অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર (મનરેગા) અંગે ટૂંકી પ્રશ્નોત્તરી

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર (મનરેગા) અંગે ટૂંકી પ્રશ્નોત્તરી

મનરેગા યોજના શું છે ?

મનરેગા સંસદનો અધિનિયમ છે, જે ગ્રામીણ કુટુંબના પુખ્ત સભ્યો જેમને રોજગારની જરૂર હોય અને જેઓ બિનકુશળ શ્રમ કરવા માગતા હોય તેમને નાણાકીય વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી પુરી પાડવાની કાયદેસર બાંહેધરી આપે છે. મનરેગાએ રજી ફેબ્રુઆરી, ૨૦૦૬ના રોજથી અમલમાં આવ્યો છે. આ અધિનિયમ સમગ્ર દેશમાં અમલમાં છે.

કામ માટે અરજી કરવા કયાં પગલાંનું પાલન કરવાનું છે ?

રોજગારી મેળવવા માંગતા શ્રમિકે ગ્રામ પંચાયતને કે તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્ષમ અધિકારી) તાલુકા પંચાયત કચેરીએ મૌખિક કે લેખિત અરજી આપવી જોઇએ અને તેની પહોંચ માંગવી જોઇએ. તે માન્ય અરજી સ્વીકારવા અને તેની પહોંચ આપવા બંધાયેલા છે. ઓછામાં ઓછા સતત ૧૪ દિવસના કામ માટે માગણી કરવાની હોય છે. નોંધણી માટેનું એકમ કુટુંબ છે, દર પાંચ વર્ષે ફક્ત એકવાર કુટુંબની નોંધણી કરવામાં આવે છે. નોંધણી ફક્ત એકવાર કરવામાં આવે. જ્યારે કામ માટેની અરજીઓ કામ માગો તે દરેક વખતે કરવાની હોય છે.

કામ ઇચ્છનારને રોજગાર પત્ર મળે ત્યારે શું કરવાનું હોય છે ?

શ્રમિકે પત્રમાં જણાવેલ તારીખ અને સમયે કામના સ્થળે જોબકાર્ડ સાથે હાજર થવાનું હોય છે.

કામ માટે વ્યક્તિ હાજર ન રહે તો શું થાય ?

કામ ઉપર આવવાની જાણ કરવાના ૧૫ દિવસની અંદર કામ માટે હાજર થવામાં અરજદાર ચૂક કરે તો શ્રમિકે ત્રણ મહિના માટે બેરોજગાર ભથ્થા માટે પાત્ર બનશે નહિ.

બેરોજગાર ભથ્થું કયા સંજોગોમાં ચૂકવવામાં ન આવે ?

ગ્રામ પંચાયત કે તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્રમ અધિકારી) દ્વારા વ્યક્તિને કામ પર હાજર થવા જણાવ્યું હોય અને તે વ્યક્તિએ તેમ ન કર્યું હોય. રોજગાર માંગ્યોં હોય તે મુદત પૂરી થઇ ગઇ હોય. વ્યક્તિના કુટુંબે નાણાકીય વર્ષ દરમિયાન કામના ૧૦૦ દિવસની મર્યાદા પૂરી કરી હોય, તેવા સંજોગોમાં વ્યક્તિને બેરોજગાર ભથ્થું ચૂકવવામાં આવશે નહિ.

શું અરજદારો તેમને અપાતા કામનો સમય, સ્થળ અને પ્રકાર પસંદ કરી શકે ?

ના, તેમને ગ્રામ પંચાયત કે તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્રમ અધિકારી) જે કામ આપે તે તેઓ સ્વીકારવા બંધાયેલા છે.

વેતનની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે ?

વેતનની ગણતરી રોજેરોજ નિયત કરેલ S.O.R. મુજબ કરેલ કામના પ્રમાણમાં દરના ધોરણે કરવામાં આવે છે. કામ સાત કલાક માટે હોય છે.

કેટલા દિવસમાં વેતન ચૂકવવામાં આવે છે ?

વેતન દર અઠવાડિયે ચૂકવવાનું છે. કોઇ કિસ્સામાં કામ કર્યું હોય તે દિવસ પછી પંદર દિવસથી મોડા નહિ એ રીતે ચૂકવવાનું છે.

કામના સ્થળે કામદારોને કઇ સગવડ આપવામાં આવે છે ?

કામના સ્થળની સગવડોમાં પીવાનું પાણી, બાળકો માટે ઘોડીયાની સગવડ, છાંયડો, આકસ્મિક સારવાર માટે ફર્સ્ટ-એઇડ બોક્સનો સમાવેશ થાય છે. છ વર્ષથી નીચેનાં પાંચથી વધુ બાળકો હાજર હોય તો તેમની સંભાળ રાખવા એક માણસ રાખવાની જોગવાઇ છે.

કામના સ્થળે અકસ્માત થાય તો શું થાય ?

કામ દરમિયાન અકસ્મામત કે ઇજા થાય તો રાજ્ય સરકાર તરફથી તે વ્યક્તિ મફત સારવાર મેળવવા હક્કદાર છે. હોસ્પિટલમાં દાખલ કરવો જરૂરી હોય તો તે સગવડ, સારવાર, દવા અને દૈનિક ભથ્થુ ‘વેતન દરથી અર્ધા કરતાં ઓછું નહિ’ મેળવવા હક્કદાર છે. મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં ભોગ બનનાર કે તેના કુટુંબને વળતર રૂપે રૂા. ૨૫,૦૦૦/- ની ચૂકવણી કરવાની છે.

સો(૧૦૦) દિવસની રોજગારી એક વ્યક્તિ કે કુટુંબને મળવાપાત્ર છે કે કુટુંબને ?

કાયદા હેઠળ નાણાંકીય વર્ષમાં સો દિવસની રોજગારી દરેક કુટુંબને મળવાપાત્ર છે.

કુટુંબમાં બે વ્યક્તિઓ રોજગારની માંગણી કરે તો ?

કુટુંબમાં બે વ્યક્તિઓ રોજગારની માંગણી કરે તો, કુટુંબદીઠ નાણાંકીય વર્ષમાં કુલ ૧૦૦ દિવસની મર્યાદામાં આ યોજના હેઠળ રોજગારી આપવાની સરકાર બાંહેધરી આપે છે.

કુટુંબમાં એકથી વધુ વ્યક્તિઓ માંગણી કરે તો દરેકને રોજગારી મળે ?

કુટુંબમાં એકથી વધુ વ્યક્તિઓ માંગણી કરે તો એકથી વધુ વ્યક્તિઓને રોજગારી આપી શકાય. અપાયેલ રોજગારી નાણાંકીય વર્ષમાં કુટુંબદીઠ ૧૦૦ દિવસની મર્યાદામાં રહેશે.

કુટુંબમાં એક વ્યક્તિને ૧૦૦ દિવસની રોજગારી મળી ગયા બાદ તે જ કુટુંબની બીજી વ્યીક્તિને રોજગારી મળી શકે ?

કુટુંબની એક વ્યક્તિને ૧૦૦ દિવસની રોજગારી મળી ગયા બાદ તે જ કુટુંબની બીજી વ્યક્તિને આ યોજના હેઠળ રોજગારી મળી શકે નહિ.

જો કોઇ વ્યક્તિઓ ખોદકામનું કામ ઝડપથી ન કરી શકતી હોય, અને કામના જથ્થાના નક્કી થયેલા દર પ્રમાણે નિયત ધન મી/ચો.મી. જેટલું કામ ન કર્યું હોય તો તે વ્યક્તિઓને એક દિવસ માટે નક્કી થયેલ પૂરી રોજગારી મળે કે ઓછી ?

આવી વ્યક્તિઓએ એક દિવસનું વેતન મેળવવા નક્કી થયેલ જથ્થાનું કામ કરવું પડે, તો જ એક દિવસનું પૂરૂ વેતન આપી શકાય. અન્યથા તેમણે કરેલ કામના પ્રમાણમાં વેતન ચુકવવામાં આવશે.

નિયત કામ નિયત સમયમાં ન કરી શકવાના કિસ્સામાં ઓછી રોજગારી મળે, તો પૂરા વેતન માટે વધુ દિવસની રોજગારી માંગી શકાય ?

‘ના’, આ માટે ‘મેટે’ કામગીરીની ફાળવણી એવી રીતે કરવી કે શ્રમિક દિવસ દરમ્યાન ઓછામાં ઓછું સાત કલાક કામ કરે, તો લધુત્તમ વેતન દર મુજબનું વેતન મેળવી શકે. આ બાબતે શ્રમિકોને વેતનદર અને કામના પ્રમાણ અંગે કામના સ્થળે કામ શરૂ કરતા પહેલા સ્પષ્ટ સમજણ આપવાની રહેશે.

બેરોજગારી ભથ્થું કેટલું મળવાપાત્ર છે ?

જો યોગ્ય. અરજદારને કામની માંગણીના ૧૫ દિવસમાં રોજગારી ના મળે તો તેમને સરકાર નક્કી કરે તે મુજબનું બેરોજગારી ભથ્થું મળવાપાત્ર છે. પહેલા ૩૦ દિવસ માટે દૈનિક વેતનના ૨૫ ટકા કરતાં ઓછુ નહિ તેટલું અને પછીનાં દિવસો માટે દૈનિક વેતનના ૨૫ ટકા કરતા ઓછું નહિ તેટલું અને પછીનાં દિવસો માટે દૈનિક વેતનના ૫૦ ટકા કરતાં ઓછું નહી, તેટલું બેરોજગારી ભથ્થું મળવાપાત્ર છે.

રોજગારી ન મળે તો કોને ફરિયાદ કરવી ?

રોજગારી ન મળે તો તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્રમ અધિકારી) ને અને ગામમાં ગ્રામ પંચાયતમાં તલાટી-કમ-મંત્રીને ફરિયાદ કરી શકાશે. આ માટે ગ્રામ પંચાયતમાં રાખેલ ફરિયાદ રજીસ્ટરમાં પણ ફરિયાદની નોંધ કરી શકાય. સરકાર શ્રી દ્વારા મફત હેલપલાઇન ૧૮૦૦૨૩૩૪૫૬૭ ની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

કામ કરવા છતાં ઓછું વેતન મળે તો કોને ફરિયાદ કરવી ?

વેતન ન મળે, કે ઓછુ વેતન મળે, તો તાલુકા વિકાસ અધિકારી(કાર્યક્રમ અધિકારી) ને ફરિયાદ કરી શકાશે.

બેરોજગારી ભથ્થું ઓછું મળે, કે ન મળે તો કોને ફરિયાદ કરવી ?

બેરોજગારી ભથ્થું ઓછું મળે કે ન મળે, તો તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્રમ અધિકારી)ને લેખિતમાં જાણ કરવી.

બિનકુશળ, અર્ધકુશળ, અને કુશળ શ્રમિકને સરખું દૈનિક વેતન મળે કે જુદું જુદું ?

બિનકુશળ, અર્ધકુશળ, અને કુશળ શ્રમિકને કરેલા કામનાં નક્કી થયેલા દર પ્રમાણે વેતન મળવાપાત્ર થશે.

અડધા દિવસના કામ માટે રોજગારીના દિવસો વધુ મળે ?

આ યોજના હેઠળ ૧૦૦ આખા દિવસની રોજગારી આપવાની છે. આથી અડધા દિવસની કામગીરી આપવાનો પ્રશ્ન નથી. શ્રમિકોએ સળંગ ૧૪ દિવસની રોજગારી માંગવાની હોઇ અડધા દિવસની કામગીરી ફાળવી શકાશે નહીં.

પોતાના ગામથી બીજા ગામમાં કામ અર્થે જવાનું થાય તો જવા આવવાનો ખર્ચ મળી શકે ?

ગામથી પ કી.મી.થી વધારે દુર મનરેગા કામ અર્થે જવાનું થાય, તો જવા આવવાનો ખર્ચ મળશે નહિ પરંતુ મળવાપાત્ર વેતનના ૧૦ ટકા વધુ રકમ મળશે.

કોન્ટ્રાકટર કે અન્યં સંસ્થા ઓ દ્વારા કોઇ ગ્રામ વિકાસના કાર્યો ચાલતા હોય તો તે કામોમાં મળતી રોજગારી પણ આ યોજના અંગેના કામમાં નોંધાય ?

ના, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી યોજના સિવાયના કોઇ પણ કામની ગણતરી કે નોંધ જોબકાર્ડમાં થશે નહીં. આ યોજના સિવાય અન્ય યોજના હેઠળ ચાલતા કે એન.જી.ઓ. અને બીજી સંસ્થા્ઓ દ્વારા ચાલતા કામોમાં આવી રોજગારી વધારાના કામો તરીકે ઇચ્છિત વ્યક્તિ મેળવી શકશે. જેની ગણતરી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી યોજના હેઠળ અપાતી ૧૦૦ દિવસની રોજગારીમાં ગણવામાં આવશે નહિં.

મનરેગા યોજના હેઠળ ચાલતા કામોમાં કેટલું વેતન મળવાપાત્ર છે ?

આ યોજના હેઠળના કામ પરના દરેક શ્રમિકોને રાજ્ય સરકાર કે યોગ્ય સત્તાધિકારી દ્વારા ‘લધુતમ વેતન અધિનિયમ-૧૯૪૮’ હેઠળ કૃષિ શ્રમિક માટે નિયત કરેલ વેતનદર મુજબ તેઓના કામના પ્રમાણમાં વેતન ચૂકવવાનું હોય છે. જેનો હાલનો વેતન દર રૂા. ૧૪૭/- છે

અન્ય ગામે ચાલતા કામ વખતે જોબકાર્ડ સાથે લઇ જવું પડે ?

કોઇપણ સ્થળે આ યોજના હેઠળનું કામ મળે, ત્યાં જોબકાર્ડ કામનાં સ્થળે શ્રમિકે પોતાની સાથે રાખવાનું હોય છે.

રોજગારી મેળવવા શું લેખિત અરજી જ આપવી પડે ?

રોજગારી મેળવવા લેખિત કે મોખિક અરજી કરી શકે છે. પરંતુ લેખિતમાં અરજી કરવી હિતાવહ છે. અભણ વ્યક્તિઓ મૌખિક રજુઆત ગ્રામ/તાલુકા પંચાયત ઓફિસે કરી શકશે.

આ યોજના અંતર્ગત મહિલાઓ માટે કોઇ વિશેષ જોગવાઇઓ છે ?

મહિલાઓને રોજગારીની ફાળવણીમાં પ્રાથમિકતા આપવાની રહેશે. ઓછામાં ઓછી ૧/૩ રોજગારી મહિલાઓને ફાળવવાની રહેશે. મહિલાઓ પુરૂષોની જેમ એક સમાન વેતન મેળવવા હકદાર છે.

સામાન્ય જનતા મનરેગાના કાર્યો સંબંધી રેકર્ડ જોઇ શકશે કે કેમ ?

હા, આ યોજનાના ગ્રામ પંચાયતના રેકર્ડ જેવા કે અરજી પત્રકો, જોબકાર્ડ રજીસ્ટાર, મંજૂર થયેલ કાર્ય, યોજનાની ખર્ચની રકમ, મસ્ટર રોલ વગેરે બાબતો જાહેર જનતા માટે ઉપલબ્ધર રહેશે. રોજગારી પુરી પાડવાની જાણકારી નોટીસ બોર્ડ પર કરવાની રહેશે. દરેક ગામ મનરેગાના કાર્યો માટે ગ્રામ સભા રાખીને આયોજન કરશે યોજના હેઠળના કામોની સમીક્ષા ગ્રામ સભામાં કરી શકશે.

આ યોજનામાં ફકત બી.પી.એલ. કુટુંબોની નોંધણી થશે કે ગામનાં તમામ કુટુંબોને નોંધણીને પાત્ર છે ?

આ યોજનામાં કોઇ પણ ગ્રામીણ કુટુંબની પુખ્ત વયની વ્યક્તિ કે જે બિન કુશળ શારીરિક શ્રમ કરવા ઇચ્છુક છે તે અરજી કરી શકશે. આ યોજના તમામ ગ્રામજનો માટે છે.

કુટુંબની કોઇ વ્યક્તિ જેનો ફોટો ઇશ્યુ થયેલ જોબકાર્ડમાં મૂકેલા ફોટામાં ના હોય તો અને તે કામમાં જોડાવા માગે તો શું કરવું ?

એક જ કુટુંબમાં હોય તેવી વ્યક્તિ જોબકાર્ડ ઇશ્યુ થયા પછી કામમાં જોડાવા માટે તો જોબકાર્ડ રજીસ્ટરમાં તેમનો ફોટો ઉમેર્યા પછી જ તેમને કામમાં જોડવામાં આવશે.

આપેલ રોજગાર અંગે માહિતી અરજદારને કેવી રીતે પહોંચાડશે ?

કયાં અને કયારે કામ પર હાજર થવું તેની જાણ કરતો ગ્રામ પંચાયત/તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્રમ અધિકારી) એ અરજદારોને પત્ર મોકલવો અને તેની નકલ ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્રમ અધિકારી) ને તાલુકા પંચાયત કચેરીએ પ્રદર્શિત કરેલી જાહેર નોટિસથી રોજગારની તારીખ અને સ્થળ અંગે માહિતી પૂરી પાડવી જોઇએ અને રોજગાર પૂરા પાડયા હોય તેમનાં નામ જણાવવાં જોઇએ.

ગ્રામ સભાની ભૂમિકા શું હોય છે ?

ગ્રામ સભાએ ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવનાં થતાં કામોના આયોજનને કામની અગ્રતાનુસાર બહાલી આપવાની હોય છે. આ ઉપરાંત, ગ્રામસભાએ હાથ ધરાયેલ કામોનું સામાજીક ઓડીટ કરવાની સત્તા છે.

મનરેગા અંતર્ગત કામ શરૂ થવાની જાણકારી કોણ આપશે ?

કોઇપણ વ્યક્તિએ રોજગાર માટે માંગણી કરતી અરજી કરી હોય તેના પંદર દિવસમાં ગ્રામ પંચાયતે રોજગારી આપવાની છે. કામની જાણ ગ્રામ પંચાયતની કચેરીએથી મળી શકે. ગ્રામ પંચાયતે રોજગારી પુરી પાડવા અંગેની જાણ અરજદાર કુટુંબને પત્ર દ્વારા કરવાની રહેશે. આ ઉપરાંત ગ્રામ પંચાયત તેમજ ગામની જાહેર જગ્યાએ આ અંગેની જાહેરાત કરવાની રહેશે.

ગામમાં મંજૂર થયેલ કામ વર્ષના પાછલા ભાગમાં હોય તો શરૂઆતના માસમાં રોજગારી કોણ આપશે ?

પંચાયતે આખુ વર્ષ કામ આપી શકાય એ રીતે સૂક્ષ્મ આયોજન કરીને કામોની મંજુરી મેળવવાનો પ્રયાસ કરવો જોઇએ. કાયદા પ્રમાણે વર્ષ શરૂ થતાં પહેલા અગ્રતાક્રમ પ્રમાણે આખા વર્ષના પ્રસ્તાવિક પ્રોજેક્ટ મંજુર કરવાના રહેશે. પંચાયત પાંચ કામો મંજુર કરાવી તૈયાર રાખશે, જેથી માંગણી થયેથી કામ આપી શકાય.

એક ગામમાં કામ ન હોય અને બીજા ગામમાં કામ હોય તો તે કામ મેળવવા કોને અરજી કરવી ?

દરેક ગ્રામ પંચાયતે પાંચ કિલોમીટરના વિસ્તારમાં રોજગારીની તક આપવાની છે. રોજગારી વાંચ્છુએ તો પોતાની ગ્રામ પંચાયતને જ અરજી કરવાની છે. ગામમાં કામ ઉપલબ્ધ ન હોય તો તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્રમ અધિકારી) નજીકના ગામમાં રોજગારી પુરી પાડશે. કામનું સ્થાળ શ્રમિકના ગામથી પ કી.મી.થી દુર હોય તેવા કિસ્સા માં શ્રમિકને મળવાપાત્ર વેતનના ૧૦ ટકા વધુ વેતન મળશે.

પોતાના ગામ સિવાયના અન્ય ગામમાં રોજગારી આપવાનું કોણ નકકી કરશે ?

બીજા ગામમાં રોજગારી આપવાનું કામ તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્રમ અધિકારી) અને પંચાયત મળીને નકકી કરશે. ફકત જ્યારે ગામમાં રોજગારી આપી શકાય તેમ ન હોય, ત્યાઅરે જ તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્રમ અધિકારી) નજીકના ગામમાં રોજગારી આપશે.

એક ગામમાં એકથી વધુ કામ આ યોજનાના ચાલતા હોય, તો તેના દિવસો ફેરફાર કરાવી શકાય ?

કામની માંગણીને ધ્યાને લઇ પરિસ્થિતિ મુજબ ગ્રામ પંચાયતે યોગ્ય નિર્ણય લેવાનો રહેશે.

ભારે અને હળવા કામ કોને સોંપવા તેનો નિર્ણય કોણ કરે ?

ભારે અને હળવા કામ સોંપવા તેનો નિર્ણય કામ કરતાં જૂથના સભ્યો આપસની સમજદારીથી કરશે. દા.ત. જૂથમાં કામ કરતી મહિલાઓ અને વૃદ્ધોને હળવા કામ સોંપી શકશે. કામના જથ્‍ થાની ગણતરી જૂથ આધારીત ગણવામાં આવશે. વિખવાદ થાય, તેવા સંજોગોમાં ગ્રામ પંચાયત કામની વહેંચણી અંગેનો નિર્ણય લેશે.

આ યોજના હેઠળ વર્ષની ગણતરી કઇ રીતે ગણવામાં આવશે ? જાન્યુઆરીથી ડીસેમ્બર કે એપ્રિલથી માર્ચ ?

આ યોજના હેઠળ નાણાંકીય વર્ષ એપ્રિલથી માર્ચ ગણવામાં આવે છે.

તાલુકા સ્તરે આ યોજનાનું સંચાલન કોણ કરશે ?

તાલુકા સ્તઠરે તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્રમ અધિકારી) યોજનાનું સંચાલન કરશે.

ગ્રામ કક્ષાએ કયા કામો હાથ ધરવા તે કોણ નકકી કરશે ?

આ અધિનિયમમાં નિર્દિષ્ટ થયેલ કામો લઇ, ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત પ્રોજેક્ટ તૈયાર કરશે અને ગ્રામ સભાની ભલામણ સાથે પ્રોગ્રામ ઓફિસરને મોકલાશે. ત્યામર બાદ પ્રોગ્રામ ઓફિસર તાલુકા અને જીલ્લા પંચાયતની મંજુરી મેળવશે. મંજુરી મળતા તે સેલ્ફ ઓફ પ્રોજેક્ટમાંથી ગામની જરૂરિયાત પ્રમાણે કામો શરૂ કરી શકશે.

આ યોજના હેઠળ કયા કામો લઇ શકાય ?

યોજના હેઠળ અધિનિયમના શિડયુલ-૧માં નિયત કરાયેલ નીચે મુજબના રોજગારીલક્ષી કામો હાથ ધરી રોજગારી પૂરી પાડવાની રહેશે.

  • જળસંચય અને જળસંગ્રહના કામો
  • દુષ્કાળ પ્રતિરોધક કામો (વનીકરણ અને વૃક્ષારોપણ)
  • માઇક્રો અને માઇનોર સિંચાઇના કામો સહિત સિંચાઇ માટે નહેરના કામો અનુ. જાતિ/જનજાતિ સભ્યો અથવા જમીન સુધારણા યોજનાનાં લાભાર્થીઓ અથવા ભારત સરકારની ઇન્દિારા આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા ધારણ કરેલ જમીન પર સિંચાઇની સવલતો પુરી પાડવા અંગેના કામો.
  • જ્યાં પાણી ભરાઇ રહેવાનો પ્રશ્ના છે. તેવા વિસ્તારોમાં ડ્રેનેજ સહિત પુર નિયંત્રણ અને પુર સંરક્ષણને લગતા કામો.
  • રાજ્ય સરકારના પરામર્શમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થાય તેવા અન્ય કામો.

યોજનામાં બતાવ્યા સિવાયના કામ હાથ ધરવા હોય તો કોણ મંજુરી આપે ?

રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી અધિનિયમ-૨૦૦૫ના શિડયુલ-૧માં નિયત કરાયેલા કામો જ લેવાના રહે છે.

કોઇપણ વ્યક્તિ ૧૦૦ દિવસ કરતા વધુ કામ કરવા માંગતી હોય તો તેને કામ મળી શકે ?

આ યોજના હેઠળ નાણાંકીય વર્ષમાં માત્ર ૧૦૦ દિવસની જ રોજગારી કુટુંબના બિનકુશળ શારીરિક શ્રમ કરવા ઇચ્છુક પુખ્ત વયના શ્રમિકોને રોજગારી આપવાની જોગવાઇ છે.

ગામમાં કામ પૂર્ણ થયા બાદ કોઇ રોજગારી માગે તો શું કરવું ?

ગામમાં કામ પૂર્ણ થયા બાદ કોઇ રોજગારી માગે તો ગ્રામપંચાયત તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્રમ અધિકારી) ને રજૂઆત કરશે. જેના આધારે તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્રમ અધિકારી) અન્ય ગામે શ્રમિકને રોજગારી આપશે.

ગ્રામ પંચાયત રોજગારી રજીસ્ટર રાખશે તેમાં વ્યક્તિવાર નોંધ રહેશે કે કુટુંબવાર ?

ગ્રામ પંચાયત રોજગારી આપ્યાબાદ રોજગાર રજીસ્ટરમાં કુટુંબના ખાતામાં નોંધ કરશે.

અન્ય ગામે કરેલા કામની નોંધણી કયા ગામના રજીસ્ટરમાં કરવાની હોય છે ? મૂળ ગામમાં કે કામ કરેલા ગામના રજીસ્ટરમાં ?

જે ગામમાં કામ ચાલુ હોય તે ગામની પંચાયતમાં તે કામ અંગેની નોંધ કરવાની રહેશે અને શ્રમિકના કિસ્સામાં જે ગામનો જોબકાર્ડ ધારક હોય તે ગ્રામપંચાયતના રોજગારી રજીસ્ટરમાં નોંધણી કરાવવાની રહેશે. છતાં પણ આ બાબતે કોઇ મુશ્કેલી હોય તો તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્રમ અધિકારી) ને રજુઆત કરી શકશે

શું ગામમાં નોંધાયેલ બધા માણસોની સો દિવસની રોજગારી માટેનું પુરૂ ફંડ ગ્રામ પંચાયતને મળશે ?

ગ્રામ પંચાયત રોજગારીની માંગણીને અનુલક્ષીને પ્રોજેક્ટ બનાવી શક્ષમ સત્તા પાસેથી મંજુર કરાવવાના રહેશે અને મંજુર થયેલ પ્રોજેક્ટ માટે પૂરે પુરૂ ફંડ ગ્રામ પંચાયતને મંજુરી આપવામાં આવશે.

જુદી જુદી યોજનાના ફંડ અલગ હોય છે તે બધા ભેગા થઇ એકત્ર ફંડ બનશે કે જુદા જુદા રહેશે ?

આ યોજના માટે દરેક સ્ત રે અલાયદું ફંડ રહેશે. ‘રાજ્ય કક્ષાએ રાજ્ય રોજગારી બાંહેધરી ફંડ’ નામનું અલગ ફંડ રહેશે. અમલ કર્તા એજન્સીઓએ તાલુકા અને જિલ્લા સ્તરે રાષ્ટ્રીયકૃત બેંકમાં આ યોજના માટે અલગ ખાતુ ખોલાવવાનું રહેશે.

ગામમાં ફાળવેલ રકમ કે કામો કરતા વધુ માંગણી હોય તો તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્રમ અધિકારી) વધુ રકમ કે કામ ફાળવણી કરી શકે ?

ગ્રામ પંચાયતે સંભવિત રોજગારીની માંગને અનુલક્ષીને આગોતરૂ આયોજન કરી પ્રોજેક્ટ મંજુર કરવાનાં રહેશે. પરંતુ આકસ્મિેક સંજોગોમાં રોજગારની માંગ વધે તો તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્રમ અધિકારી) સક્ષમ સત્તાએથી વધુ કામો મંજુર કરાવી રકમ મેળવવાની રહેશે. વહીવટી પ્રક્રિયામાં સમય લાગે તેમ હોય તો મંજુરી મળે ત્યાં સુધી અન્ય ગામે રોજગારી પૂરી પાડવાની રહેશે.

આ યોજના માટે મજૂરી અને માલ-સામાનનું પ્રમાણ શું રહેશે ?

આ યોજના હેઠળ હાથ ધરવાના થતા કામોમાં મજુરી ખર્ચ અને માલ સામાનના ખર્ચનું પ્રમાણ ૬૦:૪૦ નું રહેશે.

શું યોજના હેઠળ કુશળ/અર્ધ કુશળ વ્યક્તિઓને પણ રોજગારીની બાંહેધરી આપવામાં આવી છે ?

આ યોજના હેઠળ માત્ર બિનકુશળ શ્રમિકોને જ રોજગારીની બાંહેધરી આપવામાં આવી છે. પરંતુ અમલીકરણ એજન્સીઓ કામ માટે જરૂરી હોયતો કુશળ અને અર્ધકુશળ શ્રમિકોને કામ આપી શકશે. પરંતુ તેમનું ચુકવવા પાત્ર વેતનનો ખર્ચ માલ સામાનના ખર્ચ તરીકે ગણાશે.

કામ ચાલુ હોય ત્યારે શ્રમિકોનું હાજરી પત્રક કયાં રાખવું પડે ?

કામ ચાલુ હોય ત્યારે શ્રમિકોનું હાજરી પત્રક કામના સ્થળે તે કામનાં મેટ પાસે હોવું ફરજીયાત છે.

સામાજીક ઓડિટ કોના દ્વારા કરવામાં આવશે ?

ગ્રામ કક્ષાએ ગ્રામ્ય તકેદારી સમિતિના સભ્યો અને ગામના વિકાસમાં સક્રિય રસ લેતાં લોકો તેમજ સ્થાનિક સંસ્થા‍ઓ સાથે રહીને કરશે.

દેખરેખ સમિતિ કેટલા સભ્યો‍ની બનશે ?

દેખરેખ સમિતિ ઓછામાં ઓછા ૬ સભ્યો ની બનશે.

ગુજરાત સરકારશ્રી દ્વારા મનરેગા યોજનામાં શ્રમિકોના યોજનાને લગતા પ્રશ્નો તેમજ ફરીયાદોના ઝડપી નિવારણ માટે કોઇ વ્યવસ્થાં / પદ્ધતિ અમલમાં મુકેલ છે ?

ગુજરાત સરકારશ્રી દ્વારા મનરેગા યોજનામાં શ્રમિકોના યોજનાને લગતા પ્રશ્નો તેમજ ફરીયાદોના ઝડપી નિવારણ માટે સમગ્ર રાજ્યમાં ટેલીફોન હેલ્પલાઇન દ્વારા કોઇપણ નાગરિક લેન્ડનલાઇન/મોબાઇલથી યોજના અંગેની માહિતી વિનામૂલ્યે મેળવી શકાશે અને તેઓની ફરિયાદ કરી શકશે.

મનરેગા યોજનામાં કામની માંગણી માટે નિયત નમુનામાં મફત ફોર્મ કયાંથી મેળવી શકાય છે ?

મનરેગા યોજનામાં કામની માંગણી માટે નિયત નમુનામાં મફત ફોર્મ નીચે મુજબના અધિકૃત સંસ્થા /પદાધિકારીશ્રીઓ પાસેથી મેળવી શકાશે.

  • સરપંચ
  • દુકાન
  • તલાટી કમ મંત્રી
  • વી.સી.ઇ.ઇ.-ગ્રામ સેન્ટર
  • ગ્રામ સેવક (આઇઆરડી અને ખેતીવાડી)
  • મંત્રી/ચેરમેન, દુધ સહકારી મંડળી
  • ઉપસરપંચ
  • સંચાલકશ્રી, મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર
  • અધ્યક્ષશ્રી, સામાજીક ન્યાય સમિતિ, ગ્રામ પંચાયત
  • મહિલા સદસ્યયશ્રીઓ ગ્રામ પંચાયત સ્વસહાય જુથ/સખી મંડળ આંગણવાડી કેન્દ્ર
  • સંચાલકશ્રી, પંડિત દિનદયાળ ઉપાધ્યાય વ્યાજબી ભાવની દુકાન

સ્ત્રોત: કમિશ્નર ગ્રામ વિકાસની ક્ચેરી, ગુજરાત રાજય.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/11/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate