অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હાઈબ્લડપ્રેશર

બ્લડપ્રેશર હંમેશાં એક સરખું હોતું નથી અમુક સમયે સામાન્ય અને કોઈવાર વધારે કે ઓછું રહેતું હોય છે. સામાન્ય બ્લડપ્રેશર ૧૨૦/૮૦ મી.મી. હોય છે. ઉંમર વધવાની સાથે સાથે સામાન્ય બ્લડપ્રેશરનું સ્તર પણ વધે છે. એટલા માટે ત્રણથી ચાર અઠવાડીયામાં એક વખત બ્લડપ્રેશર અવશ્ય માપવું જોઈએ. બ્લડપ્રેશરના દર્દીઓ એલોપથી ડૉક્ટરની દવા લેતા હોય તેમના બ્લડપ્રેશરમાં પણ વધઘટ થતી હોય છે. જો એ ૧૪૦/૯૦ મી.લી. કે તેથી વધુ સતત રહેતું હોય તો તે હાઈ બ્લડપ્રેશર ગણાય. કેટલાક લોકો એને ૧૬૦/૯૦ મી.લી. ગણે છે. જો કે એ માન્યતા પુરાણી (આઉટડેટે) છે. વધુ પડતું ઉંચું બ્લડપ્રેશર જોખમકારક ગણાય છે, જો એ સતત ઉંચું રહેતું હોય તો. આથી એને નીયમીત માપવું કે મપાવવું જોઈએ. અને જો એ સતત ઉંચું રહે તો એનો ઉપાય કરવો જોઈએ. હાઈ બ્લડપ્રેશરને ઓછુ કરવામાં નીયમીત વ્યાયામ, સંયમીત ભોજન, ઓછી માત્રામાં મીઠું, અને ધ્યાન (મેડીટેશન) મદદગાર થાય છે. કેટલાક લોકો કહે છે કે તમારા મનને તરબતર કરે તેવું સંગીત ઓછામાં ઓછો અડધો કલાક સાંભળવાથી પણ બ્લડપ્રેશર કાબુમાં રહે છે.

હાઈ બ્લડપ્રેશરનાં લક્ષણો

લોહીના ઉંચા દબાણમાં ઘણુંખરું ખાસ લક્ષણો જોવામાં આવતાં નથી. એટલે કે એ એક છુપો દુશ્મન છે. અને અચાનક મૃત્યુ પણ લાવી દે એવું બની શકે. મોટે ભાગે સ્ક્રનીંગ વેળા કે કોઈ અન્ય ફરીયાદ માટે ડૉક્ટરને મળવા ગયા હોઈએ ત્યારે ખબર પડે. પણ ઘણા બધા લોકોને હાઈબ્લડપ્રેશરમાં માથાનો દુખાવો થાય છે. આ દુખાવો ખાસ કરીને સવારે માથાના પાછળના ભાગમાં બોચીમાં થતો હોય છે. આ ઉપરાંત નાકમાંથી લોહી પડવું, દૃષ્ટીમાં ધુંધળાપણું, ચક્કર આવવાં વગેરે લક્ષણો કેટલીકવાર જોવા મળે છે. આ લક્ષણો કેટલા પ્રમાણમાં પ્રેશર વધુ પડતું છે તેના પર પણ આધાર રાખે છે, અને બધાંને આ બધાં ચીહ્નો જોવા મળે એવું નથી હોતું.

હાઈ બ્લડપ્રેશરનો મારો અનુભવ આ પ્રમાણે છે. મારી ઉમર ૫૦ની નજીક હશે તે સમયની આ વાત છે. મારી નોકરી સરકારી ખાતામાં હતી, જ્યાં બધાંનું બ્લડપ્રેશર અવારનવાર માપવામાં આવતું. મારું સીસ્ટોલીક પ્રેશર ૧૫૦ મી.લી. આવ્યું હતું. તે સમયે માનવામાં આવતું કે આપણી ઉંમરમાં ૧૦૦ ઉમેરતાં જે આવે તેટલું બ્લડપ્રેશર હોય તો તે નોર્મલ ગણાય. એ પછી મારે દેશ આવવાનું થયું. ત્યાં જ્યારે અમે હરદ્વાર-ઋષીકેશના પ્રવાસે હતાં ત્યારે કુદરતી ઉપચાર વીષે એક પુસ્તક ટ્રેનમાં જ વાંચ્યું. એનો પ્રયોગ તે જ વખતે કરવાનું મેં વીચાર્યું. એક આખો દીવસ માત્ર પાણી પર રહીને ઉપવાસ કર્યો, અને ત્યાર બાદ પાંચેક દીવસ ફળફળાદી અને શાક જ લીધાં. આ પછી સામાન્ય સાદો ખોરાક લેવાનું ચાલુ રાખ્યું. જ્યારે ફરીથી કામપર બ્લડપ્રેશર માપવામાં આવ્યું તો સીસ્ટોલીક ૧૧૨ મી.લી. થયું હતું. જો કે એ અરસામાં મેં એક વાર પાંચ દીવસના માત્ર પાણી પર રહીને ઉપવાસ કર્યા હતા. એ પછી દસેક દીવસ માત્ર ફળ અને શાકભાજી પર રહ્યો હતો. ૧૧૨ મી.લી. પ્રેશર એ ઉપવાસ પછી હતું કે પહેલાં તેનું સ્મરણ નથી.

નીચેના આયુર્વેદીક ઉપાયો કારગત ન નીવડે તો એલોપથીની સારવારનો આશરો લેવો જોઈએ.

જો કે એલોપથીની સારવારમાં આડઅસરની શક્યતા છે, પણ જીવનું જોખમ તો કદાચ ટાળી શકાય. આયુર્વેદીક ઔષધો પણ તમારી પ્રકૃતીને અનુકુળ હોય તે લેવાં. બધાં ઔષધો દરેકને માટે અનુકુળ નથી હોતાં. આથી જ આયુર્વેદમાં એક જ સમસ્યામાં ઘણાં ઔષધો બતાવવામાં આવે છે. તમને અનુકુળ ઔષધ માટે વીશ્વાસુ ચીકીત્સકની સલાહ લેવી.

 

 1. ચીકણા-તળેલા, ગળપણ, વાસી અને વાયડા પદાર્થો બંધ કરવા.
 2. ગોળ, ઘી, ખાંડ, મલાઈ, માખણ, ઠંડાં પીણાં, દુધપાક, શીખંડ, બાસુદી, દહીં, ફ્રુટસલાડ, ફ્રીઝ કે બરફનું પાણી, ફરસાણ, મગ-તુવેર સીવાયનાં કઠોળ, વેજીટેબલ ઘી લેવાનું બંધ કરવું.
 3. દરરોજ સવારે અનુકુળ અંતરે ફરવા જવું અને માફકસર કસરત કરવી. જો યોગાસનોની કસરત ફાવતી હોય તો તે કરવી. એમાં હાઈબ્લડપ્રેશરને પ્રતીકુળ આસનો ન કરવાં. એ માટે યોગ્ય જાણકારની મદદ લેવી.
 4. ફક્ત કેળાં દીવસમાં ત્રણ વખત ખાઈ માથે ઠંડું પાણી રેડવાથી બ્લડપ્રેશર મટે છે. કેળાં પચવામાં ભારે હોવાથી પાચનશક્તી મુજબ પચાવી શકો તેટલા પ્રમાણમાં જ લેવાં, નહીંતર લાભને બદલે નુકસાન થવાની શક્યતા છે.
 5. પાલખમાં રહેલ પોટેશીયમનું ઉચ્ચ પ્રમાણ બ્લડપ્રેશરને નીયમીત અને કાબુમાં રાખે છે.
 6. હાસ્યથી બ્લડપ્રેશર ઘટે છે. હંમેશાં આનંદીત રહેવાથી બ્લડપ્રેશર નીચું લાવવામાં લાભ થાય છે.
 7. નારંગી ખાવાથી લોહીનું ઉંચું દબાણ ઘટે છે.
 8. લસણ પીસી દુધમાં પીવાથી બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે. લસણ બ્લડપ્રેશરની રામબાણ ઔષધી છે.
 9. લસણ, ફુદીનો, ધાણા, જીરુ, મરી અને સીંધવની ચટણી બનાવી ખાવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે.
 10. બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ એકરસ કરી સવાર-સાંજ પીવાથી લોહીનું દબાણ ઓછું થાય છે.
 11. સર્પગંધાનું બેથી ત્રણ ગ્રામ ચુર્ણ દીવસમાં ત્રણ વાર પાણી સાથે ફાકવાથી લોહીનું દબાણ ઘટે છે.
 12. ચોખાનું વધુ પ્રમાણમાં સેવન કરવું એ હાઈ બ્લડપ્રેશરનો એક ઉપાય છે. ચોખાનું સેવન અન્ય પ્રકારે હાનીકારક ન હોય તો બીજા કોઈ પણ ખોરાક કરતાં ચોખા વધુ પ્રમાણમાં ખાવા. જે લોકો ચોખા વધુ પ્રમાણમાં લેતા હોય છે તેમને લોહીનું ઉંચું દબાણ ભાગ્યે જ હોય છે.
 13. લોહીનું દબાણ ખુબ વધી જાય તો તેને તાત્કાલીક નીચું લાવવા માટે પથારીમાં નીશ્ચીંત થઈ સુઈ જવું, વીચાર, ભય, ચીંતા છોડી દેવાં, મન શાંત રાખવું અને બરફનો ટુકડો દુંટી પર મુકી રાખવાથી બ્લડપ્રેશર સામાન્ય થશે.
 14. શાકાહારીઓને હાઈબ્લડપ્રેશરની સમસ્યા ઓછી રહે છે. શાકાહારમાં પોટેશીયમનું પ્રમાણ સારું હોવાથી બ્લડપ્રેશર નીચું રહે છે. આથી હૃદયરોગનો હુમલો અને કીડની ફેઈલ થવા જેવી બીમારીનું જોખમ ઓછું રહે છે.
 15. મેથીને ઝીણી દળી દરરોજ સવાર-સાંજ ૧-૧ ચમચી પાણી સાથે નીયમીત લેવાથી લોહીનું ઉંચું દબાણ હોય તો તે સપ્રમાણ જળવાઈ રહે છે.
 16. ગળો, ગોખરું અને આમળાનું સરખા ભાગે બનાવેલ ચુર્ણ રોજ સવાર-સાંજ ૧-૧ ચમચી પાણી સાથે લેવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે.
 17. જો ખાંડનો બાધ ન હોય તો રોજ સવારે સફરજનનો મુરબ્બો ખાવાથી બી.પી. સામાન્ય થઈ જાય છે તથા યાદશક્તી પણ તેજ બને છે. મુરબ્બો ન ફાવતો હોય તો સફરજનને અંગારામાં શેકીને કે પાણીમાં બાફીને પણ લઈ શકાય. એનાથી પાચનશક્તી પણ સુધરે છે અને લોહીના ઉંચા દબણમાં પણ લાભ થાય છે.
 18. પાણી કે દુધમાં શુદ્ધ શીલાજીત ઓગાળી પીવાથી બ્લડપ્રેશરનો રોગ થતો નથી અને થયો હોય તો સારો થઈ જાય છે.
 19. સર્પગંધા ૧૦૦ ગ્રામ, પુનર્નવા ૫૦ ગ્રામ, અર્જુન ૫૦ ગ્રામ, ગળો ૫૦ ગ્રામ, આમળાં ૫૦ ગ્રામ, જેઠીમધ ૫૦ ગ્રામ અને શંખપુષ્પી ૫૦ ગ્રામ આ દરેકના ચુર્ણને બરાબર મીશ્ર કરી એકથી બે ગ્રામ જેટલું દીવસમાં બે કે ત્રણ વખત લેવાથી બ્લડપ્રેશર કાબુમાં રહે છે.
 20. એલચી દાણા અને પીપરીમુળ સરખે ભાગે લઈ ઘી સાથે રોજ ખાવાથી હૃદયરોગ મટે છે.
 21. આદુનો રસ અને પાણી સરખે ભાગે મેળવીને પીવાથી હૃદયરોગ મટે છે.
 22. ગાજરનો રસ નીયમીત પીવાથી હૃદયરોગમાં લાભ થાય છે.
 23. હૃદયનો દુખાવો થાય તો તુલસીનાં આઠદસ પાન અને બેત્રણ કાળાં મરી ચાવીને ખાવાથી જાદુ જેવી અસર થઈ દુખાવો મટે છે.
 24. છાતી, હૃદય કે પડખામાં દુઃખાવો થયો હોય તો ૧૦ થી ૨૦ ગ્રામ તુલસીનો રસ ગરમ કરીને પીવો અને પાનને વાટીને લેપ કરવાથી દુઃખાવો મટે છે.
 25. નીયમીત પણે બદામ ખાવાથી લોહીની નસ સ્વસ્થ રહે છે અને તેના કારણે હૃદયની બીમારીનું જોખમ ટળી જાય છે. એક અભ્યાસનું તારણ જણાવે છે કે બદામમાં લોહીના ઝેરી તત્ત્વોને નાશ કરતા પદાર્થનું ઉત્પાદન થાય છે. જેના કારણે બદામ બ્લડપ્રેશર ઘટાડવા માટે અને લોહીનો પ્રવાહ સુધારવા માટે અત્યંત મદદરુપ થાય છે.
 26. બ્લડપ્રેશરમાં દાડમથી ફાયદો થાય છે.
 27. હંમેશાં તલના તેલનો જ ઉપયોગ કરવાથી બ્લડપ્રેશર કાબુમાં રહે છે.
 28. મસાજથેરપી બ્લડપ્રેશરમાં લાભદાયક છે.

બ્લડપ્રેશરમાં ધ્યાનપ્રયોગ

વગર દવાએ બ્લડપ્રેશર નીયંત્રણમાં કરવાનો આ છે એક સરળ ઉપાય. બ્લડપ્રેશર એવી બીમારી છે, જેને દવાથી મુળમાંથી મટાડવી મુશ્કેલ છે. જે રોગ ઔષધીથી નથી મટતો તેના માટેનો ઉપાય છે યોગ. હાઈ બ્લડપ્રેશરને મુળથી મટાડવા માટે માત્ર રોજ દસ મીનીટ માટે નીચે લખેલી વીધીથી ધ્યાન કરો.

ધ્યાન વીધી

શરીરને ઢીલું છોડી દો, ધ્યાન રહે કે કમર નમવી ન જોઈએ. આ માટે પદ્માસનમાં બેસવાની ટેવ પાડવી જોઈએ.

આંખો બંધ કરી પુરું ધ્યાન મુલાધાર ક્ષેત્રમાં લઈ આવો. અને એ એક જ જગ્યાએ કેન્દ્રીત કરો, ગુદા દ્વારને ઢીલું છોડી દો. સાથે લીંગના મુળને પણ ઢીલું છોડી દો. આમ કરવાથી શ્વાસની ગતી અચાનક ઉંડી અને ઝડપી થઈ જશે. ત્યારબાદ શ્વાસ પર ધ્યાન આપો. એ માટે પુરું ધ્યાન નાસીકા પર લઈ આવો. હવે આવતાજતા શ્વાસને ધ્યાનથી અનુભવો. ઓછામાં ઓછા ૩૦ શ્વાસ સુધી આ અવસ્થામાં રહો. આ પછી તમારું બ્લડપ્રેશર માપી જુઓ. ફરક માલમ પડે છે?

ખાસ નોંધ: ઉપચારો યોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે, જાતે ઉપચાર કરવા માટે નહીં.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate