બાળ સંરક્ષણ ગૃહ એ બાળકો માટેની ટૂંકા ગાળાની સંભાળ રાખતી સંસ્થા છે. જયાં બાળકોને સામાન્ય શિક્ષણ તાલીમ આપી ટૂંકાગાળામાં જ તેમનું પુનઃસ્થાપન કરવામાં આવે છે. તેઓના વસવાટ દરમ્યાન મફત ભોજન, કપડાં/બિસ્તર તથા રમત-ગમત, તબીબી સવલત અને મનોરંજનની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.
ગુજરાત રાજયમાં ૦ થી ૬ વર્ષની ઉંમરનાં અનાથ, નિરાધાર બાળકોને વહેલી તકે પુનઃસ્થાપિત કરવા માટે જરૂરીયાતમંદ વાલીઓ કે જેમને પોતાના બાળકો નથી. તેવા દંપતિઓને આ અનાથ બાળકો ઉછેર/દતકમાં આપવામાં આવે છે. રાજયમાં કુલ-૯ સરકારી સંસ્થા અને ૧૦ સ્વૈચ્છિક સંસ્થાઓ આવા અનાથ બાળકોને દેશમાં તથા ૪ સ્વૈચ્છિક સંસ્થાઓને પરદેશમાં બાળકોને દત્તક આપવાની કામગીરી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા તથા ભારત સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલ છે. સમગ્ર દેશમાં નિયંત્રણ રાખવા માટે સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટીની રચના ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ છે.
સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટી "કારા" દ્વારા તથા નામદાર સુપ્રિમ કોર્ટ તેમજ નામદાર હાઈકોર્ટ દ્વારા વખતોવખત આપવામાં આવેલ માર્ગદર્શક સુચનાઓ મુજબ ઉછેર/દત્તકની કામગીરી હાથ ધરાય છે. બાળકને ઉછેરમાં લેવા ઈચ્છનાર અરજદાર દંપતિની આર્થિક,કૌટુંબિક, સામાજિક, વૈઘકિય, શૈક્ષણિક વગેરે તમામ પાસાઓની ચકાસણી કરી બાળકોનો યોગ્ય ઉછેર કરવા માટે અરજદાર દંપતિ યોગ્ય છે કે કેમ ? તે ઘ્યાને લઈ ચાઇલ્ડ વેલ્ફેર કમીટીના આદેશથી બાળકોને ઉછેરમાં આપવામાં આવે છે. ત્યારબાદ હિન્દુ એડોપ્શન એકટ અથવા ગાર્ડીયન એન્ડ વોર્ડઝ એકટ અથવા જુવેનાઈલ જસ્ટીસ એકટ ૨૦૦૦(સુધારો ૨૦૦૬) હેઠળ દત્તક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
સંસ્થા માથી મુકત થતા બાળકોને સ્વરોજગાર મળી રહે તે માટે સાધન સહાય ની યોજના અમલમા છે. આ યોજનામા રૂા. ૧૦,૦૦૦ સુધીની કિંમત ની મર્યાદામા બાળકે મેળવેલ તાલીમને અનુરૂપ સાધન સ્વરૂપે સહાય આપવામા આવે છે.
સંસ્થામા ઉછરતા અનાથ બાળકો કે જેઓ ઉચ્ચ શિક્ષણ પ્રતિ રૂચી દર્શાવતા હોય તેઓને પ્રોત્સાહન આપવા માટેની યોજના છે.એસ.એસ.સી અને તે પછીના ઉચ્ચતર શિક્ષણ માટેની અરજી સમાજ સુરક્ષા ખાતા દવારા ચકાસી મંજુર કરવામાં આવે છે.
એચ.આઇ.વી. પોઝીટીવ એઇડસ ને કારણે અનાથ નિરાધાર થયેલ બાળકોને આશ્રય શિષ્યવૃતિ આપવા નવી બાબતની વહિવટી મંજુરી મળેલ છે. બાળક અથવા તેના માતાપિતા અથવા બંન્ને એચ.આઇ.વી પોઝીટીવ થી પિડાતા હોવાનુ સિવીલ હોસ્પીટલ કે , ગુજરાત એઇડસ કંટ્રોલ સોસાયટીનુ પ્રમાણ-પત્ર રજુ કરેથી સહાય મળવાની છે. બાળકે શાળાના આચાર્યશ્રીનુ તથા દર વર્ષે ઉતિર્ણ થવા હોવા અંગેનુ પ્રમાણ-પત્ર રજુ કરવાનુ રહેશે. (ઠરાવની નકલ સામેલ છે.)
શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, જામનગરના દત્તક આપવા યોગ્ય બાળકોની વિગત માટે અહિં ક્લીક કરો
આ સંસ્થાઓમાં બહેનો સાથે આવેલ ૦ થી ૬ વર્ષના બાળકોને સંસ્થાની સાથે જ શિશુગૃહ વિભાગમાં રાખવામાં આવે છે ચાર નારી સંરક્ષણ ગૃહોમાં આવી સવલત અપાય છે તેમજ છ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ગ્રાન્ટ ઇન એઇડના ધોરણે શિશુગૃહો ચલાવવામાં આવે છે.
સરકારી સંકુલમાં નોકરી કરતી બહેનોના ૦ થી ૫ વર્ષની વયના બાળકોની કચેરીના કામકાજ સમયમાં સંભાળ માટે આ યોજના સને ૧૯૮૧થી અમલમાં છે. બાળકોને દુધ, હળવો નાસ્તો, રમકડાં વિગેરે અપાય છે. આ યોજના હેઠળ સ્વૈચ્છિક ધોરણે હાલ કુલ સાત ઘોડિયાઘર ગાંધીનગર-૩, અમદાવાદ-૧, ભાવનગર-૧, વલસાડ-૧, રાજકોટ-૧ સરકારી સંકુલમાં કાર્યરત છે. દરેક ઘોડિયાઘરમાં ૩૦ બાળકો માટેની સુવિધા ઉપલબ્ધ છે.
૦ થી ૩ વર્ષના બાળકો માટે રૂ. ૫૦ ને ૩ થી ૫ વર્ષના બાળકો માટે રૂ. ૧૦૦ ફીનું ધોરણ છે. વર્ગ-૪ના કર્મચારી માટે ફી લેવાની રહેતી નથી.
આ યોજના હેઠળ અનાથ, નિરાધાર, ઉપેક્ષિત બાળક-બાળાઓને આશ્રય આપી તેઓને યોગ્ય શિક્ષણ અને તાલીમ આપી સમાજમાં પુનઃસ્થાપિત કરી શકાય તે માટે કુલ ૧૩ અનાથ આશ્રમ રાજ્યમાં કાર્યરત છે. આ સંસ્થાઓ સ્વૈચ્છિક ધોરણે ચાલે છે. સંસ્થામાં બાળકોને શૈક્ષણિક અને વ્યવસાયિક તાલીમ અપાય છે તેમજ સામાન્ય શાળાઓમાં અભ્યાસ અર્થે મોકલાય છે. સંસ્થામાંથી છુટતા અંતેવાસી બાળકોને ઉચ્ચતર અભ્યાસ માટે છુટયા પછી અભ્યાસ ચાલુ હોય તો સ્નાતક, અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ સુધી રૂ. ૧૬,૦૦૦/- સુધીની વાર્ષિક શિષ્યવૃત્તિ અપાય છે એટલું જ નહીં અંતેવાસીઓના પુનઃસ્થાપન માટે ઉઘોગના સાધનો ખરીદવા માટે રૂ. ૧૦,૦૦૦/- સુધીની આર્થિક સહાય તેમજ અનાથ યુવતીઓને લગ્ન દ્વારા પુનઃસ્થાપિત કરવા રૂ. ૧૦,૦૦૦/- ની સરકારશ્રી તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે.
આ યોજના નો મુળ હેતુ સંસ્થા મા દાખલ થયેલ નાની વયના અનાથ બાળક જે પાલક માતા-પિતાની સાર સંભાળ હેઠળ સોંપી તેઓને ઘર જેવુ વાતાવરણ મેળવી આપવાનુ છે. ૦ થી ૬ વર્ષની વયના અનાથ બાળકો કે જેઓને દતક ઉછેરમા આપી શકાયેલ નથી. તેવા બાળકો તેમજ સહાયરૂપ કિસ્સામા ૧ર વર્ષની ઉમરના બાળકના પાલક માતા-પિતાને ખાસ કેસમાં ૧૪ વર્ષની વય પુરી કરે ત્યાં સુધી માસીક રૂપીયા ૧,૦૦૦/-ની માસીક સહાય સાર સંભાળ રાખતા માતા-પિતાને ચુકવવામા આવે છે.
આ સહાય ચેકથી ચુકવવામાં આવશે.જેમાં પાલક માતા-પિતાની વાર્ષિક આવક રૂ.૬૦,૦૦૦/- થી વધુ હોવી જોઈશે. તે અંગે મામલતદારશ્રી નો આવક નો દાખલો માતા-પિતાએ રજુ કરવાનો રહેશે. આ યોજનાના ફોર્મ જે તે જીલ્લાના ચિલ્ડ્રન હોમ માંથી વિનામૂલ્યે મળી શકશે.
અરજદારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૩૬,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૨૭,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ..
આ યોજના નો અમલ ઓબ્ઝર્વેશન હોમના સુર્પિટેન્ડેન્ટ દ્રારા કરવામા આવે છે. અને ચાઇલ્ડ વેલ્ફેર કમીટીના આદેશ મેળવી સહાય ચુકવવામા આવે છે.
પાલક માતાપિતાની યોજનાની વધુ વિગત જોવા માટે અહિયા ક્લિક કરો
સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષાફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020