অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હૃદયરોગ દૂર રાખવાની સિમ્પલ 7 ફોર્મ્યુલા

છેલ્લા દાયકામાં હૃદય સંબંધીત રોગો ભારત તથા સંપૂર્ણ વિશ્વમાં મૃત્યુના કારણોમાં સૌથી અગ્રેસર છે.મૃત્યુના બધા કારણોમાંથી ચોથા ભાગ ના કિસ્સાઓમાં હૃદયના રોગો જવાબદાર છે. હૃદયરોગનું મુખ્ય કારણ હૃદયના સ્નાયુને લોહી પહોંચાડતી ધમનીની સંકડાશ છે.આ સંકડાશ ચરબી યુક્ત પદાર્થના હૃદયની ધમનીમાં જમા થવાની પ્રક્રિયાથી થાય છે. દર્દીમાં જોવા મળતાં લક્ષણો મુજબ હૃદયરોગને સ્ટેબલ એન્જાયના અને અનસ્ટેબલ એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ માં વિભાજીત કરવામાં આવે છે. હૃદયરોગોનો હુમલો એ એક એવા પ્રકારનો અનસ્ટેબલ એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ છે. હૃદયરોગ થવાના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ, બ્લુડપ્રેશર, ધુમ્રપાન અને અને કોલસ્ટ્રોલનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત મેદસ્વીતા, બેઠાડુ જીવન, વારસાગત અને ખોરાક સંબંધીત પરિબળો પણ હૃદયરોગ માટે જોખમી પરિબળ તરીકે ઓળખવામાં આવે છે. આ પરિબળો પૈકી ઘણા પરિબળોને સમયસર ઓળખી તેને નિયંત્રિત કરવાથી હૃદયરોગથી બચી શકાય છે.

અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA) દ્વારા હૃદયરોગથી બચવા માટે LIFE’S SIMPLE 7 નો જીવનમંત્ર અપનાવવાની અપીલ કરવામાં આવે છે. જેમાં હૃદયરોથી બચવાના સાત ઉપાયો બતાવ્યા છે.

  1. ડાયાબિટીસ નિયંત્રિત કરો.(Control Diabetes)
  2. બ્લડ પ્રેશર (બીપી ) નિયંત્રિત કરો.(Control Blood Pressure)
  3. બ્લડ કોલેસ્ટેરોલ નિયંત્રિત કરો. (Control Cholesterol)
  4. ધુમ્રપાન ટાળો.(Quit Smoking)
  5. શરીરનું યોગ્ય વજન જાળવો, મેદસ્વીતાથી દૂર રહો.(Maintain Ideal Body Weight)
  6. બેઠાળુ જીવન ટાળો.(Remain Physical Activities)
  7. યોગ્ય ખોરાકનું ગ્રહણ કરો.(Take Healthy Food)

ડાયાબીટીસને નિયંત્રિત કરો :

ડાયાબીટીસ (મધુપ્રમેહ) ને હૃદયરોગ સમકક્ષ રોગ તરીકે ગણી શકાય. ડાયાબિટીસના દર્દીમાં સામાન્ય માણસ કરતા હૃદયરોગનું જોખમ ૨ થી ૪ ગણું વધારે હોય છે. ડાયાબિટીસના દર્દીમાં જો દુખાવાના જ્ઞાનતંતુ નબળા પડી ગયા હોય તો ઘણી વખત હૃદયરોગના હુમલા દરમ્યાન છાતીમાં તીવ્ર દુખાવો જ થતો નથી જેને સાયલન્ટ અટેક તરીકે ઓળખવામાં આવે છે. આવા દર્દીમાં ખુબ શ્વાસ, છાતી-પેટ માં બળતરા, એસીડીટી, ગેસ વગેરે લક્ષણો જોવા મળે તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ડાયાબિટીસના દર્દીને બ્લડસુગર, આંખો, કિડની, પેડ અને જો લક્ષણો જણાય તો હૃદયનું નિયમિત ચેકઅપ કરાવવું જરૂરી છે. ડોક્ટરની સલાહ મુજબ કસરત, યોગ્ય વજન,યોગ્ય આહાર, અને દવાઓ દ્વારા ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે, ડાયાબીટીસના દર્દીને હૃદયરોગમાં એકથી વધુ ધમનીમાં બ્લોકેજની શક્યતા વધુ હોય છે, જેનું નિદાન હૃદયની એન્જીઓગ્રાફી દ્વારા કરી શકાય છે.

બ્લડપ્રેશરને નિયંત્રિત રાખો :

હૃદયરોગ થવાના કારણો પૈકી એક મહત્વનું અને સારી રીતે નિયંત્રિત કરી શકાય તેવું કારણ છે. બ્લડપ્રેશરને સાયલન્ટ કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેના કોઈ ખાસ લક્ષણો મોટા ભાગના દર્દીઓને અનુભવતા નથી.બ્લડપ્રેશર હૃદયરોગ ઉપરાંત કિડનીના અને લકવા જેવા રોગો માટે મૂળભૂત કારણ છે. મોટાભાગના કિસ્સામાં બ્લડપ્રેશર માટે આનુવંશિક અને જિનેટિક કારણો જવાબદાર હોય છે. ૧૦ થી ૧૫ % કિસ્સાઓમાં કિડની અને અંતઃસ્ત્રાવની ગ્રંથિના રોગો જવાબદાર હોય છે. કેટલાક કિસ્સાઓમાં દર્દીનું બ્લડ પ્રેશર ડોક્ટરની કેબિનમાં જ વધેલું હોય છે. આ બ્લડપ્રેશર ને વ્હાઇટ કોટ હાયપરટેંશન(White Coat Hypertention)  કહે છે.

HBPM-હોમ બ્લડ પ્રેશર મોનીટરીંગ , ABPM -એમ્બ્યુલેટરી બ્લડ પ્રેશર મોનીટરીંગ જેવા સાધનો ની મદદથી આ પ્રકારના દર્દીઓનું યોગ્ય નિદાન કરી શકાય છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવા માટે કસરત, મીઠાનો (Solt) ઓછો ઉપયોગ (<1500 mg/day)અને યોગ્ય આહાર જેમ કે ફળફળાદિ, શાકભાજી, આખા ધાન્ય અને લો ફેટ ડેરી પ્રોડક્ટનો ઉપયોગ વધારવો જોઈએ. આ ઉપરાંત ડોક્ટરની સલાહ મુજબ દવાઓ લેવી અને સમયાંતરે બ્લડપ્રેશરનું ચેક અપ કરવું જરૂરી છે.

કોલેસ્ટેરોલને નિયંત્રિત રાખો:

કોલેસ્ટેરોલ એટલે લોહી માં રહેલા વિવિધ પ્રકારના ચરબી ઘટકો, જેમાં Total cholesterol, HDL, LDL, VLDL નો અમાવેશ થાય છે. ફાસ્ટિંગ લીપીડ પ્રોફાઈલ નામના બ્લડ ટેસ્ટ થી આ ઘટકો ના પ્રમાણ જાણી શકાય છે. કોલેસ્ટેરોલનું પ્રમાણ વધુ હોવાના ઘણા કારણો છે જેમ કે જિનેટિક, ડાયાબીટીસ,થાઇરોઇડના રોગો, મેદસ્વીતાપણું, ધુમ્રપાન, દવાઓ જેવી કે સ્ટીરોઈડ્સ , ગ્રોથ હોર્મોન્સ, ઇસ્ટ્રોજન, તથા એક્યુરેટ ફેટ યુક્ત ખોરાક વગેરે.  LDL વધુ અને HDL ઓછું નું પ્રમાણ હૃદયની ધમનીના સંકડાશ (બ્લોકેજ) માટે એક મહત્વનું પરિબળ છે. હૃદયરોગના જોખમની સંભાવના પ્રમાણે LDL ઘટકનું યોગ્ય પ્રમાણ જાળવવું જરૂરી છે.અને જે વ્યક્તિ હૃદયરોગથી પીડાય છે તેને LDL નું પ્રમાણ ૭૦ mg/dl થી ઓછું રાખવું ખુબ જરૂરી છે. HDL ને સારા કોલેસ્ટરોલનો દરજ્જો મળેલ છે. HDL ની માત્રા ૪૦ mg/dl થી ઓછી હોવી એ હૃદયરોગ માટે જોખમી પરિબળ છે. ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય જીવનશૈલી, આહાર, કસરત, અને દવાઓ દ્વારા કોલેસ્ટેરોલને નિયંત્રિત કરી શકાય છે.

ધુમ્રપાન ટાળો:

ધુમ્રપાન તથા ગુટખા સ્વરૂપે કરવામાં આવતું તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક છે. ૨૧મી સદીમાં દુનિયાભરમાં સિગારેટના સેવનથી લગભગ ૧ અબજ લોકો મૃત્યુ પામ્યા હોવાની સંભાવના છે. તમાકુમાં લગભગ ૭૦૦૦ જેટલા ઝેરી દ્રવ્યો હોય છે.  સિગારેટમાંથી નીકળતા ધુમાડામાં કેન્સરજન્ય કેમિકલ્સ, ગ્રીન હાઉસ ગેસ તથા શરીરને અને પર્યાવરણને નુકસાન કરતા કેમિકલ્સ હોય છે. તમાકુથી શરીરના વિવિધ અવયવોના કેન્સર જેમ કે મોઢું, ગાળું, ફેફસા, આંતરડા તથા આન્ન્નળીના કેન્સરનો સમાવેશ થાય છે.  ધુમ્રપાન કરવાથી હૃદયના ધબકારા અને બીપી વધે છે , હૃદયની નળીઓ સંકોચાય છે, લોહીની ઓક્સિજન વહન ક્ષમતા ઘટે છે , અને લોહી ગંઠાવાની પ્રક્રિયાને વેગ મળે છે. હૃદયની ધમનીમાં બ્લોકેજ થાય છે. આ બધા કારણોસર હૃદયરોગના હુમલાનું જોખમ વધી જાય છે. ધુમ્રપાન બંધ કરવાથી લગભગ ૫ વર્ષ પછી હૃદયરોગનું જોખમ નોન-સ્મોકર જેટલું જ થઇ જાય છે. ધુમ્રપાનનું બંધન દૂર કરવા દર્દીનું મજબૂત મનોબળ અને માનસિક તૈયારી ખુબ જરૂરી છે. નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપી (NRT ), બ્યુપ્રોપીયોન અને વેરનીકલીન જેવી દવાઓ ડોક્ટરની સલાહ મુજબ લેવાથી ધુમ્રપાનના બંધનમાંથી છૂટી શકાય છે.

મેદસ્વીતાથી દૂર રહો:

આજના યુગમાં મેદસ્વીતા એ નાના બાળકોથી માંડી મોટી વયના વ્યક્તિઓ માટે એક પડકારરૂપ સમસ્યા છે. મેદસ્વીતાના મુખ્ય કારણ બેઠાળુ જીવન, વધુ કેલરીયુક્ત ખોરાકનું સેવન તથા અમુક કિસ્સાઓમાં અંતહસ્ત્રાવી ગ્રંથીઓના રોગો જવાબદાર છે. મેદસ્વીતાથી બ્લડપ્રેશર, ડાયાબીટીશ, હૃદય રોગ, કેન્સર તથા ડિપ્રેશન જેવા રોગોનું જોખમ વધી જાય છે. બોડી માસ ઈન્ડેક્સ (BMI ) એ મેદસ્વીતાનો માપદંડ છે. BMI 25 ≥ kg/m²  ને ઓવરવેઇટ અને BMI 35 ≥ kg/m² ને ઓબેઝ તરીકે ઓળખવામાં આવે છે.  નિયમિત કસરત , હલનચલન, યોગ્ય ખોરાક એ મેદસ્વીતાથી બચવાના ઉપાયો છે. મીઠાઈ, ફરસાણ, બેકારીની વસ્તુઓ, આઈસક્રીમ તથા ખુબ કેલરીવાળા પદાર્થોનું સેવન નિયંત્રિત કરવું. ખુબ વજન ધરાવતી વ્યક્તિએ ડોક્ટરની સલાહ લેવી ખુબ જરૂરી છે.

બેઠાળુ જીવન ટાળો:

શારીરિક કસરત અને હલનચલન એ હૃદયરોગ , બ્લડ પ્રેશર, ડાયાબીટીશ તથા મેદસ્વીતાથી બચવા માટે ખુબ જરૂરી છે. અમેરિકન હાર્ટ એસોસિએશન દ્વારા તંદુરસ્ત વ્યક્તિએ દર અઠવાડિયે કુલ ૯૦ થી ૧૫૦ મિનિટ મધ્યમ તીવ્રતાથી શારીરિક કસરત કરવાનું સૂચન કરેલ છે. કસરત કરવાથી શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ સુધારે છે.

યોગ્ય ખોરાક ગ્રહણ કરો:

  • હાર્ટ ફ્રેન્ડલી ડાયેટમાં ફાળો, શાકભાજી, બીન્સ, નટ્સ, આખા ધાન્ય અને રેસાવાળા પદાર્થોનો સમાવેશ થાય છે.
  • લો ગલ્યાસેલિક ઈન્ડેક્સ (low GI ) ધરાવતા ખોરાક ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારક છે.
  • PUFA (પોલીસેચ્યૂરેટેડ ફેટી એસિડ) અને MUFA (મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ) યુક્ત ખોરાક જેમ કે ઓલિવ, બદામ, અખરોટ, એવોકેડો, મગફળી, સોયાબીન, ફિશ વગેરે હૃદય માટે લાભકારી છે.
  • સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ યુક્ત પદાર્થોનો વપરાશ મર્યાદિત કરો જેમ કે બટર, કોકોનટ ઓઇલ, ફેટી મીટ, ચીઝ, ખુબ તળેલા પદાર્થો, પેસ્ટ્રી વગેરે.
  • શારીરિક કસરત અને હલનચલન એ હૃદયરોગ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તથા મેદસ્વીતાથી બચવા માટે ખૂબ જરૂરી
  • ડાયાબિટીસના દર્દીના જ્ઞાનતંતુ જો નબળા પડી ગયા હોય તો ઘણી વખત હૃદયરોગના હુમલા દરમ્યાન છાતીમાં તીવ્ર દુઃખાવો જ થતો નથી જેને સાયલન્ટ અટેક તરીકે ઓળખવામાં આવે છે

આનુવંશિક કારણો:

પ્રિમેચ્યોર એથેરોસ્કેલેરોસિસ એટલે કે પુરુષોમાં ૫૫ વર્ષ અને સ્ત્રીઓમાં ૬૫ વર્ષની વય પહેલા હૃદયરોગ થવો, હૃદય રોગના લગભગ ૪૦ થી ૫૦% કિસ્સાઓમાં આનુવંશિક કારણો જવાબદાર છે. હૃદયરોગ થવાના પરિબળો જેવા કે બીપી, ડાયાબીટીશ, અને કોલેસ્ટેરોલમાં પણ આનુવંશિક કારણો જવાબદાર છે. જે વ્યક્તિના નજીકના સગપણમાં નાની વયે હૃદયરોગનો હુમલો આવ્યો હોય તેમને રેગ્યુલર કાર્ડિયોલોજિસ્ટ પાસે હૃદયની તાપસ કરાવવી જરૂરી છે.

સ્ત્રોત: ડૉ.કિરણ પ્રજાપતિ(હૃદયરોગ નિષ્ણાત)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/25/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate