ ફોર પીસ

બાળ ઘડતર થકી વિશ્વશાંતિની દિશામાં - પેરેન્ટિંગ ફોર પીસ

વ્હાલા મિત્રો,

બાળક ખૂબ જ પ્રભાવક્ષમ હોય છે. બચપણમાં તે જે અનુભવે છે તે શીખે છે. બચપણમાં તે પ્રેમ અને આનંદ અનુભવે તો મોટુ થઇને તે પ્રેમાળ અને આનંદિત વ્યક્તિ તરીકે સમાજમાં પ્રેમ, આનંદ અને શાંતિ ફેલાવે છે. બચપણમાં તે પ્રતિક્રિયા કે હિંસાનો અનુભવ કરે તો મોટા થઇ સમાજમાં હિંસા અને અશાંતિ વધારે છે.

બચપણમાં કઠોર વ્રતધારી માતા પાસેથી ગાંધીજી વ્રત, ઉપવાસ અને પ્રતિજ્ઞાનું બળ શીખે છે. નોકરાણી રંભા પાસેથી રામનામ શીખે છે જે છેલ્લા શ્વાસ સુધી ટકે છે બચપણમાં જોયેલ સત્યવાદી રાજા હરિશ્વંદ્રનુ નાટક તેમને સત્યના પૂજારી બનાવે છે. આથી જ કડામાંથી સોનાની ચોરી પછી સામાન્ય રીતે અવ્યવહારુ લાગતો સત્યનો માર્ગ અપનાવી પિતા સમક્ષ કબૂલાત કરે છે. એ વખતના પિતાના વર્તનથી તેઓ અહિંસાનો પદાર્થ પાઠ શીખે છે અને આજીવન અહિંસાના પૂજારી બને છે.

“ પક્ષી કઇ રીતે ઉડે છે ? ” તે શીખવનાર નવમા ધોરણના વિજ્ઞાન શિક્ષક પાસેથી નાનકડો કલામ આકાશમા ઉડવાનું સપનું પામે છે અને પરિણામે આપણને પ્રખર અવકાશ વૈજ્ઞાનિક પ્રાપ્ત થાય છે. તેમની આત્મકથા “અગનપંખ” વાંચશુ તો આ ઓલિયા રાજપુરુષનાં સંસ્કાર બીજ બચપણમાં જ જોવા મળશે.

આ બે મહાપુરુષોની જ વાત નથી. આ સૌને લાગુ પડે છે. આપ અને હુ આજે જે કંઇ છીએ તેના બીજ તો બાળપણમાં જ વવાઇ ગયેલાં હતાં. મનોવૈજ્ઞાનિકો સંમત થશે કે કોઇપણ અપવાદ વિના આ વાત સાચી છે.

બાળપણ આટલુ મહત્વનું છે તેની આપણામાંથી મોટા ભાગનાને ખબર હોતી નથી. પરિણામે મોટા ભાગનાં બાળક અસંખ્ય પીડાજનક અનુભવોમાંથી પસાર થાય છે. અને તેમાંય તેનુ વ્યક્તિત્વ ઘડાય છે. આવી વ્યક્તિ સમાજમાં હિંસા, પીડા, શોષણ, ભેદભાવ જેવી નકારાત્મક બાબતો જ ફેલાવી શકે અને તેથી જ આપણા જાણીતા શિક્ષણવિદ સ્વ.મનુભાઇ પંચોળી, “દર્શક” બાળ ઉછેરને “વિશ્વશાંતિ ની ગુરુકિલ્લી” કહે છે.

આ સંદેશો દરેક માબાપ, શિક્ષકો, વડીલો અને ખાસ કરીને માબાપ થવાના હોય તેવાં યુગલોને પહોંચે તેવી આ અભિયાનની નેમ છે. આ હેતુથી જ અભિયાનમાં જેડાએલ મિત્રો પોતાની વ્યવસાયિક જવાબદારીઓની વચ્ચે પ્રતિબધ્ધતાપૂર્વક પ્રયાસરત છે. આ મિત્રો અભિનંદનના અધિકારી છે.

આ વિચારમાં માનનાર અસંખ્ય લોકો આ વિશ્વમાં છે. તેઓ અમારી જેમ જ અને ઘણા બધા તો અમારા કરતાં પણ વિશેષ પ્રયત્નો આ દિશામાં કરી રહ્યા છે. તેઓ સંગઠિત થાય, તેઓને એકબીજાને સહાયભૂત થાય અને વધુ નક્કર કામ થાય, તેઓનો અવાજ વધુ સ્પષ્ટ રીતે લોકોને સંભળાય, સંસ્કૃતિની સૌથી મહત્વની અને પાયાની બાબતમાં વ્યાપ્ત અંધારુ ઉલેચાય અને અજવાળુ પથરાય તે હેતુથી આ “સેતુ” સંમેનલમાં આપણે સૌ એકઠા થયા છીએ.

અમારુ આમંત્રણ સ્વીકારી આપ સૌ આવ્યા, હેતુપૂર્વક સામેલ થયા તે માટે આપ સૌનો આભારી છુ.

એ ન ભૂલીએ કે કોઇપણ આંદોલન સાચી સફળતા ત્યારે જ પ્રાત્પ કરે છે જ્યારે તેનુ નેતૃત્વ જેણે શરુ કર્યુ હોય તેના હાથમાં ન રહે. મહત્વ છોડીએ અને બીજા લોકોને નેતૃત્વ આપીએ, આપણાથી સક્ષમ નેતૃત્વ તૈયાર કરીએ.

આશા છે કે આપણા કરતાં પણ વધુ દ્રઢતા અને પ્રતિબધ્ધતાપૂર્વક આ અભિયાનને આગળ ધપાવી શકે તેવા અનેક નેતાઓ તૈયાર કરી સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ બાળકોનું બાળપણ પ્રેમ અને આનંદભર્યુ બને તે દિશામાં આપણે સૌ સફળ થઇશુ.

ઇશ્વરનાં પ્રતિનિધિ એવા બાળકોના જ આશીર્વાદ માગીએ.

સર્વાંગી બાળ રક્ષણ યોજના વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આભાર સહ

હસમુખ પટેલ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate