অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હાડકા

સંધિવા

સંધિવા શું છે?

સંધિવા એટલે 'સાંધામાં બળતરા'. સંધિવામાં 170 કરતાં પણ વધારે સાંધાની બીમારીઓ સમાવાયેલી છે જેને પરિણામે સાંધાનો દુખાવો, જકડાયેલા સાંધા, સાંધામાં ક્યારેક સોજો વગેરે થઇ શકે છે.

સંધિવાના ત્રણ સૌથી સામાન્ય પ્રકારો નીચે જણાવ્યા મુજબ છે:

  1. રહુમેટોઈડ આર્થરાઇટીસ
  2. ઓસ્ટીઓઆર્થરાઇટીસ
  3. ગાઉટ

સંધિવાના લક્ષણો:

  • સાંધામાં દુખાવો કે નરમાશ (દબાવવાથી થતો દુખાવો) જે કોઈ પણ પ્રકારની હિલચાલ જેવી કે, ચાલવું, ખુરશીમાંથી ઊભા થવું, લખવું, ટાઈપ કરવું,કોઈ વસ્તુ પકડવી, શાક સમારવું, વગેરે ને કારણે વધી શકે છે.
  • બળતરા દર્શાવતો સાંધામાં આવેલો સોજો, જકડાઈ ગયેલા સાંધા, લાલાશ, કે ઉષ્ણતા
  • ખાસ કરીને સવારના સમયે સાંધાનું વધારે જકડાઈ જવું
  • સાંધાનું લચીલાપણું ગુમાવવું
  • સાંધાનું માર્યાદિત હલનચલન
  • સાંધામાં આવેલું બેડોળપણું
  • વજનમાં ઘટાડો અને થાક
  • કોઈ ચોક્કસ કારણ વિનાનો તાવ
  • હલનચલ વખતે સાંધામાં થતો કડકડ અવાજ

સંધિવાને કેવી રીતે સંભાળવો

ઉચિત દેખભાળ અને અસરકારક સારવાર સંધિવા હોવા છતાં સારી રીતે જીવવામાં મદદરૂપ થાય છે.

  • સંધિવા અને તેની સારસંભાળ વિષે જ્ઞાન મેળવવાથી બેડોળપણા અને બીજી જટિલતાઓથી બચી શકાય છે.
  • લોહીની તપાસ અને એક્સ-રે ની મદદથી સંધિવા પર નિયંત્રણ રાખવું.
  • ડોક્ટરની સલાહ પ્રમાણે નિયમિત દવાઓ લેવી.
  • શરીરના વજને કાબૂમાં રાખવું.
  • પોષક ખોરાક લેવો.
  • ડોક્ટરની સુચના અનુસાર નિયમિત કસરતો કરવી.
  • તણાવ અને થાક લાગે તેવા કામથી દૂર રહેવું. આ માટે નિયમિત કસરત, આરામ આપતી પ્રક્રિયા, પૂરતો આરામ, કામનું વ્યવસ્થીત આયોજન વગેરે મદદરૂપ થઇ શકે.
  • દવાના ઉપયોગમાં પૂરક બનતી અને વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત થયેલી યોગ અને બીજી વૈકલ્પિક સારવાર પદ્ધતિઓનો સહારો લેવો.

ગોઠણનો દુખાવો

કારણો

ગોઠણના દુખાવાના કારણોમાં ગોઠણ પાસેથી લીધેલું વધારે પડતું કામ, શારીરિક પ્રવૃત્તિ કરતી વખતે યોગ્ય મુદ્રા, કે અપૂરતા ખેંચાણનો સમાવેશ થઇ શકે. વધારે પડતું વજન ગોઠણના દુખાવાનો ભય વધારી શકે છે. ગોઠણનો દુખાવો નીચે મુજબના કારણોને લીધે થઇ શકે છે:

  • સંધિવા.
  • ગોઠણ પર આવેલા વારંવારના દબાણને કારણે બળતરા (દબાણના કારણોમાં લાંબા સમય સુધી ગોઠણના આધારે બેસવું, વધારે પડતો ગોઠણનો વપરાશ કે ઈજાનો સમાવેશ થાય છે).
  • ગોઠણના આગળના ભાગમાં થતો દુખાવો જે સીડી ચડતી અને ઊતરતી વખતે વધી જાય છે.
  • તૂટેલી અસ્થિકૂર્ચા કે અસ્થિબંધન.
  • તાણ કે મચકોડ.
  • ઢાંકણીનું સાંધામાંથી ઊતરી જવું.
  • ગોઠણની ઈજા.
  • કમરના સાંધામાં વિકાર જે દુખાવો ગોઠણ સુધી પહોચાડી શકે છે.
  • હાડકાની ગાંઠ એ ઓછુ સામાન્ય એવું ગોઠણનો દુખાવો કરતુ કારણ છે.

ઘરેલૂ કાળજી

ગોઠણ પાસેથી વધારે પડતું કામ લેવાથી કે શારીરિક પ્રવૃત્તિઓ ને કારણે થતો ગોઠણનો દુખાવો જાત-સંભાળથી ઓછો કરી શકાય છે:

  • પૂરતો આરામ લેવો અને દુખાવો વધારતી પ્રવૃત્તિઓ જેવી કે વજન ઊંચકવું વગેરેને ટાળવી.
  • બરફ લગાડવો. સૌ પ્રથમ દર કલાકે 15 મિનીટ સુધી અને બીજા દિવસથી દરરોજ ઓછામાં ઓછું દિવસમાં ચાર વખત.
  • સોજો ઊતરવા માટે પગને બને તેટલા ઊંચા રાખો.
  • દુખાવા અને સોજા માટે દવા લો.
  • સૂતી વખતે ગોઠણની નીચે કે બે ગોઠણ વચ્ચે ઓશીકું રાખો.

સર્વાઈકલ સ્પોન્ડિલાઇટીસ

રજૂઆત

સર્વાઈકલ સ્પોન્ડિલાઇટીસના લક્ષણોમાં ગરદનના વિસ્તારમાં કરોડના હાડકાંનો અસામાન્ય વિકાસ, બગાડ, તેના કોઈ ભાગનું બહાર નીકળી આવવું, ગરદનના હાડકા વચ્ચેના કુશન જે ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક તરીકે ઓળખાય છે તેમાં કેલ્શિયમ નિક્ષેપણ વગેરેનો સમાવેશ થાય છે.

મધ્ય-વયસ્ક અને વૃદ્ધ લોકોમાં ગરદનની કરોડમાં થતો થોડો ઘણો નકારાત્મક ફેરફાર સામાન્ય છે અને તેના કોઈજ લક્ષણો દેખાતાં નથી. હાડકાં વચ્ચેના કુશનનો બગાડ જ્ઞાનતંતુને દબાવી શકે છે અને સર્વાઈકલ સ્પોન્ડિલાઇટીસમાં પરિણમી શકે છે. સામાન્ય રીતે ગરદનના હાડકાંની પાંચમી અને છઠ્ઠી(C5/C6) , છઠ્ઠી અને સાતમી (C6/C7) કે ચોથી અને પાંચમી (C4/C5) ડિસ્ક અસરગ્રસ્ત થાય છે.

સર્વાઈકલ સ્પોન્ડિલાઇટીસના લક્ષણો

ગરદનના વિસ્તારમાં વધતા નકારાત્મક ફેરફારો સહન કરતી વ્યક્તિને કોઈ જ લક્ષણો કે અસ્વસ્થતા અનુભવાતા નથી. જયારે ગરદનના જ્ઞાનતંતુ કે કરોડરજ્જુ  ખેંચાય છે  અથવા દબાય છે ત્યારે જ સર્વાઈકલ સ્પોન્ડિલાઇટીસના લક્ષણો બહાર આવે છે. તેવા લક્ષણોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

  • ગરદનમાં દુખાવો જે ખભ્ભા અને હાથ સુધી ફેલાઈ શકે છે.
  • અકડાઇ ગયેલી ગરદન જે માથાના હલનચલનને માર્યાદિત કરે છે.
  • માથામાં દુખાવો, ખાસ કરીને માથાના પાછળના ભાગમાં( ઓસીપીતલ હેડ એક).
  • ખભ્ભા, બાજુ કે કોણી અને કાંડા વચ્ચેના ભાગમાં ઝંઝાનત, બળતરા કે સંવેદનાના અભાવનો અનુભવ.
  • ઉબકા, ઉલટી કે ચક્કર આવવા.
  • સ્નાયુઓમાં નબળાઈ કે ખભ્ભા, બાજુ અથવા હાથના સ્નાયુઓનો વ્યય.
  • જો કરોડરજ્જુ દબાતી હોય તો શરીરના નીચલા અંગોમાં નબળાઈ તથા મૂત્રાશય તથા આંતરડાની ક્રિયાઓ પર અંકુશ ના રહેવો.

સર્વાઈકલ સ્પોન્ડિલાઇટીસની સંભાળ

સારવાર થકી નીચેના મુદ્દાઓ લક્ષ્યમાં લેવાય છે:

  • જ્ઞાનતંતુના દબાવને લીધે થતા દુખાવા અને બીજા લક્ષણોમાં રાહત આપવી.
  • કરોડરજ્જુ કે જ્ઞાનતંતુના મૂળને થતું કાયમી નુકસાન અટકાવવું.
  • વધારે બગાડ થતો અટકાવવો.

આ ધ્યેયો નીચે મુજબના પગલાં લઇ હાંસલ કરી શકાય:

  • ગરદનના સ્નાયુઓને મજબૂત કરવાની કસરત કદાચ લાભદાયક પુરવાર થઇ શકે પરંતુ તે પણ ડોક્ટરની સલાહ લીધા પછી જ કરી શકાય. ફિઇઓથેરપિસ્ત પાસેથી કસરત શીખી ઘરે તેનો નિયમિત અભ્યાસ કરી શકાય.
  • ગરદનનો પટ્ટો : ગરદનના પટ્ટાનો ઉપયોગ કરીને ગરદનની હલનચલનને નિયંત્રણમાં રાખી દુખાવામાં રાહત મેળવી શકાય.

રહુમેટોઈડ આર્થરાઇટીસ

રહુમેટોઈડ આર્થરાઇટીસ

રહુમેટોઈડ આર્થરાઇટીસ સાંધામાં બળતરા ઊભી કરતી એક એવી પરિસ્થિતિ છે જે શરૂઆતમાં ધીમી હોય છે. તે એક સમયે એક કરતાં વધારે સાંધાઓને અસર કરે છે. શરૂઆતમાં ફક્ત નાના અને ગૌણ સાંધાઓ (જેવા કે આંગળીઓના સાંધા) ને અસર કર્યા બાદ આ બીમારીનો વ્યાપ બીજા સાંધા (જેવાં કે કાંડું, ઘૂંટણ અને અંગૂઠા ) સુધી પહોંચે છે.

રહુમેટોઈડ આર્થરાઇટીસના કારણો

રહુમેટોઈડ આર્થરાઇટીસનું ખરું કારણ જાણી શકાયું નથી. એવું મનાય છે કે આનુવંશિક, પર્યાવરણીય અને હોર્મોનલ પરિબળોની પરસ્પર પ્રક્રિયાને કારણે એક ઓટોઇમ્યુન પ્રતિક્રિયા થાય છે ( શરીરનું રોગ પ્રતિકારક તંત્ર શરીરના જ કોષોને ઓળખી શકાતું નથી અને તેમને બહારના કોષ ગણી તેના પર પ્રહાર કરે છે.) અને આ કારણે સાંધામાં બળતરા અને અંતે સાંધાનો નાશ કે બેડોળપણું ઉદ્ભવે છે.
આનુવંશિક પરિબળો: રોગની ગ્રહણક્ષમતામાં વધારો કરે છે. રહું કુટુંબમાં વારસાગત હોય છે.
પર્યાવરણીય પરિબળો: સંવેદનશીલ મનુષ્યમાં રોગની શરૂઆતને અસર કરે છે. ઘણા ચેપી પદાર્થો ઓળખી શકાયા છે.
હોર્મોનલ પરિબળો: રોગના ફેલાવને ત્વરિત કે વિલંબિત કરી શકે છે. સ્ત્રીઓમાં મૅનોપોઝના સમયની આસપાસ રહુમેટોઈડ આર્થરાઇટીસ થવાની શક્યતા વધારે રહે છે.

જોખમી પરિબળો

ઉંમર: આ રોગ કોઈ પણ ઉંમરે થઇ શકે છે તેમ છતાં 20 થી 40 વર્ષની વયે આ રોગ થવાની શક્યતા વધારે રહે છે.
જાતિ: પુરુષો કરતાં  સ્ત્રીઓને, ખાસ કરીને મૅનોપોઝ દરમિયાન, આ રોગની અસર થવાની શક્યતા ત્રણ ગણી વધારે રહે છે.

રહુમેટોઈડ આર્થરાઇટીસમાં શું થાય છે

સૌથી પહેલાં તો સાંધાના આંતરિક સ્તર ( સીનોવીયલ પટલ ) માં સોજો આવે છે અને ત્યાં સફેદ રક્ત કણો જમા થાય છે. સીનોવીયલ પટલનો સોજો સીનોવીયલ પ્રવાહીને બહાર લાવી તેને સાંધાના પોલાણમાં જમા કરે છે. પછીના તબક્કે સીનોવીયલ પટલ જાડું થાય છે અને સાંધાના પોલાણમાં લાંબી આંગળીઓના સ્વરૂપે જમા થાય છે. જાડું, સૂજેલું અને ગીચ એવું સીનોવીયલ પટલ અસ્થીકૂર્ચામાં ભરાઈ જાય છે ( પેનસ રચના ). આ પેનસ ધીરે ધીરે અસ્થીકૂર્ચા અને તેની નીચે રહેલાં હાડકાંનો નાશ કરે છે અને આમ સાંધા વચ્ચેની જગ્યા ઓછી થાય છે અને સાંધાની મુક્ત હલનચલન શક્ય બનતી નથી. રોગના વધવાની સાથે સ્નાયુઓ કૃશ બને છે અને સાંધા વિચિત્ર પરિસ્થિતિમાં સ્થિર બની જાય છે. આનું એક કારણ એ છે કે દર્દી પોતાને વધારે રાહત મળે એ રીતે અવયવને વાળેલી સ્થિતિમાં રાખે છે. ત્યાર બાદ પેનસ સાંધા સુધી પહોંચી જાય છે અને એક સખત કોષનું સ્વરૂપ લઇ લે છે. અંતે સાંધાઓ  ભેગા થઇ જાય છે જે એન્કીલોસીસના નામે ઓળખાય છે. આ ફેરફારોની સાથે ત્વચા ફેફસાં, હૃદય અને આંખોની નીચે રહુમેટોઈડ ગાંઠના નામે ઓળખાતી નાની ગોળ ગાંઠ બને છે.

રહુમેટોઈડ આર્થરાઇટીસની સંભાળ

સંભાળ નો ધ્યેય નીચે મુજબ છે:

  • બળતરા અને દુખાવો ઓછાં કરવાં
  • રોગના વિકાસને ધીમો પાડવો
  • સાંધાની હલનચલન યથાવત રાખવી અને બેડોળપણું અટકાવવું

આ ધ્યેયો શારીરિક સારવાર, તબીબી સારવાર અને જરૂર પડે તો શસ્ત્રક્રિયા દ્વારા હાંસલ કરી શકાય.

શારીરિક સારવાર

  • સ્નાયુઓને આરામ દુખાવો ઓછો કરે છે અને સ્નાયુઓની તાણમાં રાહત આપે છે. સ્નાયુને આરામ આપવા માટે સ્પ્લીન્ટનો ઉપયોગ કરી શકાય જેથી બિનજરૂરી હલનચલન ઓછી કરી સંકોચન રોકી શકાય. અસરગ્રસ્ત સાંધાને આધાર આપવા માટે ઘોડી, વૉકર કે લાકડીનો ઉપયોગ કરી શકાય.
  • દુખાવો અને બળતરા વધાર્યા વિના સાંધાની ગતિશીલતા અને સ્નાયુઓની શક્તિ જાળવી રાખવા માટે કસરત એક મહત્વનો ભાગ છે. કસરત દરેક વ્યક્તિ માટે ફીઝીશીયન દ્વારા અલગ અલગ તૈયાર થયેલી હોવી જોઈએ.
  • નીચલા અવયવોના અસરગ્રસ્ત સાંધાઓ પર દબાણ ઓછું કરવા માટે વજન ઓછું હોવું જરૂરી છે.

ગાઉટ

ગાઉટ સમૃદ્ધ ખોરાક અને માદક પીણાંના ઉપયોગ સાથે સંકળાયેલો રોગ છે. તે લોહીમાં યુરિક એસિડની અસાધારણ માત્રા સાથે સંકળાયેલી ચયાપચયની ગેરવ્યવસ્થા છે. સાંધાના પોલાણમાં તે સ્ફટિક જેવી રચના બનાવે છે, મોટે ભાગે મોટા અંગૂઠામાં થતો આ રોગ ક્યારેક કીડનીમાં પણ થાય છે.

ગાઉટમાં શું થાય છે
યુરિક એસીડ પેશાબની આડપેદાશ છે. તે સામાન્ય રીતે કીડની વડે બહાર ફેંકાય જાય છે. કીડની વડે ઓછું વિસર્જન (સામાન્ય કારણ) કે વધારે ઉત્પાદન , લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે છે અને યુરિક એસિડના સ્ફટિકો સાંધાની સાથે બીજી અલગ અલગ જગ્યાઓએ જમા થાય છે. સંરક્ષણ કોષો આ સ્ફટિકો ઉપર ફેલાય જાય છે જેને કારણે દુખાવો કરતા પદાર્થો સાંધાના પોલાણમાં છોડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આને કારણે અસરગ્રસ્ત સાંધામાં નુકસાન થાય છે.

ગાઉટમાં પણ ‘સાંધાનો દુખાવો ‘ અને સોજો એ બીજા તમામ પ્રકાર નાં સંધિવાની જેમ સામાન્ય લક્ષણ હોવા છતાં દરેકે દરેક રીતે તે સાવ અલગ જ પડે છે. ગાઉટ નાં દર્દી ને એકવાર જોયો હોય તો કોઇ વેૈદ તેને બીજીવાર ભૂલી શકે નહિ તેવું તેનું સ્વરુપ છે.પગ ના અંગૂઠાના સાંધામાં પાકા ટામેટા જેવો લાલઘૂમ સોજો તે ગાઉટનું સ્વરુપ છે.કવચિત તે સોજો લાલ ના બદલે સહેજ કાળાશ પડતા લાલ વર્ણનો પણ હોઇ શકે. આયુર્વેદમાં આ રોગને આઢય વાત એટલે શ્રીમંત લોકો નો સંધિવા એવું નામ પણ આપ્યું છે.
લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જવાથી આ રોગ થતો જોવા માં આવ્યો છે.યુરિક એસિડનું ઉત્પાદન વધી જાય અને તેટલા પ્રમાણમાં કીડની વ્દારા તેનું વિસર્જન ન થઇ શકે અથવા બંને બાબતો સાથે થાય ત્યારે ગાઉટ થવાની સંભાવના વધી જાય છે. લોહીમાંના રકતકણોનો અત્યધિક નાશ થવો ખોરાકમાં પ્રોટીનવાળા ખાધ્યો વધારે રહેતું હોય કીડનીની કામગીરીમાં અડચણ ઊભી થાય બ્લડપ્રેશર વધારે રહેતું હોય થાઇરોઇડ ગ્રંથિનાં સ્રાવમાં ગરબડ હોય કે કોઇ અંગ્રેજી દવા લાંબા વખતથી ચાલતી હોઇ ત્યારે પેશાબ વ્દારા વિસર્જિત નહિ થતાં યુરિક એસિડનું લોહીમાં પ્રમાણ વધી જઇને તેનાં કણ સાંધામાં જમા થઇ ગાઉટની પીડા ઊભી કરેછે.

આયુર્વેદ આ રોગને આઢયવાત એટલે કે શ્રીમંતોના સંધિવા તરીકે ઓળખે છે.આ રોગ થવાના કારણો આયુર્વેદના મતે વધુ પડતાં ખારા ,ખાટા ,તીખા ક્ષારવાળા પદાર્થો ,ગરમગરમ ઘી, તેલવાળા પદાર્થો ,અજીર્ણમાં ભોજન ,માછલી ,માંસ ,ખોળ ,કળથી,મૂળા,અડદ, વાલ,તલ,શેરડીનાં રસની વિવિધ બનાવટો, દહીં, સરકો, દારુ, ડુંગળી, વિરુધ્ધાહાર,અતિક્રોધ વગેરેને મુખ્ય ગણે છે.તે સિવાય વાગવા પડવાથી,વધુ પડતી વાહનની સવારી કરવા, અતિશય શ્રમ કરવાથી,કુદરતી હાજતોને રોકવા થી ગાઉટ થાય છે. મોટાભાગે બેઠાડુ જીવનશૈલીના સુકુમાર પ્રકૃતિનાં શ્રીમંત લોકોને થાયછે. સ્વરુપવાન અને પ્રિયદર્શીસ્ત્રી હોય તો તેને મોટાભાગે આમવાત થાય છે અને પુરુષ હોય તો તેને ગાઉટ થાય છે.વધુ પડતાં મિષ્ટાન આ રોગનારા અને આખો દિવસ ગાદી તકીયે બેસી રહેનારને જ આ તકલીફ થાય છે. બાવીસથી પાંત્રીસ વર્ષની વચ્ચેનાં વયજૂથનાં મેદસ્વી લોકોને અચૂક ગાઉટ થાય છે.જે લોકો પાંત્રીસે પહોંંચ્યા પહેલા જાડિયા થયા છે. તેમને ગાઉટ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.આવા મેદસ્વી લોકો વ્દારા ખવાતા પ્રોટીનયુકત પદાર્થો શરીરની ચયાપચયની ક્રિયા બગડેલી હોવાથી યુરિક એસિડનું પ્રમાણ લોહીમાં વધતું જાયછે,પરિણામે ગાઉટ થાય છે. વધુ પ્રશ્નોત્તરી માટે અહીં ક્લિક કરો

લેખો :

સ્ત્રોત: ગુજરાત રૂમૅટોલૉજી એસોસિએશન (રાગ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate