অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રક્તપિત્તની સામાજિક લાંછનની વ્યાખ્યામાંથી મુક્તિ જરૂરી

રક્તપિત્તની સામાજિક લાંછનની વ્યાખ્યામાંથી મુક્તિ જરૂરી

આજે પણ ભારતમાં રક્તપિત્તને એક સામાજિક લાંછન તરીકે ઓળખવામાં આવે છે. રક્તપિત્તને અમુક વર્ષ પહેલાં સુધી પણ વારસાગત અથવા કોઈ દેવી શક્તિના કારણે થતો રોગ માનવામાં આવતો હતો. આ વરેષે રક્તપિત્ત દિવસે એ સામાજિક ઉપેક્ષાનો ભયાનક ઈતિહાસ ભૂલી અને લોકોને આ સાધ્ય રોગ વિષે જાગૃત કરીએ.

શું છે આ રક્તપિત્ત?

રક્તપિત્ત એક લાંબા ગાળાનો (Chronic) ચેપી રોગ છે જે માયકોબેક્ટેરીયમ લેપ્રે (Mycobacterium Leprae) નામના બેક્ટેરિયાથી થાય છે. રક્તપિત્તને લેપ્રસી, હેન્સન્સ ડિસીઝ અથવા કુષ્ઠરોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચેપના જંતુ M. Leprae મુખ્યત્વે ત્વચા, પરિઘીય ચેતાતંતુઓ અને ઉપરના શ્વસન માર્ગની નળીઓમાં અસર કરે છે. આ રોગ બહુ ધીમે વધે છે અને બે થી દસ વર્ષ સુધી પણ લક્ષણ વિના રહી શકે છે.

રક્તપિત્ત શાનાથી ફેલાય છે?

રક્તપિત્તના જંતુ M. Leprae ચેપી ત્વચાના સંપર્કથી, શ્વસન માર્ગના પ્રવાહી/સ્ત્રાવથી અને ચેપગ્રસ્ત વ્યક્તિના ઉધરસથી ફેલાય છે. તે જઠરાંત્રિય માર્ગ દ્વારા પણ ફેલાય શકે છે. ક્ષય રોગની જેમ રક્તપિત્ત WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) દ્વારા દર્શાવેલી MDT (મલ્ટી ડ્રગ થેરાપી) સારવારથી છ થી બાર મહિનામાં કોઈપણ તબક્કે સાધ્ય છે. રક્તપિત્તનો ચેપ થવાના જોખમી પરિબળો સરકારે જાહેર કર્યા છે જે નીચે મુજબ છે..

  • ગરીબી ધરાવતા સ્થાનિક વિસ્તારોમાં રહેતા લોકો
  • અપૂરતી પથારી
  • પ્રદૂષિત પાણી
  • ઓછી રોગપ્રતિકારક શક્તિવાળા વ્યક્તિ
  • અલ્પ પોષણ વાળા બાળકો અથવા નાગરિકો.

રક્તપિત્તના કેટલા પ્રકાર છે? એના લક્ષણ શું છે?

રક્તપિત્તનો રોગ શરીરમાં રહેલાં જંતુઓની સંખ્યાના આધારે બે પ્રકારના હોય છે

  1. PB – પૌસીબેસીલરી (Paucibacilary) અને
  2. MB – મલ્ટીબેસીલરી (Multibacilary).

તેના સામાન્ય લક્ષણો: ચામડી પર આછું, ઝાંખુ કે રતાશવાળું બહેરાશવાળું ચાઠું, ગરમ કે ઠંડાની ખબર ના પડવી, ખાસ કરીને હાથ-પગમાં થતો પક્ષાઘાત અથવા તો સ્નાયુમાં નબળાઈ જેથઈ પકડ નબળી પડી જાય, હાથે અને પગે થતી ઝણઝણાટી,આંગળીઓમાં ખેંચાણ, સુન્ન થવી અથવા વાંકી થવી,ચામડીમાં વધારો થવો, ભ્રમરના વાળ આછા થવાં, કાન જાડા થવા, આંખોમાં મુશ્કેલી આવવી, ચેતાકોષોમાં વઘારો થવો (ખાસ કરીને કોણી અને ઘૂંટણોમાં) વગેરે છે.

PB લેપ્રસીમાં 1 થઈ 5 ચાઠાં હોય કે ફક્ત એક જ નસમાં લક્ષણો હોય એને SSS (Slit Skin Smear) નેગેટીવ હોય છે. MB માં 5 થઈ વધુ ચાઠાં હોય અને / અથવા 1 થી વધુ નસોમાં લક્ષણો હોય, તે ઉપરાંત SSS પોઝીટીવ હોય છે.

રક્તપિત્તનું નિદાન કઈ રીતે થાય છે?

કોઈપણ શંકાસ્પદ અને સંવેદના શૂન્ય ચાઠાંના તબીબી ચિન્હો અને લક્ષણો દ્વારા નિદાન થાય છે. કારણકે બધા ડાઘ કે આછા ડાઘ રક્તપિત્ત નથી હોતા..

  • SSS (Slit Skin Smear)માં M. Leprae / એસિડ ફાસ્ટ બેસિલી (Acid Fast Bacilli) જોવા મળે.
  • ઈન્દ્રિયજ્ઞાનની ખોટના પરિક્ષણ માટે – ફાઈન ટચ, દબાણ, ગરમ-ઠંડાનો અનુભવ.
  • નસોની તપાસ - Nerve conduction study.
  • ચામડી અથવા ચેતાતંતુઓની બાયોપ્સી.
  • જો રક્તપિત્ત બાબતે શંકા હોય તો તરત જ ડોક્ટર પાસે જઈને નિદાન કરાવી સારવાર લેવી જોઈએ.

શું સારવારથી રક્તપિત્ત મટી શકે છે?

હા, રક્તપિત્ત યોગ્ય દવા કરવાથી સંપૂર્ણ રીતે મટી શકે છે. રક્તપિત્ત વિષે સજાગતા સમાજ અને સરકાર માટે ખૂબ જ મોટી જવાબદારી છે. સરકાર દ્વારા ઘણા કાર્યક્રમો જેમ કે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, રક્તપિત્ત જન જાગૃતિ કાર્યક્રમ વગેરે ચલાવવામાં આવે છે. WHO દ્વારા દર્શાવેલી MDT સારવારમાં Paucibacilarry લેપ્રસીમાં ડેપ્સોન (Dapson) અને રિફામ્પિસીન (Rifampicin) નામની દવાઓનો છ મહિનાનો કોર્સ કરવો જરૂરી છે. Multibacilary લેપ્રસીમાં ડેપ્સોન, રિફામ્પિસીન અને ક્લોફાઝીમિન (Clofazimine)નો બાર મહિના માટેનો સમાવેશ થાય છે.

શંકાસ્પદ લક્ષણો દેખાતા જ મારે કયા ડોક્ટરની સલાહ લેવી જોઈએ?

તમારા ફેમિલી ફિઝિશીયન, નજીકના સરકારી હેલ્થ સેન્ટરના ડોક્ટર, ડર્મેટોલોજિસ્ટ/ચામડીના રોગના નિષ્ણાંતની સલાહથી રક્તપિત્તનું નિદાન અને સારવાર થઈ શકે છે. અમુક સંજોગોમાં ચામડીના ચાઠાંના અભાવમાં ફક્ત ચેતાતંતુઓમાં જ રોગની અસર થતાં આંગળીઓ વાંકી થઈ જાય કે પગ વળી જાય તો ન્યૂરોલોજિસ્ટની સલાગની પણ દર્દીઓને જરૂર પડતી હોય છે.

રક્તપિત્તથી શું શું તકલીફો (Complications) થઈ શકે છે?

રક્તપિત્તનો રોગ શરીરમાં વધતાં જ ચેતાતંતુઓ અને સ્નાયુઓને નુક્સાન થાય છે, જેના પરિણામે શરીરે ખોડ-ખાંપણ અને વિકૃતતા થાય છે. રોગી અને તેના પરિવારજનોના સહયોગથી વ્યક્તિ અગાઉની જેમ જ જિંદગી જીવી શકે છે. શરૂઆતમાં જ સંપૂર્ણ ઈલાજ કરવાથી વિકલાંગતાથી બચી શકાય છે. પ્લાસ્ટીક સર્જનની મદદથઈ પુનર્વસન પણ શક્ય છે.

અમુક તકલીફો MDT ચાલુ કર્યા પછી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધતા દેખાય છે જેને Lepra Reaction કહેવામાં આવે છે. ચામડીના અસરગ્રસ્ત ચાઠાં લાલ થઈને સોજી જાય છે. શરીરે નવી ગાંઠો સાથે દુ:ખાવો થાય છે. નિયમીત દવા અને ડોક્ટરની સલાહ મુજબ ધીરજ રાખીને સહકાર આપવાથી લેપ્રા રિએક્શનને નિયંત્રણમાં રાખી શકાય છે.

રક્તપિત્તમાં શું શું કાળજી રાખવી જોઈએ?

  • હાથ-પગ પાણીમાં બોળી અને સ્વચ્છ રાખો.
  • કોપરેલ નિયમીત લગાવી શુષ્કતાથી બચો.
  • ઘર્ષણ અને ગરમીથી બચો.
  • બૂટ/ચંપલ કાયમ પહેરી રાખવા.
  • જો ચાંદી પડી હોય તો બરાબર ડ્રેસિંગ કરવું/કરાવવું.
  • આંખોની નિયમીત તપાસ કરાવવી.
  • દવા નિયમીત લેવી.
  • રક્તપિત્ત વિશેની ખોટી માન્યતાઓ.
  • રક્તપિત્તનો રોગ વારસાગત હોય છે, એ અનૈતિક વ્યવહાર, અશુધ્ધ રક્ત, ખોટી ખાવા-પીવાની ટેવ, ઈશ્વરના પ્રકોપથી ફેલાય છે.
  • રોગીના હલકા સ્પર્શથી તરત જ ચેપ ફેલાઈ જાય છે.
  • દરેક રોગીમાં વિકૃતતા / ખોડ-ખાંપણ રહી જાય છે.
  • આ એક અસાઘ્ય રોગ છે.
  • ચામડીના બધા ચાઠાં રક્તપિત્ત હોય છે.
  • જે પરિવારમાં રક્તપિત્તના દર્દી છે ત્યાં બાળકો પણ કુષ્ઠરોગી જ થશે.

ડો અંશુલ વર્મન, ડર્મેટોલોજિસ્ટ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate