অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આપણાં શાસ્ત્રો

શાસ્ત્ર એટલે શું ?

શબ્દાર્થ : ‘शास्तिचत्रायतेचइतिशास्त्रम्।’ અર્થાત્ શાસન અને સંરક્ષણ કરે તે શાસ્ત્ર.

ભાવાર્થ : ઋષિઓના ઉપદેશ ધરાવતા પવિત્ર ગ્રંથોને શાસ્ત્ર કહેવામાં આવે છે.

સમયના વહેણમાં દરેક તબક્કે અનેક મહાત્માઓએ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી ધર્મનું ધ્યેય પ્રાપ્ત કર્યું છે. તેમાંના ઘણાએ જુદે જુદે માર્ગે ચાલીને એક જ લક્ષ્યને સાધ્યું હતું. સૃષ્ટિના જીવમાત્રના કલ્યાણના ઉદ્દેશથી પ્રાચીનકાળના આ મહાત્માઓએ તેમના જ્ઞાન અને અનુભવનો ઉપદેશ અનેક ગ્રંથો મારફત આપણને આપ્યો છે. આ ગ્રંથોને આપણે “શાસ્ત્રો” તરીકે ઓળખીએ છીએ. સમાજના જુદા જુદા થરને ધર્મની સમજ આપવાની હોઈ, આ જુદા જુદા લોકોના બૌદ્ધિક, વ્યવહારિક અને આધ્યાત્મિક સ્તર મુજબ જુદી જુદી કક્ષાનાં અને જુદા જુદા પ્રકારનાં અનેક શાસ્ત્રો રચાયેલ છે.

શાસ્ત્રોનું મહત્વ :–

માનવજીવનની બધી જ ભાવનાઓને વધુ આધ્યાત્મિક, વધુ મજબૂત, વધુ ઊંડી અને વધુ ઉન્નત બનાવવા આ શાસ્ત્રો આપણને સતત સનાતન સિદ્ધાંતો શિખવાડતાં રહ્યાં છે. ઉપરાંત શાસ્ત્રો આ સિદ્ધાંતોને અનુકૂળ વિધિ-વિધાનો કરવા પ્રેરણા પણ આપે છે અને આ સિદ્ધાંતોના વિરુધ્ધનું આચરણ કરવાથી રોકે પણ છે. શાસ્ત્રોના મહત્વને સમજાવતું એક સુભાષિત સંસ્કૃત ભાષામાં છે:

अनेकसंशयोत्व्छेदिपरोक्षार्थस्यदर्शकम्।
सर्वस्यलोचनंशास्त्रंयस्यनास्त्यन्घएवसः॥

શબ્દાર્થ : શાસ્ત્ર સર્વ શંકાઓનો નાશ કરે છે અને પરોક્ષ લાગતા સિદ્ધાંતોને પ્રત્યક્ષ કરી આપે છે. શાસ્ત્ર માનવીની આંખો છે, તેથી જે શાસ્ત્રને જાણતો નથી તે ખરેખર આંધળો જ છે.

ભાવાર્થ : શાસ્ત્ર આપણી બધી શંકાઓનું સમાધાન કરે છે અને આડકતરા લાગતા સનાતન સિદ્ધાંતો આપણા જીવનમાં કઈ રીતે સીધી અસર કરે છે તે સમજાવે છે. શાસ્ત્રરૂપી આંખના માધ્યમથી કંટકછાયો જીવનપથ સરળતાથી પાર કરી શકાય છે. પરંતુ જે મનુષ્ય શાસ્ત્રને જાણતો નથી, તેણે આંધળાની જેમ જીવનપથ પાર કરવો પડે છે. આમ શાસ્ત્રોનું જ્ઞાન આપણને વિશ્વની તમામ જીવસૃષ્ટિનું જીવન સારી રીતે જીવી શકાય શકે તે માટેનું માર્ગદર્શન આપે છે.

શાસ્ત્ર કેટલાં છે અને ક્યાં ક્યાં ?
આપણાં શાસ્ત્રોની ગણતરી કરીએ તો લગભગ ૪૦ થી ૫૦ તો મુખ્ય ગ્રંથ છે અને તેના ઉપગ્રંથો, પુરાણો, મીમાંસા, સંબંધિત ગ્રંથો વિગેરેને ધ્યાનમાં લઈએ તો કુલ આંકડો કદાચ ૪૦૦ કે ૫૦૦ની સંખ્યાને પણ પાર કરી જાય. આ ઉપરાંત જો તમે અત્યારે અપ્રાપ્ય છે એવા ગ્રંથો અને અમુક અમાન્ય ગ્રંથો પણ ગણતરીમાં લો તો કુલ શાસ્ત્રો એક હજાર કરતાં પણ વધારે છે.

આ બધાં શાસ્ત્રોમાં “વેદ” સૌથી પ્રાચીન ગ્રંથ છે અને તે બીજાં બધાં શાસ્ત્રોનું મૂળ છે. ભલે આપણને બધાને આપણાં શાસ્ત્રો વિષે વધારે માહિતી કદાચ ના હોય, પરંતુ મોટાભાગના લોકો એટલું તો જરૂર જાણતા હશે જ કે આપણું સૌથી પ્રાચીન અને સૌથી મહત્વનું શાસ્ત્ર “વેદ” છે. હવે તમે એ પણ જાણી લો કે વેદ એ ફક્ત હિંદુ સંસ્કૃતિનો જ કે આપણા દેશનો જ નહિ પરંતુ સમગ્ર વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે.

એક મહત્વની હકીકત એ પણ છે કે વેદ એ કોઈ માનવરચિત ગ્રંથ નથી, પરંતુ સર્વશક્તિમાન ઈશ્વર દ્વારા અપાયેલું જ્ઞાન છે. પૃથ્વી અને મનુષ્યની ઉત્પત્તિ સમયે ઈશ્વરે ઋષિઓને વેદનું જ્ઞાન આપ્યું. આ ઋષિઓએ પોતાના શિષ્યોને આ જ્ઞાન આપ્યું અને તે જ રીતે ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા વેદોના આ જ્ઞાનનું આદાન-પ્રદાન ચાલતું રહ્યું. ઘણા લાંબા સમય સુધી વેદના જ્ઞાનનો પ્રસાર-પ્રચાર આ રીતે ફક્ત પઠન અને શ્રવણથી (બોલીને અને સાંભળીને) થતો રહ્યો. સમયાંતરે લખાણ અને છપાઈની સુવિધાઓ શોધાઈ, તે પછી વેદો પુસ્તક રૂપે મળવા લાગ્યા.

વેદોમાં સર્વ વિદ્યાઓનું સંક્ષેપમાં વર્ણન છે. વેદો જ્ઞાનનો ભંડાર છે અને તેમાં જીવનનાં અનેક ગૂઢ રહસ્યો પ્રગટ કરાયેલાં છે. એવું પણ કહી શકાય કે વેદો વિચારોના ગ્રંથો છે. અન્ય બધાં જ શાસ્ત્રો વેદનો મહિમા ગાય છે અને વેદને જ ધર્મનું મૂળ માને છે. અમેરિકાની ખ્યાતનામ ખગોળસંસ્થા નાસાએ પણ વેદોમાં સમાવિષ્ટ જ્ઞાનને પ્રામાણિત માન્યું છે.

વેદો હિંદુ ધર્મના મૂળ ધર્મગ્રંથ ગણાય છે. જોકે વેદોના ઉપદેશનો અભ્યાસ કરીએ તો જણાય છે કે તે કોઈ એક ધર્મ કે સંપ્રદાયના લોકો માટેના ગ્રંથો નથી, પરંતુ સમસ્ત માનવજાતના કલ્યાણ માટેના ગ્રંથો છે. આમ વેદો ધર્મગ્રંથ નહિ પણ જ્ઞાનગ્રંથ છે.

વેદના જ્ઞાનને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ઋગ્વેદનો મુખ્ય વિષય પદાર્થજ્ઞાન છે. અર્થાત્ તેમાં સંસારમાં સમાવિષ્ટ પદાર્થોનું સ્વરૂપ રજુ થયેલ છે. યજુર્વેદમાં કર્મોના અનુષ્ઠાનનું, સામવેદમાં ઈશ્વરની ભક્તિ અને ઉપાસનાના સ્વરૂપનું અને અથર્વવેદમાં વિવિધ વિજ્ઞાનનું મુખ્યરૂપે વર્ણન કરેલું છે.

આ ચાર વેદોમાં વર્ણન કરેલું જ્ઞાન ઘણું ગહન છે અને તેમાં જીવનનાં ગૂઢ રહસ્યો અત્યંત સંક્ષિપ્તમાં રજૂ કરેલ છે, જેથી ફક્ત વિદ્વાનો જ તેને જાણી અને સમજી શકે છે. આથી આપણા સમજુ ઋષિઓએ વેદોનું જ્ઞાન સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે વેદોમાં સમાવેલા આધ્યાત્મિક જ્ઞાનને સરળ બનાવવા પ્રયત્ન કર્યો, તો તેમાંથી ૫૦૦થી પણ વધારે ગ્રંથો રચાયા, જે બધા પણ શાસ્ત્ર તરીકે ઓળખાય છે. આ બધા ગ્રંથોની ટૂંકમાં વિગતો હવે જાણીશું.

ચારે વેદના એક-એક ‘ઉપવેદ’ છે. ઋગ્વેદના ઉપવેદનું નામ આયુર્વેદ છે, જેમાં તંદુરસ્તી, તંદુરસ્ત રહેવાના ઉપાય, રોગ, રોગનાં કારણો, દવાઓ અને વૈદકીય સારવારનું વર્ણન કરેલ છે. યજુર્વેદના ઉપવેદનું નામ ધનુર્વેદ છે, જેમાં સૈન્ય, હથિયાર, યુધ્ધકળા વિગેરેનું વર્ણન છે. સામવેદના ઉપવેદનું નામ ગંધર્વર્વેદ છે, જેમાં ગાયન, વાદન, નર્તન વિગેરેનું વર્ણન છે. જયારે અથર્વવેદના ઉપવેદનું નામ અર્થર્વેદ છે, જેમાં વેપાર, અર્થવ્યવસ્થા વિગેરેનું વર્ણન છે.

વેદના મંત્રોની સરળ સમજ માટે ઋષિઓએ દરેક વેદને ભાષ્ય એટલેકે વ્યાખ્યાના રૂપમાં રજુ કરી જે ગ્રંથોની રચના કરી તે ‘બ્રાહ્મણ ગ્રંથો’ કહેવાય છે. ચારે વેદોના મળીને કુલ ૧૭ બ્રાહ્મણ ગ્રંથો રચાયા હોવાનું કહેવાય છે, પરંતુ તેમાંથી ઘણા સમયની સાથે લુપ્ત થઇ ગયા છે. જે ઉપલબ્ધ છે તેમાં ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથ એતરેય, યજુર્વેદના શતપથ, સામવેદના તાણ્ડય અને અથર્વવેદના ગોપથનો સમાવેશ થાય છે.

બ્રાહ્મણ ગ્રંથોના ભાગ રૂપે આરણ્યક ગ્રંથોની રચના થઇ, જેમાંથી અત્યારે ૬ ગ્રંથ ઉપલબ્ધ છે. ઐતરેય, શાંખાયન, કૌષીતકી, તૈત્તિરીય, મૈત્રાયણી અને બૃહદારણ્યક.

આપણા સમજુ ઋષિઓએ વેદોનું જ્ઞાન સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે વેદોમાં સમાવેલા આધ્યાત્મિક જ્ઞાન, બ્રહ્મ, જીવ, મન, સંસ્કાર, જપ, સ્વાધ્યાય, તપસ્યા, ધ્યાન, સમાધિ વિગેરે વિષયોનું અલંકારિક વાર્તાઓ અને ઉદાહરણ સાથે સરળ રૂપમાં વર્ણન કરતા ગ્રંથો લખ્યા, જે ‘ઉપનિષદ’ તરીકે ઓળખાય છે. વેદોનું જ્ઞાન એટલું ગૂઢ અને વિશાળ છે કે તેને સરળ રૂપમાં રજુ કરવામાં લગભગ ૩૦૦ જેટલાં ઉપનિષદ રચાયાં. આમાંથી ૧૦૮ ઉપનિષદ માન્ય ગણાય છે, જેમાંથી ૧૦ ઉપનિષદ મુખ્ય ગણાય છે: ઇશોપનિષદ, કઠોપનિષદ, કેનોપનિષદ, પ્રશ્નોપનિષદ, મુંડકોપનિષદ, માંડ્યુક્યોપનિષદ, એતરેયોપનિષદ, તૈત્તિરીયોપનિષદ, છાંદોગ્યોપનિષદ અને બૃહદારણ્યકોપનિષદ.

ઉપનિષદો વેદનો અંતિમ અને નિષ્કર્ષરૂપ ભાગ છે, તેથી “વેદાંત” તરીકે પણ ઓળખાય છે. સંસ્કૃત સાહિત્યમાં ઉપનિષદ ગ્રંથોનો ઘણો મહત્વપૂર્ણ દરજ્જો છે. ઉપનિષદમાં સમાયેલા બહુમૂલ્ય અને ઉપયોગી જ્ઞાનને કારણે જ તેમને વેદોનો સાર કે વેદોનું મસ્તક પણ કહેવાય છે. આધ્યાત્મના વિષયમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાનની પ્રાપ્તિ માટે એક માત્ર પ્રમાણિક સાધન ઉપનિષદ ગ્રંથો છે.

વેદોના ગહન મંત્રોના સુક્ષ્મ અર્થને સ્પષ્ટતાથી સમજાવવા માટે આપણા વિદ્વાન ઋષિઓએ ‘વેદાંગ’ નામના ૬ ગ્રંથોની રચના કરી છે. શિક્ષાગ્રંથમાં સંસ્કૃત ભાષાના અક્ષરોનું વર્ણન, તેમની સંખ્યા, પ્રકાર, ઉચ્ચારણ, સ્થાન વિગેરેનું વિવરણ કરેલું છે. કલ્પગ્રંથમાં વ્યવહાર, સુનીતિ, ધર્માચાર વિગેરે વિષયોનું વર્ણન છે. વ્યાકરણગ્રંથમાં શબ્દોની રચના, ધાતુ, પ્રત્યય તથા કયા શબ્દના કેટલા અર્થ થાય છે તે વિષેનું વર્ણન છે. નિરુક્તગ્રંથમાં વેદના મંત્રોનો અર્થ કઈ વિધિથી કરવો તેનો નિર્દેશ કરેલો છે. છંદગ્રંથમાં શ્લોકોની રચના તથા ગાયનકલાનું વર્ણન છે અને જ્યોતિષગ્રંથમાં ભૂગોળ-ખગોળની સ્થિતિ-ગતિ અને ગણિત જેવી વિદ્યાઓનું વર્ણન છે.

આપણા વિદ્વાન ઋષિઓએ વેદોનાં દાર્શનિક તત્વોની વિસ્તારપૂર્વક અને શંકા તથા તેના સમાધાન સાથેની વિવેચના જે ૬ ગ્રંથોમાં કરી છે તે વેદનાં ‘ઉપાંગ’ અથવા ‘દર્શનશાસ્ત્ર’ તરીકે ઓળખાય છે. જૈમિનીઋષિકૃત મીમાંસાદર્શનમાં ધર્મ, કર્મ, યજ્ઞ વિગેરેનું વર્ણન છે. વ્યાસઋષિકૃત વેદાન્તદર્શનમાં બ્રહ્મ એટલે કે ઈશ્વરનું વર્ણન છે. ગૌતમઋષિકૃત ન્યાયદર્શનમાં તર્ક, પ્રમાણ, વ્યવહાર તથા મુક્તિનું અને કણાદઋષિકૃત વૈશેષિકદર્શનમાં જ્ઞાન-વિજ્ઞાનનું વર્ણન છે. કપિલઋષિકૃત સાંખ્યદર્શનમાં પ્રકૃતિ, પુરુષ (જીવ)નું અને પતંજલિઋષિકૃત યોગદર્શનમાં યોગસાધના, ધ્યાન, સમાધિ આદિ વિષયોનું વર્ણન છે.

આમ ૪ વેદ, ૪ ઉપવેદ, ૪ બ્રાહ્મણ ગ્રંથ, ૬ આરણ્યક ગ્રંથ, ૧૦ ઉપનિષદ, ૬ વેદાંગ અને ૬ દર્શન મળીને ૪૦ તો મુખ્ય શાસ્ત્ર થયાં. ઉપરાંત બીજાં ૯૮ ઉપનિષદ ઉમેરીએ તો કુલ ૧૩૮ શાસ્ત્ર થયાં. આ બધાં શાસ્ત્રો મુખ્યત્વે વેદ પર આધારિત ગ્રંથો છે, જેથી “વૈદિક સાહિત્ય” તરીકે ઓળખાય છે. મોટેભાગે આ ગ્રંથો મૂળ રૂપમાં સચવાઈ રહ્યા છે અને તેમાં મોટે ભાગે આધ્યાત્મિક જ્ઞાન પર વધારે ભાર આપવામાં આવ્યો છે.

આ “વૈદિક સાહિત્ય”ની રચના પછીના સમયમાં પણ આપણા ઋષિઓએ ૧૦૦થી પણ વધારે સ્મૃતિગ્રંથો, ૧૦૦થી પણ વધારે સંહિતાઓ, ૧૮ પુરાણો, ૧૮ ઉપપુરાણો, અનેક સુત્રગ્રંથો, અનેક પ્રાતીશાખ્ય, મહાભારત જેવા લગભગ ૪૦૦થી પણ વધારે ગ્રંથો રચેલા છે. આ બધા ગ્રંથોનો પણ શાસ્ત્રોમાં સમાવેશ થાય છે. આ ગ્રંથોની રચના મનુષ્યને કર્તવ્ય અને અકર્તવ્યનો બોધ કરાવવા માટે થયેલ છે અને તેમાં કૌટુંબિક, સામાજીક, ધાર્મિક અને રાજનૈતિક નિયમોનું વિધાન છે. પાછળથી રચાયેલા આ ગ્રંથોમાં ધાર્મિક ભાવના, કર્મકાંડ, ક્રિયાકાંડ, કૌટુંબિક અને સામાજીક વ્યવહાર, વર્ણવ્યવસ્થા વિગેરે બાબતોનું વર્ણન પણ કરેલું છે.

આમ પાછળથી રચાયેલા આ ગ્રંથોમાં આધ્યાત્મિક જ્ઞાન કરતાં ધાર્મિક અને સામાજીક વિષયો પર વધુ ઝુકાવ છે. ઉપરાંત સમયે સમયે આ ગ્રંથોમાં સુધારા-વધારાની ભેળસેળ થતી રહી છે, જેથી આ ગ્રંથોમાં કોઈવાર ઋષિઓના મૂળ ઉપદેશનું બદલાયેલું અને કયારેક વિકૃત થયેલું સ્વરૂપ પણ જોવા મળે છે.

હવે આપણે જોઈએ એક રસપ્રદ સરખામણી કે આપણો વૈદિક ધર્મ તથા દુનિયાના અન્ય ધર્મ અને આપણા દેશના અનેક સંપ્રદાય ક્યારે ક્યારે રચાયા છે (સંદર્ભ: દર્શન યોગ મહાવિદ્યાલય, રોઝડ, જી. સાબરકાંઠા દ્વારા પ્રકાશિત સાહિત્ય):

 • વૈદિક ધર્મન : લગભગ ૧૯૬ કરોડ વર્ષ પૂર્વે
 • રામાયણ કાળ : લગભગ ૧૦ લાખ વર્ષ પહેલાં
 • મહાભારત કાળ : લગભગ ૫૨૦૦ વર્ષ પહેલાં
 • હિંદુ મૂર્તિપૂજાની શરૂઆત : લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં
 • શંકરાચાર્યનો સમય : લગભગ ૨૩૦૦ વર્ષ પહેલાં
 • હિંદુ પુરાણોનો સમય : લગભગ ૨૨૦૦ વર્ષ પહેલાં
 • પારસી ધર્મ લગભગ : ૪૫૦૦ વર્ષ પહેલાં
 • યહૂદી ધર્મ લગભગ : ૪૦૦૦ વર્ષ પહેલાં
 • જૈન અને બુદ્ધ ધર્મ : લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં
 • ખ્રીસ્તી ધર્મ લગભગ : ૨૦૦૦ વર્ષ પહેલાં
 • મુસ્લિમ ધર્મ લગભગ : ૧૪૦૦ વર્ષ પહેલાં
 • શીખ ધર્મ લગભગ : ૫૦૦ વર્ષ પહેલાં
 • બ્રહ્માકુમારી, રાધાસ્વામી, ગાયત્રી પરિવાર, સ્વામિનારાયણ સંપ્રદાય, આનંદમાર્ગ સંપ્રદાય જેવા અનેક સંપ્રદાય લગભગ : ૧૦૦ થી ૧૫૦ વર્ષ પહેલાં

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/27/2019© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate