অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

CoTD વિષે

CoTD વિષે

રાજ્યનાં અંતરીયાળ આદિજાતિ વિસ્તારોનાં સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા સને ૧૯૭૬-૭૭ થી આદિજાતિ વિસ્તાર પેટા યોજનાનો અભિગમ અમલમાં મુકીને રાજ્યના બજેટમાં આ અંગેની અલગથી બજેટ જોગવાઈ કરવાની શરૂઆત કરવામાં આવેલ હતી. તેમજ શરૂઆતમાં રાજ્યનાં પ્રોજેકટ વિસ્તાર હેઠળ ભરૂચ પંચમહાલ, સુરત, વલસાડ, સાબરકાંઠા, વડોદરા અને ડાંગ મળીને કુલ ૦૭ જિલ્લાનાં ૩૨ તાલુકાઓનો સમાવેશ કરીને દરેક પ્રોજેકટના જિલ્લા માટે એક પ્રાયોજના વહીવટાદારની જગ્યા ઉભી કરવામાં આવેલ હતી. તેમજ તેમનાં નિયંત્રણ હેઠળ કૃષિ, વન તથા સહકાર વિભાગનાં વર્ગ-૨ સંવર્ગનાં અધિકારીઓ તેમજ ચીટનીશ વર્ગ-૨ અને તદ્દઉપરાંત વર્ગ-૩ અને વર્ગ-૪ નું જરૂરી મહેકમ મંજુર કરીને વહીવટી માળખું ઉભું કરવામાં આવેલ.

રાજ્ય સરકારનો આદિવાસી વિસ્તાર પેટા યોજના માટે અલગ બજેટ જોગવાઈનો અભિગમ સફળ રહેતાં દર વર્ષે ઉત્તરોત્તર નવી યોજનાઓ તેમજ બજેટ જોગવાઈમાં વધારો થતાં રાજ્યના અલગ અલગ વિભાગો સાથે લેવાનાં થતા નિર્ણયોમાં એકસુત્રતા જળવાય તથા પ્રાયોજના વહીવટદારઓને માર્ગદર્શન મળી રહે તેમજ નિયંત્રણ રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તાર પેટા યોજનાનાં નિયંત્રણ અને સુચારૂ અમલીકરણ માટે રાજ્યકક્ષાએ સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભગનાં તા.૨૭/૦૪/૧૯૮૨ નાં ઠરાવથી કમિશનર, આદિજાતિ વિકાસ, વર્ગ-૧ ની આઈ.એ.એસ કક્ષાનાં સુપર ટાઈમ સ્કેલ અધિકારીની જગ્યા ઉભી કરવામાં આવેલ છે. જે જુદા જુદા વિભાગો દ્વારા આદિજાતિ વિસ્તાર પેટા યોજનામાં થતી કામગીરીના મોનીટરીંગની જવાબદારી સંભાળે છે.

દરેક શાખાની કામગીરીને અનુરૂપ જે તે શાખામાંકમિશનર, આદિજાતિ વિકાસની રાજ્યકક્ષાની કામગીરી માટે વડી કચેરી, ગાંધીનગર ખાતે વહીવટી માળખું મંજુર થયેલ છે. જે અનુસાર હાલ આદિજાતિ વિકાસ ખાતાના વડા તરીકે કમિશનર, આદિજાતિ વિકાસના સીધા નિયંત્રણ હેઠળ સંયુકત કમિશનર વર્ગ-૧ ની ૦૨ જગ્યાઓ મંજુર થયેલ છે. ખાતા દ્વારા આદિજાતિ સમુદાયના ઉત્કર્ષ માટે કલ્યાણલક્ષી તેમજ વિકાસલક્ષી વિવિધ યોજનાઓ અમલમાં છે. જે ધ્યાને લેતાં સરકારશ્રી દ્વારા સૈધ્ધાંતિક રીતે મંજુર કરાયેલ ખાતાના નવા માળખા અનુસાર ૦૨ સંયુકત કમિશનર કક્ષાએથી અનુક્રમે વિકાસલક્ષી તેમજ કલ્યાણકારી વિવિધ યોજનાઓના સુચારૂ અમલીકરણની દેખરેખ રાખવામાં આવે છે. આ ઉપરાંત સંયુકત કમિશનરની નીચે નાયબ કમિશનર વર્ગ-૧ ની ૦૫ જગ્યાઓ મંજુર થયેલ છે. જે ખાતાની મહત્વપૂર્ણ શાખાઓ પર સીધી રીતે નિયંત્રણ રાખે છે. ખાતા દ્વારા અમલીત વિવિધ યોજનાઓના વ્યાપ અનુસાર હાલ વડી કચેરી, ગાંધીનગર ખાતે ૧૪ જેટલી શાખાઓ કાર્યરત છે. વહીવટી સરળતાના હેતુથી આદિજાતિ વિકાસ અને કલ્યાણને સ્પર્શતા મહત્વપૂર્ણ ઘટકો જેવા કે, શિક્ષણ, આરોગ્ય, આર્થિક ઉત્કર્ષ, આદિમજુથોનો વિકાસ, નિવાસી શાળાઓ, છાત્રાલયોતેમજ આયોજન અને મોનીટરીંગ, આંકડા તથા હિસાબી કામગીરીને લગતા ઘટકો સ્વતંત્ર શાખાઓના સ્વરૂપમાં વિભાજીત કરવામાં આવેલ છે.

દરેક શાખાની કામગીરીને અનુરૂપ જે તે શાખામાં વર્ગ-૨ સંવર્ગના આદિજાતિ વિકાસ અધિકારી/સંશોધન અધિકારી/આંકડા અધિકારી કે હિસાબી અધિકારી જે તે શાખાના શાખાધિકારી તરીકે શાખાની કામગીરી પર દેખરેખ રાખે છે. તેમજ તેઓની કામગીરીને નિયંત્રિત કરવા દરેક શાખાને મદદનીશ કમિશનર કક્ષાના વર્ગ-૧ ના શાખાના વડા અધિકારી છે. જેઓ સીધા નાયબ કમિશનરને રીપોર્ટીગ કરે છે. આમ, ખાતા દ્વારા અમલીત યોજનાઓનો વ્યાપ તથા જરૂરિયાતને ન્યાય આપવા માટે વડી કચેરી ખાતે વર્ગ- ૧ તથા વર્ગ-૨ સંવર્ગના જુદી જુદી કેડરના અધિકારીઓ ફરજ બજાવે છે.

આજ રીતે ક્ષેત્રિય કક્ષાએ રાજ્યના તમામ આદિજાતિ જિલ્લાઓ તથા છુટાછવાયા વિસ્તારો માટે મુખ્યત્વે કલ્યાણલક્ષી યોજનાઓના અમલીકરણ માટે હાલ મદદનીશ કમિશનર (આ.વિ.) વર્ગ-૧ ની ૧૬ કચેરીઓ તથા આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ-૨ ની ૦૩ કચેરીઓ કાર્યરત છે. જ્યારે મુખ્યતે ટ્રાયબલ સબ પ્લાનને લગતી યોજનાઓના સુચારૂ અમલીકરણ માટે પ્રાયોજના વહીવટદાર વર્ગ-૧ ની ૧૪ કચેરીઓ કાર્યરત છે. જે ટ્રાયબલ સબ પ્લાનને લગતી યોજનાઓ ઉપરાંત ગુજરાત પેર્ટન, ન્યુક્લીઅસ બજેટ, ફોરેસ્ટ રાઈટ એકટતથા ખાસ કેન્દ્રિય સહાય હેઠળની યોજનાઓનું મોનીટરીંગ તથા નિયંત્રણ તમામ લાઈન ડિપાર્ટમેન્ટની જિલ્લા કક્ષાની કચેરીઓના વડાના પરામર્શમાં રહીને કરે છે. તેમજ વનબંધુ કલ્યાણ યોજનાની સર્વગ્રાહી સમીક્ષા ક્ષેત્રિય કક્ષાએ કરે છે.

આ ઉપરાંત તાલુકા કક્ષાએ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી/લાઈવ સ્ટોક ઈન્સપેકટર તથા સમાજ કલ્યાણ નિરીક્ષક (હેડ કલાર્ક) વર્ગ-૩ ના કર્મચારીઓ તાલુકા મથકે રહીને વિવિધ યોજનાઓના લાભાર્થીઓના સીધા સંપર્કમાં રહીને અસરકારક અમલીકરણ સુનિશ્વિત કરે છે.

આમ, વનબંધુ કલ્યાણ યોજનાના અસરકારક અમલીકરણ માટે ક્ષેત્રિય કક્ષાનું વહીવટી માળખું તેમજ યોજનાઓના અમલીકરણ ઉપર દેખરેખ તથા સંકલનને પુરતો ન્યાય આપી શકે તે પ્રકારનું વહીવટી માળખું વડી કચેરી ખાતે કાર્યરત છે. જે કમિશનર, આદિજાતિ વિકાસના પ્રત્યક્ષ તેમજ પરોક્ષ નિયંત્રણ હેઠળ કાર્યાન્વિત છે. આદિજાતિ વિકાસ કમિશનર એ રાજયમાંના તમામ

આદિજાતિ વિકાસ કાર્યક્રમો માટેના અંદાજપત્ર, મંજૂરીઓ અને ફાળવણી તથા અમલીકરણ તથા પ્રગતિની સમીક્ષા માટેના મુખ્ય નિયંત્રણ અધિકારી છે. કમિશનર અન્ય વિભાગો અને જાતિઓની સહયોગમાં રહીને વનબંધુ કલ્યાણ યોજના, આદિવાસી પેટા યોજના તેમજ રાજ્યના આદિજાતિઓ/જનજાતિઓ માટેના બંધારણીય સલામતી સુરક્ષા કવચોનો અમલ કરે છે.

આદિજાતિ વિકાસ કમિશનરની કચેરી આદિમજાતિ જૂથો સહિતના છૂટાછવાયા આદિજાતિ સમુદાયોના કલ્યાણ અને વિકાસ માટેની યોજનાઓ ઘડે છે, તેમજ તેના અમલ માટે સુયોગ્ય એવી પ્રવૃત્તિઓ હાથ ધરે છે. વળી, આદિજાતિ પેટા યોજના સંબંધિત તમામ બાબતો અંગે સંકલનની કામગીરી પણ બજાવે છે તેમજ જ્યાં જરૂર જણાય ત્યાં કલેક્ટરો, પ્રાયોજનાના વહીવટદારો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા કક્ષાએ અન્ય કોઇપણ અધિકારીઓ કે સંસ્થાઓ સાથે તેમજ પ્રાદેશિક અથવા રાજ્ય કક્ષાએ ખાતાના ટેક્નિકલ કે વહીવટી વડાઓ સાથે, આદિજાતિ વિકાસ નિગમ સાથે, બેન્કો અને અન્ય સંસ્થાઓ જે જે આદિવાસી વિકાસ પ્રાયોજનાની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ હોય તેમની સાથે, યોજનાઓના ઝડપી અમલ માટે, તેમાં પડતી તકલીફો દૂર કરવા માટે અને નાણાકીય ભંડોળ સહિત નાણા ભંડોળની પ્રાપ્તિ માટે સંકલન કરે છે. આદિવાસીઓ સંબંધિત તમામ પ્રવૃત્તિઓ, તેનું સુનિયંત્રિણ અમલ અને મૂલ્યાંકન આદિજાતિ વિકાસ કમિશનરના કાર્યક્ષેત્રમાં આવે છે.

માહિતી જોવા માટે અહીં ક્લીક કરો : CoTD Functionalities

સ્ત્રોત-આદિજાતી વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate