অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ અને હકીકત

”swine3

સ્વાઇન ફ્લૂનું અત્યારે નામ પડેને લોકોમાં ભય પ્રસરી ઉઠે છે. સામાન્ય છાપ એવી છે કે સ્વાઇન ફ્લૂ થાય એટલે મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે. જો કે હકીકત આ નથી. સ્વાઇન ફ્લૂથી ડરવાની જરુર નથી. ભારતમાં અત્યારે સ્વાઇન ફ્લૂના હાહાકારને લઇને તબીબો તરફથી પણ નિવેદનો જાહેર થયા છે અને આ બિમારીની લાક્ષણિકતા પણ એટલી ભયાવહ નથી કે લોકોને ડરવુ જોઇએ. વાત માત્ર તેને જાણીને યોગ્ય રીતે પ્રતિકાર કરવાની છે. અહીં સ્વાઇન ફ્લૂ હકીકતમાં છે શું, અને આ હાહાકાર શા માટે એટલો ભયાનક નથી તેના વિશે વિગતો રજૂ કરવામાં આવી છે.

અહીં પ્રસ્તુત તસવીરના માધ્યમથી જાણી શકાશે કે સ્વાઇન ફ્લૂ હકીકતમાં છે અને તે કેવી રીતે શરીરમાં ફેલાય છે..

 • સ્વાઇન ફ્લૂ શ્વાસ થી ફેલાતી બિમારી છે. માન્યતા પ્રમાણે તે ડુક્કરથી ફેલાતી નથી, પણ લોકોથી જ ફેલાય છે.
 • તે H1N1 નામના વાયરસથી ફેલાય છે. જે અન્ય સામાન્ય વાયરસ જેવો જ છે, પણ થોડોક સ્ટ્રોંગ છે.
 • મોં વાટે તે શ્વાશનળી માં જઇ ફેફસામાં પહોંચે છે.
 • અહીંના કોષમાં તે પેસીને તે કોષને મારી નાખે છે. અને આ રીતે ફેલાય છે.
 • વાયરસ પહોંચતા પ્રતિકારક શક્તિ બળવતર બની તેને દૂર કરવાનું કામ કરે છે.
 • જો ફેફસામાં એક મર્યાદાથી વધુ કોષ મરી ગયા હોય, તો દર્દીનું મોત નિપજે છે.

હવે પ્રશ્ન એ છે કે જો હાહાકાર છે તો પછી ડરવુ શા માટે ન જોઇએ ? તો તેનો જવાબ તબીબો અને વર્તમાન પરિસ્થિતિમાં ભારતમાં થયેલો મોતના રિપોર્ટ આપે છે. હકીકતમાં સ્વાઇન ફ્લૂ એ લોકો માટે જ ખતરનાક છે જે મોટી ઉંમરના હોય અને તેમને પહેલાથી ડાયાબીટીસ કે અન્ય કોઇ ગંભીર બિમારી હોય. અથવા તેમની રોગ પ્રતિકારક શક્તિ એકદમ નબળી હોય. તે સિવાય બાળકો પણ આની ચપેટમાં આવી શકે. જો તમને કોઇ ગંભીર બિમારી નથી, અને તમે યોગ્ય રીતે આહાર લઇ રહ્યા છો, તો સ્વાઇન ફ્લૂથી તમને ડરવાની જરુર નથી.

અમુક ઉદાહરણ, કેવી રીતે થાય છે ટેસ્ટીંગ

અત્યારે H1N1 વાયરસથી મોતના રિપોર્ટ આવી રહ્યા છે તેનું કારણ એ છે કે અત્યારે લોકોનું ટેસ્ટીંગ તેના માટે જ થઇ રહ્યુ છે. પરંતુ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી, પૂણે ના ડાયરેક્ટર ડૉ. ડી.ટી.મોર્યાના જણાવ્યા પ્રમાણે મોટાભાગના લોકોનું મોત બે ઇન્ફેક્શનથી થયુ હોય છે. મતલબ કે તેમને અગાઉની બિમારી આ મુદ્દે વધુ જીવલેણ બનાવે છે. પરંતુ તેમણે ટેસ્ટ H1N1 ની કરાવી હોય છે, તેથી સ્વાઇન ફ્લૂને મોતનુ્ં કારણ બતાવવામાં આવે છે.

ઉદાહરણ

 • 70 વર્ષની સ્વીત્ઝરલેન્ડની પ્રવાસી એને મેરીનું H1N1 ટેસ્ટ બાદ મૃત્યુ નિપજ્યુ હતુ. તેની તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે તેને ફેફસાનું કેન્સર હતુ. મતલબ કે તે પહેલાથી ગંભીર બિમારીથી ગ્રસ્ત હતી, જેના લીધે મોતની શક્યતાઓ વધી. આવુજ ડાયાબીટીસ સહિતના રોગોમાં પણ થાય છે.
 • ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃધ્ધ લોકોને થવાની શક્યતા છે, પણ જો તેમાં યોગ્ય સમયે ડોક્ટરની સલાહ લેવામાં આવે તો આ રોગ જીવલેણ સાબિત થતો નથી.

ગર્ભવતી મહિલાઓ શા માટે જલ્દી ચેપમાં આવી જાય છે ?

 • તબીબી રિસર્ચ પ્રમાણે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના ફેફસા અને શ્વસનક્રિયા નબળા પડે છે. જેથી તેમને સ્વાઇન ફ્લૂ અને અન્ય પ્રકારના ઇન્ફ્લૂએન્ઝા થવાની શક્યતા છ ગણી વધી જાય છે. ખાસ કરીને ગર્ભાવસ્થાના છેલ્લા ગાળામાં આ શક્યતા વધી જાય છે. ગર્ભવતી મહિલાઓ સામાન્ય શરદી અને ઉધરસથી પણ રિકવર થવામાં વધુ સમય લે છે.

સ્વાઇન ફ્લૂની મોર્ટાલીટી રેટ

 • વિશ્વમાં અત્યારે સ્વાઇન ફ્લૂનો મૃત્યુ દર 1 ટકા છે જ્યારે ભારતમાં વર્તમાન સ્થિતિમાં તે 5 ટકાથી પણ ઓછો છે. તેથી તબીબોના કહેવા પ્રમાણે તે ઓછુ છે. ડૉ. મોર્યાના જણાવ્યા પ્રમાણે આ વાયરસ એક લિમિટમાં ઇન્ફેક્શન કરતો વાયરસ છે અને મોટાભાગના લોકો કોઇ પણ પ્રકારની દવા લીધા વિનાજ સ્વસ્થ થઇ જતા હોય છે.

કેમ નિપજે છે મોત

 • ગંભીર બિમારીઓથી ગ્રસ્ત હોવા સિવાય એક મોટુ કારણ મોતનું એ છે કે દર્દીઓ હોસ્પિટલમાં મોડા પહોંચે છે. તેથી યોગ્ય સમય સુધીમાં લક્ષણોને જાણીને હોસ્પિટલમાં પહોંચે તો આ જોખમથી આસાનીથી બચી શકાય છે.

દવાઓ

 • H1N1 સામે લડવા માટે Oseltamivir ડ્રગ આપવામાં આવે છે. કેન્દ્રએ તેના માટે 60000 ડોઝનો જથ્થો રાખ્યો છે અને રાજ્ય સરકારોને N-95 માસ્ક આપવા જણાવ્યુ છે. તે સિવાય H1N1સામે રસીકરણ કરતા હેલ્થ વર્કર્સને પણ રસી મુકવા જણાવ્યુ છે. તે સિવાય Zanamivir (Relenza) ડ્રગ પણ સ્વાઇન ફ્લૂના ઉપચાર માટે છે.
 • અચાનક તાવ આવે જે 100 ડિગ્રીથી વધુ હોય, માથાનો દુખાવો, શરદી અને ઉધરસ, ગળામાં દુખાવો, ઝાડા, ઓછી ભુખ લાગવી સહિતના લક્ષણો સ્વાઇન ફ્લૂના છે. જો કે આ રેગ્યુલર ફ્લૂના જ લક્ષણો છે તેથી કોઇને તાત્કાલિક ખયાલ ન આવે કે આ સ્વાઇન ફ્લૂ છે. પરંતુ જો લગાતાર બે દિવસ સુધી વધુ તાવ હોય અને શ્વાસમાં વધુ તકલીફ પડતી હોય તો તાત્કાલિક ડોક્ટર પાસે જવુ જોઇએ.

આ રીતે રાખવી કાળજી

 • તાવ હોય તો ઘરે રહો જેથી તે ફેલાય નહીં
 • ઉધરસ વખતે મોઢું ઢાંકવુ
 • વારંવર આંખ, નાક અને ચહેરાને અડવાનું ટાળવુ
 • મોબાઇલ અને લેપટોપ જેવી રોજીંદા ઉપયોગની ચીજોથી પણ તે ફેલાય છે, તેથી બીજી વ્યક્તિની આ ચીજો નો ઉપોયગ પણ ટાળવો
 • હેન્ડવોશ કરતા રહેવુ અને ગળામાં સોજા જેવુ લાગે તો નવશેકા મીઠાના પાણીના કોગળા પણ કરતા રહેવુ.
 • યોગ્ય સમયે ભોજન, તણાવથી દૂર રહીને પૂરતી ઉંઘ લેવાથી સ્વાઇન ફ્લૂ દૂર રહે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate