অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

લીવર: શરીરની રાસાયણિક પ્રયોગશાળા

લિવર શરીરની રાસાયણિક પ્રયોગશાળા છે અને જીવન માટે આવશ્યક અંગ છે. માનવ શરીરમાં પેટના સૌથી ઉપરના ભાગમાં આવેલા આ પાંસળીઓથી ઢંકાયેલું અંગ છે. તેનું આશરે વજન ૧૨થી ૧૮ કિલોગ્રામ જેટલું હોય છે. પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદીના પ્રયત્નોથી શરૂ થયેલી કિડની હોસ્પિટલ નામના વટવૃક્ષની એક શાખા તરીકે કિડની એન્ડ લિવર ટ્રાન્સપ્લાન્ટ શાખા કાર્યરત છે જેના નામે દેશમાં સૌથી વધુ કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યાનો રેકોર્ડ છે.
લિવર બગડવાના અનેક કારણો છે, બાળકોના લિવરના રોગો અને પુખ્ત વયના લિવરના રોગો ઘણા જુદા હોય છે. જન્મ વખતે લિવરમાંથી નિકળતી પિત્તની નળી જો ખોડખાંપણવાળી હોય તો પિત્ત લિવરમાં જમા થયા કરે છે અને બાળકને કમળો (પીળીયો) થાય છે. આ પરિસ્થિતિને બિલિયરી એટ્રેસિયા કહેવાય છે અને મોટા ભાગનાં બાળકોમાં પિત્તની નળીને આંતરડા સાથે જોડવાનું ઓપરેશન કરવું પડતું હોય છે.

લિવરના કાર્યો

આપણે ખાધેલો ખોરાક પહેલા હોજરીમાં જાય છે અને ત્યાંથી તે આંતરડામાં જાય છે. આ ખોરાક પછી આંતરડામાં પાચન થાય છે અને એ પાચન થયેલો ખોરાક આંતરડામાંથી સૂચાઈને લોહીની નળીઓ દ્વારા પ્રથમ લિવરમાં જાય છે. લિવર આ ખોરાકનું પ્રૃથક્કરણ કરી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામીન વગેરે ઘટક તત્વો છૂટા પાડે છે અને તેમનો સંચય કરે છે. ખોરાક સાથે અનેક સૂક્ષ્મ જીવાણુઓ પણ આંતરડામાંથી લિવરમાં જાય છે અને લિવર તેમનો નાશ કરે છે. આ ઉપરાંત લિવર પિત્ત બનાવે છે જે ચરબીની ચયાપચય (મેટાબોલીઝમ) ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે.
આપણા શરીરની લોહીની નળીઓમાં રક્ત સતત વહેતું હોય છે. જો શરીર પર કોઈ ઈજા થાય તો રક્તસ્ત્રાવ થાય છે, પરંતુએ રક્તસ્ત્રાવ સતત નથી થતો કારણ કે તે રક્ત થોડા સમયમાં જામી જાય છે. રક્ત જામી જવાના ઘટક તત્વો પણ લિવર બનાવે છે. વ્યક્તિ બીમાર પડે અને તેને વિવિધ દવાઓ અથવા ઔષધીઓ આપવામાં આવે છે. મોટા ભાગની દવાઓનો શરીરમાં નાશ કરવાનું કાર્ય લિવર કરે છે અને તેથી જ દવાઓની અસર કે આડઅસર લાંબા સમય સુધી રહેતી નથી.

લિવરના રોગો

લિવર બગડવાના અનેક કારણો છે. બાળકોના લિવરના રોગો અને પુખ્ત વયના લિવરના રોગો ઘણા જુદા હોય છે. જન્મ વખતે લિવરમાંથી નિકળતી પિત્તની નળી જો ખોડખાંપણવાળી હોય તો પિત્ત લિવરમાં જમા થયા કરે છે અને બાળકને કમળો (પીળીયો) થાય છે. આ પરિસ્થિતિને બિલિયરી એટ્રેસિયા કહેવાય છે અને મોટા ભાગના બાળકોમાં પિત્તની નળીને આંતરડા સાથે જોડવાનું ઓપરેશન કરવું પડતું હોય છે. આ ઓપરેશનની સફળતા થોડાક વર્ષો સુધી રહે છે અને કેટલાક બાળકોને લિવર વધુ બગડે છે. આ ઉપરાંત કેટલીક રાસાયણિક પ્રક્રિયા થવા માટેના ઉદ્દિપકો જન્મથી જ લિવરમાં ન બનવાના કારણે કેટલાક બાળકોને ગંભીર પ્રકારના રોગ થાય છે જેની સારવાર કરવી જટીલ હોય છે.
પુખ્ત વયની વ્યક્તિઓનું લિવર કેટલીક ખરાબ ટેવોના કારણે અથવા ચેપી વાયરસ ઈન્ફેક્શનના કારણે બગડે છે. દારૂનું સેવન, અતિ મેદસ્વીતા, હિપેટાઈટીસ વાયરસથી ચેપ લાગવો એ સામાન્ય કારણો છે. કેટલાક કેસમાં દવાની આડઅસરોના કારણે લિવર ઝડપથી ખરાબ થઈ શકે છે. દા:ત. કેટલીક વ્યક્તિઓમાં ટીબી માટે વપરાતી દવાઓથી લિવર ખરાબ થઈ શકે છે અને એટલે જ ટીબીના દર્દીઓને આ દવાઓ આપતા પહેલા અને પછી લિવરના કાર્યોના લેબોરેટરી ટેસ્ટની ડૉક્ટર સલાહ આપે છે.

લિવર બગડવાના લક્ષણો

શરૂઆતમાં તાવ આવવો, નબળાઈ લાગવી, ભૂખ ન લાગવી, પેટના ઉપરના ભાગમાં જમ્યા પછી ભારે વજન લાગવું, કમળો થવો જેવા લક્ષણો આવે છે. જો રોગ ઝડપથી આગળ વધે તો લિવર ફેઈલ થવાથી જીવનનું જોખમ ઊભું થાય તેવી પરિસ્થિતિ પણ આવી શકે છે. દર્દીને ચેપ લાગવાની સંભાવના વધી જાય, યાદશક્તિ ઘટી જાય અને ઉંઘ આવ્યા કરે, કિડની પર અસર થાય અને પેશાબ ઓછો થઈ જાય. જેવા લક્ષણો એક્યુટ લિવર ફેઈલ્યોરની નિશાની છે.
ઘણા ખરા કેસમાં દર્દીને લિવરની બીમારીના કોઈ જ ચિહ્નો વર્ષો સુધી જોવા મળતા નથી. દા:ત. જે વ્યક્તિઓનું વજન વધારે છે અને મેદસ્વીતા છે તેમને ફેટી લિવર (ચરબી ભરેલું લિવર) હોય છે અને સાથે ડાયાબિટીસ પણ મહદ્અંશે હોય છે અથવા દર્દીઓનું લિવર ધીમી ગતીએ બગડતુ જાય છે અને સીરોસીસ ઓફ લિવર થાય એટલે કે, લિવર સંકોચાઈ જાય ત્યારે જ લિવર ખરાબ થવાના લક્ષણો આવે છે. સિરોસીસએ ગંભીર બીમારી છે અને તેમા દર્દીના પેટમાં પાણી ભરાય છે, પગે સોજા આવે છે તથા ખોરાક ઘટી જાય છે. લોહીની ઉલટી થવી અથવા મળ વાટે લોહી નિકળવું, અતિશય નબળાઈ આવવી, પેટમાં ભરાયેલા પાણીમાં ચેપ લાગી જવો, મગજ શિથિલ થઈ જવાથી દિવસ દરમિયાન ઉંઘ આવ્યા કરવી વગેરે જેવા લક્ષણો આવે છે. આવા લક્ષણો આવે તે દર્દીઓનું લિવર ક્યારેય ફરી સાજુ થઈ શકતું નથી અને જેમ વધુ સમય જાય તેમ દર્દીને હોસ્પિટલમાં વારંવાર બતાવવા જવું પડે છે.

લિવર ખરાબ થાય તેની સારવાર

લિવરના કેટલાક રોગો અસાધ્ય છે જ્યારે કેટલાક સાધ્ય છે. વાયરલ હિપેટાઈટીસના દર્દીઓને ડૉક્ટરની સલાહ મુજબ દવા લેવાથી સંપૂર્ણ સાજા થઈ જવાની સંભાવના હોય છે અને વજન ઓછું કરવાથી અને નિયમિત કસરત કરવાથી ચરબીવાળું લિવરએ ચરબીમુક્ત થઈ શકે છે. દારૂનું સેવન બંધ કરવાથી શરૂઆતના તબક્કામાં ખરાબ થયેલું લિવર ફરી પાછું નોર્મલ થઈ શકે છે.
બાળકોમાં થતા બિલીયરી એટ્રેસિયા (પિત્તની નળી જન્મથી જ ન હોવી) જેવા રોગમાં પિત્તની નળીને આંતરડા સાથે જોડવાનું ઓપરેશન અમુક વર્ષો પછી કેટલાક બાળકોમાં કાર્ય કરતુ નથી. આવા બાળકોમાં સમયસર લિવર પ્રત્યારોપણ કરવું પડે છે. તેવી જ રીતે કેટલાક મેટાબોલીક લિવરના રોગોમાં દા:ત. પ્રાયમરી ઓક્ઝેલોસીસ, મેપલ સિરપ યુરિન ડિસિઝ જેવી પરિસ્થિતિમાં લિવર પ્રત્યારોપણની જરૂર પડી શકે છે. સિરોસીસ ઓફ લિવર થાય તેવા દર્દીઓને લિવરની લોહીની મુખ્ય નળીમાં દબાણ વધી જવાથી ગંભીર તકલીફો થાય છે અને તેને ડિકોમ્પેન્સેટેડ સિરોસિસ કહે છે. મોટાભાગના આવા દર્દીઓને લિવર પ્રત્યારોપણની વહેલી કે મોડા જરૂર પડે છે.

લિવર પ્રત્યારોપણ

જ્યારે લિવર એક હદ કરતા વધારે ખરાબ થઈ જાય કે જીવન ટકાવી રાખવું મુશ્કેલ બને ત્યારે ખરાબ થયેલા લિવરને દર્દીના શરીરમાંથી કાઢી નવું લિવર મુકવામાં આવે તેને લિવર પ્રત્યારોપણ અથવા લિવર ટ્રાન્સપ્લાન્ટ કહેવામાં આવે છે. નવુ લિવર મોટા ભાગના દર્દીઓને તેમના સગવહાલામાંથી કોઈ દાતા આપે છે. શરીરમાં લિવર એકમાત્ર એવું અવયવ છે કે જે અડધુ કાઢી લેવામાં આવે તો એક અઠવાડિયાથી ત્રણ મહિનામાં ફરી પાછુ હતુ તે કદનું થઈ જાય છે અને લિવરના આ ગુણધર્મનો ઉપયોગ કરી લિવરદાતાનું અડધુ લિવર કાઢી દર્દીમાં તે પ્રત્યારોપણ કરવામાં આવે છે.

લિવર કોણ આપી શકે?

લિવર દાતાની ઉંમર ૧૮ વર્ષથી મોટી અને ૫૫ વર્ષથી નાની હોવી જોઈએ. મા-બાપ, ભાઈ-બહેન, પતિ-પત્ની અથવા ૧૮ વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ લિવર આપી શકે છે. જો લિવરમાં મેદસ્વીતા હોય તો તેવી વ્યક્તિ લિવરનું દાન વજન ઘટાડ્યા પછી જ આપી શકે છે. આ ઉપરાંત બ્રેઈનડેડ વ્યક્તિના સગાવહાલા જો અંગદાનની સ્વિકૃતિ આપે તો મૃત વ્યક્તિનું લિવર પણ ઉપયોગમાં લઈ શકાય છે. હૃદય બંધ પડી ગયાના ૧૦-૧૫ મિનિટમાં લિવર મૃત વ્યક્તિમાંથી સગાવહાલાની મંજૂરીથી દાનમાં લઈ અન્ય જરૂરમંદ દર્દીને પ્રત્યારોપણ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.

લિવર પ્રત્યારોપણ પછી કાળજી

દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરેલુ નવું લિવર એ દર્દીનું પોતાનું અંગ નથી. આથી શરીરની ઈમ્યુન સિસ્ટમ તેનો નાશ કરવાની (Rejection) કોશીશ કરે છે. ઈમ્યુન સિસ્ટમને કાબૂમાં રાખવા માટે ચોક્કસ પ્રકારની દવાઓ દર્દીને આપવામાં આવે છે જેને ઈમ્યુનો સપ્રેસન્ટ દવાઓ કહે છે. આ દવાઓથી લિવરનું રિજેક્શન થતું અટકે છે અને દર્દી પુન:નોર્મલ જીવન જીવે છે દવાની આડઅસરો જેવી કે ડાયાબિટીસ થવા અથવા બ્લડપ્રેશર (બીપી) વધવું તથા રોગપ્રતિકારક શક્તિ ઘટવીએ કેટલાક દર્દીઓમાં જોવા મળે છે અને તેથી વધારાની સારવાર લેવી પડે છે. સ્વચ્છતા રાખવીએ દરેક પ્રત્યારોપણ કરેલ દર્દી માટે આવશ્યક છે. પ્રત્યારોપણ કરાવેલ દર્દીને સમયસર ડૉક્ટરનો ફોલોઅપ કરવો આખી જીંદગી માટે આવશ્યક છે.

ડો પ્રાંજલ મોદી, લિવર એન્ડ કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate