অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પદ્ધતિઓ અને બદલાવ

પ્રકરણ -1 પ્રસ્તાવના

પ્રાચીન કાળથી માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાતો કેન્દ્ર સ્થાને રહી છે અને તે છે અન્ન, વસ્ત્ર તથા આવાસ જઠરાગ્નિ શાંત કરવા આદિ માનવે શિકાર, ફળફૂલ, કંદમૂળ અને કાચા અન્નનો આશ્રય લીધો. જંગલો અને ગુફાઓ સદીઓ સુધી તેનું આશ્રય સ્થાન રહી. તેનો મોટો ભાગ ખોરાકની શોધમાં જ વ્યતિત થતો રહ્યો. ત્યાર પછી ક્રમિક રીતે ભટકતું જીવન ગુજારતા માનવના સ્થિર થવાના પ્રયત્ન શરૂ થાય છે. આદિ માનવથી આજના કહેવાતા સુસંસ્કૃત મનુષ્ય પોતાની જરૂરિયાતો કૃષિમાં શોધવાનો પ્રયત્ન કર્યો. તે પૂર્ણ કરવામાં સદીઓથી કૃષિનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તે મેળવવાનો મુખ્ય આધાર કૃષિ જ છે. તેથી જ પ્રાચીનકાળથી કૃષિને વિકસાવવાનો સતત પ્રયત્ન થતો રહ્યો છે. આશરે ૧૦,૦૦૦ વર્ષો પહેલા થયેલા વિકાસ બાદ કૃષિના ભૌગોલિક વિસ્તાર અને ઉપજોમાં ઘણો વધારો થયો છે. આ વિકાસ દરમ્યાન સમયના વહેણની સાથે અનેક સંશોધનો થકી નવીન તાંત્રિકતાઓ, નવા પાકો, સિંચાઇની સગવડોમાં વધારો, ખાતરો, બિયારણ, જંતુનાશક અને રોગનાશક દવાઓ, આધુનિક ઓજારો સમન્વિત થતા રહ્યા. જેથી ખેતીના વિકાસને વધુ વેગ મળ્યો. પરંતુ, છેલ્લી સદીમાં તેમાં ખૂબ પ્રગતિ થઇ. કૃષિના ઇતિહાસે માનવ વિકાસમાં મોટી ભૂમિકા ભજવી છે કેમ કે કૃષિ ક્ષેત્રના વિકાસે વિશ્વભરના સામાજિક અને આર્થિક પરિવર્તનોમાં મુખ્ય પરિબળ તરીકે ભૂમિકા ભજવી છે. કૃષિના વિકાસને આપણે ત્રણ તબક્કામાં વહેંચી શકીએ.

પ્રાચીન ઉત્પતિ

પશ્ચિમ એશિયા, ઈજિપ્ત અને ભારતનો ફળદ્રુપ પ્રદેશ આયોજિત છોડોની વાવણી અને લણણીની શરૂઆતની જગ્યા ગણાય છે. ઉત્તર અને દક્ષિણ ચીન, આફ્રિકાનું સહેલ, ન્યુ ગ્યુઆના અને અમેરિકાના વિવિધ ક્ષેત્રોમાં કૃષિનો સ્વતંત્ર વિકાસ થયો હતો. કૃષિના આઠ કહેવાતા નૂતન પાષાણયુગના પાકો-એમ્મર ઘઉં, ઇનકોર્ન ઘઉં, છોતરા ઉતારેલા જવ, વટાણા, મસૂર, કડવા કઠોળ, કઠોળની જાત અને શણ હતા.

મધ્ય યુગ

મધ્યયુગ દરમ્યાન ઉત્તર અમેરિકા અને યુરોપના ખેડૂતોએ હાઇડ્રોલિક અને હાઇડ્રોસ્ટેટિક સિદ્ધાંત પર આધારિત સિંચાઇ પદ્ધતિ અને નોરિયાઝ, વોટર રેઇઝીંગ મશીન્સ, બંધ અને સરોવરો જેવી કૃષિ તકનીકોનો ઉપયોગ કરવાની શરૂઆત કરી.

આધુનિક યુગ

18મી સદીની શરૂઆત સુધીમાં કૃષિ તકનીકોનું અમલીકરણ કરવામાં આવ્યું. દાણાના જથ્થા અને વાવેતરના છોડની પસંદગી કરવામાં આવી. જમીનના પ્રત્યેક એકમ પ્રમાણે ઉપજમાં ખાસ્સો વધારો થયો. 19મી સદીના અંત ભાગમાં અને 20મી સદીમાં યાંત્રિકરણમાં અને વિશેષ રૂપે ટ્રેકટરના આગમન સાથે ખેતીનું કામ ખૂબ ઝડપથી કરવાનું શકય બન્યું. જે અગાઉના વર્ષોમાં અશકય હતું. કૃષિની તાંત્રિકતાએ મોટું પરિવર્તન આપ્યું. આ શોધોને લીધે યુનાઇટેડ સ્ટેટ, ઈઝરાયલ, જર્મની, આર્જેન્ટિના અને કેટલાક અન્ય વિકસિત રાષ્ટ્રોના ચોક્કસ આધુનિક ખેતરોની કાર્યક્ષમતામાં વધારો થયો, જમીનની એકમદીઠ ઉત્પાદન શકિત વધી, ઉચ્ચ ગુણવત્તાયુકત પેદાશો અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો. અલબત્ત ઉત્પાદન વાસ્તવિક મર્યાદા સુધી પહોંચ્યું. ચોખા, મકાઇ અને ઘઉં જેવા અનાજો માનવીય ખોરાકની 60% જરૂરિયાત પૂરી પાડે છે. 1700 થી 1980 વચ્ચે સમગ્ર વિશ્વમાં વાવેતર હેઠળના કુલ વિસ્તારમાં 466%નો વધારો થયો.

ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી દેશના સર્વાગી વિકાસનો આધાર ખેતી ક્ષેત્રના વિકાસ ઉપર નિર્ધારિત છે તે સ્પષ્ટ બાબત છે. ખેતી અને પાણી એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે જ મનુષ્ય પોતાની સંસ્કૃતિઓને નદીઓને કિનારે વિકસાવી. તે ભારતીય સંસ્કૃતિ હોય કે મેસોપોટેમિયાની, ચીની સંસ્કૃતિ હોય કે મિસરની, યુરોપીયન સંસ્કૃતિ હોય કે આફ્રિકન. તેનું મુખ્ય કારણ પાણી હતું. જળ વિનાના જીવનની કલ્પના ઝાંઝવાના નીર સમાન જ કહેવાય. દુનિયાના વિકસિત અને અલ્પવિકસિત સૌ રાષ્ટ્રોએ કૃષિના મહત્વને જાણી પોતપોતાની ખેતીને વિકસાવવાના પ્રયત્ન કર્યા. ભારત વૈદિક યુગથી અસી, મસી અને કૃષિનો સંદેશ આપતું રહ્યું છે. તે ઋષિ અને કૃષિ સંસ્કૃતિનો સમન્વય અને સંમિશ્રણ ધરાવતો દેશ છે. અર્થતંત્રમાં કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્ર અગત્યના છે. ભારતીય અર્થતંત્રમાં એ કરોડરજ્જુ સમાન છે. કૃષિક્ષેત્રનો દેખાવ કે વૃદ્ધિ એ ભારતીય અર્થતંત્રના વિકાસમાં અસર ઉપજાવે છે. ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી કૃષિ નીતિઓના કારણે અનાજના ઉત્પાદનમાં સ્વક્ષમતા અને સ્વાવલંબન પ્રાપ્ત થયું છે. ખાદ્ય પાકોનું ઉત્પાદનમાં ઈ.સ. 1951-52માં મિલિયન ટનથી વધીને 2010-11 માં 244.78 મિલિયન ટન થયું. જોકે કુલ જીડીપીમાં ઉદ્યોગ અને સેવાક્ષેત્રના સંદર્ભમાં કૃષિનો ટકાવારી હિસ્સો ઘટયો છે. રાષ્ટ્રીય આવક, મૂડીસંચય, રોજગારી નિકાસ વગેરેના વિકાસમાં કૃષિ ક્ષેત્રનો ફાળો જોવા મળે છે. રાષ્ટ્રીય આવકમાં 14.7 ટકા જેટલો ફાળો, મૂડીસંચય ક્ષેત્રે 2010-11 માં 20 ટકા જેટલો ફાળો, રોજગારીમાં 58 ટકા ફાળો, નિકાસમાં 9.1 ટકા ફાળો આપે છે.

આમ, ભારતમાં કૃષિનો ઉપર મુજબ મૂડીસંચય અને જીડીપીમાં ફાળો રહેલો છે, જેનું પ્રમાણ ધીમે ધીમે ઘટવા લાગ્યું છે. પરંતુ તેમ છતાં રોજગારી અને નિકાસમાં તેનો ફાળો વધારવા વિવિધ આધુનિક પદ્ધતિઓ અને સરકારી પ્રયાસો થઈ રહ્યા છે.

વૈદિકયુગનો વાસ્તવવાદી ઋષિ અનેક વિદ્યાઓની સાથે પોતાના શિષ્યોને કૃષિનું શિક્ષણ પણ આપતો હતો. અલબત્ત પ્રાચીન કાળથી આપણી સંસ્કૃતિ કૃષિ સાથે હૃઢપણે જોડાયેલી રહી છે. કૃષિધન, પશુધન અને જ્ઞાનધન આપણી મૂળભૂત તાકાત રહી છે. આપણી તાકાત અને આપણાં સાધનોને ઓળખીને આપણી પરંપરાગત નિપૂણતા કૌશલ્યને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને આપણે કૃષિ શકિત અને ઋષિ શકિતના સમન્વયથી રાષ્ટ્રને મજબૂત બનાવવું તે આપણ સૌનું ઉતરદાયિત્વ છે. પ્રાચીન ઋષિ વિદાય લેતા વિધાર્થીને કહે છે કે " મૃત્યે : ન પ્રર્માદતવ્યમ" "ધન કમાવામાં પ્રમાદ ન કરીશ અર્થાત ઐશ્વર્ય મેળવજે." "અન્ન વહુકુર્તીત તદવતમ"-"અન્નના ઢગલા ઉત્પન્ન કરજે.” આવાં વ્રતો રાષ્ટ્ર અને સમાજની સમૃદ્ધિ માટે અપાયાં છે. ઋષિ સંસ્કૃતિની આ ઉત્તમોત્તમ વ્યવસ્થા સાધુ યુગની શરૂઆતની સાથે જ પલાયનવાદમાં ફેરવાઇ. તેમાં કૃષિ પણ કયાંથી બાકત હોય ?

ભારત વાસ્તવવાદની જગ્યાએ પલાયનવાદ તરફ આગળ વધી રહ્યો હતો. બાકી હતું તે મુસ્લિમ આક્રાન્તાઓને કારણે પૂરું થયું. આઠમી સદીમાં આરબ સેનાપતિ મહંમદ બિન કાસીમના ભારતના સિંધ પરના આક્રમણની સાથે જ ભારતીય સમાજ અને ગ્રામીણ સંસ્કૃતિની માઠી દશા શરૂ થઇ. તેથી, ખેતી પણ પ્રભાવિત થઇ. ત્યારપછીનો મુસ્લિમ, મોગલ અને અંગ્રેજકાળ ભારતીય ઇતિહાસની દર્દનાક ગુલામી અને પડતીનો છે તે કહેવાની જરૂર નથી. મુગલકાળમાં ખેતી માટેની સુધારણાના થોડાક પ્રયત્નો દેખાય છે. પરંતુ ત્યારપછી અંગ્રેજકાળ દરમિયાન ભારતની ખેતીની દશા પછાત અને સ્થગિત છે. આ પછાતપણું અને સ્થગિતતા ભારતમાંથી અંગ્રેજોની વિદાય થતી નથી ત્યાં સુધી ચાલે છે. ભારતીય કૃષિનો આ સમય ભારતના ખેડૂતો અને ગ્રામીણ સમાજ માટે અસહ્ય છે. ભારતનો ખેડૂત દેવાદાર, દયનીય અને કફોડી હાલત ગુજારતો હતો. એટલે જ ભારતના ખેડૂત માટે કહેવાયું “ભારતનો ખેડૂત દેવામાં જન્મે છે, દેવામાં જીવે છે અને દેવામાં મૃત્યુ પામે છે." જે મહાન રાષ્ટ્ર અને સંસ્કૃતિએ વિશ્વને ખેતી કેમ કરવી તે શીખવાડયું તે રાષ્ટ્ર અને તેનો કૃષિકાર આટલો દયનીય કેમ બન્યા ? કદાચ આપણે સારી ખેતીની સાથે સારી રક્ષા કરતાં ન શીખ્યા. પ્રાચીન સમયમાં તે વખતના દેશોના સંદર્ભમાં ભારત એક સમૃદ્ધ, સુસંસ્કૃત અને આર્થિક દૃષ્ટિએ સંપન્ન રાષ્ટ્ર હતું. તેની ખેતી સમૃદ્ધ ગણાતી. આજે પણ કૃષિ ભારતીય અર્થતંત્રનો મહત્વનો આધાર છે. પ્રાથમિક અંગ છે. કૃષિ વિકાસ દ્વારા જ ઉધોગો અને વેપારનો ઉત્તરોતર વિકાસ સાધી શકાયો છે. આ દ્દષ્ટિએ ભારત માટે એ બાબત સાચી છે કે કૃષિ એ ઉઘોગોની જનેતા છે અને આર્થિક જીવનનો પાયો છે. જે નીચેની બાબતોને આધારે કહી શકીએ.

  1. રષ્ટ્રિય આવકમાં હિસ્સાની દ્રષ્ટિએ.
  2. ઉધોગોને કાચોમાલ પૂરો પાડવાની દૃષ્ટિએ.
  3. નિકાસ કમાણીની દ્રષ્ટિએ.
  4. માનવધન અને પશુધનને પોષણ આપવાની દ્રષ્ટિએ.
  5. રોજગારી સર્જનની દ્રષ્ટિએ.
  6. વિકેન્દ્રિત વ્યવસાયની દ્રષ્ટિએ.

ચાણકયના મહાનગ્રંથ જેને ચાણકયનું અર્થશાસ્ત્ર કહેવાય છે જેમાં ચાણકયે રાષ્ટ્રની કૃષિને મેરુદંડ ગણાવી છે અને કૃષિ વિશે વિછદ છણાવટ કરીને કૃષિને કેવી રીતે વિકસાવવી તેનો ઊંડાણપૂર્વક ખ્યાલ આપ્યો છે. ચાણકયના વખતમાં રાજકોષ વધારવાનું એકમાત્ર માધ્યમ કૃષિ હતું. પ્રજાનો મોટોવર્ગ ખડૂતો અને ખેતમજૂરોનો હતો. ચાણકય ખેતીના વિકાસ માટે વધારે ભાર આપે છે. કારણ રાજયની રેવન્યુ પણ ખેતીમાંથી જ આવતી. તેથી, ખેતીનું મહત્વ સર્વાધિક હતું. ચાણકયે તેમાં જમીનના જુદાજુદા અનેક પ્રકાર અને તાસીર પણ બતાવી છે. તેમાં થનાર અનાજ વગેરે બતાવ્યા છે. ખેડૂતો અને ખેતમજૂરો વગેરેની વ્યવસ્થા બતાવી છે. કયા કયા પ્રદેશમાં કેટકેટલો વરસાદ થાય છે તે બતાવ્યું છે. સારો, મધ્યમ અને ઓછો વરસાદ થવાથી શું થાય છે અને કયાં કઇ ખેતી કરવી તે બતાવ્યું છે. સિંચાઇની વ્યવસ્થા બતાવી છે. નદી, તળાવ, સરોવર, કૂવા વગેરેમાંથી પાણી લઇને ખેતી કરવાનું જણાવ્યું છે. શાકભાજી અને ફળો ઉગાડવાનું પણ બતાવ્યું છે. ખેતીનાં બીજ વાવતાં પહેલાં તેને સાત દિવસ રાતના સમયે ઝાકળમાં રાખવાં અને પછી સાત દિવસ તડકામાં રાખવાં, શેરડી વગેરેની કાતળીઓમાં મધ ભરીને પછી વાવવી. વાવ્યા પછી માછલીનું ખાતર આપવું અને થોરીયાનું દૂધ ખાતર સાથે આપવાથી જીવાત વગેરે પડતી નથી. થોરીયાના દૂધનો ઉપયોગ ચાણકયે તે સમયમાં બતાવ્યો છે. અનાજ સંઘરવાના કોઠારો કેવી રીતે બનાવવા તે પણ બતાવ્યું છે. અનાજના ખળામાં કોઇ પણ માણસ અગ્નિ રાખી શકે નહિ, કદાચ અગ્નિ લાગે તો પાણીની વ્યવસ્થા કરવી. આ રીતે પુષ્કળ અનાજ પેદા કરવું. ખેતીના પ્રકાર પ્રમાણે કર લેવો, નવા ખેડૂતોને ખેતી કરવા મદદ કરવી. ખેતીમાં ભેલાણ ન થાય તેવી વ્યવસ્થા કરવી, જંગલી જાનવરોનો નાશ કરવો તથા ગોવાળિયાઓ ઉપર કઠોર નિયંત્રણ રાખવું જેથી ખેતી સુરક્ષિત રહે. આમ, ચાણકયે ખેતીની તમામ બાબતો ઉપર લખ્યું છે.

ગુલામી કાળના લાંબા સમય દરમ્યાન ખેતી ક્ષેત્રે દુર્લક્ષ સેવાયું અને સમૃદ્ધ ખેતી પછાતપણામાં ધકેલાઇ. ભારતમાં આયોજન કાળ પહેલાં ખેતી અત્યંત પછાતપણામાં હતી. ખેતી અર્થતંત્રમાં અગત્યનું સ્થાન ધરાવતી હોવાથી તેનો ઝડપી વિકાસ કરવો અનેક કારણોથી અનિવાર્ય હતો. 1947માં આઝાદી મળ્યા પછી ભારતના મૂળ પ્રાચીન વ્યવસાયને પંચવર્ષીય યોજનાઓ દ્વારા બેઠા કરવાના પ્રયત્નો શરુ થયા. પ્રથમ પંચવર્ષીય યોજનાનું (1951-1956) ખરેખર ખર્ચ રૂ.1960 હતું. તેના 14.8% એટલે કે રૂ.29૦ કરોડ ખેતી ક્ષેત્ર પાછળ ખર્ચવામાં આવ્યા હતા. દશમી પંચવર્ષીય યોજનાનું (2002-2007) ખર્ચ રૂ.15,92,3૦૦ કરોડ હતું. તેના 3.70% એટલે કે રૂ.58,933 કરોડ ખર્ચવામાં આવ્યા. અગીયારમી પંચવર્ષીય યોજના (2007 -2012) નું કદ રૂ.36,44,178 કરોડ હતું. તેના 3.74% એટલે કે કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર પાછળ રૂ.13,36,381 કરોડ ખર્ચવામાં આવ્યા. 12મી યોજનાનું કદ રૂ.91,60,248 કરોડ રાખવામાં આવ્યું છે અને તેમાંથી ખેતી અને સંલગ્ન ક્ષેત્ર પાછળ રૂ.2,84,030 કરોડ ખર્ચવામાં આવશે. જે 3.10% થવા જાય છે. ખેતી ક્ષેત્રની અગત્યતાનો સ્વીકાર પંચવર્ષીય યોજનાઓમાં થતો રહ્યો છે. પરંતુ, પંચવર્ષીય યોજનાઓમાં ખેતી પાછળનું ખર્ચ ઓછું થતું જાય છે જે ખેતી અને ગ્રામ પ્રધાન રાષ્ટ્ર માટે સારા સંકેત નથી. આજે પણ આપણો દેશ કૃષિ પ્રધાન છે. તે ભારતની કરોડરજજું છે. દેશની 60% પ્રજા આજે પણ કૃષિ અને સંલગ્ન ધંધાઓ સાથે સંકળાયાલી છે. ગ્રામીણ લોકોની આજીવિકા અને આર્થિક ઉપાર્જનનું તે મુખ્ય સાધન છે અને ભારતના અર્થતંત્રનો મુખ્ય આધાર સ્તંભ છે. તેથી, ભારતના લગભગ બધા જ રાજયોએ ખેતી ક્ષેત્રે વિવિધ પ્રકારની રાહતો આપવાનો સ્વીકાર કર્યો છે. વર્ષ 2010 2011માં વસ્તી ગણતરીના અંદાજ મુજબ આપણે દેશની વસ્તી 121 કરોડ પહોંચી ચૂકી છે. દર વર્ષે આપણા દેશની વસ્તી સતત વધતી રહેલ છે. સતત વધતી જતી વસ્તી માટે માથાદીઠ અનાજની જરૂરિયાત પણ વધતી રહેવાની છે અને તેની સામે જમીનનો વિસ્તાર વધવાનો નથી. આવી પરિસ્થિતિમાં શું કરવું ? તો તેનો જવાબ છે વિજ્ઞાનનો સ્વીકાર.

21મી સદીનો યુગ વિજ્ઞાન અને ટેકનોલૉજીનો યુગ છે. જે જે રાષ્ટ્રોએ વિજ્ઞાનનો સ્વીકાર કર્યો તેઓએ પ્રત્યેક ક્ષેત્રોમાં પ્રગતિ સાધી. જેઓ, પાછળ રહ્યા તેઓ પછાતપણામાં ધકેલાયા. તેમાં કૃષિક્ષેત્રનો પણ સમાવેશ થાય. વિશ્વ L.P.G. મતલબ LEલીબરલાઈઝેશન (ઉદારીકરણ), P=પ્રાઇવેટલાઇઝેશન (ખાનગીકરણ), G=ગ્લોબલલાઇઝેશન (વૈશ્વિકરણ)ના દોરમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે આપણે તેમ ન કરીએ તો વિકાસનાં સુફળ ન પામી શકીએ અને તે બાબત આપણા માટે આપઘાત સમાન સાબિત થાય. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણના યુગમાં આપણે તેનો લાભ લેવા તૈયાર રહેવું પડશે. 21મી સદીની બદલાતી જતી રાજકીય અને આર્થિક પરિસ્થિતિની સાથે કૃષિક્ષેત્રે પણ બદલાવ આવી રહ્યો છે તે આપણા માટે સંતોષજનક ઘટના છે. ભારતની ખેતીએ વિજ્ઞાન અને ટેકનોલૉજીનો સ્વીકાર કર્યો અને તેનો અનુભવ 1960 માં પંજાબમાંથી હરિયાળી ક્રાંતિ સ્વરૂપે પ્રગટયો. ડૉ.એમ.એસ. સ્વામીનાથન તેના પ્રણેતા ગણાયા. આજે દેશમાં ખેતીક્ષેત્રે અન્ન ઉત્પાદનમાં હરિયાળી ક્રાંતિ, દૂધ ઉત્પાદનમાં શ્વેતક્રાંતિ, તેલીબિયામાં પીળીક્રાંતિ અને ફળ ઉત્પાદનમાં સોનેરી ક્રાંતિ દ્વારા સીમાચિન્હ પ્રગતિ થઇ છે. દેશમાં ખાધાન્ન ઉત્પાદન વર્ષ 2014-2015માં 25.20 કરોડ ટન થયું છે. તો ગુજરાત રાજયની કૃષિની આવક 34000 કરોડ સુધી પહોંચી ગઈ છે. પરંતુ, સામે વસ્તી વધારો સતત વધી રહ્યો છે તે ચિંતાની બાબત છે. વર્ષ 2050 સુધીમાં અનાજના વૈશ્વિક ઉત્પાદનમાં 70% નો વધારો કરવાની જરૂર પડશે. કારણકે આ સમયગાળા દરમિયાન વિશ્વની વસ્તીમાં 2.3 અબજ લોકોનો ઉમેરો થશે તેવું ફૂડ એન્ડ ઓર્ગેનાઇઝેશનનું (એફ.એ.ઓ.) કહેવું છે. યુનાઇટેડ નેશન્સની સંસ્થા યુનિસેફ - આર્થિક, શૈક્ષણિક અને આરોગ્ય જેવી બાબતોને વિકાસના માપદંડ તરીકે સ્વીકારે છે. ત્યારે એમ કહી શકાય કે કૃષિ આર્થિક અને માનવીય આરોગ્ય સાથે સીધી રીતે સંકળાયેલ છે.

ભારત કૃષિ ક્ષેત્રને વિકસાવવાના અથાગ પ્રયત્ન કરી રહ્યું છે. દશમી પંચવર્ષીય યોજના દરમિયાન દેશ અને રાજયની કૃષિ વિસ્તરણ વ્યવસ્થાને મજબૂત બનાવવા તેમાં માળખાગત તેમજ પાયાના સુઘારા કરવાનું જણાયેલ. આથી, આ બાબતો સબબ કૃષિ અંગેની રાષ્ટ્રિય નીતિમાં મુખ્યત્વે પાંચ માર્ગદર્શક સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા હતા.

  1. જાહેરવિસ્તરણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન.
  2. ખાનગીક્ષેત્રને મહત્વ.
  3. પ્રચાર માધ્યમો અને ઇન્ફોર્મેશન ટેકનોલૉજીનો કૃષિ વિસ્તરણ ક્ષેત્રે બહોળો ઉપયોગ.
  4. કૃષિ વિસ્તરણ ક્ષેત્રે મહિલાઓને સાંકળવી.
  5. ખેડૂતો અને વિસ્તરણ કાર્યકરોની કુશળતા તથા કાર્યક્ષમતામાં વધારો કરવો.

ઉપરની પાંચ બાબતોને પૂર્ણ કરવા અર્થે દેશના સાત રાજયો (આંધ્ર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને પંજાબ) ના ચાર ચાર જિલ્લાઓ મળી કુલ 28 જિલ્લામાં આત્મા' પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. તેના સારા પરિણામ મળતાં ૩૩% જિલ્લાઓમાં એટલે કે 252 જિલ્લાઓમાં 'આત્મા' યોજના અમલમાં મૂકવામાં આવી. 11મી પંચવર્ષીય યોજનાના પ્રથમ વર્ષમાં એટલે કે 2007-2008થી આ યોજના દેશના બધા જિલ્લાઓમાં અમલમાં આવી. એગ્રીકલ્ચર ટેકનોલૉજી મેનેજમેન્ટ એજન્સી 'આત્મા' જીલ્લા કક્ષાએ કાર્યરત રજીસ્ટર્ડ સોસાયટી છે. જે જિલ્લાના ટકાઉ કૃષિ વિકાસ માટે જિલ્લાની તમામ કૃષિ સંલગ્ન સંસ્થાઓ (સ્ટેક હોલ્ડર્સ) ને આયોજનથી લઇને અમલ સુધીની પ્રક્રિયામાં સામેલ રાખીને કાર્ય કરવા જવાબદાર છે. ' 'આત્મા' થકી કૃષિ વિસ્તરણની પ્રવૃતિઓ દ્વારા નવીન કૃષિ તજજ્ઞતાઓ ખેડૂતોની જરૂરિયાત મુજબ અને ઝડપથી ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવી, જિલ્લા/તાલુકા કક્ષાએ નિર્ણય લેવાની સત્તાનું વિકેન્દ્રિકરણ કરવું, કૃષિ વિકાસના કાર્યક્રમોમાં આયોજનથી લઇ તેના અમલ સુધીમાં દરેક સ્તરે ખેડૂતોને સામેલ કરવા, કૃષિ વિકાસ સાથે સંકળાયેલ તમામ સરકારી, અર્ધ સરકારી, વ્યાપારી, ખેડૂત સંગઠનો તેમજ ખાસ કરીને કૃષિ, બાગાયત, મત્સ્ય ઉધોગ, પશુપાલન, વન, કુટીર ઉધોગ જેવા ખાતાઓનું સંકલન સાધવું વગેરે દ્વારા અંતે ખેડૂતોની ઉન્નતિ સાધવાના ઉદ્દેશ સાથે તે શરૂ કરવામાં આવી છે. આવા ઉમદા હેતુ સાથે (કૃષિની તરક્કી માટે) એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (ATMA) પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવ્યો છે. જિલ્લામાં કાર્યરત સંશોધન અને વિસ્તરણના એકમો જેવા કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વિભાગીય સંશોધન કેન્દ્રો તેમજ કૃષિ, બાગાયત, મત્સ્યોધોગ, પશુપાલન જેવા ચાવીરૂપ ખાતાઓ ' આત્મા યોજનાના બંધારણીય ઘટકો

કૃષિમાં વિજ્ઞાનનો સ્વીકાર ખેડૂતો કરતા થયા છે. આપણે ત્યાં કહેવાતું" ખેડ ખાતર અને પાણી નસીબને લાવે તાણી" પરંતુ હવે ખેડ, ખાતર, પાણી, બિયારણ અને પાક સંરક્ષણ ઉત્પાદન લાવે તાણી" નો અભિગમ આવ્યો છે. પાક ઉત્પાદન માટે ખેડ, ખાતર,પાણી, બિયારણ અને પાક સંરક્ષણ અતિ મહત્વના પાયાના પરિબળો છે. ઉત્તમ, યોગ્ય સમય અને યોગ્ય ઓજારથી કરવામાં આવતી ખેડ ખાતર સમાન છે. ખેતીમાં ખાતર અગ્રીમ સ્થાન ધરાવે છે, કારણકે પાક ઉત્પાદનમાં તેનો 41% જેટલો બહુમૂલ્ય ફાળો છે. તો પિયત પાક ઉત્પાદન માટેનું મહત્વનું અંગ છે. પાણીના કાર્યક્ષમ ઉપયોગથી પાક ઉત્પાદન વધે છે તો અતિરેકથી પાક ઉત્પાદન પર માઠી અસર પણ થાય છે. પાકને કેટલું, કયારે અને કેવી રીતે પાણી આપવું તેની જાણકારી મહત્વની છે. પાણીના કાર્યક્ષમ ઉપયોગથી પાક ઉત્પાદન વધે છે એટલું જ નહિ પરંતુ, પાણીની બચત પણ થાય છે અને વધારાનો વિસ્તાર પિયત હેઠળ આવરી લઇ શકાય છે. પિયત પાણીના અતિરેકથી પાક ઉત્પાદન પર માઠી અસર થાય છે, જમીન અને પર્યાવરણ બગડે છે, રોગ અને જીવાતના પ્રશ્નો પણ વધે છે તેમજ રાસાણયિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થઇ શકતો નથી. આથી, ખેતીમાં જમીન અને પાકની તંદુરસ્તી માટે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ ખૂબ જ જરૂરી છે. કારણ કે પાક ઉત્પાદનમાં પાણીનો ફાળો 30 થી 35 % જેટલો છે. પિયતની આધુનિક પદ્ધતિઓ ફૂવારા પિયત પદ્ધતિ અને ટપક પિયત પદ્ધતિનો સ્વીકાર કરવો જ રહ્યો. ઉપરાંત જમીન સમતલ કરવી, સમતલ કયારા, પાકને પાણી જમીનના પ્રકાર અને હવામાનને ધ્યાનમાં રાખી આપવું તેમજ સંશોધન ભલામણો અનુસાર પાકને કટોકટીની અવસ્થાએ પાણી આપવું વગેરે બાબતો પણ અત્યંત મહત્વની છે. સતત વધતી જતી વસ્તી, સતત ઉલેચાતા પાણી, બગડતું જતું પર્યાવરણ એમ વિવિધ કારણોસર જળ હવે જીવનથીયે અદકેરું બન્યું છે. ખેતી અને ખેડૂત માટે પાણીનું મહત્વ આજે જેટલું છે તેટલું કદાચ કયારેય ન હતું. તો ખેતીમાં બીજ એ પાયાની જરૂરિયાત છે. વધારે ઉત્પાદન મેળવવા ઉચ્ચ કક્ષાની ગુણવત્તા ધરાવતું બિયારણ જરૂરી છે. ભારત વર્ષના પ્રાચીન ગ્રંથ મનુસ્મૃતિમાં પણ ગુણવત્તાયુકત બિયારણનું મહત્વ આંકવામાં આવ્યું છે. તો ખેતીમાં પાક સંરક્ષણ આજે મોટો પ્રશ્ન છે. એક અંદાજ મુજબ ખેતી પાકોમાં જીવાતોથી આશરે 30% અને રોગોથી 22% જેટલો ઘટાડો થતો હોય છે. તે પાક સંરક્ષણ રૂપી પગલાં ભરી અટકાવવો જ પડે.

આજે કૃષિમાં સમયની માંગ પ્રિસિઝન ફાર્મિંગ (ચોકસાઇ પૂર્વકની ખેતી)ની છે. તેનાં ગુરુચાવીરુપ ત્રણ તત્વો

  1. માહિતી
  2. તાંત્રિકતા
  3. વ્યવસ્થા છે.

નવીન તાંત્રિકતાઓમાં

  1. કોમ્યુટર,
  2. જી.પી.એસ. ગ્લોબલ પોઝિશનિંગ સીસ્ટમ,
  3. જી.આઇ.એસ.(જીયોગ્રાફિક ઇન્ફોર્મેશન સીસ્ટમ અને
  4. સેન્સર નો ઉપયોગ શરૂ થઇ ચૂકયો છે.

ચોકસાઇ પૂર્વકની ફાર્મિગ પદ્ધતિઓમાં

  • ચોકસાઇ પૂર્વક પોષકતત્વો પાકને આપવા
  • પિયતમાં પ્રિસિઝન અને
  • રોગ-જીવાત નિયંત્રણમાં ચોકસાઇ વગેરે છે.

તેની કેટલીક મર્યાદાઓ જેવી કે...

  1. શરૂઆતમાં વધુ રોકાણ
  2. તજજ્ઞતાની જરૂરિયાત
  3. હાઇટેક નેચર
  4. નાના ખેતરો છે.

પરંતુ, તેનો સ્વીકાર કરવો જ પડશે. કારણ તે જ આપણી ખેતીની આવતીકાલ છે. છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની માનસિકતામાં હકારાત્મક બદલાવ આવ્યો છે. હવે ખેડૂત માત્ર મજૂરી નથી કરતો વૈજ્ઞાનિક સમજ સાથે મૂલ્યવર્ધિત ખેતી કરે છે. તેથી, ખેતીમાં બદલાવ જોઇ શકાય છે. જમીનની ફળદ્રુપતા અને વધારે પાક ઉત્પાદન ખેતીમાંથી કેમ પ્રાપ્ત કરવું તે સમજતો થયો છે. ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિમાં જમીન, ખેડની અગત્યતા, ખાતર, સુધારેલા અને હાઇબ્રીડ બિયારણનું મહત્વ, વાવણી સમય, અંતર, પિયત-ડ્રીપ ઇરીગેશન અને સ્પ્રીંકલર પદ્ધતિઓ, મિશ્રપાક, આંતરપાક, રીલેપાક પધ્ધતિઓ, નિંદણ, આંતરખેડ અને પાક સંરક્ષણનું મહત્વ તે સમજયો છે અને તેવું કરવા પ્રેરાયો છે. આધુનિક માર્કેટ યાર્ડ, માર્કેટના રોજે રોજના ભાવ વગેરે દૈનિક પેપર, રેડિયો, ટીવી, ઇન્ટરનેટ દ્વારા જાણતો થયો છે.

ખેત પેદાશોની મૂલ્યવૃદ્ધિ અને તેની સમજ વિકસી છે બાયો ટેકનોલૉજી, ટિમ્યુકલ્ચર, ગ્રીન હાઉસ ટેકનોલૉજી, હાઇડ્રોપોનિકસ, સજીવ ખેતી, થ્રેસર, હાર્વેસ્ટર, ખેત આધારીત ગૃહ ઉધોગ લઘુ ઉધોગની જાણકારી અને અપનાવવા જાણકારી મેળવતો થયો છે. તો સોઇલ હેલ્થ કાર્ડ, કિસાન કેડિટ કાર્ડ, ઇ-એગ્રીકલ્ચરની અગત્યતા સમજાતી જાય છે. જૈવિક ખાતર (બાયો ફર્ટિલાઇઝર), અળસિયા ઉછેર (વર્મીકલ્ચર), જૈવિક નિયંત્રણ (બાયો કંટ્રોલ) જેવા બાયો ટેકનોલૉજીના ક્ષેત્રના વિકાસે ખેતીને ઇકો ફ્રેન્ડલી ખેતી તરફ દોરી વૈશ્વિક જવાબદારીઓના સ્વીકાર તરફ ધ્યાન દોર્યું છે. ખેડૂતો કોમ્યુટર અને ઇન્ટરનેટ પરથી વિશ્વ સમસ્તની ખેતી વિષયક માહિતી મેળવતા થયા છે. તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રો કૃષિ યાત્રાધામ બન્યા છે. ટી.વી, રેડિયો, ખેડૂતોને કૃષિની અધતન માહિતી પહોંચાડવા તૈનાત છે. હાલના સમયમાં કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો માટે તેની જાણકારીની તાતી જરૂરિયાત છે. ખેતી, બાગાયત તેમજ પશુપાલન અંગે થયેલા નવા વૈજ્ઞાનિક સંશોધનો અને પદ્ધતિઓ વિશાળ ખેડૂત સમુદાય સુધી સમયસર પહોંચે અને તેનો ઉપયોગ ખેડૂતો કરતા થાય તો રાજય તેમજ રાષ્ટ્ર કૃષિ વિકાસમાં ખૂબજ પ્રગતિ કરી શકે. ભારતની ખેતીએ વિજ્ઞાન અને ટેકનોલૉજીનો સ્વીકાર કર્યો. તેના ફળ સ્વરૂપ આજે દેશ કૃષિ અને પશુપાલન ક્ષેત્રે સારી પ્રગતિ કરી શકયો છે. દુનિયાના ઘણા દેશો ભારતની કૃષિ ક્ષેત્રની પ્રગતિ જોઇ અચંબામાં પડયા છે. જો કે દુનિયાના વિકસિત દેશોની તુલનાએ હજુ આપણે ઘણું કરવાનું બાકી રહે છે. તેમ છતાં આપણે ખેતી ક્ષેત્રે ઘણું કાઠું કાઢયું છે તેનો ઇન્કાર થઇ શકે તેમ નથી. વિજ્ઞાનના સ્વીકાર અને તેના અભિગમ દ્વારા જ ખેતી અને પશુપાલન ક્ષેત્રને વધુ સક્ષમ બનાવી શકીશું, એમાં જરાયે શંકા નથી. આજે પણ ખેતી અને સંલગ્ન ધંધાઓ પર ભારતની 60% પ્રજા સીધી કે આડકતરી રીતે જોડાયેલી છે, અને દેશના જી.ડી.પી. માં (કુલ ઘરેલું ઉત્પાદન) કૃષિ ક્ષેત્રની હિસ્સેદારી 15% છે. વર્ષ 2010-2011 માં ચોમાસાની સ્થિતિ સારી રહેવાના કારણે અનાજનું રેકર્ડ ઉત્પાદન થયું હતું. વર્ષ 2017માં 24.5 કરોડ ટન અને 2011માં 25.25 કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું હતું. તો વર્ષ 2014-2015માં 25.20 કરોડ ટન થયું છે. આ વિકાસની પ્રક્રિયામાં કૃષિ બજારના ફાળાને આપણે અવગણી શકીએ નહિ. ખેડૂતોની આજની પ્રમાણમાં સારી થઇ રહેલી આર્થિક પરિસ્થિતિમાં તેનો પણ ફાળો છે જ. કારણ બધો વિકાસ હોવા છતાં કૃષિ બજાર વ્યવસ્થા સારી નહિ હોય તો ખેડૂતો ઠેરના ઠેર રહેશે. એટલે તેની અગત્યતા અનેકઘણી વધી જાય છે.

કોઇપણ દેશનું વર્તમાન સમયનું કૃષિક્ષેત્ર તે દેશમાં ભૂતકાળમાં લાંબા સમય સુધી રહેલી આર્થિક, સામાજિક અને રાજકિય બાબતોની સંયુકત આંતરપ્રક્રિયાનું પરિણામ હોય છે. કૃષિક્ષેત્રનું વર્તમાન માળખું, ઉત્પાદન, ઉત્પાદન પદ્ધતિઓ, સંસ્થાકિય પરિસ્થિતિ, આંતરરાષ્ટ્રિય વેપાર અને દેશના અર્થતંત્રમાં કૃષિક્ષેત્રનું સ્થાન આ બધી જ બાબતો પર ઐતિહાસિક પરિબળોની પ્રગાઢ અસર રહેલી છે. આ રીતે ઐતિહાસિક પરિબળોની અસરને કારણે જ વર્તમાન કૃષિક્ષેત્રનું સ્વરૂપ નક્કી થાય છે. પ્રાચીન સમયમાં તે વખતના દેશોના સંદર્ભમાં ભારત એક સમૃદ્ધ, સુસંસ્કૃત અને આર્થિક દૃષ્ટિએ સંપન્ન દેશ ગણાતો હતો. ભારત પર શક, હૂણ વગેરેના હૂમલાઓ અવારનવાર થતા હતા, પરંતુ તેની કોઇ દૂરગામી કે કાયમી અસર પડતી નહિ. મુસલમાનો અહીં સ્થાયી થયા. પરિણામે થોડી અસ્થિરતા બાદ ભારતની આર્થિક વ્યવસ્થાને અનુરૂપ વહીવટ તેમને શરૂ રાખ્યો. મોગલ શાસન દરમિયાન દેશના અર્થતંત્રને ઉત્તેજન મળ્યું હતું. આમ ભારતની પ્રાચીન અર્થ વ્યવસ્થા 19મી સદીમાં ટકી રહી હતી. કાર્લ માર્કસ, થોમસમનરો જેવા વિચારકોએ પણ આ વ્યવસ્થાના ગુણગાન ગાયા છે. ભારતના અર્થતંત્રને સમતોલ અર્થતંત્ર ગણાવ્યું છે. પરંતુ, બ્રિટીશ કાળ દરમિયાન આપણું અર્થતંત્ર સ્થગિત હતું. સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી આર્થિક તેમજ સામાજિક ક્ષેત્રે વિકાસની પ્રક્રિયા શરૂ થઇ. જયારે ખેતી ક્ષેત્રની વાત આવે છે ત્યારે તે ક્ષેત્રનો વિકાસ ખૂબ જ ધીમો થયો છે તે હકિકત છે. ખેતીક્ષેત્રનો અત્યંત ધીમો વિકાસ એ એક ગંભીર સમસ્યા છે. આ માટે ખેતી પ્રત્યેની આપણી અંશતઃ ઉદાસીનતા જવાબદાર છે. ખાસ કરીને હવે આજનો યુવા વર્ગ તેને પસંદ કરતો નથી તે પણ એક વાસ્તવિકતા આપણી સામે છે. ખેતીનો ઝડપી વિકાસ થાય તે સમયની માંગ છે અને તેના પાછળ અનેક કારણો છે. તેમાં વધતી જતી વસ્તીને અનાજ પૂરું પાડવા, વધતા જતા ઔધોગિક વિકાસ અને નિકાસ વૃદ્ધિમાં વધારો કરવા માટે ખેતીક્ષેત્રનો ઝડપી વિકાસ થવો જરૂરી છે. કૃષિક્ષેત્રનો વિકાસ ઘણા ક્ષેત્રોના વિકાસમાં મદદરૂપ બને તેમ છે.

20મી સદીના આરંભ સુધી ભારતની ખેતીનું સ્વરૂપ " અસ્તિત્વ ધરાવતી ખેતી " જેવું હતું. તે વ્યવસાય નહોતો. જીવન જીવવાનું માત્ર સાધન હતું. ખેડૂત પોતાની ઉપજનો બહુ અલ્પ ભાગ વેચવા માટે કાઢતો હતો. ભાડું આપવા, દેવું ચૂકવવા, પોતાની ઘરની જરૂરિયાતોની ખરીદી વગેરે માટે રોકડ નાણાંની જરૂરિયાતને પહોંચી વળવા માટે જ વેચાણ કરતો હતો. પાક તૈયાર થાય તે પછી તુરત જ વેચાણ કરવામાં આવતું હતું. સંગ્રહ કરવાની મર્યાદિત સુવિધાઓ અને નાણાંની તાત્કાલિક જરૂરિયાતને પરિણામે ખેડૂતને પોતાનું ઉત્પાદન તુરત જ વેચવું પડતું હતું. વળી વિક્રયપાત્ર શેષ અલ્પ રહેતો હતો. તેથી તેને ગામના વેપારીઓને જ વેચાણ કરવાની ફરજ પડતી હતી. ગામડાંઓમાં રહેલા વેપારીઓની સંખ્યા ત્રણ કે ચાર એમ અલ્પ રહેતી હતી. તેઓ ખેતપેદાશોની ખરીદી પણ કરતા હતા અને ખેડૂતોને ઘર વપરાશ અને ખેતીક્ષેત્રના વપરાશ માટે જરૂરી વસ્તુઓનું વેચાણ કરતા હતા. ગામમાં ખેડૂતોની સંખ્યા વધુ રહેવા પામતી હતી અને તેઓનું સંગઠન હતું નહિ. જયારે વેપારીઓની સંખ્યા ઓછી હોવાથી તેમની વચ્ચે ખરીદી કે વેચાણની નીતિ અંગે સમજૂતી થઇ શકતી હતી. આથી પહેલાં અને આજે પણ ખેડૂતો જયારે પોતાનું ઉત્પાદન વેચવા માટે તૈયાર થાય છે ત્યારે આંશિક રીતે ખરીદનારની ઇજારા જેવી સ્થિતિ હોય છે. આ સ્થિતિમાં ખરીદનાર કિંમત પર પ્રભાવ પાડી શકે છે. ખેડૂતો જયારે ખરીદવા માટે બજારમાં આવે છે ત્યારે વેચનારના ઇજારા જેવી પરિસ્થિતિનું સર્જન થાય છે. તેથી વેચનારની ઇચ્છાનો પ્રભાવ કિંમત પર પડે છે. આ થવા માટે ઘણા પરિબળો જવાબદાર છે. ખાસ તો ખેડૂતોને વિવિધ પરિબળોની અસર નીચે પોતાનું ઉત્પાદન સ્થાનિક ગામમાં જ વેચવાની તેમજ ખરીદવાની ફરજ પડે છે. પરિણામે ગામડાંનાં બજારો ખેડૂત માટે કરવત" સમાન બની રહેવા પામ્યા હતા. કરવત જતી વખતે લાકડું કાપે અને આવતી વખતે પણ લાકડું કાપે એવી જ સ્થિતિ ખેડૂતોની છે. ખેડૂતો જયારે ખરીદી કરે છે ત્યારે વેચનારના ઇજારાની પરિસ્થિતિ હોય છે. પરિણામે શોષણનો ભોગ બને છે અને જયારે વેચાણ કરે છે ત્યારે ખરીદનારના ઇજારાની પરિસ્થિતિ હોય છે. આથી વેચાણના સમયે પણ તેમનું શોષણ થાય છે. આ સમગ્ર પરિસ્થિતિની અસર એ થાય છે કે તેઓ બજારથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. આથી ઉત્પાદન તેમજ વેચાણ મર્યાદિત રાખવાનું વલણ ધરાવે છે. જે ખેતીક્ષેત્રનો વિકાસ અવરોધે છે. પરિણામે ખેતીક્ષેત્રના વિકાસ માટે બજારતંત્રને સુધારવાની જરૂરીયાત રહે છે. આ બાબત ખેતીક્ષેત્રના વિકાસ માટે અગત્યની શર્ત છે. વળી બજારનો વિકાસ ખેતીક્ષેત્રે વણવપરાયેલાં સાધનોને ઉપયોગમાં લેવા માટેની તક પૂરી પાડે છે. સંગ્રહની મર્યાદિત સવલતો, વાહન વ્યવહારના વિકાસનો અભાવ, ખેત પેદાશોનું ગુણવત્તાનુસાર વર્ગીકરણનો અભાવ અને ખેત ઉત્પાદનને જરૂરી પ્રક્રિયા (Processing)નો અભાવ ખેત ઉત્પાદનને વૃદ્ધિ આપતો નથી. તેમજ તેમાં વધારે પ્રમાણમાં બગાડ થવાની સંભાવનાઓ છે. આ બધી જ બાબતો ખેત-પેદાશના બજારને સ્પર્શે છે.

ખેત-પેદાશના બજારોનો વિકાસ ગ્રાહકોને પોતાની જરૂરિયાત મુજબ, સમય પ્રમાણે અને સ્થળ પ્રમાણે મળી રહે છે. પરિણામે ગ્રાહકના સંતોષમાં વધારો થાય છે. આ રીતે વ્યવસ્થિત ખેતબજાર પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે સમાજના બઘા જ વર્ગના આર્થિક વિકાસમાં મદદરૂપ બની રહે છે. ખેત-બજારની અગત્યતા અંગે આટલી ચર્ચા કર્યા પછી આપણે બજારનો અર્થ સ્પષ્ટ કરીશું.

બજારનો અર્થ અને પ્રદાન :

જાણીતા અર્થશાસ્ત્રી ફેડરીક બેન્ડામે બજારની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે. “ બજાર એક એવો વિસ્તાર છે કે જ્યાં ખરીદનાર પ્રત્યક્ષ અથવા પોતાના પ્રતિનિધિ દ્વારા એકબીજાના સંપર્કમાં રહે છે અને તેથી બજારના એક ભાગમાં પ્રર્વતતી કિંમતની અસર બજારના બીજા ભાગોમાં પ્રર્વતતી કિંમત પર પડે છે."

પ્રો. કુનોટે આપેલી વ્યાખ્યા પ્રમાણે " અર્થશાસ્ત્રીઓ બજાર શબ્દ દ્વારા વસ્તુઓની ખરીદ વેચાણના સ્થળને સૂચવતા નથી. તેઓના અભિપ્રાય પ્રમાણે બજાર એટલે એક એવી પરિસ્થતિ કે જેમાં ખરીદનાર અને વેચનાર પ્રત્યક્ષ તેમજ પરોક્ષપણે એવા સંપર્કમાં આવે છે કે તેના પરિણામે સરખી વસ્તુઓની કિંમત ઝડપી અને સરળ રીતે સરખી થવાનું વલણ ધરાવે છે." આ રીતે બજારમાં ખરીદનાર અને વેચનારની હાજરી, તેમની વચ્ચે સંપર્ક, વસ્તુઓની ખરીદવા તેમજ વેચવાની તૈયારી, સમાન કિંમત થવાનું વલણ વગેરે લક્ષણો જોવા મળે છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ એટલે શું ?

સામાન્ય શબ્દોમાં કહીએ તો બે ભિન્ન રાષ્ટ્રો વચ્ચે ધંધાકીય હેતુ માટે વસ્તુ અને સેવાઓની આપ-લે સંબંધી જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેને આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ કહેવામાં આવે છે. વર્ન ટેરપેસ્ટ્રા પોતાના મત આપતાં જણાવે છે કે "સરહદો પારની માર્કેટિંગ પ્રવૃત્તિ એટલે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ."

ઈ.સ 1945 પછી દુનિયાના લગભગ બધા જ દેશો વચ્ચે વસ્તુની આયાત-નિકાસ અનિવાર્ય બાબત બની ગઈ. આજે આર્થિક પ્રવૃત્તિઓના સંદર્ભમાં દુનિયાભરના બધા જ દેશો એકબીજાની ખૂબ નજીક આવ્યા છે. પરિણામે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. જુદા જુદા પ્રકારની ભાષા, ચલણ, વેપારી, રીતરસમો, ભૌતિક અને રાજકીય સરહદના અંતરાયો વગેરેને કારણે વિદેશ વેપારનું સંચાલન આંતરિક વેપાર જેટલું સરળ નથી. આંતરરાષ્ટ્રીય વેપારમાં જે દેશમાં પ્રવેશવાનો નિર્ણય કરવામાં આવે છે ત્યાંના વિવિધ પક્ષકારો જેવા કે ગ્રાહકો, હરીફો, સપ્લાયકો, સરકારી સંસ્થાઓ વગેરે કારણે ઉદભવતી તકો અને ધમકીઓને ધ્યાનમાં લેવામાં આવે છે તેમજ તેમની સામે ટકી રહેવા અને વસ્તુનું વેચાણ કરવા માર્કેટિંગ અનિવાર્ય બાબત બની જાય છે. કોઈપણ વસ્તુની અન્ય દેશમાં નિકાસ વધારવા ત્યાંના બજારમાં સ્થાન મેળવવું જરૂરી છે અને તે માટે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ એક અગત્યનું પરિબળ ગણાવી શકાય.

ખેત-બજારની અગત્યતા અને હાલની સ્થિતિ:

ખેતીક્ષેત્રે બજારનું મહત્વ ઘણું જ છે. ખાસ કરીને જે દેશના અર્થતંત્રમાં ખેતીક્ષેત્ર અગત્યનું છે ત્યાં ખેત પેદાશના બજારનું પ્રદાન ઘણું વધારે હોય છે. આપણા જેવા ખેતી પ્રધાન અને વિકાસશીલ દેશમાં તેનું મહત્વ ખૂબ જ વધી જાય છે. પ્રો. કુઝનેટના મતે ત્રીજા વિશ્વના દેશોમાં ખેતીક્ષેત્ર અગત્યનું ક્ષેત્ર હોય છે. તે માટે અનેક પરિબળો જવાબદાર હોય છે. આ પરિસ્થિતિમાં ખેત-પેદાશના બજારો દેશમાં ખેત ઉત્પાદનમાં, ઘર આંગણાના ઉધોગમાં, વપરાશમાં ઘણી મોટી અસર ઉત્પન્ન કરે છે. પ્રો. કુઝનેટ દ્વારા તેને “બજારનું પ્રદાન "(Market Contribution) તરીકે ઓળખવામાં આવ્યું છે.

કૃષિ પેદાશોની બજારનો વિકાસ પુરાતન કાળથી વસ્તુ વિનિયમ પદ્ધતિ (બાર્ટર સિસ્ટમ) થી શરૂ થઈને આજે ઈ-બજાર સુધી પહોંચ્યો છે. પરંતુ હજુ અદ્યતન વિકાસનો વ્યાપત મર્યાદિત વિસ્તાર પૂરતો જ રહ્યો છે અને બૃહદ ખેડૂત સમાજ તેના લાભથી હજુ વંચિત છે. નિયંત્રિત કૃષિ બજાર વ્યવસ્થાનો પણ અપેક્ષિત વિકાસ થયો છે. છતાં હજુ કૃષિ બજાર વ્યવસ્થા સંબંધિત સમસ્યાઓ જેવી કે બજારમાં માળખાકીય સુવિધાઓની સમસ્યા તથા વેચાણમાં ગેરરીતીઓ હજુ પણ સંપૂર્ણપણે નાબૂદ કરી શકાઇ નથી. કૃષિ પ્રદેશોની સહકારી બજાર વ્યસ્થા પણ હજુ પ્રભાવી રીતે કામ કરી શકી નથી.

દેશમાં હાલ 2428 મુખ્ય યાર્ડ અને 5129 પેટા યાર્ડ સાથે કુલ 7557 નિયંત્રિત બજાર કાર્યરત છે. કોર્પોરેટ કંપની પણ હવે ખેડૂતમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરી રહી છે. જેમ કે IT જેવી લીમીટેડ કંપની આંધ્ર પ્રદેશમાં લગભગ 40,000 ગામોમાં Choupal kiosks દ્વારા ખેડૂતને હવામાન, આધુનિક ખેતી પદ્ધતિ અને માર્કેટ અંગે માહિતી પૂરી પાડે છે. મલ્ટી કોમોડીટી એક્સચેન્જ ઓફ ઈન્ડીયા લી. ઉત્તર ભારતનાં 3 રાજ્યમાં ગ્રામીણ સુવિધા કેન્દ્ર દ્વારા વેર હાઉસ, ગુણવત્તા ચકાસણી, નિષ્ણાત દ્વારા સલાહ તથા તત્કાલ અને ભવિષ્યમાં ખેત-પેદાશના ભાવ શું રહેશે તેની માહિતી આપે છે. આ સમગ્ર બાબતો હવે કૃષિ બજાર વ્યવસ્થા અંગેની નવી નીતિ ઘડવાનો સમય હવે થઈ ગયો છે તેનો નિર્દેશ કરે છે.

ગુજરાત કૃષિ ઉત્પન્ન વેચાણ અધિનિયમ- 1963, ગુજરાત રાજયની સ્થાપના સમયથી કાર્યાન્વીત છે, જેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને શોષણ મુક્ત અને ઉત્તમ વેચાણ વ્યવસ્થા પૂરી પાડવાનો છે. હાલ ગુજરાતમાં તમામ તાલુકાઓમાં નિયંત્રિત કૃષિ બજારો છે. જેમાં 198 મુખ્ય યાર્ડ અને 222 સબ યાર્ડનો સમાવેશ થાય છે. જેનું નિયંત્રણ 207 બજાર સમિતિઓ દ્વારા થાય છે. (31.03.2009 ના આંકડા) અંદાજે 100 જેટલી નિયંત્રિત જણસીઓનું વેચાણ થાય છે.

રાજ્યના આદિવાસી વિસ્તારમાં કુલ 38 હજાર બજાર સમિતિઓની રચના કરવામાં આવી છે. જેના 32મુખ્ય યાર્ડ અને 76 સબયાર્ડ મળી કુલ 108 મંડી બજારો છે. વધુમાં આદિવાસી વિસ્તારમાં 129 હાટ બજારો પણ આવેલ છે. નિયંત્રિત કૃષિ બજાર હસ્તક વાર્ષિક કુલ વેચાણ 70 લાખ ટન જેટલું થાય છે. જેનું મૂલ્ય આશરે રૂ. 8500/- કરોડનું થાય છે. ગુજરાતમાં હાલ 1.71 લાખ પરવાનાધારી વેપારીઓ અને 2095 સહકારી મંડળીઓ છે. જે ગુજરાતમાં ખેત-પેદાશની વેચાણ વ્યવસ્થાનો વિકાસ અને વ્યાપ્ત દર્શાવે છે.

ગુજરાતમાં ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા ઘણી સુદ્દઢ થવા છતાં હજુ અનિયંત્રિત વેચાણ વ્યવસ્થા પ્રભાવી રહી છે. જે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મેળવવામાં બાધારૂપ છે. સહકારી બજાર વ્યવસ્થા ધીમે ધીમે નબળી પડતી જાય છે. વેચાણ વ્યવસ્થા સંબંધિત સગવડો જેવી કે વેરહાઉસ અને શીત સંગ્રહોની અપૂરતી સગવડતા અને લોકો દ્વારા આ સવલતનો અપૂરતો ઉપયોગ વગેરે બાબતોને કાર્યક્ષમ બજાર વ્યવસ્થા સ્થાપવા માટે ધ્યાને લેવી પડશે.

કૃષિ બજાર વ્યવસ્થા વિકાસના વ્યાપક સંદર્ભમાં નીચે જણાવેલ બાબતો જોવા મળેલ છે. જે અંગે યોગ્ય પગલાં લેવાની તાતી જરૂરીયાત છે.

  1. વિવિધ કૃષિ બજારોનો અસમાન વિકાસ.
  2. અપૂરતી માળખાકીય સુવિધાઓ.
  3. તત્કાલ તકરાર નિવારણ.
  4. ખેતપેદાશના ગ્રેડીંગની સગવડનો અભાવ.
  5. ઓછા પ્રમાણમાં શીત સંગ્રહગૃહો, પેક હાઉસ અને એગ્રો પ્રોસેસીંગ એકમો.
  6. યાંત્રિકરણનો અભાવ.
  7. ખેત પેદાશોનો બગાડ.
  8. બજાર ધીરાણ સુવિધા અને વિમાનો અભાવ.
  9. માહિતી-સંદેશા વ્યવહારની અપૂરતી સગવડ.

આજે ઘણાં માર્કેટયાર્ડો તેની પૂરી ક્ષમતાથી કાર્યાન્વીત નથી અથવા બંધ હાલતમાં છે. આ માટે ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડે રાજ્યની સક્ષમ નિયંત્રિત બજારો સાથે તેનું જોડાણ કરી, અવિકસીત યાર્ડોને દત્તક તરીકે તેમને સોંપવા જોઈએ. તેમજ અવિકસીત યાર્ડોની સમસ્યાઓ જેવી કે માળખાકીય સુવિધાઓ વધારી, કાર્યક્ષમ કર્મચારીગણની નિમણૂંક કરવી. જે તે યાર્ડની મુખ્ય જણસીઓ પર વિશેષ ધ્યાન આપી તેને લગતી સુવિધાઓ વધારવી જોઈએ. જેથી ત્યાં વેપારીઓને આકર્ષી શકાય. આ માટે મુખ્ય જણસીઓનાં વેચાણ નિયંત્રણ ઝોન પણ આવશ્યક્તાનુસાર નિયત કરવા જોઈએ.

માળખાકીય સવલતો ઉભી કરવા ખૂબ મોટા નાણાંકીય રોકાણની જરૂરી રહે છે. યાર્ડની અંદરના રસ્તાઓ તેમજ ગામ સાથે જોડતા રસ્તાઓ, પાકા તળીયાના પટ, શેડ, મોટા વજન કાંટા, નિવાસ વ્યવસ્થા, બેંક, પાણીની સુવિધા, સ્વચ્છતા વગેરે માટે મેળવી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવી. આ ઉપરાંત ફળફળાદી, શાકભાજી, ફૂલો વગેરે માટે અલગ વેચાણ વ્યવસ્થા અથવા યાર્ડ પણ કરવા જોઈએ.

  1. પ્રાથમિક રૂપાંતરણ પ્રક્રિયા કેન્દ્રો નિયંત્રિત બજારોમાં સ્થપાય તો ખેત ઉત્પાદનમાં મૂલ્ય વૃદ્ધિ કરી શકાય અને ખેડૂતોને તેનો લાભ મળે. ખેત ઉત્પાદન માટે જરૂરી તમામ સાધનો વ્યાજબી ભાવે મળી રહે તે માટે યાર્ડમાં જ સહકારી ધોરણે ભંડાર સ્થાપવા જોઈએ. જેથી ખેડૂતને ગુણવત્તાવાળા સાધનો મળશે અને ઉત્પાદન ખર્ચનો પણ ઘટાડો કરી શકાશે.
  2. નિષ્પક્ષ અને તત્કાલ તકરાર નિયંત્રણ પણ ખેડૂતોને બજારોમાં આવવા માટેનો વિશ્વાસ વધારે છે. જે માટે ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ દ્વારા માસિક વિજીલન્સની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. જે ખેડૂત તથા વેપારીઓની સમસ્યાઓના નિરાકરણની પ્રક્રિયા ઝડપી બનાવશે. આ અંગે રાજ્યસ્તરની આકસ્મિક તપાસ સમિતિ પણ નીમી શકાય જે સીધા યાર્ડમાં જ સ્થળ તપાસ કરી ખેડૂતોની સમસ્યાઓનો વાસ્તવિક ચિતાર મેળવી શકે. અસરકારક કાયદાપાલન માટે આવી સમિતિ ખૂબ જ ઉપયોગી બની રહેશે. જેના કાર્યક્ષેત્રમાં રાજ્યનાં તમામ નિયંત્રિત અને અનિયંત્રિત બજારો રાખી શકાય.
  3. મોટાભાગની ખેત પેદાશોનું ગ્રેડીગ કર્યા વગર જ સીધું વેચાણ થાય છે. જેથી ખેડૂતોને તેની પેદાશના યોગ્ય ભાવ મળતા નથી. આ માટે પ્રથમ તો દરેક ખેત પેદાશોનાં સ્ટાન્ડર્ડ ગ્રેડ નક્કી થવા જરૂરી છે. ત્યાર બાદ ગ્રેડ નક્કી થવા જરૂરી છે. ત્યારબાદ ગ્રેડીંગ માટેની જરૂરી સુવિધાઓ યાર્ડમાં ઉપલબ્ધ થવી જોઈએ. ગ્રેડીંગ થવાથી ભાવ નિર્ધારણની પ્રક્રિયા સચોટ થશે અને એક સમયે કોઈ એક ગ્રેડના ભાવ પણ આખા યાર્ડમાં એક સમાન જ રહેશે. આમ, ગ્રેડ આધારીત ભાવની પ્રક્રિયા શરૂ થશે અને ખેડૂતો ખેત પેદાશની ગુણવત્તા જાળવવામાં પ્રોત્સાહિત થશે. આ માટે ફરજીયાત ગ્રેડીંગ પ્રથાનું અમલીકરણ કરાય તો વેપારી અને ખેડૂતો વચ્ચેના વ્યવહારમાં પારદર્શીપણું લાવી શકાશે. પ્રાયોગિક ધોરણે આ પ્રથા અમૂક વિકસીત યાર્ડોમાં મહત્વની જણસીઓ પૂરતી જ દાખલ કરવી જોઈએ અને આવા યાર્ડોને નિકાસ બજાર સાથે જોડવા જોઈએ. જેથી મહત્વની જણસીઓની નિકાસ પ્રક્રિયા ઝડપી બની શકશે. હાલમાં સહકારી મંડળી હસ્તક 3940 ગોડાઉનો, બજાર સમિતિ હસ્તક 2015 ગોડાઉનો, વેરહાઉસીસ કોર્પોરેશન હસ્તક 49 કેન્દ્રો ખાનગી ક્ષેત્રો પાસે 214 શીતગૃહો અને બજાર સમિતિ પાસે માત્ર બે શીતગૃહો છે. પરંતુ ખેડૂતો આ સુવિધાઓનો પર્યાપ્ત ઉપયોગ કરતા નથી. જે માટે વહીવટી પ્રક્રિયાનું સરળીકરણ તેમજ ગોડાઉનોનું આધુનિકરણ પણ થવુ જોઈએ.
  4. શીતગૃહોની સંખ્યા પણ નિયંત્રિત બજારોમાં વધારવી જોઈએ જેથી ખેડૂતો જલ્દીથી બગડતી બાગાયતી પેદાશોને લાંબો સમય સુધી સંગ્રહીને યોગ્ય ભાવો મેળવી શકે. જેને સંલગ્ન પેકહાઉસો પણ વિકસાવવા જોઈએ. ગુણવત્તા જાળવણી માટે ગુણવત્તા ચકાસણી પ્રયોગશાળાઓ પણ સ્થાપવી જોઈએ.

આ વ્યવસ્થા સુધારવા માટે શું શું થઈ શકે?

1. બજાર પ્રક્રિયાઓનું યાંત્રિકરણ

દિવસે દિવસે મજૂરોની ઉપલબ્ધીમાં ઘટાડો થતો જાય છે. જેને લીધે વેચાણ પ્રક્રિયામાં વિલંબ થાય છે. પરિણામે બગાડનું પ્રમાણ વધે છે. તેમજ ચોરીનું, વરસાદનું અને આગનું જોખમ વધે છે. આ જોખમ ઓછું કરવા માલનો ચડાવ-ઉતાર, હેરફેર પ્રક્રિયા, વજન વગેરેમાં આધુનિક યાંત્રિકરણ કરવાની તાતી જરૂરીયાત છે.

2. ખેત પેદાશોનો બગાડ

ખેત પેદાશ નાશવંત હોવાથી જલદી બગડી જાય છે અને તેનું પ્રમાણ 20 થી 30% સુધીનું છે. બગાડને કારણે બજારમાં સ્વચ્છતાની સમસ્યાઓ પણ ઉભી થતી હોય છે, બગાડ અટકાવવા માટે ઝડપી વેચાણ પ્રક્રિયા અને વાહન સુવિધા અનિવાર્ય છે. લાંબા અંતર માટે શીત વાહનોની સુવિધા અને વેચાણ પ્રક્રિયાનાં યાંત્રિકરણથી પણ બગાડમાં ઘણો ઘટાડો કરી શકાય તેમ છે.

3 બજાર ધિરાણ સુવિધા અને વીમો

ખેત પેદાશ પર ઓછા દરે અને ઝડપી પ્રક્રિયાથી ખેડૂતોને સુવિધા ઉપલબ્ધ થાય તો તે પોતાની પેદાશનો સંગ્રહગૃહમાં જાળવણી કરી શકે. સાથે યાર્ડમાં ખેત પેદાશોને ચોરી, આગ કે વરસાદથી વીમા યોજના દ્વારા રક્ષણ આપવું જોઈએ.

4. માહિતી અને સંદેશા વ્યવહારથી દરેક યાર્ડને જોડવા

આ યુગમાં માહિતી એક શક્તિ છે. બહુઆયામી માહિતી કેન્દ્રો કે જેમાં ખેતી પદ્ધતિથી માંડીને તેનું વેચાણ, ખેત પેદાશોની પ્રક્રિયા, નિકાસ જેવા તમામ પાસાઓને આવરી લેતી તેમજ સરકારી યોજનાઓ અને નીતિવિષયક માહિતી પૂરી પાડવામાં આવે તો ખેડૂતો પોતાની ખેતીનું આધુનિકરણ કરી શકશે સાથે સાથે ઉત્પાદન ખર્ચ પણ ઘટશે અને પોષણક્ષમ ભાવો પણ મેળવવા સક્ષમ બનશે.

સમગ્ર કૃષિ બજારમાં ભાવોની માહિતીને મોબાઈલ ફોન સાથે જોડાણ આપીને ખેડૂતોને જે તે દિવસનાં ભાવો ઉપલબ્ધ કરી શકાય. ખાસ કરીને બાગાયતી પાકો કે જેમની નિકાસની તકો ખૂબ જ ઉજળી છે. આ બાબતે બાગાયતી પાકોના વિસ્તારના બજારોની નિકાસલક્ષી બજારો સાથેનું સંદેશા વ્યવહાર માળખું ઉભું કરવું આવશ્યક છે. માહિતી પ્રસારણ થિયેટરો પણ યાર્ડમાં ઉભા કરવા જોઈએ જેથી નવી ટેકનોલોજીનું પ્રત્યક્ષ જ્ઞાન આપી શકાય.

5. પ્રવર્તમાન બજાર ધારા

વિશ્વ વ્યાપાર સંગઠનની રચના થતાં બજારનાં કાયદાકીય માળખામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ધરખમ ફેરફાર થયા છે. જેની અસર ઘરેલું કાયદાનાં માળખા પર અવશ્ય રહે છે. જેથી, આંતરરાષ્ટ્રીય બજાર ધારાધોરણો અનુરૂપ ઘરેલું કૃષિબજારો માટેના કાયદામાં હેતુલક્ષી સુધારા કરવાનો સમય આવી ગયો છે. સરકારે ખેડૂત અને ઉદ્યોગને સરખું મહત્વ આપવાની જરૂરીયાત છે. બજારની માળખાકીય સુવિધાઓ, જેવી કે કાપણી પછીની સગવડતા વધારવા મોટા રોકાણની જરૂરીયાત ઉભી થશે. આ માટે સરકારે કૃષિ બજાર અને વિસ્તરણ પ્રવૃત્તિમાં Public Private Partnership મોડલને પ્રોત્સાહિત કરવું જરૂરી થશે. તો તેમાં વિગતે કાયદાકીય સુધારો કરવાનો સમય આવી ગયો છે.

ખેતીક્ષેત્રે નવી ઉત્પાદન પદ્ધતિના અમલને કારણે ખેત-બજાર, વાહન વ્યવહાર, સંગ્રહની સુવિધાઓ વગેરે બાબતોની અગત્યતા ઘણી વધી જાય છે. બજાર વાહન વ્યવહાર અને સંગ્રહની અપૂરતી સવલતોને પરિણામે ખેડૂતોને પોતાનું ઉત્પાદન સ્થાનિક બજારમાં જ વેચવું પડે છે અથવા મધ્યસ્થીઓ દ્વારા અન્ય સ્થળે વેચાણ કરવું પડે છે. આ સંજોગોમાં તેઓને યોગ્ય કિંમત ઉપલબ્ધ થતી નથી. ખાસ કરીને સીમાન્ત, નાના અને ગરીબ ખેડૂતો માટે ખેત-પેદાશના બજારો (સાથે સાથે ઉત્પાદકીય અને ઘર વપરાશી વસ્તુઓના બજારો પણ) ઘણું મહત્વ ધરાવે છે. આવા ખેડૂતોનું ઉત્પાદન મર્યાદિત હોય છે પરિણામે તેઓનો વિક્રયપાત્ર શેષ પણ મર્યાદિત રહે છે. પરિણામે બજારમાં વેચાણનો ખર્ચ, પ્રક્રિયાનો ખર્ચ, વાહનવ્યવહારનો ખર્ચ વગેરે તેઓને વધારે ભોગવવો પડે છે. વળી બજારમાં તેઓની સોદાશક્તિ પણ મર્યાદિત બનાવે છે. પર્યાપ્ત બજારની સવલતો આવા ખર્ચને ઓછો કરે છે. યોગ્ય કિંમત અપાવે છે. જે તેઓની આવકમાં વધારો કરે છે. વળી ઉત્પાદકીય વસ્તુઓનું સુગ્રથિત ઉપલબ્ધ બજાર તેમનાં નિપજકોની ગુણવત્તામાં વધારો કરે છે. સમયસર અને યોગ્ય કિંમતે ઉપલબ્ધ થવાની તેની માંગમાં પણ વધારો થાય છે. જે અંતે ઉત્પાદનના વધારામાં દ્દષ્ટિગોચર થાય છે. આ રીતે ખેત-પેદાશના બજારનો સાથે સાથે ખેતીક્ષેત્ર માટેના બજારનો વિકાસ થવાને કારણે ખેતીક્ષેત્રનો વિકાસ ઝડપી બને છે. ખેત-પેદાશો સરળતાથી ઉધોગક્ષેત્રને અને વપરાશકારને ઉપલબ્ધ બને છે.

ખેતીક્ષેત્રે વેચાણની બાબત પણ ઘણી અગત્યની બની રહે છે. આ બાબત ખેડૂતની આવક નક્કી કરે છે. આવકનો આધાર ઉત્પાદનની કિંમત પર રહે છે. આ બાબત માટે ખેડૂતે ત્રણ પ્રકારના નિર્ણયો લેવા પડે છે. (અ) ઉત્પાદન અંગેના નિર્ણયો (બ) વેચવા માટે માલને તૈયાર કરવા અંગેના નિર્ણયો અને (ક) વેચાણનું આયોજન.

ઉત્પાદનના આયોજનમાં પાકની પસંદગીની બાબત પ્રવેશે છે. પોતાના કુટુંબની જરૂરિયાતના સંદર્ભમાં ઉત્પાદનનું આયોજન કરે છે. જો ગામ શહેરથી ખૂબ દૂર હોય તો શાકભાજી કે દૂધ પહોંચાડવામાં સમય અને ખર્ચ વધુ લાગે છે. બજારમાં વેચાણ માટેના આયોજનમાં વર્ગીકરણ મુખ્ય છે. ઉત્પાદનને ગુણવત્તા પ્રમાણે વર્ગીકરણ કરવું, જરૂરી પ્રક્રિયા કરવી, બગડી ન જાય તે રીતે પેકીંગ કરવું વગેરે બાબતો વેચાણ માટેના આયોજનમાં પ્રવેશે છે. જ્યારે વેચાણના આયોજનમાં ક્યારે વેચાણ કરવું ? ક્યાં વેચાણ કરવું ? અને કોને વેચવું ? તેની બાબતોનો સમાવેશ થાય છે. આ બાબતો ઘણી અગત્યની છે. કારણ કે ખેત-પેદાશોનું વેચાણ ઔઘોગિક ચીજ-વસ્તુઓના વેચાણ કરતાં થોડું ભિન્ન રહેવા પામે છે. જે આ પ્રમાણે છે.

1. ખેત-પેદાશ અને ઔદ્યોગિક પેદાશના બજારો વચ્ચે ભિન્નતા

  • ઘણું કરીને ખેતીની પેદાશોના બજારો સ્થાનિક હોય છે. ગ્રામ વિસ્તારોમાં જ ખેડૂતો વેચાણ કરે છે. ઔઘોગિક એકમો કે જેઓના કાચામાલ તરીકે ખેત-પેદાશો હોય છે તે ગામડાંઓમાં પણ જોવા મળે છે.
  • ખેત-પેદાશના વેચાણમાં મધ્યસ્થીઓ વધારે જોવા મળે છે.
  • ખેત પેદાશો પૈકીની કેટલીક પેદાશો તુરત નાશ પામે છે. જ્યારે કેટલીક પેદાશો જૂની થતાં ગુણવત્તામાં ઘટાડો કરે છે. જ્યારે કેટલીક પેદાશો લાંબો સમય સુધી ટકે છે. આથી તેમનું બજાર ખેત-પેદાશોના ટકાઉપણા પર આધાર રાખે છે.
  • ઔઘોગિક ઉત્પાદન સામાન્ય રીતે બારેમાસ થયા કરે છે. જ્યારે ખેત-ઉત્પાદનમાં ઋતુ પ્રમાણે ઉત્પાદન થાય છે. દા.ત ચોમાસામાં ઘઉંનું ઉત્પાદન શક્ય નથી.
  • ઔઘોગિક પેદાશોનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. જ્યારે ખેત-પેદાશોમાં હંમેશાં તેમ બનતું નથી.
  • ઔઘોગિક પેદાશોના ઉત્પાદન અને ગુણવત્તા પર અંકુશ રાખવો સરળ છે. જ્યારે ખેતપેદાશોનું ઉત્પાદન અને ગુણવત્તા પર કુદરતી પરિબળોની અસર જોવા મળે છે.
  • દરેક ઔધોગિક એકમ પોતાના ઉત્પાદનની સ્વતંત્ર કિંમત નક્કી કરી શકે છે. જેમકે હિન્દુસ્તાન લીવર લીમીટેડ કંપની પોતાના સાબુની કિંમત નક્કી કરી શકે છે. તે મુજબ દરેક ખેડૂત પોતાના ઉત્પાદનની કિંમત નક્કી શકતો નથી.
  • ભારતમાં ખેડૂતો પાંચ લાખ કરતાં પણ વધારે ગામોમાં છૂટાછવાયા વહેંચાયેલા છે. તેમની સંખ્યા પણ મોટી છે. તેથી તેઓ કોઈ પ્રકારનું સંગઠન ઊભું કરી શકતા નથી. જેની ખેતપેદાશોના બજાર પર અસર પડે છે. તેનાથી વિરુધ્ધ ઉઘોગપતિઓની સંખ્યા ઓછી હોય છે. ઉઘોગોનું કેન્દ્રિકરણ થયું હોય છે. તેઓનું સંગઠન છે. તેની અસર બજાર પર પડે છે.
  • ખેત-પેદાશોના બજારમાં એક પ્રકારનું ઉત્પાદન અનેક વિવિધ પ્રકારની ગુણવત્તાવાળું જોવા મળે છે. તદ્દન સમાનગુણી ઉત્પાદન જોવા મળતું નથી. જ્યારે ઔઘોગિક ઉત્પાદનમાં તે શક્ય છે.
  • આ બઘાં પરિબળોને કારણે ખેત-બજારો માટે અટપટાં, ખર્ચાળ અને જોખમી બની જાય છે. આ કારણથી પણ ખેત-પેદાશના બજારોનો અભ્યાસ કાળજી માગે છે.
  • ખેત-પેદાશના બજારોની અગત્ય નીચે જણાવેલા કાર્યોને કારણે પણ વધી જાય છે. ખેતપેદાશના બજારોમાં કેટલીક બાબતોનો સમાવેશ થાય છે. જે આ પ્રમાણે છે.

ખેત-પેદાશના બજારની સેવાઓ અથવા ખેત-બજારના કાર્યો :

ગ્રાહકોને જરૂરી ચીજવસ્તુઓ યોગ્ય સ્વરૂપમાં, યોગ્ય પ્રમાણમાં, યોગ્ય સમયે, યોગ્ય સ્થળે અને યોગ્ય કિંમતે પૂરી પાડવાની સાથે સાથે ઉત્પાદને યોગ્ય નફો મળે રહે તે જોવાનું કામ બજારનું છે. ઉત્પાદક પાસેથી અંતિમ વપરાશકાર સુધી જરૂરી વસ્તુઓ પહોંચતી કરવાનું કાર્ય બજારનું છે.

ઉત્પાદનથી શરૂ કરીને ગ્રાહક સુધી એટલે કે અંતિમ વપરાશકાર સુધી ઉપભોગ કરી શકાય તે સ્વરૂપમાં ચીજ-વસ્તુઓ પહોંચે તે દરમિયાન ચીજ-વસ્તુઓને બજારની વિવિધ સેવાઓ મેળવવી પડે છે. જેવી કે એકત્રિકરણ, હેરફેર, સંગ્રહ, પ્રક્રિયા, પેકિંગ, ગ્રેડીંગ વગેરે. આ બધી સેવાઓ મેળવવા માટે ખર્ચ થાય છે. આ પ્રકારની સેવાઓ ખાનગી વ્યકિતઓ, સહકારી સંસ્થાઓ, સરકાર, ઔદ્યોગિક એકમો કે વિવિધ પ્રકારની એજન્સીઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે. ખેડૂતો માટે આ પ્રકારની એજન્સીઓની મદદ લેવી હંમેશાં જરૂરી હોતું નથી. આ પૈકીની કેટલીક સેવાઓનો ખેડૂત ઉપયોગ કરે છે. કેટલીકનો ઉપયોગ કરતો નથી. આ પ્રકારની સેવાઓમાં વિવિધ મધ્યસ્થીઓ રોકાયેલા હોય છે. સેવાઓ પૂરી પાડવા બદલ તેઓને તેમાંથી વળતર મળતું હોય છે. સામાન્ય રીતે ખેડૂતોને ઉપલબ્ધ થતી સેવાઓમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.

ઉત્પાદનનું એકત્રિકરણ

ભારતમાં 7 લાખ ગામડાઓમાં 12,92,22,237 લાખ જેટલા ખેડૂતો છે. તેથી, સ્વાભાવિક રીતે ખેત-પેદાશઓનું ઉત્પાદન છૂટું છવાયું થાય છે. વળી ખેડૂતો સીમાંત, નાના, મધ્યમ અને મોટા એમ વિવિધ કદના ખેતરો ધરાવતા હોય છે. દરેકનો વિક્રયપાત્રશેષ ભિન્ન હોય છે. ખેડૂતો પાસેથી સૌ પ્રથમ માલ સ્થાનિક બજારમાં એકત્રિત થાય છે. પછી તે રાજ્ય કક્ષાના કે દેશ કક્ષાના બજારમાં આવે છે. એકત્રિકરણને પરિણામે હેરફેર કે વર્ગીકરણ સહેલું બને છે.

2. રૂપાંતર કે પ્રક્રિયા (Processing)

કેટલીક ખેત-પેદાશોનો પ્રત્યક્ષ રીતે વપરાશ થઈ શકતો નથી. દા.ત. ડાંગરમાંથી ચોખાને ભિન્ન કરવા પડે છે. મકાઈના દાણા ડોડામાંથી જુદા પાડવા પડે છે. આ પ્રકારની રૂપાંતરની ક્રિયામાં કદમાં ઘટાડો થાય છે અને વપરાશ માટેની વસ્તુ જુદી પડે છે. વળી કેટલીક પેદાશો પર ભિન્ન ભિન્ન પ્રક્રિયા કરી વિવિધ વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. જેમ કે દૂધમાંથી દહીં, માખણ, ઘી પાવડર વગેરે. શેરડીમાંથી ખાંડ ગોળ વગેરે. મગફળીમાંથી તેલ, વનસ્પતિ ઘી વગેરે.

આ પ્રકારે પ્રક્રિયાની સેવાઓ અનેક પ્રકારે ઉપયોગી છે. તે ખેડૂતો, ગ્રાહકો, વ્યાપારીઓ વગેરે દરેક વર્ગને ઉપયોગી બને છે. ખેતરમાંથી ઉત્પન્ન થયેલો માલ તે જ સ્વરૂપમાં વેચવામાં આવે તો તેની ઉપયોગીતા ઓછી રહેવા પામે છે. તેથી ખેડૂતોને તેની કિંમત પણ નીચી ઉપજે છે. જેમ જેમ પ્રક્રિયા થતી જાય તેમ તેમ વધારે કિંમત ઉપલબ્ધ થાય છે. જેમ કે કપાસને કાલા ફોલ્યા વગર વેચવામાં આવે તો કિંમત ઓછી મળે છે. પરંતુ જો તેમાંથી કપાસ જુદો પાડી વેચવામાં આવે તો વધારે કિંમત ઉપજે છે. રૂમાંથી કપાસિયા જુદા પાડી વેચવામાં આવે તો તે કપાસની કિંમત ઊંચી રહે છે અને કપાસને છૂટો ન વેચતાં તેની ગાંસડીઓ તૈયાર કરી વેચવામાં આવે તો કિંમત વધારે મળે છે. રૂપાંતર થયેલા માલની કિંમતના પ્રમાણમાં તેનું કદ ઓછું થાય છે. વપરાશ અને વહન સરળ બને છે. રૂપાંતરિત માલ તેના પુરવઠાને સ્થિતિસ્થાપક બનાવે છે. રૂપાંતરિતની પ્રક્રિયા અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે. ગ્રાહકોને પોતાની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ ઉપલબ્ધ બને છે. આ રીતે ખેત-પેદાશઓનું રૂપાંતર કરવું તે પણ બજારનું એક અગત્યનું કાર્ય છે.

3. પરિવહન (Transportation)

ખેતરમાં ઉત્પન્ન થયેલી પેદાશોને અંતિમ વપરાશકાર સુધી પહોંચાડવાને માટે અનેક વખત એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવી પડે છે. આ સ્થળાંતરની પ્રક્રિયા ખર્ચ, સમય અને ચોક્કસ સુવિધાઓ માગે છે. ખર્ચ અને સમય વસ્તુના પ્રકાર અને અંતર પ્રમાણે બદલાય છે. સ્થળાંતરને કારણે સ્થળમૂલક તુષ્ટિગુણમાં વધારો થાય છે. ઝડપી અને સારી વાહનવ્યવહારની સુવિધાને કારણે સ્થળાંતરનો સમય અને ખર્ચ ઘટે છે. વાહનવ્યવહારની સુવિધાનો અભાવ ઈજારાની નજીકનું બજાર સર્જે છે. જેથી ખેડૂતોને ઓછી કિંમત મળે છે અને ગ્રાહકોને ઊંચી કિંમત ચૂકવવી પડે છે. આ રીતે બજારની સેવાઓમાં સ્થળાંતરની સેવાનો પણ સમાવેશ થાય છે.

4. સંગ્રહ (Storage)

ખેત-પેદાશોની માંગ આખા વર્ષ દરમિયાન સતત રહે છે. જ્યારે તેનું ઉત્પાદન અમુક સમયે જ થાય છે. પરિણામે ઉત્પાદનનો સંગ્રહ કરી આખા વર્ષ દરમિયાન તેના પુરવઠાનો પ્રવાહ સતત રાખવો પડે છે. આથી જ્યારે ઉત્પાદન થાય ત્યારે તેનો સંગ્રહ કરવો જરૂરી છે. સંગ્રહ કરવાની સેવાઓને બજારની સેવા કે કાર્યો તરીકે ગણવામાં આવે છે. સંગ્રહ કરવાને પરિણામે વસ્તુઓમાં સમયમૂલક તુષ્ટિગુણમાં વધારો થાય છે. સંગ્રહ કરવાને પરિણામે પુરવઠાને સ્થિતિસ્થાપક બનાવી શકાય છે. વળી ખેડૂત પાસે સંગ્રહ કરવાની શક્તિ અને સવલત હોય તો વધુ કિંમત મળે ત્યારે તે પોતાનું ઉત્પાદન વેચી શકે છે. વળી સરકાર પણ ભાવોને અંકુશમાં રાખવાની નીતિના એક ભાગરૂપે સંગ્રહ કરે છે. જ્યારે ભાવસપાટી ઘટવા લાગે ત્યારે સરકાર ખુલ્લા બજારમાંથી ખરીદી કરે છે. તેનો સંગ્રહ કરે છે અને જ્યારે ભાવસપાટી વધે છે ત્યારે સંગ્રહ કરેલા માલનું વેચાણ પણ કરે છે. આ રીતે બજારના કાર્યોમાં સંગ્રહ કરવાના કાર્યનો પણ સમાવેશ થાય છે. અલબત સંગ્રહ કરવાનો ખર્ચ રહે છે. ખર્ચનો આધાર સંગ્રહ કરવાની વસ્તુ અને સમય પર આધાર રાખે છે.

5. વર્ગીકરણ (Grading)

ઔધોગિક પેદાશોની માફક ખેત-પેદાશો સરખી હોતી નથી. જેમ કે નાહવાના સાબુમાં લકસ કે ડેટોલ સાબુના બધા જ એકમો એક સરખા હોય છે. તેમ ઘઉંમાં કે ડાંગરમાં એક જ પ્રકારના ઘઉં કે ડાંગર એકસરખા હોતા નથી. કારણ કે ખેત-ઉત્પાદન પર કુદરતી પરિબળોની અસર વધારે હોય છે અને કુદરતી પરિબળો બધા જ સ્થળે એક સરખા હોતા નથી. આથી વસ્તુની ગુણવત્તા પ્રમાણે તેનું વર્ગીકરણ કરવું પડે છે. ઘણી વખત તેને સાફસૂફ કે તેમાં રહેલો કચરો, કાંકરા વગેરે દૂર કરવા પડે છે. આ ઉપરાંત તેને વજન, રંગ, કદ વગેરે ગુણોને ધ્યાનમાં રાખીને વર્ગીકરણ પણ કરવું પડે છે. આ વર્ગીકરણની પ્રક્રિયામાં ગુણવત્તાના નક્કી થયેલા ધોરણોને ધ્યાનમાં રાખવા પડે છે. અધિકૃત સંસ્થાઓ પાસેથી ગુણવત્તાનું પ્રમાણપત્ર પણ મેળવવામાં આવે છે. તેને પ્રમાણિકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ભિન્ન ભિન્ન પેદાશો માટે પ્રમાણિકરણના ધોરણો ભિન્ન ભિન્ન રહે છે.

6. ગ્રાહકોને વેચાણ કરવું

બજાર વ્યવસ્થાના કાર્યોનું અંતિમ કાર્ય ગ્રાહકોને એટલે કે અંતિમ વપરાશ કરનારાઓને તેમની જરૂરિયાત પ્રમાણે ખેત-પેદાશો પૂરી પાડવાનું છે. આ જરૂરિયાતો ગ્રાહકોને જે સ્વરૂપમાં જોઇએ તે સ્વરૂપમાં, યોગ્ય ગુણવત્તાના સ્વરૂપમાં અને વ્યાજબી કિંમતે પૂરી પાડવાની રહે છે. બજારના અન્ય કાર્યોની સરખામણીમાં આ કાર્ય સૌથી વધારે અગત્યનું કાર્ય છે. આ રીતે બજારના કાર્ય ક્ષેત્રમાં ખેતરમાંથી માલને એકત્રિત કરી દરેક તબક્કાના અંતિમ વપરાશકાર સુધી ખેતપેદાશોને પહોંચતી કરવાની તમામ બાબતોનો સમાવેશ થાય છે.

7. નાણાંનું ધિરાણ

આ ઉપરાંત ગૌણ કાર્યોમાં નાણાંના ધિરાણની બાબતનો પણ સમાવેશ થાય છે. ખેતપેદાશો ખેતરમાંથી અંતિમ વપરાશકાર ગ્રાહક પાસે પહોંચે છે તે દરમિયાન વિવિધ તબક્કાઓમાં નાણાંની જરૂરિયાત વિવિધ એજન્સીઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે. પૂરતા પ્રમાણમાં, યોગ્ય સમયે અને વાજબી ખર્ચથી નાણાં મળી રહે તો ખેત-પેદાશોને ગ્રાહકો સરળતાથી મળી રહે છે. આ માટે ખાનગી ધિરાણ કરનારાઓ, સહકારી મંડળીઓ, વ્યાપારી બેંકો, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એવી વિવિધ એજન્સીઓનો સમાવેશ થાય છે.

8. જોખમ સામે રક્ષણ

બજારના કાર્યોમાં જોખમ સામે રક્ષણની બાબતોનો સમાવેશ થાય છે. ખેડૂતને બજારના સંદર્ભમાં ત્રણ પ્રકારના જોખમોનો સામનો કરવાનો રહે છે.

  • વેચાણની પ્રક્રિયા દરમિયાન કે સ્થળાંતરની કાર્યવાહી દરમિયાન માલમાં થતો ઘટાડો થતો બગાડ કે તેની ગુણવત્તામાં થતા ઘટાડાનો સમાવેશ થાય છે.
  • બીજા પ્રકારના જોખમમાં ભાવમાં થતા ફેરફારને લગતી બાબતોનો સમાવેશ થાય છે. તેને ભાવ અંગેની અનિશ્ચિતતા પણ કહે છે. અનેક કારણોની સંયુક્ત અસર નીચે ખેત-પેદાશોની કિંમત અચાનક અણધારી ઘટી જાય છે. પરિણામે ખેડૂતને સહન કરવું પડે છે. આમ આવા પ્રકારની અનિશ્ચિતતા અને જોખમ સામે રક્ષણની બાબતનો પણ બજારના કાર્યોમાં સમાવેશ થાય છે. આ કાર્યોમાં જોખમ સામે રક્ષણ અને અનિશ્ચિતતા સામે તળિયાના અને ટોચના ભાવોની જાહેરાતનો સમાવેશ થાય છે. આ બાબતો પણ બજારના કાર્યોમાં પ્રવેશે છે.

આમ, આપણે ઉપર મુજબ બજારની અગત્યતા અને તેના કાર્યો અંગેની ચર્ચા કરી. હવે આપણે બજારના માળખા અંગેની વિગતોની ચર્ચા કરીશું.

બજારનું માળખું (Market Structure) :

ખેતીક્ષેત્રનું ઉત્પાદન અનેક ખેડૂતો દ્વારા થાય છે. બધા જ ખેડૂતો દ્વારા પોતાના ઉત્પાદનને સીધું જ ગ્રાહકને વેચવાનું શક્ય બનતું નથી. ખેડૂતના ઉત્પાદનનો જથ્થો નાનો હોય છે. પ્રત્યક્ષ વેચાણ કરવાનો સમય અને શક્તિ હોતા નથી. ખેડૂત પાસે વિક્રયપાત્ર શેષ પણ ઓછો હોય છે. અલ્પવિકસિત અને વિકાસ પામતા દેશોમાં પરંપરાગત રીતે ખેડૂતો પોતાનું ઉત્પાદન મધ્યસ્થીઓ દ્વારા વેચે છે. આવા મધ્યસ્થીઓ બજારની કેટલીક અગત્યની સેવાઓ બજાવે છે. પરંતુ બધા જ મધ્યસ્થીઓ જરૂરી નથી. મધ્યસ્થીઓની સંખ્યામાં થતો વધારો બજારના ખર્ચમાં વધારો કરે છે. પરિણામે ખેડૂતને મળતી કિંમત અને ગ્રાહકે ચૂકવવી પડતી કિંમત વચ્ચે મોટો તફાવત રહે છે. આવા બિનજરૂરી મધ્યસ્થીઓ દૂર કરવા જોઈએ. ભારતમાં ખેત-પેદાશના બજારમાં આવા મધ્યસ્થીઓ દ્વારા બજારનું માળખું રચાયેલું છે જે આ પ્રમાણે છે.

  1. દલાલ
  2. સ્થાનિક ગામનો જ વેપારી
  3. ગામનો શાહુકાર,
  4. ગામનો મોટો ખેડૂત અથવા જમીનદાર
  5. ગામનો છૂટક વેપારી કે ખેત-પેદાશની ખરીદી પણ કરે છે.

ઉપર દર્શાવેલા મધ્યસ્થીઓ સ્થાનિક ગામડામાં જ અસ્તિત્વ ધરાવે છે. ગામડામાં રહેલા સ્થાનિક વ્યાપારીઓ, શાહુકારો, મોટા ખેડૂતો, વેપારીઓ વગેરે મધ્યસ્થીઓ ખેડૂતો પાસેથી ખેતપેદાશો દલાલ મારફત અથવા પ્રત્યક્ષ રીતે ખરીદે છે. આવા મધ્યસ્થીઓની સંખ્યા ઓછી હોય છે તેથી ખરીદી અંગે તેઓ એક જ પ્રકારની નીતિ નક્કી કરે છે. હરીફાઈનું તત્વ હોતું નથી. વળી આ પૈકીના ઘણા મધ્યસ્થીઓ પાસેથી ખેડૂતોએ નાણાં મેળવ્યાં હોય છે. પરિણામે ઘણી વખત પાક તૈયાર થાય તે પહેલા જ તેને વેચી નાખવામાં આવે છે. આ પ્રકારના બજારને સ્થાનિક એકત્રિકરણનું બજાર કહે છે. ખેડૂતો પાસે વ્યક્તિગત રીતે વિક્રયપાત્રશેષ ઓછો હોય છે. વળી નાણાંની તાત્કાલિક જરૂરિયાત, ખેડૂતોને માથે દેવું, વાહનવ્યવહાર તેમજ સંદેશાવ્યવહારનો અભાવ, શહેરોમાં ભાવ અંગેની અનિશ્ચિતતા, સંગ્રહ કરવાની શક્તિ અને ક્ષમતાનો અભાવ વગેરે આવા અનેક કારણોથી ખેડૂતોને ગામમાં જ પ્રાથમિક સ્થાનિક બજારમાં પોતાનો માલ વેચવાની ફરજ પડે છે. આ ઉપરાંત ખેત-પેદાશના ખરીદી વેચાણમાં રહેલી એજન્સીઓ આ પ્રમાણે છે.

  1. કાચો આડતિયો
  2. પાકો આડતિયો
  3. કમિશન એજન્ટ કે તેનો પ્રતિનિધિ,
  4. જથ્થાબંધ વ્યાપારી કે તેનો પ્રતિનિધિ
  5. નિકાસકારો કે તેનો પ્રતિનિધિ
  6. સરકાર કે જાહેર ખરીદ વેચાણ કરતી સંસ્થાઓ અને
  7. સહકારી મંડળીઓ.

પ્રાથમિક કે ગામડાંઓમાંથી વેચાયેલી ખેત-પેદાશો કાચા આડતિયા અથવા કમિશન એજન્ટો મારફત કે પાકા આડતિયા કે મોટા કમિશન મારફત જિલ્લા કક્ષાના બજારમાં આવે છે. કાચો આડતિયો પાકા આડતિયાને પોતાનું વેચાણ કરે છે. પાકા આડતિયાઓ જથ્થાબંધ વેચાણ કરતા હોય છે. તેઓ રાજ્યકક્ષાના બજારમાં ખરીદ-વેચાણ કરતા હોય છે. તેઓ દેશભરમાં પથરાયેલા જથ્થાબંધ ખરીદનારાઓ અને વેચનારાઓના સંપર્કમાં હોય છે. તેઓ નિકાસકારો, ઉદ્યોગપતિઓ વગેરે સાથે પણ સંપર્કમાં હોય છે. તેઓ પાસેથી ઔદ્યોગિક ગૃહો, નિકાસકારો અને જથ્થાબંધ ખરીદી કરી દેશના અન્ય બજારોમાં વેચનારાઓ પણ ખેત-પેદાશોની ખરીદી કરે છે.

ખેડૂતો પોતાની ખેત-પેદાશો સૌ પ્રથમ સ્થાનિક બજારમાં વેચે છે. સ્થાનિક બજારમાંથી જિલ્લા કક્ષાના બજારમાં વેચાણ થાય છે. સાથે સાથે અમુક હિસ્સો જથ્થાબંધ બજારમાં અને ગામના છૂટક વેપારીઓને પણ વેચવામાં આવે છે. ગામનો વેપારી ગામમાં જ રહેલા અંતિમ વપરાશકાર ગ્રાહકને ખેત-પેદાશો વેચે છે.

જિલ્લા કક્ષાના બજારમાં વેચાયેલી ખેત-પેદાશો દેશ કક્ષાના બજારમાં અને અમુક હિસ્સો આગળ જણાવ્યા પ્રમાણે ગામના છૂટક વેપારીઓને વેચવામાં આવે છે. જો કે મોટો જથ્થો દેશ કક્ષાના બજારમાં વેચાય છે. જથ્થાબંધ જિલ્લા કક્ષાના વ્યાપારીઓ પાસેથી ગામના વેપારીને અને તે દ્વારા અંતિમ વપરાશકાર સુધી ખેત-પેદાશો પહોંચે છે. વળી દેશ કક્ષાના બજારમાંથી અમુક હિસ્સો નિકાસ બજારમાં અને અમુક હિસ્સો ઔદ્યોગિક ગૃહોને પહોંચે છે. નિકાસ માટેના અધિશેષ દેશ કક્ષાના બજારમાંથી અને જિલ્લા કક્ષાએ રહેલા જથ્થાબંધ વ્યાપારીઓ પાસેથી આવે છે.

ભારતમાં ખેત-બજારના માળખામાં બે બજારો સૌથી અગત્યનો ભાગ ભજવે છે. એક તો ગ્રામ કક્ષાનું સ્થાનિક બજાર અને જિલ્લા કક્ષાનું બજાર જિલ્લા કક્ષાના બજારમાંથી નિકાસકારોને, ઔદ્યોગિક ગૃહોને, ગામના છૂટક વ્યાપારીઓને અને દેશકક્ષાના બજારને ખેત-પેદાશો ઉપલબ્ધ બને છે.

ભારતમાં ખેતપેદાશના ખરીદ-વેચાણની અસ્તિત્વમાં રહેલી પદ્ધતિઓ

જયારે કૃષિ બજાર વ્યવસ્થાનો સારો વિકાસ નહોતો થયો ત્યારે સામાન્ય રીતે ખેડૂતો પોતાના ઉત્પાદનનો મોટો ભાગ ગામમાં જ વેચાણ કરતા હતા. આ સ્થાનિક બજારમાં સ્થાનિક અંતિમ વપરાશકારો, વેપારીઓ, શાહુકારો વગેરે લોકો ખરીદી કરતા હતા. આજે પણ થાય છે. પરંતુ, બજાર વ્યવસ્થાના વિકાસને કારણે તે પ્રમાણ ઓછું થયું છે. વેચનારાઓમાં એવા ખેડૂતો હોય છે કે જેઓનો વિક્રયપાત્રશેષ મર્યાદિત હોય છે. સ્થાનિક વેચાણ કરવા માટે અનેક પરિબળો જવાબદાર છે. જો કે આમાં હવે પરિવર્તન આવી રહ્યું છે. ઘણા ખેડૂતો હવે જિલ્લા કક્ષાના બજોરોમાં સીધા જ માલનું વેચાણ કરે છે. ગામડાઓમાંથી બહારગામ ખેત-પેદાશો વેચવામાં આવે છે તેમાં નીચે પ્રમાણેના બજારો જોવા મળે છે. બજારમાં વેચાણ માટેની પદ્ધતિઓ ભિન્ન ભિન્ન પ્રકારની જોવા મળે છે. ખેત-પેદાશમાં અસ્તિત્વમાં રહેલા બજારોની માહિતી મેળવીએ.

હાટ:આ પ્રકારના બજારમાં સામાન્ય રીતે નાના પાયા પર ખરીદ વેચાણ થાય છે. ખેડૂતો પાસેનો જથ્થો અથવા વ્યાપારીઓ પાસેનો જથ્થો નાનો હોય છે ત્યારે તેઓ હાટમાં વેચવા માટે આવે છે. આવા હાટ ગામડાઓથી ઘેરાયેલા નજીકના જિલ્લાકક્ષાના અથવા તાલુકાકક્ષાના સ્થળે ભરાય છે. તે અઠવાડીયાના કોઈ ચોક્કસ દિવસે એક કે બે વખત ભરાય છે. આવા પ્રકારના હાટનું કદ, વ્યવહારો અને પદ્ધતિઓ સ્થળે સ્થળે અને સમયે સમયે બદલાતી રહે છે. હાટ નીચે આવરી લેવામાં આવતા ગામડાઓની સંખ્યા અને વિસ્તાર એક સરખો હોતો નથી. સામાન્ય રીતે 70 થી 80 કિલોમીટરનો વિસ્તાર હાટ આવરી લેતું હોય છે. અખિલ ભારતીય ગ્રામ ધિરાણ તપાસ સમિતિના અહેવાલ પ્રમાણે ભારતમાં અંદાજે 22,000 જેટલાં હાટ યોજાતાં હોય છે. આ બજારોમાં અંદાજે 5 થી 8 લાખ મણની ખેતપેદાશો વેચાતી હોય છે. આ પ્રકારના બજારમાં ખરીદી અને વેચાણ દલાલો મારફત થાય છે. આજે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં 129 હાટ બજારો આવેલ

નિયંત્રિત બજારો:ભારતમાં વિવિધ પ્રકારના બજારો પૈકીનું આ એક બજાર છે. તેનું સંચાલન લોકશાહી રીતે રાજ્ય સરકારના નિયમો અને કાયદાઓને આધિન રહીને થાય છે. જિલ્લા પંચાયત કે રાજ્ય સરકારની મદદથી તમામ પ્રકારની સુવિધા પૂરી પાડતું બજાર છે. તેમાં ખેડૂતોને પોતાના વાહનોને રાખવાની જગ્યા, પોતાનો માલ રાખવાની જગ્યા, માલનો સંગ્રહ કરવાની વ્યવસ્થા, ભોજન, વિશ્રામની સુવિધા, બેંક, તાર-ટેલિફોન વગેરે સંદેશા વ્યવહારની સુવિધા, વાહનવ્યવહારની સુવિધાઓનો સમાવેશ થાય છે. ખરીદીનાર અને વેચનાર વચ્ચે મતભેદ ઉત્પન્ન થાય ત્યારે તકરાર પતાવટની વ્યવસ્થા પણ હોય છે. માલનું તોલમાપ નક્કી કરેલા એકમોમાં થાય છે. પરવાનેદાર મજૂરો ઉપલબ્ધ હોય છે. દલાલો પણ પરવાના ધરાવતા હોય છે. આવા નિયંત્રણ બજારો કેન્દ્ર સરકાર કે અન્ય કોઈ સંસ્થાકીય ધિરાણમાંથી બાંધવામાં આવે છે. ભારતમાં વર્ષ 1960-61 માં આવાં બજારોની સંખ્યા 730 હતી. જે વધીને 1972માં 2803 થઇ હતી. 1974-75માં આવા બજારોની સંખ્યા 3762 થઇ હતી. વર્ષ 1991માં ભારતમાં આવા 6217 નિયંત્રિત બજારો હતા. આજે દેશમાં 2428 મુખ્ય યાર્ડ અને 5129 પેટા યાર્ડ સાથે કુલ 7557 નિયંત્રિત બજાર કાર્યરત છે. નિયંત્રિત બજારમાં કોઇ પક્ષનું શોષણ ન થાય અને કોઇ પ્રકારની ગેરરીતિઓ ન આચરવામાં આવે તેનો ખ્યાલ રાખવામાં આવે છે. આવાં નિયંત્રિત બજારો ખેત-પેદાશને લગતી ઘણી માહિતી ખેડૂતોને હોય છે.

ઐતિહાસિક દૃષ્ટિએ જોઇએ તો ઇ.સ 1897 બેરાર(વરાડ) કપાસ અને અનાજ બજારની જોગવાઇઓના અમલથી નિયંત્રિત બજારની સૌ પ્રથમ શરૂઆત થઈ હતી. ત્યારપછી ઈ.સ.1927માં મુંબઈ કપાસ વેચાણધારાની જોગવાઈઓ અન્વયે નિયંત્રિત બજાર શરૂ થયું હતું. ઈ.સ 1928માં નિમાયેલા ખેતીવાડી શાહીપંચે નિયંત્રિત બજારો સ્થાપવાનું સૂચન કર્યું હતું. આ માટે વિગતથી ખેત-પેદાશ બજારના કાયદાઓ ઘડવાનું જણાવ્યું હતું. આ સૂચનના ભાગરૂપે ભારતના જુદા જુદા રાજયોમાં નિયંત્રિત બજાર ધારાઓ પસાર કર્યા હતા. મુંબઈ રાજયે 1939માં અને સૌરાષ્ટ્ર રાજયે 1955 ખેતીવાડી ઉત્પન્ન બજાર ધારાઓ ઘડયા હતા. વર્તમાન સમયે ગુજરાત રાજયમાં ખેતીઉત્પન્ન રાજય બજાર ધારો 1964માં અને સુધારેલ ધારો અમલમાં છે. આ ધારાનું અમલીકરણ રાજય સરકાર વતી બજાર નિયામકશ્રી કરે છે. આ ખેતી-ઉત્પન્ન બજાર ધારાની મુખ્ય જોગવાઈઓ આ પ્રમાણે છે.

  • નિયંત્રિત બજાર એ એવું બજાર છે કે જેમાં કાયદાની જોગવાઇઓ મુજબ ખરીદ અને વેચાણનું નિયંત્રણ કરવામાં આવે છે. આ બજારનો મુખ્ય હેતુ ખેડૂતોનું અને ખરીદનારઓના હિતનું રક્ષણ કરવાનું છે.
  • નિયંત્રિત બજાર સ્થાપવાનું હોય ત્યાંની મોજણી કરી સરકાર બજારની સ્થાપનાની ઈચ્છા જાહેર કરે છે અને સાથે બજારનો વિસ્તાર નક્કી કરે છે. નિયંત્રિત બજાર માટે મકાન, કેન્ટીન, ગોડાઉન, બેંક, વિશ્રામગૃહ, ભોજનશાળા-કેન્ટીન, પોસ્ટઓફિસ, ટેલિકોમ ઓફિસ અને વ્યાપારીઓ માટેની દુકાનોનું બાંધકામ એક મકાનમાં જ કરવામાં આવે છે. આ પ્રકારની સુવિધાવાળા મકાનને મૂળ બજાર (Proper Market) તરીકે જાહેર કરવામાં આવે છે.
  • બજારનું સંચાલન કરવા માટે બજાર સમિતિ નક્કી કરવામાં આવે છે. તે નિયંત્રિત બજારનું સંચાલન કરે છે. આ સમિતિમાં ખેડૂતના, વ્યાપારીઓના, સ્થાનિક સુધરાઇના, સરકારના નિયંત્રિત બજારમાં કામ કરતી સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ હોય છે. આ સમિતિ કાયદાઓનો અમલ થાય તે અંગે ધ્યાન રાખે છે.
  • બજારના સંચાલન માટે પેટા સમિતિની રચના કરવામાં આવે છે. તેમાં તોલમાપ સમિતિ, તકરાર નિવારણ સમિતિ, દેખરેખ સમિતિ, વિતરણ સમિતિ વગેરે સમિતિઓનો સમાવેશ થાય છે.
  • બજાર ધારામાં ખેતીની પેદાશો જણાવવામાં આવે તે પૈકીની નક્કી કરેલી ચીજ વસ્તુઓનું વેચાણ જ કરવાનું રહે છે. દરેક બજાર માટે ભિન્ન ભિન્ન ખેત-પેદાશો નક્કી થઇ શકે છે. વર્તમાન સમયે બધાં જ નિયંત્રિત બજારોમાં એકંદરે એકસો જેટલી ખેત-પેદાશોનો સમાવેશ કરવામાં આવ્યો (ફી નિયંત્રિત બજારનું સંચાલન નક્કી થયેલા કાયદાઓ પ્રમાણે થાય છે.
  • નિયંત્રિત બજારમાં વેપારીઓ, દલાલો, તોલમાપ કરનારાઓ, મજૂરો વગેરે બધાને પરવાના આપવામાં આવે છે. તેઓને તેમના વ્યવહારો નિયમોને આધિન રહીને કરવાના હોય છે. વિવિધ કામગીરી કરતા વર્ગને પરવાનગી આપે છે. મિ) બજાર સમિતિ નિયંત્રિત બજારનો રોજબરોજનો વહીવટ કરે છે. તેમાં પ્રમુખ, મંત્રી, માર્કેટ ઇન્સપેકટર, હિસાબનીશ, કારકુન, તોલાટ વગેરે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવે છે. બજારમાં ખરીદ કે વેચાણ થતી પેદાશો પર નક્કી કરેલી ફી વસૂલ કરવામાં આવે છે.
  • બજાર સમિતિની આવકમાં લાયસન્સ ફી, નોંધણી ફી, બજાર ફી, દાખલ ફી, દંડ, સરકારશ્રી તરફથી મળતી લોન કે મદદ મુખ્ય છે.
  • નિયંત્રિત બજારમાં સામાન્ય રીતે ખુલ્લી હરાજીથી વેચાણ થાય છે. સાથે સાથે દલાલોની મદદથી પણ વેચાણ કરી શકાય છે. માલની કિંમત તુરત અને રોકડમાં ચૂકવવાની હોય છે.
  • આ રીતે સરકાર દ્વારા ખેત-પેદાશના ખરીદ-વેચાણમાં રહેલી ખામીઓ દૂર કરવાનો પ્રયત્ન થાય છે. આવા પ્રકારના બજારના અનેક ફાયદાઓ છે. જે આ પ્રમાણે છે.
  • નિયંત્રિત બજાર ખેડૂત-વેચનારને અને વેપારીને એક સરખું મહત્વ આપે છે. ખેડૂતના અજ્ઞાનનો કે તેની ગરીબીનો ગેરલાભ કોઇ લઇ શકતું નથી.
  • બજારના વિવિધ પ્રકારના લાગાઓ, ભાડું કે દલાલોની દલાલી પ્રથમથી જ નક્કી કરેલી હોય છે. તેથી ખેડૂતને કોઇ પ્રકારનો વધારાનો કે બિન જરૂરી ખર્ચ કરવો પડતો નથી.
  • વેચનાર અને ખરીદનારાઓને માટે તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવે છે.
  • તોલમાપનાં સાધનો સાચાં અને કાયદેસરના જ હોય છે. લાયસન્સ ધરાવતા તોલમાપ કરનારાઓ હોય છે.
  • ખરીદનાર અને વેચનાર વચ્ચે ઉત્પન્ન થતી વેચાણ સંબંધી તકરારોની પતાવટ માટે નિષ્પક્ષ સમિતિ રચવામાં આવે છે. આ સમિતિ નિયંત્રિત બજારના કાયદાઓ અનુસાર પોતાનો નિર્ણય આપે છે. જે બંને પક્ષોને બંધનકર્તા રહે છે. ( સોદાઓ થયા પછી નાણાં તુરત જ રોકડમાં ચૂકવવામાં આવે છે.
  • નિયંત્રિત બજારમાં દેશના કે તે પ્રદેશના અન્ય સ્થળે અને આ બજારમાં ભાવ-તાલ પુરવઠો, માલની જાત, ગુણવત્તા વગેરે તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે.

આ રીતે નિયંત્રિત બજારો ખરીદ-વેચાણની કામગીરી બજાવે છે. ખેત પેદાશની ખરીદી તેમજ વેચાણ પર નિયંત્રણ કે અંકુશ રાખવામાં આવે છે. તેથી તેને નિયંત્રિત બજાર કહેવામાં આવે છે. આવાં બજારોમાં સહકારી મંડળીઓ પણ કામ કરતી હોય છે.

ભારતમાં નિયંત્રિત બજારોની શરૂઆત આગળ જણાવ્યા પ્રમાણે ઇ.સ. 1897થી થઇ હતી. વર્ષ 1930 પછી તેમાં ઝડપી વધારો થયો હતો. ભારતીય મધ્યસ્થ કપાસ સમિતિ (IC C C1918) અને ખેતીવાડી શાહીપંચ (19289માં કરેલી ભલામણોને પરિણામે કેટલાક પ્રાંતો અને વિસ્તારોમાં નિયંત્રિત બજાર અંગેના કાયદાઓ કર્યા હતા. રાજયોની પુનઃ ગોઠવણી પહેલાં નવ રાજયોએ નિયંત્રિત બજારો શરૂ કર્યા હતા. વર્ષ 1974 સુધીમાં ભારતના 18 રાજયોમાં અને 4 કેન્દ્ર શાસિત વિસ્તારોમાં કૃષિ પેદાશ નિયંત્રણ ધારો (Agricultural Produce Marketing Regulation Act ) અમલમાં હતો. વર્ષ 1974 પછી નિયંત્રિત બજારોની સંખ્યામાં ઝડપી વધારો થવા પામ્યો છે. તેથી સૌથી વધારે પ્રત્યક્ષ અસર એ થઇ છે કે ખેડૂતોને ઉત્પાદન વૃદ્ધિ માટે પ્રોત્સાહન મળ્યું છે. ખેતપેદાશના ખરીદ-વેચાણમાં જે ગેરરીતિઓ આચરવામાં આવતી હતી તેમાં મહદ્અંશે ઘટાડો થવા પામ્યો છે. તેમ છતાં તેના વ્યવહારમાં ધ્યાન ખેંચે તેવી બાબતો નીચે પ્રમાણે છે.

  • બજાર સમિતિમાં ખેડૂતોના પ્રતિનિધિઓની ટકાવારી લગભગ 50% જેટલી હોય છે. તેના અધ્યક્ષ તરીકે વેપારી વર્ગની વ્યકિત જોવા મળતી હતી. ખેડૂત પ્રતિનિધિમાંથી અધ્યક્ષ ઓછા જોવા મળતા હતા. જો કે નવા કાયદા મુજબ ખેડૂતને જ અધ્યક્ષ બનાવવાનું નક્કી થયેલ છે.
  • નિયંત્રિત બજારના કાયદાની જોગવાઇઓ અનુસાર બધી જ ખેત-પેદાશો, બગીચાના પાકો, પશુઓની પેદાશો, જંગલની પેદાશો, એગ્રીકલ્ચર અને પીસીકલ્ચર (Agriculture and Ficulfure)નો સમાવેશ થાય છે. પરંતુ, વ્યવહારમાં લગભગ બધા જ રાજયોમાં માત્ર એક વસ્તુના વેચાણ અંગેનું જાહેરનામું બહાર પડયું હોય છે. જયારે કેટલાક રાજયોમાં 76 પેદાશોના નિયંત્રિત બજારનું જાહેરનામું બહાર પડયું છે. ઘઉંનું વેચાણ 705 બજારોમાં, પશુઓનું વેચાણ 185 બજારોમાં અને ફળ અને શાકભાજીનું વેચાણ 164 બજારોમાં જાહેર થયું છે. આ રીતે બધી જ પેદાશો માટે બધા જ બજારો માટે જાહેરનામું બહાર પડયું નથી.
  • નિયંત્રણ બજારોની આવકમાં ભાગ લેનારાઓની સંખ્યામાં વેચાણ થતા માલના પ્રમાણમાં રાજયવાર ભિન્નતા જોવા મળે છે. વિક્રયપાત્ર શેષ મધ્યપ્રદેશનમાં કુલ પેદાશના 15 થી 20% જેટલો આવતો જોવા મળ્યો છે.
  • બજારની ફી ના દર જથ્થાના પ્રમાણમાં લેવાય છે. એડવોલોટમ પ્રથા બધા જ રાજયોમાં અમલમાં મૂકવામાં આવી નથી. બજારની ફીના દરમાં પણ ભિન્નતા જોવા મળે છે. દા.ત. ગુજરાતમાં તે વેચાણ કિંમતના 0.10%, બિહાર, રાજસ્થાન, પંજાબ, તામિલનાડુ અને ઉત્તરપ્રદેશમાં 0.50% થવા જાય છે.
  • બજાર નીચે આવરી લેવામાં આવતા વિસ્તારોમાં પણ બહુ મોટો તફાવત જોવા મળે છે. 363 બજારોના અભ્યાસનું તારણ એ રહેવા પામ્યું છે કે તામિલનાડુ અને આંધ્ર પ્રદેશના 17 બજારો એવાં છે કે જેનો વિસ્તાર આખો જિલ્લો છે. મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને કર્ણાટકના 112 બજારો માત્ર તાલુકા વિસ્તારોમાં, પંજાબના 88 બજારો માત્ર એક શહેર પૂરતાં અને મહારાષ્ટ્ર તથા આંધ્ર પ્રદેશમાંના બજારો 8 કિ.મી. ત્રિજયામાં કાર્યરત જોવા મળે છે.
  • વર્ષ 1970-73 દરમ્યાન થયેલી મોજણીના તારણોએ રહ્યા છે કે બધા જ નિયંત્રિત બજારોમાં પૂરતી સગવડો જોવા મળતી નથી. મોજણીના બજારો પૈકિના 50% બજારોમાં બજાર યાર્ડ, 33%ને ઓફિસ, 10%ને ગોદામો અને માત્ર 18%ને રહેવાના ગેસ્ટ હાઉસની સવલતો ઉપલબ્ધ હતી.
  • લગભગ 55% કરતાં પણ વધારે નિયંત્રિત બજારોમાં વેચાણની કામગીરી બહારની બાજુએ થાય છે. માત્ર 208 બજાર સમિતિઓને પોતાના પૂર્ણકક્ષાના યાર્ડ છે.
  • નિયંત્રિત બજારોમાં પૂરતા પ્રમાણમાં અનુભવી અને તાલિમ પામેલા કર્મચારીઓની અછત છે. વહિવટી કર્મચારીઓની મર્યાદાઓની માર્કેટીંગ યાર્ડની કામગીરીમાં વિક્ષેપ ઉભો કરે છે.
  • ખેડૂતોને નાણાંની ચૂકવણી વાસ્તવમાં રોકડમાં થાય છે કે નહિ અન્ય કોઇ ગેરરીતિઓ આચરવામાં આવે છે કે નહિ કે નિયમોનું પાલન છાય છે કે નહિ ? આ બધી જ બાબતોની દેખરેખ રાખવા માટે પૂરતા કર્મચારીઓનો અભાવ છે. પરિણામે વ્યવસ્થિત કામગીરી થતી નથી.
  • જરૂરી કાર્યક્ષમ અને તાલિમ પામેલા કર્મચારીઓની અછતને કારણે અન્ય સ્થળોના એટલે કે રાજયકક્ષાના, રાષ્ટ્રકક્ષાના અને વિશ્વકક્ષાના બજારોની માહિતી મેળવી શકાતી નથી અને જે કંઇ મેળવાય છે તે ખેડૂતોને ઉપલબ્ધ થતી નથી. નિયંત્રિત બજારોની કામગીરીની આ મર્યાદા છે.
  • અસ્તિત્વમાં છે તે પૈકીના 400 બજારોના વર્ગીકરણની પ્રક્રિયાનો વિકાસ થયો છે.
  • નિયંત્રિત બજારની વ્યવસ્થા મુજબ ખુલ્લી હરાજી દ્વારા વેચાણ કરવાનું રહે છે. તેમ છતાં ખાનગીમાં દલાલ મારફત વેચાણ કરવાની પ્રથા હજુ જોવા મળે છે. આ ઉપરાંત કરાર પદ્ધતિ દ્વારા, ટેન્ડર પદ્ધતિ દ્વારા વેચાણનું પ્રમાણ મર્યાદિત રહ્યું છે. ભવિષ્યના સોદાની પદ્ધતિ માત્ર 81 બજારોમાં જોવા મળે છે.
  • ઉપરની બાબતોમાં આપણે બજારના પ્રકારો અને ખેત પેદાશના બજારના માળખાનો અભ્યાસ કર્યો. હવે આપણે ભારતમાં ખેત પેદાશના ખરીદ-વેચાણમાં અપનાવવામાં આવતી પદ્ધતિઓ વિશે જોઇએ.
  • ખેડૂતો અને ગ્રાહકોને ચૂકવવી પડતી કિંમતો અને તેમના હિતોના રક્ષણનો આધાર ખરીદવેચાણ પદ્ધતિ પર હોય છે. ભારતમાં અસ્તિત્વમાં રહેલી વેચાણ પદ્ધતિ ખેડૂતને અને અંતિમ વપરાશકાર એમ બન્નેને માટે યોગ્ય નથી. ખેડૂતોને ઓછી કિંમત મળે છે અને વપરાશકારને ઊંચી કિંમત ચૂકવવી પડે છે. વર્તમાન સમયની ખેત-પેદાશની ખરીદ-વેચાણ પદ્ધતિ આ પ્રમાણે છે.

1. હથ્થા પદ્ધતિ

  • અનાજના વ્યાપારમાં આ પદ્ધતિ આજે પણ ખૂબ જ પ્રચલિત છે. આ પદ્ધતિમાં દલાલ કિંમત નક્કી કરે છે. દલાલ લોકોના ટોળા વચ્ચે ખરીદનાર વ્યકિત કે તેના પ્રતિનિધિનો હાથ પકડી તેના પર કપડું ઢાંકી રાખે છે અને આંગળીઓ પકડીને કિંમત નક્કી કરે છે. આસપાસ ઊભેલા લોકોને અને ખેડૂતને પણ ખબર પડતી નથી કે કિંમત શી નક્કી થવાની છે અને કપડા નીચે શું ચાલી રહ્યું છે તે કોઇને ખબર નથી હોતી. તેને દલાલ પર જ વિશ્વાસ રાખવાનો રહે છે. વાસ્તવમાં દલાલ અને વ્યાપારી મળી ગયા હોય છે. તેથી ખેડૂતને વધારે ભાવ મળતો નથી.
  • જાહેર હરાજી પદ્ધતિ
  • આ પદ્ધતિમાં વસ્તુના ઢગલા પાસે જાહેરમાં હરાજી કરવામાં આવે છે. હરાજી બોલનાર વ્યકિત દલાલ પ્રકારની હોય છે. તે એક પછી એક ખેડૂતના માલની હરાજી કરતો હોય છે. જે સૌથી ઊંચો ભાવ બોલે તેને માલ વેચવામાં આવે છે. આ પદ્ધતિ પ્રથમ દષ્ટિએ યોગ્ય લાગે છે. પરંતુ તેમાં પણ મર્યાદા જોવા મળે છે. ખરીદનાર વેપારીઓ મળી જઇને વધારે ભાવ બોલતા નથી. તેથી ખેડૂતને ઊંચી કિંમત મળતી નથી. દલાલ ઘણી ઝડપથી અંતિમ બોલી જાહેર કરી નાખે છે. પરિણામે ઊંચો ભાવ બોલવાની તક રહેતી નથી.
  • 3. વ્યક્તિગત સંપર્ક દ્વારા
  • આ પદ્ધતિમાં ખેડૂત જાતે જ પોતાનો નમૂનો લઈ વ્યાપારી સાથે એક પછી એક વાતચીત કરે છે. તેઓ કેટલી કિંમત આપવા તૈયાર છે તેની માહિતી મેળવે છે. છેલ્લે જે વ્યાપારીએ સૌથી વધારે કિંમત આપવાની તૈયારી બતાવી હોય તેને પોતાનો માલ વેચે છે. આ રીતે આ પદ્ધતિમાં ખેડૂત જાતે જ પોતાના માલની કેટલી કિંમત આવશે તે જાણી શકે છે. આ રીતે આ પદ્ધતિ યોગ્ય છે. પરંતુ આમાં એવું બને છે કે માલનો સોદો થઈ ગયા પછી જ્યારે માલનો આખો જથ્થો જોવા મળે છે. ત્યારે “નમૂના મુજબનો માલ” નથી. તેમ કહી વિવાદ ઉત્પન્ન કરવામાં આવે છે અને અંતે ખેડૂતને નક્કી થયેલી કિંમત કરતાં ઓછી કિંમત મળે
  • 4. દારા પદ્ધતિ :
  • આ પદ્ધતિમાં ખેડૂત પોતાના ઉત્પાદનનું ગુણવત્તા પ્રમાણે વર્ગીકરણ કરે છે. ખેડૂત પોતાના માલના બે ભાગ કરે છે. એક સારી ગુણવત્તાવાળો ભાગ અને બીજો તેનાથી ઉતરતી કક્ષાનો માલ. આમ એવી ગણતરી રાખવામાં આવે છે કે સારા માલની કિંમત વધારે ઉપજશે અને નબળા માલની કિંમત ઓછી ઉપજશે. બન્ને અલગ અલગ ભાવ નક્કી થતા હોય છે. પરંતુ તેમાં એકદંરે કુલ આવક ઓછી જ રહે છે. ઉ.દા. તરીકે ખેડૂત પાસે 200 મણ મગફળી છે. મગફળીની કિંમત એક મણના રૂ.700/- લેખે તેને કુલ રૂ.140000/- મળે તેમ છે. પરંતુ દલાલની સલાહથી તે મગફળીના બે ભાગ કરે છે. એક સારા માલનો જથ્થો કે જે 70 મણનો અને બીજો નીચી ગુણવત્તાવાળો જથ્થો કે તે 130 મણનો છે. ખેડૂતને સારી ગુણવત્તાવાળીનો ભાવ રૂ.750/- મળે છે. એટલે કે તેમાંથી તેને 52500/- રૂ. મળે છે. જ્યારે ઓછી ગુણવત્તાવાળી મગફળીની કિંમત રૂ.650/- નક્કી થાય છે. તેથી તેમાંથી તેને રૂ.84500/- મળે છે. આ રીતે તેને રૂ. 137000/- મળે છે. એટલે કે એકદંરે તેને ઓછી આવક મળે
  • 5. નમૂના પદ્ધતિ :
  • આ પદ્ધતિમાં ખેડૂતો પાસેથી તેની પેદાશના નમૂનાઓ દલાલ લે છે અને તે નમૂનાઓ વેપારીઓને બતાવીને કિંમત નક્કી કરે છે. પરંતુ આ પદ્ધતિમાં પણ “નમૂના પ્રમાણે માલ નથી. તેવી તકરાર ઉત્પન્ન કરવામાં આવે છે.
  • 6. ટેન્ડર પદ્ધતિ :

આ પદ્ધતિમાં ખેડૂતો પોતાના માલનું પ્રદર્શન ગોઠવે છે. ખરીદનાર વ્યાપારી કે તેનો પ્રતિનિધિ પોતાની ખરીદ કિંમત સીલબંધ કવરમાં રજૂ કરે છે. બધાના ટેન્ડરો ભરાઈ ગયા પછી ટેન્ડરો એક પછી એક ખોલવામાં આવે છે. સૌથી ઊંચી કિંમતનું ટેન્ડર ખેડૂત સંમતિ આપે તો સોદો નક્કી થાય છે. અન્ય પદ્ધતિઓની સરખામણીમાં આ પદ્ધતિ વધારે હરીફાઈનું તત્વ દર્શાવતી પદ્ધતિ

છે. તેથી તે સારી છે તેમ કહી શકાય. • નિયંત્રિત બજાર(ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ) ખેડૂતો માટે શું કરી શકે ?

આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું કાર્ય વિસ્તરતું જાય છે. વર્ષ 2005માં ગુજરાત રાજય કૃષિ બજાર બોર્ડ, ગાંધીનગર અને જે તે વિસ્તારમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કૃષિ મહોત્સવના ઉપક્રમે " ખેડૂત શિબિરો " નું આયોજન કરવામાં આવ્યું હતું. તેને માટે સરકાર અભિનંદનને પાત્ર છે. અત્યાર સુધી દરેક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ફકત તોલમાપ, વટાવ અને નાણાં સાથે જ સંકળાયેલી જોવા મળતી હતી. મોટાભાગની આવી સંસ્થાઓ " જાહેર હરાજી, યોગ્ય તોલમાપ, વટાવ અને નાણાં " ના સૂત્ર સાથે ધંધાદારી પેઢી હોય તેવું જણાયું છે. ખરેખર તો આ એક ખેડૂતોથી બનેલી ખેડૂતો દ્વારા ચાલતી સ્વાયત્ત સંસ્થા છે કે જે ઘણા ખેડૂતોપયોગી કામો હાથ ધરી શકે તેમ છે. આજે ચીલાચાલુ ખેતીનો જમાનો રહ્યો નથી. ખેતીમાંથી વધુ ઉત્પન્ન અને આવક મેળવવી હશે તો કૃષિના આધુનિક અભિગમો અપનાવ્યા વિના છૂટકો નથી. ખેડૂતોને આધુનિક ખેતી વિષે માહિતગાર કરવા સમયાંતરે ખેડૂત શિબિર, રાત્રિસભા, વિચારગોષ્ટી જેવા કાર્યક્રમો યોજવા જરૂરી છે. આ માટે છે. ઉ. બ. સ. જરૂર જણાય ત્યારે કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોને બોલાવી જે તે વિસ્તારમાં ખેડૂત સભાનું આયોજન કરે તો ખેડૂતોને આધુનિક ખેતીથી માહિતગાર કરી શકાય. નવીન કૃષિ તાંત્રિકતા અંગે ખેડૂતોને વાકેફ કરી શકાય અને તેને મૂંઝવતા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરી શકાય. આજે ખેડૂતો વૈજ્ઞાનિકો પર વધુ વિશ્વાસ મૂકતા થયા છે ત્યારે ખેડૂતો અને વૈજ્ઞાનિકો વચ્ચે સીધો વાર્તાલાપ થાય તે આજના સમયની તાતી જરૂર છે.

કૃષિ અંગેનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઘણા માધ્યમો આજે કાર્યરત છે. તે પૈકિ કૃષિ સામાયિકો અગત્યનું અંગ ગણાય છે. આવા સામાયિકોમાં કૃષિને લગતું જ્ઞાન પીરસવામાં આવે છે. કૃષિગોવિધા, કૃષિજીવન, કૃષિવિજ્ઞાન, નર્મદા કિસાન પરિવાર પત્ર અને બીજા કેટલાક કૃષિ વિષયક સામાયિકો નજીવી કિંમતે મળે છે ત્યારે દરેક ખે. ઉ. બ. સ. તેના કાયમી સભ્ય બને અને આવા સામયિકોનો ખેડૂતો વધારેમાં વધારે લાભ લે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. શકય હોય તો આવા સામયિકમાં આપવામાં આવેલ માહિતી/લેખ પૈકી જે માહિતી જે તે વિસ્તારના ખેડૂતોને ઉપયોગી હોય તે માહિતી અલગ તારવી ખેડૂતોના લાભ માટે સંસ્થાના નોટીસબોર્ડ પર પ્રસિદ્ધ કરવી અથવા અન્ય રીતે તેનો બહોળો પ્રચાર કરી ખેડૂતો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવા જોઇએ.

ખેતીપાકો અંગેની કોઇ નવીન જાતની ભલામણ કરવામાં આવી હોય કે નવું જ બિયારણ મળે તેમ હોય તો તેની સઘળી માહિતી અને ઉપલબ્ધતા અંગે ખેડૂતોને માહિતગાર કરી શકાય. વ્યક્તિગત ખેડૂત કોઇ બિયારણ લેવા આમથી તેમ દોડાદોડ કરી સમય અને નાણાં વેડફે તેને બદલે ખે. ઉ. બ. સ. દ્વારા જરૂરી બિયારણ મેળવી જરૂરિયાત મુજબ સભાસદોને ફાળવે તો સમય અને નાણાંનો બચાવ થશે. તે જ પ્રમાણે રાસા. ખાતરો, જૈવિક ખાતરો, જંતુનાશક દવાઓ, ખોળ અને ખાણદાણ જેવી વસ્તુઓ ખે. ઉ. બ. સ. દ્વારા ખેડૂતોને વ્યાજબી ભાવે મળી રહે તેવું આયોજન થાય તે જરૂરી છે. આજે ખેડૂત ખુલ્લા બજારમાંથી ગમે તે બ્રાન્ડની વસ્તુઓ લાવી ખેતીમાં વાપરે છે. પરિણામે ઘણી વખત ખેડૂતોને પૂરેપૂરો લાભ મળતો નથી. આવા સંજોગોમાં મોટેભાગે ખેડૂત છેતરાતો હોય છે. તેથી, ખે. ઉ.બ. સ. દ્વારા જ જો પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા તૈયાર કરેલ માલ ખરીદી ખેડૂતોને વેચવામાં આવે તો ખેડૂત સમાજને ઘણો ફાયદો થાય.

ખેડૂતોએ પેદા કરેલ માલ જયારે બજારમાં આવે છે તે વખતે ઘણીવાર તેના ભાવ બેસી જતા હોય છે. આ વખતે જો ખે. ઉ. બ. સ. દ્વારા જ જો પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા તૈયાર કરેલ માલ ખરીદી ખેડૂતોને વેચવામાં આવે તો ખેડૂત સમાજને ઘણો ફાયદો થાય.

- ખેડૂતોએ પેદા કરેલ માલ જયારે બજારમાં આવે છે ત્યારે તે વખતે તેના ભાવ બેસી જતા જોવામાં આવે છે. આ વખતે ખે. ઉ. બ. સ. દ્વારા ખેડૂતો પાસેથી માલ ખરીદી પોતાના ગોડાઉનમાં સંગ્રહી રાખે અને જયારે યોગ્ય ભાવ મળે ત્યારે તેનું વેચાણ કરે તો ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય. જરૂર જણાય તો ખેડૂતોએ જમા કરાવેલ માલને ધ્યાનમાં રાખી અમુક ઉચ્ચક નાણાં તેમને આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તો ખેડૂતોની નાણાંની જરૂરિયાત સંતોષી શકાય અને મજબૂરીવશ જે માલ ઓછા ભાવે વેચવો પડે તે નિવારી શકાય.

ખેતીમાંથી ફકત વધુ ઉત્પાદન મેળવવું જ પૂરતું નથી. પરંતુ, ઉત્પન્ન કરેલ માલના પોષણક્ષમ ભાવ પણ મળવા જોઇએ. જયારે ખેતપેદાશના ભાવ પૂરતા ન મળે તો તેમાં મૂલ્યવર્ધન (વેલ્યુએડિશન)નો અભિગમ અપનાવવો જોઇએ. તે માટે માલનું વર્ગીકરણ (ગેડિંગ), પેકિંગ, સ્ટોરિંગ અને માર્કેટિંગ અંગે વિચાર કરવો રહ્યો. વ્યકિતગત ખેડૂત કદાચ આ ન કરી શકે તો ખે. ઉ. બ. સ. દ્વારા તેનો અમલ કરવો જોઇએ. આજે આપણે ત્યાં ધાન્ય પાકો, કઠોળ પાકો તેલીબિયાના પાકો, ફળફળાદી અને શાકભાજીનું પૂરતાં પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આ ખેત-પેદાશોને સીધેસીધી બજારમાં વેચવા કરતાં તેમાંથી બનતી વિવિધ આઇટમો તૈયાર કરવામાં આવે અને બહારના દેશોમાં તેની નિકાસ કરવામાં આવે તો ખેડૂતોને, રાજયને અને દેશને ફાયદો થાય. આ કામ કદાચ વ્યકિતગત ખેડૂત ન કરી શકે પરંતુ ખે. ઉ. બ. સ. દ્વારા આજે જો વિચારણા અને આયોજન થાય તો ભવિષ્યમાં તેનો અમલ ચોક્કસ થઇ શકે.

આજે આપણો દેશ વિશ્વ વ્યાપાર સંગઠન (W T O) સાથે જોડાયેલ છે ત્યારે વૈશ્વિક હરિફાઇમાં ટકવા માટે આપણું કૃષિ ઉત્પાદન ગુણવત્તાવાળું હોય તે જરૂરી છે. સેન્દ્રિય ખેતીનો વ્યાપ વધે અને તેના દ્વારા ઉત્પાદિત થયેલ માલના યોગ્ય ભાવ ખેડૂતોને મળી રહે તેવું છે. ઉ. બ. સ. થકી થવું જરૂરી છે. આવો માલ ઉત્પન્ન કરતા ખેડૂતોને જુદા તારવી તેમણે પકવેલ માલ એકત્ર કરી વિશ્વના બજારોમાં મોકલવાનું કામ વ્યકિતગત ખેડૂત કદાચ ન કરી શકે પરંતુ ખે. ઉ. બ. સ. દ્વારા ચોક્કસ થઇ શકે.

આજે સંદેશા વ્યવહારની પ્રક્રિયા ઝડપી બનેલ છે. ઘેર બેઠાં વિશ્વના ખૂણે ખૂણાની માહિતી ઇન્ટરનેટ દ્વારા મેળવી શકાય છે. દેશના કે રાજયના વિવિધ બજારોમાં ખેત પેદાશના રોજબરોજના ભાવ જાણીને તેની માહિતી જે તે સંસ્થા દ્વારા ખેડૂતોને આપવામાં આવે તો સાહસિક ખેડૂતો પોતાનો માલ અન્યત્ર વેચી સારો ભાવ મેળવી શકે છે. ઉપરાંત ખે. ઉ. બ. સ. દ્વારા ખેડૂતો માટે અભ્યાસ પ્રવાસનું આયોજન થાય તે જરૂરી છે. ખેડૂતોના નાના નાના જૂથ બનાવી નજીકમાં આવેલ કૃષિ સંશોધન કેન્દ્ર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોઇ પ્રગતિશીલ ખેડૂત કે સંસ્થાના કૃષિ ફાર્મની મુલાકાતનું આયોજન કરી શકાય. ખેડૂતો તેને નજરોનજર નિહાળશે. તેથી તેને અપનાવવા કોશિષ કરશે. તે અંગે વિચારવિમર્શ કરશે અને કઇંક નવું વિચારતો થશે.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની પ્રવૃત્તિ ગુજરાત રાજયમાં વર્ષોથી સફળતાપૂર્વક ચાલે છે. ગુજરાતના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખેત પેદાશના ભાવ મળી રહે તે ખેત પેદાશનું સાચું વજન થાય અને તેમને તરત જ પૈસા મળી રહે તે હેતુથી સૌ પ્રથમ 226 તાલુકામાં માર્કેટયાર્ડની સ્થાપના કરવામાં આવી, હાલમાં 396 માર્કેટયાર્ડ તેમજ સબયાર્ડનું માળખું અમલમાં છે. દેશની અન્ય માર્કેટયાર્ડના અધિકારીઓ ગુજરાતની માર્કેટયાર્ડની પદ્ધતિ સમજવા આવે છે. અહીં લેવામાં આવતા તમામ નિર્ણયો ખેડૂત તરફી, ખેડૂત માટે અને ખેડૂતો દ્વારા લેવામાં આવતા હોય છે. એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ ઉત્તર ગુજરાતમાં ઊંઝા સ્થિત છે. ઊંઝાના માર્કેટયાર્ડનો વ્યવસ્થિત વહીવટ, સંચાલન અને ખેડૂતલક્ષી અભિગમનો અભ્યાસ કરવા દેશ વિદેશથી લોકો આવે છે. ગુજરાતના ગૌરવ સમા આ માર્કેટયાર્ડમાં કરોડો રૂપિયાનો વહીવટ થાય છે. આમ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું કાર્ય ફકત ખેડૂતોએ પકવેલ માલને એક જગ્યાએ વેચી, તોલમાપ કરી, વટાવ કાપી સંસ્થાને વધુમાં વધુ નફો કરે તે પૂરતું મર્યાદિત નથી. ઉપર મુજબની બાબતોને લીધે ખેડૂતોના સશક્તિકરણમાં વધારો થશે, તે સમૃદ્ધ થશે. તે સમૃદ્ધ થશે તો રાજય સમૃદ્ધ થશે અને જો રાજય સમૃદ્ધ થશે તો રાષ્ટ્ર સમૃદ્ધ થશે.

નાના ખેડૂતોને સમૃદ્ધ બનાવવા કોન્ટ્રાકટ ફાર્મિંગનો અભિગમ આવકારદાયક છે. ભારત દેશમાં નાના તેમજ સીમાન્ત ખેડૂતોની ખેતી હંમેશા બિન-નફાકારક રહી છે. તેમને જે કાંઇ પણ થોડુંઘણું મળે છે. તે તેમના મજૂરી કામ પેટે મળે છે તેમ કહીએ તો ખોટું નથી. તેથી જ તેઓ કયારેય આર્થિક રીતે સમૃદ્ધ બની શકયા નથી. એટલે જ તેઓને આત્મદાહ કરવાની જરૂર ઊભી થાય છે. પણ હવે નાના ખેડૂતો માટે એક નવું આશાનું કિરણ જનમ્યું છે અને તેનું માધ્યમ છે ભારતમાં કોન્ટ્રાકટ ફાર્મિંગ પદ્ધતિનું આગમન.

નાના ખેડૂતો શા માટે સફળ નથી થતા?

નાના ખેડૂતો સફળ ન થવાના ઘણા કારણો છે. જેમાં...

  • સમયસર ખેતી કરવા માટે પૈસાની અછત
  • ખેતીકામો માટે વિવિધ સાધનોની અછત (કમી)
  • યોગ્ય ગુણવત્તાવાળી બિયારણોની કમી
  • પિયતના સાધનોની અછત
  • આધુનિક ટેકનોલોજી તેમજ ખેતી વિષયક માહિતીઓની અછત

જો તેમને પર્યાપ્ત સંસાધનો મળે તો ?

આપણા દેશના ખેડૂતો મહેનતથી કયારેય ગભરાતા નથી પણ સંસાધનોની અછતના લીધે તેઓ લાચાર બની જાય છે. પણ જો સરકાર અથવા કંપનીઓ તેમને આ બાબતમાં સહકાર આપે તો તેઓ નિશ્રિતપણે સફળતા મેળવી શકે છે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. પણ હવે આ બાબતમાં રાજય સરકારો વિચારી રહી છે તે એક આવકારદાયક પગલું છે. કોન્ટ્રાકટ ફાર્મિંગમાં ગામના ખેડૂતો પોતાની જમીનો કોઇ ખાનગી સંસ્થા કે કંપનીને લીઝ પર ખેતી કરવા આપી દેશે અને તેના બદલે તેમને દરવર્ષે નક્કી કર્યા મુજબના લાભ(પૈસા) મળી શકશે. આ રીતે પેલી કંપની કે સંસ્થા પાસે સંસાધનો અને જમીનો પણ હશે જેથી તેઓ સારી રીતે અને સમયસર ખેતી કરી શકશે. તેઓ આધુનિક ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરી શકશે. દેશ વિદેશોથી પણ ટેકનોલોજી આયાત કરી શકશે જેથી ખેતીમાંથી સારો નફો રળી શકાશે. બીજી બાજુ કંપનીને મજૂરોની જરૂરિયાત હશે તે પૂરી થશે.

કૃષિ પેદાશના વેચાણના પ્રશ્નો, ઉપાયો તથા પગલાં:

કૃષિ ફકત અનાજ, શાકભાજી, કઠોળ કે તેલીબિયાંના પાકોની ઉત્પાદનની જ પ્રક્રિયા ખેડૂતો માટે નથી. ખેડૂતોએ ઉત્પાદનની વ્યવસ્થાની સાથે સાથે વેચાણ વ્યવસ્થામાં પણ નિપુણતા મેળવી ઉત્પાદિત પેદાશના વેચાણમાંથી વધુ આવક મેળવવાની હોય છે. આ રીતે વિચારીએ તો ખેડૂતોએ વેચાણ વ્યવસ્થામાં બુદ્ધિપૂર્વકના નિર્ણયો લેવા પડતા હોય છે. ઘણી વખત જોવા મળે છે કે ખેડૂત ઉત્પાદન કરવામાં નિપૂણ હોય અને વધારે ઉત્પાદન લીધેલ હોય છતાં તેની આવકમાં વધારો થતો નથી. ઘણી વખત બજારમાં મોટા પ્રમાણમાં ખેડૂતોના ઉત્પાદનનો જથ્થો ઠલવાતા પૂરવઠો માંગના પ્રમાણમાં વધી જતાં બજારભાવ બેસી જાય છે અને ખેડૂતોએ કરેલ બજારભાવ મળતો નથી. જેથી ખેડૂતોને ખેતીના વ્યવસાયમાંથી પૂરતી આવક થતી નથી અને તે નિરાશા અનુભવે છે. જેથી, ખેત પેદાશનોનું વેચાણ કરવામાં પડતી મુશકેલીઓ તથા તેના નિરાકરણ અંગે ચિંતન કરવાની ખાસ જરૂર છે.

ખેત પેદાશોના બજારના અગત્યના પ્રશ્નો:

ખેડૂતોએ પોતે જ બજાર વ્યવસ્થા કરવાની હોવાથી તેઓએ પ્રવર્તમાન સંજોગોમાં કેવી વેચાણ સમસ્યાઓનો સામનો કરવાનો છે તેની સમજ ધરાવવી જરૂરી છે.

  1. કૃષિ બજાર વ્યવસ્થામાં ખેડૂતો અને ઉપભોકતા વચ્ચે મધ્યસ્થીઓ જરૂરી તો છે પરંતુ હાલની વ્યવસ્થામાં તેઓ જરૂર કરતાં વધારે જણાય છે. જેથી ખેડૂત પાસેથી ગ્રાહક સુધી માલ પહોંચતા તેની કિંમતમાં અનેકગણો વધારો જોવા મળે છે. બજાર વ્યવસ્થામાં મધ્યસ્થીઓની સેવા લેવી પડે તે પાસુ નકારી ન શકાય. પરંતુ, તેઓ તેમની સેવાના પ્રમાણમાં વધારે વળતર લેતા જણાય છે. અમુક શાકભાજી જેવા પાકોમાં છૂટક વેચાણકર્તાઓનો રિટેલરનો હિસ્સો 20 થી 25% હોય છે. જયારે તે જ પાક પકવનાર ખેડૂતના નફાનો હિસ્સો ખૂબ જ નાનો હોય છે.
  2. ઘણા ગામોમાં હજુ પણ માળખાગત સુવિધાઓ જેવી કે વાહન વ્યવહાર, કોલ્ડ સ્ટોરેજ, વેર હાઉસીંગ  સેવાઓ અત્યારની જરૂરિયાત મુજબની નથી અથવા જે છે તે તેમાં ખામીઓ જોવા મળે છે.
  3. બજારમાં ખરેખર અમલમાં રહેતી ભાવ નિર્ધારણ વ્યવસ્થા ખામી ભરેલી જોવા મળે છે. નિયંત્રિત બજારોમાં નિયમો મુજબ જાહેર હરાજી થવી જોઇએ છતાં એવું જોવા મળે છે કે અમુક બજારોમાં તો ખરેખર જાહેર હરાજી થતી જ નથી અથવા તો કેટલાક વેપારીઓ અગાઉ મળી ભાવો નિશ્ચિત કરી ખેડૂતોને મળવા જોઇતા ભાવો આપતા નથી.
  4. ખેડૂતોની પેદાશો માટેની ગ્રેડિંગ વ્યવસ્થાનો પણ અભાવ છે. ઘણા ખેડૂતો કેવી રીતે ગ્રેડિંગ કરવું તેની સમજ ધરાવતા નથી.
  5. હાલમાં ઘણા એવા પાકો છે કે જે ખૂબ જ આવક ખેડૂતોને આપી શકે છે. જેવા કે અશ્વગંધા, સફેદ મૂસળી, કરિયાતું, કુંવારપાઠું વગેરે. પરંતુ, તેઓની તેઓની બજાર વ્યવસ્થાનો વિકાસ જોઇએ તેવો થયેલ નથી. ખેડૂતો આવા પાકોનું ઉત્પાદન લઇ શકે છે. પરંતુ, કયાં વેચાણ કરવું તે બાબતથી કે આવડતથી અજાણ છે.
  6. બજારમાં ભાવ ચૂકવણામાં પણ ખામીઓ જોવા મળે છે. દા.ત. તમાકુના પાકમાં વેચેલ પેદાશના નાણાંની ચૂકવણી જલદી થતી નથી અને આવા સંજોગોમાં વેપારીએ મોડા ચૂકવણા પેટે આપવું પડતું વ્યાજ પણ નથી આપતા, ઘણા વેપારી નાણાંની તુરત જ ચૂકવણી કરે છે. પરંતુ, તેવા સંજોગોમાં રોકડ વટાવ કાપતા જોવા મળે છે. આમ, ખેડૂતોને તો બંન્ને રીતે માર પડતો જોવા મળે છે.
  7. ખરેખર ખેડૂતો માટે ધિરાણની સરળ અને પૂરતી સુવિધા હોવી જરૂરી છે. એવું પણ હજુ જોવા મળે છે.કે ખેડૂતોને નાણાંની જરૂર હોય ત્યારે વેપારી અંગત ધિરાણ આપે છે જેથી ખેડૂતોને તે વેપારી પાસે જ માલ વેચવો પડતો હોય છે અને આ કારણે પણ ખેડૂતની સોદા શક્તિમાં ઘટાડો થતો જોવા મળે છે. તેમજ ભાવ ઓછો હોય તો પણ તુરત જ વેપારીને માલ વેચી દેવો પડતો હોય છે. ખેડૂતોને માલ સામે બજાર ધિરાણ મળે તેની પૂરતી સગવડ હજુ જોવા મળે મળતી નથી.
  8. ખેત પેદાશો માટે જોઇએ તેટલી તેમજ કાર્યક્ષમ સહકારી બજાર વ્યવસ્થાનો હજુ વિકાસ થયેલ જણાતો નથી.

ઉપરોકત ખામીઓ ખેત બજાર વ્યવસ્થામાં જણાય છે, તેમ છતાં ખેડૂતો પડકારો સામે નીચે મુજબ બજાર સંચાલન કરે તો વધુ આર્થિક લાભ કૃષિ ઉત્પાદનમાંથી મેળવી શકાય છે.

  1. ખેત પેદાશના જથ્થાને સાફસૂફ કરી બજારમાં વેચવા માટે લઇ જવો.
  2. જુદી જુદી જાતોનો માલ જુદો જુદો રાખી બજારમાં લઇ જવો, ભેળસેળ ન કરવી.
  3. માલનું ગુણવત્તા પ્રમાણે વર્ગીકરણ કરી ગ્રેડ આપી વેચાણ કરવું અને ગ્રેડ મુજબ ભાવ મળે તે માટે વ્યાવસાયિક કુશળતા દાખવી સોદાશક્તિમાં નિપુણતા મેળવવી.
  4. કોઇપણ બજારમાં માલ લઇ જવાનો નિર્ણય લેતા પહેલા જુદાજુદા બજારોમાં ચાલતા ભાવોની માહિતી લેવી જોઇએ.
  5. પેદાશને બજારમાં લઇ જતા પહેલા વજન કરો તેમજ યોગ્ય સરખા માપના કોથળા/બોક્ષમાં માલ મોકલવો, પેકિંગનું મહત્વ ખૂબ જ છે.
  6. માલ તૈયાર થાય કે તરત જ માલ ન વેચતા બજારના ભાવોની રૂખ જોઇ વેચાણ કરવું. ખેડૂતોએ ઓફ સીઝનમાં ભાવ જો વધુ મળે તેવા હોય તો તે મુજબ માલ સંગ્રહની વ્યવસ્થા કરી ઓફ સીઝનનાં ભાવોનો લાભ લેવો જોઇએ.
  7. ખેડૂતો ઘણી વખત વ્યક્તિગત રીતે વેચાણ સંચાલનમાં થતા સોદાશક્તિમાં લાભ લઇ શકતા નથી. સહકારી બજાર વ્યવસ્થા મારફત વેચાણ કરવા માટે પ્રયત્ન કરવા તથા સહકારી વેચાણ મંડળીઓની કાર્યવાહીમાં ભાગ લઇ જાગૃત ખેડૂત તરીકે હંમેશા સજાગ અને તત્પર રહેવું.
  8. જયારે નિયંત્રિત બજારોમાં (રેગ્યુલેટેડ માર્કેટ )માં વેચાણ કરીએ ત્યારે હંમેશા વેચાણ રસીદ મેળવી લેવી. તેમજ યોગ્ય રીતે હરાજી થાય છે કે કેમ તેની કાળજી રાખવી. જો નિયમો મુજબ કાર્યવાહી થતી ન હોય તો યોગ્ય જગ્યાએ યોગ્ય આગેવાનો મારફતે રજૂઆત કરવી જોઇએ.
  9. 9. સારા ભાવ લેવા યોગ્ય જાતની પસંદગી વાવણી કરતી વખતે જ કરવી જોઇએ. 10. ઉપભોકતાની બદલાતી પસંદગી મુજબ ઓર્ગેનિક ફાર્મિંગ અપનાવવી શકય હોય તો તે મુજબ

10. ઓર્ગેનિક પ્રોડકટનું વેચાણ કરી લાભ લેવો જોઇએ. હાલમાં મોટા મોલ, મેઘા બજારોમાં ઓર્ગેનિક પ્રોડકટનું વેચાણ ખૂબ જ જોવા મળે છે. સામાન્ય રીતે હાલનો ઉચ્ચ આવક ધરાવતો વર્ગ ઓર્ગેનિક પ્રોડકટ ઊંચા ભાવ આપી ખરીદતો જોવા મળે છે. મોટા ખેડૂતો પોતાની બ્રાન્ડ ઇમેજ પણ ઉભી કરી શકે છે અને તે મુજબ પોતાની પેદાશોના વધુ ભાવ મેળવી શકે છે.

11. ખેડૂતોએ મૂલ્યવૃદ્ધિનો લાભ લેવો જોઇએ. દા.ત. ખેડૂતો જો સીધેસીધું સૂકું મરચું વેચતા હોય તો તેણે વિચાર કરવો જોઇએ કે જો મરચાંનો પાવડર બનાવી તેને યોગ્ય માપના પેકેટમાં વેચવાથી કેટલો વધુ લાભ થાય છે. લીલું આદુ વેચવા કરતાં જો સૂકવીને વેચવામાં આવે તો કેટલો લાભ મળે તેમ છે. આમ અનેક રીતે મૂલ્ય વૃદ્ધિના લાભો અંગે વિચારી શકાય છે. ગામમાં જ લઘુ ઉધોગ સ્થાપી આવક વધારી નવી રોજગારી પણ વધારી શકાય છે.

12. ખેડૂતોને જો એવું જણાય કે દૂરના બજારમાં કે દૂરના શહેરમાં માલનો સારો ભાવ મળે છે પરંતુ પોતાનો જથ્થો ઓછો હોવાથી આર્થિક રીતે માલ મોકલવો પોષાય તેમ નથી તો ખેડૂતોએ સામૂહિક રીતે ભેગા થઇ સામૂહિક વાહનની વ્યવસ્થા કરી દૂરના બજારમાં માલ લઇ જવાની વ્યવસ્થા કરવી જોઇએ.

13. હાલના વૈશ્વિકરણના સમયમાં જયારે વિદેશના બજારો ખૂલ્લા થયા છે, ત્યારે નિકાસ બજારનો લાભ લેવો જોઇએ અને તે માટે માલની ગુણવત્તા જળવાય તેની કાળજી રાખવી જોઇએ તથા નિકાસ કરવાની કાર્યવાહીમાં કુશળતા પ્રાપ્ત કરવી જોઇએ. દક્ષિણ ગુજરાતના ઘણા ખેડૂતો તેઓની પેદાશ જેવી કે ચીકુ, કેરી વગેરેની વિદેશમાં નિકાસ કરતા જોવા મળે છે.

14. આપણા દેશમાં કૃષિ બજારનો એક સરસ અભિગમ શરૂ થયેલ છે. આંધ્રપ્રદેશમાં હૈદ્રાબાદ ખાતેનું રાયતું  બજાર ખેડૂત બજારોમોડેલ આ અંગેનું ઉત્તમ ઉદાહરણ છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભરૂચ, મહેસાણા, જામનગર વગેરે ખાતે ખેડૂતોનું બજાર સ્થાપી શકીએ કે જેમાં ફકત ખેડૂતો જ પોતે પેદા કરેલ માલ વેચી શકે. આંધ્રપ્રદેશમાં તો ખેડૂતોની પેદાશને બજારમાં લઇ જવા ખાસ બસો દોડાવવામાં આવે છે. આપણા સીમાન્ત તથા નાના ખેડૂતોના કુટુંબમાં એકાદ સભ્ય જો પોતે સીધુંજ વેચાણ ગ્રાહકને કરે તો રોજગારી સાથે સાથે પોતાની પેદાશનો સારો ભાવ લઇ શકે છે. આ અંગે સરકાર તથા ખેડૂત આગેવાનોએ વિચાર કરવો જોઇએ.

ભારતમાં ખેત-પેદાશના ખરીદ-વેચાણમાં રહેલી મર્યાદાઓ :

આમ, ઉપર મુજબ ભારતમાં ખેત-પેદાશોનું વેચાણ કેવી રીતે થાય છે તેની વિગતોની ચર્ચા કરી છે તેને આધારે તેમાં રહેલી મર્યાદાઓ જાણી શકાય છે. તે પૈકીની કેટલીક મર્યાદાઓ આ પ્રમાણે છે.

  • માલનું તાત્કાલિક ફરજિયાત વેચાણ : ખેડૂતોની નબળી આર્થિક સ્થિતિ, નાણાંની તાત્કાલિક જરૂરીયાત, સંગ્રહ કરવાની સુવિધાનો અને શક્તિનો અભાવ, શાહુકાર કે મંડળીનું દેવું, વિક્રયપાત્ર શેષ ઓછો વગેરે અનેક કારણોથી ખેડૂતોને પોતાની ઉપજ તૈયાર થાય કે તરત જ વેચવાની ફરજ પડે છે. આથી બજારમાં પુરવઠો વધી જાય છે. તેથી કિંમતમાં ઘટાડો થાય છે. વળી કિંમત ઘટવાના વલણની અસરને પરિણામે એટલે કે ભવિષ્યમાં કિંમતમાં ઘટાડો થશે તેવા અનુમાનથી વધુ વેચાણ થાય છે. પરિણામે જ્યારે સૌથી નીચા ભાવ હોય છે ત્યારે વેચાણ થાય છે. આ એક ધ્યાન ખેંચે તેવી બાબત છે.
  • ગામના સ્થાનિક બજારમાં વેચાણ: ખેડૂત પાસે વિક્રયપાત્ર શેષ ઓછો હોય છે. આથી નજીકના શહેરમાં પણ લઈ જવાનો ખર્ચ વધુ લાગે છે. વળી કિંમત અંગેની અનિશ્ચિતતાઓ રહે છે. પૂરતા પ્રમાણમાં વાહનવ્યવહારની સવલતોનો અભાવ હોય છે. ગામના વેપારી પાસેથી કે શાહુકાર કે જમીનદાર પાસેથી નાણાં ઉછીના લીધાં હોય છે. આ બધાં પરિબળોની સંયુક્ત અસર નીચે ખેડૂત પોતાનું ઉત્પાદન સ્થાનિક ગામમાં વેચે છે કે જે ખરીદનાર ઈજારવાળાં બજારની નજીકનું બજાર છે. અખિલ ભારતીય ગ્રામ ધિરાણ તપાસ સમિતિના અહેવાલ પ્રમાણે તામિલનાડુમાં 87%, કર્ણાટકમાં 70% અને પંજાબમાં 80% ખેતપેદાશો સ્થાનિક ગામમાં જ વેચાતી હોય છે. ગામમાં ખરીદનારાઓની સંખ્યા ઓછી અને વેચાનારની સંખ્યા વધારે હોય છે. તેથી પોતાના ઉત્પાદનની કિંમત સારી ઉપજતી નથી. વળી ઘણી વખત પૈસા લેતી વખતે અથવા પાક તૈયાર થાય તે પહેલાં જ કિંમત નક્કી થઈ વેચાણ થઈ જતું હોય છે. પરિણામે ખેડૂતોને સારા ભાવ મળતા નથી.
  • ખેડૂતોમાં સંગઠનનો અભાવ: ભારતમાં કરોડો ખેડૂતો વ્યક્તિગત રીતે પોતાની પેદાશોનું વેચાણ કરતા હોય છે. તેઓ વચ્ચે કોઈ સંગઠન કે સંઘબળ નથી. વધારે સંખ્યા અને છૂટાછવાયા હોવાથી તેમનું સંગઠન મજબૂત બની શકતું નથી. પરિણામે તેઓ પોતાની ઉપજના સારા ભાવ મેળવી શકતા નથી.
  • ખેડૂત અને ગ્રાહકો વચ્ચે અનેક મધ્યસ્થીઓ: ખેડૂતો અને અંતિમ વપરાશકાર વચ્ચે અનેક મધ્યસ્થીઓ જોવા મળે છે. જેમાં ગામનો શાહુકાર કે વેપારી, કાચો આડતિયો, દલાલ, કમિશન એજન્ટ, છૂટક વેચાણ વ્યાપારીઓ, જથ્થાબંધ વેચનાર વ્યાપારીઓ વગેરે વિવિધ 12 પ્રકારના મધ્યસ્થીઓ રહેલા છે. પરિણામે દરેકનો નફો ચડતો રહે છે. આથી ખેડૂતને જે કિંમત ઉપજે છે તેનાથી અનેક ગણી વધારે કિંમત ગ્રાહકો ચૂકવે છે. આ રીતે મધ્યસ્થીઓને કારણે ગ્રાહકોને બિન-જરૂરી રીતે વધારે કિંમત ચૂકવવી પડે છે અને ખેડૂતોને નીચી કિંમત મળે છે.
  • સંગ્રહની સુવિધાનો અભાવ: પાક તૈયાર થાય કે તરત જ માલ બજારમાં આવે છે. તે સમયે પુરવઠો વધુ હોવાથી કિંમત નીચી હોય છે. જે સમય જતાં ઊંચે જતી હોય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં પણ ખેડૂતને પોતાનું ઉત્પાદન વેચવું પડે છે. કારણ કે તેઓની પાસે સંગ્રહ કરવાની સુવિધાઓ નથી અને સંગ્રહ કરી શકે તેવી શક્તિ પણ નથી. તેઓ પરંપરાગત રીતે સંગ્રહ કરે છે તેમાં માલનો બગાડ થાય છે. ખેડૂતો પોતાનું ઉત્પાદન ખુલ્લા મેદાનમાં કોથળા ભરીને માટીની કોઠીઓમાં કે જમીનમાં રાખતા હોય છે. તેથી જીવાત, ઉંદર, સડી જવું વગેરે થાય છે. પાણીવાળું થઈ જવું, સળગી જવું વગેરે બાબત પણ બનતી હોય છે. આથી સંગ્રહ કરવાનું જોખમ વધી જાય છે. વળી બજારમાં ભાવ અંગેની અનિશ્ચિતતાનો સામનો તો કરવાનો જ હોય છે. આથી ખેડૂતો પોતાના માલનો સંગ્રહ કરતા નથી. ખામી ભરેલી સંગ્રહ કરવાની વ્યવસ્થાને કારણે ખેત-ઉપજનો 33% બગાડ થાય છે. જ્યારે ઊંચી કિંમત થાય ત્યારે વેચાણ કરવાની રીત પ્રચલિત નથી. આ પણ ખેત-પેદાશના ખરીદ વેચાણની વ્યવસ્થાની ખામી કહી શકાય.
  • તોલમાપના વિવિધ ધોરણો : તોલમાપમાં મેટ્રીક કે દશાંશ પદ્ધતિ દાખલ થઈ તે પહેલાં મોટા ભાગના બજારોમાં તોલમાપના ધોરણોમાં વિવિધતા પ્રવર્તતી હતી. ઉ.દા. તરીકે બેલાપુર વિસ્તારમાં 58 તોલાનો શેર હતો. કિશનગંજમાં 88 તોલાનો શેર હતો. જોધપુરમાં 100 તોલાનો શેર પ્રચલિત હતો. તોલમાપમાં રહેલી વિવિધતાને કારણે ખેત-પેદાશના બજારોમાં અનેક મુશ્કેલીઓ અને વિવાદો સર્જાતા હતા. જો કે આખા દેશમાં પ્રમાણિત અને કાયદેસરની મેટ્રીક પદ્ધતિના અમલને કારણે આ સમસ્યાનો અંત આવ્યો છે.
  • બજારની માહિતીનો અભાવ: ખેત-પેદાશોની યોગ્ય કિંમત મેળવવા માટે બજારની પરિસ્થિત અંગેની માહિતી હોવી જરૂરી છે. ખેડૂતોમાં રહેલી અજ્ઞાનતા તથા બજારની માહિતીનું મહત્વ ન હોવાથી ખેડૂતો જાતે જ તે પ્રત્યે દુર્લક્ષ સેવે છે વળી ગામડાઓમાં વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારની સવલતોનો મર્યાદિત વિકાસ પણ આ માટે જવાબદાર છે. આ કારણથી બજાર પૂર્ણ હરીફાઈવાળા બજારની નજીકનું બજાર થતું નથી. કિંમતમાં આવતાં પરિવર્તનો અંગેની જાણકારી ખેડૂતોને હોતી નથી. આથી દલાલો કે આડતિયાઓ આ સ્થિતનો પૂરતો લાભ લે છે. ભાવમાં વધારો થાય તો પણ નીચા ભાવો ચૂકવે છે અને જો કિંમત નીચી જાય તો તેમને કિંમત ચૂકવતા નથી. ખેડૂતો પાસે અન્ય સ્થળે નક્કી થતી કિંમતની માહિતીને અભાવે આ પરિસ્થિતિનું સર્જન થાય છે.
  • વર્ગીકરણનો અભાવ: ખેડૂતો પાસેથી આવતી વસ્તુઓનું વર્ગીકરણ થતું નથી. પરિણામે આંતરિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં માલની ગુણવત્તા નીચી રહે છે. વળી કેટલીક વખત વધુ આવક મેળવવાના લોભને કારણે ખેડૂતો પણ પોતાના માલમાં જૂનો માલ, કાંકરી, ડાખળાં કે અન્ય નકામી વસ્તુઓ ભેળવે છે. આથી તેઓનો માલ નીચી ગુણવત્તાનો ગણી ઘણી જ ઓછી કિંમત ચૂકવવામાં આવે છે. જો ખેડૂતો પોતાના માલનું જાતે જ વર્ગીકરણ કરે તો તેમની પેદાશના ભાવ ઊંચા મળી શકે છે.
  • બજારમાં થતી ગેરરીતિઓ : બજારમાં સોદોઓ દરમિયાન અને સોદાઓ થયા પછી પણ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરવામાં આવે છે. તે પૈકીની કેટલીકનો અહીં ઉલ્લેખ કર્યો છે.
    • વજનમાં ગેરરીતિઓ :રિવાજ પ્રમાણે દરેક ખેડૂત પાસેથી દર એક મણે એક શેર પેદાશ વધુ લેવામાં આવે છે. તેની પાછળનો તર્ક એ છે કે માલની હેરફેર દરમિયાન માલનો બગાડ થાય છે. આ ઉપરાંત જે ત્રાજવાઓથી વ્યાપારી માલ ખરીદી છે તેના પલ્લા અને વેચે છે ત્યારે પલ્લા ભિન્ન હોય છે.
    • નમૂનામાં મોટો જથ્થો:ખેડૂતોએ વેચાણ કરતી વખતે પોતાના માલનો નમૂનો આપવાનો હોય છે. ઘણી વખત આ નમૂનો જથ્થો બે થી ત્રણ કિલોગ્રામ જેટલો રહેવા પામે છે.
    • મૂડી : વ્યાપારીઓ ખેડૂતો પાસેથી 10 થી 20 મણ અનાજદીઠ 1 શેર અનાજ મૂડીને નામે લે છે. તેની પાછળનો તર્ક એ છે કે તેને ખરીદનારઓ જોવા માટે થોડો થોડો નમૂનો લેતા રહે છે.
    • વટાવ: સામાન્ય રીતે ખેડૂતને માલના પૈસા એક માસથી ત્રણ માસ પછી ચૂકવવામાં આવે છે. પરંતુ જો ખેડૂતને તુરત જ પૈસા જોઈતા હોય તો વટાવ કાપીને પૈસા ચૂકવવામાં આવે છે. વળી કેટલીક જગ્યાએ વટાવ કાપી લીધા પછી પણ એક માસ બાદ પૈસા આપવાનો રિવાજ જોવા મળે છે.
    • હિસાબમાંથી:ખેડૂતને જ્યારે પૈસાની ચૂકવણી થાય ત્યારે પણ કપાત પહે છે. જેમ કે ખેડૂતને રૂ. 3335=00 ચૂકવવાના થતા હોય તો રૂ.3000/- ચૂકવવામાં આવે છે. ખેડૂત બહુ રકજક કરે તો રૂ.3320=00 કે રૂ.3325/- ચૂકવવામાં આવે છે.
    • વિવિધ ફંડફાળાઓ: ખેડૂતોને જે સ્થળે હાટ કે મંડી ભરાતી હોય કે પોતાનું ગામ હોય ત્યાં વિવિધ ધાર્મિક સંસ્થાઓમાં નક્કી કરેલા દર પ્રમાણે ચોક્કસ લાગા કે ફંડફાળો આપવો પડે છે. તેમાં ગામમાં રહેલાં મંદિરો, ધાર્મિક સંસ્થાઓ, ધર્મશાળા, ગૌશાળા, અનાથાશ્રમ વગેરેનો સમાવેશ થાય છે. તેના દર પણ ઘણું કરીને રિવાજ પ્રમાણે નક્કી થયેલા હોય છે. સામાન્ય રીતે એક મણ દીઠ 1 પૈસાનો ફાળો ખેડૂતે આપવો ફરજિયાત છે.
    • મધ્યસ્થીઓનો ખર્ચ: ખેડૂત અને ખરીદનાર વચ્ચે અનેક મધ્યસ્થીઓ હોય છે. દલાલ, પેટાદલાલ, કમિશન એજન્ટ, કાચો આડતિયો, પાકો આડતિયો વગેરે. આ પૈકીની જે જે વ્યક્તિઓએ વેચાણની કામગીરી કરી હોય તે દરેકને ખેડૂત દલાલી ચૂકવવાની હોય છે. પરિણામે ખેડૂતની પાસે ઓછી રકમ રહે છે. વળી તેને શહેરમાં જકાત પણ ચૂકવવાની હોય છે.
    • અન્ય ચૂકવણીઓ:ખેડૂતને હાટ કે મંડીમાં અનેક લોકોને નાની-મોટી રકમ ચૂકવવી પડે છે. ઝાડુવાળા, અનાજ સાફ કરનાર, તોલાટને મજૂરને અને સામાન્ય ખર્ચને માટે મંડી કે હાટના સંચાલકોને પણ થોડી રકમ ચૂકવવી પડે છે. તે લાવેલો ગાડું, વાહન અને જ્યાં અનાજ કે માલ રાખ્યો હોય તે જમીનનું ભાડું પણ ચૂકવવું પડે છે.

આ રીતે ખેત-પેદાશના બજારમાં વેચાણ દરમિયાન અનેક ખામીઓ જોવા મળે છે. તેની એકંદર અસર એ થાય છે કે ખેડૂતને પોતાની આવકનો સારો એવો હિસ્સો બજારમાં જ ખર્ચ કરી નાખવો પડે છે.

બજારમાં રહેલી વેચાણવ્યવસ્થાની આ ખામી દૂર કરવામાં આવે તો ખેડૂતની આવકમાં વધારો થશે. આ રીતે ભારતમાં ખેતીક્ષેત્રે થતા ઉત્પાદનની પ્રક્રિયામાં અને વેચાણ વ્યવસ્થામાં ખામીઓ રહેવા પામે છે. તેની અસર નીચે ખેતીક્ષેત્રનો વિકાસ થઈ શકતો નથી. ખેતીક્ષેત્રના વિકાસ માટે આ અવરોધક પરિસ્થિતિ દૂર કરવી જોઈએ. ખેત-પેદાશના ખરીદ-વેચાણમાં રહેલી મર્યાદાઓ દૂર કરવાના કેટલાક સૂચનો આ પ્રમાણે છે.

  • બજારતંત્રની મર્યાદાને દૂર કરવાના સૂચનો :

ખેતીક્ષેત્રે રહેલી મર્યાદાઓ પૈકીની એક મર્યાદા બજાર અંગેની છે. બજારમાં પ્રચલિત ખામીઓને જો દૂર કરવામાં આવે તો ખેડૂતોને વધુ વળતર મળે છે. તેથી તેને વધુ ઉત્પાદન કરવાની પ્રેરણા મળે છે. વધુ વળતર પ્રાપ્ત થતાં તે ખેતીક્ષેત્રે મૂડીરોકાણ પણ વધારે છે. પરિણામે ખેતીક્ષેત્રે વિકાસની પ્રક્રિયા આપોઆપો શરૂ થાય છે. આ માટે બજાર ક્ષેત્રે રહેલી મર્યાદાઓને દૂર કરવી જોઈએ. આ માટેના કેટલાક સૂચનોની વિગતો આ પ્રમાણે છે. (અ) ખેતીક્ષેત્રના વ્યાપારની બાબતમાં રહેલી મર્યાદાઓનું મૂળ ખેડૂત દ્વારા સ્થાનિક ગામડાના જ બજારમાં વેચાણમાં રહેલું છે. આ માટે મુખ્યત્વે જવાબદાર પરિબળ તેમની આર્થિક સ્થિતિ છે. તેમની પાસે રોકડ નાણાંની અછત ગામમાં વેચવાની ફરજ પાડે છે. વળી તેની નબળી આર્થિક સ્થિતિને કારણે તેના પર દેવું રહે છે. આ દેવું તેને ગામના વ્યાપારી કે શાહુકાર પાસેથી લીધું હોય છે. તેથી તેને જ અનાજ વેચવું પડે છે. આ પરિસ્થિતિ દૂર કરવા માટે ખેડૂતને ધિરાણની સવલતો આપવી જોઈએ. સંસ્થાકીય ધિરાણની સવલતો મળતાં તેની નાણાંની જરૂરિયાતો સંતોષાશે. પરિણામે તેને ગામમાં જ તાત્કાલિક વેચવાની ફરજ પડશે નહીં.

આ માટે સરકારે ગામડાઓમાં ધિરાણનો શાહુકારોનો ઈજારો તોડવા માટે સહકારી મંડળીઓનો વિકાસ કર્યો. બધાં જ ગામડાઓમાં ખેડૂતોને ધિરાણ આપતી, ખેત-પેદાશોનું ખરીદવેચાણ કરતી અને ખેડૂતોને ખાતર, બિયારણ વગેરે પૂરું પાડતી ખેડૂતોની જ સહકારી મંડળીઓની રચના કરવામાં આવી. સહકારી મંડળીઓને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સરકાર પ્રેરિત નાણાંકીય સંસ્થાઓ અને વ્યાપારી બેંકો દ્વારા નાણાંકીય સવલતો પૂરી પાડવામાં આવી છે. પરિણામે સહકારી મંડળીઓ પોતાના સભ્ય ખેડૂતોને નાણાંનું ધિરાણ કરી શકે અને તેમની ખેત-પેદાશોની ખરીદી પણ કરી શકે છે. વળી ખેડૂતોને જરૂરી રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, બિયારણ વગેરે પણ પૂરું પાડે છે. આથી તેઓને સ્થાનિક વેચાણ કરવાની જરૂરી નથી.

  • વાહનવ્યવહારની સવલતોનો અલ્પ વિકાસ

ગામડાંના સ્થાનિક બજારમાં વેચાણ એ ખેત બજારની મર્યાદાઓનું મૂળ છે. સ્થાનિક વેચાણ થવા માટે જવાબદાર પરિબળો પૈકીનું એક પરિબળ વાહનવ્યવહારની અને સંદેશાવ્યવહારની સવલતોનો અભાવ છે. વાહનવ્યવહારની સવલતો ઓછી હોવાથી ખેત પેદાશો બજારમાં લઈ જવામાં મુશ્કેલી રહે છે અને વાહનવ્યવહારનો ખર્ચ ઊંચો આવે છે. બધા જ ખેડૂતો પાસે સ્થળાંતર કરવા માટેના સાધનો હોતા નથી. આથી તેઓને વાહન ભાડે કરવું પડે છે જે તેમને ખર્ચાળ લાગે છે. જો કે આજે સારા રસ્તા, સંદેશા વ્યવહારની સગવડો વધી છે. તેથી, તેઓ પોતાનો માલ સારા બજારમાં લઇ જતા થયા છે.

ખેતી પેદાશોનું સ્વરૂપ એવા પ્રકારનું છે કે તે જગ્યા વધારે લે છે. વળી ખૂબ લાંબા અંતરે મોકલવા માટે રસ્તાઓ કરતાં રેલ્વે વધારે અનુકૂળ રહે છે. વળી રસ્તા કરતાં તેનો ખર્ચ 10 થી 20 ટકા જેટલો ઓછો આવે છે. તેથી રેલ્વે દ્વારા પરિવહન વઘારે અનુકૂળ છે. આ કારણથી રસ્તાઓના વિકાસની સાથે સાથે રેલ્વેનો વિકાસ પણ કરવામાં આવ્યો છે. વળી ખેત-પેદાશોનો પરિવહન ખર્ચ ઓછો આવે તે માટે ભારતીય રેલ્વે ખેત પેદાશો પર ઓછું નૂર વસૂલ કરે છે. જેથી પરિવહન સસ્તુ તેમજ ઝડપી બને. તેનો વધુ વિકાસ થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે.

સંગ્રહની સવલતો

ખેત પેદાશના ખરીદ-વેચાણની ખામીઓમાં એક ખામી કસમયનું વેચાણ છે. ખેડૂતોની નબળી આર્થિક સ્થિતિ અને સંગ્રહ કરવા માટેની સવલતોના અભાવને કારણે જેવો પાક તૈયાર થાય કે તરત જ તે પોતાનું ઉત્પાદન વેચી નાખે છે. આથી આ સમયના ગાળામાં કુલ ઉત્પાદનનો 70 થી 80 ટકા ભાગ વેચવા માટે બજારમાં આવે છે. આથી માંગ કરતાં પુરવઠો વધી જાય છે. તેથી ભાવ સપાટી નીચે જાય છે. તે પછીના થોડા સમયમાં ભાવસપાટી ઊંચી જાય છે. પરંતુ તેનો લાભ ખેડૂતોને મળતો નથી. ખેડૂતોની ભાવ વધે તે સમયની રાહ જોવાની ઈચ્છા હોય છે. પરંતુ સંગ્રહ કરવાની સવલતોના અભાવને કારણે તેઓ તેમ કરી શકતા નથી. જો તેઓને સારાં અને સસ્તાં ગોદામોની સવલતો હોય તો તેઓ પોતાના માલનો સંગ્રહ કરી શકે છે. ભારતમાં અપૂરતી અને ખામી ભરેલી સંગ્રહની વ્યવસ્થાને કારણે ઉત્પાદનના 1/3 ભાગનો બગાડ થાય છે.

ખેત પેદાશના પુરવઠાને વધુ સ્થિતિસ્થાપક બનાવવા માટે 1947 પહેલાં રોયલ કમિશન, મધ્યસ્થ બેંકિગ તપાસ સમિતિએ અને ગ્રામ બેંકિગ વિકાસ સમિતિએ સંગ્રહની સવલતો વધારવા માટે ભલામણો કરી હતી. પરંતુ તે વખતની બ્રિટિશ સરકારે તે અંગે કોઈ નક્કર અને પરિણામ મૂલક પગલાંઓ લીધાં ન હતા. 1947 પછી નીમવામાં આવેલી ગ્રામ ધિરાણ તપાસ સમિતિએ પણ આ અંગે ભલામણો કરી હતી. તેમાં એક સ્વતંત્ર વ્યવસ્થાતંત્ર રચવાનું સૂચવ્યું હતું.

આ ભલામણોનો સ્વીકાર કરી વર્ષ 1956 ના સપ્ટેમ્બર માસમાં નેશનલ કો-ઓપરેટીવ ડેવલપમેન્ટ બોર્ડની રચના કરી હતી. તે પછી વર્ષ 1957 માં સેન્ટ્રલ વેરહાઉસીંગ કોર્પોરેશનની સ્થાપના કરી હતી. આ ઉપરાંત બધાં જ રાજ્યોમાં રાજ્યકક્ષાએ રાજ્ય વેરહાઉસીંગ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી હતી. તેને પરિણામે આજે ગોદામોની સવલત વધી છે. પરંતુ તે ક્ષેત્રે હજુ ઘણું કરવાનું બાકી છે.

  • પેદાશોનું ગુણવત્તા પ્રમાણે વર્ગીકરણ

ઔદ્યોગિક ઉત્પાદનની માફક ખેત-ઉત્પાદન એક સરખું હોતું નથી. ખેત-ઊપજની ગુણવત્તા અનેક પરિબળોને આધિન હોય છે. તે પરિબળોમાં અનેક ભિન્નતાઓ રહેલી હોય છે. તેથી ખેત પેદાશોની ગુણવત્તામાં પણ ભિન્નતા રહે છે. બજારોમાં તેની કિંમત ગુણવત્તા પ્રમાણે હોય છે. ખેડૂતો પોતાનું વર્ગીકરણ કરતા નથી. તેથી તેમને ઊંચા ભાવ મળતા નથી. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત નીચી રહે છે અને માંગ પણ ઓછી રહે છે. આ બાબત દૂર કરવા માટે ભારત સરકારે વર્ષ 1937 માં Agricultural Produce Grading and Marketing Act નામનો કાયદો પસાર કર્યો. વળી ચોક્કસ ગુણવત્તા ધરાવતી વસ્તુના પેકિંગ પર એગમાર્ક (AGMARK)નું લેબલ કે જે યોગ્ય ગુણવત્તાનું પ્રતિક છે તે લગાડવામાં આવે છે.

વર્ગીકરણની જોગવાઈ અને તેનું અમલીકરણ પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન થયું હતું. તે અન્વયે ઊન ઘેટાં- બકરાનાં ચામડા, લાખ, તેલીબિયાં, કાજૂ, મરી, સૂંઠ, બકરાના વાળ વગેરે વસ્તુઓનું ધોરણ મુજબ વર્ગીકરણ કરવાની ભલામણ કરવામાં આવી હતી. નિકાસ કરતી વસ્તુઓના વર્ગીકરણની ભલામણ કરી હતી.

બીજી યોજનામાં નાગપુર શહેરમાં કેન્દ્રિય કવોલિટી કન્ટ્રોલ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી. ઉપરાંત કોચીન, ગંતુર, મદ્રાસ, કાનપુર, રાજકોટ, અમૃતસર, કલકત્તા, મુંબઈ વગેરે કુલ 8 પ્રાદેશિક પ્રયોગશાળાઓ શરૂ કરવામાં આવી હતી. ત્રીજી યોજના દરમિયાન બીજી 8 પ્રાદેશિક પ્રયોગશાળાઓ શરૂ કરવામાં આવી હતી. વર્તમાન સમયે 16 પ્રયોગશાળાઓ કાર્યરત છે. આ ઉપરાંત ખેત પેદાશોના વર્ગીકરણ માટે 460 જેટલા એકમો કાર્યરત છે. નિકાસ પામતી 42 વસ્તુઓ માટે વર્ગીકરણ ફરજિયાત છે. એગમાર્ક ન હોય તેવી વસ્તુની નિકાસ થઈ શકતી નથી. આ રીતે ખેતીક્ષેત્રના બજારમાં રહેલી મર્યાદાઓને દૂર કરવાનો પ્રયાસ થયો છે.

  • ખેત પેદાશ પર આધારિત આનુષંગિક નાના ઉદ્યોગોનો વિકાસ

પેદાશના બજારને વ્યવસ્થિત કરવા માટે તેની માંગ સતત અને આખા વર્ષ દરમિયાન રહેવી જોઈએ. આથી ખેત પેદાશ પર આધારિત પ્રક્રિયાના ઉદ્યોગોને વિકસાવવાની જરૂર છે. જે ખેત પેદાશો પર પ્રક્રિયા કરે છે. જે વિસ્તારમાં જે પાક પ્રધાન હોય તેને ધ્યાનમાં રાખીને પ્રક્રિયાના ઉદ્યોગો વિકાસાવવા જોઈએ. જેથી ખેત પેદાશની માંગ એક વધુ વર્ગ દ્વારા થશે. તેથી હરીફાઈનું તત્વ રહેશે. ઉ.દા. તરીકે ચોખા છડવાની મિલો, કપાસના જીન, તેલની નાની મિલો, બાગાયતી અને ઔષધિય પાકોમાંથી વિવિધ બનાવટો વગેરેનો વિકાસ કરવો જોઈએ. આ બાબતની અગત્યતા સમજીને સરકાર અને ઉધોગ સેકટર સક્રિય બન્યા છે. જે આવતીકાલ માટેની સારી નિશાની છે. તેને કારણે ખેત પેદાશોમાંથી વિવિધ બનાવટો માટેના ઉધોગો ખીલી રહ્યા છે.

  • તોલ માપમાં એકરૂપતા

ભારતમાં દેશી રાજ્યો હતા. આ દેશી રાજ્યોમાં તોલમાપના ભિન્ન ભિન્ન એકમો હતા. અંગ્રેજોએ પણ તોલમાપમાં રહેલી ભિન્નતાને સમાન કરવાનો પ્રયત્ન કર્યો ન હતો. પરિણામે ગ્રાહકોને છેતરવાની સંભાવના રહેલી હતી. વેપારીઓ ખેડૂતો પાસેથી વધારે અનાજ મેળવતા અને ગ્રાહકોને ઓછું આપતા હતા. આ પરિસ્થિતિને દૂર કરવા માટે સરકારે ઓક્ટોબર 1958 થી તોલમાપમાં અને નાણાંમાં દશાંશ પદ્ધતિ (એટલે કે મેટ્રીક પદ્ધતિ દાખલ કરી. શરૂઆતના બે વર્ષ આ પદ્ધતિનો ઉપયોગ મરજિયાત રહ્યો હતો. ઓક્ટોબર 1960 થી તે ફરજિયાત બની. વર્તમાન સમયે ભારતમાં તોલમાપમાં મેટ્રીક પદ્ધતિ કાયદેસરની પદ્ધતિ છે.

  • નિયંત્રિત બજારો

ખેત-પેદાશના ખરીદ-વેચાણમાં રહેલી મર્યાદાઓ નિયંત્રિત બજાર થવાને કારણે પણ દૂર થાય છે. આગળ આપણે નિયંત્રિત બજાર અંગેની વિગતોની ચર્ચા કરી છે. તેથી અહીં તેનું પુનરાવર્તન કર્યું નથી.

  • બજાર અંગેની માહિતી

ખેત પેદાશના ખરીદ વેચાણમાં રહેલી ખામીઓ બજાર અંગેની માહિતીના અભાવને કારણે પણ ઉત્પન્ન થાય છે. ગામમાં જ વેચાણ કરવા માટેનું એક કારણ એ પણ છે કે અન્ય સ્થળે ચાલતા ભાવોની માહિતી હોતી નથી. તેથી દૂરના બજારમાં વેચવા જવા માટેની અનિશ્ચિતતા વહોરતા નથી. બજાર અંગેના જ્ઞાનનો અભાવ તેને ઈજારાવાળા કે ઈજારાયુક્ત હરિફાઈવાળા બજારમાં લઈ જાય છે. આ પ્રકારની મર્યાદા દૂર કરવા માટે હવે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી ટી.વી. અને રેડિયો દ્વારા, દૈનિક પેપર, ઇન્ટરનેટ વગેરે પરથી જુદા જુદા વિસ્તારમાં ભિન્ન ભિન્ન પેદાશોની કિંમત દરરોજ જાણી શકાય છે.

  • સહકારી મંડળીઓ

ખેડૂતોને ગામડાઓમાં સ્થાનિક વેપારીને ઉત્પાદન વેચવું પડે છે. તેઓ ખરીદનારના ઈજારા જેવી પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ખેડૂતોને નીચા ભાવ ચૂકવે છે. ખેડૂતોની સોદાશક્તિ મર્યાદિત હોય છે. આ પરિસ્થિતિ દૂર કરવા માટે સરકારે કાનૂની, નાણાંકીય અને રાજકીય મદદથી લગભગ દરેક ગામડાઓમાં ખેડૂતોની ખરીદ વેચાણ સહકારી મંડળીઓની રચના કરી છે. આવી મંડળીઓ તેના સભ્યોની ખેત પેદાશો ખરીદી લે છે. ભારતમાં પ્રાથમિક ખરીદ-વેચાણ મંડળીઓ રાજ્યકક્ષાની ખરીદવેચાણ મંડળીઓ અને કેન્દ્રિય ખરીદ-વેચાણ સહકારી મંડળો કાર્યરત છે.

ભારતમાં ખેત પેદાશના ખરીદ વેચાણમાં રહેલી મર્યાદાઓ ઉપર દર્શાવેલ સૂચનોનો પરિણામલક્ષી અમલ કરવામાં આવે તો બજારની મર્યાદાઓનો અંત આવી શકે છે. તે ક્ષેત્રે કામ થયું છે તેમ છતાં હજુ ઘણું કરવાનું બાકી રહે છે.

  • બજાર તફાવતો (Market Margin):

ખેત પેદાશોની કિંમત ત્રણ બાબતોના સંદર્ભમાં ચર્ચવામાં આવે છે. વપરાશકાર દ્વારા ચૂકવવામાં આવતી કિંમત, ખેડૂતને પ્રાપ્ત થતી કિંમત અને મધ્યસ્થીઓને પ્રાપ્ત થતી આવક, ખેત પેદાશો ખરીદી અને વેચાણની પ્રક્રિયામાંથી પસાર થઈ અંતિમ વપરાશકાર સુધી પહોંચે છે ત્યાં સુધીમાં તેની કિંમતમાં વધારો થાય છે. ખેડૂતને પ્રાપ્ત થતી કિંમત અને અંતિમ વપરાશકાર દ્વારા ચૂકવાતી કિંમત આ બન્ને વચ્ચેના તફાવતને “બજાર તફાવત”(Market Margin) તરીકે ઓળખવામાં આવે છે. તેને “Market Bill” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખર્ચ સમયે સમયે, સ્થળે સ્થળે અને પેદાશે પેદાશે ભિન્ન ભિન્ન જોવા મળે છે.

બજાર તફાવતના અભ્યાસનું મહત્વ ઘણું છે. તે ગ્રાહકની કિંમતમાં ખેડૂતને પ્રાપ્ત થતો હિસ્સો કેટલો છે અને મધ્યસ્થીઓને પ્રાપ્ત થતો હિસ્સા કેટલો છે તેનો અંદાજ આવે છે. તેને આધારે બજારમાં કામ કરતા મધ્યસ્થીઓને પ્રાપ્ત થતું વળતર અને તેની ગ્રાહકને ચૂકવવી પડતી કિંમત પરની અસર પણ જાણી શકાય છે. બજાર તફાવત પરના ભિન્ન ભિન્ન સમયના, ભિન્ન ભિન્ન સ્થળના અને ભિન્ન ભિન્ન પેદાશોના અભ્યાસો દ્વારા બજાર તફાવતોમાં રહેલી ભિન્નતા અને તેનાં કારણોની જાણકારી થઈ શકે છે. આ પ્રકારના અભ્યાસથી આપણે એટલું જાણી શકીએ છીએ કે કયું પરિબળ “બજાર તફાવત” ને અસર કરે છે અને તેને કેવી રીતે ઓછો કરી શકાય. આ અભ્યાસને આધારે ખેત પેદાશોની નીતિનું ઘડતર થઈ શકે છે. આ અભ્યાસને કારણે ગ્રાહક માટે વ્યાજબી અને ખેડૂત માટે પણ વ્યાજબી કિંમત નક્કી કરી શકાય છે. આવા અભ્યાસોને આધારે બજારના માળખાનું પુન:ગઠન કરી બજાર તફાવતો લઘુત્તમ કરી શકાય છે. બજારતંત્રની પુન:ગઠણની કામગીરીમાં આવા અભ્યાસો અત્યંત મહત્વના છે.

બજાર તફાવતના અભ્યાસો અત્યંત ઉપયોગી છે. પરંતુ તે એટલા સરળ નથી. તેમ છતાં સરકાર, અર્થશાસ્ત્રીઓ અને ભિન્ન ભિન્ન સંસ્થાઓ દ્વારા આ વિષય ઉપર ખેડાણ થયું છે. આ બધા અભ્યાસોનું એક સામાન્ય તારણ એ રહ્યું છે કે અન્ય પેદાશોની તુલનામાં ખેત પેદાશોમાં બજાર તફાવતો મોટા છે અને વેપારી પાકોમાં તે વધારે મોટો રહે છે. ઘણા ધાન્ય પાકોમાં ખેડૂતને પ્રાપ્ત થતા હિસ્સા કરતાં મધ્યસ્થીઓને પ્રાપ્ત થતો હિસ્સો મોટો જોવા મળ્યો છે. મધ્યસ્થીઓને ફાળે ઘણો મોટો હિસ્સો આવે છે. આ પ્રકારની પરિસ્થિતિ વિકસેલા રાષ્ટ્રોમાં પણ જોવા મળી છે. ઈંગ્લેન્ડ કે જ્યાં ખેતીની પ્રવૃત્તિ શુદ્ધ વ્યાપારી ધોરણે જ થાય છે, ખેડૂતો પણ ધંધાકીય રીતે તૈયાર હોય છે ત્યાં પણ ગ્રાહકે ચૂકવેલી કિંમત અને ખેડૂતને પ્રાપ્ત થયેલી કિંમત વચ્ચે ધ્યાન ખેંચે તેવો મોટો તફાવત હોય છે. લીન્લીથગ્રો સમિતિના જણાવ્યા પ્રમાણે ઈગ્લેન્ડમાં બજાર તફાવતો “બિન-ન્યાયયુક્ત” વધારે છે. વહેંચવણીનો ખર્ચ ઉત્પાદન ખર્ચની તુલનાએ ઘણો વધારે જોવા મળે છે. અમેરિકામાં ગ્રાહકે ચૂકવેલી કિંમતમાંથી માત્ર 50 ટકા કિંમત જ ખેડૂતને મળે છે. જ્યારે ૫. જર્મનીમાં આ હિસ્સો 2/5 જેટલો જોવા મળ્યો છે. યુએસડીએ દ્વારા હાથ ધરવામાં આવેલા (1975 થી 1964 દરમિયાનના) અભ્યાસનું તારણ એ રહ્યું છે કે અંતિમ ગ્રાહક દ્વારા ચૂકવાતી કિંમતનો 42% હિસ્સો ખેડૂતને મળે છે અને 57% જેટલો હિસ્સો બજારમાં રહેલા મધ્યસ્થીઓને ફાળે જાય છે. ખેડૂતને પ્રાપ્ત થતી કિંમત અને ગ્રાહકને ચૂકવવી પડતી કિંમત વચ્ચે તફાવત ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ બજારતંત્રની કામગીરીમાં રહેલી મર્યાદાઓ છે. બજારતંત્રની બિન-કાર્યદક્ષતા બે પરિબળોને આધિન છે, પ્રથમમાં રહેલા મધ્યસ્થીઓની ઊંચી કિંમત તેનાં કિંમત તેમાં વાહનવ્યવહારનો સંદેશાવ્યવહારનો, સંગ્રહનો, વર્ગીકરણ, પેકીંગનો ખર્ચ, સ્થળાંતર કરવાની બગાડયુક્ત રીત, ભિન્ન ભિન્ન કક્ષાએ કરવેરા, માલનો પ્રક્રિયા (Processing) નો ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. ઉપર દર્શાવેલા વિવિધ પ્રકારના ખર્ચાઓને કારણે બજારનો ખર્ચ વધે છે. પરિણામે બજાર તફાવત (Market Margin) વધે છે. બીજું કારણ એ છે કે બજારની કામગીરીમાં અનેક મધ્યસ્થીઓ પોતાની સેવાઓ અત્યંત વ્યાપારી ધોરણે આપે છે. જ્યારે ખેડૂતોમાં આજે પણ અમુક અંશે, પરંપરાગત માનસની અસર નીચે ખેતીએ જીવન જીવવાનું સાધન છે નફો મેળવવાનું નહીં એવું માને છે. એટલે તદ્દન આ વૃત્તિ છે તેમ નથી. પરંતુ વ્યવહારમાં તેની થોડી અસર હજુ પણ જોવા મળે છે. વળી સાથે બજારતંત્રની મર્યાદાઓની અસર પણ રહેલી છે. ખાસ કરીને બજારમાં રહેલી ગેરરીતિઓ, ચોક્કસ પ્રકારની પ્રણાલિકાઓને કારણે ખેડૂતોને હિસ્સો ઓછો મળે છે. જ્યારે મધ્યસ્થીઓને ફાળે તે વધારે જાય છે. વળી બજારતંત્રની મર્યાદાઓ માત્ર અલ્પવિકસીત વિકાસશીલ રાષ્ટ્રોમાં જ હોય છે તેવું નથી. પરંતુ વિકાસ પામેલા રાષ્ટ્રોમાં પણ તે જોવા મળે છે. ખેત-પેદાશના ખરીદ વેચાણમાં બજારનો ઊંચો ખર્ચ અનેક પરિબળોની અસર નીચે નક્કી થતો હોય છે. આ પૈકીના કેટલાંક પરિબળો આ પ્રમાણે છે.

  • ખેડૂતને માલનો સંગ્રહ કરવામાં જોખમ અને અનિશ્ચિતતા એમ બન્નેનો સામનો કરવો પડે છે. ખેત-પેદાશ નાશવંત હોય છે. તેને એક સ્થળેથી અન્ય સ્થળે ખસેડવી અને લાંબા સમય સુધી સાચવવાનો ખર્ચ ઘણો ઊંચો રહે છે. ખેડૂત માલનો સંગ્રહ કરે તો પણ તેનો ખર્ચ વધે છે, અને જો તુરત ગામડામાં જ વેચે તો તેને નીચી કિંમત મળે છે. સંગ્રહ કરીને અન્ય સ્થળે વેચવાને કારણે તેને કિંમત થોડી વધુ મળે છે પણ મધ્યસ્થીઓને ફાળે વધારે ટકા જાય છે. આ બાબત ખેત પેદાશના સ્વરૂપને કારણે અનેક ક્ષેત્રે રહેલી પરિસ્થિતિ છે. જે બધા જ દેશોમાં અસ્તિત્વ ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો તે ખેતીક્ષેત્રના સ્વરૂપનું લક્ષણ છે. બજાર તફાવતને અમુક અંશે ઘટાડી શકાય. પરંતુ તેને સંપૂર્ણ દૂર તે કરી ન શકાય.
  • ખેત પેદાશની પ્રવૃત્તિનું કેન્દ્રિકરણ હોતું નથી. તે અનેક ગામડાંઓમાં અને અનેક ખેડૂતો દ્વારા હાથ ધરવામાં આવે છે. તેથી તેને એકત્રિત કરવી જરૂરી છે. આ એકત્રિકરણનો ખર્ચ ઘણો ઊંચો રહે છે. વળી એકત્રિકરણ જુદા જુદા એકમે થતું હોય છે. જેમકે સૌ પ્રથમ ગામડાંમાં, ત્યાંથી તાલુકાકક્ષાએ, ત્યાંથી જિલ્લાકક્ષાએ અને ત્યારબાદ રાજય કે દેશ કક્ષાએ. આ રીતે ખેત-પેદાશોનું એકત્રિકરણ થતું હોય છે અને આજ પદ્ધતિ અનુસાર તેની વહેંચણી થતી હોય છે. તેથી પણ ખર્ચ વધારે આવે છે.
  • ખેતીક્ષેત્રનું ઉત્પાદન ઋતુગત છે. વળી તે ઘણી વખત સંગ્રહ અને કોઈ પ્રક્રિયા માગી લે છે. જેમકે ડાંગરમાં ચોખા જુદા પાડવાના. મગફળી તૈયાર થઈ જાય અને તે સૂકાઈ જાય પછી જ વેચવા માટે મૂકવામાં આવે છે. મોટા ભાગની ખેત પેદાશો એવા સ્વરૂપની છે કે તેને કોઈને પ્રક્રિયા કર્યા વગર બજારમાં વેચવા માટે મૂકી શકાતી નથી. વળી પોતાનો પ્રક્રિયા કરેલો માલ તુરત જ બજારમાં વેચવાનો રહે છે. પરિણામે પોતાને મળતી ઓછી કિંમત અંગે વિચાર કરવાનો બહુ સમય હોતો નથી.
  • ખેત પેદાશોના સ્વરૂપને કારણે વાહનવ્યવહારનો ખર્ચ ઘણો જ ઊંચો રહે છે. ખેત-પેદાશોનો જથ્થો મોટો હોય છે અને તેની કિંમત નીચી રહે છે. વળી કેટલીક પેદાશો ટૂંકાગાળામાં નાશવંત હોય
  • ખેત પેદાશોનું સંપૂર્ણપણે વર્ગીકરણ શક્ય નથી. કારણ કે એક જ પ્રકારના અનાજની એક જાતમાં અનેક વિવિધતો જોવા મળે છે. દા.ત લોક-1 ઘઉંના ઉત્પાદનમાં અનેક વિવિધતા જોવા મળે છે. (ફ) ખેત ઉત્પાદન ઋતુગત છે. તેથી તેનું ઉત્પાદન આખા વર્ષ દરમિયાન સતત થઈ શકે તેવું શક્ય નથી. જ્યારે તેની માંગ આખું વર્ષ સતત રહેતી હોય છે. આથી એક સમયે થયેલા ઉત્પાદનમાંથી છૂટક છૂટક પુરવઠાનો પ્રવાહ સતત શરૂ રાખવો પડે છે. પરિણામે વહેંચણી ખર્ચ અને સંગ્રહનો ખર્ચ વધે છે.
  • પાકની તરેહ અનેક પરિબળોની સંયુક્ત અસર નીચે નક્કી થાય છે. બધા જ પાકો બધા જ વિસ્તારોમાં ઉગાડી શકાતા નથી. તેથી કેટલીક પેદાશોને બીજા વિસ્તારોમાં લઈ જવી પડે છે. વળી દરેક વિસ્તારમાં જે તે વસ્તીને જરૂરી ખેત-ઉત્પાદન થયા કરે તે શક્ય નથી. ભારતમાં પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યો પોતાના રાજ્યની જરૂરિયાત કરતાં વધારે ઉત્પાદન કરે છે. આથી આ વધારાનું ઉત્પાદન અનાજની ખાધ ધરાવતા રાજ્યોમાં અને વિસ્તારોમાં પહોંચાડવું પડે છે. તેથી વાહનવ્યવહારનો ખર્ચ ઘણો ઊંચો અને સતત રહ્યા કરે છે.

આપણે ખેત-પેદાશોની મળતી કિંમત અને અંતિમ ગ્રાહકને ચૂકવવી પડતી કિંમતના તફાવતને બજાર તફાવત તરીકે ઓળખીએ છીએ. નીચી આવક ધરાવતા દેશોમાં બજાર તફાવત પણ તુલનાત્મક રીતે નીચો જોવા મળે છે. ભારતના જુદા જુદા વિસ્તારોમાં વિવિધ ખેત પેદાશોની ઉત્પાદને મળતી કિંમત અને ગ્રાહકને ચૂકવવી પડતી કિંમતની આંકડાકીય માહિતી આપી છે.

ખેત-પેદાશોનું આંતરરાષ્ટ્રીય બજાર:

ખેતપેદાશના આંતરરાષ્ટ્રીય બજાર ઉપરની ચર્ચા અનેક દષ્ટિબિંદુથી થઈ શકે છે. સૌ પ્રથમ તો ખેત-પેદાશોના આંતરરાષ્ટ્રીય બજારનું સ્વરૂપ, તેમ વિવિધ દેશોનો હિસ્સો અને તેની તરેહમાં આવેલા પરિવર્તનો અંગેનો અભ્યાસ. બીજું દૃષ્ટિબિંદુ એ છે કે વિકાસ પામતા રાષ્ટ્રોમાં કૃષિક્ષેત્રની વસ્તુઓનો આંતરરાષ્ટ્રીય વ્યાપારી વિકાસમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે તે બાબત છે. અહીં આપણે કૃષિ પેદાશોનો આંતરરાષ્ટ્રીય વ્યાપારી આર્થિક વિકાસને કેવી રીતે વેગ આપે છે એન આંતરરાષ્ટ્રીય વ્યાપારને ક્ષેત્રે કેવી વિકાસ પામેલા રાષ્ટ્રોની નીતિ હોવી જોઈએ તેની ચર્ચા કરીશું.

વિકાસ પામતા રાષ્ટ્રો માટે આંતરરાષ્ટ્રીય વ્યાપાર અનેક રીતે ઉપયોગી થઈ શકે છે. વિશિષ્ટીકરણનો લાભ મળે છે. મૂડી મૂલક વસ્તુઓની આયાત થઈ શકે છે. પરંપરાગત ચીજ વસ્તુઓની નિકાસ કરી શકાય છે. નવી ટેકનોલોજીની આયાત થઈ છે. હરીફાઈના લાભો મળે છે. ટૂંકમાં કહીએ તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિકાસનું એજીન થઈ શકે છે. જો કે આ બાબત સૈદ્ધાંતિક રીતે જેટલી સરળ નથી. આ બાબત ઘણી બધી ધારણોને આધિન છે.

વિકાસ પામતા રાષ્ટ્રોમાં ખેતીક્ષેત્ર અગત્યનું ક્ષેત્ર હોય છે. અન્ય ક્ષેત્રોનું ઉત્પાદન નીચું હોય છે. સાથે સાથે વિકાસ પામતા દેશોની જટલી સમસ્યા નીચાં કૃષિ ઉત્પાદનની છે. નૂતન આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં અન્ન ઉત્પાદનમાં વધારો અને સમગ્ર કૃષિક્ષેત્રને વધુ કાર્યક્ષમ બનાવવાના ધ્યેયો રાખવામાં આવ્યા છે. વિકાસ પામતા રાષ્ટ્રો વચ્ચે આર્થિક તેમજ સામાજિક માળખામાં અને આર્થિક વિકાસની કક્ષામાં ભિન્નતા જોવા મળે છે. વસતિ વૃદ્ધિને અંકુશમાં રાખવાનું સૂચન થાય છે. પરંતુ આ બાબત બધા જ વિકાસ પામતા રાષ્ટ્રો સ્વીકારતા નથી. આથી કૃષિક્ષેત્રનો ઝડપી વિકાસ એ એકમાત્ર રસ્તો રહે છે.

કૃષિક્ષેત્રના વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સંપત્તિની ન્યાયી વહેંચણીની નીતિ પણ સૂચવવામાં આવે છે. જમીનની પુનઃ વહેચણીને પરિણામે સરેરાશ ઉત્પાદનમાં વૃદ્ધિ થશે. કારણ કે જમીનની માલિકી બદલાતાં ખેતીક્ષેત્રે મૂડીરોકાણનું પ્રમાણ વધશે. મૂડીરોકાણના કદના આધાર નિપજકો (Inputs) ની કિંમતો પર છે. જો રાસાયણિક ખાતરોની કિંમત નીચી હોય તો તેનો વપરાશ વધે છે. કૃષિક્ષેત્રના વિકાસ માટે રાસાયણિક ખાતરોના આંતરરાષ્ટ્રીય કિંમતમાં ઘટાડો લાવવાની અછવા નીચી કિંમતે વિકાસ પામતા દેશોને રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, અને યંત્રસામગ્રી ઉપલબ્ધ કરી આપવાની દરખાસ્ત પણ કરવામાં આવે છે. વર્ષ 1974 પછી ખનીજ તેલની કિંમતમાં થયેલા અસાધારણ વધારાને લીધે રાસાયણિક ખાતરોની કિંમતમાં બહુ મોટો વધારો થયો છે. તેથી અલ્પ વિકસીત અને વિકાસશીલ દેશોના કૃષિ વિકાસના કાર્યક્રમને ખરાબ અસર પહોંચી છે.

વિકાસતા દેશોનું કૃષિક્ષેત્ર વધુ કાર્યક્ષમ બને તો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાંથી મળતા લાભો તે દેશને વધારે પ્રમાણમાં મળી શકે.

વૈશ્વિક સ્તરે અલ્પવિકસીત અને ગરીબ રાષ્ટ્રો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. પણ વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં અલ્પવિકસીત અને ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રો અનેક સમસ્યાઓ અનુભવે છે. વિકાસશીલ રાષ્ટ્રોને મૂડી મૂલક ચીજ-વસ્તુઓની આયાતને પહોંચી વળવા માટે આયાતમાં સતત વધારો કરવો પડે છે. આથી વિકાસદરને અસર કર્યા સિવાય કેવી રીતે આયાતોમાં ઘટાડો કરી શકાય તે એક પાયાનો પ્રશ્ન છે. વળી વિકાસને પરિણામે ઘર આંગણાની માંગમાં વધારો થાય છે. વસ્તીમાં થતો વધારો અને માથાદીઠ આવકમાં થતા વધારને કારણે પ્રાથમિક ચીજ-વસ્તુઓની માંગમાં ઝડપથી વધારો થાય છે. પરિણામે નિકાસપાત્ર શેષમાં મોટો વધારો થઈ શકતો નથી. આ પરિસ્થિતિમાં પણ દેશની આંતરિક જરૂરિયાતોમાં કાપ મૂકીને નિકાસ કરવામાં આવે છે. વર્ષ 1987 માં વિકાસશીલ રાષ્ટ્રોની કુલ નિકાસોમાં 43% જેટલી નિકાસો અનાજ તેમજ કાચા માલની રહેવા પામી હતી. જે રાષ્ટ્રો પર વિદેશી દેવાનો બોજો વધુ છે તે દેશોની નિકાસમાં પ્રાથમિક વસ્તુઓનો ફાળો 57% કરતાં પણ વધારે છે. નિકાસોમાં અનાજ અને કાચા માલની બાબતમાં પણ પાછળ રહેવા પામ્યા છે. વર્ષ 1987 માં અનાજની નિકાસોમાં વિકાસિત દેશોનો હિસ્સો 10 ટકા જેટલો હતો અને કાચા માલની નિકાસમાં 20% જેટલો હિસ્સો રહેવા પામ્યો હતો.

જ્યારે વિકાસશીલ રાષ્ટ્રોનો હિસ્સો 17% જેટલો રહેવા પામ્યો હતો. આ આંકડાઓ દર્શાવે છે કે ખોરાક અને પરંપરાગત પ્રાથમિક પેદાશોની નિકાસોમાં પણ વિકસતા જતા દેશો વિકસિત રાષ્ટ્રો કરતાં પાછળ રહ્યા છે.

વિકાસશીલ દેશોની મોટાભાગની નિકાસોમાં કૃષિપેદાશોનો સમાવેશ થાય છે. તેમાં અનાજ તેમજ ઉદ્યોગો માટેના કાચામાલનો સમાવેશ થાય છે. આ વસ્તુઓની નિકાસમાં વધતા દરે સાતત્ય જાળવવું મુશ્કેલ ભર્યું છે. કારણ કે તે માત્ર પોતાના દેશમાં ઉત્પાદનની સપાટી અને દેશની આર્થિક નીતિ પર જ આધાર રાખતું નથી. પરંતુ અન્ય દેશોની આર્થિક નીતિ અને આર્થિક વિકાસ પર તેમજ આંતરરાષ્ટ્રીય સંબંધો પર આધાર રાખે છે. વળી ખેત-પેદાશોની વસ્તુની માંગની આવક સાપેક્ષતા નીચી હોય છે. આવક વધવાની સાથે અનાજ વગેરે પ્રાથમિક ચીજ વસ્તુઓ પાછળ થતા કુલ ખર્ચની ટકાવારી ઘટવા લાગે છે. ઉચ્ચ કક્ષાના ઉદ્યોગોનો વિકાસ થતાં ખેત-પેદાપેક્ષતા નીચી હોય છે. આવક વધવાની સાથે અનાજ વગેરે પ્રાથમિક ચીજ વસ્તુઓ પાછળ થતા કુલ ખર્ચની ટકાવારી ઘટવા લાગે છે. ઉચ્ચ કક્ષાના ઉદ્યોગોનો વિકાસ થતાં ખેત પેદાશોની (કાચામાલ)માંગમાં ઘટાડો થાય છે. પરિણામે નિકાસો ઘટે છે. વળી કેટલીક ખેત પેદાશો કે જે ઔદ્યોગિક એકમો માટે કાચોમાલ હતો તેની અવેજીમાં સીન્થટીક વસ્તુઓનો વપરાશ વધ્યો છે. વળી આ સીન્થટીક વસ્તુઓ કિંમત, કદ તેમજ વપરાશની દષ્ટિએ વધારે અનુકૂળ લાગે છે. વળી વિકાસશીલ રાષ્ટ્રોની ખેત પેદાશોની નિકાસની સામે બીજો પડકાર એ રહ્યો છે કે તે જ વસ્તુઓનું ઉત્પાદન વિકસિત રાષ્ટ્રો કરવા લાગ્યા છે. કારણ કે વિકસિત રાષ્ટ્રો ખેતીક્ષેત્રનો પણ વિકાસ કરી શકયા છે. તેઓ ખેતી ક્ષેત્રે ઝડપી વિકાસ સાધી શકયા તેનું એ કારણ છે કે તેઓ સંશોધન અને ટેકનોલોજીના વિકાસ પાછળ વધારે નાણાં ફાળવી શકયા છે. પરિણામે તેમનું ખેતીક્ષેત્ર વધુ તાંત્રિક જ્ઞાન ઘરાવતું અને વધારે મૂડી મૂલક બની ગયું છે. આ પ્રકારની પરિસ્થિતિ વિકાસશીલ રાષ્ટ્રોમાં અત્યંત ધીમી ગતિએ આકાર લઈ રહી છે. વિકાસશીલ રાષ્ટ્રોની પ્રાથમિક નિકાસો ઘટવાનું એક કારણ એ છે કે દેશની કરવેરાની નીતિ તેમજ અન્ય કારણોથી ઉત્પાદન ખર્ચ તુલનાત્મક રીતે ઊંચો આવે છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમતો ઊંચી રહે છે. આ બધા પરિબળોની સંયુક્ત અસર નીચે વિકાસશીલ રાષ્ટ્રોની ખેત-ઉત્પાદનની નિકાસમાં તુલનાત્મક રીતે ઘટાડો રહેવા પામ્યો છે.

ભારત ખેતીક્ષેત્રે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. તે પૈકીની એક સમસ્યા ખેત પેદાશના બજાર અંગેની છે. ભારતમાં ખેતીક્ષેત્રનું બજાર મોટેભાગે ગામડાંઓમાં જોવા મળે છે તેથી તે ઈજારાની નજીકનું બજાર રહ્યું છે. ખેતબજારની અગત્યતા ઘણી દષ્ટિએ છે. ખેત પેદાશોના બજારો અને ઔદ્યોગિક ક્ષેત્રના બજારો વચ્ચે થોડો તફાવત છે. ખેત બજાર પેદાશોનું એકત્રિકરણ સ્થળાંતરની પ્રક્રિયા, પરિવહન, સંગ્રહ વર્ગીકરણ વગેરેની કામગીરી બજાવે છે. ભારત ખેતપેદાશો પ્રથમ ગામના વ્યાપારીને, ત્યાંથી તાલુકાકક્ષાએ, ત્યાંથી જિલ્લાકક્ષાએ કે રાજ્યકક્ષાએ ખેત પેદાશો પહોંચે છે. ભારતમાં ખેત પેદાશોના બજારોમાં રહેલી ખામીઓ દૂર કરવા માટે નિયંત્રિત બજારો શરૂ કરવામાં આવ્યા છે. નિયંત્રિત બજારો સિવાયના બજારમાં હથ્થા પદ્ધતિ, જાહેર હરાજી પદ્ધતિ વ્યક્તિગત સંપર્ક દ્વારા, પદ્ધતિ, નમૂના પદ્ધતિ કે ટેન્ડર પદ્ધતિ દ્વારા વેચાણ થાય છે. આ પ્રકારના બજારોમાં અનેક ગેરરીતિઓ આચારાતી હોય છે. તેને દૂર કરવા માટે વાહનવ્યવહાર સંગ્રહની સવલત વર્ગીકરણ તથા નાના ઉદ્યોગોનો વિકાસ કરવો જરૂરી છે.

ખેતીક્ષેત્રે રહેલી બજાર અંગેની સમસ્યાઓ પૈકીની એક સમસ્યા બજાર તફાવતો અંગેની છે. બધા જ દેશોમાં ખેડૂતને પ્રાપ્ત થતી કિંમત અને ગ્રાહકને ચૂકવવી પડતી કિંમત વચ્ચે તફાવત જોવા મળે છે. આ તફાવત સમયે સમયે સ્થળે સ્થળે અને પેદાશે પેદાશે બદલાતો રહે છે. બજારમાં રહેલા મધ્યસ્થીઓને કારણે આ તફાવતો ઉત્પન્ન થાય છે. વળી ખેતીક્ષેત્રનું સ્વરૂપને કારણે મધ્યસ્થી વર્ગને સંપૂર્ણપણે દૂર કરી શકાય નહીં.

ખેત પેદાશનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર અગત્યનો છે. ખાસ કરીને વિકાસ પામતા રાષ્ટ્રો માટે એ ઘણો અગત્યનો છે. કારણ કે તે રાષ્ટ્રોમાં ખેતી ક્ષેત્રનો વિકાસ તુલનાત્મક રીતે વધારે થયો છે. નિકાસમાં ખેત-પેદાશની વસ્તુઓ અને તેને આધારે ઔદ્યોગિક એકમો માટે તૈયાર કરેલો કાચોમાલ મુખ્ય હોય છે. વિકસિત રાષ્ટ્રોમાં ખેતીક્ષેત્રનો ઝડપી વિકાસ થતાં તેઓની માંગમાં પણ ઘટાડો થયો છે. વળી કેટલીક ચીજ વસ્તુઓ એવી છે કે અવેજીમાં ચાલે તેવી વસ્તુઓ ઝડપથી પ્રચલિત બનતી જાય છે. પરિણામે વિકાસશીલ રાષ્ટ્રોની નિકાસો પર વિપરીત અસર પડે છે. આજે આપણે માટે વૈશ્વિક બજારો ખુલ્લા છે ત્યારે તેનો લાભ લેવા તૈયાર રહેવું પડશે. તે વિશ્વ વ્યાપાર સંગઠન(WT O)ને કારણે શકય બન્યું છે. તો શું છે વિશ્વ વ્યાપાર સંગઠન ? તે વિશે જોઇએ.

વિશ્વ વ્યાપાર સંગઠન શું છે ?

આ એક આંતરરાષ્ટ્રિય સંસ્થા છે કે જે એક બીજા રાષ્ટ્રો વચ્ચે વ્યાપાર નિયમનનું કાર્ય કરે છે. જેમાં મુકત વ્યાપાર, સરકારી કરારો કરવા અને વેપાર અંગેના દાવાઓનું નિરાકરણ થાય છે. જાન્યુઆરી 1, 1995થી આ સંગઠન અસ્તિત્વમાં આવ્યું. આમ તો આ પદ્ધતિ અડધી સદી જૂની છે એટલે કે 1948થી " ગેટ " ના નામથી કાર્ય કરતી હતી." ગેટ " (GATT- General Agreement on Trade and Tariffs)ના 1986 થી 1994 દરમ્યાનના ઉરુગ્યે વાટાઘાટો બાદ વિશ્વ વ્યાપાર સંગઠન ( W T O- World Trade Orgsnisation)નો ઉદ્દભાવ થયો. ભારત આ વિશ્વ વ્યાપાર સંગઠનનું સ્થાપક સભ્ય છે.

પાયાના સિદ્ધાંતો :

મુખ્યત્વે સંગઠનના પાયાના બે સિદ્ધાંતો છે.

  • ખૂબજ તરફદારી કરતા રાષ્ટ્રની સારવાર(Most favourd Nation) એટલે કે આ સંગઠન બધા સભ્ય દેશો માટે વેપારના નીતિ-નિયમો સરખા રાખવા.
  • રાષ્ટ્રિય સારવાર (National Treatment) એટલે કે જો કોઇ વિદેશી કંપની ભારતમાં વ્યવસાય અર્થે રોકાણ કરે તો તેને સ્વદેશી કંપનીની જેમ સવલતો આપવાની રહે છે.

સંગઠનના સભ્ય દેશો અને ખેતી દ્વારા ગરીબી ઘટાડવામાં ફાયદો થાય છે

હાલ 149 સભ્ય દેશો સંગઠન સાથે જોડાયેલ છે. બહુ મોટી સંખ્યામાં લોકો ખેતી ઉપર આધાર રાખે છે. વિશ્વ બેંકના મત મુજબ 40%થી50% ગરીબ લોકો વિકાસશીલ વિશ્વમાં ગ્રામીણ વિસ્તારમાં રહે છે. પ્રાથમિક તબક્કે ખેતી ઉપર નિર્ભર છે. જેથી મુખ્યત્વે ગરીબ દેશો પોતાના ઉપયોગ માટે જ ઉત્પાદન કરી રહ્યા છે. જયારે વિકસિત રાષ્ટ્રો જ નિકાસલક્ષી ઉત્પાદન કરવા પ્રેરણા આપે છે. જેથી વિકાસશીલ રાષ્ટ્રોનો ફાળો 39 થી 42% જેટલો વધ્યો છે.

ભારત અને ગુજરાતના પરિપેક્ષ્યમાં વિશ્વ વ્યાપાર સંગઠન

ભારત વિશ્વના અન્ય રાષ્ટ્રો સામે સ્પર્ધાત્મક હરિફાઇ કરી શકે તેમ છે. કારણ કે આપણી પાસે વિવિધ વનસ્પતિઓ તથા પશુ પંખીઓ (ફલોરા અને ફોના)નો વિપુલ ભંડાર છે. ઋતુ ચક્ર આખા વર્ષ દરમ્યાન વિવિધ પાકો ઉગાડવા માટે ખૂબ જ સાનુકૂળ છે. ઉપરાંત મજૂરીના નીચા દરો, વિશાળ સ્થાનિક બજાર, વાતાવરણ અને જમીન વિસ્તૃત રીતે મોટા ભાગના પાકોને અનુકૂળ, વિશ્વનો 20% પિયત વિસ્તાર ધરાવે છે અને સૌથી મહત્વની વાત એ છે કે 6000 વર્ષનો કૃષિનો

ઐતિહાસિક અનુભવ ધરાવે છે.

વિશ્વસ્તરે ભારતનું કૃષિમાં સ્થાન

ભારતની કૃષિ પેદાશો જેવી કે કઠોળ-21.2%, ચા-28.1%, શણ-61.2% અને દૂધ ઉત્પાદન 14.4%માં વિશ્વસ્તરે પ્રથમ સ્થાન ધરાવે છે. જયારે ઘઉં 11.7%, ચોખા 22.3%, મગફળી 17.1%, શાકભાજી 9.7%, ફળ 10.5%, ડુંગળી 10.6%, શેરડી 22.8% અને 9.6% બીજા સ્થાને આવે છે.

કૃષિ અને ગુજરાત

ગુજરાતે ઉત્પાદન અને સેવાના ક્ષેત્રે સારી એવી આર્થિક પ્રગતિ કરી છે. છેલ્લા દાયકાઓમાં ગુજરાતનું અર્થતંત્ર ઘણા માળખાગત બદલાવમાંથી પસાર થયું છે.

રાજયનું ઘરેલું ઉત્પાદનમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો 1971માં 48% હતો. જે 2001-2002માં ઘટીને 35% જેટલો થયો છે. આખા ભારતમાં આ ઘટાડો 46% થી હાલ 24.8% જેટલો રહ્યો હતો. તે જ પ્રમાણે પ્રાથમિક ક્ષેત્રે કાર્ય કરતા કામદારોમાં આ ઘટાડો 65% થી 56% જેટલો નોંધાયો હતો. તેમ છતાં પણ હજુય મોટા ભાગના કામદારો કૃષિ સંબંધિત કામો પર આધારિત છે તે વાસ્તવિકતા છે. કૃષિ હજુય મોટા ભાગની વસ્તી માટે આજીવિકાનો મુખ્ય આધાર છે. આથી, આવતા ઘણા વર્ષો સુધી કૃષિ ગુજરાતના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવતી રહેશે. ગુજરાતની વસ્તીનો ગણનાપાત્ર ભાગ ગરીબીની રેખા નીચે જીવી રહ્યો છે. આથી, કૃષિનો વિકાસ ગ્રામીણ ગરીબી દૂર કરવા માટે જરૂરી અને આવશ્યક બંને છે.

ડબલ્યુટીઓ (W T O)ના કરાર પ્રમાણે કૃષિ પેદાશોની આયાત પરના સંખ્યાત્મક નિયંત્રણો દૂર થવાને લીધે એવી નીતિઓ ઘડી કાઢવી જરૂરી છે જે ખેડૂતોને આંતરરાષ્ટ્રિય બજારમાં સ્પર્ધા કરવા માટે સક્ષમ બનાવી શકે અને મોટાપાયે ચઢ ઉતાર થતા ભાવો સામે ટકી શકે. ગુજરાત માટે એ એટલા માટે વધુ મહત્વનું છે કેમ કે એની ખેતીમાં રોકડિયા પાકોનું પ્રમાણ વધુ છે. જો કે નર્મદાના પાણી મળવાના શરૂ થયા પછી એમાં સુધારો થશે તે નિશ્ચિત છે.

ગુજરાતમાં કૃષિ હેઠળની જમીન 93.90 લાખ હેકટરના 41.62% (39.089 લાખ હેકટર જેટલી જમીનમાં અનાજ ઉગાડવામાં આવે છે જેમાં ધાન્યમાં બાજરીનો હિસ્સો આખા દેશના ઉત્પાદનમાં 20.08% જેટલો છે. બાકી રહેલી કૃષિ હેઠળની જમીનમાં તેલીબિયાં 29.27 લાખ હેકટળ અને અન્ય રોકડિયા પાકો 19.19 લાખ હેકટર અનુક્રમે 31.18% અને 21.20% જેટલો કુલ વિસ્તાર ધરાવે છે. રોકડિયા પાકોમાં માત્ર કપાસ જ 16.59 લાખ હેકટર (17.66%)માં થાય છે. જયારે ફળો, શાકભાજી અને મસાલા પાકો કૃષિ હેઠળની જમીનના અનુક્રમે માત્ર 1.87, 2.02 અને 2.11% જેટલો જ હિસ્સો ધરાવે છે. આ પરથી જણાય છે કે એવી વસ્તુઓ જે વધુ મૂલ્ય ધરાવે છે તે પ્રગતિશીલ જણસોમાં આવે છે.

ઉત્પાકતામાં એરંડા, તલ, બટાટા, ડુંગળી અને કેળામાં આખા ભારતમાં ગુજરાતનું સ્થાન પ્રથમ છે. જયારે મગફળી, રાઇ, સરસવ, કપાસ, તમાકુ અને ચીકુની ઉત્પાદકતામાં ગુજરાત બીજા સ્થાને છે. જયારે ડાંગર, ઘઉં, મકાઇ, ચણા અને તુવેરના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ઘણું પાછળ છે. જો કે મગફળીના ઉત્પાદનમાં બીજે નંબરે છે. પણ સૌરાષ્ટ્રને ભારતના " મગફળીના કટોરા "ની ઉપમા ઘણા વખતથી મળેલી છે. એરંડાના ઉત્પાદનની દુનિયામાં ગુજરાત ઉત્પાદન અને ઉત્પાદકતા બંનેમાં પ્રથમ ક્રમે આવે છે. ગુજરાતની સ્થિતિ જીરુ, વરિયાળી, ઇસબગુલ ગુવાર અને મગફળીમાં સંતોષકારક સ્થિતિમાં છે. જયારે કપાસ, કેળા અને તમાકુમાં તે લાભદાયક સ્થિતિમાં છે. અહીં એ નોંધવું જરૂરી છે કે ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાત દુનિયાની સરેરાશ કરતાં વધારે ઉતારો ધરાવે છે. ટૂંકમાં આ એવા પાકો છે જેની સંભાળ અને દેખરેખ રાખવાની જરૂર છે જેથી તેમને વૈશ્વિક વ્યાપારમાં સ્પર્ધાત્મક બનાવી શકાય તેમ છે.

અસરો અને કાળજી :

ડબલ્યુટીઓ(W T O) હેઠળ કૃષિ ઉપરના કરાર ખેતીવાડીની ચીજ વસ્તુઓની નિકાસ અને આયાત માટેના ઉદાર અભિગમ માટેની જોગવાઇ પૂરી પાડે છે. ખેતીવાડીની વિવિધ ચીજ વસ્તુઓ માટે ટેરિફદરો માટેના સીમા-હદ સ્તરોને નિશ્ચિત દર્શાવવામાં આવેલા છે. જથ્થાત્મક નિયમોનો નિયંત્રણો જે ખેતીવાડીની ચીજવસ્તુઓ ઉપર તબક્કાવાર નિશ્ચિત કરવા સાથે ભારત જેવા વિકાસશીલ દેશોમાં ખેતીવાડીની ચીજવસ્તુઓની આયાતોના સ્તર મહદઅંશે ટેરિફદરોની ગોઠવણથી નિયમનમાં રહેશે.

થોડા સમય અગાઉ કૃષિ ઉપરની ડબલ્યુટીઓ(WTO) જોગવાઇ હેઠળ વિવિધ ખેતીવાડીની ચીજવસ્તુઓની આયાતોના મુક્ત પ્રવાહ માટે ભારતે સંમતિ વ્યક્ત કરી હતી અને આ સંદર્ભમાં તેમની આયાતો ઉપરની ટેરિફસ કાં તો નાબૂદ કરવામાં આવી હતી અથવા ઘણા નીચા સ્તર ઉપર તેને નિશ્ચિત કરવામાં આવી હતી. આ પરિસ્થિતિ હેઠળ ભારતીય બજાર નીચી કિંમતોથી ખાંડ, ખાદ્યતેલો, બટર ઓઇલ અને સ્કિડ મિલ્ક પાવડરની આયાતોની સમસ્યાઓનો કેટલાક દેશો તરફથી સામનો કરી રહેલ છે જેના કારણે સહકારી સંસ્થાઓ સહિત ઘરેલું ઉત્પાદકોમાં ખાસ્સી એવી ચિંતા ઉભી થઇ હતી. સહકારી સંસ્થાઓ સહિત સંબંધિત ઉત્પાદક સંસ્થાઓએ તેમની ચિંતા અને લાગણીઓની રજૂઆત કરતા આ ચીજવસ્તુઓની આયાતો ઉપર ટેરિફ વાજબી સ્તરોએ ઉંચે લઇ જવા માટેનું મહત્વ ભારત સરકારને સમજાયું હતું. જેથી કરીને ભારતમાંના ઘરેલું ઉત્પાદકોના હિતોની સુરક્ષા કરી શકાય. આ સંબંધમાં આપણે અત્યંત સાવચેતી અને જાગ્રતતા દર્શાવવી પડશે.

કૃષિ ઉત્પાદન બજારની વ્યવસ્થામાં આવી રહેલા અને આવનારા ફેરફારો માટે આપણે તૈયાર રહેવું પડશે. જો તેમ કરીશું તો જ તેનો લાભ લઇ શકીશું. દેશ આઝાદ થયો ત્યારે આપણે અનાજમાં ઘણી જ અછત નીચે હતા. વિદેશથી પી.એલ. 480 નીચે અનાજ આવતું હતું અને રાશનમાં વિતરણ થતું હતું. જેથી કૃષિ પેદાશોની બજાર વ્યવસ્થા નહિવત હતી. દેશને આધ પેદાશોમાં સ્વનિર્ભર થવા માટે પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી. સાતમી પંચવર્ષીય યોજનાના અંતે-ખપત અને ઉત્પાદન સરખું થયું. આઠમી યોજનાની મધ્યમાં અનાજના ઉત્પાદનમાં પૂરાંતવાળો દેશ બન્યો. આમ, 1995થી કૃષિ બજાર વ્યવસ્થાની વધુ સાચી જરૂરિયાત ઉભી થઇ. દેશમાં માર્કેટ યાર્ડોની સંખ્યા 286 હતી તે 7300 ઉપર પહોંચાડવામાં આવી. નવમી પંચવર્ષીય યોજનામાં અનાજની બાબતમાં ખૂબ જ પૂરાંતવાળો દેશ બન્યો અને વિદેશ નિકાસ કરતો થયો.

કૃષિ ઉત્પાદન વધ્યું પણ ખેડૂતોને ઉત્પાદનના પ્રમાણમાં ભાવ નહિ મળવાથી તેની આર્થિક સ્થિતિ જરૂરિયાત પ્રમાણે સુધરી નહિ. 1995માં આપણે વિશ્વ વેપાર ઓર્ગેનાઇઝેશનના સભ્ય બન્યા એટલે વિશ્વ બજારો દરેક દેશ માટે ખૂલી ગયા. ચીન, કેનેડાએ ભરપૂર લાભ ઉઠાવ્યો. આપણે બજાર વ્યવસ્થા સુધારી શકયા નહિ. આથી વેલ્યુએડેડ પદ્ધતિ અપનાવી શકાઇ નહિ. જરૂરિયાત પ્રમાણે એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ઉભી થઇ શકી નહિ. નિકસલક્ષી બજાર ઊભું થઇ શકયું નહિ અને દેશમાં અનાજ શાકભાજીનો બગાડ વધતો ગયો.

ભારતમાં કૃષિ બજારોની એકસૂત્રતા લાવવા સુનિયોજીત વિકાસ માટે ખેડૂતોને સારા ભાવ આપવાની યોગ્ય ભલામણો માટે " હાઇપાવર કમિટી "ની રચના કરી. તેનો અહેવાલ રાજયોએ અમલમાં મૂકવાનો હતો. આમ, બજેટના કૃષિ માર્કેટયાર્ડો સ્થાપવા માટે નાણાંની જોગવાઇ કરી. આખા દેશમાં માર્કેટયાર્ડો વધુ સ્થપાયા.

ઉદારીકરણ અને વૈશ્વિકરણનો પવન કૃષિ પેદાશો માટે પણ ફૂંકાયો. દેશને વિશ્વના બજારમાં ઊભા રહેવા કૃષિ પેદાશોના આધુનિક બજારો સ્થાપવા-કાયદાઓમાં સુધારો લાવવા કૃષિ પેદાશોને વાયદા બજારમાં મૂકવા, સસ્તુ ધિરાણ મેળવવા, ગોડાઉન ગ્રામીણ કક્ષાએ બાંધવા, અનાજ, શાકભાજી, બાગાયત પાકોનો બગાડ રોકવા, કોલ્ડ ચેઇન ઊભી કરવા, એગ્રો પ્રોસેસીંગ દ્વારા વેલ્યું એડેડ દામ મેળવવા ભારત સરકારના કૃષિ મંત્રાલયે દેશના દરેક રાજયોને સમાવી Expect કમિટી નિષ્ણાતોની સમિતિની શંકરલાલ ગુરૂના અધ્યક્ષ સ્થાને 2001માં રચના કરી. જેનો અહેવાલ 2001માં તત્કાલીન કૃષિ મંત્રીશ્રી નિતીશકુમારને સાદર કર્યો હતો. આ રિપોર્ટ ઉપર તાત્કાલીક ટાસ્કફોર્સ કમિટી સ્થાપવામાં આવી. તેના અહેવાલ અનુસંધાને ગરૂ કમિટીનો અમલ કરવા વિવિધ મંત્રીશ્રીઓની ઇન્ટર મિનિસ્ટ્રીયલ કમિટી બનાવી. ભલામણો અમલમાં મૂકવાની કાયદાકીય જોગવાઇઓ કરવામાં આવી અને દશમી પંચવર્ષીય યોજનામાં કૃષિ બજારો મુકત અને હરિફાઇ યુકત-નિકાસલક્ષી સગવડો, વાયદા બજારો, ગ્રામીણ ગોદાન માટે 35 ટકા સબસીડીની યોજનાઓ, દૂરદર્શન ઉપર 24 કલાક કિસાન ચેનલ શરૂ કરવા, લિન્ક સબસિડી જે કિસાનનો પાક એક સાથે વ્યવસ્થા કરવા, એગ્રો ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવા કાયદાઓનો થોડો ભાગ સુધારો કર્યો છે. આવશ્યક ચીજવસ્તુ ધારામાંથી અનાજ અને તેલને કાઢી નાખ્યું છે. આમ, કેન્દ્રિય બજેટ પહેલાં ફકત કૃષિ ઉત્પાદન ઉપર જ જોક આપી નાણાં મૂકવામાં આવતા હતા તેમાં કૃષિ બજારો માટે પણ નાણાં મૂકવાનું 10મી યોજનામાં લીધું. આમ ગરૂ કમિટીની ભલામણોનો સંપૂર્ણપણે ભારત સરકારે અમલ કરી બજારો માટે એક "મોડલ એકટ" પણ રાજયોને તેના અમલ માટે કહેવામાં આવ્યું છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, પંજાબ વગેરે દેશના 18 રાજયોએ સ્વીકારી અમલ શરૂ કર્યો. ગુજરાતમાં હજુ વિચારણા ચાલી રહી છે. દેશમાં કિસાન ચેનલ દ્વારા જરૂરી જ્ઞાન ખેડૂતો સુધી પહોંચાડવામાં આવ્યું

અત્યારે દેશમાં 140 કૃષિ પાકો તૈયાર થાય છે. મોટાભાગે 7350 એગ્રિકલ્ચર પ્રોડયુસ માર્કેટયાર્ડ મારફતે વેચાય છે. દેશનું 3100 બીલીયન રૂપિયાનું વાર્ષિક કૃષિ ઉત્પાદન માર્કેટયાર્ડો મારફતે વેચાય છે. ભારતમાં 1230 લાખ હેકટર જમીનમાં આ ઉત્પાદન થાય છે અને અનાજ 21.2 કરોડ ટન પાકે છે. તેમ છતાં વેલ્યુ એડિશન ફકત 7% છે. જયારે ચીનમાં 23%, ફિલિપાઇન્સમાં 45% અને યુ.કે.માં 188% છે. આપણે ત્યાં કૃષિ બજારનો બગાડ 65 હજાર કરોડનો દર વર્ષે થાય છે જે આપણો મોટામાં મોટો દુશ્મન છે. જે ખેડૂત અને ગ્રાહકની આર્થિક સ્થિતિ બગાડે છે. અંતે દેશને મોટો આર્થિક ફટકો પડે છે.

રાજયોની બજાર સમિતિઓએ જોઇન્ટ વેન્ચરમાં મેગા માર્કેટ સ્થાપવા જોઇએ. વિદેશમાં પેરિસ-ફ્રાન્સ, ઇઝરાયેલ, લોસ એન્જલસ-યુ.એસ.એ. વગેરે જગ્યાએ આવાં આધુનિક કૃષિ બજારો સ્થપાયેલ છે. તેમની સાથે જોઇન્ટ વેન્ચર થઇ શકે. સને 2005ના કેન્દ્રના બજેટમાં ઘણી મોટી રકમ ફાળવવામાં આવી હતી. જે રાજયોએ ગુરૂ કમિટીના સંદર્ભમાં "મોડેલ" એકટ બનાવ્યો છે તેનો અમલ કરશે તેને કેન્દ્રની સહાય મળશે તેવું તે સમયના નાણાં મંત્રીએ જણાવ્યું હતું. કૃષિ બજારને કૃષિ ઉત્પાદન જેટલું જ મહત્વ અપાય તો જ દેશની આર્થિક પરિસ્થિતમાં વધારો થશે. ભારત "ફુડ ફેકટરી ઓફ ધી વર્લ્ડ " બની શકશે.

કૃષિ બજાર ક્રાંતિ અંગે ગંભીરતાથી વિચારી અમલમાં મૂકવામાં નહિ આવે તો કૃષિ ઉત્પાદક કિસાન તથા ઉપભોકતા પ્રજા માટે 21મી સદીના મીઠા પરિણામો લાવી શકાશે નહિ. કૃષિ બજારની સાચી શક્તિ વધારવાથી જ કિસાન સમૃદ્ધ બનશે. ગ્રાહક સુરક્ષા સમાચારો અને વિશ્વ વેપારની સ્પર્ધામાં ભારત ટકી શકશે. દેશનો રેશિયો કૃષિ ક્ષેત્રથી જ વધશે. બેરોજગારી ઘટશે. ગ્રામ વિકાસ ઝળહળતો કરી શકાશે. બજારલક્ષી વાવેતર વધશે. Make Trade Fair સિદ્ધાંત સચવાશે. આમ દેશમાં સંપૂર્ણપણે વેટનો અમલ અને કૃષિ બજારો માટેનો ભારત સરકારે ગુરૂ કમિટી આધારિત બનાવેલ મોડેલ એકટ અમલ કરવામાં રાજયો જેટલો વિલંબ કરશે તેટલું ભારતનું આર્થક પાસું વધુ સુધારવા વિલંબ થશે. માટે જ ક્રાંતિની તાતી જરૂરિયાત છે. ભૂતકાળની કૃષિ ઉપજ બજાર વ્યવસ્થા હવે 21મી સદીમાં ઉદારીકરણ અને વૈશ્વિકરણ વખતે ગંભીરતાપૂર્વક ફેર વિચારણા અને નવી દષ્ટિ સાથેનો અમલ માંગી લે છે.

વિશ્વ વ્યાપાર સંગઠન(W T O) સંગઠનનો પૂરતો લાભ લેવા ખેડૂતોએ ટેકનોલૉજીનો ભરપૂર ઉપયોગ કરવો પડશે. તેને માટે હવે કૃષિ પેદાશોનું પણ ઓનલાઇન વેચાણ થશે એ દિવસો દૂર જણાતા નથી. તે માટે સરકારે 100 કરોડનો પ્રોજેકટ હાથ ધર્યો છે. જેથી ખેડૂતો વચ્ચેથી વચેટિયાઓની બાદબાકી થશે. તે માટે 600 એપીએમસીની પસંદગી અત્યારે હાથ ધરવામાં આવી છે.

ખેડૂતો પણ હવે ઘરબેઠા કૃષિ પેદાશોનું ઇન્ટરનેટ થકી ઓનલાઇન વેચાણ કરશે એ દિવસો હવે દૂર રહ્યા નથી. ઇન્ટરનેટ હવે હાથવગું બની રહેવાની સાથે ઓનલાઇન વેચાણની સફળતા જોઇને કેન્દ્ર સરકારે પણ કૃષિ પેદાશોનું ઓનલાઇન વેચાણ કરવાના મહત્વાકાંક્ષી પ્રોજેકટ પર કામગીરી શરૂ કરી છે. હાલમાં ઓનલાઇન પ્રોજેકટની કામગીરીની ગાઇડલાઇન બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. કરોડોનો કારોબાર ઓનલાઇન સફળતાપૂર્વક ચાલતો હોવાથી કેન્દ્ર પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે. હાલમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ઓનલાઇન કૃષિ પેદાશોના પ્રોજેકટ અમલી છે. જે પ્રોજેકટને સરકાર દેશભરમાં અમલી બનાવવા માગે છે. આ રાજય સરકારો ઓછા ખર્ચે પણ આ પ્રોજેકટને સફળતાપૂર્વક નિભાવી રહી છે. કૃષિ પેદાશોના ઓનલાઇન વેચાણ પોર્ટલ માટે સરકારે પણ બજેટમાં 100 કરોડનું ભંડોળ ફાળવ્યું છે. શરૂઆતના તબક્કે 7500 માર્કેટયાર્ડમાંથી સરકાર 600 માર્કેટયાર્ડ સાથે આ પ્રોજેકટને સાંકળવા માગે છે. સરકાર પણ ટ્રેડિંગમાં સામેલ તમામ કોમોડિટીને ઓનલાઇન વેચાણ માટે મૂકવા અંગેનો નિર્ણય લઇ રહી છે. ઓનલાઇન કૃષિ પેદાશોના વેચાણ માટે નક્કી કરાયેલી 600 એપીએમસીને સરકાર તરફથી 25થી30 લાખનું ફંડ અપાશે.

ગુજરાતના જુદા જુદા પ્રદેશોની આબોહવા અને જમીનની તાસીર અને તસ્વીર જુદીજુદી છે. જેથી, જુદાજુદા આબોહવાકિય પ્રદેશોમાં જુદાજુદા પાક અને પરિસ્થિતિ છે. ગુજરાત દેશના સૂકા પ્રદેશોમાંનો એક છે. રાજસ્થાન પછી ગુજરાત દેશનો સૌથી વધુ સૂકો પ્રદેશ ધરાવે છે. જેની ખેતીનો મુખ્ય આધાર વરસાદ છે. દેશનો 20% સૂકો અને 9% અર્ધ સૂકો પ્રદેશ ગુજરાતમાં છે. કુલ ખેડાણલાયક જમીન પૈકી 30% જમીનમાં જ પિયત થાય છે. તે દેશના સરેરાશ 40% પિયત જમીનની સરેરાશ કરતાં ઓછું છે, પરંતુ, ખમીરવંતી, કોઠાસૂઝ ધરાવતી ગુજરાતી પ્રજા અને તત્કાલીન રાજય સરકારોએ કૃષિ ક્ષેત્રને હરહંમેશ સક્ષમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે હરણફાળ ભરી છે. ગુજરાત રાજયનું કૃષિ મૂલ્ય ઉપાર્જન રૂ. 9000 હજાર કરોડથી વધીને 34000 કરોડે પહોચ્યું છે. તેમ છતાં હજુ વિકાસની ઘણી તકો છે. આજે રાજયમાં પરંપરાગત ખેતી કરતા ખેડૂતો છે. તો બીજી બાજુ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા ખેડૂતો છે. સારી પરંપરાગતતાને જાળવીને તેઓ કૃષિની નવી તાંત્રિકતાઓનો સ્વીકાર કરે તે માટે પ્રયત્નો થઇ રહ્યા છે. પરંપરાગત ખેતી કરતા ખેડૂતો પણ હવે નવી સવારોની શરૂઆત તરફ આગળ વધી રહ્યા છે તે કહેવાની જરૂર નથી. ગુજરાતની ખેતીમાં છેલ્લા કેટલાક વર્ષોથી આમૂલ પરિવર્તન જોઇ શકાય છે. તેની તરાહ, ખેતીની ટેકનોલૉજી, ખેતીની આવક તેમજ ખેડૂતોની જીવન પદ્ધતિ આ બધું જ ખૂબ જ ઝડપથી બદલાઇ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મગફળીનું સ્થાન કપાસે, ઉત્તર ગુજરાતમાં જીરૂ તથા એરંડા અને દક્ષિણ ગુજરાતમાં શેરડીના પાકોનું સ્થાન વધ્યું છે.

ગુજરાતના અત્યંત પછાત ગણાતા વનવાસી પ્રદેશોમાંનો એક જિલ્લો એટલે નર્મદા. 2જી ઓકટોબર 1997માં તત્કાલીન ભરૂચ જિલ્લાના ડેડિયાપાડા, રાજપીપળા (નાંદોદ ), સાગબારા અને વડોદરા જિલ્લાના તિલકવાડા તાલુકામાંથી તેની રચના થઇ. અહીંના ખેડૂતો છેક હમણાં સુધી પરંપરાગત, ચીલાચાલુ, માત્ર પેટિયું રળખાવા પૂરતી અને જીવન ગુજારવાના ઉદ્દેશ સાથે ખેતી કરતા હતા. પરંતુ હવે તે આધુનિક વૈજ્ઞાનિક ખેતી તરફ વળ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલૉજીના નવા આયામો સ્વીકારતા થયા છે. છેવાડાના પછાત, ગરીબ, અશિક્ષિત અને બેરોજગાર પ્રદેશમાં ખેતીના નવા આવિસ્કારની ભૂખ જાગી છે તે સ્પષ્ટ જણાઇ આવે છે. છેલ્લા એક દશકાથી ખેતી ક્ષેત્રે નવો જ મોડ સ્પષ્ટ દેખાઇ આવે છે અને પછાત ગણાતો નર્મદા જિલ્લો ખેતીક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. ભારતીય ખેતીના સામાન્ય પ્રશ્નો નબળી આર્થિક સ્થિતિ, નિર્વાહ પ્રધાન ખેતી, ઉત્પાદિત માલના ભાવની અનિશ્ચિતતા, ખેતી ખર્ચમાં વધારો, વેચાણ પાત્ર અધિશેષનું ઓછું પ્રમાણ, દેવામાં ડૂબેલા ખેડૂતો વગેરે અહીં પણ છે.

ભારતની ખેતી નાના નાના ટુકડાઓમાં વહેંચાતી જાય છે. ભારતીય ખેતીની જમીનનું ખંડ વિભાજન અને ઉપ વિભાજન થઇ રહ્યું છે. મહદઅંશે સીમાન્ત, નાના, અર્ધ મધ્યમ અને મધ્યમ ખેડૂતો અસ્તિત્વમાં છે. તો થોડા ઘણા મોટા ખેડૂતો પણ છે. વધી રહેલી વસ્તીનો પ્રભાવ ખેતી પર પણ પડયો છે. જેને કારણે કેટલીક તાંત્રિકતાઓના સ્વીકારમાં તે અડચણ રૂપ પણ છે. નર્મદા જિલ્લામાં પણ તેની અસર છે જ. ઇન્ટરનેટ ઉપરથી વર્ષ 2005 - 2006ની દશમી ગણતરી મુજબ ભારત, ગુજરાત, નર્મદા જિલ્લાના સીમાન્ત, નાના, અર્ધ મધ્યમ, મધ્યમ અને મોટા ખેડૂતોની વ્યાખ્યા અને આંકડાઓ લેવામાં આવ્યા છે. જેની વિગત નીચે મુજબ છે.

(1)  સીમાન્ત ખેડૂત - જેઓ એક હેકટર કે તેથી ઓછી જમીન ધરાવે છે તેમને નજીવા કે સૂક્ષ્મ (સીમાન્ત) ખેડૂત તરીકે ગણવામાં આવે છે.

(2)   નાના ખેડૂત - જેઓ એક થી બે હેકટર જમીનમાં ખેતી કરે છે તેમને નાના ખેડૂતોના જૂથમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

(3)  અર્ધ મધ્યમ ખેડૂત - જેઓ બે હકટર કરતાં વધારે પણ ચાર હેકટર કરતાં ઓછી જમીનમાંખેતી કરે છે તેમને અર્ધ મધ્યમ ખેડૂતોના જૂથમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

(4)  મધ્યમ ખેડૂત - જેઓ ચાર હેકટર કરતાં વધારે પણ દશ હેકટર કરતાં ઓછી જમીનમાં ખેતીકરે છે તેમને મધ્યમ ખેડૂતોના જૂથમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

(5)  મોટા ખેડૂત - જેઓ દશ હેકટર કે તેથી વધુ જમીનમાં ખેતી કરે છે તેમને મોટા ખેડૂત તરીકે ઓળખવામાં આવે છે.

અહીં ભારત, ગુજરાત અને નર્મદા જિલ્લાના સીમાન્ત, નાના, અર્ધ મધ્યમ, મધ્યમ અને મોટા ખેડૂતોની સંખ્યા અને જમીનના આંકડાઓની વિગત આપવામાં આવી છે. જેના ઉપરથી તેમની જમીન વિષયક વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. જે નીચે મુજબ છે. ભારતના ખેડૂતોની સંખ્યા અને જમીનના આંકડાઓની વિગત

ખેડૂતોની વિગત

ખેડૂતોની સંખ્યા

ટકા

વિસ્તાર(હેકટર)

ટકા

સીમાન્ત

8,36,94,372

૬૪.૭૭

૩૨૦૨૫૯૭૦

૨૦.૧૩

નાના

૨૩૯૨૯૬૨૭

૧૮.૫2

૩૩૧૦૦૭૯૦

૨૦.૯૧

અર્ધ મધ્યમ

૧૪૧૨૭૧૨૦

10.૯૩

૩૭૮૯૭૬૯૨

૨૩.૯૪

મધ્યમ

૬૩૭૫૩૪૦

૦૪.૯૩

૩૬૫૮૩૪૦૦

૨૩.૧૧

મોટા

10૯૫૭૭૮

૦૦.૮૫

૧૮૭૧૫૧૩૧

૧૧.૮૨

કુલ

૧૨૯૨૨૨૨૩૭

૧૦૦.૦૦

૧૫૮૩૨૨૯૮૩

૧૦૦.૦૦

ભારતના ખેડૂતોની ઉપરોકત વિગત પરથી સ્પષ્ટ થાય છે કે કુલ ખેડૂતોમાંથી સીમાન્ત ખેડૂતોનું પ્રમાણ 64.77% છે. પરંતુ તેમની પાસે માત્ર 20.13% જ જમીન છે. કુલ ખેડૂતોમાંથી નાના ખેડૂતોનું પ્રમાણ 18.52% છે. જેમની પાસે 20.91% જમીન છે. જેઓ સીમાન્ત ખેડૂતો કરતાં સારી જમીન ધરાવે છે. કુલ ખેડૂતોમાંથી અર્ધ મધ્યમ ખેડૂતોનું પ્રમાણ 10.93% છે. જેમની પાસે 23.94% જમીન છે. જેઓ સીમાન્ત અને નાના ખેડૂતો કરતાં સારી જમીન ધરાવે છે. કુલ ખેડૂતોમાંથી મધ્યમ ખેડૂતોનું પ્રમાણ 04.93% છે. જેમની પાસે 23.11% જમીન છે. જેઓ સીમાન્ત, નાના અને અર્ધ મધ્યમ ખેડૂતો કરતાં સારી જમીન ધરાવે છે. કુલ ખેડૂતોમાંથી મોટા ખેડૂતોનું પ્રમાણ ૦.85% છે. જેમની પાસે 11.82% જમીન છે. જેઓ સીમાન્ત, નાના અને અર્ધ મધ્યમ ખેડૂતો કરતાં સારી જમીન ધરાવે છે. જયારે મધ્યમ ખેડૂતોની સાપેક્ષે ખાસ ફરક જણાતો નથી.

ગુજરાતના ખેડૂતોની સંખ્યા અને જમીનના આંકડાઓની વિગત

ખેડૂતોની વિગત

ખેડૂતોની સંખ્યા

ટકા

વિસ્તાર(હેકટર)

ટકા

સીમાન્ત

૧૫૮૫૦૪૨

૩૪.૦૧

૭૯૨૧૪૯

૦૭.૭૧

નાના

૧૩૪૫૩૪૮

૨૮.૮૬

૧૯૫૯૨૮૮

૧૯.૦૮

અર્ધ મધ્યમ

૧૦૮૦૬૧૧

૨૩.૧૮

૩૦૦૪૨૧૩

૨૯.૨૫

મધ્યમ

૫૮૨૨૨૯

૧૨.૪૯

૩૩૮૦૪૪૩

૩૨.૯૪

મોટા

૬૭૭૮૪

૧.૪૫

૧૧૩૩૧૭૧

૧૧.૦૩

કુલ

૪૬૬૧૦૧૪

૧૦૦.૦૦

૧૦૨૬૯૨૬૪

૧૦૦.૦૦

ગુજરાતના ખેડૂતોની ઉપરોકત વિગત પરથી સ્પષ્ટ થાય છે કે કુલ ખેડૂતોમાંથી સીમાન્ત ખેડૂતોનું પ્રમાણ 34.71% છે. પરંતુ, તેમની પાસે માત્ર 97.71% જ જમીન છે. કુલ ખેડૂતોમાંથી નાના ખેડૂતોનું પ્રમાણ 28.86% છે. જેમની પાસે 19.08% જમીન છે. જેઓ સીમાન્ત ખેડૂતો કરતાં સારી જમીન ધરાવે છે. કુલ ખેડૂતોમાંથી અર્ધ મધ્યમ ખેડૂતોનું પ્રમાણ 23.18% છે. જેમની પાસે 29.25% જમીન છે. જેઓ સીમાન્ત અને નાના ખેડૂતો કરતાં સારી જમીન ધરાવે છે. કુલ ખેડૂતોમાંથી મધ્યમ ખેડૂતોનું પ્રમાણ 12.49% છે. જેમની પાસે 32.92% જમીન છે. જેઓ સીમાન્ત, નાના અને અર્ધ મધ્યમ ખેડૂતો કરતાં સારી જમીન ધરાવે છે. કુલ ખેડૂતોમાંથી મોટા ખેડૂતોનું પ્રમાણ 145% છે. જેમની પાસે 11.03% જમીન છે અને સીમાન્ત, નાના, અર્ધ મધ્યમ અને મધ્યમ ખેડૂતો કરતાં સારી જમીન ધરાવે છે.

નર્મદા જિલ્લાના ખેડૂતોની સંખ્યા અને જમીનના આંકડાઓની વિગત

ખેડૂતોની વિગત

ખેડૂતોની સંખ્યા

ટકા

વિસ્તાર(હેકટર)

ટકા

સીમાન્ત

૧૨૪૬૧

૨૮.૩૩

૭૧૯૪

6.૪૯

નાના

૧૩૮૭૮

૩૧.૫૫

૨૦૦૭૯

૧૮.૧૨

અર્ધ મધ્યમ

૧૧૫૫૪

૨૬.૫૭

૩૧૯૯૨

૨૮.૮૮

મધ્યમ

૫૩૫૭

૧૨.૧૮

૩૦૭૪૭

૨૭.૭૫

મોટા

૭૩૭

૧.૬૮

૨૦૭૮૦

૧૮.૭૬

કુલ

૪૩૯૮૭

૧૦૦.૦૦

૧૧૦૭૯૨

૧૦૦.૦૦

નર્મદા જિલ્લાના ખેડૂતોની ઉપરોકત વિગત પરથી સ્પષ્ટ થાય છે કે કુલ ખેડૂતોમાંથી સીમાન્ત ખેડૂતોનું પ્રમાણ 28.33% છે. જેમની પાસે માત્ર 6.49% જ જમીન છે. કુલ ખેડૂતોમાંથી નાના ખેડૂતોનું પ્રમાણ 31.55% છે. જેમની પાસે 18.12% જમીન છે. જેઓ સીમાન્ત ખેડૂતો કરતાં સારી જમીન ધરાવે છે. કુલ ખેડૂતોમાંથી અર્ધ મધ્યમ ખેડૂતોનું પ્રમાણ 26.57% છે. જેમની પાસે 28.88% જમીન છે. જેઓ સીમાન્ત અને નાના ખેડૂતો કરતાં સારી જમીન ધરાવે છે. કુલ ખેડૂતોમાંથી મધ્યમ ખેડૂતોનું પ્રમાણ 12.18% છે. જેમની પાસે 27.75% જમીન છે. જેઓ સીમાન્ત, નાના અને અર્ધ મધ્યમ ખેડૂતો કરતાં સારી જમીન ધરાવે છે. કુલ ખેડૂતોમાંથી મોટા ખેડૂતોનું પ્રમાણ 1.68% છે. જેમની પાસે 18.76% જમીન છે. જેઓ સીમાન્ત, નાના, અર્ધ મધ્યમ અને મધ્યમ ખેડૂતો કરતાં પ્રમાણમાં ઘણી સારી જમીન ધરાવે છે. ઉપરના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે સીમાન્ત અને નાના ખેડૂતોની સંખ્યા વધુ હોવા છતાં તેમની પાસે જમીન ઓછી છે. સિંચાઇની સગવડતાઓ વધે તે ખૂબ જ જરૂરી છે.

પ્રસ્તુત શોધ નિબંધમાં નર્મદા જિલ્લાના સીમાન્ત, નાના અને મોટા ખેડૂતો પોતાના ઉત્પાદિત માલનું વેચાણ કયા કયા બજારમાં કરે છે ? ખેડૂતો જુદાજુદા બજારો પૈકિ કયા પ્રકારના બજારને મહત્વ આપે છે અને તે શા માટે? તેઓ પોતાની ખેતીના અગત્યના પાકો પૈકિ કેટલાક પાકનું ખાસ પ્રકારના બજારમાં વેચાણ કરે છે કે કેમ ? ખેડૂતોના બજાર વ્યવસ્થા અંગેના શું પ્રશ્નો છે અને તેના કારણો કયા છે ? ખેડૂતો સારી બજાર વ્યવસ્થા અને પ્રશ્નોના ઉકેલ માટે શું ઇચ્છે છે અર્થાત સંભવિત ઉકેલ શું હોઇ શકે ? વગેરે બાબતો ઉપર અભ્યાસ કરવામાં આવ્યો છે. જિલ્લાની વર્તમાન સરકારી વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પ્રસ્તુત અભ્યાસમાં 5 એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને મોટા ખેડૂતમાં ગણવામાં આવ્યા છે.

નર્મદા જિલ્લાની ખેતી એકાદ દશકા પહેલાંની ચીલા ચાલું, પરંપરાગત ખેતી આજે પરિવર્તિત થઇ ચૂકી છે. આજે એવા નાના ખેડૂતો છે તેઓ પણ માર્ગદર્શકરૂપ ખેતી કરે છે. અહીં માત્ર ડાંગર તુવેર, જુવાર કરી જીવનનિર્વાહ કરતો ખેડૂત આજે તકનીકિનો ઉપયોગ કરતો થયો છે તેનો સ્વીકાર કરવો જ રહ્યો. આ પરિવર્તનની પ્રક્રિયામાં અનેક બાબતોએ અગત્યની ભૂમિકા પૂરી પાડી છે. સરકારી ખાતાએ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મહત્વની ભૂમિકા રહી છે. તો સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ મહત્વની કામગીરી બજાવી છે. જેમાં આગાખાન સંસ્થાએ (આગાખાન રૂરલ સર્પોટ- ઇન્ડિયા) સારી કામગીરી કરી છે. આજે જૂથ કૂવાઓ, ખાનગી ફૂવાઓ, બોરવેલ, ચેકડેમ દ્વારા સિંચાઇનું પ્રમાણ વધ્યું છે. પરિણામ સ્વરૂપ ચીલાચાલુ પાકોની સાથે શેરડી, કપાસ, સોયાબીન, ઘઉં, આંબા, પપૈયા, કેળ જેવા પાકોની સાથે ફળ ઝાડો ખેડૂતો કરતા થયા છે. સારી આવક મેળવી પ્રમાણમાં સદ્ધર પણ થયા છે. આ બધી બાબતોની વચ્ચે બજાર વ્યવસ્થાનું મહત્વ ઘણું વધી જાય છે. આશા છે કે આ શોધ નિબંધ વનવાસી પ્રદેશની બજાર વ્યવસ્થાનો તલસ્પર્શી અભ્યાસ કરી અહીંની ખેતીના ભાવિ વિકાસમાં મેરુદંડ સાબિત થશે, બજાર અંગેનાં નડતરરૂપ પરિબળોને દૂર કરવામાં, ખેતીના બજાર અંગેની ભાવિ યોજનાઓ ઘડવામાં કૃષિકારો, નીતિ ઘડવૈયાઓકૃષિ વૈજ્ઞાનિકોને કંઇક પણ માર્ગદર્શક કે દીવાદાંડી રૂપ બનશે તો આ પ્રયત્ન લેખે ગણાશે. આશા અને શ્રધ્ધા છે કે તેમ થવામાં આ શોધ નિબંધનું થોડું પણ યોગદાન રહેશે.

સંશોધનના હેતુઓ:

  1. ખેડૂતો કયા બજારમાં પોતાનો માલ વેચે છે તે જાણવું અને અમુક પાકો માટે ખાસ બજારમાંવેચાણ કરે છે કે નહિ તે જાણવું.
  2. હાટ બજાર વિશે ખેડૂતોનો અભિગમ જાણવો.
  3. કરાર આધારિત ખેતીની પરિસ્થિતિ જાણવી.
  4. આ પ્રદેશની ખેતીની બજાર વ્યવસ્થામાં નિયંત્રિત બજારની ભૂમિકા જાણવી.
  5. ખેડૂતોને તેમની પેદાશના ભાવ અંગે સંતોષની સ્થિતિ જાણવી.
  6. ટેકનોલોજી અને પૃથક્કરણની વૈજ્ઞાનિક સગવડતાઓ અંગે ખેડૂતોનો અભિગમ જાણવો.

સંશોધનની ઉત્કલ્પનાઓ

  1. મોટા ભાગના ખેડૂતો પોતાને નજીક પડે તે બજારમાં ઉત્પાદિત માલનું વેચાણ કરતા હશે.
  2. હાટ બજાર માં જઇ પોતાના માલનું વેચાણ કરવાનુ ખેડૂતો પસંદ નહી કરતા હોય.
  3. માલનું સૌથી વધુ વેચાણ નિયંત્રિત બજારમાં થતું હશે.
  4. અભ્યાસ વિસ્તારના ખેડૂતો કરાર આધારીત ખેતી સાથે જોડાયેલા હશે.
  5. ખેડૂતોને પોતાના ઉત્પાદિત માલનો સંતોષકારક ભાવ ન મળવાનો પ્રશ્ન હશે. તે પ્રત્યે અસંતોષહશે.
  6. ખેડૂતો માહિતી સંચાર ટેક્નોલોજી અને જમીન તથા પાણી પૃથક્કરણ સગવડતાનો ઉપયોગ નહિકરતા હોય.
  7. ખેડૂતો કેટલાક પાકનું ખાસ બજારમાં વેચાણ કરતા હશે.
સ્ત્રોત:

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate