ખેરા ગામના મહિલા સંગઠને દાખવી બેનમૂન સતર્કતા ........
ખેરા ગામ અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાનું એક ગામ છે. આ ગામમાં મહાકાળી મહિલા બચત મંડળ ચાલે છે. આ મંડળમાં સ્થાનિક મહિલાઓ જોડાઈ છે અને તેના પ્રમુખ તરીકે મંજુબેન ગુજરિયા છે.આ સંગઠનના સભ્યો ઉત્થાન સંસ્થા દ્વારા આયોજિત ક્ષમતાવર્ધન કાર્યક્રમોમાં પણ અવાર નવાર જોડાતાં રહે છે.આથી તેમનામાં બચત, આગેવાની તેમજ અન્ય જીવનોપયોગી કુશળતાઓનો સારો એવો વિકાસ થયો છે. ગામમાં કોળી જાતિના લોકોનું પ્રમાણ વધુ છે. એક બાજુ ગામમાં પુરતી રોજગારીની તકો ન મળવાથી ગામના લોકો વર્ષના ૮-૯ મહિના રોજગારી માટે રાજ્યમાં સ્થળાંતર કરે છે અને ચોમાસાના ૪ મહિના જુદા જુદા તહેવારો અને સામાજિક પ્રસંગોની મઝા માણે છે. આ સમય દરિમયાન તેઓએ ૮ મહિના જે કાળી મજુરી કરીને પૈસા કમાવેલા હોય છે તે મોજમઝા કરવામાં અને ખાસ કરીને દારૂ પીવામાં વેડફી નાખે છે.આના કારણે મહિલાઓ પરની હિંસાનું પ્રમાણ વધી જાય છે. આવા કેસોમાં આ મહિલા મંડળ હિંસાનો ભોગ બનતી મહિલાઓને ન્યાય અપાવવા માટે તેઓ ખડે પગે રહે છે અને ક્યારેક પોલીસ સ્ટેશને પણ આની જાણ કરતા રહે છે.
આ ગામ દરિયાકિનારે આવેલું હોવાથી દારૂ, નશાકારક દ્રવ્યો અને અન્ય કિમતી ચીજોની હેરફેર પણ અહીં બહુ મોટા પ્રમાણમાં થાય છે. એકવાર ૬ ફેબ્રુઆરી,૨૦૧૧ ના રોજ મંગુબેનને બાતમી મળી કે બપોરના ૨ વાગે તેમના ગામના દરિયા કિનારે વિદેશી દારૂ ઉતર્યો છે તો તેમણે મનોમન નક્કી કર્યું કે આ દારુના જથ્થાને પકડાવી દેવો. આથી તેમને આ બાબતની જાણ ઉત્થાન દ્વારા ચાલતા માહિતી સેન્ટરના વાળા શ્રી. ભાવનાબેનને કરી અને તેમની મદદ લઈને જાફરાબાદના સી પી આઈ શ્રી રાઠવા સાહેબને જાણ કરી તેમણે ચાંચ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈને આ બાબતની જાણ કરી. આ પછી મંગુબેન અને ભાવનાબેન ચાંચ પોલીસ સ્ટેશને પહોંચ્યા. આથી પોલીસે તાત્કાલિક સ્થળ પર જઈને ગેરકાયદેસર આવતો જથ્થો જપ્ત કરી લીધો. પરંતુ તે દારૂ નહિ પણ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો હતો. જે સરેરાશ ૪ લાખનો માલ હતો. જેની તપાસ પુરવઠા ખાતાના માણસોએ રૂબરૂ હાજર રહીને કરી.આ કામમાં શિયાળબેટના સરપંચ અને ઉપસરપંચ પણ સંડોવાયેલા હતાં. સાથે સાથે એ પણ જાણવા મળ્યું કે આવા ગેરકાયદેસરના માલનું પીપાવાવ પોર્ટ પર ગેરકાયદેસર વેચાણ પણ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં સ્થનિક આગેવાનો, રાજકીય આગેવાનો અને પોલીસ સંડોવાયેલી હતી. આમ મહિલા મંડળના પ્રમુખની જાગૃતિ અને હિમતના કારણે વારંવાર આવા ગેરકાયદેસરના દારૂ અને અન્ય કિમતી માલની હેરફેરને પકડવામાં આવે છે જેથી સ્થાનિક સ્તરે અને આજુબાજુના પંથકના ગેરકયેસર માલની હેરફેર કરનારાઓ મહિલા મંડળથી ફફડે છે. જેના પરિણામે આવી હેફેર, દારૂ પીવાનું પ્રમાણ અને મહિલાઓ પર કરતી હિંસાનું પ્રમાણ નોધપાત્ર સ્તરે ઘટ્યું છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/28/2020