ઝડપથી વિકસિત આ દુનિયાની ઝડપી દોડથી આપણે સૌ ટેવાઈ ગયા છીએ. વિજ્ઞાનની યાંત્રિક શોધો એ આપણા રોજિંદા જીવનની કેટલીયે તકલીફો દૂર કરી દીધી છે. ચાલીને કે સાયકલ પર જતો માનવી હવે ટુ વ્હીલર /ફોર વ્હીલરમાં દોડે છે. એ.સી ચેમ્બર્સમાં ઠંડક માણતાં માણસોને સૂર્યપ્રકાશ હવે "નડે" છે. જંક ફૂડ / બેઠાડુ જીવન, શારીરિક શ્રમનો અભાવ ઘણાને મેદસ્વીતા (ઑબેસિટી) કમર અને ઘૂંટણની તકલીફો વધુ જોવા મળે છે. વધતું પેટ કમર અને ઘૂંટણ પર સીધી અસર કરે છે. એમાંય ઝડપી જીવનમાં કસરતનો અભાવ. આ બે પરિબળો કમર - સ્પોન્ડીલોસિસ અને ઘૂંટણ - આથ્રાઇટિસ ને જલ્દી નોતરે છે. ઘસારાની શરૂઆત નાની ઉંમરે થતી જોવા મળે છે અને આને લીધે રોજિંદા જીવનમાં હલન ચલનમાં મુશ્કેલી પડવા માંડે છે. કમર - ઘૂંટણની તકલીફો ને લીધે થતા દુઃખાવામાં ઘણી વખત ઑપરેશન કરવાની પણ જરૂર પડે છે.
સૂર્યપ્રકાશ નો અભાવ નબળા - પોચા હાડકાં માટેનું એક અગત્યનું કારણ છે. વિટામિન "ડી" ની ઊણપ ઘણા લોકોમાં જોવા મળે છે. ઘર, ગાડી, ઓફીસ, શોપિંગ મોલ, બસ, ટ્રેન........બધે જ એ.સી વાતાવરણ , બંધ બારીઓ.
જુના જમાનામાં વાંચેલી વાતો - કુમળા સૂર્યપ્રકાશમાં બાળકોને હાડકાંને ઉપયોગી વિટામિન - ડી ભરપૂર મળે છે. તે હવે ચોપડીઓ પૂરતું જ સીમિત રહી ગયું છે.
કમ્પ્યુટર, મોબાઈલનો ઉપયોગ ગરદનની તકલીફો અને આંખોની તકલીફો માટે જવાબદાર છે. સતત વાંકા વળીને કામ કરવું ગરદનના સ્નાયુઓને શ્રમ પહોંચાડે છે અને સર્વાઇકલ સ્પોન્ડોલોસીસ જેવો ગરદનની તકલીફો અવાર નવાર જોવા મળે છે. આ માટે તમારે તમારી કામની પદ્ધતિમાં બદલાવ લાવવો જરૂરી છે. નિયમિત કસરત - ફિજીયોથેરાપી ખુબ અને સારું પરિણામ આપે છે.
આપણી બેસવાની પદ્ધતિ, ટેબલની ઊંચાઈ, કમ્પ્યુટરના સ્ક્રીનનું લેવલ, ખુરશી - પલંગની ડિઝાઇન, જમીન પર બેસવાની ટેવ, રોજિંદા જીવનની ખુબ નાની નાની બાબતો પર આપણે પૂરતું ધ્યાન આપીયે અને જરૂરી ફેરફારો કરીયે તો ઘણા દુઃખાવા માંથી મુક્તિ મળી શકે છે. બદલાતા સમયની સાથે આપણે સૌએ પણ બદલાવું જરૂરી છે.
આજકાલ સૌને જીમ - એરોબીક્સ, ફિટનેસ ટ્રેનિંગનું ઘેલું લાગ્યું છે. શારીરિક તંદુરસ્તી ખુબ જરૂરી છે. તે પ્રત્યેની સભાનતા ઘણી જ આવકાર્ય છે પણ ક્યારેક આ બાબતમાં પણ અતિરેક થતો જોવા મળે છે. પૂરતા અભ્યાસ અને માર્ગદર્શન વગરની આવી કસરત નું ઘેલાપણું ન ધરી તકલીફો નોતરી શકે છે.
યોગ્ય માર્ગદર્શન હેઠળ જ જરૂરી કસરતો કરવી. જેમ કે કમરની તકલીફવાળા દર્દીઓને અને ઘૂંટણની ગાદીમાં તકલીફ હોય તેવા દર્દીઓને જુદા જ પ્રકારની કસરતો કરવી સલાહ ભરેલી હોય છે.
શરીરમાં બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ, હિમોગ્લોબિન, થાઈરોઈડ, જેવી તકલીફો માટે આપણે જેટલા સજાગ રહીએ છીએ તેટલા જ સજાગ શારીરિક વજન (મેદસ્વીતા), વિવિધ અંગોની કસરતો (ગરદન, કમર, ઘૂંટણ, ખભા) અને તમારા રોજિંદા જીવનની દિનચર્યામાં જરૂરી ફેરફારો માટે રહીએ તો ઓર્થોપેડીક - હાડકાં - મણકાંના દુઃખાવા થી દૂર રહી શકાય.
ઝડપથી બદલાતી, વિકસતી, વિસ્તરતી આ જીવનશૈલીને માણવા માટે તમે પણ તંદુરસ્ત અને સજાગ રહો તો જિંદગી સારી જીવશો.
સ્ત્રોત: ડૉ શ્રેયાંશ વઘાસીયા,ઓર્થોપેડિક સર્જન .
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/16/2019