অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મહિલાઓ માટે મજબૂત પગલાં લેવા પડશે

મહિલાઓ માટે મજબૂત પગલાં લેવા પડશે

સરકારોએ મહિલાઓના પક્ષમાં કેટલાક મોટા નિયમબધ્ધ પગલાં લેવા પડશે. જેના ઓછામાં ઓછા સંકેત પણ આપણને કેન્દ્રના બજેટમાં પ્રાપ્ત થયા નથી. નીતિ-નિર્માતાઓએ મહિલા ખરડા વિષે નિષ્ક્રિયતા ચાલુ રાખીને મહિલાઓ પાસેથી દેશના વિકાસના નેતૃત્વની વાત કે છે, તે વિશ્ર્વાસપ્રેરક નથી આજે મહિલાઓને જેટલી યોજનાની જરૂર છે તેના કરતાં વધુ જરૂર સુરક્ષાની છે. આ સુરક્ષા માત્ર સીસી કેમેરા, મહિલા પોલીસ મથક, મહિલા હેલ્પલાઈન વડે થઈ શકે નહીં.
મહિલા દિવસ 2016 માટે સંયુકત રાષ્ટ્રએ છેલ્લા 10 વર્ષથી 10 પગલાં આગળ વધતું સૂત્ર આપ્યું છે. વર્ષ 2015માં વાત થતી હતી ‘મહિલા સશકિતકરણ, માનવતાનું સશકિતકરણ છે.’ આજનું સૂત્ર છે ‘પ્લેનેટ 50-50 બાય 20130, સ્ટેપ ઈટ અપ ફોર જેન્ડર ઈમ્વેલીટી’ મતલબ કે મહિલાઓને દરેક ક્ષેત્રમાં સરખો હક મળે. તેમણે મહિલા હોવાના કારણે કોઈ પણ પ્રકારનો ભેદભાવનો સામનો કરવો ન પડે.
આજથી 14 વર્ષ પછીની કલ્પના કરીએ તો શું આપણે મહિલાઓને પુરુષોની સમકક્ષ, મશીનો તથા પ્રયોગશાળામાં કાર્ય કરતાં જોઈ શકીશું? શું પુરુષોની માફક મહિલાઓ રાત્રી વેળા નિર્ભય રીતે હરીફરી શકશે? શું લોકો કહેશે કે સ્ત્રીઓ પર હવે દુષ્કર્મ તથા દુષ્કર્મ તથા ઘરેલું હિંસા નહીં થાય. જ્યાં સુધી આ મુદ્દે પુરુષશેની માનસિકતામાં બદલાવ નહીં આવે તો ત્યાં સુધી આ વાત અશકય છે.
આ પ્રક્રિયા એક આંદોલનનું સ્વરૂપ લે તો આ દુનિયા મહિલાઓ માટે નહીં પુરુષો માટે પણ સારી બની જશે. અમેરિકાનો ગ્રેમી એવોર્ડ વિજેતા ગાયક જોન લિજેડે ઓહોયો રેપ ટ્રાયલ પછી કહ્યું કે, દરેક પુરુષે સ્ત્રીવાદી થવું જોઈએ;. આપણાં દેશમાં તેજાબ હુમલાનો શિકાર બનેલ લક્ષ્મીના સાથી (જે પરંપરાગત લગ્નમાં વિશ્ર્વાસ કરતા નથી) આલોક દિક્ષિતે કહ્યું કે, હા મારે લક્ષ્મી સાથે પ્રેમ તયો હતો. મને તેની બહાદુરી ગમી હતી હુમલા પછી પણ તે ઘરની ચાર દિવાલમાં રહી નથી. તેણે વિશ્ર્વનો સામનો કર્યો છે.
આલોગની આ વાતે લાખો યુવાનોને સંદેશો આપ્યો છે કે, બાહ્ય સૌદર્ય કરતાં મહત્વનું છે વ્યકિતત્વ. આ વાકયએ ઘણી મહિલાઓનું મનોબળ વધાર્યું હતું. જ્યારે ગુના બ્યુરોના આંકડા જણાવે છે કેે, દિલ્હી ભારતની દુષ્કર્મ નગરી છે. દર બે મિનીટમાં કોઈ મહિલા પર અત્યાચાર દર 10 મીનીટમાં એક ગૃહિણી પતિની ક્રૂરતાનો શિકાર બને છે. અને દર ત્રણ મીનિટમાં એક મહિલા દુષ્કર્મનો ભોગ બને છે.
આશાના કિરણો દેખાઈ રહ્યા છે જ્યારે મુંબઈમાં કીનન અને રૂબેને પેાતાના મિત્રને અસ્ત્રાધારી અસામાજીક તત્વોથી બચાવવા પોતાનો જીવ ગુમાવ્યો હતો. પંજાબના ઝબ્બારગામમાં દલિત આાંદોલક બંતસિંહે વર્ષ 2000માં સવર્ણોના અસામાજીક તત્વો દ્વારા પોતાની સગીર પુત્રી પર થયેલા સામુહિક બળાત્કાર મુદ્દે ગામની સવર્ણ પંચાયત દ્વારા બાળવાનો કેસ નોંધાવી સજા અપાઈ હતી. પરંતુ છ વર્ષ પછી તેમના પર હિંસક હુમલો થતા એક પગ કાપવો પડ્યો હતો. બંનસિંહ આજે પણ ગરીબો, દલિતોની આઝાદી માટે જનઆંદોલનમાં જાય છે.
આંકડા દર્શાવે છે કે, જાતિ અસમાનતાના મામલામાં ભારતે પોતાની સ્થિતિમાં ઘણો સુધારો કર્યો છે. તે 145 દેશોમાં ગત વર્ષ 114માં સ્થાને હતું. હવે તે 108માં સ્થાને આવી ગયું છે. પરંતુ આ વાસ્તવિક સ્થિતિ બદલાવવાના કારણે નહીં. પરંતુ મંત્રી મંડળમાં મહિલાઓની વધુ ભાગીદારીને લઈ શકય બન્યું છે. ખેતી યોગ્ય જમીનના માલિકી હકનો જ્યાં સુધી પ્રશ્ર્ન છે, મહિલાઓનું પ્રમાણ આજે પણ 11 ટકા છે. વર્ષ 2005થી મહિલાઓને સંપત્તિમાં બરાબર હક મળી રહ્યો છે. 15થી 64 વર્ષની મહિલાઓની સંખ્યા દેશમાં ચાર અબજથી વધુ છે. તેમાંથી માત્ર 30 લાખ પાસે ઉદ્યોગ છે અને તે પણ છે માત્ર નામનો. મતલબ કે 10 લાખથી ઓછું કમાવવા વાળો ઉદ્યોગ. આ અસમાનતા શા માટે? માત્ર 31 ટકા મહિલાઓને શિક્ષિત બનાવવામાં આવી છે અને ઉદ્યોગના બોર્ડમાં મહિલાઓની ટકાવારી આઠ ટકા સુધી પહોંચી શકી નથી. જ્યારે મહિલા સીઈઓની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે.
પરંતુ શ્રમશકિતમાં મહિલાની ભાગીદારીમાં મોટો ઘટાડો થયો છે. 1991માં આશરે 34 ટકાથી વર્ષ 2012માં 27 ટકા સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલાઓની સફળ ભાગીદારી રહી છે. એટલું જ નહીં વિદ્યાર્થિનીઓ ધો.10 અને 12ની પરિક્ષામાં વિદ્યાર્થીઓને પાછળ ધકેલતી હોય ચે. એન્જીનિયરિંગ તથા રમત-ગમતમાં તેમની ભાગીદારી વધી રહી છે. આ વિસંગતતાઓ છે આથી આ વાત માનવી જોઈએ કે જ્યાં અવરોધ છે તેને દૂર કરવો પડશે.
જે-તે સરકારે મહિલાઓના હિતમાં નક્કર પગલાં લેવા પડશે. જેનો સંકેત આપણને બજેટમાં મળ્યો નથી. સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 0.05 ટકા છે એક મોટો સંકેત છે કે, મહિલાઓના હિતમાં નીતિ લાવવામાં આવે તથા તેને યુધ્ધના સ્તરે લાગુ કરાય તો આ સ્થિતિમાં સુધારો આવશે. આ વાતને સમજ્યાની જરૂર છે. દા.ત. પાંચ વર્ષનું લક્ષ્યાંક રાખી મહિલાઓને 75 ટકા શિક્ષિત બનાવવામાં આવે, તેમને શ્રમશકિતમાં 50 ટકા ભાગીદારી આપવી.
વિદ્યાર્થિનીઓનો માધ્યમિક સ્તરે શાળા છોડવાનું પ્રમાણ ઘટાડી શૂન્ય પર લઈ જવું.
પુરુષ-સ્ત્રીઓનું પ્રમાણ 990-1000 સુધી લઈ જવું, બધી મહિલાઓને સસ્તી અથવા નિ:શુલ્ક સ્વાસ્થ્ય સેવા આપવી. આ બાબતોને તે દૃષ્ટિકોણથી પરિણામ સુધી લઈ જઈ શકાય. જ્યારે જાતિના આધારે બજેટને જોવામાં આવે. મહિલાઓને આજે જેટલી જરૂર યોજનાની છે, તેનાથી વધુ જરૂર સુરક્ષાની છે. આ સુરક્ષા માત્ર સીસી કેમેરા, મહિલા પોલીસ મથક, મહિલા હેલ્પલાઈન વગેરેથી આવી શકે નહીં. જ્યાં સુધી મહિલાઓના પોતાના પ્રયાસોની વાત છે તે જોખમ મેળવી આગળ વધી રહી છે. તેમનો ઉત્સાહ દર્શાવે છે કે, તેવો જૂના રીત રિવાજો તોડવા તત્પર છે.

વિશ્વના સર્જન પછી ઇશ્વરને વિચાર આવ્યો હશે કે, દુનિયાને હજી વધારે સંદર બનાવવી છે, એટલે જ તેમણે માનવનું સર્જન કર્યું. તેમણે માનવને બે રૂપ આપ્યાં: એક પુરૂષ અને બીજું સ્ત્રી. આ બંને એકબીજાના પૂરક છે; પરંતુ સ્ત્રી વગર દુનિયાનું કોઇ અસ્તિત્વ નથી. ઇશ્વરે સ્ત્રીની એવી શારિરીક રચના કરી કે સંસારમાં ભવિષ્યની પોતે રચયિતા બની ગઇ. યુગોથી જે કોઇ પુરૂષ મહાન બન્યા એની પાછળ એક સ્ત્રીનો એટલે કે મા, બહેન કે પત્નીનો હાથ અવશ્ય રહ્યો છે. માટે કહી શકાય કે યુગ ભલે ગમે તે હોય પણ સંસારની ભલાઇ સ્ત્રીના વિકાસમાં જ રહેલી છે.

સ્ત્રી ઉત્કર્ષ એટલે સ્ત્રીના સ્વતંત્ર વ્યક્તિત્વનો વિકાસ. સ્ત્રી એક સ્વતંત્ર વ્યક્તિત્વ વિકાસ સાથે પોતાની સામે પડેલી પરિસ્થિતિ, વાસ્તવિકતા કે વ્યવહારને સમજવાની સ્વતંત્ર શક્તિ ધરાવે અને એના સંદર્ભમાં પરિસ્થિતિનો મુકાબલો કરવાની, એને વળતો પડકાર આપવાવની, નિર્ણય લેવાની, પરિસ્થિતિ ઉપર ઉઠવાની – ટકી રહેવાની અને ધીરે-ધીરે પણ ચોક્કસ રીતે પ્રગતિ પામવાની સમજણ કેટલા પ્રમાણમાં ધરાવે છે એના ઉપર સ્ત્રી ઉત્કર્ષનું સ્વરૂપ આધરિત રહે છે.         પુરૂષના સ્ત્રી પ્રત્યેના વલણમાં અને સ્ત્રીના પુરૂષ પરત્વેના વલણમાં સ્વસ્થતા, સમતુલન, તટસ્થતા, માનવતા આવે તો સ્ત્રી-પુરૂષ બંનેનો વિકાસ થતાં માનવ સમાજનો માનવીય વિકાસ શક્ય બને. સ્ત્રી-પુરૂષમાં સહજીવનની સાચી સમજણ ઉભી થાય તો માનવ વિકાસનો મર્ગ અવશ્ય ખુલ્લો થાય. આ સમજણના સંદર્ભમાં ગુજરાતના ઇતિહાસમાં સ્ત્રી ઉત્કર્ષનો વિચાર અને પ્રવૃત્તિ કેવી રીતે થઇ છે તેનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

ભારતીય સંસ્કૃતિ પાસે પોતાનો સ્ત્રી ઉત્કર્ષની સમજણનો સંસ્કાર ન હતો એમ કહી શકાય નહીં. આ સંસ્કૃતિમાં સ્ત્રી ઉત્કર્ષની પોતાની સમજણ હતી. સલામતીના વિચારને વળગી રહી સ્ત્રી ઉત્કર્ષને સિધ્ધ કરવાનું વૈચારિક સામર્થ્ય આ સંસ્કૃતિએ કેટલેક અંશે બનાવ્યું છે.

વેદકાલીન સ્ત્રીનું સ્થાન સ્ત્રી ઉત્કર્ષનું સૂચક જણાય છે. વેદોમાં સ્ત્રીના શિક્ષણ, ચારિત્ર્ય, ગુણ, કર્તવ્ય અને અધિકારોનું વિશાળ વર્ણન કરેલું છે. આ પ્રકારનું વર્ણન સંભવત: જગતના કોઇ ધર્મગ્રંથમાં મળતું નથી. ચારેય વેદોમાં નારી વિષયક સેંકડો મંત્રો આપવામાં આવ્યા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે વૈદિક કાળમાં સમાજમાં નારીનું વિશિષ્ટ સ્થાન હતું. વૈદિક સાહિત્યના અભ્યાસથી જાણી શકાય છે કે ભારત વર્ષના સમાજમાં સ્ત્રીઓને ખૂબ જ ગૌરવવંતુ સ્થાન મળેલું છે. સ્ત્રીઓના શિક્ષણ માટેની ઉત્તમ વ્યવસ્થા હતી. સ્ત્રીઓ રાજનીતિક, સામાજિક અને વહીવટી કાર્યોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હતી.

બ્રાહ્મણ ગ્રંથોમાં પણ નારીને ગૌરવપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે, “જ્યાં નારીનું પૂજન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે. જ્યાં તેનો આદર નથી થતો અથવા તેનું અપમાન થાય છે, ત્યાં બધાં જ ધર્મ-કર્મ નિષ્ફળ જાય છે.”

તેમણે બીજું પણ કહ્યું છે કે, “જે પોતાના કુટુંબ કબીલાનું કલ્યાણ ઇચ્છતો હોય તેઓએ હંમેશા સ્ત્રીઓનું સન્માન કરવું જોઇએ.”

વૈદિક કાળમાં ભારતીય નારીને પુરૂષોની જેમ જ શિક્ષણ પ્રાપ્તિનો અધિકાર હતો. જેમ કે સૂર્યા, સાવિત્રી, ઘોષા, ઇંદ્રાણી, અદિતિ, અપાલા, આત્રેયી જેવી સ્ત્રીઓએ શિક્ષણ મેળવીને ઋગ્વેદ અને અથર્વવેદમાં ૪૩૨ જેટલા વેદમંત્રોની રચના કરી છે.

મૌર્યકાળમાં ચાણક્ય જેવા મહાન અર્થશાસ્ત્રીએ સ્ત્રીઓની દશા સુધારવા માટે કેટલાંક પ્રયત્નો કર્યા હતાં. દાસ-દાસી પ્રથાને નાબૂદ કરવાનું કાર્ય ચાણક્ય એ જ કર્યું હતું.

મધ્યકાલીન યુગ સ્ત્રી માટે અંધકાર યુગ બન્યો અને સ્ત્રીઓને વિવિધ દંડકથી વંચિત રાખવામાં આવી. એનું સ્થાન નિમ્ન થતું ગયું. દંડકો અને અધિકારો છીનવાતા ગયા.

અંગ્રેજોના આગમન પૂર્વે સ્ત્રીઓની સ્થિતિ દેવી તરીકેની અથવા ગુલામ તરીકેની હતી. તેમને પણ માનવી તરીકેનું આગવું વ્યક્તિત્વ હોય છે. તેનો વસ્વીકાર કરવામાં આવ્યો ન હતો. સ્ત્રીઓના સ્વતંત્ર માનવ વ્યક્તિત્વ પરત્વે ભારતીય સમાજમાં જાગૃતિ ન હતી, પરંતુ બ્રિટિશ શાસન સાથે આધુનિક વિચારસરણીનો, આધુનિક વહીવટ, મુદ્રણાલય, રેલ્વે, તાર, ટપાલ વગેરે આવ્યાં. ભારતીય સમાજમાં પરંપરા તરફથી આધુનિકતા તરફ ગતિ કરવાનાં વલણો જણાવા લાગ્યાં. આધુનિક હિંદની સામાજિક, ધાર્મિક સુધારક ચળવળોની ગતિવિધિ જોઇએ તો પણ દેખાય છે કે બ્રહ્મોસમાજ અને પ્રાર્થનાસમાજ મુખ્યત્વે પાશ્ચાત્વ ઢબની ચળવળો હતી. જ્યારે આર્યસમાજ, રામકૃષ્ણમિશન અને થિયોસોફિકલ સોસાયટી મુખ્યત્વે પુનરુત્થાનવાદી ચળવળો હતી. આમ આધુનિકતા અને પરંપરાના અવઢવમાં સુધારક વિચારસરણીઓ ઘડાતી જતી હતી. આ વિચારસરણીઓ સ્ત્રી ઉત્કર્ષના વિચારને પણ ઉપસાવતી જતી હતી.

ગુજરાતમાં સહજાનંદ સ્વામીએ દૂધપીતીનો રિવાજ અને સતીપ્રથા નાબૂદીના પ્રયત્નો કર્યા હતા. તેમણે સ્ત્રીઓને માનભર્યું સ્થાન આપ્યું હતું. વડોદરાના મહારાજા સયાજીરાવે પોતાની પત્નીને પડદાપ્રથા સમાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આવી રીતે આ રાજ્ય ભારતનું પ્રથમ રાજ્ય બન્યું. જ્યાં રાજમહેલોમાં સ્ત્રીઓના પડદા હટાવી લેવામાં આવ્યા. અહીં સ્ત્રી શિક્ષણ ઉપર ભાર દેવાની શરૂઆત થઇ.કારણ કે સ્ત્રીઓ જ સામાજિક જીવનનું સંચાલન કરતી હતી. અહીંની કેટલીક સ્ત્રીઓ લાકડી અને લેઝીમ ચલાવતાં પણ શીખી હતી.

ગુજરાતમાં અઢારમી-ઓગણીસમી સદી દરમિયાન સમાજ અજ્ઞાન બાળલગ્નો, દહેજપ્રથા વગેરે અનેક દૂષણોથી ઘેરાયેલો હતો. આ સમયે ગુજરાતમાં પશ્ચિમી કેળવણીનો પ્રારંભ થતાં આ દૂષણોને દૂર કરવા અનેક સમાજ સુધારકો આગળ આવ્યા. એના પરિણામે ગુજરાતમાં સ્ત્રી કેળવણીનો પ્રારંભ થયો. ગુજરાતમાં સ્ત્રીઓ માટે શાળાઓ સ્થાપવાનો સૌપ્રથમ પ્રયત્ન ઇ.સ. ૧૮૪૯ માં અમદાવાદમાં શેઠ હઠીસીંગ કેસરીસીંગના કુટુંબની નાણાંકીય મદદથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ કર્યો હતો. શરૂઆતમાં માત્ર એક જ છોકરી નિશાળે આવતી, પરંતુ વર્ષ પૂરૂં થતાં સુધીમાં તેઓની સંખ્યા પાંચની થઇ હતી. આ સમયે કરુણાશંકર દયાશંકર નામે શાળા શિક્ષક એક ખાનગી નિશાળ ચલાવતા હતા. જ્યાં ૪૭ છોકરાઓ સાથે એક છોકરી પણ ભણતી હતી. ઇ.સ. ૧૮૫૦ માં મગનભાઇ કરમચંદની નાણાંકીય મદદથી બે કન્યાશાળાઓ શરૂ કરવામાં આવી.

૧૯મી સદીના ઉત્તરાર્ધમાં પ્રાથમિક શાળાઓ માટે સ્ત્રી શિક્ષકોને તાલીમ આપવાનો પ્રયત્ન થયો હતો. આ માટે અમદાવાદમાં ઇ.સ. ૧૮૭૧ માં એક કોલેજ સ્થાપવામાં આવી હતી. આ સંસ્થાને નાણાંકીય મદદ બેચરદાસ લશ્કરીએ કરી હતી. આગળ જતાં મિશનરીઓ તરફથી છ કન્યાશાળાઓ ખોલવામાં આવી હતી. જેમાંની એક મુસલમાન છોકરીઓ માટેની ઉર્દૂ કન્યાશાળા હતી. ઇ.સ. ૧૮૭૭ માં અન્જુમને ઇસ્લામે મુસલમાન કન્યાઓ માટે નિશાળ શરૂ કરી હતી. ઇ.સ. ૧૮૯૨ માં રા.બ.રણછોડલાલે ખાડિયામાં કન્યાશાળા સ્થાપી હતી. ઇ.સ. ૧૮૯૫ માં જૈન કન્યાઓ માટે ફતાસાની પોળમાં એક કન્યાશાળા ખોલવામાં આવી હતી.

શાળાઓ શરૂ કરવા સાથે અને સ્ત્રીઓ માટે યોગ્ય પ્રકારની કેળવણીનો વિચાર કરવા સાથે જ આ સમયગાળામાં સામાન્ય શૈક્ષણિક અને અન્ય બૌધ્ધિક પ્રવૃત્તિઓમાં રસ પેદા કરવા ખાસ પ્રયત્નો થયા હતા. આ સંદર્ભમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ભજવેલો ભાગ ખાસ નોંધવા લાયક છે. તેણે પુખ્ત ઉંમરની સ્ત્રીઓ માટે ચર્ચાઓ અને વ્યાખ્યાનો યોજ્યાં અને સ્ત્રીઓમાં વૈજ્ઞાનિક જ્ઞાન વધે તેવા પુસ્તકો પ્રકાશિત કર્યા. આ સમયે નર્મદ, દલપતરામ, નવલરામ, કરશનદાસ મૂળજી જેવા સામાજિક વિચારકોએ કેળવણી માટે જોરદાર વકીલાત કરી હતી.

આ સમયે ઘણા લોકો કન્યાને લગ્નવય થતાં લગી ચાર પાંચ ધોરણ સુધી ભણાવતા હતા. પણ નાની વયમાં થતાં લગ્નોને કારણે કન્યાઓનું શિક્ષણ અધકચરૂં રહેતું. શ્રી લાભશંકર ઉમિયાશંકરે સ્ત્રી કેળવણીના વિકાસ માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. ઇ.સ. ૧૯૦૧ માં વિદ્યાગૌરી નિલકંઠ અને શારદાબેન મહેતા ગુજરાતમાં ગ્રેજ્યુએટ થનાર પ્રથમ સન્નારીઓ હતાં. લગ્ન પછી પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો હતો. જેને લીધે ઉચ્ચ વર્ગની સ્ત્રીઓમાં શિક્ષણની મહત્વાકાંક્ષા જાગી હતી. આમ છતાં ઓગણીસમી સદી દરમિયાન ગુજરાતમાં સ્ત્રી કેળવણીનો વ્યાપ જોઇએ તેટલા પ્રમાણમાં વિસ્તર્યો ન હતો.

આ સમયનું સ્ત્રીજીવન ધાર્મિક અને અનેક પ્રકારની પ્રણાલિગત રૂઢિઓથી ઘેરાયેલું હતું. અનેક સ્ત્રીઓ જ્ઞાતિની મર્યાદાઓમાં રહી જીવન વિતાવતી હતી. જ્ઞાતિની મર્યાદામાં માનનારને અનેક રીતે સહન કરવું પડતું. વડીલ વર્ગના શાસનને આધિન રહેવું પડતું. સંસારની કઠીનતાઓથી તેઓ ટેવાઇ ગયેલાં હોઇ એમને જ્ઞાતિનાં બંધનો સામે બળવો કરવાની તો કલ્પના પણ આવતી ન હતી. સ્ત્રીઓ પડ્યું પાનું નિભાવી લેવાની વૃત્તિવાળી હતી. ઇશ્વર ઉપર શ્રધ્ધા રાખી તેઓ પોતાનું જીવન વ્યતીત કરતી હતી.

જેમ જેમ સમાજમાં કેળવણીનો પ્રચાર વધતો ગયો તેમ તેમ સુશિક્ષિત યુવકો ભણેલી અને સંસ્કારી કન્યાઓને પસંદગી કરતા થયા. આને લીધે ઉચ્ચ કોમોમાં સ્ત્રી કેળવણીને વિશેષ ઉત્તેજન મળ્યું. એની અસર અન્ય અભણ અને પછાત વર્ગની જ્ઞાતિઓ ઉપર ધીમે ધીમે વધવા લાગી. આના પરિણામે સમાજમાં બાળલગ્નોનું પ્રમાણ ઘટવા લાગ્યું.

સ્ત્રીઓમાં શિક્ષણનો ફેલાવો વધતાં સ્ત્રીઓ જાતે જ પોતાની સ્થિતિ, પોતાના હક્કો, વિશેષાધિકારો અને સમાજમાં પોતાના સ્થાન પરત્વે સભાન બની. સામાજિક પરિષદોમાં સ્ત્રીઓએ સક્રિય ભાગ લેવાની પણ શરૂઆત કરી.

ગુજરાતમાં સમાજ સુધારકોએ પણ સ્ત્રી ઉત્કર્ષના વિચારને ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે. સમાજ સુધારક કરશનદાસ મૂળજીએ ૧૮૫૮ માં જણાવ્યું હતું કે, “સ્ત્રીના હક્ક અને સ્થાન છીનવાઇ ગયાં છે.” તે જ રીતે નર્મદે ૧૮૬૫ માં જણાવ્યું હતું કે, “સ્ત્રી ધણીની ગુલામ નથી તે પણ માણસજાત છે. જેવો પુરૂષ તેવી સ્ત્રી, એકને બીજા વિના ચાલતું નથી.” આમ, વૈચારિક સ્તરે ગુજરાતના સુધારકો સ્ત્રી-પુરૂષની સમાનતાનો વિચાર કરતા થયા હતા. સ્ત્રીનું સ્વતંત્ર વ્યક્તિત્વ વિકસવું જોઇએ એવું સમજતા થયા હતા. જો કે, આ વૈચારિક પરિવર્તન વાસ્તવિક વ્યવહારમાં પરિવર્તન લાવવા ઘણો સમય માંગી લે છે.

સ્ત્રી ઉત્કર્ષના વિચારનો પ્રચાર અને પ્રસાર કરવામાં ૧૮૫૪થી શરૂ થયેલા સામયિક “બુધ્ધિપ્રકાશ” એ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ માસિકના એજન્ટો સુરત, ભરૂચ, જૂનાગઢ, ધંધુકા, ખેડા, રાજકોટમાં હતા. આ કામગીરી મુખ્યત્વે શાળાના શિક્ષકોને સોંપવામાં આવી હતી.

ગાંધીજીની સત્યાગ્રહ ચળવળોએ પણ બહેનોને મોટી સંખ્યામાં સક્રિય બનાવી હતી, ઇ.સ. ૧૯૧૭–૧૮નો ખેડા સત્યાગ્રહ, ઇ.સ. ૧૯૩૦ના ધરાસણા સત્યાગ્રહ અને અન્ય સત્યાગ્રહોમાં બહેનોનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. અસહકાર, સવિનય કાનૂન ભંગ કે ૧૯૪૨ની ચળવળોમાં પણ બહેનો સક્રિય હતી.

 

૧૯૧૫ થી ૧૯૪૭નો સમયગાળો વિવિધ સત્યાગ્રહ ચળવળો અને પ્રવૃત્તિઓથી ધમધમતો રહ્યો હતો અને બહેનો ઘરની ચાર દિવાલોમાંથી બહાર નીકળી બહુ મોટી સંખ્યામાં ભાગ લેતી થઇ હતી. એટલે કે, રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમનું પ્રદાન નોંધનીય રહ્યું હતું.

શરૂઆતમાં સ્ત્રી ઉત્કર્ષની પ્રવૃત્તિઓ મહ્દઅંશે ઉપલી જ્ઞાતિઓ પૂરતી મર્યાદિત રહી હતી. આ સાથે એ પણ નોંધવું ઘટે કે ગાંધીયુગ દરમ્યાન અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી આ પ્રવૃત્તિઓનો વ્યાપ બહુજનસમાજ અને વિવિધ કચડાયેલી, દબાયેલી શ્રમિક આદિવાસી સ્ત્રીઓ સુધી પહોંચાડવાના પ્રયત્નો થયા છે.

ભારતના બંધારણ દ્વારા સ્ત્રીને કાનૂની દ્રષ્ટિએ લગભગ પુરૂષ જેટલા હક્ક મળ્યા. આથી સ્ત્રીના દરજ્જામાં મહત્વનો ફેરફાર આવ્યો.

ગુજરાતમાં સ્ત્રી સંગઠનો દ્વારા સ્ત્રી વિકાસના પ્રયત્નો:

સ્વૈચ્છિક મંડળો સુસંસ્કૃત સમાજનો પાયો અને મોભ છે. સુસંસ્કૃત સમાજ જેટલો મજબૂત અને કાર્યશીલ તેટલું જ રાજ્યનું જોહુકમીપણું અને સર્વવ્યાપકતા ઓછી. આવા સમાજમાં સામાન્ય જન અને સામૂહિક હિત સમાજ અને રાજ્યની વ્યવસ્થામાં કેન્દ્રસ્થાને રહે છે. સ્વૈચ્છિક મંડળો આવા સુસંસ્કૃત સમાજની રચનામાં મહત્વનો ભાગ ભજવે છે.

વર્તમાન સમાજમાં સ્ત્રીઓના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે તેમજ સ્ત્રીઓના સ્થાન સુધારણા માટે કેટલીક સંસ્થાઓ મહત્વની રહી છે. જેમાં બિનસરકારી મહિલા સંસ્થાઓ ‘જ્યોતિસંઘ’, ‘સેવા’, ‘અવાજ’, ‘ચેતના’ અને ‘અમવા’ જેવી સંસ્થાઓએ મહિલા જીવનની વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે કામ કર્યું છે. આ સંસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમના જીવનના દરેક પાસાનો વિકાસ થાય અને યોગ્ય તક ઉપલબ્ધ કરાવવી અને તેમને માનભેર જીવન જીવવા માટે પ્રેરણા આપવાનો છે.

(૧) જ્યોતિસંઘ:

સ્વાતંત્ર્યની લડત સમયે શ્રી મૃદુલાબેન સારાભાઇના પ્રયત્નોથી ઇ.સ. ૧૯૩૪ માં ૨૪મી એપ્રિલે ગાંધીજીના આશિર્વાદથી આ સંસ્થાની સ્થાપના થઇ હતી. આ સંસ્થા સામાજિક પરંપરાને સ્ત્રીના વિકાસમાં અવરોધ માને છે. એટલે જ જ્યોતિસંઘ રૂઠિચુસ્ત સમાજની પરંપરાઓમાંથી સ્ત્રીઓને સ્વતંત્રતા અપાવવા કામ કરે છે. સામાજિક ક્ષેત્રે પરિવાર અને અસામાજિક તત્વોથી પીડીત અને દુ:ખી સ્ત્રીઓને મદદ કરવાનું કામ જ્યોતિસંઘ દ્વારા થયું છે. જ્યોતિસંઘ સ્ત્રીઓને સામાજિક ક્ષેત્રે પુરૂષો સમાન દરજ્જો અપાવવા મદદ કરે છે. જ્યોતિસંઘ વિધવા, ત્યક્તા, કુંવારી માતા, બળાત્કારથી પીડિત સ્ત્રીઓને નૈતિક અને સામાજિક સુરક્ષા આપવાનું કાર્ય કરે છે. આર્થિક આત્મનિર્ભરતા માટે સ્ત્રીઓ દ્વારા નાના-નાના ઉદ્યોગો (જેવા કે; કાપડ, મસાલા, નાસ્તા વગેરે બનાવવા) ચલાવવામાં આવે છે. પારિવારિક ઝઘડાઓ અને વિવાહિત જીવનમાં આવનારી સમસ્યાઓનું સમાધાન કરીને જ્યોતિસંઘ સ્ત્રીઓને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે.

(૨) સેવા:

વિશ્વની આ જાણીતી સ્વરોજગાર સ્ત્રી-સંસ્થા અમદાવાદમાં છે. ૧૯૭૨માં અસંગઠિત અથવા અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીઓને સંગઠિત કરવા આ સંસ્થાની સ્થાપના થઇ.

સેવા સંસ્થા સ્ત્રીઓના વિકાસમાં સૌથી મોટી અડચણ આર્થિક પરાવલંબન, ગરીબી અને શોષણને માને છે. માટે જ સેવા સંસ્થા સ્ત્રીઓને આર્થિક ક્ષેત્રે આત્મનિર્ભર બનાવીને વિકાસના માર્ગ પર અગ્રેસર કરે છે. સ્ત્રીઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને એટલા માટે સેવા સંસ્થાએ સ્વાશ્રયી વ્યવસાયો અપનાવ્યા છે. આ સંસ્થાએ સહકારી મંડળીઓ દ્વારા સ્થાનિક વ્યવસાયો તેમજ પરંપરાગત વ્યવસાયોનો વિકાસ કરીને સ્ત્રીઓના આજીવિકાના સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે. સેવા સંસ્થાએ ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક સમસ્યાઓને સ્ત્રીઓના સહયોગથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે, બનાસકાંઠા જિલ્લાના રાધનપુર અને સાંતલપુર ગામની સ્ત્રીઓને સ્થાનિક પરંપરાગત વ્યવસાયોની (જેવા કે; ભરત ગૂંથણ, ખેતીકામ વગેરે) તાલીમ આપીને તેમજ આ વ્યવસાયો સંબંધી સાધન ઉપલબ્ધ કરાવીને તેમને રોજી રોટી પૂરી પાડી છે. તેનાથી આ ગામોમાં દુષ્કાળના સમયે ઉભી થતી આજીવિકાની તંગી અને વિસ્થાપનની સમસ્યાને રોકવામાં મદદ કરી છે.

એ જ પ્રમાણે ગીરનાર વિસ્તારમાં કપાતા જંગલોને બચાવવા માટે તેમજ પર્યાવરણની સુરક્ષા માટે સ્ત્રીઓને વૃક્ષો વાવવા તેમજ લોખંડ અને સોપારીના કામ શીખવાડીને આજીવિકા મેળવવાના સાધનોથી પરિચિત કરાવી છે. સેવા બેન્કે સ્ત્રીઓને આર્થિક ધિરાણ સહાયતા, બચત અને જીવન વીમામાં  ભાગીદારીની તકો આપી છે. જેનાથી તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાનવવામાં મદદ મળી છે. અને આ આર્થિક આત્મનિર્ભરતાની અસર તેમના જીવનના બીજા પાસાઓ ઉપર પણ જોવા મળી છે. આવી સ્ત્રીઓ પારિવારિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે પુરૂષો સમાન ગૌરવ પ્રાપ્ત કરવામાં સફળ રહી છે.

(૩) અવાજ:

અવાજ સંસ્થા સ્ત્રીઓમાં પોતાના અધિકારો પ્રત્યે જાગૃતિના અભાવને સ્ત્રીઓના વિકાસમાં અવરોધ માને છે. એટલે જ અવાજ સંસ્થાએ સ્ત્રીઓની આર્થિક આત્મનિર્ભરતાની તુલનામાં સ્ત્રીઓમાં પોતાના અસ્તિત્વની ગરિમા અને અધિકારો પ્રત્યે જાગૃત નહીં થાય ત્યાં સુધી પુરૂષ પ્રધાન સમાજમાં તે શોષિત પીડિત અને દુ:ખી રહેશે. આ વિચારને લઇને અવાજ સંસ્થા સ્ત્રીઓને પોતાના અધિકાર પ્રત્યે જાગૃત કરવા માંગે છે. આ સંસ્થાનું માનવું છે કે જો સ્ત્રીઓને પારિવારિક અત્યાચારો અને સમાજના અસામાજિક તત્વોની હિંસાથી બચાવવી હશે તો લિંગભેદ પર આધારિત વ્યવસ્થાનો વિરોધ કરવો પડશે. સ્ત્રીઓને પણ પુરૂષો સમાન વ્યક્તિત્વ વિકાસના અધિકારો અને તકો મળવી જોઇએ. આ સંસ્થા સ્ત્રીઓમાં પોતાના અધિકારો પ્રત્યે ઉદાસીનતા અને અજ્ઞાનતાને દૂર કરવા માટે જાગૃતિ કેમ્પ આયોજિત કરે છે. લિંગ સમાનતા બાદ સ્ત્રીઓએ આર્થિક આત્મનિર્ભરતા તરફ અગ્રેસર થવું જોઇએ એવું આ સંસ્થાનું માનવું છે.

ચેતના: આ સંસ્થાની શરૂઆત ૧૯૮૦ માં ગ્રામ્ય સમાજમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અંગેના કાર્યક્રમોથી થઇ. આ સંસ્થા સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને પોષણના મુદ્દાઓ વિશે જાગૃતિ વધારવાનું કાર્ય કરે છે. આ માટે સરકારી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકર્તાઓની ક્ષમતાવૃધ્ધિની જરૂરિયાતોને આધારે તેના વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે.

અમવા:  આ સંસ્થાની સ્થાપના ઇ.સ. ૧૯૯૧માં કરવામાં આવી હતી. મુસ્લિમ સ્ત્રીઓનું સામાજિક સ્તર સુધરે, તેઓ આર્થિક સ્વતંત્રતા પણ હાંસલ કરે અને તેના પરિણામ સ્વરૂપે તંદુરસ્ત સામાજિક વ્યવસ્થા ઉભી થાય. આવા ઉમદા હેતુથી શિક્ષિત બહેનોનાં જૂથ દ્વારા આ સંસ્થાની સ્થાપના કરી હતી.

સ્ત્રી માર્ગદર્શન કેન્દ્ર, તાલીમ વર્ગો, સબસીડી સાથેની લોન સહાય અપાવવાની કામગીરી, સ્ત્રી જાગૃતિ શિબિરો, યુવતી વિકાસ કેન્દ્ર, કુદરતી આફતો કે કોમી તનાવમાં રાહત કામગીરી, મેરેજ બ્યુરો, અમવા જકાતફંડ દ્વારા સીધી મદદ, સ્ત્રી જાગૃતિકરણ કાર્યક્રમ, અમવા સહકારી ઉત્પાદક અને વેચાણ મંડળી, અમવા ઘોડીયાઘર, શીવણ, એમ્રોડરી, લેધર રેક્ઝીન આઇટમો, સિરામીક, મોતી ઝવેલરી, મહેંદી વગેરેની તાલીમ આ સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિઓ છે. આ સંસ્થા દ્વારા સરકારી યોજનાઓ અંતર્ગત સ્ટાઇપેન્ડ સાથે તાલીમ આપવામાં આવે છે. આ સંસ્થા માઇક્રોફાઇનાન્સના ક્ષેત્રે હવે લોકપ્રિય બનતી જાય છે.

આ સંસ્થાઓ ઉપરાંત કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ, પૂતળીબા ઉદ્યોગ મંદિર, ભાવનગર મહિલા મંડળ, બીજીરાજ બા અનાથ આશ્રમ, શિશુ મંડળ કાંતા સ્ત્રી વિકાસ ગૃહ, રમાબા સ્ત્રી વિકાસ ગૃહ, વિકાસ વિદ્યાલય વગેરે સ્ત્રી ઉત્કર્ષ માટેની મહત્વની કામગીરી કરે છે. આ સ્ત્રી સંસ્થાઓ સરકારી, અર્ધસરકારી અને ટ્રસ્ટ સંચાલિત કે સ્વૈચ્છિક સંસ્થા છે.

ગુજરાત સરકારે મહિલા અને બાળવિકાસ કમિશ્નરની પોલીટેકનીક અમદાવાદની કચેરી દ્વારા મહિલા અને બાળકોના વિકાસ માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ અને કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. સમગ્ર દેશમાં ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જેણે સૌપ્રથમ અલગ મહિલા અને બાળ વિભાગ જાન્યુ-૨૦૦૨ થી શરૂ કર્યો છે. આ વિભાગે અનેકવિધ નવીનતમ અને અસરકારક યોજનાઓ મહિલાઓના લાભાર્થે શરૂ કરેલ છે. જેવી કે મુખ્યમંત્રીની કન્યા કેળવણી યોજના, વિદ્યાલક્ષ્મી યોજના, વિદ્યાસહાયક યોજના, સર્વશિક્ષા અભિયાન, વૈકલ્પિક શૈક્ષણિક યોજના, વિધવા પેન્શનયોજના, બાલિકા સમૃધ્ધિ યોજનાનો સમાવેશ થાય છે.

સ્ત્રી હવે ‘અબળા નથી પણ સબળા છે.’ આ કથનને ચરિતાર્થ કરતાં-કરતાં સ્ત્રી પોતાના તનમનની સુંદરતાને જાળવી રાખીને આર્થિક ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહી છે. આજે મોટાભાગની સ્ત્રીઓ પગભર થઇ છે. એમાંથી કેટલીક સ્ત્રીઓ પાસે સરકારી નોકરી છે. કેટલીક પાસે પોતાના ઉદ્યોગ ધંધા છે, કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલી છે. તો કેટલીક વિવિધ સાંસ્કૃતિક ગતિવિધિઓમાં સંલગ્ન છે. ફેશન ડીઝાઇનીંગ, ગૃહસજાવટ, સૌંદર્ય વિશેષજ્ઞ વગેરે તરીકે પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીને આવનારી પેઢીઓ માટે નવો મર્ગ પ્રશસ્ત કરી રહી છે.

આજની સ્ત્રીઓ અત્યાધુનિક બનવાની ઘેલછામાં ફેશન-સિનેમા, હોટલ, ડાન્સ-ડિસ્કો ક્લબ તરફ આકર્ષિત થઇ રહી છે. જે તેની છબી ખરાબ કરવામાં અગત્યની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ બધી જ બાબતો પોતાની મર્યાદામાં સારી છે. પરંતુ જ્યારે સ્ત્રી પોતાની મર્યાદાઓને ઓળંગે છે ત્યારે ઘર, પરિવાર અને સમાજમાં તે નિમ્ન બની જાય છે અને પોતાના સ્ત્રીત્વને ઠેસ પહોંચાડીને પોતાની ગરીમાને નુકસાન કરે છે.

સ્ત્રીની સમસ્યાને લૈંગિક સમસ્યાતરીકે ન જોતાં માનવઅધિકારના સંદર્ભમાં જોવાનો દ્રષ્ટિકોણ કેળવવો જોઇએ. કારણ કે, સ્ત્રી અને પુરૂષ બન્ને સંસાર રથનાં બે પૈડાં છે.         આપણે સમાજ અને રાષ્ટ્રને બદલવા માંગીએ છીએ. સમાજની રોગિષ્ઠ પરંપરાઓ અને રાષ્ટ્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને તોડવા માંગીએ છીએ, આ કાર્ય માત્ર સ્ત્રી દ્વારા જ શક્ય છે. સ્ત્રી જાગૃત, ભણેલી અને સંસ્કારી હશે તો જ સમાજ બદલાશે ને રાષ્ટ્ર સજીવન બનશે. ત્યાગની સાક્ષાત મૂર્તિને પોતાના મૂળભૂત અધિકારો માટે લડત આપવી પડે. તે સમગ્ર પુરૂષ જાતિ માટે શરમની વાત છે. પુરૂષોએ પોતાના સ્વાર્થ માટે પણ સ્ત્રીઓને અધિકારો આપવા પડશે. સ્ત્રી વિકસિત નહિ બને તો પુરૂષો લકવાગ્રસ્ત બની જશે.

નારી સશક્તિકરણ એક એવો મુદ્દો જેના વિષે ઘણું લખાયું છે , ઘણું વંચાયું છે .. ચોરે ને ચૌટે એની ગમે ત્યારે ગમે તે ચર્ચાઓ કરાતી હોય છે .. પણ ખરેખર આપણા સમાજમાં સ્ત્રી સશક્તિકરણનો મુદ્દો આટલાથી ઉકેલાય જાય તેમ છે? .. છેલ્લા થોડા વર્ષોથી સમાજમાં સ્ત્રીઓની હાલત સુધરી છે . પણ સાથે સાથે ડોમેસ્ટિક વાયોલન્સના કિસ્સાઓ એટલા જ સામે આવે છે ... હવે સ્ત્રી એકલી બહાર નીકળી શકે છે .. પણ પુરુષોની નજર બદલાઈ હોય તેવું તો નથી થયું ... ઉલ્ટાનું સમાજમાં બળાત્કાર જેવા ધૃણિત અપરાધો વધી ગયા છે ... દિલ્લીના દામિની ગેંગ રેપ બાદ આખા દેશમાં આ મુદ્દે અવેરનેસ આવી ... પણ સાથે સાથે દરરોજ નવા નવા કેસ પણ 10 ગણી સંખ્યામાં સામે આવતા થયા છે ... ત્યારે એક સામાજિક કાર્યકર અને સ્ત્રી તરીકે વિચાર આવે કે, શું સ્ત્રી માત્ર રમકડું છે? .. સમાજ કેમ સ્ત્રી માટે એક જ રીતની નજર ધરાવે છે? .. કે સ્ત્રી પાસે થી પુરુષ કેમ બંધાઈ રહેવાની અપેક્ષા રાખે છે ...

આ બધા વિચારો આવતા જ મનમાં કંપારી છૂટે છે ... એક સ્ત્રી તરીકે આ સમાજને ધિક્કારવાની ઈચ્છા થઇ આવે છે ... પણ એમ નફરત કે ધિક્કારથી કોઈ ઇસ્યુનું સોલ્યુશન નથી આવતું એ પણ જાણું છું ... ખુબ મંથન કરું છું ... ત્યારે એક કમ્પેરીઝન અજાણતા મનમાં થઇ જાય છે ... આપણે ત્યાં નાનપણથી જ છોકરા અને છોકરીના ઉછેરમાં જ ભેદ કરતા હોઈએ છીએ ... સ્ત્રીઓ જ સ્ત્રીઓને નબળી બનાવવામાં મોટો ભાગ ભજવે છે .. " તું સ્ત્રી છો, તારે આમ જ રહેવું પડે, આમ જ કરવું પડે, સહન કરતા શિખ" જેવા વાક્યોએ જ સ્ત્રી ને બિચારી બનાવી છે ... પરંતુ એમ વિચારવા માટે આ સ્ત્રીને તેની આજુબાજુના પુરુષો જ મજબુર કરે છે. સાંભળીને શરીરમાં ધ્રુજારી અનુભવાય કે નાની નાની બાળાઓ સાથે શારીરિક અડપલા થાય છે ત્યારે આપણે કોને જવાબદાર ઠેરવવા? શુ આ સમાજમાં વસતા પુરુષોને? મને તો આ સ્ત્રી પુરુષ વચ્ચે નો ભેદ જ ક્યારેક તો આ તમામ સમસ્યાનું મૂળ લાગે છે .. કારણ કે જ્યાં સુધી સ્ત્રી માટે એક સારા અને સ્વચ્છ માહોલનું સર્જન ના કરવામાં આવે ત્યાં સુધી સમાજમાં સ્ત્રી સશક્તિકરણની ગમે તેટલી વાતો થાય તેનો કોઈ મતલબ નથી . જ્યાં સુધી છોકરો અને છોકરી આ વચ્ચેનો ભેદ નહિ બદલાય ત્યાં સુધી કોઈ બદલાવ નહિ આવે ... આપણી પેઢી તો હવે પૂરી થવા આવી ... પણ આપણે આપણી આગામી પેઢીનું ઘડતર એ રીતે કરીએ કે આગામી પેઢીમાં સ્ત્રી સશક્તિકરણ સાચા અર્થમાં થાય ... આ માટે કઈ વધારે કરવાની જરૂર નથી ... માત્ર પોતાના બાળકને સ્ત્રીનું સન્માન, ઈજ્જત અને સાથ આપતા શીખવવાનું છે ... જો આ પેઢીના બાળકોને નાનપણથી જ સ્ત્રીઓને ઈજ્જત અને સમાનતાથી જોતા શીખવવામાં આવશે તો જ ભારતમાં વર્ષો પહેલા જે નારી સ્વતંત્રતા હતી એ પછી ફરશે .....

ભારતમાં જે સ્ત્રીઓનું માન સન્માન પૌરાણિક કાળમાં હતું તેવું માન સન્માન પાછુ લાવવું હાલ તો અશક્ય લાગે છે ... પણ પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો લાવી શકાય .. તેના માટે સમાજે અને ખાસ કરીને સ્ત્રીઓએ જ કમર કસવી પડશે .. સ્ત્રીઓએ સ્ત્રી તરીકે પોતે પણ સશક્ત છે અને સ્ત્રી હોવું એ ગુનો નથી તે સમજવું પડશે ... તો સામેની તરફ આ કામ એકલી સ્ત્રીઓથી પણ નથી થવાનું ... પુરુષોએ પણ સાથ આપવો પડશે. સમજવું પડશે કે જ્યાં સુધી સ્પ્રિંગ દબાયેલી છે ત્યાં સુધી વાંધો નહિ આવે પણ એક વખત જો આ સ્પ્રિંગ છટકી તો પછી તે સમાજમાં વિનાશ પણ સર્જી શકે છે .. અપણા શાસ્ત્રોમાં સ્ત્રીને શક્તિનું રૂપ ગણાવ્યું છે . એ પ્રેમ કરે તો અન્નપુર્ણા અને નફરત કરે તો માં કાળી પણ બની શકે....

સમાજના વિકાસ માટે મહિલા અને પુરુષ બંને સંયુકત પ્રયત્નો કરે છે. માત્ર સમાજના વિકાસ માટે જ નહી પરંતુ રાજય અને રાષ્ટ્રના વિકાસ માટે પણ મહિલા તેમજ પુરુષનો સમાન વિકાસ અતિ આવશ્યક છે. રાજયની મહિલાઓના આર્થિક, સામાજીક તેમજ વ્યવસાયીક વિકાસ અને તેઓના રક્ષણ અને કલ્યાણ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અનેક કાર્યકમો, યોજનાઓ, પ્રવૃતિઓ અને કાયદાઓનું અમલીકરણ કરવામાં આવે છે, જે નીચે મુજબ છે.

૧) વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર 
રાજયની છેવાડાના ગામની મહિલાઓની સામાજિક, આર્થિક તેમજ કાનૂની સમસ્યાઓ અને તેને સંલગ્ન બાબતોમાં સ્થાનીક સ્તરે એક જ સ્થળેથી માર્ગદર્શન અને જરૂર જણાયે સહાય પુરી પાડવાના હેતુથી રાજયમાં જિલ્લા તેમજ તાલુકા સ્તરે ૨૬૦ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલ છે, તેમજ આ તમામ કેન્દ્રોને સેટેલાઇટ માધ્યમથી બાયસેગ દ્વારા જોડીને સરકાર દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશકિતકરણ માટે અમલી પ્રવૃતિઓ અંગે વધુ ને વધુ મહિલાઓને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવે છે.

  • ફેબ્રુઆરી ૨૦૧૨ અંતીત કુલ ૪.૭૦ લાખ મહિલાઓને વિવિધ લાભ આપવામાં આવેલ છે.
  • વર્ષ ૨૦૧૨-૧૩માં આ યોજના અંર્તગત રૂા.૫૧૮.૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

૨) સ્વાધારગૃહ યોજના 
સમાજમાં દુખી અને સામાજીક તેમજ આર્થિક રીતે સહાય વિનાની મહિલાઓને આશ્રય તેમજ જીવન જરૂરીયાતની પ્રાથમીક સેવાઓ પૂરી પાડવા કેન્દ્ર અને રાજય સરકારના સંયુકત પ્રયત્નથી (૨૫% રાજય સરકાર) સ્વધારગૃહ યોજના એપ્રિલ ૨૦૧૨થી અમલી બનાવવામાં આવેલ છે. 
આ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા સ્વધાર અને શોર્ટ સ્ટે હોમ યોજના અમલી હતી, જેને એક કરી આ યોજના અમલી બનાવવામાં આવેલ છે, જે અંતર્ગત જરૂરમંદ મહિલાઓ ને આ આશ્રયગૃહોમાં આશ્રયની સાથે ખોરાક, વસ્ત્રો તેમજ તબીબી સારવાર જેવી પ્રાથમિ સેવાઓ આપવામાં આવશે.

  • વર્ષ ૨૦૧૨-૧૩ માટે રાજય સરકારના ફાળા પેટે રૂા. ૮૫.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

૩) મહિલા વિકાસ એવોર્ડ 
મહિલા વિકાસ ક્ષેત્રે ગુજરાતમાં ઉમદા કામગીરી કરતી સ્વૈચ્છિક સંસ્થા અને ઉત્કૃષ્ટ કામગીરી કરતા મહિલા કાર્યકરોની કામગીરીને બિરદાવવા તેમજ મહિલાઓના વિકાસના ક્ષેત્રે વધુને વધુ કાર્યકરો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઇને મહિલાઓના સશકિતકરણ અને સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ બને તે બાબતને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે એક મહિલા કાર્યકર-વ્યકિતગત તેમજ મહિલા સ્વૈચ્છિક સંસ્થાને ''ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર‘‘ એવોર્ડ આપવામાં આવે છે. 
એવોર્ડ અંતર્ગત સ્વૈચ્છિક સંસ્થાને રૂા.૧.૦૦/- લાખ અને મહિલા કાર્યકરને રૂા.૫૦.૦૦૦/- પ્રોત્સાહક રકમ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવે છે.વર્ષ ૨૦૧૦-૧૧નો એક - વ્યકિતગત તેમજ એક-સામાજિક સંસ્થાને શ્રેષ્ઠ મહિલા પુરસ્કાર આપવામાં આવેલ છે.

  • વર્ષ ૨૦૧૨-૧૩ માં આ યોજના અંતર્ગત રૂા.૨.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

૪) ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ : 
ઘરેલુ હિંસા સામે મહિલાઓને રક્ષણ આપવા માટે રાજય સરકાર દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫નું અમલીકરણ કરવામાં આવેલ છે. આ અધિનિયમના અસરકારક અમલીકરણ માટે રાજય સરકાર દ્વારા આવશ્યક માળખાઓની રચના કરવામાં આવેલ છે. આ અધિનિયમના અમલીકરણ માટે જિલ્લા સ્તરે કાર્યરત ૨૬ સમાજ સુરક્ષા અધિકારીશ્રી (૨૬) તેમજ ૧૮ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રીઓને રક્ષણ અધિકારીની વધારાની 
કામગીરી સોપવામાં આવેલ છે, તથા રાજય સરકાર દ્વારા આ હેતુ માટે ૨૪૭ સેવા આપનાર સંસ્થાઓ, ૨૦ આશ્રયગૃહો, ૫૯ તબીબી સેવાઓ ને કાયદા અંતર્ગતની સેવાઓ આપવા જાહેર કરવામાં આવેલ છે. 
કાયદાના અસરકારક અમલીકરણ માટે કાયદા અંતર્ગતના તમામ અમલકર્તા રક્ષણ અધિકારીશ્રી, સેવા આપનાર સંસ્થા, આશ્રયગૃહ, પોલીસતંત્ર તેમજ ન્યાયપાલીકાની તાલીમો (૧૧ તાલીમો), અનુભવોની આપ-લે તેમજ પિડીત મહિલાઓ સાથે સંવાદ યોજી અમલીકરણતંત્રને વધુ કાર્યદક્ષ બનાવવામાં આવેલ છે. 
ઘરેલુ હિંસા અધિનિયમ અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ૧૪૦૦૦ માહિતી પુસ્તિકા, ૨૦૦૦ પોસ્ટરો તથા સ્ટીકરના સેટ તૈયાર કરી વિવિધ હિત ધારકો, અમલકર્તા તેમજ સ્વૈ. સંસ્થાઓમાં વિતરણ કરવામાં આવેલ. રાજયના તમામ જિલ્લાઓમાં ૨૬૮ જાહેર સ્થળો એ હોર્ડિ‍ગ અને ૪૮૮૫ એસટી બસો દ્વારા અધિનિયમના બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવેલ છે.

  • વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૧ અંતીત ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત કુલ ૭૯૯૪ કેસો (ડિઆઇઆર) નોંધાયા
  • વર્ષ ૨૦૧૨-૧૩માં કુલુલ રૂા. ૬૩.૦૦ લાખની (જીઆરસી) જોગેગવાઇ કરવામાં આવેલ છે.

સમાજમાં આર્થિક અને સામાજીક રીતે નબળી મહિલાઓના સર્વાગી વિકાસના આશયથી માર્ચ ૧૯૮૧માં નિગમની રચના કરવામાં આવી હતી તેમજ તેની ભારતીય કંપની ધારા ૧૯૫૬, હેઠળ નિગમની નોંધણી કરાવવામાં આવી છે. રાજયની મહિલાઓ સ્વાવલંબી બની કુટુંબના આર્થિક વિકાસમાં ભાગીદાર બની શકે તે હેતુથી નિગમ દ્વારા મહિલાઓને રોજગારલક્ષી, વ્યાપારલક્ષી અને ગૃહ ઉદ્યોગલક્ષી તકનીકી તાલીમો પૂરી પાડવામાં આવે છે. તાલીમબાદ મહિલાઓને ઉદ્યોગ, ઘંધો કે વ્યવસાય શરૂ કરવા આર્થિક સહાય માટે બેંકો સાથે જોડાણ કરી આપવામાં આવે છે.

મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટે ૧૯૯૬થી ઘરદિવડા યોજના અમલી બનાવામાં આવેલ છે. આ યોજના હેઠળ ગરીબીરેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓ સ્થાનીક સ્તરે નાના-નાના ઉદ્યોગો / વ્યવસાય / વેપાર સ્થાપી આર્થિક રીતે પગભર બને તે માટે કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા નિયત કરેલ ૨૧૮ પ્રવૃતિઓની બેંકેબલ લોન માટે રાષ્ટ્રીયકૃત બેંકોને રૂ.૫૦,૦૦૦/- સુધીની લોન સહાય માટે ભલામણ કરવામાં આવે છે. આ યોજના હેઠળ ધંધા ક્ષેત્ર માટે વધુમાં વધુ રૂ. ૭૫૦૦/-, સેવાક્ષેત્ર માટે રૂ.૧૦,૦૦૦/- તથા ઉધોગક્ષેત્ર માટે રૂ. ૧૨,૫૦૦/- સુધીની સબસીડી આપવામાં આવે છે.

  • માર્ચ ૨૦૧૨ સુધીમાં આ યોજના અંતર્ગત કુલ ૧૧૩૭ મહિલાઓને લાભ આપવામાં આવેલ છે.
  • વર્ષ ૨૦૧૨-૧૩માં આ યોજના અંતર્ગત કુલ ૭૦.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર દેહ વિકય સાથે સંકળાયેલ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવતી શોષીત મહિલાઓને વિવિધ આર્થિક વિકાસલક્ષી યોજનાઓના લાભ દ્વારા પુન:સ્થાપન કરવા તેમજ તેઓને સામાજીક પ્રવાહમાં સમાવવા માટે મહિલા અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આ યોજના અમલી બનાવવામાં આવેલ છે. યોજના અંતર્ગત પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવતી મહિલાઓના સમગ્ર કુટુંબને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા તે મહિલા સાથે કુટુંબના અન્ય સભ્યોને પણ આવરી લઇ વિવિધ પ્રકારની વ્યવસાયીક અને કૌશલ્ય વિકાસલક્ષી તાલીમો આપવાની જોગવાઇ કરવામાં આવેલ છે.

  • વર્ષ ૨૦૧૨-૧૩માં કૌશલ્ય વર્ધર્નન તાલીમ માટે રૂા.૩૦૦.૦૦ લાખની જોગેગવાઇ કરવામાં આવેલેલ છે.

મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા કુટીર, ગૃહ ઉદ્યોગ તેમજ અન્ય સ્વરોજગારલક્ષી પ્રવૃતિઓ કરતી ગ્રામ્ય અને શહેરી મહિલાઓની ઉત્પાદીત વસ્તુઓને બજાર પુરુ પાડવા આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત રાજય તેમજ રાજય બહાર યોજાતા પ્રદર્શનોમાં મહિલાઓને તેઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેંચાણ માટે વિના મુલ્યે સ્ટોલ ફાળવવામાં આવે છે.રાજય સરકાર દ્વારા દર વર્ષે રાજય સ્તરે એક તેમજ મોટા શહેરોમાં ચાર પ્રદર્શન સહ વેંચાણ કાર્યકમો યોજવામાં આવે છે.

  • માર્ચ ૨૦૧૨ સુધીમાં આ યોજના અંતર્ગત કુલ પાંચ પ્રદર્શન સહ વેંચાણ મેળા યોજવામાં આવેલ છે.
  • વર્ષ ૨૦૧૨-૧૩માં આ યોજના અંતર્ગત કુલ ૫૦.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

આ યોજનો મૂળભૂત હેતુ ગરીબી રેખા હેઠળની ૧૮ થી ૩૫ વર્ષની વયની જરૂરીયાતમંદ મહિલાઓને પરંપરાગત કે બિન પરંપરાગત આર્થિક પ્રવૃતિઓ માટે કૈાશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવે
છે, સાથેજ પ્રોત્સાહનરૂપે માસિક રૂા.૨૫૦ સ્ટાઇપેન્ડ તરીકે ચૂકવવામાં આવે છે.

  • માર્ચ ૨૦૧૨ સુધીમાં આ કુલ ૩૫૯૩ મહિલાઓને તાલીમ આપવામાં આવેલ છે.
  • વર્ષ ૨૦૧૨-૧૩માં આ યોજેજના અંતર્ગત કુલ ૧૮૦.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

રાજયની મહિલાઓના આર્થિક અને વ્યવસાયીક વિકાસલક્ષી પ્રવૃતિઓ એકજ સ્થળેથી થઇ શકે તેમજ મહિલા આર્થિક વિકાસ નિગમની પ્રવૃતિઓના વિસ્તૃતિકરણ માટે મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા અમદાવાદ, પાલડી ખાતે મહિલા સશકિતકરણ કેન્દ્રની રચના કરવામાં આવનાર છે. આ કેન્દ્ર અંતર્ગત મહિલાઓના આર્થિક સશકિતકરણની સાથે-સાથે તેને આનુષાંગિક બાબતો જેવીકે, કાઉન્સલીંગ, તાલીમ, પ્લેસમેન્ટ, ડોકયુમેન્ટેશન વગેરે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

  • વર્ષ ૨૦૧૨-૧૩માં મહિલા સશકિતકરણ ભવન બાંધંધકામ માટે રૂા.૧૦૦.૦૦ લાખની
    જોગવાઇ કરવામાં આવેલ છે.
  • રાષ્ટ્રીય મહિલા આયોગે ૨૦૦૯માં એન.આર.આઈ. સેલની રચના કરી જેથી રોજબરોજ વધતાં એન.આર.આઈ. લગ્નોને લીધે ઉપસ્થિત થતાં કેસો અંગે શું પગલાં લઈ શકાય અને આવા લગ્નોથી થતી મુશ્કેલીઓ નીવારી શકાય. આ સેલ આવા લગ્નોથી થતી સમસ્યાઓ અથવા તો કેસોની ફરિયાદ લે છે અને પક્ષકારોને માર્ગદર્શન આપે છે. ફરિયાદ લીધા પછી આ સેલ જે તે દેશમાં એટલે કે અમેરિકા હોય, ઈંગ્લેન્ડ હોય, કેનેડા હોય કે ઓસ્ટ્રેલિયા હોય ત્યાંની સ્થાનિક સંસ્થા જોડે સંપર્ક કરી આપે છે અને એક હેલ્પલાઈન તરીકે કામ કરે છે.
  • આવા અસંખ્ય કેસોનો અભ્યાસ કર્યા પછી રાષ્ટ્રીય મહિલા આયોગે આવા લગ્નોથી ઉપસ્થિત થતાં અંગે પ્રશ્નો અંગેનો એક રિપોર્ટ તૈયાર કર્યો હતો અને એમાં શેને લીધે આવા પ્રશ્નો ઉત્પન્ન થાય છે તેની વિગતવાર ચર્ચા કરી હતી. ગયા અંકમાં જોયું આપણે તેમ એન.આર.આઈ. લગ્નોમાં ઘણીવાર દહેજ લઈને પરિણીતાને તરછોડી દેવામાં આવે છે કયાં તો લગ્ન પછી પરિણીતાને મૂકીને પતિ પાછો પરદેશ ચાલ્યો જાય છે અથવા પરદેશ જઈને ત્યાં પરિણીતાને ત્યાં તરછોડી દે છે. ઘણા કેસોમાં બાળકોને પરદેશ રાખવા કે વતનમાં રાખવા, કોની પાસે રાખવા અને કાયદો શું કહે છે તેની આંટીઘૂંટીમાં લગ્ન તો ક્યાંય ખોવાઈ જાય છે. આ રિપોર્ટ એન.આર.આઈ. લગ્નોનો અભ્યાસ કરી આવા લગ્નો કરતી વખતે શું કરવું અને શું ન કરવું તે વિશે પણ ચર્ચા કરી છે. થોડા અગત્યના મુદ યાદ રાખવા જેવા છે.
  • જ્યારે પણ કોઈ વ્યક્તિ પરદેશથી પરણવા આવે તો એની અંગત માહિતી વિશે જાણવું બહુ જરૂરી છે જેમ કે તે વ્યક્તિ પરિણીત છે કે અપરિણીત. જો વ્યક્તિ કહે કે તે અપરિણીત છે તો તેણે પહેલાં છૂટાછેડા લીધેલા છે કે હાલમાં તે પ્રથમ લગ્ન કરેલા હોવા છતાં પત્નીથી જુદા રહે છે તે જાણવું જરૂરી છે. નોકરી ધંધા વિશે પણ જાણવું જરૂરી છે. જેમ કે, શું ભણેલા છે, ઓફિસનું નામ સરનામું અને રહેઠાણનું પણ સરનામું પૂછી લેવું જરૂરી છે. જો વ્યક્તિ પરદેશથી આવી હોય તો તે ક્યા સ્ટેટસથી પરદેશમાં રહે છે તે પણ પૂછવં બહુ જરૂરી છે. કોઈપણ વ્યક્તિનો પાસપોર્ટ જોવાથી ખબર પડે કે તે વ્યક્તિ કયા દેશનો નાગરિક છે, કે પરદેશમાં વિદ્યાર્થી તરીકે રહે છે કે કોઈના ઉપર નિર્ભર છે અથવા કામચલાઉ વિસા ઉપર ત્યાં નોકરી માટે ગયેલા છે. ઘણા કેસોમાં પાસપોર્ટનું નામ અને લગ્ન કરતી વખતે કહેવામાં આવેલું નામ બંને જુદા હોય છે અને તેના લીધે પાછળથી જ્યારે પ્રશ્ન ઊભો થાય છે ત્યારે તે વ્યક્તિને આટલા મોટા પરદેશમાં શોધવી તકલીફ થઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ પરદેશથી લગ્ન કરવા આવે તો ક્યાંકને ક્યાંક તો એ પહેલા ભારતમાં રહેતી હતી તેથી તમે એના કુટુંબ વિશે કે એમના સગાં સંબંધી વિશે માહિતી મેળવી શકો છો. ઘણા એન.આર.આઈ.ઓ એટલે કે પરદેશમાં વસતા ભારતીયો એમ કહેતાં હોય છે કે તેમની પાસે પરદેશનું અને ભારતનું બંને દેશનું નાગરિકત્વ છે એટલે કે ડયુઅલ સિટીઝનશિપ છે. આવું કહેનાર વ્યક્તિ પાસેથી એનો આધાર મેળવવો જરૂરી છે.
  • એન.આર.આઈ. લગ્નોમાં લગભગ ઘડીયા લગ્નો જ લેવાતા હોય છે એટલે કે બંને પક્ષનાં મા-બાપો નક્કી કરી રાખતા હોય છે અને પરદેશથી વ્યક્તિ બે કે ત્રણ અઠવાડિયા માટે ભારત આવે છે અને એ અરસામાં વિવાહ, લગ્ન અને પત્નીને પોતાની જોડે કે પાછળથી પરદેશ લઈ જવા માટેની વિધિ કરવામાં આ સમય વીતી જાય છે. એટલી બધી ઉતાવળ હોય છે કે લગ્ન ફટાફટ પતાવાય છે. એન.આર.આઈ. લગ્નોમાં રજિસ્ટર્ડ મેરેજની સાથે સાથે રિલિજિયસ મેરેજ એટલે વિધિસરના લગ્ન કરવા જોઈએ. જો અને એના પુરાવા રૂપે વ્યવસ્થિત લગ્ન પ્રસ્થાપિત કરવા ફોટા પણ હોવા જોઈએ. જો કુટુંબીજનો પરદેશથી પરણવા આવતી વ્યક્તિને એની અંગત માહિતી વિશે પૂછી ન શકતા હોય તો પરણનાર વ્યક્તિએ તો ચોક્કસ બધી જ માહિતી પૂછી લેવી જોઈએ.
  • પરણનાર વ્યક્તિ ઘણી વખત સાચી માહિતી પોતાના રહેઠાણની કહેતા નથી હોતા અને જ્યારે પરણવા આવે છે ત્યારે કયાં તો તે વ્યક્તિ એકલી હોય છે કયાં તો નજીકના બે કે ચાર સગાં જ હોય છે જેના લીધે પરદેશની પરિસ્થિતિનો સાચો ચિતાર અહીંયા મળતો નથી. એટલે કોઈપણ જાતની ઓળખાણ કાઢી તે વ્યક્તિ વિશે થોડી ઘણી માહિતી મેળવી લેવી ખૂબ જરૂરી છે. અત્યારે ઈન્ટરનેટનો જમાનો છે એટલે તેનો ઉપયોગ કરીને પણ થોડી માહિતી મેળવી લેવી જરૂરી છે.
  • ઘણીવાર એવું બનતું હોય છે કે ઉપર જણાવેલી અતિ સામાન્ય બાબતો માટે પણ આપણે પૂછી નથી શક્તાં આપણા ત્યાં કશું પણ પૂછતા સંકોચ થાય છે અને ખાસ કરીને એવી માન્યતા ખરી કે માણસને વિશ્વાસ ના હોય કે આવા બધા પ્રશ્નો પૂછે છે? પણ જ્યારે પત્નીને લગ્ન કર્યા બાદ અહીંથી તેડે જ નહીં અને પરદેશ બોલાવે જ નહીં ત્યારે પરિણીતાનાં કુટુંબીજનોને સમજાય છે કે તેમની પાસે સામાવાળા વ્યક્તિની જરૂરી માહિતી જ નથી. આ પ્રાથમિક માહિતી જે તે દેશમાં તે વ્યક્તિ હોય ત્યાંની ભારતીય એલચી કચેરીને એટલે કે ઈન્ડિયન એમ્બેસીને આપવાથી તે વ્યક્તિને શોધી શકાય છે. એટલે ઉપર જણાવેલી સામાન્ય બાબતો ખાસ કરીને આ પરદેશથી આવનાર વ્યક્તિનો પાસપોર્ટ સૌથી અગત્યનો દસ્તાવેજ છે એ વિશે જાણવું બહુ જ જરૂરી છે. આમ તો તેની કોપી રાખવી પણ અસરપરસ આપી રાખવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી આવે તો આ દસ્તાવેજના આધારે પ્રશ્નોનો નિકાલ લાવવામાં સરળતા રહે છે

ગરીબી અને સ્ત્રી-પુરુષ ભેદભાવ: લઘુ ધિરાણની મર્યાદાઓ:ધિરાણ અને બચતની યોજનાઓને ગરીબી નિવારણ માટેની રૂપરેખા તરીકે નવાજવામાં આવી છે, પરંતુ તેના લાભો વિશે અતિશયોક્તિ કરવામાં આવતી હોય છે. પરિવારોમાં સત્તા અને અસમાનતાના સંબંધોને જે સ્ત્રી-પુરુષ ભેદભાવ અસર કરે છે તેના પ્રત્યે ધ્યાન આપવામાં તે નિષ્ફળ જાય છે. ઘણી વાર લઘુ ધિરાણ લાંબા સમય સુધી ટકી શકે તેમ હોતું નથી અને તે ચલાવવા માટેના ખર્ચને ભાગ્યે જ પહોંચી વળી શકાય તેમ હોય છે. ગરીબી નિવારણ માટે ધિરાણ અને બચતની યોજનાઓને અસરકારક બનાવવાની હોય તો સ્થાનિક અર્થતંત્ર અને વૈશ્વિક અર્થતંત્રનાં વલણો સાથે તેમના સંબંધોને મજબૂત બનાવવાની જરૂર રહે છે અને મહિલાઓની સક્ષમતાના વ્યાપક ક્રાયક્રમો સાથે તેમને સાંકળવાની જરૂર રહે છે.

‘વૂમનકાઈન્ડ વર્લ્ડવાઈડ’ના એક લેખમાં તાજેતરમાં એવી ધારણાને પડકારવામાં આવી છે કે ધિરાણની યોજનાઓ ગરીબી નિવારણ માટે ઓછી ખર્ચાળ, કાર્યક્ષમ, વહીવટી રીતે આસાન અને ટકાઉ હોય છે. લઘુ ધિરાણના અનેક પ્રયાસો પ્રતીકાત્મક હોય છે એમ જણાવીને તેના લેખક એમ કહે છે કે ગરીબીમાં ઘટાડો કરવાનું જેટલું મુશ્કેલ છે તેટલું જ ઘણી વાર ધિરાણની યોજનાને ટકાવવાનું મુશ્કેલ હોય છે. લઘુ ધિરાણની સફળતાઓ વિશે ઘણી વાર અતિશયોક્તિ કરવામાં આવે છે અને તેની પરિયોજનાઓ ચલાવવા માટે જ નાણાકીય ખર્ચ થાય છે તે જ તેના કર્મચારીઓને માટે જે ખર્ચ થાય છે તેના વિશે ચુપ્પી સેવવામાં આવે છે.

આ લઘુ ધિરાણની યોજનાઓ મહિલાઓની સક્ષમતા વધારવા માટે છે એમ કહેવામાં આવે છે. પણ મહિલાઓની સામેલગીરી પાછળનો તર્ક તેમાં સમસ્યારૂપ છે. જ્યારે વિવિધ સંસ્થાઓ લઘુ ધિરાણની યોજનાઓ ચલાવે છે ત્યારે ધિરાણની પુનર્ચુકવણી માટે મહિલાઓને તેઓ જવાબદાર બનાવે છે. આ સંસ્થાઓ પછી દાતા સંસ્થાઓને એમ જણાવે છે કે આ યોજનાઓ કાર્યક્ષમ છે અને ટકાઉ છે. આમ, મહિલાઓનો એક સાધન તરીકે ઉપયોગ થાય છે. વાસ્તવમાં, લઘુ ધિરાણની યોજનાઓ ગરીબ અને અસહાય મહિલાઓ પર બોજો વધારે છે.

લઘુ ધિરાણની મર્યાદાઓ

જે બિન-સરકારી સંગઠનનો અને મહિલા સંગઠનો ધિરાણ અને બચતની યોજનાઓ ચલાવે છે તેઓ હવે પોલિસની ભૂમિકા જ ભજવે છે. આ યોજનાઓ નફાકારક બને તે માટે પુનર્ચુકવણીના ઊંચા દર રખાય તેના ઉપર જ તેઓ ધ્યાન કેન્દ્રિત કરે છે. પરિણામે, ધિરાણ લેનારાઓને પુનર્ચુકવણીમાં કઈ સમસ્યાઓ નડે છે તે જોવા પ્રત્યે અને તેમનાં કારણો પ્રત્યે તેઓ આંખ આડા કાન કરે છે. આવી પૂનર્ચુકવણીની આડે સાંસ્કૃતિક, પરંપરાગત અને કાનૂની અવરોધો હોય જ, પણ તે ધ્યાનમાં લેવાતા નથી. આ ઉપરાંત પણ બીજી કેટલીક ખામીઓ તેમાં છે. તે નીચે મુજબ છે:

  • લઘુ ધિરાણની વિવિધ યોજનાઓ વચ્ચે સંકલન હોતું નથી.
  • જુદી જુદી યોજનાઓ માટે જુદાં જુદાં નિયમો અને નિયમનો હોય છે અને તેથી તેના સંભવિત વપરાશકારો ગૂંચવાડામાં પડે છે અને તેઓ એક યોજનાને બીજી યોજનાની સ્પર્ધક ગણે છે.
  • સંસાધનોનો અભાવ, પરિવારમાં તેમની ભૂમિકા અને સમુદાયમાં તેમની ભૂમિકા તથા અમુક પ્રવૃત્તિઓ અંગેના સાંસ્કૃતિક નિષેધો ગરીબ મહિલાઓને આર્થિક પ્રવૃતિઓ પર કેવી રીતે નિયંત્રણો લાદે છે તે બરાબર સમજવામાં આવતું નથી.
  • એવી નાની આર્થિક પ્રવૃત્તિઓમાં મહિલાઓ પ્રવેશે કે જે લાંબે ગાળે સ્થગિત થઈ જાય છે અને બિન-નફાકારક બની જાય છે.
  • લઘુ ધિરાણની યોજનાઓ પર વ્યાપક પરિબળો કેવી રીતે અસર કરે છે તે સમજવામાં આવતું નથી. દા.ત. વિશ્વના બજારમાં કોકોના ભાવ ઘટવાથી ઘાના નામમા આફ્રિકી દેશમાં ભારે મંદી આવી અને તેથી નાની મહિલા વેપારીઓ માટે નાની લોનની પણ પુનર્ચુકવણી કરવાનું મુશ્કેલ બની ગયું. આને પરિણામે ગરીબી નિવારણ માટેની લઘુ ધિરાણની યોજનાએ ગરીબ મહિલાઓની ગરીબી વધારે વધારી દીધી.

શું થવું જોઈએ ?

‘વૂમનકાઈન્ડ વર્લ્ડવાઈડ’ અને તેની ભાગીદાર સંસ્થાઓ ગરીબી અને અસહાયતા ઉપર સીધો હુમલો કરવા માટે લઘુ ધિરાણ ઉપરાંતના કાર્યક્રમો ઘડી રહી છે. ધિરાણ અને બચતની યોજનાઓના નિયમો વિશે સમુદાયોને અને બિન-સરકારી સંગઠનોના કર્મચારીઓને માત્ર તાલીમ આપવાને બદલે નાણાં વધારે સલામત રીતે નફો કેવી રીતે કરી શકે તેની સમજ કેળવવા માટે મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

પ્રયોગોને આધારે ભણતર થયા તેના ઉપર તાલીમ આધારિત કરાય છે અને લોકોના પોતાના અનુભવોને આધારે બોધપાઠ લેવાય છે. મહિલાઓને એમ કહેવા માટે પ્રોત્સાહન અપાય છે કે તેઓ જે વિચારે છે તેને વિશે તેમણે શીખવાની જરૂર છે. તેઓ ખેતી, પશુપાલન, અન્ન પ્રક્રિયા અને પરિવહન જેવાં ક્ષેત્રોમાં નવી સ્થાનિક રીતે ઉપયોગી કૌશલ્યો પ્રાપ્ત કરે છે અને નવાં બજારોમાં પ્રવેશવા માટે સક્ષમ બને છે.

‘વૂમનકાઈન્ડ વર્લ્ડવાઈડ’ લઘુ ધિરાણની વ્યવસ્થાઓ કરતી સંસ્થઆઓને આટલી બાબતો કરવાની વિનંતી કરે છે:

  • એવી ધારણ કરવાની છોડી દો કે વ્યક્તિઓ માત્ર કઠોર પરિશ્રમ કરીને પોતાને ગરીબીમાંથી બહાર કાઢી શકે છે.
  • સફળતાઓ અને નિષ્ફળતાઓ બંને વિશેની માહિતીની વધારે વ્યાપક રીતે આપ-લે કરવી.
  • જીવનનિર્વાહ વિશે એક પ્રકારનો સર્વગ્રાહી અભિગમ અપનાવવો, ધિરાણની જોગવાઈ કરવા ઉપરાંત બીજી ઘણા પ્રકારની સહાય કરવી.
  • એમ સમજો કે મુક્ત વ્યાપાર અને વૈશ્વિક બજાર સાથેનો સંબંધ ગરીબી નિવારણ તરફ દોરી જ જાય એવું જરૂરી નથી.
  • જેઓ ગરીબો વતી ઝુંબેશ ચલાવે છે તેવાં નાગરિક સમાજનાં સ્થાનિક સંગઠનોને ટેકો આપો.

ગરીબી નિવારણ માટે લઘુ ધિરાણ એ કોઈ જાદુઈ લાકડી નથી, પરંતુ જાગૃતિ ઊભી કરવાનું, નાની સામુદાયિક દરમ્યાનગીરીઓ કરવાનું અને નીતિ વિષયક કાર્ય કરવાનું કામ પદ્ધતિસરના અભિગમથી પરસ્પર સાંકળવામાં આવે તો તે વ્યૂહાત્મક સાધન બની શકે છે.

આ લેખમાં શ્રી વિવેકા રાવલ લઘુ ધિરાણ ગરીબી નિવારણના સમગ્ર હેતુ સાથે ક્યાં સુસંગત છે અને નથી તે સમજાવવાની કોશિશ કરે છે. લઘુ ધિરાણને ગરીબી નિવારણના એકમાત્ર માર્ગ તરીકે છેલ્લા કેટલાક દાયકાઓ દરમ્યાન ઉપસાવવાનો પ્રયત્ન થયો છે. પણ લેખક દર્શાવે છે કે માત્ર લઘુ ધિરાણથી ગરીબીનું નિવારણ શક્ય બનતું નથી. તેનો વ્યૂહાત્મક સાધન તરીકે ઉપયોગ કરીને અન્ય માર્ગ પણ તેની સાથે જ પ્રયોજવા જોઈએ.

સ્ત્રોત: સંદેશ , જયહિન્દ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 3/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate