অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બૌદ્ધીવૃક્ષ

બૌદ્ધીવૃક્ષ

વ્યક્તિએ ગુણ, કર્મ, સ્વભાવમાં માનવોચિત સુધારા કરીને વ્યક્તિત્વને સુવિકસિત કરવું જોઈએ

ક્યારેક એવું બને છે કે રાજાનાં દરબારી બગીચામાં ઉગેલા કોમળ છોડ જરાક ગરમી ઠંડી ૫ડતાં જ ડચકા ભરવા માંડે છે અને મરવા માંડે છે. લજામણી કોઈનો હાથ અડતા જ સંકોચાતી, સમેટાતી, મુરઝાતી દેખાય છે, ૫રંતુ ૫ર્વતો અને રણમાં ઊગનારા છોડ ઋતુ – પ્રભાવોની કઠોરતાને ધીરજ પૂર્વક સહન કરતા કરતા પોતાનું અસ્તિત્વ સુરક્ષિત રાખી રહે છે.

તેનાથી ઊલટું જેમને અભાવો – પ્રતિકૂળતાઓનો સામનો કરવો ૫ડે છે, તેઓ પોતાની ભીતર એવી ક્ષમતા વિકસિત કરે છે જે કઠણાઈઓનો સામનો કરતા કરતા અસ્તિત્વનું રક્ષણ કરી શકે. હિમાચ્છાદિત ૫ર્વતો ૫ર ઊગનારા વૃક્ષો એવી રીતે વર્તતાં નથી, જેમ કે મધ્યમ તા૫વાળા પ્રદેશોમાં જરાક ઠંડી વધતાં જ વૃક્ષોનું સુકાવાનું, સંકોચાવાનું શરૂ થઈ જાય છે. રણમાં સૂકા પ્રદેશમાં ત૫તી રેતી અને પાણીની તંગીમાં ૫ણ કેકટસ વગેરે છોડ સારી રીતે લીલાછમ બની રહે છે. ઉત્તર ધ્રુવ ૫ર રહેનાર -એસ્કિમો- તરફથી મોટી મોટી પાટો ૫ર જ આખું જીવન વિતાવે છે. કઠોર શ્રમથી આહાર પ્રાપ્ત કરનારા વનવાસી સ્થિતિને અનુરૂ૫ સુદૃઢ ૫ણ રહે છે, અભ્યસ્ત ૫ણ રહે છે અને પ્રસન્ન ૫ણ રહે છે.કઠણાઈઓથી, પ્રતિકૂળતાઓથી ઘેરાયેલી હોવા છતાં ૫ણ જીવનનું વાસ્તવિક પ્રયોજન સમજનાર વ્યકિત ક્યારેય નિરાશ નથી થતી. તે દરેક પ્રકારની ૫રિસ્થિતિમાં પોતાના લક્ષ્યમાંથી જ પ્રેરણા પ્રાપ્ત કરે છે તથા શ્રેષ્ઠતાના ૫થ ૫ર ક્રમશઃ આગળ વધતી જાય છે.

સામાન્ય રીતે વિચાર શકિત વિખરાઈને નષ્ટ થતી રહે છે. તેને કેન્દ્રિત કરવા અને માનસિક શકિત સં૫ન્ન બનવા માટે આ૫ણે ઉત્કૃષ્ટ વિચારોની સં૫દા વધારવાની સાથે જ પોતાના ‘સ્વ’ નો વિકાસ કરવો ૫ડશે. જો સ્વાર્થની સાથે લોકો૫કારનો સમાવેશ થઈ જાય તો તે શકિત અ૫રિમિતતા તરફ અગ્રેસર થવા લાગશે. અહંભાવના વિનાશથી જ સશક્ત મનોબળનું સર્જન થાય છે. સૈદ્ધાંતિક પ્રતિકૂળતાઓનો સામનો કરવાથી મનુષ્યની ઇચ્છા શકિતમાં વધારો થતો જાય છે. એવો આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય છે કે તેની સામે અશુભ વિચાર ટકી જ નથી શકતા. માનસિક શકિતઓના વિકાસમાં સહાયક થાય છે – સરળ અને સદાચારી જીવન. ચાલાક અને વ્યવહાર કુશળ પ્રદર્શન ૫ટુ લોકો પોતાના મનને ચિંતા અને સંશયનો આશ્રય બનાવી લે છે. આવા ચા૫લૂસ મિત્રો દ્વારા ઉદ માર્ગ ૫ર ચાલવાનું પ્રોત્સાહન ક્યારેય મળતું નથી. તેનાથી ઊલટું સદાચારી વ્યકિત વ્યવહાર અને વિચારમાં સરળ હોય છે.

પોતાને ખુદને પ્રગતિ ૫થ ૫ર અગ્રેસર કરવા અને સુખી સુસંસ્કૃત બનાવવા માટે સદ્‌વિચારોનું અવલંબન લેવું જ ૫ડે છે. આનો બીજો વિકલ્પ નથી. આ જ વાત બીજાની બાબતમાં ૫ણ છે. બીજાને સહયોગ૫રક સહાયતાનું પોતાનું મહત્વ છે. ૫ણ કોઈને રચનાત્મક વિચાર આપીને તેને સ્વાવલંબી અને સમુન્નત બનાવી શકાય તો નિશ્ચિત૫ણે તેનાથી વધીને બીજો કોઈ પુણ્ય-૫રમાર્થ હોઈ શકતો નથી.

સંસારમાં કોઈ બીજાને એટલું હેરાન નથી કરતું જેટલું મનુષ્ય પોતાના દુર્ગુણ અને દુર્ભાવનાઓથી કરે છે. દુર્ગુણરૂપી શત્રુ હંમેશાં મનુષ્યની પાછળ લાગેલો રહે છે. તે ક્યારેય તેને જં૫વા દેતો નથી. ગુણ, કર્મ સ્વભાવમાં જરૂરી સુધારણા કર્યા વિના પ્રગતિ થઈ શકતી નથી. ગુણ, કર્મ, સ્વભાવમાં માનવોચિત સુધારા કરીને વ્યક્તિત્વને સુવિકસિત કરવામાં લાગી જવું જોઈએ. બુદ્ધિ અને વિચારની શક્તિ મનુષ્યમાં અન્ય પ્રાણીઓ કરતાં વધારે છે. તેથી તે પોતાની ભલાઈનો વિચાર કરી શકે છે. બુદ્ધિના સદુ૫યોગ અને દુરુ૫યોગથી જ તે સુખ અને શાંતિ અથવા કલહ અને કંકાસની ૫રિસ્થિતિ ઊભી કરે છે. તેનું દોષારો૫ણ બીજાના ઉ૫ર કરવું મનુષ્યની જડતાની નિશાની ગણવામાં આવશે. પોતાના સુખને બરબાદ કરવાની જવાબદારી મનુષ્ય ૫ર છે. મુક્તિનો ઉપાય એક જ છે કે તે ૫તનોન્મુખ દુષ્પ્રવૃત્તિઓ છોડીને સદાચારી જીવન જીવવામાં સુખ અને સંતોષનો અનુભવ કરીએ. સંકલન : ડો.પ્રણવ દવે

યોગ એ તો સત્યએ પાડેલી હાકલ છે, જેને આપણે વારંવાર ભૂલ્યા છીએ

વર્ષો પહેલાં હું એક ખેતરમાં રહેતો હતો ત્યારે ગામના ચિક્કેગૌડા નામના એક માણસને મેં કામે રાખ્યો હતો. તે કાને ઓછું સાંભળતો અને ગામના બાકીના લોકો માટે ઠેકડી ઉડાવવા માટેના સાધન સમાન હતો. એક દિવસ વહેલી સવારે ચાર વાગ્યે, મેં જોયું કે તે હળ તૈયાર કરી રહ્યો હતો. મેં પૂછ્યું, શું કરી રહ્યો છે  એણે કહ્યું,  આજે વરસાદ પડશે. મેં ઉપર આકાશ તરફ નજર નાખી અને જોયું. આકાશ સંપૂર્ણ સ્વચ્છ હતું. મેં પુછ્યું  શું અર્થહીન વાત કરે છે! ક્યાં છે વરસાદ  તેણે કહ્યું, ના, સાહેબ. વરસાદ ચોક્કસ પડશે. અને ખરેખર વરસાદ પડ્યો. 

આ ઘટના બાદ હું દિવસ અને રાત વિચારતો રહ્યો કે આ માણસ જે અનુભવી શક્યો, તે હું કેમ અનુભવી ન શક્યો/ મેં મારા હાથને અલગ અલગ મુદ્રાઓમાં રાખીને વાતાવરણમાં ભેજને, તાપમાનને અનુભવવાનો પ્રયાસ કરતો, આકાશને વાંચવાનો યત્ન કરતો બેઠો. હવામાન-શાસ્ત્રના પુસ્તકોનું વાંચન કર્યું, પરંતુ કોઇ અર્થ સર્યો નહી. આખરે, મારા ખુદના શરીરનું અને આસપાસનું કાળજીપૂર્વક અવલોકન કરીને, મેં એ મૂળભૂત ભૂલને શોધી કાઢી, જે સામાન્ય રીતે આપણે તમામ કરતા હોઈએ છીએ: આપણે આ શરીરનાં મૂળભૂત ઘટકો – જેવાં કે પૃથ્વી, જળ, હવા અને અન્ન - કે જે આપણું નિર્માણ કરે છે, તેમને ચીજવસ્તુઓની માફક જોઈએ છીએ, નહીં કે જીવન-પ્રક્રિયાના મૂળભૂત ભાગ રૂપે.

આપણા દેશમાંની મહામારી-મહાસમસ્યા સમાન આજની પાણીની તીવ્ર અછત અને દુષ્કાળની પરિસ્થિતિ આ વિભાજન અને વસ્તુલક્ષીતાને સંબંધિત છે. પરંપરાગત ડહાપણને ક્ષીણ થવા દઇને, આપણે એ ભૂલ્યા છીએ કે આપણું શરીર આ વિશાળ સજીવ રચના, કે જેને પૃથ્વી કહીએ છીએ, તેનો એક ભાગ છે; અને આ પૃથ્વી એ વિશાળ સૌરમંડળનો ભાગ છે; જે ખુદ બ્રહ્નાંડ સાથે સંકળાયેલ છે. આપણે જો આ સર્વેને પૃથક-પણે જોઇએ તો અસ્તિત્વના બુનિયાદી ઐક્ય ઉપર પ્રહાર કરી રહ્યા છીએ.

ભવિષ્ય અત્યંત સ્પષ્ટ છે: જો આપણે નિર્ણયાત્મકપણે નહીં વર્તીએ તો બાર-માસી નદીઓ મોસમી નદીઓમાં પલટાશે, ઘણી બધી નદીઓ અદૃશ્ય થશે (જેમ તેઓ થઇ પણ ચૂકી છે). આ દેશમાં માથાદીઠ પાણીની ઉપલબ્ધિ ૭૦ વર્ષોમાં ૬૦% થી વધુ ઘટી છે.

તામિલનાડુમાં એક જૂની કહેવત છે: જો પામ (નાળીયેરી, ખજુરી, તાડ વગેરે)નાં વૃક્ષો સુકાય તો તમે વિનાશના પંથે છો. છેલ્લાં ૧૦ વર્ષોમાં આ વિસ્તારમાં, પર્યાવરણની થયેલી અધોગતિની કક્ષા અકલ્પનીય છે. વધુ પડતાં વાવેતરો અને નિરંકુશ બાંધકામોના સંયોજને નદીઓ સુકવી દીધી છે અને ભૂગર્ભજળનાં તળો ઊંડાં કર્યાં છે. ઝાડપાન-વનસ્પતિઓ ઉત્તરોત્તર નહીંવત્ પ્રમાણમાં ઊગવાને કારણે ચોમાસાઓ અનિયમિત બન્યા છે. દેશના અન્ય ઘણા વિસ્તારોમાં પણ આ પરિસ્થિતિ સમાનપણે ગંભીર છે. હજુ ઘણું બધું કરી શકાય તેમ છે: વરસાદી પાણીનો સંચય અને ઉપયોગ, વનીકરણ, રોપા કેન્દ્રોની સુધારણા, તાકીદે વસ્તી-નિયમન વગેરે. પર્યાવરણનો મુદ્દો, લોકોની ચળવળ બનવી જોઇએ, એક એવી સામૂહિક ઝુંબેશ કે જેમાં જાગરુક અને પ્રેરિત નાગરિકો એવા કંઇકમાં ભાગ લે, જે પૃથ્વી ઉપર અંગત અને સામુદાયિક જીવન ટકાવવા માટે મદદરૂપ બને. નાગરિકશાસ્ત્રની પૂરઝડપી તાલીમ, આ હાંસિલ નહીં કરી શકે. આધ્યાત્મિક પ્રક્રિયા આજે મહત્વપૂર્ણ બની છે કેમકે, વ્યક્તિને તે અતિ ઉંડાણથી સ્મરણ કરાવવાનું શક્ય બનાવે છે કે, મનુષ્ય એકલવાયો ટાપુ નથી. આ સ્મરણ વિચારસરણીને લગતું નથી; અસ્તિત્વના સંદર્ભે છે. યોગ, એ સત્યની હાકલ છે, જે આપણે વારંવાર ભૂલ્યા છીએ: જે જગતમાં આપણે જીવીએ છીએ તેનાથી આપણે કોઈ રીતે ભિન્ન નથી. આપણે આપણી નદીઓ અને જંગલો સાથે જે કરીએ છીએ તે આપણી જાતને કરી રહ્યા છીએ.

સંપૂર્ણ વ્યવસ્થિત જીવનનું નામ જ આશ્રમ વ્યવસ્થા છે, આ જીવન પદ્ધતિ ઉત્કૃષ્ટ છે

આત્મભાવનો વિસ્તાર કરવાની પ્રતિક્રિયા એ થાય છે કે આપણા વ્યવહારમાં સૌજન્યનો સમાવેશ થતો જાય છે
જો મનુષ્યની સ્વાભાવિક પ્રવૃત્તિઓનું ઊંડું અધ્યયન કરવામાં આવે, તો મનુષ્યની અવસ્થા ચાર ભાગમાં વહેંચાઈ જાય છે.(૧) જિજ્ઞાસા અને વિકાસની અવસ્થા (૨). ઉદ્યમ અને ઉપભોગની અવસ્થા (૩). જ્ઞાન અને અનુભવમાં સામંજસ્યનો સમય (૪). આત્મકલ્યાણની ધારણા. આ ચાર બાબતોથી આપણું જીવન પૂર્ણ થાય છે. જો આ અવસ્થાઓ પર નિયંત્રણ ન રાખવામાં આવે, તો મનુષ્ય અધોગામી બની શકે છે. એવા વિચારથી જ અહીં માણસને કર્તવ્યોના બંધનમાં બાંધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ વિભાગ વાસ્તવમાં માણસની શક્તિ અને તેના સ્વભાવને અનુસરીને પાડવામાં આવ્યા છે. જીવનપદ્ધતિમાં ક્યાંય કોઈ વિકાર નથી. માણસ આ ચારેય અવસ્થાઓનો રસાસ્વાદ લઈને પોતાનું કલ્યાણ કરી શકે છે. જો આ રીતે ભારતીય જીવનને સંસ્કારિત કરવામાં ન આવ્યું હોત, તો આપણે પણ બીજા દેશોના લોકોની જેમ ભોગવાદી બની ગયા હોત. આપણા જીવનમાં જે શુદ્ધતા, પવિત્રતા, નૈતિક્તા, ઉત્કૃષ્ટતા, આદર્શવાદ, શક્તિ અને વિશેષતા છે તે ન હોત. જેની લાલચમાં જીવનમૂક્ત આત્માઓ પણ અહીં પાછા ફરે છે તે સમૃદ્ધિ, સુખ અને આનંદ આપણે પ્રાપ્ત ન કરી શક્યા હોત. આવી જીવનપદ્ધતિમાં કોઈ ત્રુટિ કે કોઈ ફરિયાદ નથી. સંપૂર્ણ વ્યવસ્થિત જીવનનું નામ જ આશ્રમવ્યવસ્થા છે, આ જીવનપદ્ધતિ ઉત્કૃષ્ટ છે.

આત્મભાવનો વિસ્તાર કરવાની પ્રતિક્રિયા એ થાય છે કે આપણા વ્યવહારમાં સૌજન્યનો સમાવેશ થતો જાય છે. એના આધારે જે સ્નેહની સરિતા વહે છે. જેની સાથે આત્મીયતા સ્થપાય છે તેને જ આપણે પ્રેમ કરીએ છીએ. આત્મીયતાનું ક્ષેત્ર મોટું કરવાનો અર્થ છે પ્રિયજનોની સંખ્યા વધારવી. એ સંખ્યા જેટલી મોટી હોય છે તેના પ્રમાણમાં સદ્દભાવ વધે છે અને આત્માનો ઉત્કર્ષ થાય છે. તેની પ્રતિક્રિયા પણ થાય છે. નિઃસ્વાર્થભાવથી કરવામાં આવેલો સદ્દવ્યવહાર અનેકગણો વધીને પાછો ફરે છે. જેમને આપણે પોતાના માનીએ છીએ તેઓ સાવ કૃતધ્ન બની શકતા નથી. તેમની ઉદારતા અને સદ્દભાવના વ્યાજ સહિત પાછી મળે છે. શુભ આશય રાખવાથી જ આ લાભ એટલો બધો મળે છે કે તેની કિંમત આંકી શકાતી નથી. સ્નેહના બદલમાં સ્નેહ અને સૌજન્યના બદલામાં સૌજન્ય મેળવી શકાય છે. ધર્મધારણામાં સ્નેહસૌજન્યને પણ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પોતાના ચિંતન, સ્વભાવ તથા વ્યક્તિત્વમાં જો સજ્જનતાનું પ્રમાણ વધારે હોય અને એ પ્રમાણે વ્યવહાર કરવામાં આવતો હોય, તો બધી બાજુથી આપણી ઉપર સ્નેહસૌજન્યની વર્ષા થાય છે. જો કિંમત ચૂકવીને તેને મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોત, તો વારંવાર ભેટ આપીને કિંમત ચૂકવવાની જૂરર પડત. આત્મીયભાવનો વિસ્તાર થવાથી એ બધા લાભ આપોઆપ મળવા લાગે છે. તેનાથી આપણો અંતરાત્મા પુલકિત થઈ જાય છે.

તપસ્યા શબ્દ આપણા હૃદયમાં આદર તથા શ્રદ્ધાનો સંચાર કરે છે. તપસ્વી વ્યક્તિ પ્રત્યે સહજ રીતેજ આપણું મસ્તક શ્રદ્ધાથી ઝુકી જાય છે. આ તપશ્ચર્યા શું છે/ શ્રેષ્ઠ, યોગ્ય તથા ઉત્તમ કાર્યો કરવા માટે પરિશ્રમ કરવો અને તે માર્ગમાં આવતા કષ્ટોને સહન કરવાં એ જ તપસ્યાની વ્યાખ્યા છે. ઋષિમુનિઓનું જીવન તપસ્યામય હતું. તેઓ તપશ્ચર્યા પાછળ ઘણો સમય ગાળતા હતા. વિદ્યા તથા જ્ઞાન કરતાં પણ તપસ્યાને વધારે મહત્વ આપવામાં આવતું હતું કારણ કે વિદ્યા અને જ્ઞાનથી મગજનો વિકાસ થાય છે, પરંતુ તેનાથી એ વિકાસને કાર્યરૂપમાં બદલવાની અને જીવનવ્યવહારમાં તેનો ઉપયોગ કરવાની ચેતના પેદા થતી નથી. જેને કઠોર પરિશ્રમ કરવાનો અભ્યાસ છે તે જ પોતાના શ્રેષ્ઠ વિચારો પ્રમાણે આચરણ કરી શકે છે.

જીવનને અવનતિની ખાઈમાં નાખી દેનારા કુવિચારો સહેલાઈથી ક્રિયામાં પરિણમે છે. પરંતુ માણસને ઊંચે ઉઠાવનાર તથા ઉન્નતિના માર્ગે આગળ વધારનાર વિચારો પ્રમાણે ચાલવા માટે ખૂબ પ્રયત્ન અને પરિશ્રમ કરવો પડે છે, અવરોધો સામે ઘણો સંઘર્ષ કરવો પડે છે ત્યારે જ સફળતા મળે છે. (સંકલન : ડો.પ્રણવ દવે)

એક સત્ય મારું હોય,એક સત્ય તમારું હોય,પરંતુ એક સત્ય આપણું હોય

અમારે અહીંયા હિન્દુ-મુસ્લિમનું સન્માન હતું. મૌલાનાએ મને શાલ ઓઢાડી, બીજા મૌલાનાએ પણ મને શાલ ઓઢાડી, મેં એ બન્નેને શાલ ઓઢાડી, આમ વચ્ચે બેસવાનો ફાયદો. એ બેયને એક-એક મળી અને મને બે મળી. તમે વચ્ચે બેસતા શીખો,સાહેબ. બધાની વચ્ચે બેસતા શીખો. અમારી મહુવાની કન્યાશાળામાં વિદાય સમારંભ હતો. અમારા નગરપતિ ઇબ્રાહીમભાઇ કલાણીયા આવ્યા હતા તે દિવસે, સનતભાઈના ખાસ મિત્ર. અને એ સમારંભ હતો એમાં હું પણ ત્યાં હતો. એમાં એક મુસ્લિમ દીકરી અને બે હિન્દુની દીકરી, એ કાળાં કપડાં પહેરેલા મુસ્લિમની દીકરી. એ ત્રણેયને હનુમાનચાલીસાનો પાઠ શિક્ષકોએ કરાવ્યો અને ત્રણેય હનુમાનચાલીસા બોલી. એટલે મેં આચાર્યને કહ્યું કે આવું નહીં કરાવવું જોઈએ. મુસ્લિમ દીકરીઓને ન બોલવું ગમે, તમે પરાણે તો નથી કરાવતા ને/ મને તો ફાવે નહીં, આ બરાબર નથી. તો કહે, નહીં, બાપુ.alt148 પણ મારા મનમાં પેલું રહ્યું કે આ મારી હાજરીમાં તો ન જ થવું જોઈએ કે કોઈ ધરમને તમે ફરજ પાડો કે, આમ કરો, એ બરાબર નથી. અંતે બધું એક જ છે હું સમજુ છું, આપણે બધા જ સમજીએ છીએ. પણ કરીએ છીએ ક્યાં/ સમજીએ છીએ.

अगर तू मस्जिदमें तो मंदिरमें कौन/ अगर तू बस्तीमें बसता है, तो हर दाने-दाने में कौन/

अगर तू बस्तीमें रहता है तो वीराने में कौन/

अगर तू तसबीह के एक दाने में है, तो हर दाने-दाने में कौन/

अगर तू शम्मामें जलता है तो, परवाने में कौन/

આપણે જાણીએ છીએ છતાં એક નથી રહી શકતા. એટલે મને આમ દુઃખ થયા કરે. મેં પૂરું થયા પછી ઇબ્રાહીમભાઇને કીધું, કે એમને પૂછોને કે, પરાણે હનુમાનચાલીસા તો નથી કરાવ્યા ને શિક્ષકોએ/ એટલે ઇબ્રાહીમભાઇએ પૂછ્યું કે, બેટા, તું હનુમાનચાલીસા કરતી હતી, બાપુ પૂછાવે છે કે, તને કોઈ દબાણ તો નથી ને/alt148 આ તો હિન્દુ સ્તુતિ છે અને તું તો મુસ્લિમ છો. છોકરીએ બહુ સરસ જવાબ આપ્યો, આવા જવાબો આપણે વિદ્યાર્થીઓની વચ્ચે બેસીને મેળવવાના છે. એ છોકરી એમ બોલી કે હિન્દુ-મુસ્લિમ એ તો તમે બધા મોટેરાઓના કામ છે,અમને શાંતિથી લેવા દો ને ! 

રામાયણમાં એક સૂત્ર છે, ‘ક્રોધ કી દ્વૈતબુદ્ધિ બિનુ.’ જ્યાં સુધી દ્વૈત બુદ્ધિ પેદા નથી થતી,ત્યાં સુધી જગતમાં ક્રોધ પેદા થઇ શકે નહીં અને ક્રોધ પેદા ન થાય,ત્યાં સુધી હિંસક વૃત્તિ પેદા ન થાય. હિંસક વૃત્તિ પેદા ન થાય ત્યાં સુધી કોઈ દિવસ કોઈ હિંસા કરી જ ન શકે. ક્રોધ-દ્વૈતમાંથી મારું સાચું, તારું ખોટું, પેલો કહે તારું ખોટું આવું ઊભું થાય. એટલે તો मम सत्यम् ને આપણે ત્યાં યુદ્ધનો પર્યાય ગણવામાં આવ્યો છે. હું તો એમ માનું છું કે,એક સત્ય મારું હોય, મારે સ્વીકારવું જોઈએ કે એક સત્ય તમારું પણ હોય અને એની સાથોસાથ આપણે બંને એ સ્વીકારવું જોઈએ કે એક સત્ય આપણું હોય. મારું સત્ય ઘીનો દીવો કરવાનું હોય, તો ઈસાઈભાઈનું સત્ય મોમબત્તી જલાવવાનું હોય, તો ઇસ્લામનું સત્ય એની રીતે વ્યક્ત થતું હોય,બૌદ્ધનું સત્ય એની રીતે વ્યક્ત થતું હોય. એક મારું સત્ય છે, એક તમારું સત્ય છે,એ બંનેને આદર મળવો જોઈએ. સાથોસાથ સૂર્ય આપણા બંનેનું સત્ય છે. આ બધાનું સત્ય છે. સદ્દ્ભાવનાની પાછળ જો સાધુભાવ નહીં હોય તો સદ્દ્ભાવ ક્યારેય નહીં થાય. સાધુભાવ એટલે કોઈ કપડામાં સાધુ છે એમ નહીં માનતા. કોઈ ફકીર છે, કોઈ ઈસાઈ છે, કોઈ હિંદુ ધર્મગુરુ છે, કપડા મૂકી દો. કપડાની વાત છોડી દો.સદ્દ્ભાવ શ્રેષ્ઠભાવ પ્રેરિત હો,અને એનો ગવાહ આપણો આત્મા હોય.પૂ. મોરારિ બાપુ

તમને શાનો ભય છે એ તમે જાણો છો/ તમારો ભય કોઇક જગ્યાએ છૂપાયેલો હોય છે

કોઈપણ પ્રત્યક્ષ ગતિ વિના અમે ધીમે ધીમે ઉપર ચડી રહ્યા હતા. અમારી નીચે ધોળાં અને ઝગમગતાં મોજાં જેવાં અસંખ્ય વાદળો દૃષ્ટિ પહોંચે ત્યાં સુધી પથરાયેલા હતા. એ અતિ ઘન અને આકર્ષક હતાં. કોઈકવાર મોટું ચક્કર ખાઈને જ્યારે અમે વધારે ઊંચે ચડતા ત્યારે ફીણ જેવાં ચમકતાં વાદળો વિખેરાતાં જણાતાં અને ખૂબ નીચે લીલી ધરતી દૃશ્યમાન થતો શિયાળાનો દિવસ હતો. સ્વચ્છ નીલ આકાશ મોહક અને અસીમ હતું. સૂર્યનાં ઝગમગતા કિરણો પથરાયેલાં હતાં. આ પર્વતો ધરતીઓથી ૧૪ હજાર ફૂટ કરતાં પણ વધારે ઊંચા હતા. શિખરોની એ હારમાળા સુપરિચિત હતી. એ અતિ સમીપ અને સુંદર જણાતી. વધારે ઊંચાં શિખરો દક્ષિણ બાજુએ આવેલાં હતાં. વીસ હજાર ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી અમે દક્ષિણ તરફ વળ્યા. અમારી પડખે બેઠેલો મુસાફર વાતોડિયો હતો. આ પર્વતોથી એ પરિચિત ન હતો. એટલે વિમાન ઊંચે ચઢતું હતું ત્યારે એ ઝોકાં ખાતો હતો, પણ અત્યારે એ વાત કરવા ઉત્સુક હતો. ધંધાને અંગે એ પ્રથમવાર જ જતો હોય એમ જણાતું. એને વિવિધ બાબતોમાં રસ હતો અને એ વિષે પુષ્કળ માહિતી હોય એમ વાતો કરતો. અમારી નીચે આવેલો સમુદ્ર ઘેરો અને દૂર હતો અને કોઈ કોઈ જગ્યાએ કેટલાંક છૂટાછવાયાં વહાણ જણાતાં. પક્ષીઓનાં ઉડ્ડયન માલૂમ પડતાં નહીં. કિનારા પર આવેલાં દીવાબતી થયેલાં ગામ અમે એક પછી એક પસાર કર્યાં. એ કહેતો હતો કે વિમાન તૂટી જશે તો એનો જ નહીં પણ બધાના જીવ જોખમમાં આવશે, પણ મને કોઈ ભય રહેશે નહીં. જીવનના બધા જ અકસ્માતોના ભય ન રહે એ કેટલું મુશ્કેલ છે! એ પરણેલો હતો અને એને સંતાન પણ હતાં. એને ભવિષ્યનો જ નહીં પણ સામાન્ય રીતે બધી જ બાબતનો ભય હતો. એનો ભય કોઈ ચોક્કસ બાબત પરત્વે ન હતો. જોકે એ યશસ્વી હતો છતાં આ ભયને લીધે એનું જીવન કંટાળામય અને દુ:ખમય હતું. કંઈક અંશે એ હંમેશા ભયમાં રહેતો. અત્યારે એ ભય સતત બન્યો હતો અને એનાં સ્વપ્ન ભય પમાડે એવાં હતાં. એની પત્ની એનો આ ભય જાણતી, પણ એ આટલો ગંભીર હશે એવી અને ખબર ન હતી.ભય કોઈના સંબંધમાં જ હોય છે. કોઈ અમૂર્ત ભાવરૂપે એ માત્ર શબ્દ જ છે અને શબ્દ એ ભય નથી. તમને શાનો ભય છે એ તમે જાણો છો/

હું એ ખાતરીપૂર્વક જાણી શક્યો નથી. વળી મારાં સ્વપ્ન પણ અતિ અસ્પષ્ટ છે, પણ એ બધાની પાછળ ભય છુપાયેલો છે. આ વિષે મેં દાક્તરોને અને મિત્રોને વાત કરી છે પણ એઓએ મારી વાત કાં તો હસી કાઢી છે અગર એઓ મને કોઈ રીતે મદદ કરી શક્યા નથી. એ ભયને કદી હું પકડી શક્યો નથી એ હવે એ બાબતથી હું મુક્ત થવા ઇચ્છું છું

તમારે ખરેખર મુક્ત થવું છે કે આ માત્ર શબ્દો જ છે!

હું કદાચ વિચારશૂન્ય જણાતો હોઈશ પણ આ ભયથી મુક્ત થવા માટે હું ભારે ભોગ આપવા તૈયાર છું. હું ખાસ કોઈ ધાર્મિક માણસ નથી પણ વિચિત્ર વાત એ છે કે આમાંથી મુક્ત થવા માટે મેં ઇશ્વરને પ્રાર્થનાઓ કરી છે. જ્યારે મારા કામમાં કે કોઈ રમતમાં મશગૂલ હોઉં છું ત્યારે ભય હોતો નથી પણ કોઈ પિશાચની માફક એ રાહ જોઇએ ઊભો જ હોય છે એટલે ઝટ પાછા અમે સાથીદારો બનીએ છીએઅત્યારે તમને જે ભય છે, એ કોઈક જગ્યાએ છુપાયેલો છે એનું અત્યારે તમને ભાન છે/ એ ભય જાગૃત મનનો છે/ કે અજાગૃત મનનો છે/

અંતર કે અવકાશ રૂપે નહીં, પણ લાગણી રૂપે એ જ દૂર કે સમીપ છે એવું તમને ભાન છે/ ભય કોઈના સંબંધમાં જ હોય છે.એ તમારા કુટુંબના, તમારા કાર્યના ભવિષ્ય માટેની તમારી ચિંતાઓના, મૃત્યુના સંબંધમાં હોય છે. જે. કૃષ્ણમૂર્તિ

તમારી વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પ્રથમ તો છટકી જવાની ક્રિયા અટકવી જો

મારી પત્ની અને હું એકબીજાને ચાહીએ છીએ. એ અન્ય પુરુષ પ્રત્યે નજર કરવાનોય વિચાર કરતી નથી અને પરસ્ત્રીઓ પ્રત્યે હું આકર્ષાતો નથી અમને એકબીજામાં સંપૂર્ણતા પ્રાપ્ત થાય છે બાળકોની ચિંતા છે અને માણસો જે કાંઈ કરી શકે તે અમે કરીએ છીએ. જગતમાં આટલી બધી આર્થિક અવ્યવસ્થા હોવા છતાં આપણે લોકોને આર્થિક સલામતી આપી શક્તા નથી એટલે લોકોએ પોતાનું બનતું કરી લેવું પડે છે. મારી નોકરી સામાન્ય રીતે સલામતીભરી છે પણ મારી પત્નીને કાંઈક થાય એવો સ્વાભાવિક ભય મને રહે છે. અમને એકબીજાથી સુખ પ્રાપ્ત થાય છે સોબત, સમજ વગેરે વધારે ઊંડા અર્થમાં અમે એકબીજા પર આધાર રાખીએ છીએ. અમારામાંથી કોઈને પણ જો કંઈ થાય તો એ એક ભારે ફટકો થઈ પડે. એ અર્થમાં અમે પરાવલંબી છીએ

પરાવલંબી એટલે શું કહેવા માગો છો?તમે એમ જ કહેવા માગો છો ને કે એના વિના તમે નિરાધાર બની જાઓ, તમે તદ્દન એકલા થઇ જાઓ .ખરું ને ! એની પણ એ જ સ્થિતિ થાય એટલે તમે એકબીજા પર અવલંબન રાખો છો. આપણે ઉપેક્ષા કે ન્યાય કરી રહ્યા નથી પણ તપાસ કરી રહ્યા છીએ. આ બધી બાબતોમાં તમારે ઊંડા ઊતરવું છે તમે એ કાર્ય કરવા માગો છો એની તમને ખાતરી છે / એમ જ હોય તો આપણે આગળ ચાલીએ.

તમારી પત્ની વિના તમે એકલા પડી જાઓ, ઊંડા અર્થમાં તમે નિરાધાર બની જાઓ. એટલે તમારી પત્ની તમારે માટે જરૂરી છે. તમારા સુખ માટે તમે એના પર આધાર રાખો છો. આ અવલંબનને પ્રેમ કહેવામાં આવે છે. એકલા થતાં તમે ડરો છો, જેવી રીતે તમે એના એકલાપણાને ઢાંકો છે, તેવી રીતે એ તમારું એકલાપણું ઢાંકે છે છતાં એકલાપણું તો રહે છે જ. એકલાપણાને ઢાંકવા આપણે એકબીજાનો ઉપયોગ કરીએ છીએ. અનેક રીતે જુદાજુદા સંબંધમાંથી છટકી જઇએ છીએ. આવો દરેક સંબંધ અવલંબન બને છે. સંગીતથી મને આનંદ થાય છે, મારે જીવનના પ્રશ્રોથી હું અળગો થઉં છું ત્યારે હું રેડિયો સાંભળું છું. પુસ્તકો અને જ્ઞાન પણ જીવનની સગવડભરી છટકબારીઓ છે .આ બધી બાબતો પર આપણે આધાર રાખીએ છીએ.મોટા ભાગનો વર્ગ છટકી જાય છે પણ તમારા જીવનસાથી છટકી જવાથી તમે પરાવલંબન વધારે પ્રબળ બને છે. છટકબારીઓ વધારે આવશ્યક થઈ પડે છે પત્ની, પુસ્તક, રેડિયો, અસાધારણ મહત્વનો થઇ પડે છે. છટકબારીઓ અતિ મહત્વની અતિ કીમતી થઇ પડે છે. તમારી એકલતામાંથી તમારા ખાલીપણામાંથી, તમે છો તેમાંથી જે છે એને જોવા વિના જો તમે છટકી જાઓ તો દેખીતું છે કે તમે સમજી શકો નહીં, માટે પ્રથમ નાસી જવાની, છટકી જવાની ક્રિયા અટકવી જોઇએ. પછી જ તમે તમારી વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરી શકો, પણ જે છે એની જો તમે ટીકા કર્યા કરો. જો તમે એના પ્રત્યે પ્રીતિ કે અપ્રીતિ દર્શાવ્યા કરો. તો તમે એનું અવલોકન કરી શકો નહીં. તમે એને એકલતા કહો છો અને એનાથી દૂર રહો છો પણ જે છે એમાંથી છટકી જવાની કિયા એ જ ભય આ એકલતાનો ખાલીપણાનો તમને ભય છે અને અવલંબન એને ઢાંકી રાખવાની ક્રિયા છે એટલે ભય ચાલુ જ રહે છે. જયાં સુધી તમે જે છે એમાંથી છટકી જશો ત્યાં સુધી એ ચાલુ જ રહેશે. કોઈની સાથે પણ, કોઈ વ્યકિત સાથે વિચાર સાથે, સંપૂર્ણ રીતે એકરૂપ થવું એ છેવટની છટકબારી છે એવી ખાતરી મળતી નથી, કારણ કે આ ભય પશ્વાદભૂમિમાં હંમેશા રહેલો હોય છે સ્વપ્ન દ્વારા એ ભય પ્રકટ થાય છે ત્યારે એકરૂપતામાં ભંગાણ પડે છે માણસ જો અનિશ્વિત મનવાળો ન હોય તો એકરૂપતામાં ભંગાણ પડયા વિના રહેતું નથી. જે. કૃષ્ણમૂર્તિ

સ્ત્રોત: નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/30/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate