অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નવી ઔદ્યોગિક નીતિ – ૨૦૧૫

નવી ઔદ્યોગિક નીતિ – ૨૦૧૫

વાયબ્રન્ટ ગુજરાત સમીટ – ૨૦૧૫ના આયોજન સાથે ગુજરાત રાજય મુખ્યંમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના નેતૃત્વનમાં વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું સ્થસળ બન્યું છે ત્યાતરે ગુજરાત સરકારે નવી ઔદ્યોગિક નીતિ – ૨૦૧૫ જાહેર કરીને ગુજરાતને ગ્લોસબલ મેન્યુુફેક્ચતરીંગ હબ બનાવવા નૂતન માર્ગ કંડાર્યો છે.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના ‘‘મેઇક ઇન ઇન્‍ડિયા” ના સપનાંને સાકાર કરવા ગુજરાતે જે પુરુષાર્થ આદર્યો છે તેમાં ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ – ૨૦૧૫ નવા પ્રાણ પૂરશે. રાજયના મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના સીધા માર્ગદર્શન હેઠળ આકાર પામેલી આ નવી ઉદ્યોગ નીતિ અંગે રાજયના નાણા અને ઊર્જા વિભાગના મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્‍યુ હતુ કે વડાપ્રધાનશ્રીના Make in India ના સપનાંને સાકાર કરવા નવી ઉદ્યોગ નીતિના સહારે ગુજરાત પ્‍લેટફોર્મ બનશે એટલું જ નહિ, ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ અન્‍ય રાજયો માટે પ્રેરણાસ્રોત બનશે. મંત્રીશ્રીએ એમ પણ જણાવ્‍યુ હતુ કે, ગુણવત્તા સાથે ઉત્‍પાદકતામાં વધારો સાથે પર્યાવરણને સાનુકુળ ઉદ્યોગો દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અગ્રેસર રહેશે.

સાતત્‍યપૂર્ણ ઔદ્યોગિક નીતિના અમલીકરણથી અને ઉચ્‍ચતર આંતરમાળખાકીય સુવિધા તેમજ શાંતિપૂર્વકના ઔદ્યોગિક વાતાવરણને કારણે ગુજરાત રાજય સમગ્રદેશમાં મૂડીરોકાણ ક્ષેત્રે મોખરાનું સ્‍થાન ધરાવે છે. વર્ષ ૨૦૦૫ થી વર્ષ ૨૦૧૩ દરમિયાન જીએસડીપીનો સરેરાશ વૃદ્ધિદર દસ ટકાથી વધુ રહયો છે. જે સમગ્ર દેશની સરેરાશ કરતાં વધુ છે. વર્ષ ૨૦૧૧-૧૨ની માથાદિઠ આવક રૂ.૮૭,૧૭૫ની સરખામણીમાં વર્ષ ૨૦૧૨-૧૩ની આવક રૂ. ૯૬,૯૭૬ પ્રવર્તમાન ભાવાંકના આધારે મેળવી શકાઇ છે. ગુજરાત રાજય લઘુ અને મધ્‍યમ ઉદ્યોગથી સમૃદ્ધ રાજય છે. તા. ૩૧-૦૩-૨૦૧૪ની સ્‍થિતિએ રજીસ્‍ટર્ડ થયેલા એમએસએમઇ એકમોની સંખ્‍યા ૨,૬૧,૭૬૦ છે. જેમાં સરેરાશ મૂડી રોકાણ રૂ. ૨૭.૮૪ લાખ પ્રતિ એકમ થયેલું છે.

 

અગાઉની ઔદ્યોગિક નીતિઓ અંતર્ગત વિવિધ સહાય અને વેરા રાહતો આપવામાં આવી હતી જેના આધારે ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે નવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. જી.આઇ.ડી.સીની સ્‍થાપના, સ્‍પેશિયલ ઇકોનોમીક ઝોન, સ્‍પેશ્‍યલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રીજીયન, આંતરમાળખાકીય સુવિધાઓ, પ્રદુષણ નિયંત્રણ વગેરેમાં સહાય પૂરી પાડી જેના પરીણામે રાજયમાં ઔદ્યોગિક મૂડી રોકાણ આકર્ષી રોજગારીની વિપુલ તકો ઊભી કરવામાં સફળતા મળી છે. વિકાસના પ્રથમ તબક્કે ગુજરાત વૈશ્વિક રોકાણકારોને આકર્ષવામાં અગ્રેસર રહયું જયારે બીજા તબકકામાં ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજય બની રહયું અને હવે વિકાસના ત્રીજા તબકકામાં ઇનોવેટીવ ઉત્‍પાદનોથી ગુજરાત દેશભરમાં અગ્રેસર રહેશે.

ગુજરાતને ગ્‍લોબલ મેન્‍યુફેક્‍ચરીંગ હબ બનાવવાની દિશામાં રાજય સરકારે ખાસ આયોજન કર્યું છે. રાજયમાં હાલ ગિફ્‌ટ સીટી પ્રોજેક્‍ટ અમલમાં છે તેમજ દિલ્‍હી મુંબઇ ઇન્‍ડસ્‍ટ્રીયલ કોરીડોર – ડીએમઆઇસીનો ૩૮ ટકા જેટલો ભાગ ગુજરાતમાંથી પસાર થઇ રહયો છે, ધોલેરા સર વગેરે જેવા અનેક વિશાળ આંતરમાળખાકીય પ્રોજક્‍ટનો વિકાસ થઇ રહયા છે ત્‍યારે સેક્‍ટર સ્‍પેસિફિક, મલ્‍ટી પ્રોડક્‍ટ ઝોન, ટવીન સીટી, ટેકનોલોજી પાર્ક વગેરેના વિકાસ દ્વારા ગુજરાતને ઉત્‍પાદનના ક્ષેત્રે વિશ્વ કક્ષાનું મેન્‍યુફેક્‍ચરીંગ હબ બનાવાશે.

રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી ઔદ્યોગિક નીતિ – ૨૦૧૫માં ઉદ્યોગોના વિકાસ માટે આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા ખાસ ભાર મૂકવામાં આવ્‍યો છે. નવી નીતિ અનુસાર રાજયના ઔદ્યોગિક વિકાસના પાયાને મજબૂત કરવા માટે SIR, જીઆઇડીસી એસ્‍ટેટ અથવા ખાનગી ઔદ્યોગિક પાર્ક અને વિસ્‍તારમાં આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત હયાત અને નવા આકાર લેતાં માળખાને લાસ્‍ટ માઇલ કનેક્‍ટીવીટી દ્વારા રોડ, વીજળી, પાણી જેવી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત રાજય સરકારે ગારમેન્‍ટ, એપેરલ, એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ અને એસેમ્‍બલીંગ જેવા રોજગારી ઉત્‍પન્ન કરતા વિવિધ ઉદ્યોગોને વિસ્‍તૃતિકરણ માટે મૂડી રોકાણ કરે કે નવા ઉદ્યોગો સ્‍થાપવામાં આવે તો તે માટે વિશિષ્ટ પ્રોત્‍સાહન આપવાનું પણ નક્કી કર્યું છે.

આ નવી ઔદ્યોગિક નીતિ-૨૦૧૫માં ખાસ ક્ષેત્રોમાં કૌશલ્‍યવાન માનવબળ ઉપલબ્‍ધ કરવાની યોજના પણ દર્શાવવામાં આવી છે. તદઅનુસાર બેરોજગાર યુવાનોને તાલીમબદ્ધ કરી ઉદ્યોગોને જરૂરી કૌશલ્‍યવાન માનવબળ ઉપલબ્‍ધ કરાવવા નવીન પ્રકારની તાલીમની ટેકનોલોજી અપનાવી તેના અનુરૂપ પાઠયક્રમ તૈયાર કરવામાં આવશે અને સેન્‍ટર ઓફ એકસેલન્‍સની સ્‍થાપના પણ કરવામાં આવશે. રાજયમાં જેમ્‍સ અને જવેલરી ઉદ્યોગના વિકાસને ધ્‍યાનમાં રાખીને ઇન્‍ડિયન ડાયમંડ ઇન્‍સ્‍ટીટ્‍યુટ સાથે જોડાણ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત અને ભાવનગરમાં તાલીમ કેન્‍દ્રોની સ્‍થાપના કરવામાં આવશે.

ગુજરાત રાજય રાસાયણિક અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે અગ્રેસર છે. ઉપરાંત રાજયમાં ટેક્ષટાઇલ, એન્‍જીનીયરીંગ, ડ્રગ્‍સ, સિમેન્‍ટ, જેમ્‍સ એન્‍ડ જવેલરી, ઓટો અને ઓટો કમ્‍પોનન્‍ટ વગેરે ઉદ્યોગોનો મોટા પ્રમાણમાં વિકાસ થયો છે રાજયના આવા હયાત રીસોર્સીસમાં વેલ્‍યુ એડિશન થાય તેવા પ્રયાસો નવી નીતિમાં કરવામાં આવશે. જેનાથી આયાતી ઉત્‍પાદનોને બદલે ઘર આંગણે વધુ ઉત્‍પાદન થશે અને રોજગારીનું સર્જન થશે.

નવ યુવાનો પોતાની શૈક્ષણિક આવડત અને સૂઝ તેમજ સંશોધન દ્વારા પોતાનો ઉદ્યોગ શરૂ કરી શકે અને નવીન પ્રોસેસ, નવીન ઉત્‍પાદનો વ્‍યાપારિક ધોરણે ઉત્‍પાદિત થાય તે હેતુથી યુનિવર્સિટી, કોલેજો, આર એન્‍ડ ડી ઇન્‍સ્‍ટીટ્‍યુટ અને ઇન્‍ક્‍યુબેશન સેન્‍ટરની સહાયથી નવયુવાનોને ઉદ્યોગ શરૂ કરવા માટે Idea to Investment સુધી મદદ માટે Start Up યોજના પણ વિચારવામાં આવી છે. એટલું જ નહીં રાજયના ઉદ્યોગ સાહસિકો નવી અને ઇનોવેટીવ ટેકનોલોજી અપનાવે તે માટે ટેકનોલોજી ટ્રાન્‍સફરને પણ મહત્‍વ આપવામાં આવ્‍યું છે. આ માટે નવી ઔદ્યોગિક નીતિમાં આરએન્‍ડડી ઇન્‍સ્‍ટીટ્‍યુટ અને કોલેજોમાં જે તે ઉદ્યોગો દ્વારા સ્‍પોન્‍સર રિસર્ચ કરવામાં આવે તેવા સંશોધન માટે પ્રોત્‍સાહન આપવાનું આયોજન પણ કરાયું છે.

માઇક્રો, સ્‍મોલ અને મીડિયમ એન્‍ટરપ્રાઇઝ માટે ખાસ સહાય આ ઔદ્યોગિક નીતિ હેઠળ આપવામાં આવશે. તેમજ મહિલા, અનુસૂચિત જાતિ, અનુ. જનજાતિ અને ૩૫ વર્ષથી ઓછી વયના સાહસિકોને પ્રોત્‍સાહન અપાશે.

પર્યાવરણ સુરક્ષા એ નવી ઔદ્યોગિક નીતિનો પાયો છે. વડાપ્રધાનશ્રીના ‘‘મેઇક ઇન ઇન્‍ડિયા”ના અભિયાનમાં પણ પર્યાવરણ સુરક્ષા કેન્‍દ્ર સ્‍થાને છે ત્‍યારે રાજય સરકારે પર્યાવરણની સુરક્ષા માટે ખાસ પ્રોત્‍સાહનો જાહેર કર્યા છે. જેમાં ઉદ્યોગો દ્વારા સ્‍થપાતા સી.ઇ.ટી.પી, ટીએસડીએસ તેમજ અન્‍ય પર્યાવરણીય સુવિધાઓ માટે પ્રોત્‍સાહન ઉપરાંત જે વિસ્‍તારમાં પ્રદુષણની માત્રા વધારે છે ત્‍યાંથી એકમોને ગ્રીન એસ્‍ટેટ તરીકે નવી સ્‍થપાનારી જગ્‍યાએ ખસેડવા માટે પ્રોત્‍સાહન આપવાની યોજના પણ વિચારાઈ છે.

રાજય સરકારે નવી ઉદ્યોગ નીતિ લદ્યુ અને મધ્‍યમ ઉદ્યોગોની સાથે સાથે વિશાળ ઔદ્યૌગિક પ્રોજેક્‍ટોને પણ સહાયરૂપ નિવડે તે માટે પણ આયોજન કર્યું છે. મેટ્રો રેલ, લોજીસ્‍ટીક પાર્ક, એક્‍સપ્રેસ વે, હાઇસ્‍પીડ ટ્રેન વગેરે પ્રોજેક્‍ટને પણ આ નીતિ પ્રોત્‍સાહક રહેશે. ભારતમાં આવેલાં કુલ કારખાનાઓમાં દસ ટકાથી વધુ કારખાના ગુજરાતમાં આવેલાં છે ત્‍યારે ગુજરાત હવે ઇનોવેટીવ ઉત્‍પાદનોમાં અગ્રેસર રહીને વડાપ્રધાનશ્રીના ‘‘મેઇક ઇન ઇન્‍ડિયા”ના સપનાંને સાકાર કરવા નવી ઔદ્યોગિક નીતિ દ્વારા સજ્જ થયું છે.

સ્ત્રોત: ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate