વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

દિલથી લઈએ દિલની સંભાળ..!

હૃદય ની સંભાળ વિશેની માહિતી આપવામાં આવી છે

માનવ શરીરના અદભુત અને અકલ્પનિય અંગો અને અવયવોની કામગીરીમાં હૃદય એક એવી કામગીરી સંભાળે છે જેના કારણે આ ધરતી પર આપણું અસ્તિત્વ છે. હૃદયને સાહિત્ય અને કલાજગતમાં જેટલું સન્માન મળ્યું છે તેટલું જ મહત્વ મૅડિકલક્ષેત્રમાં પણ મળ્યું છે. આ ધરતી પર આપણાં પ્રથમ શ્વાસથી શરૂ થયેલી જિંદગીની સફરમાં આપણું હૃદય પણ એટલું જ સાતત્યતાથી આપણો સાથ નિભાવી રહ્યું છે. જીવનના અંતિમ શ્વાસ સુધી ધબકતું રહેતું આપણું હૃદય, કુદરતે આપણાં શરીરમાં ગોઠવેલી એવી સંરચના છે જે શરીરમાં રક્તભ્રમણની લાખો જોજન સફર જીવન પર્યન્ત અવિરત કરતુ રહે છે.

કવિઓની ભાષામા દિલની વાત જેટલી ઋજુતાથી પ્રગટ થઈ શકે છે મૅડિકલ ભાષામાં તેની કાર્યપ્રણાલી એટલી જ મહત્વપૂર્ણ છે. આજના સમયકાળમાં ગરીબ હોય કે શ્રીમંત, પ્રત્યેક વ્યક્તિની જીવનશૈલીમાં અનેકાનેક પરિવર્તનો થયા છે. જીવનમાં આનંદ અને ઉલ્લાસની કમી થઈ રહી છે તો સાથે સાથે તણાવ, ગુસ્સો, ભય, વિવાદ જેવા નકારાત્મક પરિબળો જીવન પર હાવી થઈ રહ્યાં છે. આ ઉપરાંત મોબાઈલ, ટીવી વિગેરે ઉપકરણોની આદતે માનવજીવનની સુખી પળોને ઘરના એક નાના ઓરડા સુધી સિમિત કરી  રોગોની સંભાવનાઓ વચ્ચે લાવીને મૂકી દિધી છે. સમયની આ કહેવાતી પ્રગતિ આજે ધરાતલ પર લાખો માનવીઓને હૃદયરોગના વજ્રાઘાતનો શિકાર બનાવી રહી છે.

મનુષ્યનું હૃદય સહન ન કરી શકે તેવી અનેક મુશ્કેલીઓની ભેટો આપણી અયોગ્ય જીવનશૈલીને કારણે આપણે આપણાં હૃદયને દરરોજ કોઈને કોઈ સ્વરૂપે આપીએ છીએ. શું આપણે એ જાણવાની કોશિશ કરી છે કે આપણાં હૃદયને ખરેખર આ બધાથી કેટલો ફેર પડે છે ?  વિશ્વ  સમુદાયમાં આ વિશે અનેકાનેક ચર્ચાઓ નિયમિત પણે થાય છે અને હૃદયરોગ નિષ્ણાતો આ બાબતે અનેક વખત વિશ્વને ચેતવી ચૂક્યા છે તેમ છતાં હૃદયની સંભાળ લેવામાં આપણે ઉણા ઉતર્યા નથી. કદાય આ કારણ અને આવા અન્ય અનેક અગત્યના કારણોને લીધે જે વિશ્વમાં પ્રત્યેક વર્ષે વર્લ્ડ હાર્ટ ડૅ મનાવવામાં આવે છે.

29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસની ઉજવણી આપણાં દેશમાં પણ થાય છે. વિશ્વ આરોગ્ય સંગઠને આ વર્ષે આ ઉજવણી માટે “માય હાર્ટ યોર હાર્ટ” ની થીમ નક્કી કરી છે. આ ઉજવણીના માધ્યમથી વિશ્વના અનેક દેશોમાં જનજાગૃતિ લાવી હૃદયરોગની વિવિધ સમસ્યાઓ, રોગો અને સ્ટ્રૉક વિશે જનસમુદાયને સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવાનો આશય છે.

હૃદયની માવજત અને અગમચેતી વિશે આગળ વધતા પહેલાં “માય હાર્ટ યોર હાર્ટ”ને અનુલક્ષીને આવો આપણે સંકલ્પ લઈએ કે આપણે આપણાં હૃદયની વાતને માનીશું. હૃદયને વચન આપીએ કે ધુમ્રપાન નહી કરીએ, સ્વસ્થ્ય અને આરોગ્યપ્રદ આહાર લઈશું અને હૃદયને તેના કાર્યમાં મદદરૂપ બનવા અગમચેતીના જેટલામાર્ગ છે તેને અનુસરી સ્વસ્થ હૃદય અને સ્વસ્થ જીવનના સૂત્રને સાકાર કરીશું અને અન્યને પણ કરાવીશું.

મિત્રો, હૃદયની માવજતના સપ્ત-સૂત્રો પર આગળ વધી એ પહેલાં હૃદયરોગ વિશે પ્રસિધ્ધ થયેલાં કેટલાંક તથ્યો જોઈએ. સી.એચ.ડી. (કોરોનરી હાર્ટ ડિસીઝ) અને સ્ટ્રૉક આ બન્ને વિશ્વમાં ખૂબ ઝડપથી વધી રહ્યાં છે. આપણાં દેશમાં તેની વૃધ્ધિની તીવ્રતા વધારે છે.  કુલ મૃત્યુદરના 17 ટકા અને પુખ્યવયની વ્યક્તિમાં 26 ટકા પ્રમાણ વર્ષ 2001-03માં હતુ તે વધીને વર્ષ 2010-13માં તે 23 ટકા અને 32 ટકા જેટલું વધી ગયું છે. વર્ષ 2015માં આશરે 21 લાખ લોકોના મૃત્યુ માટે હૃદયની સમસ્યાઓ જવાબદાર હતી. અન્ય ઘણાં આંકડાંઓ દર્શાવે છે કે હૃદયરોગની સમસ્યા સ્વસ્થ વ્યક્તિને મૃત્યુશય્યા સુધી પહોંચાડવા માટે ધોરીમાર્ગ બની રહ્યો છે. અગમચેતી એ જ સલામતી છે તેને ખૂબ સ્પષ્ટ રીતે ધ્યાનમાં રાખીને હવે આપણે હૃદયને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય એ સમજીએ.

હૃદયરોગ અને સંબંધિત સમસ્યાઓથી દૂર રહેવા આટલું અનુસરો.

તમાકુ કે તેની કોઈપણ બનાવટ, ધુમ્રપાન અને નશીલા દ્રવ્યોનું સેવન ટાળો: યાદરાખો કે તમાકુ કે તેની કોઈપણ પ્રકારની બનાવટનું સેવન કરવું હાનિકારક છે. તેના કારણે હૃદયરોગની શક્યતાઓ પણ વધી જાય છે. તમાકુમા રહેલા તત્વો હૃદય તથા શરીરની નસોને વ્યાપક નુક્સાન કરે છે. ધુમ્રપાનથી લોહીમાં ઓક્સીજન કરતા કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ ધીરે ધીરે વધવા લાગે છે અને તેના કારણે પ્રેશર પણ વધે છે.  સ્ત્રીઓ કે જેઓ ધુમ્રપાન  કરે છે અને બર્થ કંટ્રોલ માટે ગોળીઓ પણ લે છે તેમને પણ હૃદયરોગની શક્યતા વધારે રહે છે. નશીલા દ્રવ્યોનું સેવન, સ્મોકિંગ, તમાકુ ચાવવી વિગેરે બાબતો આપણાં શરીરની સામાન્ય સ્થિતિમાં અસામાન્ય ફેરફાર કરીને હૃદયરોગનું જોખમ વધારે છે. આજે જે આ વ્યસનો છોડો, જે ધીરે ધીરે હૃદયરોગના હુમલાને શક્યતાને ઓછી કરવામાં મદદરૂપ બનશે.

નિયમિત લગભગ 30 મિનિટ સુધી કસરત કરો: યાદરાખો કે કસરત શરીરની ઉર્જાને યથાવત રાખવામાં મદદરૂપ બને છે. જો નિયમિત કસરત કરવામાં આવે તો હૃદયરોગ સહિત અન્ય તકલિફો થવાની શક્યતાઓને મહદઅંશે ઘટાડી શકાય છે. આ સિવાય, વજન અંકુશમાં રહે છે. સ્ફુર્તિ અને તાજગી અનુભવાય છે. તણાવ, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, ડાયબિટીઝ જેવા અનેક રોગોમાં રાહત  મળે છે.  ચાલવું, ગાર્ડિનિંગ, હાઉસકિપીંગ, સીડી ચઢવી-ઉતરવી, સામાન્ય કસરતો વિગેરે નિસંદેહ ફાયદો કરે છે.

યોગ્ય અને સંતુલિત આહારશૈલી અપનાવો:  આહાર આપણાં શરીરની અત્યાવશ્યક જરૂરીઆત છે. પરંતુ ક્યારે, કેટલું  અને કેવી રીતે ખાવું તેની યોગ્ય સમજ કે જાણકારીના અભાવે આહારનો પૂરતો ફાયદો આપણે લઈ શકતા નથી. સંપૂર્ણ આહાર એટલે જેમાં તમામ પ્રકારના આહારતત્વો હોય, પોષણક્ષમ અને સુપાચ્ય હોય તેવો આહાર લેવો જોઈએ. શાકભાજી, ફળો, સુકોમેવો, દુધ વિગેરે દૈનિક આહારનો ભાગ હોવો જોઈએ. શક્ય હોય તો  ડાયટ-ચાર્ટ બનાવી તેને અનુસરવું જોઈએ.

યોગ્ય વજન જાળવી રાખો: વજન વધી ગયુ છે, વજન તો ઉતરતુ જ નથી, ખૂબ વધારે વજન છે એટલે કામગીરી થતી નથી – આવા ઘણાં કારણો વજન ઓછું કરવા માટે આપવામાં આવે છે. પરંતુ યાદરાખો વધારે વજન ભયનું સૂચક છે. આપનો બોડીમાસ ઈન્ડેક્ષ યોગ્ય ક્રમાંકથી વધવા ન દો.

પૂરતી ઊંધ લો: સામાન્ય રીતે દૈનિક કામગીરી, વધારાનો કામનો બોજ, સતત વ્યવસાયિક પ્રવાસો, કૌટુંબિક જવાબદારીઓ વિગેરેને કારણે વ્યક્તિ સામાન્ય કરતા વધારે સમય કામ કરે અથવા અન્ય બીનજરૂરી કાર્યોમાં ગુંથાયેલો રહે અને જો તેની ઊંધ પૂરી ન થાય તો તેના કારણે શારીરિક કમજોરી, સુસ્તી, બેચેની, અણગમો, ગુસ્સો વિગેરે થાય છે. જો સતત ઊંધ પૂરી ન  થાય તો વ્યક્તિને હૃદયરોગની તકલિફ થવાની શક્યતા રહે છે. સ્ત્રી, પૂરૂષ કે મોટી ઉંમરની વ્યક્તિએ પૂરતી ઊંધ લેવી જરૂરી છે. જો ઊંધ ન આવતી હોય તો તેનું કારણ શોધવું અન્યથા ડૉક્ટર પાસે યોગ્ય સલાહ લેવી.

તણાવમુક્ત રહેવાનો પૂરતો પ્રયાસ કરો: આજનું જીવન ભલે અનેક અનિશ્ચિતતાઓથી ભરેલું છે પરંતુ તેનો મતલબ એ નથી કે આપણે સતત તેને વશ થઈને રહેવું. કોઈપણ સંજોગો કે કોઈપણ પરિસ્થિતિમાં તન અને મન સંતુલિત અને તણાવમુક્ત રાખવા જોઈએ. આજકાલ નાની ઉંમરની વ્યક્તિ, સ્કુલમાં ભણતા બાળકો, યુવાવર્ગ કે નોકરિયાત વર્ગમાં હૃદયરોગની તકલિફો થવાનું સીધુ કારણ તણાવ બને છે. સંજોગો સામે નકારાત્મક મન રાખવા કરતા હંમેશા બી-પોઝીટીવ રહેવું  જોઈએ.

સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરાવો: સમય અને સંજોગો હંમેશા સરખા નથી હોતા. કાળજીની સાથે સાથે અગમચેતી પણ એટલી જ જરૂરી  હોય છે. આહાર-વિહાર અને વાતાવરણ તથા જીવનશૈલીમાં અનેક અસામાનતાઓ વચ્ચે શરીરને સંતુલિત રાખવા માટે આપણે યોગ્ય પગલાં લઈએ છીએ પરંતુ તેની સાથે નિયમિત શરીરની તપાસ કરાવવી જરૂરી છે. પરિણામે શરીરની થનારી કોઈ નાની અસામાનતા પણ આપણાં ધ્યાન પર આવે અને મોટા રોગ કે હૃદયરોગ, સ્ટ્રૉક જેવી અચાનક આવનારી વ્યાધિથી બચી શકાય. નિયમિત સ્વાસ્થ્ય તપાસ અને ડૉક્ટર પાસે યોગ્ય માર્ગદર્શન લેવું હિતાવહ છે.

હૃદયને વચન આપીએ કે ધૂમ્રપાન નહીં કરીએ, સ્વસ્થ્ય અને આરોગ્યપ્રદ આહાર લઈશું અને હૃદયને તેના કાર્યમાં મદદરૂપ બનવા અગમચેતીના જેટલા માર્ગ છે તેને અનુસરી સ્વસ્થ હૃદય અને સ્વસ્થ જીવનના સૂત્રને સાકાર કરીશું અને અન્યને પણ કરાવીશું

પ્રિય વાચક મિત્રો, આજની જીવન પધ્ધતિ સાથે તાલમેલ રાખવા શરીરને જાણ્યા-અજાણ્યા અનેક કોમ્પ્રોમાઈઝ કરવા પડતા હોય છે. હૃદય પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરતુ હોય છે. હૃદયરોગ જેવા રોગોની સામે પ્રતિકાર કરવા આવો આપણે દરેક તબક્કે મજબૂત બનીએ અને આપણાં પરિજનોને પણ બનાવીએ. દિલની વાતને દિલથી અનુસરી તેનો યોગ્ય અમલ કરીએ, જેથી હૃદયમાંથી નિકળનારી પ્રત્યેક ધડકન સ્વસ્થ સૂર બનીને આપણાં આનંદિત જીવનને વધારે મંગલમય બનાવી શકે.

ડૉ.રસેશ પોથીવાલા(હૃદયરોગ નિષ્ણાત)

2.88235294118
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top