ડાયાબિટીસને લીધી ખભાની માંસ-પેશી-કેપ્સ્યુલમાં સોજો આવે છે. જેના કારણે તેની લવચીકતા (ઈલાસ્ટિસિટી) માં ઘટાડો થાય છે અને માંસપેશી સખત બનતા તે જકડાઈ જાય છે. ઘણી વખત ઈજા વગર અને ક્યારેક નાનકડી ઈજા થવાથી પણ ખભાનું હલનચલન થવામાં મુશ્કેલી થાય છે.
ખભામાં દુ:ખાવો ધીરેધીરે વધતા તેનું હલનચલન ઓછું થાય છે. દર્દી જાતે પોતાના માથાના વાળ ઓળી શકતો નથી જ્યારે સ્ત્રીઓને તો કપડા પહેરવામાં પણ મુશ્કેલી પડે છે. ખભાની મુવમેન્ટ તદ્દન ઓછી થઈ જાય છે. જેને ફ્રોઝન શોલ્ડર કહેવાય છે. પ્રતિદિન કામોમાં અન્ય વ્યક્તિની મદદની જરૂર પડે છે. ઘણા દર્દીઓને રાત્રે ઉંઘતી વખતે પણ અસહ્ય દુ:ખાવો થાય છે.
એડહેસિવ કેપ્સ્યુલાઈટીસની તકલીફમાં સમયસર નિદાન તથા શરૂના સ્ટેજમાં સારવાર કરવામાં આવે તો ફ્રોઝન શોલ્ડર અટકાવી શકાય છે. ખભાની તકલીફ માટે શોલ્ડર સ્પેશિયાલિસ્ટ (ખભાનાં નિષ્ણાંત) ડૉક્ટર પાસે તપાસ કરાવી યોગ્ય સારવાર લેવી જોઈએ. દર્દીના ખભાની મૂવમેન્ટના આધારે શું સારવાર કરવી તે નક્કી કરતા હોય છે. એક્સ-રે અને એમઆરઆઈથી ચોક્કસ નિદાન મેળવી શકાય છે એટલે કે, ખભાનો ઘસારો, હાડકું વધવું, સ્નાયુઓ તૂટી ગયા હોય તો જાણી શકાય છે. ખભાનો દરેક દુ:ખાવો ફ્રોઝન શોલ્ડર હોતો નથી. સ્નાયુઓ તૂટી ગયા હોય એવા કેસમાં ઘણી વખત કસરત કરવાથી તકલીફ વધી શકે છે. તેથી ડૉક્ટરની સલાહ મુજબ કસરત કરવી જોઈએ.
જકડાઈ ગયેલા ખભાની સારવારમાં મુખ્યત્વે કસરત અને NSAIDS દવાઓનો ઉપયોગ કરતા દુ:ખાવામાં રાહત મળે છે. ઘણી વખત ખભામાં ઈંજેક્શન પણ આપવામાં આવે છે. 5થી 10 ટકા દર્દીઓને જ ખભાના ઓપરેશનની જરૂર પડે છે જે હવે દૂરબીન દ્વારા શક્ય છે. દુરબીનની મદદથી ઓપરેશન કરાવવાથી ઝડપી રીકવરી મળે છે તથા એક જ દિવસમાં દર્દી હોસ્પિટલમાંથી રજા મેળવી ઘરે જઈ શકે છે.
વધતી ઉંમર સાથે નિયમિત ખભાની કસરત કરવાથી આ તકલીફને મહદઅંશે ટાળી શકાય છે. યોગ્ય આહાર, નિયમિત જીવનશૈલી તથા ડાયાબિટીસના કંટ્રોલથી આ તકલીફને નિવારી શકાય છે.
સ્ત્રોત: ડૉ.ચિરાગ ચુડાસમા(ખભા અને ઢીંચણના નિષ્ણાંત), નવગુજરાત હેલ્થ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020