મિત્રો આ સત્યઘટના વાંચવા જેવી છે અને જીવન માં કશુંક ઉતારવા જેવું છે ..
ઉતરપ્રદેશની વતની અરુણીમાં સિંહા વોલીબોલ અને ફુટબોલની નેશનલ પ્લેયર હતી. તા.11 એપ્રિલ 2011ના રોજ અરુણીમાં પદ્માવતી એક્ક્ષપ્રેસ દ્વારા લખનૌથી દિલ્હી જઇ રહી હતી. જનરલ ડબ્બામાં ઘુસેલા કેટલાક ચોરનું ધ્યાન અરુણીમાંએ પહેરેલા સોનાના ચેઇન પર પડ્યુ. ચેઇન ઝૂંટવવા ચોરમંડળીએ પ્રયાસ કર્યો અને અરુણીમાંએ એનો વિરોધ કરતા ચોરોએ અરુણીમાંને ચાલુ ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી.
બરાબર એ જ સમયે બાજુના ટ્રેક પરથી બીજી ટ્રેન પસાર થઇ. અરુણીમાંનો એક પગ ગોઠણ નીચેના ભાગથી કપાઇ ગયો અને બીજા પગના હાડકા બહાર આવી ગયા. અરુણીમાંએ મદદ માટે ખુબ બુમો પાડી પણ રાત્રીના અંધકારમાં એનો અવાજ લોકો સુધી પહોંચી જ નહોતો શકતો. આખી રાત એ પીડાથી કણસતી રહી. આંખે અંધારા આવી ગયા અને દેખાતું પણ બંધ થઇ ગયુ. સવારે લોકોનું ધ્યાન પડતા એને નજીકની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી.
હોસ્પીટલમાં એનેસ્થેસીયાની સુવિધા નહોતી એટલે ડોકટરો મુંઝાયા કે બેભાન કર્યા વગર સારવાર કેમ કરવી. અરુણીમાંને દેખાતું નહોતું પરંતું બધુ સાંભળી શકતી હતી એટલે એણે ડોકટરોની અંદરઓઅંદરની વાત સાંભળીને કહ્યુ, “મેં અત્યાર સુધી જે પીડા સહન કરી છે એની સામે બીજી બધી જ પીડા કંઇ નથી મને એનેસ્થેસીયા આપ્યા વગર જ સારવાર આપો”. ડોકટરોએ છોકરીની હિંમત જોઇને ઓપરેશન કરવાની હિંમત કરી અને એનેસ્થેસિયા વગર એનો એક પગ કાપી નાંખ્યો અને બીજા પગમાં સળીયા નાંખ્યા.
અરુણીમાંને ત્યારબાદ દિલ્હીની એઇમ્સ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી. બધા કહેતા હતા કે હવે આ છોકરી જીવન કેવી રીતે વિતાવશે ? હોસ્પીટલના બિછાને પડ્યા પડ્યા અરુણીમાંએ એક સંકલ્પ કર્યો ‘મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે”. જે લોકોએ આ વાત જાણી એ અરુણીમાંને ગાંડી ગણવા લાગ્યા. 4 મહિના બાદ જ્યારે અરુણીમાંને હોસ્પીટલમાંથી રજા મળી તો એ ઘરે જવાને બદલે સીધી જ 1984માં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર બચેન્દ્રીપાલની ઘરે પહોંચી. પોતાના સંકલ્પની બચેન્દ્રીપાલને વાત કરી. વાત સાંભળીને બચેન્દ્રીપાલની આંખો પણ ભીની થઇ ગઇ. એણે અરુણીમાંને કહ્યુ, “બેટા, તે મનથી તો એરરેસ્ટ સર કરી જ લીધુ છે, હવે તારે માત્ર દુનિયાને એ બતાવવાનું છે.”
ઘરે આવીને અરુણીમાંએ પર્વતારોહણની તાલીમ લેવાનું ચાલુ કર્યુ. ખુબ મુશ્કેલી પડે કારણકે એક પગ નકલી હતો અને બીજા પગમાં સળીયા હતા. પણ હારીને બેસી જાય તો એ અરુણીમાં નહી. અનેક સંઘર્ષોની વચ્ચે પણ એણે પ્રયાસો ચાલુ જ રાખ્યા. દુનિયામાં કોઇને વિશ્વાસ નહોતો કે અરુણીમાં એવરેસ્ટ સર કરી શકશે. અનેક મુશ્કેલીઓનો સામનો કરતા કરતા, મૃત્યુ સામે બાથ ભીડીને પણ આ ભડવીર નારીએ તા.21મી મે 2013ના રોજ માઉન્ટ એવરેસ્ટ સર કરીને હોસ્પીટલની પથારી પર જોયેલા સપનાને સાકાર કર્યુ. લોકો મોઢામાં આંગળા નાંખી ગયા. ભારતની એક છોકરીએ અશક્યને શક્ય કરી બતાવ્યુ અને કોઇ વિકલાંગે એવરેસ્ટ સર કર્યુ હોય એવી પ્રથમ ઘટનાનું માન મેળવ્યુ. ત્યારબાદ અરુણીમાંએ વિશ્વના તમામ ઉંચા પર્વતો સર કરીને તીરંગો એ પર્વતો પર લહેરાવવાનો સંકલ્પ કર્યો અને પુરો પણ કર્યો. ગયા વર્ષે ભારત સરકારે દેશની આ શુરવિર દિકરીને પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત પણ કરી.
મિત્રો, વિકલાંગતા શરીરથી નહિ, મનથી હોય છે. જે માણસ મનથી વિકલાંગ હોય એ શરીરથી ગમે તેટલો મજબુત હોય તો પણ કંઇ ન કરી શકે અને જે માણસ મનથી મજબુત હોય એને સફળ થતા કોઇ શારીરીક વિકલાંગતા ક્યારેય અટકાવી ન શકે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/29/2019