ડાયબિટીસ અને બ્લડપ્રેશર જેવી બીમારીઓની ઘણાં દર્દીઓને મોડી જાણ થાય છે. સામાન્ય રીતે હરતા- ફરતા ઘણાં લોકોને આકસ્મિક અથવાતો ક્યારેક ખૂબ તકલિફ વધી જાય, ત્યારે જ આ બીમારીની ખબર પડે છે. આ કારણથી જ આ રોગોને છૂપા દુશ્મન ગણવામાં આવે છે, જે ક્યારેક જીવલેણ પણ નિવડી શકે છે. આવો જ એક રોગ છે જેને પણ “છૂપો ચોર” માનવામાં આવે છે. જી હા, ઓસ્ટીઓપોરોસીસ..!! આજે આપણે આ રોગ વિશે થોડી વિશેષ માહિતી મેળવીશું. સામાન્ય સમજ આપું તો, જેવી રીતે ઉધઈને કારણે લાકડું ખવાઈ જાય છે. બહારથી જોતા ખ્યાલ ન આવે પરંતુ અંદરથી ઉંધઈ તેને કોરી ખાય છે. આવી જ રીતે ઓસ્ટીઓપોરોસીસ નામનો આ રોગ પણ આપણાં હાડકાંને નબળાં પાડે છે. ઉંધઈથી ખવાઈ ગયેલું લાકડું તેની મજબૂતાઈ ગુમાવી દે છે અને સામાન્ય ધક્કાથી પણ તૂટી પડે તેવી રીતે ઓસ્ટીઓપોરોસીસને કારણે પોચાં અને નબળાં પડી ગયેલાં હાડકાંમાં જલદીથી ફેક્ચર થઈ શકે છે. .
સામાન્ય રીતે ઓસ્ટીઓપોરોસીસ સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. માસિકસ્ત્રાવ બંધ થયા પછી સ્ત્રીઓમાં હોર્મોન્સના ફેરફારોને લીધે હાડકાં માંથી કેલ્શિયમ ઓછું થતુ હોય છે, જે એક સામાન્ય બાબત છે. આથી જ, પચાસ-પંચાવન વર્ષ પછી મહિલાઓએ પૂરતા પ્રમાણમાં બહારથી કેલ્શિયમ લેવું જોઈએ. ઓસ્ટીઓપોરોસીસને લીધે મુખ્યત્વે હાડકાંના વિવિધ દુ:ખાવા જોવા મળે છે. સામાન્ય ઈજાથી ફેક્ચર થવું, થાક લાગવો, મણકાં દબાઈ જવાથી કમર વાંકી થઈ જવી જેવી તકલિફો જોવા મળે છે. ડાયબિટીસ, બ્લડપ્રેશરની જેમ ઘણાં દર્દીઓને ખૂબ વધારે તકલિફો થાય ત્યારે જ આ રોગનું નિદાન થાય છે. .
વધતી જતી ઉંમરે સ્ત્રીઓમાં જોવાં મળતી આ બીમારીના બીજા પણ ઘણાં કારણો છે. પૂરતા કેલ્શિયમવાળા ખોરાકનો અભાવ, થાઈરોઈડ, પેરાથાઈરોઈડ, કિડનીની બીમારીમાં હાંડકાં પોચા થતાં હોય છે. ફરતા વા-રૂમેટોઈડના દર્દીઓમાં પણ હાડકાંની આવી તકલિફો જોવા મળે છે. સામાન્ય રીતે વપરાતી દવાઓ, સ્ટીરોઈડ, એપિલેપ્સીની દવાઓ (ખેંચ આવવી), લાંબા સમય સુધી વાપરવામાં આવતી એસીડિટીની દવાઓ, કેટલિક કૅન્સરની દવાઓના લાંબા સમયના સેવનથી પણ હાંડકાં પોચા થાય છે. આ પ્રકારની દવાઓ લેતા દર્દીઓએ વિશેષ રૂપે કેલ્શિયમની દવાઓ લેવી જોઈએ. ઉંમર લાયક વ્યક્તિઓમાં કુલ 1200 થી 1500 ગ્રામ કેલ્શિયમ રોજ બે ડોઝમાં લેવું સલાહભર્યું છે. ઓસ્ટીઓપોરોસીસનું નિદાન હવે સચોટ રીતે થઈ શકે છે. વિવિધ પ્રકારની લોહીની તપાસ, એક્સ-રૅ, એમ.આર.આઈ સાથે બી.એમ.ડી (બૉન મિનરલ ડૅન્સિટી) નામની તપાસથી ઓસ્ટીઓપોરોસીસની માત્રા પણ જાણી શકાય છે. .
કેલ્શિયમ, વીટામીન-ડીની દવાઓ સિવાય પણ આ રોગ માટે બીજી અગત્યની દવાઓ ઉપલબ્ધ છે. બીસફોસ્ફોનેટ દવાઓ આ રોગમાં ખૂબ ઉપયોગી છે. આ સિવાય અન્ય દવાઓ તથા નાકમાં અપાતા સ્પ્રે પણ લાભદાયી હોય છે. હવે કેટલાંક ખૂબ વિશિષ્ટ ઈન્જેક્શનો પણ હાડકાંની મજબૂતાઈ વધારવામાં ઉપયોગી થાય છે. .
દવાઓ ઘણી સારી ઉપલબ્ધ છે, પંરતુ સમયસરની સાવચેતી એટલી જ જરૂરી છે. આ બાબતની જાગૃતિ આપણે રાખવી આવશ્યક છે. ઓસ્ટીઓપોરોસીસની શક્યતાવાળા દર્દીઓ, ઉંમરલાયક સ્ત્રીઓ અને હાડકાંની સમસ્યાને લગતા દર્દીઓએ નિયમિત તપાસ કરાવવી જરૂરી છે. .
સૌથી અગત્યનું એ છે કે આ બાબતની યુવાનોમાં જાગૃતિ હોવી જોઈએ. નાની ઉંમરે, વીસથી ચાલીસના વયજૂથની વ્યક્તિઓમાં યોગ્ય કેલ્શિયમયુક્ત આહાર, નિયમિત કસરતોથી હાંડકાંમાં સારૂ કેલ્શિયમ જમા કરી શકાય છે. તમાકું, દારૂ વિગેરેના સેવનથી દૂર રહેવું. યુવાવયે શરીરના હાડકાંમાં જમા કરેલું કેલ્શિયમ ‘ફિક્સ ડિપોઝીટ'ની જેમ મદદરૂપ થાય છે. મોટી ઉંમરે પોચા પડેલા હાંડકાની નબળાઈ ઓછી થવા લાગે છે. જો નાની ઉંમરે હાંડકાંની મજબૂતાઈ વધારીએ તો પાછલી ઉંમરે આ જળવાઈ રહેલી મજબૂતાઈ આપણાં હાંડકાની ‘ફિક્સ ડિપોઝીટ'ના ચક્રવૃધ્ધિ વ્યાજની જેમ શરીરને ઉપયોગી થાય છે..
આપણે સૌ એ આ “છૂપા શત્રુ” જેવા ઓસ્ટીઓપોરોસીસના રોગથી બચવા માટે જાગૃતતા કેળવવી જરૂરી છે. આ રોગ વીશે જાણકારી રાખીએ, બીજાને પણ માહિતી આપીએ, દૈનિક જીવનમાં નિયમિત કસરતો કરીએ અને યોગ્ય સંતુલિત આહારનું સેવન કરીએ. .
સ્ત્રોત: ડૉ દીપક દવે. ઓર્થોપૅડિક નિષ્ણાત. (સહયોગ- ડૉ રોનક દેસાઈ).
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/13/2019