હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હ્રદય સંબંધિત / હૃદયની તંદુરસ્તી જાળવવા અપનાવો મેડિટેશન
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હૃદયની તંદુરસ્તી જાળવવા અપનાવો મેડિટેશન

હૃદયની તંદુરસ્તી જાળવવા અપનાવો મેડિટેશન

જન્મથી મૃત્યુપર્યંત અવિરત સતત લયબદ્ધ ધબકતું હ્રદય શરીરનાં અન્ય મહત્વપૂર્ણ અવયવો કરતાં આકારમાં નાનું પરંતુ અત્યંત મહત્વપૂર્ણ અને મજબૂત અવયવ છે. હ્રદય લગભગ પ્રત્યેક મનુષ્યની બંધ મુઠ્ઠી જેટલાં આકારનું માંસલ સ્નાયુઓથી બનેલું છે. જેમાં અશુદ્ધ રક્તને ગ્રહણ કરી ફેફસામાં સફાઈ માટે ધકેલવાની અને ફેફસામાંથી શુદ્ધ રક્ત મેળવીને સમગ્ર શરીરમાં પહોંચાડવા માટે વિશિષ્ટ રીતે ચાર ખાનાં, વાલ્વ અને ખાનાઓ વચ્ચે પડદાઓ હોય છે. શરીરનાં અન્ય અવયવો જેવા કે લિવર, પેન્ક્રીયાઝ વગેરેની માફક હ્રદય કોઈ જૈવરાસાયણિક ઉમેરીને રક્તશુદ્ધિ કે રક્ત સંચારણનું કાર્ય કરતું નથી. હ્રદયનું કાર્ય નિયમિત અંતરાલે સતત ધબકતા રહી અને સમગ્ર શરીરમાં રક્ત-સંચારણ કરવાનું છે. આવું નિયમિત કામ કરવા માટે તેના સ્નાયુઓની ક્રિયાશીલતા અને બળ જળવાઈ રહે તે જરૂરી છે. આ માટે હ્રદયને લોહી પહોંચાડતી રક્તવાહિનીઓ હ્રદયનાં સ્નાયુઓને પૂરતા પ્રમાણમાં લોહી દ્વારા પોષણ અને ઓક્સિજનનો જથ્થો પહોંચાડે તે જરૂરી છે. જયારે હ્રદયને લોહી પહોંચાડતી નળીઓ કોરોનરી આર્ટરીમાં સંકડાશ થાય, અવરોધ આવે ત્યારે સતત કામ કરતાં હ્રદયનાં સ્નાયુઓને આવશ્યક લોહીનો જથ્થો ઓછો પહોંચે કે પછી બંધ થઇ જાય છે. જેની આડઅસરથી હ્રદયનાં પમ્પિંગનાં કામમાં બાધા ઉત્પન્ન થાય છે તો અવરોધ વધુ પ્રમાણમાં થાય ત્યારે તેટલા સ્નાયુઓ કામ કરતાં અટકી જાય છે, સ્નાયુ નિષ્ક્રિય થઇ જાય છે. જેને કારણે હ્રદયરોગનો હુમલો-હાર્ટએટેક આવે છે.
માંસલપંપ એવા હ્રદયમાં કોરોનરી આર્ટરીમાં અવરોધ થાય તેને કોરોનરી આર્ટરી ડિસિઝ કહે છે. હ્રદયની બનાવટની અન્ય રચનાઓમાં હ્રદયની આસપાસ બે પડમાં વચ્ચે ચીકાશયુક્ત આવરણ-પેરિકાર્ડીયમ હોય છે, જેમાં સંક્રમણ, રૂમેટીઝમ કે મોટી સર્જરી બાદ વાયરલ-બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગવાથી કે અન્ય ન જાણી શકાય તેવા કારણોથી સોજો આવી જતો હોય છે જેને કાર્ડાઈટીસ કહે છે. હ્રદયાવરણમાં સોજો આવવાથી છાતીમાં ભાર, શ્વાસ ચઢવો, તાવ જેવા અન્ય લક્ષણો થતાં હોય છે. હ્રદયમાં આવતા અશુદ્ધ લોહી અને હ્રદય દ્વારા શરીરમાં ધકેલતા શુદ્ધ લોહીને જુદા પાડતા પડદા-સેપ્ટમમાં કાણું જન્મજાત હોવાથી કંજિનીટલ હાર્ટડિસિઝ થતો હોય છે. હ્રદયનાં ઉપર અને નીચેના ખાનાઓને જોડતી ત્વચા વચ્ચે વાલ્વ હોય છે. હ્રદયમાં આવતા રક્તનાં તથા હ્રદયમાંથી શરીરમાં ફેંકાતા લોહીનાં પ્રવાહમાં લયબદ્ધતા અને નિયમન માટે વાલ્વ જેવી રચના હોય છે. જેથી હ્રદયમાં લોહીનો પ્રવેશ અને હ્રદયમાંથી અન્ય અંગોમાં લોહીનું ધકેલાવું નિયમિત અંતરાલથી વાલ્વના ખુલવા-બંધ થવા પર આધાર રાખે છે. આવું મહત્વપૂર્ણ કામ કરતાં વાલ્વમાં સંક્રમણ, જન્મજાત કારણ, વધુ પડતું રક્તપ્રવાહનું દબાણ, લાંબો સમય હાઈબ્લડપ્રેશર જેવા કારણોની આડઅસર હ્રદયનાં વાલ્વ પર થતી હોય ત્યારે ઇન્ફેકશન દૂર કરવા કે પછી જરૂરી હોય ત્યાં સર્જરીથી વાલ્વ બદલવો પડતો હોય છે. આવા હ્રદયની રચનામાં મહત્વપૂર્ણ કામ કરતાં અવયવોમાં રચનાગત, રોગ કે અવસ્થાગત કારણોથી પણ હ્રદયમાં રોગ થતાં હોય છે.

હ્રદયરોગ માટે જવાબદાર મુખ્ય કારણો

 • હૃદયને લોહી પહોંચાડતી નળીઓમાં અવરોધ
 • સંકોચ અને બરડતા
 • હાઈ બ્લડપ્રેશર
 • વધુ પડતું વજન
 • ડાયાબિટીસ
 • સ્ટ્રેસ-તણાવ
 • ઉંમર
 • વારસાગત કારણ
 • ડિસલિપિડેમિયા
 • સ્મોકિંગ

વારસાગત કારણોને દૂર કરવા શક્ય નથી, પરંતુ તે સિવાયના બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવા રોગની આડઅસરઅટકાવવી, કોલેસ્ટેરોલનું નિયમન, વજન ઘટાડવું, સ્મોકિંગની ખરાબ અસરથી બચવું, બેઠાડું જીવન જીવતાં લોકોને શરીરમાં રક્તપરિભ્રમણ યોગ્ય રીતે ન થવાથી હ્રદય પર થતી આડઅસર સ્મોકિંગ જેટલી જ થતી હોવાથી સક્રિયતાથી જીવન જીવવા નિયમિત કસરત-ચાલવું-સાયકલિંગ-સ્વીમીંગ-યોગાસનથી હ્રદયને થતી આડઅસર અટકાવી શકાય.

હ્રદયની સ્વસ્થતા માટે મેડિટેશન

ગત ૨૯ સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટડેની ઉજવણીનાં ભાગરૂપે ‘અ જર્ની ટોવાર્ડસ હેલ્ધીયર હાર્ટ' અંતર્ગત હ્રદયરોગના પ્રિવેન્શન અને ઉપચારમાં મેડિટેશનની ઉપયોગિતા પર ચર્ચા યોજાયેલી જેમાં અમેરિકા સ્થિત ભારતીય મૂળનાં ડૉ. નાન્દીએ અન્ય ઉપચાર સાથે મેડિટેશનની અસરકારકતા વિશે જણાવતાં કહ્યું કે નિયમિત મેડિટેશનથી સ્ટ્રેસથી વધુ પ્રમાણમાં પેદા થતાં સ્ટીરોઇડ હોર્મોન કોટિૅસોલની આડઅસરથી બચી શકાય છે. ડૉ. નાન્દીએ આધુનિક લાઈફસ્ટાઈલથી આરોગ્ય બગડવા માટે સોફેસ્ટિકેટેડ માઈન્ડ (અદ્યતન મન) અને પ્રીમીટીવ બોડી (આદિમ પ્રાથમિક કક્ષાનું શરીર) વચ્ચે તાલમેલનો અભાવ જણાવ્યો. આધુનિક લાઈફસ્ટાઈલથી મન સતત ક્રિયાશીલ, બદલાતું, અજંપામા રહે છે. જયારે શરીરમાં સક્રિયતા ઘટી છે. શરીર મનમાં ચાલતાં તણાવને લગતા જૈવરસાયણિક ફેરફારનો યોગ્ય પ્રતિભાવ આપી શકતું નથી. પરિણામે શરીરમાં થતી નાની-મોટી આરોગ્યને લગતી ક્રિયાઓમાં વિરોધાભાસ જન્મે છે જેથી બ્લડપ્રેશર, ઓબેસિટી, ડાયાબિટીસ વગેરે હ્રદયને નુકશાન કરતાં રોગ થાય છે.

કોન્ફરન્સમાં હાજર કાર્ડિયોલોજીસ્ટ મેડિટેશન એક્સપર્ટ ડૉ. મેહરોત્રાનાં જણાવ્યાનુસાર મેડિટેશનથી સ્મોકિંગથી થતી આડઅસર ૬૦% ઘટે છે. તેમના સંશોધનાનુસાર બ્લડપ્રેશર ઘટે છે. હાર્ટફુલ મેડિટેશનથી સતત સિમ્પેથેટિક ડ્રાઈવની આડઅસરથી થતાં બ્લડપ્રેશર, અનિયમિત ધબકારમાં પેરાસિમ્પેથેટિક ફેરફારથી સેરેટોનીન, મેલેટોનીન જેવા જૈવરસાયણ વધવાથી શાંતિનો અનુભવ થાય છે, વ્યક્તિ હકારાત્મક બને છે.

મેડિટેશનથી ગમા-અણગમા, ક્રોધ, ડર જેવી નકારાત્મકતા દૂર થવી શક્ય બને છે. આથી રોગનાં ડરથી નહીં આરોગ્ય માટે લાઈફસ્ટાઈલમાં બદલાવ શક્ય બને છે.

નિયમિત મેડિટેશનથી સ્ટ્રેસથી વધુ પ્રમાણમાં પેદા થતાં સ્ટીરોઇડ હોર્મોન કોટિૅસોલની આડઅસરથી બચી શકાય છે.

અનુભવ સિદ્ધ :

વ્યક્તિએ બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલ, બેઠાડું જીવન, વધુ વજનમાં ફરક પાડવા જીવન પદ્ધતિમાં બદલાવ લાવવો પડે. આયુર્વેદની યુક્તિવ્યપાશ્રય ચિકિત્સામાં પ્રયોજાતા ઔષધ ઉપરાંત દૈવવ્યપાશ્રય અને સત્વાવજય ચિકિત્સા અંતર્ગત સૂચવેલા યમ, નિયમ, ધ્યાન વગેરેથી માનસિક વલણમાં બદલાવથી લાઈફસ્ટાઈલમાં બદલાવ માટે જરૂરી સંયમ, આત્મબળ કુદરતી રીતે જળવાય છે. મનને દબાવીને નકારાત્મકતાથી કરેલા લાઈફસ્ટાઈલમાં બદલાવ આરોગ્ય લાવે નહીં.

સ્ત્રોત: ડો. યુવા અય્યર,આયુર્વેદ ફિઝિશિયન, આરોગ્ય

2.94736842105
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top