অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

લાગણીસભર હૃદયની ‘દિલ' થી માવજત

લાગણીસભર હૃદયની ‘દિલ' થી માવજત

ચાલો લાગણીસભર હૃદયની ‘દિલ' થી માવજત કરીએ શરીરમાં સતત લોહીનો પ્રવાહ વહેતો રાખવા ઈશ્વરે માનવને હૃદયની અમુલ્ય ભેટ આપી છે. ભગવાનની આ કુદરતી સોગાતને સાચવવાની આપણી પ્રમુખ જવાબદારી છે. પહેલાના લોકો ખૂબ સ્વસ્થ રીતે 100 વર્ષ સુધી જીવી જતા હતા, પણ હવે લોકોના આયુષ્ય ઘટ્યા છે. નાની ઉંમરે યુવાનીમાં હાર્ટ એટેક આવવાના કિસ્સા વધ્યા છે. હાર્ડ એટેક કોને, ક્યારે અને શા માટે આવે છે તેની વિગતે માહિતી મેળવવી આપણા દરેક માટે જરૂરી છે. . 29 સપ્ટેમ્બરનો દિવસ ‘વિશ્વ હૃદય દિવસ' તરીકે ઉજવાય છે. આ વર્ષે ‘માય હાર્ટ માય પ્રોમીસ' થીમ ઉપર વિશ્વભરમાં ઉજવણી થવાની છે. ત્યારે આ દિવસે લાગણીસભર હૃદયની લાગણીપૂર્વક દિલથી સંભાળ લેવાનો આપણે પણ સંકલ્પ કરવો જોઈએ. ઝડપી જીવનશૈલીના કારણે યુવાનોએ જંકફૂડ, તળેલી વાનગીઓ અને ખાંડમાંથી બનેલી વસ્તુઓનો ખોરાકમાં ઉપયોગ વધાર્યો છે. તેમજ યુવાનો જુદાજુદા વ્યસનના બંધાણી થયા છે. યુવાનોએ શારીરિક શ્રમ કરવાનું પણ ઘટાડી દીધું છે. આ કારણે યુવાનો મેદસ્વી થવાની સાથોસાથ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હાઈપર ટેન્શન સહિતની બીમારીઓના શિકાર બની રહ્યાં છે. આ તમામ કારણો વ્યક્તિને હાર્ટ એટેક લાવવા માટે પુરતા છે.
હૃદયરોગનું પ્રમાણ ભારતમાં અને તેમાય ખાસ કરીને ગુજરાતમાં ખૂબ ભયજનક રીતે વધી રહ્યું છે. દર વર્ષે વિશ્વમાં લગભગ 1.7 કરોડ લોકોનાં મૃત્યુ માત્ર હૃદયરોગના કારણે થાય છે. જે કુલ મૃત્યુ આંકના લગભગ 30 ટકા છે. એક અંદાજ મુજબ 2030 સુધીમાં આ આંકડો 3 કરોડ સુધી પહોંચી શકે છે. પ્રમાણિત સર્વેમાં જણાવાયું છે કે ભારતમાં દરરોજ હાર્ટ એટેકથી લગભગ 6300 લોકોનાં મૃત્યુ થાય છે એટલે કે, દેશમાં દર મિનિટે સરેરાશ પાંચ મૃત્યુ હાર્ટ એટેકના કારણે થાય છે. ચિંતાનો વિષય એ છે કે, મૃત્યુ પામતા લોકોમાં 30 ટકા એટલે કે લગભગ 1800 લોકોની ઉંમર 40 વર્ષ કરતા નીચે હોય છે. જાણકારો માને છે કે, આ આંકડો આગામી 2030 સુધીમાં 15થી 20 ટકા વધવાની શક્યતા છે.. 20 વર્ષથી ઉપરની ઉંમરના ભારતીયો માટે થયેલા એક સર્વે મુજબ દેશમાં હાલ હૃદય રોગના દર્દીઓની સંખ્યા લગભગ 6 કરોડ છે જે વર્ષ 2030 સુધી 15થી 20 ટકા વધી શકે છે. ભારતીયોમાં નાની ઉંમરે હાર્ટ એટેકના કિસ્સામાં 35-40 ટકા કેસમાં ખરાબ પ્રકારનું કોલેસ્ટ્રોલ Lp(a) લોહીમાં વધારે માત્રામાં જોવા મળ્યું છે. આ એક જીનેટીક માર્કર છે. જેને દવાઓથી ઘટાડવા પ્રયત્ન કરવા છતાં હાર્ટ એટેકનું જોખમ ઓછું થતું નથી. જો Lp(a)નું પ્રમાણ વધારે હોય તો કેટલાક બદલાવકરવાથી હાર્ટ એટેકના જોખમને મહદઅંશે ઘટાડી શકાય છે.
WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) ની ભલામણ મુજબ 73 ટકા લોકો પુરતા પ્રમાણમાં લીલા શાકભાજી તથા ફળો ખોરાકમાં લેતા નથી. હૃદય માટે માનસિક તણાવ પણ જોખમી છે. ધ્યાન અને આધ્યાત્મિકતા સાથેનું વ્યક્તિનું જોડાવું હાર્ટ એટેકના જોખમને દૂર રાખે છે. હૃદય રોગના હુમલામાં જેટલી વહેલી સારવાર મળે તેટલા મૃત્યુ ઘટે છે. હૃદયરોગના હુમલાના સમાન્ય લક્ષણો બધાને ખબર હોય છે, પરંતુ અસામાન્ય લક્ષણો જેમકે પેટમાં અચાનક ગેસ જેવું લાગે, ઉલ્ટીઓ થવી, જમણી બાજુ છાતીમાં દુખાવો થવો, અચાનક અસામાન્ય નબળાઈ લાગવી જેવા લક્ષણો દેખાય તો તુરંત ECG (કાર્ડિયોગ્રામ) કઢાવી લેવો જોઈએ. જેમને આગળ જણાવ્યાં પ્રમાણેના જોખમકારક પરિબળો હોય તેમણે નિયમિત અંતરે સ્ક્રિનિંગ ટેસ્ટ જેમકે કોલેસ્ટ્રોલ, ઈકો, ટીએમટી (ટ્રેડમીલ ટેસ્ટ) કરાવતા રહેવું જોઈએ. 35 વર્ષની ઉંમર બાદ દરેક વ્યક્તિએ વર્ષમાં એક વખત ચેકઅપ કરાવવું હિતાવહ છે.

ઝડપથી ચાલવું હ્રદય માટે ઉત્તમ

એક સર્વે મુજબ 94 ટકા લોકો પુરતા પ્રમાણમાં શારીરિક શ્રમ કરતા નથી. દરરોજ સરેરાશ 45-60 મિનિટ કસરત માટે સમય ફાળવવો જોઈએ. ઝડપથી ચાલવું તે હૃદય માટે સૌથી ઉત્તમ કસરત છે. પુરૂષો માટે કમરનો ઘેરાવો ૩૫ ઈંચથી ઓછો તથા BMI (બોડી માસ ઈન્ડેક્સ) ૨૫થી ઓછો હોવો જોઈએ તથા મહિલાઓ માટે કમરનો ઘેરાવો 31 ઈંચ તથા BMI ૨૫થી ઓછો હોવો જોઈએ. ભારતીયો માટેની પ્રમાણિત માર્ગદર્શિકા મુજબ લોહીમાં ટોટલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ 160 mg LDL કરતા ઓછું તથા LDL (એલડીએલ) કોલેસ્ટ્રોલનું પ્રમાણ 80 mg LDLથી ઓછું હોવું જોઈએ જે અમેરિકન માર્ગદર્શિકા કરતા લગભગ 20-25 ટકા ઓછું છે.ધ્યાન અને આધ્યાત્મિકતા સાથેનું વ્યક્તિનું જોડાવું હાર્ટ એટેકના જોખમને દૂર રાખે છે.

સ્ત્રોત: ડૉ. હિતેશ જસવંતરાય શાહ.M.D., D.M. (ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી). કહાન કાર્ડિયાક ક્લિનિક. 320-બી, ત્રીજો માળ, શુકન મોલ, રાજસ્થાન હોસ્પિટલની બાજુમાં, શાહીબાગ, અમદાવાદ. સંપર્ક નંબર: 99245 77711. 76238 48978. 99245 77726. વેબસાઈટ: drhiteshshah.com.

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/17/2019© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate