હોમ પેજ / સમાજ કલ્યાણ / શ્રેષ્ઠ પ્રણાલીઓ / આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કેટલીક એવી અનોખી સ્ત્રીઓની વાત
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કેટલીક એવી અનોખી સ્ત્રીઓની વાત

અહીં પ્રસ્તુત છે તેમાંથી પ્રતિનિધિરૂપ કેટલીક મહિલાઓની પ્રેરણાદાયી દાસ્તાન.

સંઘર્ષમાંથી ચાતર્યો સફળતાનો ચીલો અને પોતાનું જીવન માત્ર પોતાના માટે સીમિત ના રાખતાં, સમાજને પણ કર્યું ઉત્તમ પ્રદાન. આવી અનેક સ્ત્રીઓ સમાજમાં નિષ્ઠાથી કામ કરી રહી છે, અહીં પ્રસ્તુત છે તેમાંથી પ્રતિનિધિરૂપ કેટલીક મહિલાઓની પ્રેરણાદાયી દાસ્તાન.

મહિલાઓને સામાન્ય તકલીફોને અવગણવાની ટેવ હોય છે પરંતુ ભવિષ્યમાં તે મોટુ સ્વરૂપ ધારણ કરી શકે છે. આ પ્રકારની સમસ્યાઓના સમયે દવાખાને જવાને બદલે મોબાઇલ એપ્લિકેશન દ્વારા સમસ્યાનું નિરાકરણ મેળવી શકાય છે. આ પ્રકારની એક ગુજરાતી મોબઇલ એપ્લિકેશન શહેરના ગાયનેકોલોજિસ્ટ ડૉ. હેતલ પટોળિયાએ તૈયાર કરી છે. ‘વીમેન્સ ફર્સ્ટ કોલ’ એપ્લિકેશનમાં મહિલાઓના આરોગ્યને લગતી અગત્યની બાબતો જેવી કે, મેન્સ્ટ્રુઅલ સાઇકલ, પ્રેગનન્સી પીરિયડ અને મેનોપોઝ સહિત સર્વાઇકલ કેન્સર કે બ્રેસ્ટ કેન્સર જેવી બાબતો અંગે ટીપ્સ આપેલી છે. તેમજ મહિલાઓ પોતાને મુંઝવતા સવાલો પણ આ એપ્લિકેશન મારફતે નિષ્ણાતોને પૂછી શકે છે. તેમાં કઇ તકલીફોમાં શું કરવું, અને કોઇ પણ તકલીફ કે બીમારીના શુ લક્ષણો હોય અને તેના માટે કેવા ટેસ્ટ્સ કરાવવા તે પણ દર્શાવવામાં આવ્યું છે. છ મહિનાના ટૂંકા ગાળામાં જ વિશ્વના સાતથી દસ દેશોમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી છે.

આ અંગે ડૉ. પટોળિયાએ જણાવ્યુ હતુ કે, ‘મને એક અઠવાડિયામાં આવા ત્રણ થી ચાર મેઇલ આવે છે. ક્યારેક એવુ પણ બને છે કે, આ સવાલ જવાબ દ્વારા મહિલાઓ મોટી તકલીફમાંથી બચી શકે છે.

એક વખત એક બહેને સવાલ પુછેલો, તેમને પીરીયડ સ્કીપ થયેલા અને પછી બ્લીડીંગ શરૂ થઇ ગયેલું. તો મેં તેમને સોનોગ્રાફી કરાવવાની સલાહ આપી. તેમાં જાણવા મળ્યું કે, તેમની ગર્ભનળીમાં ગર્ભ રહી ગયેલો, જો આમાં નળી ફાટી જાય તો તેમને મોટી તકલીફ થઇ શકેત. એવા પણ કેસ આવે છે, જેમાં કપલ વિદેશમાં કે બીજા રાજ્યોમાં હોય અને તેમના ડોક્ટર અંગ્રેજી બોલતા હોય તો તેઓ આ એપ્લિકેશનથી ગુજરાતીમાં માહિતી મેળવી શકે છે. ’

આશરે પોણાં બે વર્ષ પહેલાં ગુજરાતનાં મુખ્યપ્રધાન બનેલાં આનંદીબેનની મુખ્યપ્રધાન તરીકેની કામગીરીની ભવિષ્યમાં અનેક રીતે સમીક્ષા થશે અને લેખાંજોખાં લેવાશે પરંતુ ગુજરાતના ઇતિહાસમાં તો તેમની મુખ્ય ગણના ‘ગુજરાતનાં પહેલાં મહિલા મુખ્યપ્રધાન’ તરીકે જ લેવાશે. ખુદ આનંદીબેન પટેલને પણ ખ્યાલ છે કે આ અતિવિશિષ્ટ અને અજોડ બિરુદ ગૌરવની બાબત તો છે જ પણ સાથે સાથે બહુ મોટી જવાબદારી અને અપેક્ષાઓ પણ આ બિરુદ સાથે વીંટળાયેલી છે. એક મહિલા મુખ્યપ્રધાન તરીકે ગુજરાતમાં મહિલાલક્ષી અનેક નિર્ણયો, યોજનાઓ નીતિઓનું ઘડતર તેમના માટે નિસબતની વાત રહી છે. તેના ભાગરૂપે જ મહિલાઓને વિવિધ તકોનું પ્રદાન કરતી અને તેમને સ્વનિર્ભર જીવન જીવી શકવા માટે સક્ષમ બનાવતી ‘નારી ગૌરવ નીતિ’ અસ્તિત્વમાં આવી. લગભગ દરેકેદરેક ઘરમાં મહિલાઓ જ બજેટ બનાવતી હોય છે અને ઘરનું બજેટ સાચવતી હોય છે. પરંતુ, રાજ્ય સરકારના બજેટમાં ‘જેન્ડર બજેટ’નો કન્સેપ્ટ આનંદીબેન લઇને આવ્યાં છે. હવે મહિલાઓ માટે તેમને એક લાભાર્થી વર્ગ ગણીને થોડાઘણા મુદ્દા સમાવી લેવાને બદલે માત્ર મહિલાઓને જ લગતી ૧૩૬ યોજનાઓ સમાવવામાં આવી છે. મહિલા સશક્તિકરણની વાતો તો ઘણી થાય છે પરંતુ શક્તિ શબ્દ જેમની ફરજનો અંગભૂત શબ્દ છે તેવાં પોલીસ દળમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની નીતિ જાહેર કરીને આનંદીબેને વધુને વધુ મહિલાઓને આ વ્યવહારુ અર્થમાં સશક્તિકરણ માટે પ્રેરી છે. મહિલાઓ માટે અભયમ હેલ્પલાઇન, તથા કિશોરીઓ માટે સુરક્ષા સેતુની તાલીમ જેવા પ્રયોગો ગુજરાતની મહિલાઓને નિડર બનાવી રહ્યા છે. મહિલાઓ માટે અડધી આલમ એવો શબ્દપ્રયોગ વારંવાર થાય છે. આનંદીબેને આ અડધી આલમ શબ્દપ્રયોગ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત કરીને ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યો છે. શહેરો કે નાના ગામડાંમાં જ્યાં પીવાના પાણી, સ્વચ્છતા અને સુખાકારી જેવી મહિલાઓ જેના માટે વિશેષ રીતે સચિંત હોય તેવી બાબતો અંગેના નિર્ણયોમાં મહિલાઓ આટલી સક્રિય રીતે ભાગીદાર હોય ત્યારે કેવાં સૂક્ષ્મ અને દુરોગામી પરિણામો આવી શકે છે તે વિશે જરા પણ વિચારો એટલે ખ્યાલ આવે કે મુખ્યપ્રધાનપદે એક મહિલા હોય એટલે શાસનની અગ્રતાઓમાં કેવો ફરક પડી શકે છે. હજુ તો સનદી સેવાઓમાં એટલે કે આઇએએસ અને આઇપીએસ માટે તૈયારી કરતી મહિલાઓને નાણાંકીય પ્રોત્સાહનો આપવાની યોજના શરૂ થઇ છે તેનાં પરિણામે ‘સોફ્ટ પાવર’ના સશક્તિકરણના જીવંત ઉદાહરણો આગામી વર્ષોમાં ગુજરાત સહિત સમગ્ર દેશને જોવા મળશે. માત્ર મહિલાઓ માટે ઇન્ડસ્ટ્રિઅલ પાર્ક્સ બને કે સખી મંડળ જેવાં માઇક્રોસ્તરે બેન્ક ગેરન્ટી માટે ખાસ યોજનાઓ દ્વારા ગુજરાતને આગામી પેઢીની મહિલા ઉદ્યોગ સાહસિકો અને મહિલા વ્યવસાયીઓ પ્રાપ્ત થશે. આનંદીબેન કદાચ ‘અનામત’ શબ્દની તમામ અર્થછાયાઓ સાથે સંમત થાય કે ના થાય પરંતુ તેમની આ બધી પાયાની કામગીરી જોતાં એવું લાગે છે કે મુખ્યપ્રધાનપદ પણ રોટેશન પદ્ધતિથી મહિલા માટે અનામત હોવું જોઇએ ખરું !

ઉત્તરપૂર્વના રાજ્યો તેમના કુદરતી સૌંદર્ય માટે દુનિયાભરમાં જાણીતા છે, દુનિયાભરના લોકો ત્યાં પ્રવાસ માટે તો જશે પણ ગોવાહાટી કે કોહિમાથી પાછા આવશે, પરંતુ ત્યાંના અંદરના વિસ્તારોમાં જઇને ત્યાંના સ્થાનિક લોકો જે પરિસ્થિતીઓ સામે ઝઝૂમે છે, તે જાણવાનો પ્રયત્ન લગભગ કોઇ જ નથી કરતું. હિમાલયના બરફાચ્છાદિત પહાડો, ગાઢ જંગલો, અને લગભગ દર વર્ષે પૂર સાથે ધસમસતી નદીઓના આ વિસ્તારો બાંગ્લાદેશ, બર્મા, ભૂતાન અને ચીન જેવા પડોશી દેશોથી ઘેરાયેલા છે. તેથી વિદેશી ઘૂસણખોરી અને નકસલવાદ પણ આ વિસ્તારમાં વ્યાપેલો છે, તેથી મોટા ભાગની પ્રાથમિક જરૂરિયાતોથી પણ આ પ્રદેશના લોકો વંચિત રહે છે. આ અંતરીયાળ વિસ્તારોમાં બહારના લોકોનો પ્રવેશ પણ મુશ્કેલ હોય છે, ત્યાં શહેરના એક ડેન્ટિસ્ટ ડૉ. પ્રતિભા આઠવલેએ વિના મૂલ્યે ડેન્ટલ કેમ્પ્સ અને ક્લિનીક્સ શરૂ કર્યા છે.

ડૉ. આઠવલે જણઆવે છે, ‘આ વિસ્તારો એવા છે, જેના માટે સરકાર તરફથી પૈસા ફાળવાય તો છે, પણ તેમના સુધી પહોંચતા નથી. માઇનસ ૨૦ ડિગ્રીમાં ડૉક્ટરની મદદની અભાવે હેરાન થતા લોકો માટે સરકારી મદદની રાહ અને અપેક્ષા ન રાખી શકાય. તેથી મેં આ વિસ્તારોમાં કામ શરૂ કર્યું. હું છેલ્લા ૨૦ વર્ષથી હિમાલય પર ટ્રેકીંગ માટે જાઉં છું. તો એ લોકોને ટ્રેકીંગ ટીમમાં એક ડોક્ટર પણ આવે છે, એ ખ્યાલ આવે એટલે આસપાસના કબીલાઓમાં પણ ખબર પડી જાય અને હું ત્યા પહોંચુ એ પહેલાં લોકો મારી રાહ જોતા હોય. સામાન્ય માથાના દુ:ખાવા કે તાવ માટે પણ તેમની માટે પ્રાથમિક સારવાર કેન્દ્ર અને મેડિકલ સ્ટોર ન હોય. એક વખત કેમ્પ વખતે માઇનસ ૨૦ ડિગ્રીમાં એક શેરપા મને લેવા આવ્યો, એના કબીલામાં એક સ્ત્રી પ્રેગનન્ટ હતી, અને રાતે તેની તબિયત ખરાબ થઇ. રાત્રે બાર વાગ્યે હું એ ઠંડીમાં તેની સાથે ગઇ અને એ સ્થિતી જોઇને મારુ જીવન બદલાઇ ગયું. પછી મેં દર દિવાળી વેકેશનમાં પૂર્વોત્તરના વિવિધ વિસ્તારોમાં વિના મૂલ્યે ડેન્ટલ કેમ્પ્સ શરૂ કર્યા. આ સમયે જાઉં તો અહિં મારી દિકરીઓ અને મારા હસબન્ડને રજા હોય તો મારા પર તેમની વધારે જવાબદારી ન હોય. ૨૦૦૦થી મેં આ કામ નિયમિત રીતે શરૂ કર્યું. ’

ડૉ. આઠવલેએ ૨૦૧૦માં મેઘાલયમાં એક કાયમી ક્લિનીક શરુ કર્યું. ત્યારબાદ ૩ આસામ, ૧ મણિપુર અને ૧ ત્રિપુરામાં શરૂ કર્યું. ત્યાર બાદ પ્રોસ્થેટીક સર્જરી માટે આસામ અને મણિપુરમાં એક એક લેબ પણ શરૂ કરી. તેના માટે તેમણે એક આસામી અને બે મણિપુરની છોકરીઓને અમદાવાદ લાવીને તેમને ચાર મહિના તાલીમ આપીને તૈયાર કર્યા, ત્યાર બાદ આ લોકોએ ત્યાંના લોકોને તાલીમ આપી. આમ, ૨૦૧૫ સુધીમાં ત્રિપુરામાં ૭ ક્લિનિક અને ૩ લેબ શરૂ થયા. ત્યાર બાદ નાગાલેન્ડમાં ૨ અને આસામમાં એક ડાયાબીટીસ અને બીપીના ટેસ્ટ માટેના સેન્ટર્સ પણ શરૂ કર્યા. ડૉ. આઠવલે કહે છે, ‘શરૂઆતમાં તો હું અહિથી સામાન લઇને જતો પણ પછી આ બધા ક્લિનીક અને લેબ માટે અમદાવાદથી જ બધા સાધનો મોકલ્યા અને હું ફેક્ટરીમાં જઇને તેનું ફીટીંગ અને વાયરીંગ શીખી અને મેં તે બધુ ત્યા જઇને ફીટ કર્યું. હાલ તો અમે ત્યાંની મહિલાઓની રોજગારી માટે અગરબત્તીના મશીન મોકલ્યા, ત્યાંના બાળકો માટે મોબાઇલ લાઇબ્રેરી શરૂ કરી, તેમજ બાળકોની હોસ્ટેલ્સમાં અર્નિંગ અને લર્નિંગ પ્રોગ્રામ શરૂ કર્યો, જેમાં તેઓ દિવસમાં માત્ર એક કલાક અગરબત્તી બનાવીને પોતાના અભ્યાસનો ખર્ચ કાઢી શકે.’

આ પ્રદેશના ઘણા લોકો પોતાની ભારત દેશમાં અવગણના થતી હોવાનુ માને છે, તેથી નક્સલવાદ તરફ વળે છે. આ અંગે ડૉ. પ્રતિભા આઠવલે જણાવે છે, ‘ગયા વર્ષે નાગાલેન્ડના ચીઝામી ગામમાં અમે કેમ્પ કર્યો, આ એક એવું ગામ છે, જ્યાં દરેક પરિવારની સરેરશ એક વ્યક્તિ અન્ડર ગ્રાઉન્ડ છે, આ લોકોના પરિવારમાં કોઇ ગંભીર હોય તો એ લોકો પૂછવા આવે કે અમે તેમને લઇને આવીએ/ તો એ સ્થિતીમાં આપણે તેમને ના નથી કહી શકતા. તેમજ આ લોકો પણ હવે સમજે છે કે, હું તેમની સેવા માટે જાઉં છું. હું પણ એવુ માનુ છું કે, ‘એ લોકોને પણ તેઓ ભારતીય છે, એવો અહેસાસ થવો જોઇએ, તેથી છેલ્લા પંદર વર્ષથી એક પણ વર્ષ ચુક્યા વિના કેમ્પ કરુ છુ, અને મને નેશનલ એવોર્ડ સહિતના કોઇ પણ એવોર્ડની રકમ મળે તે હું આ લોકોની સેવા માટે જ વાપરુ છું. આ અનુભવો પરથી મેં એક પુસ્તક પણ લખ્યુ ‘પૂર્વરંગ હિમરંગ’.
નાટકને ગળથૂથીમાં લઈને જન્મનાર અદિતી દેસાઈએ ‘કસ્તૂરબા’, ‘અકૂપાર’ અને ‘અગ્નિકન્યા’ જેવાં સફળ, પ્રયોગશીલ નાટકો આપ્યાં છે, પણ નોંધપાત્ર વાત એ છે કે નાટકને તેમણે સામાજિક જાગૃતિ અને સ્ત્રી સશક્તિકરણનું માધ્યમ બનાવ્યું છે.

અદિતીબેન જણાવે છે, ‘પપ્પા સાથે, પપ્પાની નાટ્ય કંપનીમાં નાટકો કરવા એ સરળ કામ હતું પણ જ્યારે બીજા ગ્રૂપમાં, ખાસ કરીને શેરીનાટકો કરવા માટે, નારીવાદ નાટકો ડિરેક્ટ કરવા માટે આમંત્રણ મળ્યું ત્યારે મારા માટે એક નવી જ દિશા ખૂલી. ત્યારથી ફેમિનીસ્ટ ઈશ્યૂઝ અંગે સમજ પડવા માંડી. તે વખતે સ્ત્રીઓ સામે ઘરેલુ હિંસાના ઘણા કેસ નોંધાતા. અમે ભોગ બનેલી સ્ત્રીઓને એકઠી કરી નાટકની વર્કશોપ કરી અને પછી તેમની પાસે જ નાટક કરાવડાવ્યું. આમ ભોગ બનેલા લોકો જ પોતાની વાત રજૂ કરે અને બીજા લોકોને જાગૃત કરે. આ રીતે શેરીનાટકો યોજાતાં ગયાં અને સામાજિક જાગૃતિ ધીરે ધીરે આવી.’

અદિતીબેને આદિવાસી બહેનો, બીડીપત્તાં વીણતી બહેનો, ગ્રામીણ, નિરક્ષર સ્ત્રીઓ, ખેતમજૂરો - આ બધાં સાથે કામ કર્યું અને તેની સમસ્યાઓને વાચા આપી. ડાકણપ્રથા પર પોલીસ વિભાગની મદદ લઈ નાટક કર્યું. ગોધરાકાંડ પછી ગુજરાતમાં થયેલાં કોમી રમખાણો દરમિયાન પીડિતોના કેમ્પમાં પણ કોમી એક્તા અને હિંસા જેવા મુદ્દાઓ પર નાટકો કર્યા.

તેમણે જ્યારે દિગ્દર્શનના ક્ષેત્રે ઝંપલાવ્યું ત્યારે પુરૂષપ્રધાન સમાજમાં સ્ત્રીઓને થતો અન્યાય અને તેણે કરવો પડતો સંઘર્ષ જાતે અનુભવ્યા. તેઓ કહે છે, ‘‘ડિરેક્ટર બનવું હોય તો લાઈટીંગ, સાઉન્ડ, સ્ટેજ રચના - આ બધું શીખવું પડે. મારે આ બધું શીખવા ઘણો સંઘર્ષ કરવો પડ્યો. આપણે ત્યાં સ્ત્રીઓને આ બધી બાબતો અંગે તાલીમ આપતી નથી કોઈ સ્કીમ કે નથી કોઈ સંસ્થા. એક માન્યતા એવી પણ રૂઢ થઈ ગઈ છે કે સ્ત્રીઓને ટેક્નિકલ સ્કીલ્સ આવડે જ નહીં. એટલે મારે આ બધું શીખવા ઘણો સંઘર્ષ કરવો પડ્યો.’’

અદિતીબેન કહે છે, ‘‘સ્ત્રી માટે સફળતા બહુ જરૂરી છે. તે એમ્પાવરમેન્ટ છે. સ્ત્રીઓને હું કહું છું કે તમારી જાતમાં વિશ્વાસ રાખીને ટકી રહો. તમારા આત્મવિશ્વાસને તોડવાના ઘણા પ્રયત્નો થશે પણ એની સામે જોયા વિના તમારા રસ્તે ચાલતા રહો. ડરને લાત મારીને ફગાવી દો અને પછી જુઓ કે જીત તમારી છે, સફળતા તમારી છે.’’


પરિવારની કોઈ વ્યક્તિ જ્યારે આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરી બેસે છે ત્યારે પાછળ રહી જનાર તેના સ્વજનોની જિંદગીમાં કદી ના પૂરાય તેવો ખાલીપો અને એક ઊંડો આઘાત વ્યાપી જાય છે. બે દાયકા પહેલાં અંજુ શેઠને પણ આવો જ આઘાત લાગ્યો જ્યારે તેમના પરિવારની ત્રણ વ્યક્તિઓએ ઉપરાઉપરી આત્મહત્યા કરી. અંજુબેન આ આઘાતથી તદ્દન સૂન્ન, વિક્ષુબ્ધ થઈ ગયાં અને ઊંડા ડિપ્રેશનમાં સરી પડ્યાં. રહી રહીને તેમને એક જ વિચાર આવતો હતો કે આ વ્યક્તિઓને અણીના સમયે જો સાચો સાથ, સધિયારો, સાંત્વન સાંપડ્યા હોત તો તેમણે આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ના ભર્યું હોત.

આત્મહત્યાનો પ્રયાસ એ હકીકતમાં વ્યક્તિનો ‘સહાય’ માટેનો પોકાર હોય છે. એ નબળી પળે વ્યક્તિને એક મજબૂત સધિયારો, હૂંફ અને માર્ગદર્શન મળી જાય તો તે વ્યક્તિ આત્મહત્યાનો વિચાર છોડી જીવનને ફરી પોઝિટીવ એટીટ્યૂડથી જીવતી થઈ જાય છે. અંજુબેનને એ વાતનો અફસોસ હતો કે તેમના શહેર અમદાવાદમાં આવું કોઈ સપોર્ટ ગ્રૂપ કે સંસ્થા નહોતી, જે આત્મહત્યાનો વિચાર કરતી વ્યક્તિની મનોવ્યથાને સાંભળે, તેમને સમજે અને તેમને નિરાશાવાદી વિચારસરણીમાંથી મુક્ત કરી જીવનને હકારાત્મક દૃષ્ટિકોણથી જોવા પ્રેરે.

એક વર્ષ ડિપ્રેશનમાં રહ્યા પછી તેઓ થોડા સ્વસ્થ થયાં અને તેમને વિચાર આવ્યો કે હું પોતે જ આવી સંસ્થા શા માટે ન ખોલું/ આ વિચારને ૧૯૯૭માં તેમણે અમલમાં મૂક્યો અને આરંભ થયો ‘સાથ’નો. ‘સાથ’ એક સ્વૈચ્છિક, સ્વનિર્ભર સંસ્થા છે. શરૂઆત થઈ માત્ર ત્રણ-ચાર સ્વયંસેવકો અને એક હેલ્પલાઈનથી. આશય હતો હતાશા અનુભવતી, આત્મહત્યાનો વિચાર કરી રહેલી વ્યક્તિ ફોન દ્વારા ‘સાથ’નો સંપર્ક સાધે, પોતાની મનોવેદના ઠાલવે અને તેને ધીરજથી સાંભળી, સમજી, તેનું યોગ્ય કાઉન્સેલિંગ કરી તેની હતાશાને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે જેથી તે આત્મહત્યાનો વિચાર છોડી ફરી એક વાર જીવનને ઉત્સાહપૂર્વક જીવવાની શરૂઆત કરે.

અંજુબેન જણાવે છે,‘‘જ્યારે મેં ‘સાથ’નો પ્રારંભ કર્યો ત્યારે લોકો પોતાની ઓળખ છૂપાવીને થોડા ડર અને સંકોચ સાથે ફોન દ્વારા અમારો સંપર્ક કરતા. આજે મોટાં શહેરો અને ગામડાંઓથી લઈને બિહાર અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોની વ્યક્તિઓ પણ વિના સંકોચ ‘સાથ’નો સંપર્ક કરે છે અને મદદ માંગે છે.’’ આજે ‘સાથ’ સાથે વીસ જેટલા પ્રશિક્ષિત સ્વયંસેવકો અને મનોચિકિત્સકો જોડાયેલાં છે, જેઓ ‘સાથ’ને માનદ્ સેવા આપે છે. ‘સાથ’ સેવા તદ્ન મફત છે અને વર્ષના બધા જ દિવસોએ ઉપલબ્ધ છે. આજ સુધીમાં દસ હજારથી પણ વધુ લોકો તેની મદદ લઈ ચૂક્યાં છે અને હતાશામાંથી બહાર નીકળી ફરી એકવાર સ્મિત સાથે, પોઝિટીવ અભિગમથી જિંદગીને જોતાં અને જીવતાં થયાં છે.

તાજેતરમાં જ ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થતાં પહેલાં શહેરના છ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી. આવા બનાવોથી અંજુબેન ખૂબ વ્યથિત થઈ જાય છે. તેઓ કહે છે, ‘‘આજે જિંદગી એટલી સ્પર્ધાત્મક, તણાવપૂર્ણ અને દેખાદેખીભરી બની ગઈ છે કે કુમળી વયનાં બાળકો પણ ડિપ્રેશન અનુભવે છે. આજના યુગમાં દસમાંથી આઠ વ્યક્તિ જીવનમાં ક્યારેક ને ક્યારેક ડિપ્રેશનનો શિકાર બને છે. પ્રતિકૂળ સંજોગો તો દરેકની જિંદગીમાં આવવાના જ. જો નાનપણથી જ આવી પરિસ્થિતિઓ સાથે કોપ-અપ કરવાનું અને જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવવાનું તેમને શીખવવામાં આવે તો તેઓ કદી આત્મહત્યાનો વિચાર નહીં કરે. આ માટે અમે ‘લિવ, લવ, લાફ’ નામનો કાર્યક્રમ શરૂ કર્યો છે. જેના થકી અમે વિદ્યાર્થીઓને, ગૃહિણીઓને, દર્દીઓને જીવન પ્રત્યે પોઝિટીવ અભિગમ કેળવવા મોટીવેટ કરીએ છીએ.’’

સ્ત્રોત: નવગુજરાત સમય

3.07142857143
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top