આ યોજનામાં લાભ કોને મળે છે ?
ગ્રામ્ય વિસ્તારના ગરીબી રેખા હેઠળ જીવતા લક્ષ્યાંક જૂથના અનુ.જાતિ/જનજાતિ, મુક્ત કરાયેલા વેઠિયા મજુરો તથા અન્ય લક્ષ્યાંક જૂથના લાભાર્થીઓ.
આ યોજના હેઠળ શું લાભ આપવામાં આવે છે ?
આવાસની નિયત થયેલ યુનિટ કોસ્ટની મર્યાદામાં નવા આવાસ તથા કાચા મકાનની ગુણવત્તા સુધારણા (અપગ્રેડેશન)નો લાભ મળે છે.
આવાસના લાભ માટેના લાભાર્થીઓની પસંદગી કોણ કરે છે ?
ગરીબી રેખા હેઠળ લક્ષ્યાંક જૂથ પૈકીના લાબાર્થીઓમાંથી પસંદગી સ્થાનિક કે ગ્રામ્ય સભા મારફતે કરાય છે.
યોજના હેઠળ (એક) આવાસની યુનિટ કોસ્ટ કેટકેટલી હોય છે ?
એક નવા આવાસની યુનિટ કોસ્ટ રૂ. 43,000/- છે, પણ આવાસ ભૂકંપ પ્રતિરોધક બનાવવું ફરજિયાત છે. એક કાચા મકાનની ગુણવત્તા સુધારણા (અપગ્રેડેશન) અંગે જરૂરિયાત મુજબ રૂ. 12,500 ની મર્યાદામાં લાભ મળી શકે છે.
યોજના હેઠળ આવાસ કેટલા વિસ્તારમાં બાંધવાનું હોય છે ?
20 ચો.મી. પ્લીન્થ એરિયા ધરાવતું આવાસ બાંધવાનું રહે છે.
આવાસ લાભાર્થી ક્યાં ક્યાં બાંધી શકે ?
સરકારે ફાળવેલ ઘરથાળનો પ્લોટ અથવા માલિકીના ખેતર કે પ્લોટ ઉપર પાકું મકાન બાંધી શકે છે.
આવાસમાં કઇ કઇ સવલત બનાવવી ફરજીયાત છે ?
આવાસમાં શૌચાલય અને નિર્ધૂમ ચૂલા બનાવવા ફરજીયાત છે.
આવાસ કેવા પ્રકારનું બાંધવાનું હોય છે ?
લાભાર્થીઓ જે તે વિસ્તારની આબોહવા, ભૌગોલિક પરિસ્થિતિ અને સ્થાનિક લોકોની રૂચિ અન્વયે આવાસ બાંધી શકે છે.
આવાસનું કામ કોના દ્રારા કરવાનું રહે છે ?
આવાસ લાભાર્થી દ્રારા બાંધવાનું છે, તેમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ છે.
આવાસ કોના નામે ફાળવવાનું હોય છે ?
આવાસ મહિલાના નામે આપવાનું છે. જો શક્ય ન હોય તો સંયુક્ત નામે આપવાનું રહે છે અને એ રીતે સનદ સંયુક્ત રાખવાની રહે છે.
આ યોજનામાં આવાસમાં કેટલી લોન/સબસિડી આપવામાં આવે છે ?
આ યોજનામાં રૂ. 36,000/-ની મહત્તમ મર્યાદામાં સહાય આપવામાં આવે છે, તેમજ મકાનની કક્ષા ઉંચી લાવવા સારૂ મહત્તમ રૂ. 12,500/-સહાય આપવામાં આવે છે.
આ યોજનામાં અનુસૂચિત જાતિ/જનજાતિ માટે કોઈ વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે ?
આ યોજનામાં 60% મકાનો અનુ.જાતિ અને જનજાતિના ગ્રામીણ ગરીબોને ફાળવવામાં આવે છે.
ઉદ્દેશ
ગરીબી રેખા હેઠળ જીવતાં કુટુંબોને ઇંન્દિરા આવાસનો અગાઉ લાભ મળેલ હોય અને પાંચ વર્ષ ઉપરના મકાનોને મરામત કરવા માટે સહાય.
નાણાંકીય સહાય
રૂ।.12,500/- સુધી મકાનદીઠ (કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય)
લાયકાત
બીપીએલ કુટુંબનાલાભાર્થી અને પાંચ વર્ષથી વધુ જુનુ મકાન હોવું જોઈએ.
સમય મર્યાદા
યોજનાનો સમય જે તે નાણાંકીય વર્ષ માટે અમલમાં છે.
સ્ત્રોત: નિર્મળ ગુજરાત, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી